Market Summary 01/06/2023

વૈશ્વિક સ્તરે મિશ્ર માહોલ વચ્ચે શેરબજારમાં બીજા દિવસે નરમાઈ
નિફ્ટીએ 18500ની સપાટી ગુમાવી
ઈન્ડિયા વિક્સ 3.2 ટકા ગગડી 11.59ના સ્તરે
ફાર્મા, રિઅલ્ટી, આઈટી, ઓટોમાં મજબૂતી
બેંકિંગ, ફાઈનાન્સિયલ્સ, એનર્જીમાં નરમાઈ
બ્રોડ માર્કેટમાં ઘટાડે લેવાલી જોવા મળી
ઈપીએલ, ઝેનસાર ટેક, કેપીઆઈટી નવી ટોચે

વૈશ્વિક સ્તરે મિશ્ર ટ્રેન્ડ વચ્ચે સ્થાનિક શેરબજારમાં બીજા સત્રમાં નરમાઈ જોવા મળી હતી. બીએસઈ સેન્સેક્સ 194 પોઈન્ટ્સ ઘટાડા સાથે 62429ની સપાટીએ જ્યારે નિફ્ટી 47 પોઈન્ટ્સ નરમાઈએ 18488 પોઈન્ટ્સની સપાટીએ જોવા મળ્યો હતો. બ્રોડ માર્કેટમાં જોકે ખરીદી પરત ફરી હતી. જેની પાછળ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3661 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2030 પોઝીટીવ બંધ જોવા મળ્યાં હતાં. જ્યારે 1513 નેગેટિવ જોવા મળતાં હતાં. 179 કાઉન્ટર્સે તેમના વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યારે 38 કાઉન્ટર્સે તેમનું 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 3.2 ટકા ગગડી 11.59ના સ્તરે બંધ રહ્યો હતો.
ગુરુવારે સપ્તાહના ચોથા સત્ર દરમિયાન ભારતીય શેરબજારે ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યાં પછી ધીમો ઘસારો જાળવી રાખ્યો હતો. જ્યારે સત્રના આખરી ભાગમાં વેચવાલી થોડી વધતી જોવા મળી હતી. જેની પાછળ બેન્ચમાર્ક્સ પા ટકા ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં. નિફ્ટી અગાઉના 18534ના બંધ સામે 18579ની સપાટીએ ખૂલી ઉપરમાં 18580ની સપાટી દર્શાવી નીચામાં 18465 પર ટ્રેડ થયો હતો. તેણે બંધ પણ 18500ની નીચે આપ્યું હતું. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 87 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 18575ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 89 પોઈન્ટ્સના પ્રિમીયમની બરાબર જ છે. આમ, માર્કેટમાં લોંગ અને શોર્ટ પોઝીશન લગભગ અગાઉના સ્તરે જળવાય હોવાનું જણાય છે. જે શુક્રવારે માર્કેટમાં સુધારાની શક્યતાં સૂચવે છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટીમાં 18600ની સપાટી પર બંધ જોવા મળે તો આગામી સપ્તાહે અગાઉની ટોચ સુધીનો સુધારો સંભવ છે.
ગુરુવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા મુખ્ય કાઉન્ટર્સમાં એપોલો હોસ્પિટલ, ડિવિઝ લેબ્સ, તાતા મોટર્સ, બજાજ ઓટો, એશિયન પેઈન્ટ્સ, હીરો મોટોકોર્પ, સન ફાર્મા, સિપ્લા, આઈશર મોટર્સ, એચયૂએલ, ડો. રેડ્ડીઝ લેબ્સ, ટીસીએસ, નેસ્લેનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, કોલ ઈન્ડિયા, કોટક મહિન્દ્રા બેંક, ભારતી એરટેલ, એસબીઆઈ લાઈફ, એચડીએફસી લાઈફ, આઈસીઆઈસીઆઈ બેંક, આઈટીસી, યૂપીએલ અને ગ્રાસિમ નોંધપાત્ર ઘટાડો દર્શાવતાં હતાં. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો ફાર્મા, રિઅલ્ટી, આઈટી, ઓટોમાં મજબૂતી જોવા મળતી હતી. જ્યારે બેંકિંગ, ફાઈનાન્સિયલ્સ, એનર્જીમાં નરમાઈ જણાતી હતી. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ એક ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેમાં સુધારો દર્શાવનારા મુખ્ય ઘટકોમાં ડિવિઝ લેબ્સ, ઝાયડસ લાઈફ, સન ફાર્મા, સિપ્લા, ડો. રેડ્ડીઝ લેબ્સ, લ્યુપિન અને આલ્કેમ લેબ્સનો સમાવેશ થતો હતો. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ સર્વોચ્ચ ટોચ દર્શાવ્યાં પછી એક ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેમાં સુધારો દર્શાવવામાં સોભા, ફિનિક્સ મિલ્સ, બ્રિગેડ એન્ટરપ્રાઈઝ, ઓબેરોય રિઅલ્ટી, ગોદરેજ પ્રોપર્ટીઝ, સનટેક રિઅલ્ટી અને ડીએલએફનો સમાવેશ થાય છે. જોકે, નિફ્ટીબેંક 0.8 ટકા નરમાઈ સાથે બંધ રહ્યો હતો. જેમાં કોટક મહિન્દ્રા બેંક ઘટવામાં ટોચ પર હતો. આ ઉપરાંત આઈસીઆઈસીઆઈ બેંક, એયૂ સ્મોલ ફાઈ. બેંક, પીએનબીમાં પણ નરમાઈ જોવા મળી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટમાં ઈન્ડિયા સિમેન્ટ્સ 4.23 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત એપોલો હોસ્પિટલ્સ, આરબીએલ બેંક, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ, ઈન્ફો એજ, એમએન્ડએમ ફાઈનાન્સિયલ, ઈન્ડસ ટાવર્સ, લૌરસ લેબ્સ, કેન ફિન હોમ્સ, મણ્ણાપુરમ ફાઈનાન્સમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ, કોલ ઈન્ડિયા 4.5 ટકા સાથે ઘટવામાં ટોચ પર હતો. આ ઉપરાંત એબીબી ઈન્ડિયા, કોટક મહિન્દ્રા, ગુજરાત ગેસ, ટોરેન્ટ ફાર્મા, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ, ભારતી એરટેલ, ટીવીએસ મોટર, એસબીઆઈ લાઈફ, કોન્કોર, એચડીએફસી લાઈફ અને આઈજીએલમાં નોઁધપાત્ર ઘટાડો જોવા મળતો હતો. કેટલાંક વાર્ષિક ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં ઈપીએલ, ઝેનસાર ટેક, કેપીઆઈટી નવી ટોચે જોવા મળ્યાં હતાં.

માર્ચ ક્વાર્ટરમાં બેંકિંગ સેક્ટરના ઊંચા દેખાવે કોર્પોરેટ આવકમાં દ્વિઅંકી વૃદ્ધિ
ભારતીય કોર્પોરેટ ક્ષેત્રે સતત બીજા ક્વાર્ટરમાં એકઅંકી નફા વૃદ્ધિ દર્શાવી
બેંકિંગ અને ફાઈનાન્સિયલ્સને બાકાત રાખીએ તો કંપનીઓની આવકમાં વાર્ષિક 11.3 ટકા ઘટાડો નોંધાયો

કોર્પોરેટ સેક્ટરે માર્ચ ક્વાર્ટરમાં આવક વૃદ્ધિ દરમાં ઘટાડા છતાં દ્વિઅંકી વૃદ્ધિ દર જાળવી રાખ્યો હતો. જોકે, નેટ પ્રોફિટ વૃદ્ધિ દર સતત બીજા ક્વાર્ટર દરમિયાન એક અંકી જોવા મળ્યો હતો. બેંકિંગ અને ફાઈનાન્સ કંપનીઓના ઊંચા દેખાવને કારણે નેટ પ્રોફિટ ગ્રોથ ટકેલો રહ્યો હતો એમ વર્તુળો જણાવે છે. ત્રિમાસિક ધોરણે ઓપરેટિંગ નફામાં સુધારો જોવા મળ્યો હતો, જોકે વાર્ષિક ધોરણે તેના પર દબાણ જળવાયું હતું.
અત્યાર સુધીમાં માર્ચ ક્વાર્ટર પરિણામો જાહેર કરી ચૂકેલી 2863 કંપનીઓના પરિણામોનો અભ્યાસ કરીએ તો વાર્ષિક ધોરણે તેમની આવકમાં 13.4 ટકાના દરે વૃદ્ધિ નોંધાઈ હતી. જૂન 2022 ક્વાર્ટરમાં આવકમાં 33.9 ટકાના તીવ્ર ગ્રોથ પછી ટોપ લાઈન ગ્રોથ નરમ પડ્યો હતો અને ક્વાર્ટર-પ્રતિ-ક્વાર્ટર તે ઘટાડો દર્શાવતો જોવા મળ્યો હતો. માર્ચ ક્વાર્ટરમાં નેટ પ્રોફિટમાં 6.5 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. સપ્ટેમ્બર ક્વાર્ટરની સરખામણીમાં તેમાં સુધારો જોવા મળ્યો હતો. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં નેટ પ્રોફિટમાં 11.5 ટકા ઘટાડો નોંધાયો હતો. વર્ષ અગાઉ સમાન ક્વાર્ટરમાં રેવન્યૂમાં 21.7 ટકા અને પ્રોફિટમાં 37.2 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી.
અગ્રણી બ્રોકરેજ સંસ્થાના એનાલિસ્ટના જણાવ્યા મુજબ માર્ચ 2023 ક્વાર્ટરમાં કોર્પોરેટ અર્નિંગ્સ કેટલાંક ક્ષેત્રોમાં અમારી અપેક્ષા મુજબ જ જોવા મળી છે. જ્યારે કેટલાંક સેક્ટર્સમાં તે નબળી રહી છે. જેમકે ઓટો અને ફાઈનાન્સિયલ્સ સેક્ટરમાં અર્નિંગ્સ સારા રહ્યાં છે. જ્યારે મેટલ્સમાં તે નબળાં જળવાયાં છે એમ ઈન્સ્ટીટ્યુશ્નલ ઈક્વિટી હેડ જણાવે છે. એક અન્ય બ્રોકરેજના રિસર્ચ હેડના મતે માર્ચ ક્વાર્ટરમાં ટોપ લાઈનમાં ઊંચા ગ્રોથનું કારણ ખર્ચને ગ્રાહકો પર પસાર કરવામાં સફળતાં છે. સાથે માગ પરત ફરતાં વોલ્યુમ ગ્રોથ પણ જોવા મળ્યો છે. જ્યારે નેટ પ્રોફિટમાં ઘટાડા પાછળ ઈન્ટરેસ્ટ ખર્ચથી લઈ કારણો જવાબદાર રહ્યાં છે. તેમના મતે કેટલાંક શેર્સ ઊંચો દેખાવ દર્શાવી રહ્યાં છે જ્યારે મોટાભાગના શેર્સના દેખાવમાં ખરાબી જોવા મળી રહી છે. તેમના મતે માર્ચ ક્વાર્ટરના દેખાવ પાછળ બેંક્સ અને ફાઈનાન્સિયલ કંપનીઓની ઊંચી કામગીરી જવાબદાર હતી. બેંકિંગ કંપનીઓએ વાર્ષિક ધોરણે રેવન્યૂમાં 31.9 ટકા અને નેટ પ્રોફિટમાં 29.7 ટકા વૃદ્ધિ દર્શાવી હતી. ફાઈનાન્સ કંપનીઓ માટે રેવન્યૂ ગ્રોથ 17.3 ટકા અને નેટ પ્રોફિટમાં 64.8 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. જો બેંકિંગ અને ફાઈનાન્સિયલ્સને બાકાત રાખીએ તો કંપનીઓની આવકમાં વાર્ષિક 11.3 ટકા ઘટાડો નોંધાયો હતો. જ્યારે નેટ પ્રોફિટમાં 4.9 ટકા ઘટાડો જોવા મળ્યો હતો. જે સતત ત્રીજા ક્વાર્ટર દરમિયાન ઘટાડો સૂચવે છે. સેમ્પલ કંપનીઓના માર્જિનમાં વાર્ષિક ધોરણે 1.1 ટકાનો ઘટાડો નોંધાયો હતો અને તે 17.9 ટકા પર રહ્યાં હતાં. તેણે ત્રિમાસિક ધોરણે જોકે 40 બેસીસ પોઈન્ટ્સનો સુધારો દર્શાવ્યો હતો.

દેશનું અર્થતંત્ર 6.5-6.7 ટકા વૃદ્ધિ દર દર્શાવે તેવી શક્યતાઃ CII
સીઆઈઆઈના નવા પ્રમુખના મતે કન્ઝ્યૂમર ઈન્ફ્લેશન આરબીઆઈના કમ્ફર્ટ ઝોનમાં જળવાશે

ઉદ્યોગ સંસ્થા સીઆઈઆઈએ ગુરુવારે જણાવ્યું હતું કે દેશનું અર્થતંત્ર ચાલુ નાણાકિય વર્ષ દરમિયાન 6.5-6.7 ટકાનો વૃદ્ધિ દર દર્શાવે તેવી અપેક્ષા છે. મજબૂત સ્થાનિક ચાલકબળો અને સરકાર તરફથી ઊંચા કેપેક્સ મોમેન્ટમ પાછળ આમ જોવા મળશે. 2022-23ના આખરી એવા માર્ચ ક્વાર્ટરમાં દેશનો જીડીપી વૃદ્ધિ દર 6.1 ટકા પર જોવા મળ્યો હતો. જે સાથે સમગ્ર નાણા વર્ષ માટે 7.2 ટકા વાર્ષિક વૃદ્ધિ દર નોંધાયો હતો.
ઊંચા વૃદ્ધિ દરને કારણે દેશનું અર્થતંત્ર 3.3 અબજ ડોલર પર પહોંચ્યું હતું. જે આગામી કેટલાંક વર્ષોમાં અર્થતંત્રને 5 ટ્રિલિયન ડોલર પર લઈ જવાના ટાર્ગેટને હાંસલ કરવા તરફ આગળ વધી રહ્યું છે. માધ્યમોને સંબોધતાં કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીના નવા ચૂંટાયેલા પ્રમુખ આર દિનેશે જણાવ્યું હતું કે વર્તમાન દાયકામાં(2021-22થી 2020-21) ભારતીય જીડીપી ગ્રોથ 7.8 ટકા પર પહોંચે તેવી અપેક્ષા છે. જે અગાઉના દાયકામાં 6.6 ટકા પર જોવા મળ્યો હતો. 2023-24 માટે અમે 6.5-6.7 ટકાનો જીડીપી ગ્રોથ જોઈ રહ્યાં છીએ એમ તેમણે ઉમેર્યું હતું. જેમાં સરકાર તરફથી ઊંચો મૂડીખર્ચ મહત્વની ભૂમિકા ભજવશે. તેમણે જણાવ્યું હતું કે સરકારનો માળખાકિય સુધારાનો એજન્ડા દેશને સૌથી ઝડપે વધી રહેલું અર્થતંત્ર બનાવવામાં મહત્વનો બની રહ્યો છે. તે આગામી સમયગાળામાં પણ જળવાશે એમ જણાય છે. ચાલુ વર્ષે જી-20ની પ્રેસિડેન્સીને જોતાં ભારત માટે ખૂબ મહત્વનું વર્ષ છે. સમગ્ર વિશ્વ આપણા તરફ જોઈ રહ્યું છે. ગયા વર્ષે, ભારત પર ખૂબ ફોકસ જોવા મળ્યું હતું અને તેના તરફથી ઊભી થયેલી તકો આપણા માટે મહત્વની છે એમ આર દિનેશે ઉમેર્યું હતું. ઉદ્યોગ સંસ્થાના મતે 2023-24માં કન્ઝ્યૂમર પ્રાઈસ ઈન્ડેક્સ(સીપીઆઈ) ઘટીને આરબીઆઈની ટાર્ગેટ રેંજમાં જોવા મળશે. ઈન્ફ્લેશનમાં ઝડપી ઘટાડાને જોતાં આરબીઆઈએ શોર્ટ-ટર્મ લેન્ડિંગ રેટ(રેપો રેટ)માં ઘટાડો કરવો જોઈએ એમ પર દિનેશે ભારપૂર્વક જણાવ્યું હતું. એપ્રિલમાં રિટેલ ઈન્ફ્લેશન ઘટીને 4.7 ટકાના 18-મહિનાના તળિયા પર જોવા મળ્યું હતું. મે મહિના માટેનો ડેટા ચાલુ મહિનાની આખરમાં રજૂ થશે. માર્ચ-2023માં રિટેલ ફુગાવો 5.66 ટકા પર જોવા મળતો હતો. જ્યારે તેના એક વર્ષ અગાઉ તે 7.79 ટકા પર રહ્યો હતો. આરબીઆઈએ તેની છેલ્લી નાણાનીતિ સમક્ષા દરમિયાન ઈન્ટરેસ્ટ રેટને સ્થિર જાળવવાનું યોગ્ય માન્યું હતું. જોકે મે 2022થી લઈ તેણે રેપો રેટમાં 250 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ દર્શાવી હતી.

FIIની પસંદગી બદલાતાં ભારત, તાઈવાન અને કોરિયાને ફાયદોઃ CLSA
તાજેતરમાં વિદેશી સંસ્થાકિય રોકાણકારોની ખરીદી છતાં ઈમર્જિંગ માર્કેટ્સમાં વિદેશી માલિકીનું સ્તર નીચું
વિદેશી રોકાણકારો(એફઆઈઆઈ) તેમના 2022માં જોવા મળતાં ફેવરિટ માર્કેટ્સથી દૂર થઈ રહ્યાં હોવાથી ભારત સહિત તાઈવાન અને કોરિયા જેવા શેરબજારોને ફાયદો થઈ રહ્યો હોવાનું સીએલએસએએ તેના રિપોર્ટમાં નોંધ્યું છે. ગયા કેલેન્ડરમાં બ્રાઝિલ, સાઉદી અરેબિયા અને થાઈલેન્ડ એફઆઈઆઈના પસંદગીના બજારો હતાં.
ચાલુ કેલેન્ડરમાં વિદેશી રોકાણકારો ઈમર્જિંગ માર્કેટ્સમાં સક્રિય અને મજબૂત ખરીદી દર્શાવી રહ્યાં છે. જાન્યુઆરીથી લઈને અત્યાર સુધીના આંકડાઓ જોઈએ તો નોંધપાત્ર ખરીદી જોવા મળી છે. બિનનિવાસીઓ તરફથી 52 અબજ ડોલરની ચોખ્ખી ખરીદી નોંધાઈ છે. જે 2019ના પ્રથમ અર્ધવાર્ષિક સમયગાળાથી અત્યાર સુધીમાં સૌથી ઊંચી ખરીદી છે. ચીનને ગણનામાં ના લઈએ તો ચોખ્ખી ખરીદી 21 અબજ ડોલર પર બેસે છે. વિદેશી રોકાણકારો હવે તાઈવાન, કોરિયા અને ભારતમાં વૃદ્ધિની સંભાવનાઓ જોઈ રહ્યાં છે. જેને કારણે ભારતીય બજારમાં તેઓ ગયા વર્ષની સરખામણીમાં ચોખ્ખી ખરીદી દર્શાવી રહ્યાં છે. 2022માં એફઆઈઆઈએ સ્થાનિક બજારમાં 17.21 અબજ ડોલરનું વેચાણ નોંધાવ્યું હતું. જેની સાથે ચાલુ કેલેન્ડરમાં તેઓ અત્યાર સુધીમાં રૂ. 30 હજાર કરોડ સુધીની ચોખ્ખી ખરીદી સૂચવે છે. 2022માં ભારતીય બજાર હરિફોની સરખામણીમાં મોંઘું જણાતું હોવાથી એફપીઆઈની વેચવાલી જોવા મળી હતી.
સીએલએસએના તાજાં રિપોર્ટ મુજબ માર્કેટ-કેપિટલાઈઝેશનના સંદર્ભમાં તાઈવાન અને કોપિયાને સૌથી વધુ લાભ મળ્યો છે. તેમણે એફઆઈઆઈની ખરીદીનો નોંધપાત્ર લાભ થયો છે. જેમાં તાઈવાને માર્કેટ-કેપના 0.6 ટકા જ્યારે કોરિયાએ 0.5 ટકા નેટ પરચેઝ આકર્ષ્યું છે. જ્યારે આનાથી ઊલટું, બ્રાઝિલ, ઈન્ડોનેશિયા અને સાઉદી અરેબિયાએ 2023ની સરખામણીમાં નોંપાત્ર ઘટાડો નોંધાવ્યો છે. બ્રાઝિલે 2022માં તેમણે માર્કેટ-કેપના 2.3 ટકા ખરીદી સામે ચાલુ વર્ષે 0.2 ટકા ખરીદી જ નોંધાવી છે. જ્યારે ઈન્ડોનેશિયાએ 2022માં 1.2 ટકા સામે 0.7 ટકા ખરીદી દર્શાવી છે. જો પ્રાદેશિક સ્તરે જોઈએ તો ચીન સિવાયના એશિયાએ વિદેશી રોકાણકારો તરફથી સૌથી ઊંચી ખરીદી નોંધાવી છે. 2023ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં તેમણે 23 અબજ ડોલરની ખરીદી દર્શાવી છે. જે 2019 પછીનો સૌથી ઊંચો ઈનફ્લો સૂચવે છે. લેટીન અમેરિકામાં બ્રાઝિલે ગયા વર્ષની સરખામણીમાં નેટ ઈનફ્લોમાં ઘટાડો અનુભવ્યો છે. એફઆઈઆઈની ખરીદી પરત ફરવા છતાં ઈમર્જિંગ માર્કેટ્સમાં વિદેશી માલિકીનું લેવલ પ્રમાણમાં નીચી સપાટીએ જોવા મળે છે. જે વધુ ખરીદીનો સંકેત આપે છે એમ સીએલએસએનું માનવું છે. માર્કેટ-કેપની ટકાવારીની રીતે વિદેશી ઈક્વિટી માલિકી પર નજર નાખીએ તો ભારતમાં તે 17 ટકા, તૂર્કીમાં 9 ટકા, મલેશિયામાં 20 ટકા, ફિલિપિન્સમાં 20 ટકા અને કોરિયામાં 25 ટકા જોવા મળે છે.

મેમાં મારુતિના વેચાણમાં 10 ટકા, મહિન્દ્રાના વેચાણમાં 23 ટકા વૃદ્ધિ
ચીપ સહિતના ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણોની શોર્ટેજ પાછળ ઉત્પાદનમાં લોસ યથાવત

ટોચની કાર ઉત્પાદક મારુતિ સુઝુકી ઈન્ડિયાએ ચાલુ નાણા વર્ષના બીજા મહિનામાં 10 ટકા વૃદ્ધિ સાથે 1.78 લાખ યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું છે. કંપનીએ ચીપની તંગી વચ્ચે વેચાણ વૃદ્ધિ દર્શાવી છે. જોકે, કંપની તેના ટોચના મોડેલ્સ માટે ઊંચો બેકલોગ જોઈ રહી છે. યુટીલિટી વેહીકલ અગ્રણી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ પણ મે મહિનામાં વાર્ષિક 22 ટકા વેચાણ વૃદ્ધિ સાથે 32,886 યુનિટ્સનું વેચાણ દર્શાવ્યું છે.
મારુતિની અપેક્ષા મુજબ એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ઈલેક્ટ્રોનિક કોમ્પોનેન્ટ્સની તંગીને કારણે ઉત્પાદનમાં કેટલુંક નુકસાન જળવાશે. જેમાં જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં થોડી રાહત મળે તેવી શક્યતાં છે એમ સિનિયર અધિકારી જણાવે છે. તેમના ઉમેર્યાં મુજબ ગયા નાણાકિય વર્ષે કંપનીએ ઉત્પાદનમાં 1.7 લાખ યુનિટ્સનું નુકસાન ભોગવ્યું હતું. આ જ રીતે તેણે ચોથા ક્વાર્ટરમાં 38 હજાર યુનિટ્સનું નુકસાન ઉઠાવ્યું હતું. સપ્લાયની સરખામણીમાં ઊંચી ડિમાન્ડ જોતાં ઓટો અગ્રણીની ઓર્ડર બુકમાં ઊંચી વૃદ્ધિ જવા મળી રહી છે અને તે 4 લાખ યુનિટ્સનો બેકલોગ જોઈ રહી છે. જેમાં અર્ટીંગ 1 લાખ બુકિંગ્સ સાથે ટોચ પર છે. વર્તમાન સપ્લાય ચેઈન અવરોધોને કારણે કંપનીએ એપ્રિલમાં ઉત્પાદનમાં નુકસાન ભોગવ્યું હતું. મેમાં પણ સમાન સ્થિતિ જળવાય હતી. જ્યારે જૂનમાં પણ સમાન સ્થિતિ જોવા મળશે તેવી તેની ધારણા છે. અર્ટીગા ઉપરાંત કોમ્પેક્ટ એસયૂવી બ્રેઝા પણ 60000 યુનિટ્સનો બેકલોગ ધરાવે છે. આ ઉપરાંત જિમ્ની અને ફ્રોન્ક્સ, બંને 30-30 હજાર યુનિટ્સથી વધુના ઓર્ડર્સ ધરાવે છે.
દરમિયાનમાં મહિન્દ્રાએ મે મહિનામાં 26,904 યુનિટ્સ પેસેન્જર વેહીકલ્સના વેચાણ સાથે કુલ 32,886 યુનિટ્સ વાહનો વેચ્યાં હતાં. જેમાં 32,883 યુનિટ્સ યુટિલિટી વેહીકલ્સ હતાં. ગયા વર્ષે તેણે સમાનગાળામાં 26,632 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. આમ વાર્ષિક ધોરણે 23 ટકા વૃદ્ધિ નોંધાવી હતી. કંપનીની કાર્સ અને વેન્સનું વેચાણ માત્ર 3 યુનિટ્સનું જોવા મળ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 272 યુનિટ્સ પર હતું. કંપનીના અધિકારીના જણાવ્યા મુજબ અમે મજબૂત એસયૂવી માગ પાછળ ઊંચી વૃદ્ધિ જોઈ રહ્યાં છીએ. જોકે, એન્જિન સંબંધી પાર્ટ્સમાં સપ્લાય શોર્ટેજને કારણે એસયૂએવી અને પિક-અપ્સના વેચાણ વોલ્યુમ પર અસર પડી હોવાનું તેઓનું કહેવું છે. તેમના મતે સેમીકંડક્ટર સપ્લાયમાં અવરોધો સાથે એર બેગ ઈસીયૂમાં પણ શોર્ટેજ જળવાય હતી. મે મહિનામાં કંપનીની કુલ નિકાસ 2616 યુનિટ્સ પર રહી હતી. જે મે મહિનામાં 2028 યુનિટ્સ સામે 29 ટકા વૃદ્ધિ દર્શાવે છે. ફાર્મ ઈક્વિપમેન્ટ સેક્ટરમાં એમએન્ડએમે કુલ 34,126 યુનિટ્સ ટ્રેકટર્સનું વેચાણ નોંધાવ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં 35,722 યુનિટ્સની સરખામણીમાં 4 ટકા ઘટાડો સૂચવે છે. જેમાં સ્થાનિક વેચાણ 3 ટકા ઘટી 33,113 યુનિટ્સ પર જ્યારે નિકાસ 35 ટકા ઘટી 1013 યુનિટ્સ પર રહી હતી.

બાઈજુસના લેન્ડર્સે 1.2 અબજ ડોલરની લોન રિસ્ટ્રક્ચરિંગ મંત્રણા પડતી મૂકી
કંપની 50 કરોડ ડોલરનું ફંડ ઉભું કર્યાંનું છૂપાવ્યું હોવાના આક્ષેપસર લેન્ડર્સનું પગલું

દેશમાં સૌથી ઊંચું વેલ્યૂએશન ધરાવતાં સ્ટાર્ટઅપ બાઈજુસ માટે એક નવા પડકારમાં તેના ક્રેડિટર્સે કંપની સાથે 1.2 અબજ ડોલરની લોન રિસ્ટ્રક્ચરિંગની મંત્રણાને પડતી મૂકી હોવાનું જાણકારોનું કહેવું છે. ક્રેડિટર્સ કંપની પર 50 કરોડ ડોલરનું ફંડ ઊભું કરવાની ઘટના છૂપાવ્યાના આક્ષેપસર કોર્ટમાં ફરિયાદ કર્યાં પછી મંત્રણામાંથી બહાર નીકળી ગયાં છે એમ નામ નહિ જણાવવાની શરતે વર્તુળો જણાવે છે.
તેમના કહેવા મુજબ કંપની અને લેન્ડર્સ વચ્ચે મંત્રણાના ભાગરૂપે અટકેલું કંપનીની ટર્મ લોન બી સિક્યૂરિટીઝનું વેચાણ લેન્ડર્સ હવેથી કરી શકશે. નવી ઘટનાના પગલે દેશની સૌથી હોટ ટેક્નોલોજી કંપની સામે નવેસરથી પડકાર ઊભો થયો હોવાનું માનવામાં આવે છે. કંપની લોન રિસ્ટ્રક્ચરિંગ માટે ક્રેડિટર્સને પ્રિપેમેન્ટ સાથે ઊંચો કૂપન્સ રેટ ઓફર કરી ખુશ કરવાનો પ્રયાસ કરી રહી હતી. લેન્ડર્સની સ્ટીઅરીંગ કમિટીએ મંત્રણા અટકાવી હોવા છતાં કંપની લેન્ડર્સ સાથે વ્યક્તિગત રીતે મંત્રણાનો પ્રયાસ ચાલુ રાખશે એમ વર્તુળો ઉમેરે છે. બાઈજુસે લોન પર 5 જૂને ઈન્ટરેસ્ટની ચૂકવણી કરવાની છે એમ તેઓનું કહેવું છે. કંપની ટૂંકમાં જ મોટા પ્રમાણમાં નવું કેપિટલ ઈન્ફ્યૂઝન મેળવશે. જે તેને લોનની ચૂકવણીની છૂટ આપશે એમ કંપનીના વકિલે ગયા મહિને યુએસ કોર્ટમાં લોન તરીકે ઊભા કરેલાં ફંડ્સને છુપાવ્યું હોવાના આક્ષેપને ફગાવતાં જણાવ્યું હતું. કોઈપણ સ્ટાર્ટઅપ તરફથી ઊભું કરવામાં આવેલી સૌથી મોટા એનરેટેડે ડેટ એવી લોન ગયા સપ્ટેમ્બરમાં 64.5 સેન્ટ્સની વિક્રમી સપાટીએ પટકાઈ હતી હાલમાં તે 79 સેન્ટ્સ પર ક્વોટ થઈ રહી છે એમ બ્લૂમબર્ગ ડેટા જણાવે છે.

KAL એરવેઝ કેસમાં સ્પાઈસ જેટને રૂ. 380 કરોડ ચૂકવવા દિલ્હી હાઈકોર્ટનો આદેશ
દિલ્હી હાઈકોર્ટે કાલ એરવેઝ કેસમાં સ્પાઈસજેટને રૂ. 380 કરોડના ઈન્ટરેસ્ટ ડ્યૂઝ ચૂકવવાનો આદેશ કર્યો છે. અગાઉ સુપ્રીમ કોર્ટે આપેલા આદેશ મુજબ મે મહિના સુધીમાં રૂ. 75 કરોડની ચૂકવણીમાં સ્પાઈસજેટની નિષ્ફળતાં બદલ આ આદેશ આપવામાં આવ્યો છે. કાલ એરવેઝ કલાનિધિ મારનની કંપની છે. સ્પાઈસજેટ એ કલાનિધી મારન અને તેની કંપની સાથે સર્વગ્રાહી સેટલમેન્ટ માટે ચર્ચા-વિચારણા કરી રહી છે. સ્પાઈસજેટના પ્રવક્તાના જણાવ્યા મુજબ અમે રૂ. 578 કરોડની તમામ મુદલ ચૂકવી ચૂક્યાં છીએ અને બાકીના નાણાને લઈને પણ અમે પરસ્પર સમજૂતીથી ઉકેલ લાવીશું એવો વિશ્વાસ છે.

બ્રૂકફિલ્ડે 36 કરોડ ડોલરમાં ક્લિનમેક્સ સોલારમાં બહુમતી હિસ્સો ખરીદ્યો
કેનેડા સ્થિત ઈન્વેસ્ટર બ્રૂકફિલ્ડે ગુરુવારે જણાવ્યું હતું કે તેણે ભારતીય સોલાર-પેનલ ઉત્પાદક ક્લિનમેક્સ એન્વાયરો એનર્જી સોલ્યુશન્સમાં 36 કરોડ ડોલરમાં બહુમતી હિસ્સાની ખરીદી કરી છે. જોકે, તેણે ક્લિનમેક્સમાં કેટલો હિસ્સો ખરીદ્યો તેની સ્પષ્ટતા નહોતી કરી. જોકે, આ સોદાને કારણે ભારતમાં બ્રૂકફિલ્ડની હાજરી વધુ વ્યાપક બની છે. અગાઉ તે પ્રાઈવેટ ઈક્વિટી અ રિઅલ એસ્ટેટમાં અબજો ડોલરનું રોકાણ કરી ચૂકી છે. ક્લિનમેક્સ ભારતમાં તેના કોર્પોરેટ ક્લાયન્ટ્સ માટે સોલાર અને વિન્ડ ફાર્મ્સ ચલાવવા સાથે રૂફટોપ પેનલ્સનું સંચાલન પણ કરે છે. જેમાં બેંગલૂરું એરપોર્ટનો સમાવેશ પણ થાય છે. તે 1.6 ગીગાવોટ્સ ક્લિન એનર્જી ઉત્પાદન ધરાવે છે. જે વાર્ષિક 25 લાખ ટન કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જનને અટકાવે છે.

કોર્પોરેટ હેડલાઈન્સ

મઝગાંવ ડોકઃ માર્ચ ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 326.2 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 159 કરોડના નેટ પ્રોફિટ સામે 101 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1396.4 કરોડની સરખામણીમાં 49 ટકા વૃદ્ધિ સાથે રૂ. 2078.6 કરોડ પર જોવા મળી હતી.
ટેગા ઈન્ડસ્ટ્રીઝઃ માર્ચ ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 77.2 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 48.8 કરોડના નેટ પ્રોફિટ સામે 58.2 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 290 કરોડની સરખામણીમાં 36.7 ટકા વૃદ્ધિ સાથે રૂ. 396.4 કરોડ પર જોવા મળી હતી.
હિંમતસિંગકાઃ માર્ચ ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 22 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 9 કરોડના નેટ પ્રોફિટ સામે 130 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 765 કરોડની સરખામણીમાં 15 ટકા ઘટાડે સાથે રૂ. 690 કરોડ પર જોવા મળી હતી.
વેલકોર્પઃ માર્ચ ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 421 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 71 કરોડના નેટ પ્રોફિટ સામે 600 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 2011 કરોડની સરખામણીમાં 100 ટકા વૃદ્ધિ સાથે રૂ. 4070 કરોડ પર જોવા મળી હતી.
લેમન ટ્રીઃ માર્ચ ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 44 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 24.6 કરોડની ખોટ દર્શાવી હતી. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 119.5 કરોડની સરખામણીમાં 113 ટકા વૃદ્ધિ સાથે રૂ. 252.7 કરોડ પર જોવા મળી હતી.
મેનકાઈન્ડઃ માર્ચ ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 294 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 193 કરોડના નેટ પ્રોફિટ સામે 55 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1726 કરોડની સરખામણીમાં 15 ટકાથી વધુ વૃદ્ધિ સાથે રૂ. 2053 કરોડ પર જોવા મળી હતી.
એસ્ટ્રેઝેનેકાઃ માર્ચ ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 17.3 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 28 કરોડના નેટ પ્રોફિટ સામે 38.2 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 232 કરોડની સરખામણીમાં 22.7 ટકાથી વધુ વૃદ્ધિ સાથે રૂ. 284.5 કરોડ પર જોવા મળી હતી.
સુઝલોનઃ માર્ચ ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 320 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 205 કરોડના નેટ પ્રોફિટ સામે 110 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 2442 કરોડની સરખામણીમાં 20 ટકાથી વધુ ઘટાડે સાથે રૂ. 1690 કરોડ પર જોવા મળી હતી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage