તેજીવાળાઓના સરેન્ડર પાછળ સુધારો અલ્પજીવી નીવડ્યો
બેન્ચમાર્ક્સમાં એક ટકાથી વધુનો ઘટાડો
નિફ્ટીએ 18K જાળવી રાખ્યું
ઈન્ડિયા વિક્સ 6 ટકા ઉછળી 15.19ના સ્તરે
મેટલ, રિઅલ્ટી, એનર્જી, પીએસઈ, બેંકિંગમાં વેચવાલી
એક્સિસ બેંક, ઈક્વિટાસ બેંક નવી ટોચે
2023ના શરૂઆતી બે ટ્રેડિંગ સત્રોમાં જોવા મળેલો ઉત્સાહ લાંબું ટકી શક્યો નહોતો અને બુધવારે મંદીવાળાઓના હુમલા સામે માર્કેટ ટકી શક્યું નહોતું. બેન્ચમાર્ક્સ એક ટકાથી વધુ ગગડી કેલેન્ડરના સૌથી નીચા સ્તરે બંધ દર્શાવી રહ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 636.75 પોઈન્ટ્સ ગગડી 60657.45ની સપાટીએ જ્યારે નિફ્ટી 189.60 પોઈન્ટસ ઘટી 18042.95ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં ભારે વેચવાલીને પગલે બ્રેડ્થ ખૂબ જ નેગેટિવ જોવા મળી હતી. નિફ્ટી-50માં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 43 કાઉન્ટર્સ નેગેટિવ બંધ રહ્યાં હતાં. જ્યારે માત્ર સાત કાઉન્ટર્સ અગાઉના બંધની સરખામણીમાં સુધારો દર્શાવતાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ વેચવાલીને પગલે માર્કેટ બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3627 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2351 કાઉન્ટર્સ તેમના અગાઉના બંધની નીચે ક્લોઝીંગ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1136 કાઉન્ટર્સ પોઝીટીવ જળવાયાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 6 ટકા ઉછળી 15.19ની સપાટીએ બંધ રહ્યો હતો. જે આગામી સમયગાળામાં માર્કેટમાં વધુ ઘટાડાનો સંકેત પૂરો પાડે છે.
બુધવારે ભારતીય બજારની શરૂઆત ફ્લેટ જોવા મળી હતી. નિફ્ટી અગાઉના 18232.55ના બંધ લેવલ સામે 18230.65ની સપાટીએ ખૂલી સતત ઘસાતો જોવા મળ્યો હતો. ઈન્ટ્રા-ડે 18243ની ટોચ દર્શાવી તે 18020.60નું બોટમ બનાવી તેની નજીક જ બંધ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે ફ્યુચર્સ 60 પોઈન્ટ્સ પ્રિમીયમમાં બંધ રહ્યો હતો. નિફ્ટીને સપોર્ટ કરનારા કાઉન્ટર્સમાં ડિવિઝ લેબ્સ, એચડીએફસી લાઈફ, મારુતિ સુઝુકી, ડો.રેડ્ડીઝ લેબ્સ અને અલ્ટ્રાટેક સિમેન્ટનો સમાવેશ થતો હતો. જ્યારે બીજી બાજુ મેટલ કાઉન્ટર્સ પાછળ દબાણ જોવા મળતું હતું. જેમાં જેએસડબલ્યુ સ્ટીલ, હિંદાલ્કો, કોલ ઈન્ડિયા, તાતા સ્ટીલ મુખ્ય હતાં. તેઓ 2-4 ટકા ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 2 ટકાથી વધુ ગગડ્યો હતો. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટી 18200ની સપાટી પર ટકવામાં નિષ્ફળ રહ્યો છે. જો તે 18000ના સાઈકોલોજિકલ સપોર્ટને તોડશે તો 17600 સુધીના લેવલ જોવા મળી શકે છે. નજીકના સમયગાળા માટે તે કોન્સોલિડેશનમાં જોવા મળી શકે છે. વૈશ્વિક બજારોમાં પણ અન્ડરટોન નરમાઈતરફી જોવા મળે છે. એશિયન બજારોમાં હોંગ કોંગ અને ચીનને બાદ કરતાં જાપાન, તાઈવાન અને સિંગાપુરના બજારો રેડ ઝોનમાં ટ્રેડ દર્શાવતાં હતાં. યુએસ ખાતે નાસ્ડેક તેના ઓક્ટોબરના તળિયેથી 300 પોઈન્ટ્સ છેટે ટ્રેડ દર્શાવી રહ્યો છે. વૈશ્વિક બજારમાં ગોલ્ડમાં મજબૂતી જોતાં ઈન્વેસ્ટર્સ હાલમાં રિસ્ક-ઓફ મૂડમાં હોય તેમ જણાય રહ્યું છે. આ સ્થિતિમાં લોંગ ટ્રેડમાં સ્ટોપલોસના ચુસ્ત પાલનની સલાહ એનાલિસ્ટ્સ આપી રહ્યાં છે.
સેક્ટરલ સૂચકાંકોમાં બુધવારે મેટલ ઉપરાંત રિઅલ્ટી ઈન્ડેક્સ 2 ટકાથી વધુ ગગડ્યો હતો. પીએસયૂ બેંકિંગમાં પણ લગભગ 2 ટકાનો ઘટાડો જોવા મળતો હતો. એનર્જી, પીએસઈ ઈન્ડેક્સ દોઢ ટકા આસપાસ ગગડ્યાં હતાં. જ્યારે બેંકિંગ, આઈટી, ઓટો, એફએમસીજી પણ એક ટકા આસપાસ નરમાઈ સૂચવતાં હતાં. નિફ્ટી મીડ-કેપ અને સ્મોલ-કેપ સૂચકાંકો પણ એક ટકા આસપાસ ઘટાડા સાથે બંધ જોવા મળ્યાં હતાં. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટની વાત કરીએ તો જીએનએફસી 2.33 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત હેવેલ્સ ઈન્ડિયા, હિંદ પેટ્રો, ડિવિઝ લેબ્સ, અબોટ ઈન્ડિયા, શ્રી સિમેન્ટ્સ, ઈપ્કા લેબ્સ, ચંબલ ફર્ટિલાઈઝર, એબીબી ઈન્ડિયામાં મજબૂતી જોવા મળતી હતી. બીજી બાજુ જેએસડબલ્યુ સ્ટીલ, એબી કેપિટલ, બલરામપુર ચીની, હિંદાલ્કો, આરબીએલ બેંક, વેદાંત, સેઈલ અને ઈન્ડિયાબુલ્સ હાઉસિંગમાં નરમાઈ જોવા મળી હતી. કેટલાંક વાર્ષિક ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં જનરલ ઈન્શ્યોરન્સ, ઈક્વિટાસ બેંક અને એક્સિસ બેંકનો સમાવેશ થતો હતો. જ્યારે આવાસ ફાઈનાન્સિયર અને ગેલેક્સિ સર્ફેક્ટન્ટ્સે વાર્ષિક તળિયું દર્શાવ્યું હતું.
સોનું અઢી વર્ષની, ચાંદી નવ-મહિનાની ટોચે પહોંચ્યાં
MCX સોનુ જુલાઈ-2020 પછી પ્રથમવાર રૂ. 56010ની સપાટીએ જોવા મળી રૂ. 56200ની સર્વોચ્ચ સપાટીથી માત્ર રૂ. 190 છેટે રહ્યું
સિલ્વર સોમવારે રૂ. 71000ની નવ મહિનાની ટોચ પર ટ્રેડ થઈ
વૈશ્વિક કોમેક્સ ખાતે ગોલ્ડ 1865ની છ-મહિનાની ટોચ પર જોવા મળ્યું
કેલેન્ડર 2023ના પ્રથમ ત્રણ સત્રોમાં ગોલ્ડમાં 40 ડોલરથી વધુની મજબૂતી નોંધાઈ
બુધવારે ફેડની મિનિટ્સ પર ગોલ્ડ-સિલ્વરની ટૂંકાગાળાની દિશા નક્કી થશે
ગોલ્ડ ઈન્વેસ્ટર્સ માટે નવા કેલેન્ડરની પોઝીટીવ શરૂઆત જોવા મળી રહી છે. સ્થાનિક કોમોડિટી એક્સચેન્જ એમસીએક્સ ખાતે ગોલ્ડના ભાવ બુધવારે તેની અઢી વર્ષની ટોચ પર જોવા મળ્યાં હતાં. જ્યારે સર્વોચ્ચ સપાટીએથી માત્ર રૂ. 190 છેટે ટ્રેડ થયાં હતાં. અગાઉ કોવિડના પ્રથમ રાઉન્ડ દરમિયાન જુલાઈ 2020માં એમસીએક્સ સોનું રૂ. 56200ની સર્વોચ્ચ ટોચ પર જોવા મળ્યું હતું. બુધવારે એક્સચેન્જ ખાતે ગોલ્ડ ફ્યુચર્સ રૂ. 56010ની અઢી વર્ષની ટોચ પર જોવા મળ્યો હતો. આમ તે ઓલ-ટાઈમ હાઈની ખૂબ નજીક પહોંચી ગયો છે. સોના પાછળ ચાંદીના ભાવમાં પણ મજબૂતી જોવા મળી છે અને મંગળવારે રાતે એમસીએક્સ સિલ્વર ફ્યુચર્સ રૂ. 71000ની સપાટી પર નવ-મહિનાની ટોચે જોવા મળ્યો હતો. ટેકનિલક એનાલિસ્ટ્સ ગોલ્ડના ભાવમાં ચાલુ કેલેન્ડરમાં નવી ટોચ બનવાની શક્યતાં વ્યક્ત કરી રહ્યાં છે.
આંતરરાષ્ટ્રીય કોમેક્સ ખાતે ગોલ્ડના ભાવ બુધવારે 1865 ડોલરની છ મહિનાની ટોચ પર ટ્રેડ થયાં હતાં. અગાઉ જૂન 2022માં આ ભાવ સપાટી પર ગોલ્ડે ટ્રેડ દર્શાવ્યું હતું. જોકે ત્યારબાદ તે ઝડપથી ગગડી ઓક્ટોબરમાં 1619 ડોલરના અઢી વર્ષના તળિયા પર જોવા મળ્યું હતું. જ્યાંથી બે મહિનાના સમયગાળામાં તે 250 ડોલરનો તીવ્ર સુધારો દર્શાવી રહ્યું છે. અગાઉ જુલાઈ 2020માં અને એપ્રિલ 2022માં ગોલ્ડના ભાવ 2070 ડોલરની તેમની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થતાં હતાં. નવા કેલેન્ડરમાં ફેડ તરફથી રેટ વૃદ્ધિ અટકવાના તેમજ જીઓ-પોલિટીકલ જોખમો અને ફુગાવો કમ્ફર્ટ ઝોનથી ઊંચો જળવાઈ રહેવાના કારણોસર ગોલ્ડ 2000 ડોલરની સપાટી પાર કરે તેવી શક્યતાં ફંડામેન્ટલ એનાલિસ્ટ્સ જોઈ રહ્યાં છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે કોમેક્સ ગોલ્ડને નજીકમાં 1875 ડોલરનો અવરોધ છે. જે પાર થશે તો 1897 ડોલરનો અવરોધ નડી શકે છે. જ્યારે નીચે 1823 ડોલરનો સપોર્ટ છે. જેની નીચે 1809 ડોલરનો સપોર્ટ મળી શકે છે. એમસીએક્સ ખાતે ગોલ્ડ રૂ. 56200ની સર્વોચ્ચ સપાટી પાર કરશે તો રૂ. 56700ની સપાટી જોવા મળી શકે છે. જ્યારે ઘટાડે રૂ. 55300 અને રૂ. 54900નો સપોર્ટ રહેલો છે. વૈશ્વિક બજારમાં મની મેનેજર્સની લોંગ પોઝીશન હાલમાં છ-મહિનાની ટોચ પર જોવા મળી રહી છે. આમ રિટેલ અને સેન્ટ્રલ બેંકર્સ બાદ તેઓ પણ ખરીદી કરી રહ્યાં છે. જે ગોલ્ડને મહત્વનો સપોર્ટ પૂરો પાડી રહ્યો છે.
ગોલ્ડ પાછળ ચાંદીમાં પણ મજબૂતી જોવા મળી રહી છે અને વૈશ્વિક બજારમાં તે 24 ડોલર પર ટ્રેડ દર્શાવી રહી છે. મંગળવારે તેણે 24.70 ડોલરની આંઠ મહિનાની ટોચ બનાવી હતી. જોકે ઉપરમાં તેને 24.95 ડોલરનો અવરોધ નડી રહ્યો છે. જે લેવલ પાર થતાં તે નવી રેંજમાં જશે અને ઓર મજબૂતી દર્શાવશે. એમસીએક્સ ખાતે ચાંદી માટે રૂ. 70 હજારનું સ્તર મહત્વનું છે. મંગળવારે રાતે જોવા મળેલું રૂ. 71 હજારનું સ્તર પાર થશે તો રૂ. 72500 સુધીનો સુધારો જોવા મળી શકે છે. બુધવારે રાતે યુએસ ફેડ તેની ગઈ મોનેટરી બેઠકની મિનિટ્સ રજૂ કરશે. જેમાં જો ટોન ડોવિશ જોવા મળશે તો ગોલ્ડમાં વધુ સુધારો સંભવ છે. માર્કેટ એનાલિસ્ટ્સના મતે છેલ્લાં ક્વાર્ટરમાં સિલ્વરના ગોલ્ડ સામે આઉટપર્ફોર્મન્સ બાદ નજીકના ગાળામાં ગોલ્ડ આઉટપર્ફોર્મન્સ દર્શાવી શકે છે.
ક્રિપ્ટોઝ પર 30 ટકા ટેક્સ પાછળ એક્સચેન્જિસ ખાતે ટ્રેડિંગમાં તીવ્ર ઘટાડો
સ્થાનિક ક્રિપ્ટો એક્સચેન્જિસ ખાતે ટ્રેડ વોલ્યુમમાં રૂ. 32 હજાર કરોડનો કુલ ઘટાડો નોંધાયો
સ્થાનિક પ્લેટફોર્મ્સ પરની લિક્વિડિટી વિદેશી ક્રિપ્ટો પ્લેટફોર્મ્સ પર ટ્રાન્સફર થઈ રહી છે
સરકાર તરફથી ગયા બજેટની રજૂઆતમાં ક્રિપ્ટો એસેટ્સ પર 30 ટકા ઈન્કમ ટેક્સ અને એક ટકા ટીડીએસની જાહેરાત બાદ સ્થાનિક ક્રિપ્ટો ટ્રેડિંગ કામગીરી પર ગંભીર અસર જોવા મળી છે. દેશના તમામ ક્રિપ્ટો ટ્રેડિંગ પ્લેટફોર્મ્સ પર ફેબ્રુઆરીથી ઓક્ટોબર 2022 સુધીનું કુલ વોલ્યુમ રૂ. 32000 કરોડનો ઘટાડો દર્શાવી રહ્યું છે.
વર્તમાન ટેક્સ માળખાને કારણે આગામી ચાર વર્ષોમાં વોલ્યુમ વિદેશી એક્સચેન્જિસ પર તબદિલ થવાથી સ્થાનિક એક્સચેન્જિસને અંદાજે રૂ. 99.3 લાખ કરોડનું નુકસાન ઉઠાવી પડી શકે તેમ છે એમ દિલ્હી સ્થિત એક સંસ્થાએ ‘વર્ચ્યુલ ડિજિટલ એસેટ ટેક્સ આર્કિટેક્ચર ઈન ઈન્ડિયા’ નામે તૈયાર કરેલાં અભ્યાસમાં નોંધ્યું છે. રૂ. 32 હજાર કરોડના નુકસાનમાંથી રૂ. 25,300 કરોડ તો પ્રથમ છ મહિનામાં જોવા મળ્યું હતું. અભ્યાસ નોંધે છે કે સ્થાનિક બજારની સ્થિતિ અથવા ટેક્સ આર્કિટેક્ચરને કારણે ફેબ્રુઆરીથી ઓક્ટોબર 2022માં ભારતીય સેન્ટ્રલાઈઝ્ડ ક્રિપ્ટો એક્સચેન્જિસના વોલ્યુમમાં ઘટાડો 60.8 ટકા જેટલો રહ્યો હતો. ફેબ્રુઆરી અને માર્ચ 2022માં સ્થાનિક સેન્ટ્રલાઈઝ્ડ ક્રિપ્ટો એક્સચેન્જિસના વોલ્યુમમાં 15 ટકા ઘટાડો નોંધાયો હતો. એપ્રિલ અને જૂન દરમિયાન તેમણે વધુ 14 ટકા ઘટાડો નિહાળ્યો હતો. જ્યારે જુલાઈ અને ઓક્ટોબર વચ્ચે 81 ટકા ટ્રેડિંગ વોલ્યુમ ઘટાડો જોવા મળ્યો હતો. સરકારે 1 જુલાઈથી 1 ટકા ટીડીએસની જોગવાઈ અમલી બનાવી હતી. જ્યારે ક્રિપ્ટો ટ્રેડિંગમાં નુકસાનના ઓફસેટિંગને નાબૂદ કર્યું હતું.
અભ્યાસમાં જણાવ્યા મુજબ સરકારી નીતિને કારણે મુખ્ય અસર સ્થાનિક બિઝનેસ વિદેશી એક્સચેન્જિસ પર શિફ્ટ થશે. લોકલ લિક્વિડીટી વિદેશી એક્સચેન્જિસ પર જશે. આમ સરવાળે ટેક્સની આવક પર નેગેટિવ અસરની ધારણા છે. તેમજ ટ્રાન્ઝેક્શન ટ્રેસેબિલિટી પણ ઘટશે. જે સરકારના બે મુખ્ય ઉદ્દેશોને સાર્થક નહિ થવા દે. ફેબ્રુઆરી 2022થી સ્પષ્ટપણે જોવા મળે છે કે વિદેશી સેન્ટ્રલાઈઝ્ડ ક્રિપ્ટો એક્સચેન્જિસના વોલ્યુમમાં સ્થાનિક એક્સચેન્જિસના ભોગે કામકાજ વધ્યાં છે. અનેક ભારતીય ઈન્વેસ્ટર્સ(અંદાજે 17 લાખ) સ્થાનિક ટેક્સ માળખા પાછળ વિદેશી પ્લેટફોર્મ્સ પર તબદિલ થયાંના પુરાવા છે એમ અભ્યાસ ઉમેરે છે. જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન સ્થાનિક ક્રિપ્ટો એક્સચેન્જ એપ્સના ડાઉનલોડ્સમાં વાર્ષિક 16 ટકા ઘટાડો નોંધાયો હતો. બીજી બાજુ ફોરેન એક્સચેન્જિસના ડાઉનલોડ્સમાં તેટલી જ વૃદ્ધિ જોવા મળી હતી. જોકે ટેક્સ માળખું લાગુ પડવા ઉપરાંત 2022માં ક્રિપ્ટોઝના ભાવમાં તીવ્ર વેચવાલી જોવા મળી હતી. જેની પાછળ 2021ની આખરમાં 2 ટ્રિલીયન ડોલર ઉપર પહોંચી ગયેલું માર્કેટ-કેપ બુધવારે 819 અબજ ડોલર પર જોવા મળી રહ્યું હતું. વૈશ્વિક સ્તરે એફટીએક્સ સહિતના કેટલાંક એક્સચેન્જિસે નાદારી પણ નોંધાવી હતી. જેને કારણે ક્રિપ્ટો ટ્રેડર્સ એસેટ ક્લાસથી વિમુખ બન્યાં હતાં.
NCLTએ RCap માટેની હિંદુજા જૂથની ઓફરને હાલમાં બાજુ પર રાખી
ઓક્શનના બીજા દિવસે જૂથે ઊંચી રિવાઈઝ્ડ ઓફર મૂકી હતી
રિલાયન્સ કેપિટલ માટે સૌથી ઊંચી બોલી લગાવનાર ટોરેન્ટ જૂથને રાહત આપતાં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ(એનસીએલટી)એ કંપનીના લેન્ડર્સને હિંદુજા જૂથની ઓક્શન પછી કરવામાં આવેલી સુધારેલી ઓફરને નવી સુનાવણી સુધી બાજુમાં રાખવા માટે જણાવ્યું છે.
એડીએજી જૂથની નાદાર કંપની માટે રૂ. 8640 કરોડનું સૌથી ઊંચું બીડિંગ કરનાર ટોરેન્ટે લેન્ડર્સને હિંદુજા તરફથી ઓક્શન પૂરી થઈ ગયા બાદ કરવામાં આવેલી રૂ. 9000 કરોડની ઓફરને ગણનામાં નહિ લેવા માટે જણાવ્યું હતું. કંપનીએ આ પ્રકારની વિલંબિત ઓફર્સને સ્વીકારવાથી સમગ્ર ચેલેન્જ પ્રોસેસ નિરર્થક બની રહે છે. ટોરેન્ટની અપીલ પર કમિટિ ઓફ ક્રેડિટર્સ(સીઓસી)ના વકિલે બેંચને જણાવ્યું હતું કે હજુ આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી અને તમામ ઓફર્સ હાલમાં ડ્યુ ડિલિજન્સની પ્રક્રિયામાં છે. સીઓસીના વકિલે નેશનલ કંપની લો એપલેટ ટ્રિબ્યુનલમાં જવા માટે એક સપ્તાહના સમયની માગણી કરી હતી. હિંદુજા ગ્રૂપ તરફથી કોર્ટમાં કોઈ હાજર રહ્યું નહોતું. એડમિનિસ્ટ્રેટરના કાઉન્સેલે જણાવ્યું હતું કે લેન્ડર્સ માટે વેલ્યૂને મહત્તમ બનાવવાના હેતુ સાથે સમગ્ર બિડીંગ પ્રક્રિયાને પારદર્શક્તાપૂર્વક ચલાવવામાં આવી હતી. હવેની સુનાવણી 12 જાન્યુઆરીએ રાખવામાં આવી છે.
RBI કોમ્પ્લાયન્સનું લેવલ ચેક કરવા 9500 NBFCનું ઓડિટ કરશે
પ્રસ્તાવિત ઓડિટમાં મુખ્ય ફોકસ ડિપોઝીટ નહિ સ્વીકારતી અને રૂ. 1000 કરોડથી નીચેની એસેટ ધરાવતી બેઝ લેયર એનબીએફસી પર રહેશે
બેંક રેગ્યુલેટર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા 9500 આસપાસ બહુમતી નોન-બેંકિંગ ફાઈનાન્સ કંપનીઓની સ્ક્રૂટિની માટે બહારના ઓડિટર્સને કામે લગાડે તેવી શક્યતાં છે. આમ કરવા પાછળું કારણ કોમ્પ્લાયન્સ સંબંધી અન્ય બાબતો ઉપરાંત તેમની રજિસ્ટર્ડ ઓફિસ રજિસ્ટ્રેશન વખતે તેમણે કરેલી અરજીના સ્થળે આવેલી છે કે નહિ તેવી બાબતોનો સમાવેશ થાય છે.
કેટલીક એનબીએફસી દ્વારા કેટલાંક ખાસ કારણોસર ફેઈલ્યોર તથા કેટલાંક ડિજિટલ લેન્ડર્સ તરફથી આઉટસોર્સિંગ એન્ડ ફેર પ્રેકટિસિસ ગાઈડલાઈન્સના ભંગને કારણે સેન્ટ્રલ બેંકરને આ પ્રકારનું ઓડિટ કરાવવા માટેની ફરજ પડી છે એમ ઉદ્યોગ વર્તુળો જણાવી રહ્યાં છે. આરબીઆઈએ નાણા વર્ષ 2014-15થી 2021-22 દરમિયાન 3110 એનબીએફસીના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટને રદ કર્યું છે. જેમાં સૌથી વધુ 1851 કેન્સલેશન 2018-19માં જોવા મળ્યાં હતાં. 1 ઓક્ટોબર, 2022ના રોજ સેન્ટ્રલ બેંકરે 5451 એનબીએફસીના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટસને કેન્સલ કર્યાં હતાં. બેંક તરફથી પ્રસ્તાવિત ઓડિટ એક્સરસાઈઝ 2023-24માં વધુ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ્સના કેન્સલેશનનું કારણ બની શકે છે એમ વર્તુળો ઉમેરે છે.
હાલમાં દેશમાં 9500 જેટલી એનબીએફસી આવેલી છે. જોકે આરબીઆઈ પાસે સુપરવાઈઝરી સ્ટાફની સંખ્યા માત્ર 1500ની જ છે. આમ એનબીએફસી તરફથી રજૂ કરવામાં આવેલા ઓફસાઈટ રિટર્ન્સને લક્ષમાં લેવા ઉપરાંત સેન્ટ્રલ બેંક એનબીએફસીની વિગતવાર કામગીરીના મૂલ્યાંકન માટે બાહ્ય ઓડિટર્સની સેવા લેવાનું વિચારી રહી છે એમ વર્તુળોનું કહેવું છે. કોવિડ મહામારી પાછળ દેશમાં બિલાડીના ટોપની માફક ડિજિટલ લેન્ડર્સ ફૂટી નીકળ્યાં છે. તેઓ ઝડપી શોર્ટ-ટર્મ લોન્સ ઓફર કરતાં હોય છે. આવી કેટલીક એનબીએફસીએ આઉટસોર્સિંગ એન્ડ ફેર પ્રેકટિસિસ નિયમોનો ભંગ કર્યો છે અને તેને કારણે લાયસન્સના કેન્સલેશનનો સામનો કરવાનો બન્યો છે એમ આરબીઆઈનો રિપોર્ટ જણાવે છે. એનબીએફસીના પ્રસ્તાવિત ઓડિટમાં મુખ્ય ફોકસ ડિપોઝીટ નહિ સ્વીકારતી અને રૂ. 1000 કરોડથી નીચેની એસેટ સાઈઝ ધરાવતી બેઝ લેયર એનબીએફસી પર રહેશે. તેમજ પિઅર-ટુ-પિઅર લેન્ડિંગ(પ્લેટફોર્મ) કરતાં એનબીએફસી, એકાઉન્ડ એગ્રીગેટર અને નોન-ઓપરેટીવ ફાઈનાન્સિયલ હોલ્ડિંગ કંપની પર પણ ફોકસ રહેશે એમ વર્તુળો ઉમેરે છે. આરબીઆઈએ અપર અને મિડલ લેયર્સમાં આવેલી એનબીએફસી માટે સમયાંતરે કડક રેગ્યુલેટરી નિયમો તૈયાર કર્યાં છે. જેને કારણે ત્યાં નિયમોના ભંગની શક્યતાં ઘટી જાય છે. હાલમાં કુલ 11 પ્રકારની એનબીએફસીઓ જોવા મળે છે. જેમાં ઈન્વેસ્ટમેન્ટ કંપની, માઈક્રો ફાઈનાન્સ ઈન્સ્ટીટ્યુશન, એકાઉન્ટ એગ્રીગેટર અને હાઉસિંગ ફાઈનાન્સ કંપની જેવી કંપનીઓનો સમાવેશ થાય છે.
રિલાયન્સ કન્ઝ્યુમર સોસીયો હજૂરીમાં 50 ટકા હિસ્સો ખરીદશે
રિલાયન્સ રિટેલ વેન્ચર્સની સબસિડિયરી રિલાયન્સ કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સે 100 વર્ષ જૂના બેવરેજ ઉત્પાદક સોસીયો હજૂરી બેવરેજિસ પ્રાઇવેટ લિમિટેડ(SHBPL)માં 50 ટકા ઈક્વિટી હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે. સોસીયો હજૂરી ફ્લેગશિપ બ્રાન્ડ ‘Sosyo’ હેઠળ બેવરેજ બિઝનેસની માલિકી ધરાવે છે અને તેનું સંચાલન કરે છે. હાલના પ્રમોટર્સ હજૂરી પરિવારની SHBPLમાં બાકીના હિસ્સાની માલિકી ચાલુ રહેશે. SHBPLના પોર્ટફોલિયોમાં સોસીયો, કાશ્મીરા, લેમી, જિનલિમ, રનર, ઓપનર, હજૂરી સોડા અને S’eau (સ’ઉ) સહિત અનેક પીણા બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. આરસીપીએલના બ્રાન્ડ પોર્ટફોલિયોમાં હાલમાં આઇકોનિક બેવરેજ બ્રાન્ડ ‘કેમ્પા’ અને આ મહિનાની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવેલી પેકેજ્ડ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ બ્રાન્ડ ‘ઈન્ડિપેન્ડન્સ’નો સમાવેશ થાય છે
શ્રેઈ જૂથ કંપનીઓ માટે NARCL સૌથી ઊંચો બીડર બન્યો
શ્રેઈ જૂથની બે ફાઈનાન્સ કંપનીઓ શ્રેઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફાઈનાન્સ અને શ્રેઈ ઈક્વિપમેન્ટ ફાઈનાન્સ માટે નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની(NARCL) સૌથી ઊંચા બીડર તરીકે ઊભર્યો છે. કંપનીએ રૂ. 5555 કરોડના નેટ પ્રેઝન્ટ વેલ્યૂ(NPV)નું બીડ કર્યું છે. બીડીંગના આખરી રાઉન્ડમાં માત્ર બે બીડર્સ વચ્ચે સ્પર્ધા હતી. જેમાં એક એનએઆરસીએલ જ્યારે બીજો ઔથમ ઈન્વેસ્ટમેન્ટ હતો. જેણે રૂ. 5526 કરોડની એનપીવી ઓફર કરી હતી. NARCLના બીડમાં રૂ. 3000 કરોડની અપફ્રન્ટ કેશ અને રૂ. 6000 કરોડના ઓપ્શ્નલી કન્વર્ટિબલ બોન્ડ્સનો સમાવેશ થાય છે એમ બેંકિંગ વર્તુળોએ જણાવ્યું હતું.
કોર્પોરેટ હેડલાઈન્સ
કોલ ઈન્ડિયાઃ દેશમાં નાણા વર્ષના પ્રથમ નવ મહિના દરમિયાન કોલ ઉત્પાદન 16 ટકા વૃદ્ધિ સાથે 60.8 કરોડ ટન પર જોવા મળ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં તે 52.24 કરોડ ટન પર રહ્યું હતું. વિશ્વમાં સૌથી મોટી કોલ ઉત્પાદક અને જાહેર સાહસે એપ્રિલ-ડિસેમ્બરના નવ મહિનામાં 47.90 કરોડ ટનનું ઉત્પાદન દર્શાવ્યું હતું. જે વાર્ષિક ધોરણે 15.82 ટકા વૃદ્ધિ સૂચવે છે.
વિડિયોકોનઃ કેન્દ્રિય તપાસ સંસ્થા સીબીઆઈએ પ્રાઈવેટ બેંક ICICI પાસેથી નાણા વર્ષ 2011-12થી લઈ 2017-18 સુધીમાં બેંકે વિડિયોકોનને આપેલી 10 હાઈ વેલ્યૂ લોન્સની વિગતો માગી છે. તપાસ સંસ્થાએ બેંકના ભૂતપૂર્વ એમડી તથા વિડિયોકોનના ચેરમેનની અટકાયત કરી છે.
મારુતિ સુઝુકીઃ ટોચની કાર ઉત્પાદકે 2022માં વાર્ષિક 28 ટકા વૃદ્ધિ સાથે 2,63,068 યુનિટ્સની વિક્રમી નિકાસ કરી હતી. અગાઉ 2021માં તેણે 2,05,450 યુનિટ્સની ઓલ-ટાઈમ હાઈ નિકાસ કરી હતી. કંપનીના સૌથી વધુ નિકાસ થનારા મોડેલ્સમાં ડિઝાઈર, સ્વિફ્ટ, એસ-પ્રેસો, બલેનો અને બ્રેઝાનો સમાવેશ થાય છે. મુખ્યત્વે આફ્રિકા, પશ્ચિમ એશિયા, લેટીન અમેરિકા, આસિયાન અને સાર્ક દેશોમાં નિકાસ જોવા મળે છે.
રેલીગેર કેસઃ માર્કેટ રેગ્યુલેટર સેબીએ માલવિંન્દર અને શિવિંન્દર સહિતના સાત લોકોને રેલીગેર ફિનવેસ્ટના ફંડ ડાયવર્ઝન કેસ સંબંધમાં 15-દિવસોમાં રૂ. 48.15 કરોડ જમા કરાવવા માટે જણાવ્યું છે. જો તેઓ આમ કરવામાં નિષ્ફળ જશે તો સેબીએ તેમની એસેટ્સ અને બેંક એકાઉન્ટ્સ જપ્ત કરવાની ચેતવણી પણ આપી છે.
સુગર કંપનીઝઃ ઓક્ટોબર 2022માં શરૂ થયેલી નવી સુગર સિઝનના પ્રથમ ત્રણ મહિના દરમિયાન દેશમાં ખાંડનું ઉત્પાદન વાર્ષિક 3.5 ટકા વૃદ્ધિ સાથે 120.7 લાખ ટન પર રહ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 116.4 લાખ ટન પર હતું એમ ઈન્ડિયન સુગર મિલ્સ એસોસિએશનનો ડેટા સૂચવે છે. ચાલુ સિઝનમાં કુલ 509 સુગર ફેક્ટરિઝ કાર્યરત જોવા મળી છે. જે ગઈ સિઝનમાં 500 પર જોવા મળતી હતી.
એલટીઆઈમાઈન્ડટ્રીઃ તાજેતરમા બે સોફ્ટવેર કંપનીઓ માઈન્ડટ્રી અને એલએન્ડટી ઈન્ફોટેકના મર્જરથી બનેલી કંપનીના પ્રેસિડેન્ટ અને ડિરેક્ટર વેણુગોપાણ લાંબુએ રાજીનામું આપ્યું છે. લામ્બુ 2020માં અગાઉની માઈન્ડટ્રીમાં જોડાયા હતા. તેઓ ગ્લોબલ માર્કેટ્સનો હવાલો સંભાળતાં હતાં.
એનડીટીવીઃ અદાણી એન્ટરપ્રાઈઝ એનડીટીવી માટેની તેની ઓફરનો સ્વીકાર કરનારા શેરધારકોને પ્રતિ શેર રૂ. 48.65ની અધિક ચૂકવણી કરશે. કંપનીએ રૂ. 294 પ્રતિ શેરના ભાવે ઓપન ઓફર કરી હતી. અદાણીએ એનડીટીવીના પ્રમોટર રાધિકા રોય અને પ્રણય રોય પાસેથી જે ભાવે શેર ખરીદ્યાં હતાં, તે જ ભાવ અન્ય રોકાણકારોને પણ ચૂકવવા આમ કરવામાં આવશે.
ઈક્વિટાસ એસએફબીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ઈક્વિટાસ સ્મોલ ફાઈનાન્સ બેંકમાં એસબીઆઈ ફંડ્સ મેનેજમેન્ટના 9.99 ટકા ઈક્વિટી હિસ્સા ખરીદીને મંજૂરી આપી છે.
રેલટેલઃ રેલ્વેની સબસિડિયરી કંપનીએ સાઉથ ઈસ્ટર્ન કોલફિલ્ડ્સ તરફથી પાંચ વર્ષ માટેનો રૂ. 186.19 કરોડના મૂલ્યનો ઓર્ડર મેળવ્યો છે.
એનટીપીસીઃ પીએસયૂ વીજ ઉત્પાદકે પીએનજી નેટવર્કમાં ભારતના પ્રથમ ગ્રીન હાઈડ્રોજન બ્લેન્ડિગને શરૂ કર્યું છે.