ફેડ તરફથી ‘પોઝ’ની શક્યતાં પાછળ ઈમર્જિંગ શેરબજારોને રાહત
નિફ્ટી 18200ની સપાટી પાર કરી ગયો
વોલેટિલિટી ઈન્ડેક્સ એક ટકા ઘટાડે 11.73ના સ્તરે
મેટલ, બેંકિંગ, એનર્જી, ફાર્મા, આઈટીમાં મજબૂતી
એફએમસીજીમાં નરમાઈ
ચોલા ઈન્વે., એમએન્ડએમ ફાઈ., એબીબી ઈન્ડિયા નવી ટોચે
વી-માર્ટ રિટેલ નવા તળિયે
યુએસ ફેડે બુધવારે તેની નાણાનીતિ સમીક્ષામાં 25 બેસીસ પોઈન્ટ્સની રેટ વૃદ્ધિ કરવા સાથે આગામી બેઠકમાં તેના વલણને ડેટા સાથે જોડવાની વાત કરતાં બજાર વર્ગમાં એક પોઝની અપેક્ષા ઊભી થઈ હતી. જેની પાછળ ઈમર્જિંગ માર્કેટ્સમાં સુધારો જોવા મળ્યો હતો. ભારતીય બેન્ચમાર્ક્સ બીએસઈ સેન્સેક્સ 556 પોઈન્ટ્સ ઉછળી 61749ની સપાટીએ જ્યારે નિફ્ટી 166 પોઈન્ટ્સના સુધારે 18256ની સપાટીએ બંધ રહ્યાં હતાં. માર્કેટમાં ભારે ખરીદી પાછળ બ્રેડ્થ મજબૂત જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3640 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2244 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1278 કાઉન્ટર્સ તેમના અગાઉના બંધની સરખામણીમાં ઘટાડા સાથે બંધ જોવા મળ્યા હતાં. 121 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 27 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું બનાવ્યું હતું. 12 કાઉન્ટર્સ બાયર સર્કિટ્સમાં જ્યારે 7 કાઉન્ટર્સ સેલર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ એક ટકા ઘટાડા સાથે 11.73ના સ્તરે બંધ રહ્યો હતો.
ગુરુવારે ભારતીય બેન્ચમાર્ક નિફ્ટીએ નેગેટિવ ઓપનીંગ દર્શાવ્યાં બાદ સુધારો જાળવી રાખ્યો હતો. અગાઉના 18090ના બંધ સામે નિફ્ટી 18081ની સપાટીએ ખૂલી નીચામાં 18067 પર ટ્રેડ થઈ સતત સુધરતો જોવા મળ્યો હતો. સત્રની આખરમાં તેણે 18267ની ટોચ દર્શાવી હતી અને તેની નજીક જ બંધ રહ્યો હતો. નિફ્ટી કેશની સરખામણીમાં નિફ્ટી ફ્યુચર 31 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 18287ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 57 પોઈન્ટ્સના પ્રિમીયમ સામે નોઁધપાત્ર ઘટાડો સૂચવે છે. જેનો અર્થ એવો થાય છે કે ઊંચા મથાળે લોંગ પોઝીશનમાં નોંધપાત્ર લિક્વિડેશન જોવા મળ્યું છે. આમ, આગામી સમયગાળામાં માર્કેટ પર થોડું દબાણ જોવા મળી શકે છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે હાલમાં બજાર ઓવરબોટ ઝોનમાં છે. જેને જોતાં પ્રોફિટ બુકિંગ કરવાનો વિકલ્પ શ્રેષ્ઠ છે. નવી ખરીદી માટે ઘટાડાની પ્રતિક્ષા કરવી જરૂરી છે. કેમકે વેલ્યૂએશન્સ ફરી મોંઘા જણાય રહ્યાં છે. નિફ્ટીને 18000નો સાઈકોલોજિકલ સપોર્ટ છે. જેની નીચે તે ઝડપી ઘટાડ દર્શાવી શકે છે. જ્યારે ઉપરમાં 18400-18600 સુધીનો સુધારો સંભવ છે. ઊંચું જોખમ લઈ શકનાર ટ્રેડર 18600ના સ્ટોપલોસ સાથે નિફ્ટીમાં શોર્ટ પોઝીશન લઈ શકે છે.
ગુરુવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા કાઉન્ટર્સમાં અદાણી એન્ટરપ્રાઈઝિસ, બજાજ ફાઈનાન્સ, એસબીઆઈ લાઈફ, એચડીએફસી, બીપીસીએલ, એચડીએફસી બેંક, બજાજ ફિનસર્વ, એશિયન પેઈન્ટ્સ, એસબીઆઈ, અદાણી પોર્ટ્સ, એચડીએફસી લાઈફ અને સિપ્લાનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, યૂપીએલ, ઈન્ડસઈન્ડ બેંક, નેસ્લે, તાતા કન્ઝ્યૂમર્સ, તાતા મોટર્સ, આઈટીસી, વિપ્રો, પાવર ગ્રીડ કોર્પોમાં નરમાઈ જોવા મળતી હતી. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો મેટલ, બેંકિંગ, એનર્જી, ફાર્મા, આઈટી મજબૂતી દર્શાવતાં હતાં. જ્યારે એફએમસીજીમાં નરમાઈ જોવા મળતી હતી. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 1.22 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેના સુધારો દર્શાવનાર ઘટકોમાં તાતા સ્ટીલ, જિંદાલ સ્ટીલ, એપીએલ એપોલો, એનએમડીસી, નાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ, હિંદાલ્કો, સેઈલ અને કોલ ઈન્ડિયાનો સમાવેશ થાય છે. નિફ્ટી બેંક પણ 0.9 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. બેન્ચમાર્કે 43685ની સપાટી પર બંધ દર્શાવ્યું હતું. જે તેની 44152ની સર્વોચ્ચ ટોચથી લગભગ 500 પોઈન્ટ્સ છેટેનું સ્તર છે. બેંકિંગ ક્ષેત્રે એચડીએફસી બેંક, એસબીઆઈ, પીએનબી, ફેડરલ બેંક, કોટક મહિન્દ્રા બેંક, એક્સિસ બેંક અને બંધન બેંક સુધારો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી એનર્જી 0.6 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેમાં સુધારો દર્શાવવામાં બીપીસીએલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈઓસી અને એચપીસીએલ અગ્રણી હતાં. બીજી બાજુ, ગેઈલ, પાવર ગ્રીડ અને ઓએનજીસીમાં નરમાઈ જોવા મળતી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટમાં ટોચનો સુધારો દર્શાવનારા કાઉન્ટર્સમાં ચોલા ઈન્વેસ્ટમેન્ટ, એમએન્ડએમ ફાઈનાન્સિયલ, એબીબી ઈન્ડિયા, ઈન્ડિયામાર્ટ, મણ્ણાપુરમ ફાઈનાન્સ, બિરલા સોફ્ટ, એલઆઈસી હાઉસિંગ, એલએન્ડટી ફાઈનાન્સ, બજાજ ફાઈનાન્સનો સમાવેશ થતો હતો. જ્યારે ઘટનારા કાઉન્ટર્સમાં પેટ્રોનેટ એલએનજી, મહાનગર ગેસ, હિંદુસ્તાન એરોનોટિક્સ, ડાબર ઈન્ડિયા, આઈડીએફસી, ભારત ફોર્જ, આઈજીએલ, જીએનએફસી, તાતા કેમિકલ્સ અને આલ્કેમ લેબનો સમાવેશ થતો હતો. વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં ચોલા ઈન્વેસ્ટમેન્ટ, એબીબી ઈન્ડિયા, ઈન્ડિયામાર્ટ, એચડીએફસી, એબી કેપિટલ અને પાવર ફાઈનાન્સનો સમાવેશ થતો હતો. જ્યારે વી-માર્ટ રિટેલ તેનું વાર્ષિક તળિયું દર્શાવતો હતો.
US ખાતે 163 ભારતીય કંપનીઓએ 40 અબજ ડોલરનું કરેલું રોકાણ
ભારતીય કંપનીઓએ લગભગ 4.25 લાખ જોબ્સનું કરેલું સર્જન
લગભગ 163 ભારતીય કંપનીઓએ યુએસ ખાતે 40 અબજ ડોલરથી વધુનું રોકાણ કર્યું છે. તેમજ તેમણે લગભગ 4.25 લાખ નોકરીઓનું સર્જન પણ કર્યું હોવાનું એક સર્વેમાં જણાવાયું છે. કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી(સીઆઈઆઈ)ના ઈન્ડિયન રુટ્સ, અમેરિકન સોઈલ શીર્ષક હેઠળના સર્વેમાં જણાવ્યા મુજબ ભારતીય કંપનીઓએ યુએસ ખાતે કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટીના ભાગરૂપે 18.5 કરોડ ડોલરનો ખર્ચ કર્યો છે. જ્યારે યુએસ સ્થિત રિચર્સ એન્ડ ડેવલપમેન્ટ(આરએન્ડડી) પ્રોજેક્ટ્સને તેમનું ફાઈનાન્સિંગ 1 અબજ ડોલર આસપાસનું છે.
યુએસ સ્થિત ભારતીય કંપનીઓ યુએસ ખાતે મજબૂતી, અડગતા અને સ્પર્ધાત્મક્તા ઊભી કરી રહી છે. તેઓ જોબ્સનું સર્જન કરે છે. તેમજ સ્થાનિક સમુદાયને સપોર્ટ કરવા સાથે ક્ષમતા અને ટેકનિકલ નો-હાઉ ઊભો કરી રહ્યાં છે. તેઓ સમુદ્ધિનું સર્જન કરી રહ્યાં છે એમ યુએસ સ્થિત ભારતીય રાજદૂત તરનજીત સિંઘ સંધુએ જણાવ્યું હતું. ભારતીય કંપનીઓના પ્રતિનિધિઓની મોટી સંખ્યા વચ્ચે આ રિપોર્ટને સંધુએ રજૂ કર્યો હતો. સંધુએ ઉમેર્યું હતું કે સમગ્ર યુએસમાં મારા પ્રવાસ દરમિયાન મેં જોયું છે કે ભારતીય કંપનીઓએ એક જબરદસ્ત પરિવર્તન સર્જ્યું છે. તેઓ માત્ર રોજગાર, રોકાણ અને ગ્રોથના ચક્રનું નિર્માણ જ નથી કરી રહ્યાં પરંતુ તેનાથી આગળ સ્થાનિક સમુદાયને સપોર્ટ પૂરો પાડી રહ્યાં છે. તેઓ શાળાઓ અને યુનિવર્સિટીઝ સાથે ભાગીદારી કરી રહ્યાં છે. ભારતીયો હંમેશા તેમની સફળતાને અન્યો સાથે વહેંચવામાં માને છે. સર્વેમાં નોંધ્યા મુજબ 163 જેટલી ભારતીય કંપનીઓએ યુએસ ખાતે 40 અબજ ડોલરનું રોકાણ કર્યું છે અને 4.25 લાખ આસપાસ જોબ્સનું નિર્માણ કર્યું છે. ભારતીય કંપનીઓ તરફથી ઊભી કરવામાં આવેલી જોબ્સનો સૌથી વધુ લાભ મેળવનાર યુએસના રાજ્યોમાં ટેક્સાસ(20,906 જોબ્સ), ન્યૂ યોર્ક(19,162 જોબ્સ), ન્યૂ જર્સ(17,713 જોબ્સ), વોશિંગ્ટન(14,525 જોબ્સ), ફ્લોરિડા(14,418 જોબ્સ), કેલિફોર્નિયા(14,334 જોબ્સ), જ્યોર્જિયા(13,945 જોબ્સ), ઓહાયો(12,188 જોબ્સ), મોન્ટાના(9,603 જોબ્સ) અને ઈલિનોઈસ(8,454 જોબ્સ)નો સમાવેશ થાય છે. ભારતીય કંપનીઓ તરફથી નોંધપાત્ર એફડીઆઈ મેળનાર યુએસના ટોચના 10 રાજ્યોમાં ટેક્સાસ(9.8 અબજ ડોલર), જ્યોર્જિયા(7.5 અબજ ડોલર), ન્યૂ જર્સ(4.2 અબજ ડોલર), ન્યૂ યોર્ક(2.1 અબજ ડોલર), મેસેચ્યુએટ્સ(1.4 અબજ ડોલર), કેન્ટૂકી(90.8 કરોડ ડોલર), કેલિફોર્નિયા(77.6 કરોડ ડોલર), મેરિલેન્ડ(72 કરોડ ડોલર), ફ્લોરિડા(71.1 કરોડ ડોલર) અને ઈન્ડિઆના(58.2 કરોડ ડોલર)નો સમાવેશ થાય છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ 85 ટકા કંપનીઓ આગામી કેટલાંક વર્ષોમાં યુએસ ખાતે વધુ રોકાણ કરવાનું વિચારી રહી છે. જ્યારે 83 ટકા કંપનીઓ યુએસ ખાતે આગામી પાંચ વર્ષોમાં વધુ કર્મચારીઓની નિમણૂંક કરવાનું આયોજન ધરાવે છે.
IOCએ ગો ફર્સ્ટને રૂ. 500 કરોડની બેંક ગેરંટી પરત ખેંચી
હવેથી કંપની કેશ-એન્ડ-કેરી બેસીસ પર ફ્યુઅલનું વેચાણ કરશે
જાહેર ક્ષેત્રની રિફાઈનર તથા ઓઈલ માર્કેટર ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન(આઈઓસી)એ વોલ્યુન્ટરી નાદારી જાહેર કરનાર એરલાઈન કંપની ગો ફર્સ્ટ માટે રૂ. 500 કરોડની બેંક ગેરંટી પરત ખેંચી છે. ગોફર્સ્ટે મંગળવારે એનસીએલટી સમક્ષ ઈન્સોલ્વન્સી માટે પોતે જ ફાઈલીંગ કર્યું હતું. ગો ફર્સ્ટ માટે આઈઓસી એક્સક્લુઝિવ સપ્લાયર હતી. હાલમાં કંપનીએ ગો ફર્સ્ટ પાસેથી રૂ. 50 કરોડની રકમ લેવાની થાય છે એમ વર્તુળો જણાવે છે.
મે મહિનાની 2જી તારીખે વાડિયા જૂથની એરલાઈન કંપનીએ પહેલા 3 અને 4 મેના રોજ ફંડની તંગીને કારણે તેના ફ્લાઈટ ઓપરેશન્સ બંધ કરવાની જાહેરાત કરી હતી. જોકે, તે દિવસે પાછળથી કંપનીએ એનસીએલટી સમક્ષ વોલ્યુન્ટરી ઈન્સોલ્વન્સી રેઝોલ્યુશન પ્રોસેડિંગ્સ ફાઈલ કરી હતી. ઓઈલ માર્કેટિંગ કંપનીના અધિકારીના જણાવ્યા અનુસાર તેમણે ગઈકાલે જ બેંકની ગેરંટી પરત ખેંચવાની વિનંતી કરી છે. કંપનીએ રૂ. 50 કરોડની નાની રકમ જ લેવાની પરત રહે છે એમ તેઓ ઉમેર્યું હતું. આઈઓસીના અધિકારીના જણાવ્યા મુજબ અન્ય એરલાઈન્સ કંપનીમાં કોર્પોરેટ ગવર્નન્સ અને મિસમેનેજમેન્ટ જેવા મુદ્દાઓથી અલગ આ કિસ્સામાં ખામીભર્યાં એન્જિન્સનું પરિબળ જવાબદાર છે. એકવાર આ સમસ્યાનો ઉકેલ આવી જશે. ત્યારપછી એવું બને કે કંપની ફરી કાર્યરત થઈ જાય. વર્તુળોના મતે એકવાર કંપની તેની કામગીરી શરૂ કરશે ત્યાર પછી જ આઈઓસી નવેસરથી તેનો કોલ લેશે. સામાન્યરીતે કોઈપણ પ્રકારની જોખમી સ્થિતિમાં કંપની કેશ-એન્ડ-કેરી મોડેલ અપનાવતી હોય છે. જે કેસમાં ખરીદારે પહેલા નાણા ચૂકવીને ફ્યુઅલની ખરીદી કરવાની રહે છે. આઈઓસીએલે બેંક ઓફ બરોડા તરફથી આપવામાં આવેલી બેંક ગેરંટીને પરત ખેંચી છે. હાલમાં ગો ફર્સ્ટના મોટાભાગના આઉટસ્ટેન્ડિંગની સંભાળ તે રાખી રહી છે.
ગો ફર્સ્ટનું રૂ. 11463 કરોડનું ઋણ
વાડિયા જૂથની માલિકીની એરલાઈન કંપની ગો ફર્સ્ટે એનસીએલટીની દિલ્હી બેંચને જણાવ્યું છે કે તેણે ક્રેડિટર્સને રૂ. 11,463 કરોડ ચૂકવવાના થાય છે. જેમાં રૂ. 6521 કરોડની રકમ લેન્ડર્સને ચૂકવવાની બને છે. તેણે એક ચેતવણીમાં એમ પણ જણાવ્યું છે કે લેસર્સ તરફથી લેટર ઓફ ક્રેડિટ્સને દૂર કરવાનું શરૂ કરવામાં આવતાં લેન્ડર્સના એક્સપોઝરમાં વૃદ્ધિ જોવા મળી શકે છે. એરલાઈને એનસીએલટીને તેની અરજીમાં જણાવ્યું હતું કે એરલાઈન કંપનીનું રેઝોલ્યુશન અને સરવાઈવલ એ રાષ્ટ્રીય રીતે મહત્વની બાબત છે, કેમકે તે 18 લાખ મુસાફરોનો બેઝ ધરાવે છે. જ્યારે એવિએશન માર્કેટમાં 8 ટકા હિસ્સો ધરાવે છે.
અદાણી પોર્ટેસે 3 કરોડ ડોલરમાં મ્યાનમાર પોર્ટનું વેચાણ કર્યું
કંપનીએ 19.5 કરોડ ડોલરના રોકાણ સામે મોટા ડિસ્કાઉન્ટમાં પ્રોજેક્ટ વેચવો પડ્યો
પ્રોજેક્ટને ત્યજવા માટે લઘુમતી શેરધારક તરફથી મળેલા ઈનપુટ મુખ્ય પરિબળ
અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોને ગુરુવારે જણાવ્યું છે કે તેણે પ્રતિબંધોનો સામનો કરી રહેલા મ્યાનમાર સ્થિત તેના પોર્ટ પ્રોજેક્ટનું 3 કરોડ ડોલરમાં વેચાણ પૂર્ણ કર્યું છે. કંપનીએ આ પ્રોજેક્ટું વેચાણ તેણે કરેલા રોકાણની સરખામણીમાં નીચા ખર્ચે કર્યું છે.
મ્યાનમારમાં સૈન્ય તરફથી બળવા પછી અદાણી જૂથે મે 2022માં જ પ્રોજેક્ટના વેચાણની જાહેરાત કરી હતી. સૈન્ય બળવા પછી લોકો પર વ્યાપક પ્રમાણમાં અત્યાચારને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે તેની નોંધ લીધી હતી અને યુએસ તરફથી પ્રતિબંધો લાગુ પાડવામાં આવ્યાં હતાં. જોકે, કેટલીક શરતોના પાલનને લઈ ડિલમાં વિલંબ થયો હતો. આ શરતોમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાની શરત પણ સમાવેશ થતી હતી. કંપનીના પ્રોજેક્ટને ત્યજવાના નિર્ણયમાં લઘુમતી શેરધારકો તરફથી પ્રાપ્ય ઈનપુટ્સ મહત્વના બની રહ્યાં હતાં. અગાઉ અદાણી પોર્ટે જણાવ્યું હતુ કે તે પ્રતિબંધિત કંપની સાથે સંકળાયેલી રહેશે નહિ. અદાણી પોર્ટેસે અગાઉ માર્ચ અને જૂન 2022માં એક્ઝિટનું લક્ષ્યાંક રાખ્યું હતું. જોકે, કંપનીએ ખરીદાર સોલાર એનર્જી સાથે વેચાણ ભાવને લઈને મંત્રણા જાળવી રાખતાં આમ બન્યું હોવાનું કંપનીએ રેગ્યુલેટરી ફાઈલીંગમાં જણાવ્યું હતું. જોકે, ખરીદાર ક્યાંનો છે તેની માહિતી હજુ મળી નથી. મે 2021ની ફાઈલીંગ સૂચવે છે કે કંપનીએ પ્રોજેક્ટમાં 12.9 કરોડ ડોલરનું રોકાણ કર્યું હતું. જેમાં લીઝ લેન્ડ માટે 9 કરોડ ડોલરના અપફ્રન્ટ પેમેન્ટનો સમાવેશ થતો હતો. જોકે, આ બાબતને નજીકથી જોઈ રહેલા વર્તુળોના મતે અદાણી પોર્ટ્સે ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટમાં 19.5 કરોડ ડોલરનું રોકાણ કર્યું હતું. પોર્ટ હજુ સુધી કાર્યાન્વિત બન્યું નહોતું. અદાણી પોર્ટ્સે જોકે આ મુદ્દે કોઈ ટિપ્પણી કરી નહોતી. કંપનીનો શેર ગુરુવારે 1.51 ટકા સુધારા સાથે રૂ. 679.75ની સપાટીએ બંધ રહ્યો હતો.
અદાણી ટ્રાન્સમિશનની 10 કરોડ ડોલરના બોન્ડ્સ બાયબેક માટે વિચારણા
અદાણી જૂથની પાવર ટ્રાન્સમિશન કંપની અદાણી ટ્રાન્સમિશન તેણે ઈસ્યુ કરેલાં 10 કરોડ ડોલરના બોન્ડ્સનું બોયબેક કરવા માટે વિચારી રહી છે. જેથી કંપની અને જૂથમાં રોકાણકારોનો વિશ્વાસ પરત મેળવી શકાય એમ આ બાબતને નજીકથી જોઈ રહેલા વર્તુળ જણાવે છે.
અદાણી ટ્રાન્સમિશનની સંપૂર્ણ માલિકીની કંપની અદાણી ઈલેક્ટ્રિસિટી મુંબઈ ટૂંક સમયમાં જ બોન્ડ બાયબેકની જાહેરાત કરે તેવી શક્યતાં વર્તુળ વ્યક્ત કરી રહ્યાં છે. જોકે આ વાત હજુ આંતરીક સ્તરે જ ચર્ચામાં હોવાના કારણે તેઓ નામ નહિ આપવાની શરતે જ આમ જણાવે છે. તેમના મતે બોન્ડ બાયબેક માટે અદાણી ટ્રાન્સમિશનને ફેસિલિટેટ કરવા માટે કેટલીક બેંક્સ કંપની સાથે મંત્રણા ચલાવી રહી છે. અદાણી જૂથના પ્રતિનિધિ તરફથી આ અંગે કોઈ ટિપ્પણી કરવામાં આવી નહોતી. આ પગલું પોર્ટ-ટુ-પાવર કોંગ્લોમેરટ તરફથી હિંડેનબર્ગ રિસર્ચ રિપોર્ટ પછી રોકાણકારોમાંથી ઉઠેલા વિશ્વાસને પરત લાવવા માટે ભરવામાં આવી રહ્યું છે. હિંડેનબર્ગના રિપોર્ટ પછી અદાણી જૂથના માર્કેટ-કેપમાં 150 અબજ ડોલરથી વધુનો ઘટાડો નોંધાયો હતો. જૂથના વિદેશી બજારોમાં લિસ્ટેડ ડોલર-ડિનોમિનેટેડ બોન્ડ્સમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. જોકે જૂથ તરફતી યુએસ સ્થિત શોર્ટ સેલર્સના આક્ષેપોને વારંવાર ફગાવવામાં આવ્યા હતાં.
ડિસેમ્બર 2022ની આખરમાં અદાણી ટ્રાન્સમિશન રૂ. 3500 કરોડની કેશ ધરાવતી હતી. જે વર્તમાન ઓબ્લિગેશન્સને ફંડ કરવા માટે પર્યાપ્ત હોવાનું કંપનીના એમડીએ ફેબ્રુઆરીમાં યોજાયેલા કોન્ફરન્સ કોલમાં જણાવ્યું હતું. અદાણી જૂથની અન્ય કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોને પણ જુલાઈ 2024માં પાકતાં 13 કરોડ ડોલર સુધીના બોન્ડ્સ બાયબેક કર્યાં હતાં. તેમજ આગામી ચાર ક્વાર્ટર્સમાં સમાન રકમના બોન્ડ બાયબેક કરશે એમ જણાવ્યું હતું.
MF સ્કિમ્સ માટે પર્ફોર્મન્સ-આધારિત ફી માટે સેબીની વિચારણા
માર્કેટ રેગ્યુલેટર સેબી મ્યુચ્યુલ ફંડ્સને તેમના દેખાવને આધારે ફી વસૂલવા માટેના પ્રસ્તાવ પર વિચારણા કરી રહી છે એમ માર્કેટ રેગ્યુલેટરના હોલ-ટાઈમ મેમ્બર અનંત બરુઆએ જણાવ્યું છે. તેમના જણાવ્યા મુજબ ખર્ચના માળખાને સમજવા માટે રચવામાં આવેલા વર્કિંગ ગ્રૂપ હેઠળ હાલમાં આ પ્રસ્તાવ વિચારણા હેઠળ છે.
સીઆઈઆઈ મ્યુચ્યુલ ફંડ સમિટ ખાતે બોલતાં બરુઆએ જણાવ્યું હતું કે એક વર્કિંગ ગ્રૂપની રચના કરવામાં આવી છે. જે સમીક્ષા હાથ ધરશે. વિવિધ સૂચનોમાંનું એક સૂચન એવું છે કે કોઈ સ્કિમ બેન્ચમાર્ક કરતાં સારો દેખાવ દર્શાવી રહી હોય તો તેની ફીને દેખાવ સાથે સાંકળી શકાય. કમિટીને આ સૂચન યોગ્ય જણાશે તો અમે કન્સલ્ટેશન પેપર મારફતે તેના પર વિચારણા હાથ ધરીશું. પર્ફોર્મન્સ લિંક્ડ સ્કિમ્સનો પ્રસ્તાવ મ્યુચ્યુલ ફંડ ઈન્વેસ્ટર્સ માટે ખર્ચાઓના સરળીકરણને લઈને ચાલી રહેલી વર્તમાન વિચારણાના ભાગરૂપ છે. જોકે તેમણે પ્રસ્તાવિત નવા ફી માળખાની કોઈ વિગતો આપી નહોતી. તેમ છતાં ઉદ્યોગ વર્તુળોના કહેવા મુજબ સેબી ડાયરેક્ય પ્લાન્સની માફક કોઈ નવી વૈકલ્પિક કેટેગરી ઊભી કરી શકે છે. જે હેઠળ બેઝ ફીમાં ઘટાડો કરવામાં આવી શકે છે. જ્યારે એડિશ્નલ ચાર્જિસને પર્ફોર્મન્સ આધારિત બનાવવામાં આવી શકે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ પ્રસ્તાવને કારણે સતત અન્ડરપર્ફોર્મન્સના કિસ્સામાં મ્યુચ્યુલ ફંડ્સને ચૂકવવામાં આવતી ફીમાં ઘટાડાની શક્યતાં પણ ઊભી થઈ શકે છે. સેબીના એક્ઝિક્યૂટીવ ડિરેક્ટરના જણાવ્યા મુજબ સિસ્ટમ્સમાં ઊભી કરવામાં આવેલી કાર્યદક્ષતાને કારણે થયેલાં લાભ ગ્રાહકો સુધી પસાર થવાં જોઈએ. આ પરિપ્રેક્ષ્યમાં અમે હંમેશા ખર્ચમાં ઘટાડા માટેનો પ્રયાસ કરતાં હોઈએ છીએ. કોસ્ટ સ્ટ્રક્ચરને લઈને અમે ટૂંક સમયમાં જ એક વિગતવાર કન્સલ્ટેશન પેપર લઈને આવીશું એમ તેમણે જણાવ્યું હતું. હાલમાં મ્યુચ્યુલ ફંડ ઉદ્યોગને એક ફિક્સ્ડ ફી વસૂલવાની છૂટ છે. જ્યારે અન્ય ઈન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સ જેવીકે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસિસ(પીએમએસ) અને અલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ ફંડ્સ(એઆઈએફ)ને પર્ફોર્મન્સ-લિંક્ડ ફી સ્ટ્રક્ચર્સ ધરાવે છે. આવા માળખા હેઠળ સંબંધિત બેન્ચમાર્ક્સની સરખામણીમાં જો સતત આઉટપર્ફોર્મન્સ દર્શાવવામાં આવે તો એસેટ મેનેજર એડિશ્નલ ચાર્જ વસૂલવાની સત્તા ધરાવે છે. જે મ્યુચ્યુલ ફંડ મેનેજર પાસે નથી.
નવા પાક વર્ષ માટે વિક્રમી ખાદ્યાન્નનો ટાર્ગેટ નક્કી કરાયો
આગામી જુલાઈ મહિનાથી શરૂ થનારા પાક વર્ષ 2023-24(જૂન-જુલાઈ) માટે 33.2 કરોડ ટન ખાદ્યાન્ન ઉત્પાદનનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. જેમાં 2.925 કરોડ ટન કઠોળનો સમાવેશ પણ થાય છે. અલ નીનોની સંભાવના વચ્ચે કૃષિ મંત્રાલયે તૈયાર કરેલા ટાર્ગેટમાં નવા વર્ષે 4.4 કરોડ ટન તેલિબિયાંના ઉત્પાદનનો અને 1.7 કરોડ ટન બાજરીના ઉત્પાદનનો લક્ષ્યાંક છે. સરકાર આંતર-પાક અને વૈવિધ્યીકરણના વ્યૂહને અપનાવવા સાથે ઊંચી ઉપજ ધરાવતાં બિયારણોનો ઉપયોગ કરી ટાર્ગેટ હાંસલ કરવા ધારે છે. ચાલુ પાક વર્ષ માટે બીજા તબક્કાના તાજા અંદાજ મુજબ દેશમાં ખાદ્યાન્નનું ઉત્પાદન 32.35 કરોડ ટન રહેશે. જે ગયા પાક વર્ષની સરખામણીમાં 79 લાખ ટન ઉત્પાદન વૃદ્ધિ દર્શાવે છે. ચાલુ વર્ષે ચોખા, મકાઈ, ચણા, કઠોળ, રાયડો અને શેરડીના વિક્રમી ઉત્પાદનનો અંદાજ છે.
MF ડિસ્ટ્રીબ્યુટરને નવા રોકાણકારને લાવવા બદલ ઈન્સેન્ટિવ મળશે
માર્કેટ રેગ્યુલેટર સેબી મ્યુચ્યુલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સને ઉદ્યોગ ક્ષેત્રે નવા રોકાણકર્તાને લાવવા બદલ ઈન્સેન્ટિવ આપવા માટે વિચારણા ચલાવી રહી છે. નવો રોકાણકાર શહેરી વિસ્તારમાંથી આવતો હોય કે ગ્રામીણ વિસ્તારમાંથી તેને લક્ષમાં લીધા વિના ડિસ્ટ્રીબ્યુટર્સને ઈન્સેન્ટિવ્સ માટે સેબી વિચારી રહી છે. સેબી B30(ટોચના 30 શહેરો ઉપરાંતનો વિસ્તાર) ઉપરાંતના વિસ્તારોમાંથી ડિસ્ટ્રીબ્યુટર્સને મળતાં ઈન્સેન્ટીવને રદ કર્યાં બાદ આમ વિચારી રહી છે. સેબીના ધ્યાનમાં આવ્યું હતું કે એમએફ ડિસ્ટ્રીબ્યુટર્સ બી30 સિવાયના વિસ્તારોમાં તેમને મળતાં ઈન્સેન્ટીવનો દૂરુપયોગ કરી રહ્યાં છે અને તેથી સેબીએ તેને દૂર કર્યું હતું.
કોર્પોરેટ હેડલાઈન્સ
તાતા કેમિકલ્સઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 709 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 438 કરોડના નફાની સરખામણીમાં 61.9 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 3098 કરોડ સામે ચાલુ વર્ષે 26.6 ટકા વધી રૂ. 4407 કરોડ પર રહી હતી.
ચોલા ઈન્વેસ્ટમેન્ટઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 855.2 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 687 કરોડના નફાની સરખામણીમાં 25 ટકા ઊંચો છે. કંપનીની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ રૂ. 2006.9 કરોડ પર જોવા મળી હતી. જ્યારે તેનો એબિટા 44.3 ટકા ઉછળી રૂ. 2932.26 કરોડ પર રહ્યો હતો.
સોના બીએલડબલ્યુઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 119.8 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 104.6 કરોડની સામે 14.5 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 547.8 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં 36 ટકા વધી રૂ. 742.5 કરોડ પર રહી હતી.
કેઈસીઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 72.2 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 112 કરોડની સામે 35.6 ટકાનો ઘટાડો સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 4,275 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં 29 ટકા વધી રૂ. 5525 કરોડ પર રહી હતી.
એબીબીઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 245 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 373 કરોડની સામે 34.4 ટકાની વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1968.4 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં 22.5 ટકા વધી રૂ. 2411.2 કરોડ પર રહી હતી.
એસઆઈએસઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 93.1 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 97.3 કરોડની સામે 4.3 ટકાની વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 2,648 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં 13.1 ટકા વધી રૂ. 2995.6 કરોડ પર રહી હતી.
આવાસઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 115 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 126.8 કરોડની સામે 10 ટકાની વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 365.1 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં 23 ટકા વધી રૂ. 450 કરોડ પર રહી હતી.