Categories: Market Tips

Market Summary 04/10/2023

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

માર્કેટમાં મંદીવાળાઓનું પ્રભુત્વ જળવાતાં નિફ્ટી બે મહિનાના તળિયે
નિફ્ટી 19500ની નીચે ઉતરી ગયો
વોલેટિલિટી ઈન્ડેક્સ 1.2 ટકા ગટી 11.65ની સપાટીએ
આઈટી, એફએમસીજી સિવાય સાર્વત્રિક નરમાઈ
રિઅલ્ટી ઈન્ડેક્સ 2 ટકા તૂટ્યો
સુઝલોન એનર્જી, રામ્કો સિમેન્ટ્સ, એમઆરપીએલ નવી ટોચે
વી-માર્ટ રિટેલ, અદાણી ટોટલમાં નવા તળિયા

યુએસ ટ્રેઝરી યિલ્ડ્સમાં સતત તેજી પાછળ શેરબજારોમાં ઘટાડો અટકવાનું નામ નથી લેતો. જેમાં ભારત, હોંગ કોંગ, કોરિયા અને તાઈવાન જેવા ઈમર્જિંગ બજારો છેલ્લાં કેટલાંક સત્રોમાં વેચવાલીનું ભારે દબાણ દર્શાવી રહ્યાં છે. મંગળવાર પછી બુધવારે પણ સ્થાનિક શેરબજારમાં નરમાઈ જોવા મળી હતી. બીએસઈ સેન્સેક્સ 286 પોઈન્ટ્સ ગગડી 65226ની સપાટીએ જ્યારે નિફ્ટી 93 પોઈન્ટ્સ ગગડી 19436ની સપાટીએ બંધ રહ્યાં હતાં. મીડ અને સ્મોલ-કેપ્સમાં વેચવાલી પાછળ માર્કેટ બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3795 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2387 કાઉન્ટર્સ નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1295 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળ્યાં હતાં. 208 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 39 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું. 7 કાઉન્ટર્સે અપર સર્કિટ્સમાં જ્યારે 8 કાઉન્ટર્સે લોઅર સર્કિટ્સમાં બંધ આપ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1.2 ટકા ગગડી 11.65ના સ્તરે બંધ રહ્યો હતો.
મંગળવારે રાતે યુએસ શેરબજારમાં વેચવાલી પાછળ બુધવારે એશિયાઈ બજારોમાં 2 ટકા સુધીનો ઘટાડો જોવા મળતો હતો. જેની પાછળ ભારતીય બજારની શરૂઆત પણ નેગેટિવ રહી હતી. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 19529ના બંધ સામે 19446ની સપાટીએ ખૂલી ઈન્ટ્રા-ડે 19334ના તળિયા પર ટ્રેડ થયો હતો. જોકે, ત્યાં શોર્ટ કવરિંગ પાછળ તેણે બજાર બંધ થતાં અગાઉ 19458ની ટોચ બનાવી હતી અને તેની નજીક જ બંધ રહ્યો હતો. નિફ્ટી સ્પોટ સામે નિફ્ટી ફ્યુચર 42 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 19478ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 34 પોઈન્ટ્સ પ્રિમિયમ સામે સુધારો સૂચવે છે. આમ, માર્કેટમાં નીચા મથાળે લોંગ પોઝીશનમાં વૃદ્ધિના સંકેતો જોવા મળી રહ્યાં છે. નિફ્ટીએ 19400નો સપોર્ટ જાળવી રાખ્યો છે. જો વૈશ્વિક બજારોમાં મજબૂતી પરત ફરશે તો ભારતીય બજાર બાઉન્સ દર્શાવવામાં ટોચનું બજાર હોય શકે છે અને તેથી વર્તમાન સ્તરે જૂની શોર્ટ પોઝીશનમાં પ્રોફિટ બુક કરી લેવો જોઈએ. નવા શોર્ટનું સાહસ કરવું જોઈએ નહિ. નિફ્ટી માટે 19600નો અવરોધ રહેશે. જે પાર થશે તો બેન્ચમાર્ક વધુ સુધારો દર્શાવી શકે છે.
બુધવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા ઘટકોમાં અદાણી એન્ટરપ્રાઈઝિસ, નેસ્લે, એચયૂએલ, આઈશર મોટર્સ, એચડીએફસી બેંક, બ્રિટાનિયા, ઈન્ફોસિસ, ટીસીએસ, એશિયન પેઈન્ટ્સ, એચસીએલ ટેક, બીપીસીએલનો સમાવેશ થાય છે. બીજી બાજુ, એક્સિસ બેંક, એસબીઆઈ, એનટીપીસી, ઈન્ડસઈન્ડ બેંક, અલ્ટ્રાટેક સિમેન્ટ, તાતા સ્ટીલ, મારુતિ સુઝુકી, બજાજ ઓટો, બજાજ ફિનસર્વ, જેએસડબલ્યુ સ્ટીલમાં નોંધપાત્ર ઘટાડો નોઁધાયો હતો. સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો આઈટી અને એફએમસીજી સિવાય અન્ય તમામ સેક્ટરલ સૂચકાંકો નેગેટિવ જોવા મળ્યાં હતાં. નિફ્ટી આઈટી 0.3 ટકા સુધારો દર્શાવતો હતો. જેના ઘટકોમાં એમ્ફેસિસ, ઈન્ફોસિસ, ટીસીએસ, કોફોર્જ અને એચસીએલ ટેક્નોલોજીમાં મજબૂતી જોવા મળતી હતી. નિફ્ટી એફએમજીસી પણ 0.2 ટકા સુધારા સાથે પોઝીટીવ બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં નેસ્લે, એચયૂએલ, બ્રિટાનિયા, ઈમામી, કોલગેટમાં મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, નિફ્ટી પીએસયૂ બેંક 3 ટકા સાથે ઘટવામાં ટોચ પર હતો. નિફ્ટી રિઅલ્ટી 1.7 ટકા જ્યારે નિફ્ટી પીએસઈ પણ 1.34 ટકા ઘટાડો દર્શાવતાં હતાં. નિફ્ટી મેટલ એક ટકા અને નિફ્ટી ઓટો પણ 1.3 ટકા ડાઉન બંધ રહ્યાં હતાં.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો રામ્કો સિમેન્ટ્સ 4 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત અદાણી એન્ટરપ્રાઈઝિસ, નેસ્લે, એસ્કોર્ટ્સ કુબોટા, એમ્ફેસિસ, એચયૂએલ, આઈશર મોટર્સ, એચડીએફસી બેંક, મહાનગર ગેસ, ક્યુમિન્સ, ગ્રેન્યૂલ્સ ઈન્ડિયા, જીએનએફસી, બ્રિટાનિયા, ઈન્ફોસિસ, ટીસીએસ, ગોદરેજ પ્રોપર્ટીઝ અને કોલગેટમાં સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, મણ્ણાપુરમ ફાઈ. વોડાફોન આઈડિયા, એલએન્ડટી ફાઈનાન્સ, એક્સિસ બેંક, એમએન્ડએમ ફાઈનાન્સિયલ, ગ્લેનમાર્ક, પીએનબી, શ્રીરામ ફાઈનાન્સ, ચોલા ઈન્વેસ્ટમન્ટમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતો હતો. કેટલાંક વાર્ષિક અથવા સર્વોચ્ચ સપાટી દર્શાવનારા કાઉન્ટર્સમાં સુઝલોન એનર્જી, રામ્કો સિમેન્ટ્સ, એમઆરપીએલ, મહાનગર ગેસ, બેંક ઓફ મહારાષ્ટ્રી, હૂડકો, સોલાર ઈન્ડ., પીસીબીએલ, વેરોક એન્જિનીયર અને આઈઓબીનો સમાવેશ થતો હતો.

IPO ફંડ રેઈઝીંગ 26 ટકા નીચું જોકે લિસ્ટીંગ વળતર 29 ટકા ઊંચું
એપ્રિલથી સપ્ટેમ્બર સુધીમાં મેનકાઈન્ડ ફાર્માએ રૂ. 4326 કરોડ અને જેએસડબલ્યુ ઈન્ફ્રાએ રૂ. 2800 કરોડનું ઊંચું ફંડ મેળવ્યું

ચાલુ નાણા વર્ષ દરમિયાન પબ્લિક ઈક્વિટી ફંડ રેઈઝીંગમાં વાર્ષિક ધોરણે 69 ટકા વૃદ્ધિ જોવા મળી છે તેમ છતાં આઈપીઓ મારફતે ફંડ એકત્રીકરણમાં ઘટાડો નોંધાયો છે. 2023-24ના પ્રથમ છ મહિના દરમિઆન ભારતીય કંપનીઓએ આઈપીઓ મારફતે રૂ. 26300 કરોડ ઊભાં કર્યાં છે. જે ગયા વર્ષે ઊભા કરવામાં આવેલા રૂ. 35,456 કરોડના ફંડ્સ સામે ઘટાડો સૂચવે છે. જોકે, બીજી બાજુ સરેરાશ લિસ્ટીંગ લાભ ગયા વર્ષની સરખામણીમાં 29 ટકા જેટલો ઊંચો જોવા મળ્યો હતો. જેને કારણે રિટેલ પાર્ટિસિપેશનમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ હતી.
ગયા વર્ષે કુલ 14 આઈપીઓ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં 31 આઈપીઓ બજારમાં પ્રવેશ્યાં છે. જોકે, તેમણે ઊભા કરેલા ભંડોળની રકમ નીચી છે. જોકે, ગયા વર્ષે એલઆઈસીના આઈપીઓને બાકાત રાખીએ તો ચાલુ વર્ષે આઈપીઓ મારફતે ઊભી કરવામાં આવેલી રકમ 76 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. જોકે, ચાલુ વર્ષે સમગ્રતયા પબ્લિક ઈક્વિટી ફંડ રેઈઝીંગ રૂ. 73,747 કરોડ પર રહ્યું છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 43,694 કરોડ પર જોવા મળતું હતું.
ચાલુ વર્ષે મેઈન બોર્ડ પર મોટા આઈપીઓમાં મેનકાઈન્ડ ફાર્મા(રૂ. 4326 કરોડ), જેએસડબલ્યુ ઈન્ફ્રાસ્ટ્ર્ક્ચર(રૂ. 2800 કરોડ) અને આરઆર કાબેલ(રૂ. 1964 કરોડ)નો સમાવેશ થાય છે. જ્યારે સૌથી નાના આઈપીઓમાં પ્લાઝા વાયર્સ(રૂ. 67 કરોડ)નો સમાવેશ થાય છે. આઈપીઓની સરેરાશ સાઈઝ રૂ. 848 કરોડ રહી હતી. છ મહિનામાં બજારમાં પ્રવેશેલાં કુલ 31 આઈપીઓમાંથી 21 આઈપીઓ તો માત્ર ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં બજારમાં પ્રવેશ્યાં હતાં. કુલ 31 આઈપીઓમાંથી માત્ર 1 આઈપીઓ ન્યૂ-એજ ટેક્નોલોજી કંપનીનો હતો.
બજારમાં પ્રવેશેલાં આઈપીઓમાંથી 28 આઈપીઓનો અભ્યાસ કરીએ તો 19 આઈપીઓ 10 ગણાથી વધુ ભરાયા હતા અને તેમણે સારો પ્રતિભાવ મેળવ્યો હતો. આમાંથી નવ આઈપીઓ 50 ગણાથી વધુ ભરાયાં હતાં. જ્યારે ચાર આઈપીઓ માત્ર ત્રણ ગણાથી વધુ ભરાયા હતાં. જ્યારે પાંચ આઈપીઓ એકથી ત્રણ ગણા ભરાયાં હતાં. એચએનઆઈ સેગમેન્ટ(રૂ. 2 લાખથી રૂ. 10 લાખ) તરફથી પ્રોત્સાહક પ્રતિભાવ સાંપડ્યો હતો અને 17 આઈપીઓમાં સેગમેન્ટનું ભરણું 10 ગણાથી વધુ ભરાયું હતું. ગયા વર્ષની સરખામણીમાં રિટેલ ઈન્વેસ્ટર્સનો પ્રતિભાવ પણ અસાધારણ રીતે વધ્યો હતો. આઈડિયાફોર્જ માટે 22.29 લાખ સાથે સૌથી વધુ આઈપીઓ અરજી જોવા મળી હતી. જ્યારપછી એરોફ્લેક્સ માટે 21.62 લાખ અરજી અને એસબીએફસી ફાઈનાન્સ માટે 20.19 લાખ અરજી જોવા મળી હતી. આઈપીઓમાં રિટેલ તરફથી રૂ. 55516 હજાર કરોડના શેર્સ માટે અરજી કરવામાં આવી હતી. જે કુલ આઈપીઓ મોબિલાઈઝેશનના 118 ટકા જેટલી ઊંચી હતું. આ રેશિયો 2022-23માં 33 ટકા જેટલો હતો. જોકે, રિટેલને માત્ર રૂ. 6506 કરોડના શેર્સની ફાળવણી કરવામાં આવી હતી. જે આઈપીઓ મોબિલાઈઝેશનના 26 ટકા રકમ હતી. જે પ્રમાણ 2022-23માં 28 ટકા પર હતું.
લિસ્ટીંગની બાબતમાં આઈડિયાફોર્જે 93 ટકાનું અસાધારણ રિટર્ન આપ્યું હતું. જ્યારપછીના ક્રમે ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેંક(92 ટકા), નેટવેબ ટેક્નોલોજિસ(82 ટકા)નો સમાવેશ થાય છે. બુધવારે 28 આઈપીઓમાંથી 27 આઈપીઓ તેમના ઓફર ભાવથી ઊપર ટ્રેડ દર્શાવતાં હતાં.

ટોરેન્ટની રિલાયન્સ કેપિટલમાં હિંદુજાના પ્લાન સામે સુપ્રીમમાં અર્જન્ટ અપીલ
કંપનીએ સુપ્રીમને રિલાયન્સ કેપિટલના લેન્ડર્સે યોજેલા બીજા ઓક્શનને પડકારતી અગાઉની અરજીના ઝડપી ઉકેલ માટે જણાવ્યું

અમદાવાદ મુખ્યાલય ધરાવતી ટોરેન્ટ ઈન્વેસ્ટમેન્ટે રિલાયન્સ કેપિટલ રેઝોલ્યુશન પ્રક્રિયા મામલે બીજી વાર સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યાં છે. આ વખતે કંપનીએ નાદાર રિલાયન્સ કેપિટલના ટેક ઓવર માટે હિંદુજા ગ્રૂપે રજૂ કરેલા રેઝોલ્યુશન પ્લાન પર સ્ટે માટે સુપ્રીમાં અર્જન્ટ અરજી કરી છે. ટોરેન્ટે મંગળવારે સર્વોચ્ચ અદાલતમાં રજૂ કરેલા તેના લેટર ઓફ અર્જન્સીમાં કોર્ટને તત્કાળ દરમિયાનગીરી કરવાની વિનંતી કરી છે. કંપનીએ સુપ્રીમને રિલાયન્સ કેપિટલના હરાજી માટેના 26 એપ્રિલના બીજા રાઉન્ડને પડકારતી તેની અગાઉની પેન્ડિંગ અરજી પર તત્કાળ સુનાવણી હાથ ધરી તેના ઝડપી ઉકેલ માટે જણાવ્યું છે.
રિલાયન્સ કેપિટલના બીજા રાઉન્ડના ઓક્શનમાં હિંદુજા જૂથની આઈઆઈએચએલ એકમાત્ર બીડર તરીકે ઊભરી હતી. કેમકે ટોરેન્ટ ઈન્વેસ્ટમેન્ટ તેમાંથી બહાર રહી હતી. આઈઆઈએચએલે રિલાયન્સ કેપિટલ માટે રૂ. 9800 કરોડના સંપૂર્ણ કેશ ડીલની ઓફર કરી હતી. જૂનમાં રિલાયન્સ કેપિટલના લેન્ડર્સે બહુમતીથી આઈઆઈએચએલના રેઝોલ્યુશન પ્લાનને મંજૂર કર્યો હતો. જેમાં 99.6 ટકાએ તરફેણમાં વોટિંગ કર્યું હતું. જોકે, હાલમાં આ પ્લાન માટે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ(એનસીએલટી) તરફથી આખરી મંજૂરીની રાહ જોવાઈ રહી છે ત્યારે બીજી વાર સુપ્રીમ કોર્ટ સમક્ષ કરેલી અપીલમાં ટોરેન્ટે એનસીએલટી તરફથી આઈઆઈએચએલના રેઝોલ્યુશન પ્લાનની મંજૂરીને અટકાવવાની માગણી કરી છે. અગાઉ 25 ઓગસ્ટે એક અસફળ પ્રયાસમાં કોર્ટે રેઝોલ્યુશન પ્રક્રિયા પર સ્ટે માટે ઈન્કાર કર્યો હતો. બીજીવારના પ્રયાસમાં ટોરેન્ટનું કહેવું છે કે જ્યારે તેની અપીલ સુપ્રીમ કોર્ટમાં હજુ પેન્ડિંગ હતી ત્યારે રિલાયન્સ કેપિટલની ક્રેડિટર્સ કમિટી ઓક્શનના બીજા રાઉન્ડમાં આગળ વધી હતી અને તેણે આઈઆઈએચએલના રેઝોલ્યુશન પ્લાનને મંજૂર પણ કર્યો હતો. ટોરેન્ટ ઈન્વેસ્ટમેન્ટના મતે તેની અરજી સુપ્રીમમાં પેન્ડિંગ હતી છતાં બેંક્સે આ પગલાઓ ભર્યાં હતાં. જેને જોતાં ટોરેન્ટે સુપ્રીમ કોર્ટને તેની પેન્ડિંગ અપીલ્સ પર તત્કાળ સુનાવણી માટેની મામણી કરી છે. કોર્ટ આ અંગે 11 ઓક્ટોબરે સુનાવણી યોજશે.

મીડ સાઈઝ બેંક્સે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં લોનમાં દ્વિઅંકી વૃદ્ધિ નોંધાવી
ઈન્ડસઈન્ડ બેંક, ફેડરલ બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્રનો લોન ગ્રોથ 20 ટકાથી ઊંચો જોવાયો
નાની બેંક્સે બીજા ક્વાર્ટરમાં ઊંચો ડિપોઝીટ ગ્રોથ પણ દર્શાવ્યો

કેટલીક મધ્યમ અને નાની સાઈઝની બેંકિંગ કંપનીઓએ સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન વાર્ષિક ધોરણે મજબૂત દ્વિઅંકી લોન ગ્રોથ જાળવી રાખ્યો છે. આવી બેંક્સમાં ફેડરલ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, ધનલક્ષ્મી બેંક અને સીએસબીનો સમાવેશ થાય છે.
એક્સચેન્જ ફાઈલિંગ્સમાં ઈન્ડ્સઈન્ડ બેંક અને મહારાષ્ટ્ર બેંકે જણાવ્યું છે કે તેમણે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 20 ટકાથી વધુ વાર્ષિક એડવાન્સ વૃદ્ધિ દર્શાવી છે. જેમાં ઈન્ડસઈન્ડ બેંકે રૂ. 3.14 લાખ કરોડનું લોન વિતરણ કર્યું છે. જ્યારે બેંક ઓફ મહારાષ્ટ્રે રૂ. 1.83 લાખ કરોડની લોન આપી છે. દરમિયાન ફેડરલ બેંકે રૂ. 1.95 લાખ કરોડના લોન વિતરણ સાથે 20 ટકા વૃદ્ધિ નોંધાવી છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 1.77 લાખ કરોડની લોન વૃદ્ધિ હાંસલ કરી હતી. ધનલક્ષ્મી બેંકે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વાર્ષિક 13 ટકા વૃદ્ધિ સાથે રૂ. 10,312 કરોડની લોન વિતરીત કરી છે. ઉપરોક્ત લેન્ડર્સ માટે 8 સપ્ટેમ્બર 2023 સુધી એડવાન્સિસમાં વાર્ષિક વૃદ્ધિ દર 15.1 ટકા પર પર જોવા મળતો હતો એમ આરબીઆઈ ડેટા જણાવે છે. ફેડરલ બેંકની રિટેલ ક્રેડિટ બૂકમાં વાર્ષિકધોરણે 22 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. જ્યારે હોલસેલ બુકમાં 17 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. બેંકની લોન બુકમાં રિટેલ-ટુ-હોલસેલ રેશિયો 55:45 જોવા મળતો હતો. જો ડિપોઝીટ્સની વાત કરીએ તો બેંક ઓફ મહારાષ્ટ્ર અને ફેડરલ બેંકની ડિપોઝિટ્સમાં વાર્ષિક 20 ટકાથી ઊંચી વૃદ્ધિ નોંધાઈ હતી. જેમાં બેંક ઓફ મહારાષ્ટ્રે રૂ. 2.39 લાખ કરોડની ડિપોઝીટ્સ જ્યારે ફેડરલ બેંકે રૂ. 2.32 લાખ કરોડની ડિપોઝીટ્સ મેળવી હતી. સમગ્ર બેંકિંગ સિસ્ટમના 8 સપ્ટેમ્બર સુધીમાં સરેરાશ 12.8 ટકાના ડિપોઝીટ્સ વૃદ્ધિ દરની સરખામણીમાં ઉપરોક્ત બેંક્સની ડિપોઝીટ્સમાં નોંધપાત્ર ઊંચા દરે વૃદ્ધિ જોવા મળી છે. ઈન્ડસઈન્ડ બેંકની ડિપોઝીટ્સ વાર્ષિક ધોરણે 14 ટકા વધી રૂ. 3.14 લાખ કરોડ રહી હતી.

વેદાંતના ડિમર્જરને લેન્ડર્સ ઉતાવળમાં મંજૂરી આપે તેવી નહિવત શક્યતાં
કંપનીના લેન્ડર્સ દરેક યુનિટ માટે રિસ્ટ્રક્ચરિંગ પાછળનો તર્ક સહિતનો વિગતોનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરી નિર્ણય લેશે
બેંકર્સ માટે કંપનીના પ્રમોટર્સના વલણમાં સમયાંતરે જોવા મળતાં બદલાવને કારણે જોવા મળતી શંકા

અનિલ અગ્રવાલની વેદાંતને છ ભિન્ન કંપનીઓમાં વિભાગવાના પ્રસ્તાવને ભારતીય લેન્ડર્સ તરફથી ઝડપી મંજૂરી મળી જાય તેવી શક્યતાં ઓછી છે એમ એનાલિસ્ટ્સ જણાવે છે. તેમના મતે ડિમર્જરને કારણે વિવિધ બિઝનેસિસમાં કેશ ફ્લો ઘટવા સાથે વોલેટિલિટી વધવાની શક્યતાં લેન્ડર્સને કોઈપણ નિર્ણય લેતાં પહેલાં અટકાવશે અને તેથી જ વેદાંતના પ્રમોટર્સને ડેટની પુનઃચૂકવણીને લઈને ચિંતામાંથી ઝડપી રાહત મળવાની શક્યતાં ઓછી છે. કંપનીએ તરફથી સતત તેના વલણમાં બદલાવ પણ બેંકર્સમાં પ્રમોટર્સને લઈ શંકા ઉપજાવી શકે છે. અગાઉ, બજારમાં પ્રમોટર્સ ડેટ ઓછું કરવા હિસ્સો વેચે તેવી અટકળો ચાલતી હતી.
ગયા સપ્તાહાંતે કંપનીના પ્રમોટર અગ્રવાલ તરફથી વેદાંતને છ કંપનીઓમાં સ્પ્લિટ કરવાની યોજના માટે શેરધારકો, લેન્ડર્સ અને અન્ય કાનૂની સંસ્થાઓની મંજૂરી આવશ્યક બની રહે છે. કોટક ઈન્સ્ટીટ્યુશ્નલ ઈક્વિટીઝના એક રિપોર્ટ મુજબ વિવિધ બિઝનેસિસના ભિન્ન લિસ્ટીંગને કારણે તમામ બિઝનેસિસમાં કેશ ફ્લો પર પ્રતિકૂળ અસર પડશે. જે લેન્ડર્સ તરફથી મંજૂરી મેળવવામાં સમસ્યા સર્જી શકે છે. કંપનીનું ડેટ લેવલ એટલું ઊંચું છે કે લેન્ડર્સને માત્ર ડિમર્જરથી જ ડેટની સમસ્યા ઉકેલાશે તેમ સમજાવવા પ્રમોટર્સ માટે પડકારદાયી બની રહેશે. સરવાળે પ્રમોટર્સ ડિમર્જર માટે આગળ વધી શકશે નહિ. વેદાંતાનો નેટ ડેટ-ટુ-એબિટા રેશિયો 2024-26માં ચાર ગણાથી વધુ જોવા મળી રહ્યો છે. આમાં હિંદુસ્તાન ઝીંકનો સમાવેશ થતો નથી. એક સિનિયર બેંકર્સનો સંપર્ક કરવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે વેદાંતાએ હજુ ઔપચારિકરીતે ડિમર્જરના પ્રસ્તાવ સાથે તેમનો સંપર્ક કર્યો નથી.
એક જાહેર ક્ષેત્રની બેંકના અધિકારીના જણાવ્યા મુજબ લેન્ડર્સ કંપનીના ડિમર્જરના તર્કને સમજવાનો પ્રયાસ કરશે. શું ડિમર્જરથી વેદાંતને વાસ્તવમાં ડેટ ઘટાડવામાં લાભ થશે કે કેમ તે સમજશે. તેમજ કંપની પાસેથી રિસ્ટ્રક્ચરિંગની તમામ વિગતો માગશે. તેમજ દરેક યુનિટના બિઝનેસ પ્લાન્સને સમજશે. ત્યારપછી જ લેન્ડર્સ ડિમર્જરના પ્રસ્તાવને મંજૂરીને લઈ નિર્ણય લેશે એમ તેઓ ઉમેરે છે. એક અન્ય બેંક અધિકારીના મતે જૂથ એક સાથે તમામ કંપનીઓનું ડિલિસ્ટીંગ ઈચ્છી રહ્યું છે. તે હવે તમામ બિઝનેસિસને અલગ કરવા અને લિસ્ટ કરાવવા આગળ વધશે. આ સ્થિતિમાં બેંક્સ માટે એ સમજવું જરૂરી બનશે કે કંપનીએ એકાએક કેમ તેનું વલણ બદલ્યું. અગાઉ પ્રમોટર્સ તરફથી કંપનીના ડિમર્જરની વાત કરવામાં આવી નહોતી. વાસ્તવમાં વેદાંતે 2012માં વિવિધ જૂથ કંપનીઓને એકબીજામાં ભેળવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. જૂથે સેસા ગોઆ અને સ્ટરલાઈટને 2012માં ભેળવ્યાં હતાં. જ્યારે પાછળથી સેસાસ્ટરલાઈટ અને કેઈર્ન ઈન્ડિયાને 2017માં ભેળવ્યાં હતાં.
કોટકના રિપોર્ટ મુજબ વેદાંતમાંથી વિવિધ બિઝનેસિસને અલગ કંપનીઓમાં લિસ્ટ કરી વેલ્યૂ એનલોક કરવાનો વિચાર અગાઉના કોર્પોરેટ અનુભવોથી વિપરીત છે. અગાઉ એક કંપનીના ભિન્ન બિઝનેસિસને ડિમર્જ કરવાથી કોઈ મોટું વેલ્યૂ અનલોકિંગ જોવા મળ્યું નથી. તેમજ તેમના ડેટ ઘટાડવામાં આવા પગલાની કોઈ ભૂમિકા પણ નથી જોવાઈ.

અબુધાબી સ્થિત IHCએ અદાણી એન્ટરપ્રાઈઝમાં હિસ્સો વધાર્યો
મંગળવારે કંપનીએ રૂ. 163 કરોડમાં AELમાં 0.06 ટકા હિસ્સો ખરીદ્યો
અદાણી જૂથની ફ્લેગશિપ કંપનીમાં IHCનો હિસ્સો 5 ટકાને પાર કરી ગયો

અબુ ધાબી સ્થિત કોંગ્લોમેરટ ઈન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની(IHC)એ મંગળવારે અદાણી જૂથની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝિસમાં વધુ હિસ્સો ખરીદી તેના કુલ હોલ્ડિંગને 5 ટકાથી વધાર્યું હતું. એક સપ્તાહ અગાઉ અદાણી જૂથ કંપની અદાણી ગ્રીન અને અદાણી ટ્રાન્સમિશનમાં તેના સમગ્ર હોલ્ડિંગના વેચાણ પછી યુએઈ-સ્થિત કંપનીએ આમ કર્યું છે.
એક નિવેદનમાં IHCએ જણાવ્યું હતું કે આ વ્યૂહાત્મક વૃદ્ધિ એઈએલના ઈન્ક્યૂબેશન મોડેલમાં આઈએચસીના વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. તેમજ એઈએલ હેઠળ એરપોર્ટ્સ, ડેટા સેન્ટર્સ, ગ્રીન હાઈડ્રોજન અને અન્ય વર્ટિકલ્સની આંતરિક મજબૂતી એઈએલમાં ઈન્ક્યૂબેટ થઈ રહી છે એમ અમે માનીએ છીએ. ગૌતમ અદાણીની ફ્લેગશિપ કંપની ભારતની મજબૂત વૃદ્ધિની સફરમાં એક અજોડ સ્થાન ધરાવે છે એમ આઈએચસીએ નોંધ્યું હતું. તેણે ઉમેર્યું હતું કે તે ભારતમાં આગવી રોકાણની તકોને શોધવાનું ચાલુ રાખશે. જેનો હેતુ શેરધારકોનો રિટર્નને મહત્તમ બનાવવાનો રહેશે.
બીએસઈને ફાઈલીંગમાં અદાણી એન્ટરપ્રાઈઝિસે જણાવ્યું હતું કે ગ્રીન વાઈટાલિટી આરએસસી લિમિટેડે અદાણી એન્ટરપ્રાઈઝમાં વધુ 0.06 ટકા હિસ્સો ખરીદ્યો છે. તેણે ઓપન માર્કેટમાંથી આ હિસ્સો ખરીદ્યો હતો. ગ્રીન વાઈટાલિટી એ આઈએચસીની પેટાકંપનીઓ ગ્રીન એન્ટરપ્રાઈઝિસ ઈન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ્સ આરએસસી અને ગ્રીન એનર્જી ઈન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ આરએસસી તરફથી કામ કરી રહી છે. આ વધુ હિસ્સા ખરીદી સાથે અદાણી એન્ટરપ્રાઈઝિસમાં આઈએચસીનું કુલ હોલ્ડિંગ વધી 5.04 ટકા પર પહોંચ્યું છે. અદાણી જૂથના પ્રવક્તાના જણાવ્યા મુજબ અદાણી એન્ટરપ્રાઈઝિસમાં આઈએચસી તરફથી હિસ્સામાં વૃદ્ધિ એઈએલના મજબૂત કેપેક્સ પ્લાન્સ, કોર્પોરેટ ગવર્નન્સ અને પારદર્શક્તાનું અનુમોદન છે.
ચાલુ વર્ષે જાન્યુઆરીમાં આઈએચસીએ અદાણી એન્ટરપ્રાઈઝિસના એફપીઓમાં 40 કરો ડોલરના રોકાણ માટે પ્રતિબધ્ધતા દર્શાવી હતી. જોકે, પાછળથી કંપનીએ એફપીઓને પરત ખેંચતા આ રોકાણ થઈ શક્યું નહોતું.

કંપનીઓને નિયમિત રિસ્ક ફેક્ટર્સ રજૂ કરવા જણાવવા સેબીની વિચારણા
આઈપીઓ અગાઉ કંપનીઓએ બિઝનેસ જોખમો ડિસ્ક્લોઝ કરવા ફરજિયાત છે પરંતુ લિસ્ટીંગ પછી આવી કોઈ જોગવાઈ નથી

માર્કેટ રેગ્યુલેટર સેબીએ ‘ફેસિલિટેટીંગ ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ એન્ડ હાર્મોનાઈઝેશન ઓફ ધ પ્રોવિઝન્સ ઓફ ICDR એન્ડ LODR રેગ્યુલેશન્સ’ માટે નિષ્ણાતોની સમિતીની રચના કરી છે. વર્તમાન નિયમો મુજબ કંપનીઓએ આઈપીઓ દરમિયાન રિસ્ક પરિબળોને જણાવવાના રહે છે. જોકે એકવાર લિસ્ટીંગ થઈ જાય ત્યારપછી તેમણે કોઈ રિસ્ક ફેક્ટર્સ ડિસ્ક્લોઝ કરવાના રહેતાં નથી.
રોકાણકારોને સક્ષમ બનાવવાના તથા વધુ સારા માહિતીસભર નિર્ણયો લઈ શકે તે માટે સહાયરૂપ બનવાના ભાગરૂપે કંપનીઓને લિસ્ટીંગ પછી નિયમિતપણે રિસ્ક ફેક્ટર્સ ડિસ્ક્લોઝ કરવા જણાવવું કે નહિ તેને લઈ સેબી વિચારણા કરી રહી છે. આ બાબત એટલા માટે મહત્વની છે કે બજારમાં આઈપીઓ સાથે પ્રવેશતાં અગાઉ કંપનીઓએ ડ્રાફેટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ(ડીઆરએચપી)માં તમામ રિસ્ક પરિબળો જણાવવાના રહે છે. જોકે, એકવાર તેઓ શેરબજારમાં લિસ્ટ થઈ જાય છે ત્યારપછી તેમના પર બિઝનેસ સંબંધી જોખમો જણાવવા માટે કોઈ ફરજિયાત બંધન રહેતું નથી. આ અંગે વિચારણા કરવા માટે કેપિટલ માર્કેટ રેગ્યુલેટરે એક કમિટિની રચના પણ કરી છે. જે આઈપીઓ પછી કંપની શેરબજાર પર લિસ્ટેડ રહે ત્યાં સુધી ફરજિયાતપણે રિસ્ક ફેક્ટર્સને રજૂ કરવા અંગે કાયકાકિય જરૂરિયાત મુદ્દે વિચારણા કરશે. વર્તુળોના જણાવ્યા મુજબ સેબીએ આ મુદ્દે નિષ્ણાતોની સમિતિ રચી છે અને સમિતિના સભ્યો એકવાર બેઠક પણ કરી ચૂક્યાં છે. વર્તુળોના મતે કંપનીઓને નિયમિતપણે રિસ્ક ફેક્ટર્સ ડિસ્ક્લોઝર માટે ફરજિયાતપણે કેવી રીતે જણાવવું તેના માર્ગો ચકાસવા જણાવાયું છે. આ ઘટનાથી નજીકથી જાણકાર વર્તુળના મતે કંપનીઓએ જેટલીવાર ફંડ ઊભું કરવું હોય તેટલી વાર જોખમોને રજૂ કરવા જોઈએ.

યૂકેની સુપરડ્રાય રિલા. રિટેલ્સને 4.8 કરોડ ડોલરમાં IP એસેટ્સ વેચશે
સંયુક્સ સાહસમાં રિલાયન્સ રિટેલ 76 ટકા અને સુપરડ્રાય 24 ટકા હિસ્સો ધરાવશે

યુકે સ્થિત ફેશન રિટેલર સુપરડ્રાયે બુધવારે જણાવ્યું હતું કે તે સાઉથ એશિયામાં સંયુક્ત સાહસ મારફતે તેના ઈન્ટિલેક્ચ્યૂલ પ્રોપર્ટી એસેટ્સનું રિલાયન્સ રિટેલને 4.827 કરોડ ડોલરમાં વેચાણ કરશે. કંપની હાલમાં ટકવા માટે સંઘર્ષ કરી રહી છે. હોલસેલ પાર્ટનર્સ પાસેથી નબળા ઓર્ડર્સનો સામનો કરી રહેલી કંપનીએ જણાવ્યું છે કે રિલાયન્સ રિટેલ સાથેના ડિલમાંથી તે કુલ 3.04 કરોડ પાઉન્ડ્સની કેશ મેળવવાની અપેક્ષા ધરાવે છે.
સુપરડ્રાય અને રિલાયન્સ રિટેલના 18 હજારથી વધુ સ્ટોર્સ કરિયાણાથી લઈ ઈલેક્ટ્રોનિક્સ સુધીની આઈટમ્સનું વેચાણ કરે છે. સંયુક્ત સાહસમાં રિલાયન્સ રિટેલ 76 ટકા અને સુપરડ્રાય 24 ટકા હિસ્સો ધરાવતાં હશે. ભારતીય બિલિયોનેર મુકેશ અંબાણીની આગેવાનીમાં રિલાયન્સ રિટેલ ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશમાં બ્રાન્ડની કામગીરી સંભાળશે એમ સુપરડ્રાયે જણાવ્યું હતું. સુપરડ્રાયની ફેશન લાઈનમાં મુખ્યત્વે સ્વિટશર્ટ્સ, હુડિઝ અને જેકેટ્સનો સમાવેશ થાય છે.

સાઉદી અને રશિયા ક્રૂડ સપ્લાય કાપ જાળવી રાખશે
વિશ્વમાં ક્રૂડના બે સૌથી મોટા ઉત્પાદકોએ તેમનો સપ્લાય કાપ જાળવી રાખશે એમ જણાવ્યું છે. સાઉદી અરેબિયાએ બુધવારે કહ્યું હતું કે તે કેલેન્ડર 2023ની આખર સુધી પ્રતિ દિવસ 10 લાખ બેરલ્સનો સપ્લાય કાપ જાળવી રાખશે. જ્યારે રશિયાએ અલગથી જણાવ્યું હતું કે તે વર્તમાન ત્રણ લાખ બેરલ્સ પ્રતિ દિવસનો નિકાસ પ્રતિબંધ જાળવી રાખશે. સાઉદીએ સપ્ટેમ્બરમાં ઉત્પાદન કાપની જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે તે દર મહિને તેની સમીક્ષા કરશે. દરમિયાનમાં ગુરુવારે બ્રેન્ટ ક્રૂડ વાયદો 90.34 ડોલર પર ટ્રેડિંગ દર્શાવી રહ્યો હતો. તેણે ગયા સપ્તાહે 97 ડોલરની વાર્ષિક ટોચ દર્શાવી હતી. જોકે, ડોલર ઈન્ડેક્સમાં મજબૂતી પાછળ તે ટોચના ભાવથી ગગડ્યો હતો.

કોર્પોરેટ હેડલાઈન્સ
લાર્સન એન્ડ ટુબ્રોઃ એન્જીનીયરીંગ કોંગ્લોમેરટના પાવર બિઝનેસે બુધવારે રૂ. 2500 કરોડના મૂલ્યનો ઓર્ડર મેળવ્યો હતો. તેણે પશ્ચિમ બંગાળ પાવર ડેવલપમેન્ટ કોર્પોરેશન તરફથી આ ઓર્ડર મેળવ્યો હતો. ઈપીસી ઓર્ડરમાં થર્મલ પાવર પ્લાન્ટ માટે વેટ ફ્યુઅલ ગેસ ડિસલ્ફનાઈઝેશન સિસ્ટમ્સની સ્થાપનાનો સમાવેશ થાય છે. કંપની માટે રાજ્યની માલિકીની પાવર કંપની માટે આ પ્રથમ ઓર્ડર હતો.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝઃ કંપનીએ બુધવારે ઈલેક્ટ્રીક વેહીકલ્સ માટે રિમૂવેબલ અને સ્વેપેબલ બેટરીઝ રજૂ કરી હતી. જેનો ઉપયોગ ઈન્વર્ટર મારફતે ઘરગથ્થુ એપ્લાયન્સિઝ માટે પણ થઈ શકે છે. કંપનીએ રિન્યૂએબલ એનર્જી એક્ઝિબિશનમાં આ રજૂઆત કરી હતી. આ બેટરીઝ રિલાયન્સના બેટરી સ્વેપ સ્ટેશન્સ ખાતે સ્વેપ થઈ શકે છે અથવા રુફટોપ સોલાર પેનલ્સનો ઉપયોગ કરી રિચાર્જ થઈ શકે છે.
એચડીએફસી બેંકઃ ટોચની પ્રાઈવેટ બેંકે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 48 હજાર કરોડની હોમ લોન વિતરીત કરી છે. જે વાર્ષિક ધોરણે 10 ટકા અને ત્રિમાસિક ધોરણે 14 ટકા વૃદ્ધિ દર્શાવે છે. બેંકની રિટેલ લોન બુકમાં ત્રિમાસિક ધોરણે 85 ટકા જ્યારે વાર્ષિક ધોરણે 111.5 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. એચડીએફસી સાથે મર્જર અગાઉ એચડીએફસી હોમ લોન્સ નહોતી વેચતી પરંતુ તે એચડીએફસીના એજન્ટ તરીકે કામ કરતી હતી.
એચસીએલ ટેકનોલોજીઃ આઈટી સર્વિસિઝ કંપનીએ ફિનલેન્ડની બિઝનેસ ફિનલેન્ડ સાથે એગ્રીમેન્ટ સાઈન કર્યો હતો. આ એગ્રીમેન્ટ જનરેટીવ એઆઈ, સ્પેસ અને ક્વોન્ટમ ટેક્નોલોજિસમાં સહયોગ માટે ટ્રેડ અને ઈન્વેસ્ટમેન્ટને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવ્યો છે. આ ભાગીદારી ફિનીશ કંપનીઓને એચસીએલના ઈનોવેટીવ નેટવર્ક eSTiPTMના ઉપયોગ માટે સક્ષમ બનાવશે.
હિંદુસ્તાન એરોનોટીક્સઃ સરકારી એરોસ્પેસ કંપનીએ ભારતીય વાયુસેનાને પ્રથમ ટ્વિન સીટર એલસીએ તેજસની બુધવારે ડિલિવરી કરી હતી. જે એરફોર્સની ટ્રેનીંગ જરૂરિયાતોને પૂરી કરશે. તેમજ જરૂર પડે ફાઈટર જેટ તરીકે પણ કામગીરી નીભાવશે. ટ્વિન સીટર એલસીએ તેજસ ઓલ વેધર મલ્ટી-રોલ 4.5 જનરેશન એરક્રાફ્ટ છે.
અશોક લેલેન્ડઃ કંપનીએ સપ્ટેમબરમાં 19,202 યુનિટ્સ કમર્સિયલ વેહીકલ્સનું વેચાણ નોંધાવ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં 17,549 યુનિટ્સની સરખામણીમાં 9 ટકા ઊંચું હતું. કંપનીએ સ્થાનિક બજારમાં 10 ટકા વૃદ્ધિ સાથે 18,193 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 16,499 યુનિટ્સ પર જોવા મળતું હતું.
સ્ટ્રાઈડ ફાર્માઃ કંપનીએ યુએસ ડ્રગ રેગ્યુલેટર એફડીએ પાસેથી ઈફેવિરેન્ઝ અને અન્ય દવાઓ માટે મંજૂરી મેળવી છે. જેમાં એમટ્રાઈસિટાબિન, ટેનોફોવિર ડિસ્પ્રોક્સિલ ફુમૂરેટ અને ઈઈટી ટેબલેટ્સનો સમાવેશ થાય છે. કંપની હવે આ કેટેગરીમાં કુલ 15 પ્રોડક્ટ્સ ધરાવે છે.

dhairya@socialcoffee.in

Share
Published by
dhairya@socialcoffee.in
Tags: Market Tips

Recent Posts

Rubicon Research IPO: Apply for Short-Term Gains?

Unlocking an Upcoming Investment Opportunity: Rubicon Research IPO Rubicon Research is making headlines with its…

2 weeks ago

Canara Robeco IPO: Apply for Short-Term Gains or Avoid?

Unlocking the Canara Robeco Asset Management Company IPO: A Guide for Every Investor Did you…

2 weeks ago

Tata Turmoil: 5 Secrets to Protect Your Wallet Now

Imagine you’re at a big family gathering and suddenly, your relatives start arguing about who…

2 weeks ago

Shlokka Dyes IPO Verdict: Apply for Short-Term Gains?

Shlokka Dyes IPO: Is It Worth Your Investment? Did you know that Shlokka Dyes is…

2 weeks ago

LG India IPO Verdict: Apply for Listing Gains Today!

LG India IPO: Should You Buy a Piece of Your TV and Fridge Company? Introduction…

2 weeks ago

5 Simple Steps to Secure a Wealthy Retirement Before 40

Did you know that starting your retirement planning in India before your 40s can make…

2 weeks ago

This website uses cookies.