Market Summary 07/08/2023

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

બુલ્સ અડગ રહેતાં શેરબજારમાં સપ્તાહની પોઝીટીવ શરૂઆત
જોકે, નિફ્ટી 19600 પર બંધ આપવામાં નિષ્ફળ
વૈશ્વિક બજારોમાં અન્ડરટોન નરમ
વોલેટિલિટી ઈન્ડેક્સ 5 ટકા ઉછળી 11.10ના સ્તરે
ફાર્મા, આઈટી, રિઅલ્ટી, પીએસઈમાં મજબૂતી
બેંકિંગ, મેટલમાં નરમાઈ
આઈઆરએફસી, ફિનોલેક્સ કેબલ્સ, આરઈસી નવી ટોચે
વેદાંત, રાજેશ એક્સપોર્ટ્સ નવા તળિયે

વૈશ્વિક સ્તરે નરમાઈ વચ્ચે ભારતીય શેરબજારમાં સપ્તાહની શરૂઆત પોઝીટીવ જોવા મળી હતી. જે સાથે ગયા સપ્તાહે જોવા મળેલું બાઉન્સ જળવાયું હતું. બીએસઈ સેન્સેક્સ 232.23 પોઈન્ટ્સ મજબૂતી સાથે 65,953.48ની સપાટીએ જ્યારે નિફ્ટી 80.30 પોઈન્ટ્સના સુધારે 19,597.30ની સપાટીએ બંધ રહ્યાં હતાં. માર્કેટમાં મીડ અને સ્મોલ-કેપ્સમાં ખરીદી પાછળ બ્રેડ્થ મજબૂત જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3887 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2025 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ રહ્યાં હતાં. જ્યારે 1661 કાઉન્ટર્સ નેગેટિવ રહ્યાં હતાં. 299 કાઉન્ટર્સે 52-સપ્તાહની ટોચ દર્શાવી હતી. જ્યારે 59 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું બનાવ્યું હતું. 7 કાઉન્ટર્સે અપર સર્કિટ્સમાં જ્યારે 9 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 5 ટકા ઉછળી 11.10ના સ્તરે બંધ રહ્યો હતો.
મંગળવારે બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 19571ના બંધ સામે 19576.85ની સપાટીએ ખૂલી ઈન્ટ્રા-ડે 19620.45ની ટોચ પર ટ્રેડ થયો હતો. જોકે, તે 19600 પર બંધ દર્શાવી શક્યો નહોતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 71 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 19668 પર બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 56 પોઈન્ટ્સના પ્રિમીયમ સામે 15 પોઈન્ટ્સ વૃદ્ધિ દર્શાવે છે. જેનો અર્થ એવો થાય છે કે માર્કેટમાં લોંગ પોઝીશનમાં ઉમેરો થયો છે. એટલેકે બજાર આગામી સત્રમાં પોઝીટીવ ગતિ જાળવી શકે તેમ છે. જોકે, ઉપરમાં 19650 અને 19800ના અવરોધો છે. જે પાર થશે તો જ બેન્ચમાર્કમાં 20 હજારની સપાટી માટે આશાવાદ ઊભો થશે. એ સિવાય કોન્સોલિડેશનમાં જોવા મળી શકે છે. ઘટાડે 19300નો મહત્વનો સપોર્ટ રહેશે. સોમવારે બેન્ચમાર્ક નિફ્ટીને સપોર્ટ કરનારા મુખ્ય ઘટકોમાં ડિવિઝ લેબ્સ, એમએન્ડએમ, એસબીઆઈ લાઈફ, એલટીઆઈમાઈન્ડટ્રી, અદાણી પોર્ટ્સ, સન ફાર્મા, હિંદાલ્કો, ગ્રાસિમ, બજાજ ફિનસર્વ, ટીસીએસ, સિપ્લા, ઈન્ફોસિસ અને એચડીએફસી લાઈફનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, બ્રિટાનિયા, એસબીઆઈ, તાતા મોટર્સ, બજાજ ઓટો, એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા, બજાજ ફાઈનાન્સ, કોલ ઈન્ડિયામાં નરમાઈ જોવા મળતી હતી. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો ફાર્મા, આઈટી, રિઅલ્ટી, પીએસઈમાં મજબૂતી જોવા મળતી હતી. જ્યારે બેંકિંગ, મેટલ નરમાઈ દર્શાવતાં હતાં. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 1.6 ટકા ઉછળી નવી ટોચ પર બંધ રહ્યો હતો. જેના મુખ્ય ઘટકોમાં ડિવિઝ લેબ્સ, ઓરોબિંદો ફાર્મા, બાયોકોન, સન ફાર્મા, લ્યુપિન, સિપ્લા, ઝાયડસ લાઈફ અને આલ્કેમનો સમાવેશ થતો હતો. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ પણ એક ટકાથી વધુ મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં એમ્ફેસિસ, એલટીઆઈમાઈન્ડટ્રી, પર્સિસ્ટન્ટ, ટીસીએસ, કોફોર્જ, ઈન્ફોસિસ અને ટેક મહિન્દ્રાનો સમાવેશ થાય છે. નિફ્ટી પીએસઈપણ 0.4 ટકા સુધારો સૂચવતો હતો. જેના ઘટકોમાં આરઈસી 6 ટકાથી વધુ ઉછળી નવી ટોચે પહોંચ્યો હતો. આ ઉપરાંત પાવર ફાઈનાન્સ કોર્પોરેશન, ભારત ઈલે, આઈઓસી, કોન્કોર, એચપીસીએલ, એનએચપીસી, બીપીસીએલમાં પણ મજબૂતી જોવા મળતી હતી. નિફ્ટી બેંક જોકે સાધારણ નરમાઈ સાથે બંધ રહ્યો હતો. જેમાં એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક, બેંક ઓફ બરોડા, એસબીઆઈ, એક્સિસ બેંક, ફએડરલ બેંક, કોટક મહિન્દ્રા બેંક રેડ ઝોનમાં જોવા મળ્યાં હતાં. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ પણ રેડિશ બંધ દર્શાવતો હતો. જેમાં વેદાંત વધુ 4 ટકા ગગડી વર્ષના તળિયે પહોંચ્યો હતો. આ ઉપરાંત એપીએલ એપોલો, મોઈલ, એનએમડીસી, હિંદુસ્તાન ઝીંક, કોલ ઈન્ડિયા અને નાલ્કો પણ નરમ જોવા મળતાં હતાં.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો આરઈસી સુધારો દર્શાવવામાં ટોચ પર હતો. આ ઉપરાંત ડિવિઝ લેબ્સ, એમએન્ડએમ, એલઆઈસી હાઉસિંગ, સિન્જિન ઈન્ટરનેશનલ, પાવર ફાઈનાન્સ, ઓરોબિંદો ફાર્મા, એમ્ફેસિસ, એસબીઆઈ લાઈફ, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, ઈપ્કા લેબ્સ, ગુજરાત ગેસ, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ, મણ્ણાપુરમ ફાઈનાન્સ અને અદાણી પોર્ટ્સમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ આદિત્ય બિરલા ફેશન, બાલક્રિષ્ણા ઈન્ડસ્ટ્રીઝ, જીએનએફસી, ઈન્ડિયા સિમેન્ટ્સ, વેદાંત, હિંદ કોપર, બ્રિટાનિયા, એમઆરએફ, ડેલ્ટા કોર્પ, ભેલ, કમિન્સ ઈન્ડિયા, બલરામપુર ચીનીમાં નોઁધપાત્ર ઘટાડો જોવા મળતો હતો. કેટલાંક વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં આઈઆરએફસી, ફિનોલેક્સ કેબલ્સ, આરઈસી, સનોફી ઈન્ડિયા, સાયન્ટ, ગ્રેફાઈટ ઈન્ડિયા,સીએસબી બેંક અને એરિસ લાઈફનો સમાવેશ થતો હતો. જ્યારે વેદાંત, રાજેશ એક્સપોર્ટ્સ નવા તળિયે ટ્રેડ દર્શાવતાં હતાં.

જુલાઈમાં ઓટોમોબાઈલના રિટેલ વેચાણમાં વાર્ષિક 10 ટકા વૃદ્ધિ
જોકે, માસિક ધોરણે વાહનોના વેચાણમાં 5 ટકા ઘટાડો જોવાયો
થ્રી-વ્હીલર્સના વેચાણમાં જોકે વિક્રમી 74 ટકાની વિક્રમી વૃદ્ધિ જોવા મળી

વાહનોના વેચાણમાં વૃદ્ધિ જાળવી રાખતાં જુલાઈમાં વાર્ષિક ધોરણે ઓટોમોબાઈલના છૂટક વેચાણમાં 10 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. મહિના દરમિયાન કુલ 17.7 લાખ વેહીકલ્સનું વેચાણ નોંધાયું હતું. જેમાં થ્રી-વ્હીલર્સના વેચાણમાં 74 ટકાનો વિક્રમી ગ્રોથ જોવા મળ્યો હતો એમ ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સ એસોસિએશન્સ(ફાડા)એ જણાવ્યું હતું. જોકે માસિક ધોરણે વેચાણમાં 5 ટકા ઘટાડો નોંધાયો હતો. જેનું પાછળ દેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ કારણભૂત હતો. જોકે, થ્રી-વ્હીલર્સના વેચાણમાં માસિક ધોરણે 9 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. જ્યારે બાકીની તમામ કેટેગરીઝ જૂન સામે નેગેટિવ વેચાણ સૂચવતી હતી. જુલાઈમાં થ્રી-વ્હીલર્સનું વેચાણ 94,148 યુનિટ્સ સાથે વિક્રમી સપાટીએ નોંધાયું હતું. અગાઉ ચાલુ વર્ષે માર્ચમાં તેણે 86,857 યુનિટ્સનું સૌથી ઊંચું વેચાણ દર્શાવ્યું હતું.
ફાડાના પ્રમુખ રાજ સિંઘાનિયાના જણાવ્યા મુજબ જુલાઈ મહિનો સમગ્રતયા સારો જોવા મળ્યો હતો. તેમના મતે છેલ્લાં ઘણા સમયથી ઘટાડો દર્શાવતાં ટુ-વ્હીલર્સના વેચાણમાં વૃદ્ધિ નોંધાઈ હતી. જ્યારે થ્રી-વ્હીલર્સનું વેચાણ વિક્રમી સપાટીએ પહોંચ્યું હતું. તમામ સેગમેન્ટ્સમાં વૃદ્ધિ નોંધાઈ હતી. જોકે, માસિક ધોરણે જુલાઈ દરમિયાન વરસાદને કારણે સિઝન મંદ જોવા મળતી હોય છે. ચાલુ વર્ષે તો અતિવૃષ્ટિ હોવાથી વેચાણ પર વધુ અસર પડી હતી એમ તેઓ ઉમેરે છે. સેગમેન્ટ મુજબ જોઈએ તો ટુ-વ્હીલર્સના વેચાણમાં વાર્ષિક 8 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. જ્યારે પેસેન્જર વેહીકલ્સના વેચાણમાં 4 ટકા, ટ્રેકટરના વેચાણમાં 21 ટકા અને કમર્સિયલ વેહીકલના વેચાણમાં 2 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. કોવિડ અગાઉના સમયગાળાની સાથે સરખામણી કરીએ તો ઓટો રિટેલ વેચાણ હજુ પણ 13 ટકા જેટલું નીચું જોવા મળે છે. જેમાં ટુ-વ્હીલર્સનું વેચાણ 23 ટકા જ્યારે કમર્સિયલ વેહીકલ્સનું વેચાણ 4 ટકા ઘટાડો સૂચવે છે. ભારે ચોમાસા અને ઈવી તરફના ઝૂકાવ છતાં જુલાઈમાં ટુ-વ્હીલર્સનું વેચાણ મજબૂત જોવા મળતું હતું. થ્રી-વ્હીલર્સના વેચાણમાં વિક્રમી સંખ્યા ઉદ્યોગ ક્ષેત્રે રહેલી સંભાવના સૂચવે છે. જોકે, પેસેન્જર વેહીકલ્સના વેચાણમાં સ્થિતિ મિશ્ર જોવા મળી હતી. સેક્ટરે કેટલાંક પડકારોનો સામનો કરવાનો પણ થયો હતો. ઓર્ડર્સમાં ઉછાળો નોંધાયો હતો. ઓરિજનલ ઈક્વિપમેન્ટ મેન્યૂફેક્ચરર્સ સમયસર નવી પ્રોડક્ટ્સ લોંચ કરી શક્યાં હતાં. જોકે, ચોમાસા અને પૂરની સ્થિતિને કારણે વેચાણ પર અસર પડી હતી. ખાસ કરીને ઉત્તર ભારતમાં આ અસર વિશેષ જોવા મળી હતી એમ ફાડા નોંધે છે. કમર્સિયલ વેહીકલ્સ ક્ષેત્રે પણ સ્થિતિ લગભગ આવી જ હતી. પૂરતા પ્રમાણમાં સ્ટોક ઉપલબ્ધ હોવા છતાં સ્કૂલ બસ જેવા સેગમેન્ટની ખરીદી સામે પડકાર જોવા મળ્યો હતો. ઊંચા વેહીકલ ખર્ચની પણ માગ પર અસર પડી હતી. જોકે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ ક્ષેત્રે તેજી એ ઉદ્યોગ માટે એક રૂપેરી કોર સમાન છે એમ ફાડા નોંધે છે.

ટામેટા પાછળ વેજ થાળી જુલાઈમાં 34 ટકા મોંઘી બની
ક્રિસિલના અહેવાલ મુજબ જૂનમાં ટામેટાના ભાવ રૂ. 33 પ્રતિ કિગ્રા પરથી વધી જુલાઈમાં 233 ટકા ઉછળી રૂ. 110 પર પહોંચ્યાં હતાં
શાકાહારી થાળીમાં રોટલી, ડુંગળી, ટામેટા, બટાટા જેવા શાકભાજી, ભાત, દાળ, દહીં અને સલાડનો સમાવેશ થતો હોય છે

જુલાઈમાં શાકાહારી(વેજિટેરિયન) થાળીના ભાવ જૂનની સરખામણીમાં 34 ટકા વૃદ્ધિ દર્શાવતાં હોવાનું ક્રિસિલનો ફૂડ પ્લેસ કોસ્ટનો માસિક સૂચકાંક દર્શાવે છે. સોમવારે રજૂ થયેલા આ સૂચકાંક મુજબ આ ફુગાવામાં 25 ટકા યોગદાન ટામેટાને કારણે હોવાનું કહી શકાય છે. ટામેટાના ભાવ જૂનમાં રૂ. 33 પ્રતિ કિગ્રા પરથી 233 ટકા ઉછળી જુલાઈમાં રૂ. 110 પ્રતિ કિગ્રા પર પહોંચ્યાં હતાં.
સતત ત્રીજા મહિને શાકાહારી થાળીના ભાવમાં વૃદ્ધિ જોવા મળી હતી. 2023-24માં વાર્ષિક ધોરણે થાળીના ભાવમાં જોકે પ્રથમવાર વૃદ્ધિ નોંધાઈ હતી. નોન-વેજિટેરિયન થાળીનો ભાવ પણ માસિક ધોરણે 13 ટકા વધ્યો હતો. ક્રિસિલ દેશના ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં વિવિધ કાચી સામગ્રીના ભાવોને આધારે થાળી તૈયાર કરવાના સરેરાશ ખર્ચની ગણકરી કરે છે. માસિક ફેરફાર સામાન્ય માણસના ખર્ચ પર પડેલી અસરને પ્રતિબિંબ કરે છે. ક્રિસિલનો ડેટા અન્ય કાચી સામગ્રી જેવીકે ધાન્ય, કઠોળ, શાકભાજી, મસાલા, ખાધ્ય તેલો અને કૂકિંગ ગેસના ભાવને કારણે થાળીના ખર્ચમાં જોવા મળેલો ફેરફાર પણ સૂચવે છે. સામાન્યરીતે શાકાહારી થાળીમાં રોટલી, ડુંગળી, ટામેટા, બટાટા જેવા શાકભાજી, ભાત, દાળ, દહીં અને સલાડનો સમાવેશ થતો હોય છે. જુલાઈમાં માસિક ધોરણે ડુંગળી અને બટાટાના ભાવમાં પણ અનુક્રમે 16 ટકા અને 9 ટકા વૃદ્ધિ જોવા મળી હતી એમ ઈન્ડિકેટર સૂચવે છે. આ ઉપરાંત મરચાં અને જીરાના ભાવમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી. જુલાઈમાં ત્રિમાસિક ધોરણે ભાવમાં અનુક્રમે 69 ટકા અને 16 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. જોકે, એક થાળી તૈયાર કરવામાં આ સામગ્રીની જરૂરિયાત ઓછી માત્રામાં રહેતી હોવાથી તેમનું યોગદાન અન્ય શાકભાજી પાકોની સરખામણીમાં નીચું જળવાયું હતું એમ ક્રિસિલ ઉમેરે છે. વેજીટેબલ ઓઈલના ભાવમાં માસિક ધોરણે જોકે 2 ટકા ઘટાડો નોંધાયો હતો અને તેને કારણે સાધારણ રાહત મળી હતી એમ ઈન્ડિકેટર દર્શાવે છે.

અદાણી એનર્જીએ HVDC લીંક પ્રોજેક્ટ માટે 1 અબજ ડોલરની ખાતરી મેળવી
80-કિમી પ્રોજેક્ટ મુંબઈ સિટીને ટેક્નોલોજીકલ અપગ્રેડેશન ઓફર કરશે, જેનું બાંધકામ ઓક્ટોબર 2023થી શરુ થશે

અગાઉ અદાણી ટ્રાન્સમિશન તરીકે જાણીતી અદાણી એનર્જી સોલ્યુશન્સ(AESL)એ 1 અબજ ડોલરના ગ્રીન હાઈ વોલ્ટેજ ડાયરેક્ટ કરન્ટ(HCDC) લીંક પ્રોજેક્ટ માટે ફાઈનાન્સિયલ ક્લોઝર મેળવી લીધું છે. આ પ્રોજેક્ટ મુંબઈમાં રિન્યૂએબલ એનર્જી સપ્લાયમાં વૃદ્ધિ આણશે. 80-કિમી લાંબો બહુમુખીય પ્રોજેક્ટ કારણે મુંબઈ સિટીને ટેક્નોલોજીકલ અપગ્રેડેશન ઓફર કરશે, જેનું બાંધકામ ઓક્ટોબર 2023થી શરુ થશે એમ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.
એઈએસએલે જણાવ્યું હતું કે તેણે ગ્રીન એચવીડીસી લીંક પ્રોજેક્ટ માટે એક અબજ ડોલરનું ફાઈનાન્સિલય ક્લોઝર મેળવ્યું છે. જે તેને મુંબઈ ગ્રીડને વધુ ગ્રીન બનાવવામાં સક્ષમ બનાવશે. આને કારણે કંપની વધુ રિન્યૂએબલ પાવર ઓફર કરી શકશે. એચવીડીસી ટ્રાન્સમિશન ટેક્નોલોજી અન્ય પરંપરાગત ટેક્નોલોજી કરતાં ચઢિયાતી છે અને તે પાવર ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક્સને સ્થિરતા પૂરી પાડી છે. ઉપરાંત પાવર સપ્લાય ખરીદી માટે જ્યાં સબમરિન કેબલ્સનો ઉપયોગ થાય છે તેવા આઈલેન્ડ્સ માટે આ એક જ યોગ્ય ટેક્નોલોજી છે. જે નીચું એનર્જી નુકસાન દર્શાવે છે. એચવીડીસી લીંક મુંબઈ શહેરને અધિક 1000 મેગાવોટ રિન્યૂએબલ પાવર સપ્લાય કરશે. આમ કોઈપણ પ્રકારની અડચણ વિનાના પાવર સપ્લાયની ખાતરી આપશે. અદાણી ઈલેક્ટ્રિસિટી મુંબઈએ 2027 સુધીમાં તેના કુલ મિક્સમાં 60 ટકા રિન્યૂએબલ એનર્જી હિસ્સાની પ્રતિબધ્ધતા દર્શાવી છે. 2024-25માં મુંબઈની કુલ વીજ માગ 5000 મેગાવોટ પર પહોંચવાની અપેક્ષા છે. જે હાલની પીક 4000 મેગાવોટની માગ કરતાં 1000 મેગાવોટ જેટલી ઊંચી છે. હાલમાં આઈલેન્ડ સિટી માત્ર 1800 મેગાવોટની એમ્બેડેડ જનરેશન ક્ષમતા ધરાવે છે.

85 ટકા કરદાતાઓએ જૂની આવકવેરા જોગવાઈઓ પર પસંદગી ઉતારી
એક સર્વેક્ષણ મુજબ 55 ટકાએ 80C જોગવાઈનો સંપૂર્ણપણે લાભ લીધો
50 ટકા કરદાતાઓએ મેડિકલ ઈન્શ્યોરન્સ પર 80Dનો પણ લાભ મેળવ્યો
20 ટકા કરદાતાઓએ NPSમાં સેલ્ફ-કન્ટ્રીબ્યુશન્સ પર 80CCD(1B)નો ઉપયોગ પણ કર્યો

બજેચ 2023એ આવકવેરા કરદાતાઓમાં નવા અને જૂના આવકવેરાની પસંદગીને લઈને મોટી મૂંઝવણ ઊભી કરી હતી. સરકારે કરદાતાઓને નવા નિયમો અપનાવવા માટે પ્રોત્સાહનના ભાગરૂપે 2023 બજેટમાં વિવિધ રાહતો રજૂ કરી હતી. જોકે, તેમ છતાં મોટાભાગના આવકવેરા કરદાતાઓની પસંદ જૂના નિયમો પર ઉતરી હતી એમ એક સર્વે સૂચવે છે. લગભગ 85 ટકા કરદાતાઓએ જૂની આવકવેરા જોગવાઈઓ પર પસંદગી ઉતારી હતી. સર્વેક્ષણ મુજબ 55 ટકાએ 80C જોગવાઈનો સંપૂર્ણપણે લાભ લીધો હતો. જ્યારે 50 ટકા કરદાતાઓએ મેડિકલ ઈન્શ્યોરન્સ પર 80Dનો પણ લાભ મેળવ્યો હતો. તેમજ 20 ટકા કરદાતાઓએ NPSમાં સેલ્ફ-કન્ટ્રીબ્યુશન્સ પર 80CCD(1B)નો ઉપયોગ પણ કર્યો હતો.
નાણાપ્રધાને બજેટ 2020માં નવા ટેક્સ નિયમો(ટેક્સ રિજીમ)ને રજૂ કર્યો હતો. જ્યાં ટેક્સ સ્લેબ્સમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને કરદાતાઓને નીચા ટેક્સ રેટ ઓફર કરાયાં હતાં. જોકે, નવા નિયમો પર પસંદગી ઉતારનારાઓ જૂના કાયદાઓ મુજબ પ્રાપ્ય કેટલાંક એક્ઝેમ્પ્શન્સ અને ડિડક્શન્સનો દાવો કરી શકતાં નથી. જેમકે એચઆરએ, એલટીએસ, 80સી, 80ડી વગેરે જેવી જોગવાઈઓનો સમાવેશ થાય છે. જૂના નિયમોની આ જોગવાઈઓને કારણે નવા નિયમો પર પસંદગી ઉતારનારાઓની સંખ્યા જૂજ જોવા મળે છે. સરકારે 2023ના બજેટમાં કરદાતાઓને નવા નિયમો માટે આકર્ષવા પાંચ ચાવીરૂપ ફેરફારો કર્યાં હતાં. જે અહીં આપ્યાં છે
ઊંચી ટેક્સ રિબેટ લિમિટઃ રૂ. સાત લાખ સુધીની આવક પર સંપૂર્ણપણે ટેક્સ રિબેટ રજૂ કરવામાં આવ્યું હતું. જૂના નિયમો મુજબ આ મર્યાદા રૂ. 5 લાખ સુધી હતી. આનો અર્થ એ થાય કે રૂ. 7 લાખ સુધીની આવક પર કરદાતાઓ કોઈ ટેક્સ ભરવાનો નથી રહેતો.
ટેક્સ સ્લેબ્સનું સરળીકરણઃ ટેક્સ મુક્તિ મર્યાદાને વધારી રૂ. 3 લાખ કરવામાં આવી હતી અને નવા ટેક્સ સ્લેબ્સ આ મુજબ રાખવામાં આવ્યાં હતાં. આ ફેરફારો સરકારનો કરદાતાઓને નવા ટેક્સ રિજિમ તરફ વાળવાનો ઈરાદો દર્શાવે છે. નવો રિજીમ જોકે હવે એક ડિફોલ્ટ ટેક્સ રિજીમ છે તે છતાં જૂનો રિજિમ ચાલુ રહેશે એમ સરકારે સ્પષ્ટ જણાવ્યું હતું.

પેટીએમ ફાઉન્ડર કંપનીમાં 10.3 ટકા હિસ્સો મેળવશે
વિજય શેખર શર્મા નેધરલેન્ડ સ્થિત કંપની એન્ટફિન પાસેથી આ હિસ્સો ખરીદી પેટીએમમાં સૌથી મોટા શેરધારક બનશે

ફિનટેક કંપની પેટીએમના સ્થાપક વિજય શેખર શર્મા કંપનીનો 10.3 ટકા હિસ્સો ખરીદવા જઈ રહ્યાં હોવાનું એક્સચેન્જિસને કંપનીએ જણાવ્યું છે. તેઓ નેધરલેન્ડ સ્થિત એન્ટફિન હોલ્ડિંગ બીવી પાસેથી આ હિસ્સો ખરીદશે. વિજય શર્મા પેટીએમની માલિક કંપની વન 97 કોમ્યુનિકેશન્સના ફાઉન્ડર ઉપરાંત સીઈઓ છે તેમજ તેઓ તેમની સંપૂર્ણ માલિકીની વિદેશ સ્થિત કંપની રેઝિલિએન્ટ એસેટ મેનેજમેન્ટ બીવી મારફતે આ હિસ્સાની ખરીદી કરશે. આ ડિલ પછી પેટીએમમાં વિજય શર્માનો ઈક્વિટી હિસ્સો વધી 19.42 ટકા સાથે સૌથી ઊંચા સ્તરે જોવા મળશે.
કંપનીના રેગ્યુલેટરી ફાઈલીંગ મુજબ શર્મા તેમની માલિકીની કંપની મારફતે એન્ટફિન પાસેથી આ હિસ્સો ખરીદશે. હાલમાં એન્ટફિન પેટીએમમાં 23.79 ટકા સાથે સૌથી વધુ હિસ્સો ધરાવે છે. 4 ઓગસ્ટે પેટીએમના શેરના બંધ ભાવને આધારે શર્માને પેટીએમનો 10.3 ટકા હિસ્સો ખરીદવા માટે 62.8 કરોડ ડોલરનો અંદાજિત ખર્ચ થશે. વધુમાં એગ્રીમેન્ટના ભાગરૂપે એન્ટફીન લગભગ 6.5 કરોડ શેર્સ રેઝિલિઅન્ટને ટ્રાન્સફર કરશે. એગ્રીમેન્ટ પછી રેઝિલિઅન્ટ 10.3 ટકા બ્લોકનો વોટીંગ રાઈટ્સ ધરાવતી હશે. ઉપરાંત, શર્માની કંપની રેઝિલિઅન્ટ એન્ટફિનને ઓપ્શનલી કન્વર્ટિબલ ડિબેન્ચર્સ(ઓસીડી) ઈસ્યુ કરશે. જે કંપનીને 10.3 ટકા હિસ્સાનું આર્થિક વેલ્યૂ જાળવી રાખવા સક્ષમ બનાવશે. આમ આ એક્વિઝિશન માટે શર્મા તરફથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ કેશ પેમેન્ટ કરવામાં આવશે નહિ કે નહિ તો કોઈ પ્લેજ, ગેરંટી કે કોઈ અન્ય વેલ્યૂ એસ્યોરન્સ પૂરું પાડવામાં આવશે એમ ફાઈલીંગમાં જણાવાયું હતું. શર્માની માલિકીની રેઝિલિઅન્ટ એસેટ મેનેજમેન્ટ બીવી પણ નેધરલેન્ડ્ઝ સ્થિત કંપની છે.

ભારતીય કોર્પોરેટ્સે 2022-23માં રૂ. 9.8 લાખ કરોડ ઊભાં કર્યાઃ સેબી
કંપનીઓએ તેમની નાણા જરૂરિયાત પૂરી કરવા ઈક્વિટી, ડેટ, AIFs, REITs અને InvITs મારફતે રકમ ઊભી કરી

ભારતીય કંપનીઓએ ગયા નાણા વર્ષ 2022-23માં મૂડી બજારમાંથી રૂ. 9.8 લાખ કરોડ ઊભાં કર્યાં હતાં. જે અગાઉના વર્ષ કરતાં 4.6 ટકા વૃદ્ધિ દર્શાવતાં હતાં એમ માર્કેટ રેગ્યુલેટર સેબીએ તેના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું હતું. માર્કેટ રેગ્યૂલેટરના જણાવ્યા મુજબ કંપનીઓએ તેમની ફાઈનાન્સની જરૂરિયાતને પૂરી કરવા માટે વિવિધ સાધનોનો ઉપયોગ કરી આ ફંડ્ઝ મેળવ્યું હતું. જેમાં ઈક્વિટી, ડેટ, AIFs, REITs અને InvITsનો સમાવેશ થતો હતો.
સેબીના વાર્ષિક અહેવાલ મુજબ ભારતીય કેપિટલ માર્કેટ્સે 2022-23માં રૂ. 9.8 લાખ કરોડ ઊભાં કરવામાં સહાયતા પૂરી પાડી હતી. જે 2021-22ની સરખામણીમાં 4.6 ટકા ઊંચું હતું. આ ફઁડ્સ કોર્પોરેટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ તરફથી તેમની નાણાની જરૂરિયાત પૂરી કરવા માટે ઊભું કરવામાં આવ્યું હતું. જેમાં ઈક્વિટી, ડેટ, અલ્ટરનેટીવ ઈન્વેસ્ટમેન્ટ ફંડ્સ, રિઅલ એસ્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમન્ટ ટ્રસ્ટ્સનો સમાવેશ થતો હતો એમ સેબી રિપોર્ટ સૂચવે છે. તેમણે જાહેર તથા પ્રાઈવેટ, બંને પ્રકારના ઈસ્યુઅન્સ મારફતે નાણા ઊભા કર્યાં હતાં. માર્કેટ રેગ્યુલેટરના જણાવ્યા મુજબ રૂ. 9.2 લાખ કરોડમાંથી નોંધપાત્ર હિસ્સો ઈક્વિટી અને ડેટ ઈન્સ્ટ્રૂમેન્ટ્સ મારફતે ઊભો કરવામાં આવ્યો હતો. ઉપરાંત છેલ્લાં કેટલાંક વર્ષોમાં અલ્ટરનેટીવ ઈન્વેસ્ટમેન્ટ ફંડ્સ પણ ઝડપથી ઊભરતું સેગમેન્ટ જોવા મળ્યું છે. 2018-19થી તેમાં ઉત્તરોત્તર વૃદ્ધિ જોવા મળી છે.
સેબીના રિપોર્ટ મુજબ છેલ્લાં પાંચ વર્ષોમાં ભારતમાં એસેટ મેનેજમેન્ટ ઈકોસિસ્ટમમાં નોંધપાત્ર ટ્રાન્ઝિશન જોવા મળ્યું છે. જ્યાં એસેટ અન્ડર મેનેજમેન્ટમાં ઝડપી વૃદ્ધિ નોંધાઈ છે. 31 માર્ચ, 2023ના રોજ દેશના મ્યુચ્યુલ ફંડ ઉદ્યોગનું કુલ એયૂએમ રૂ. 39.4 કરોડ લાખ કરોડ પર હતું. જ્યારે મ્યુચ્યુલ ફંડ એકાઉન્ટ્સ અથવા ફોલિયો નંબર 14.57 કરોડ પર હતાં. જેમાં 3.77 કરોડ યુનિટ નંબર ફોલિયોઝ હતાં. સિસ્ટમેટીક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સ અને બી30 શહેરો તરફથી વધતાં રોકાણને કારણે એયૂએમમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી. પેસિવ ઈન્વેસ્ટીંગમાં પણ ઝડપી વિસ્તરણ જોવા મળ્યું હતું. જેને કારણે એસેટ બેઝમાં વૃદ્ધિ જળવાય હતી. ઈન્ડેક્સ ફંડ્સમાં ઈનફ્લો બમણો બન્યો હતો એમ સેબીનો રિપોર્ટ નોંધે છે.
વૈશ્વિક સ્તરે જોવા મળતાં અવરોધો વચ્ચે પણ ભારતમાં સેકન્ડરી માર્કેટે આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યં હતું. વૈશ્વિક સ્તરે મેક્રોઈકોનોમિક સ્થિતિ અને જીઓ-પોલિટીકલ તણાવો વચ્ચે ભારતીય શેરબજારે સ્થિરતા જાળવી હતી. સેબીના જણાવ્યા મુજબ વર્ષના પ્રથમ ત્રણ ક્વાર્ટર દરમિયાન ઈક્વિટી બજારોએ વૈશ્વિક હરિફોની સરખામણીમાં સારો દેખાવ જાળવ્યો હતો. જ્યારે છેલ્લાં ક્વાર્ટરમાં તેમનો દેખાવ મધ્યમ જળવાયો હતો. નાણા વર્ષ દરમિયાન વોલેટિલિટી જોવા મળી હતી. નિફ્ટી ફિફ્ટીએ 18,812ની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યારે 15,293નું તળિયું બનાવ્યું હતું. સેન્સેક્સે પણ વિશાળ મૂવમેન્ટ દર્શાવી હતી અને તે 50,921થી 63,583ની રેંજમાં અથડાયો હતો.

કોર્પોરેટ રાઉન્ડ અપ

સુપ્રીમ કોર્ટે ગો ફર્સ્ટની અરજી ફગાવી
સુપ્રીમ કોર્ટે એરલાઈન કંપની ગો ફર્સ્ટની અરજીને ફગાવી લીઝર્સને તેમના વિમાનના ઈન્સ્પેક્શન માટેની છૂટ આપી છે. અગાઉ દીલ્હી હાઈકોર્ટે લિઝર્સને તેમના વિમાનોના નિરીક્ષણ માટે છૂટ આપી હતી. જેની સામે ગો ફર્સ્ટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેને સર્વોચ્ચ અદાલતે ફગાવી છે. કોર્ટે નોંધ્યું હતું કે લીઝર્સ એ વિમાનોના માલિક છે. તે વિમાનો તેમના છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે હાલમાં આ મુદ્દો દિલ્હી હાઈકોર્ટની સિંગલ બેંચ પાસે પેન્ડિંગ છે. જે સ્થિતિમાં તે કોઈ દરમિયાનગીરી નહિ કરે. કોર્ટે એ પણ સ્પષ્ટતા કરી હતી કે સિંગલ જજ જ્યુરિસ્ડિક્શનના મુદ્દાને લઈને પણ નિર્ણય લેશે.

RBL બેંક સર્વિસિઝ સેક્ટરમાં પ્રોફિટેબલ ઈન્વેસ્ટમેન્ટઃ M&M
ઓટો જૂથ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના એમડી અને સીઈઓ અનિશ શાહે જણાવ્યું છે કે આરબીએલ બેંક એ જૂથ માટે પ્રોફિટેબલ ઓપ્શન છે. તેમણે ઉમેર્યું હતું કે બેંકમાં જૂથ તરફથી કરવામાં આવેલા રૂ. 400 કરોડના રોકાણને જૂથ સારી રીતે સમજે છે. અમારા માટે આ એક વેલ્યૂ ક્રિએશન છે. અમારી કેપિટલ એલોકેશન પોલિસીમાં કોઈ ફેરફાર નથી કર્યો. સર્વિસિસ સેક્ટરે અમારા કેશફ્લો માટે રૂ. 5000 કરોડ ઊભાં કર્યાં છે એમ શાહે ઉમેર્યું હતું. ગઈ 26 જુલાઈના રોજ એમએન્ડએમે ઓપન માર્કેટમાંથી આરબીએલ બેંકમાં 3.53 ટકા હિસ્સાની ખરીદી કરી હતી અને જણાવ્યું હતું કે તે બેંકમાં વધુ ખરીદી માટે પણ વિચારશે. જોકે, કોઈપણ સંજોગોમાં તે 9.9 ટકાથી વધશે નહિ એમ કંપનીએ નોંધ્યું હતું. એમએન્ડએમનું રોકાણ 7-10 વર્ષના લાંબાગાળા માટેનું છે. જે તેને ફાઈનાન્સિલ સર્વિસિઝ બિઝનેસમાં તેની વેલ્યૂને વ્યાપક બનાવવામાં સક્ષમ બનાવશે.

કતાર ઈન્વેસ્ટમેન્ટે અદાણી ગ્રીનમાં હિસ્સો ખરીદ્યાની વાત
કતાર ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટીએ અદાણી ગ્રીનમ એનર્જીમાં 50 કરોડ ડોલરના શેર્સ ખરીદ્યાં હોવાનું જાણવા મળે છે. સોમવારે કાઉન્ટરમાં 2.7 ટકા ઈક્વિટીનો હાથ બદલો થયો હતો. અદાણી જૂથની રિન્યૂએબલ પાવર ઉત્પાદક કંપનીમાં 11 લાખ શેર્સનું ટ્રેડિંગ થયું હતું. કંપનીનો શેર સોમવારે સવારે 3 ટકા ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. જોકે, વોલ્યુમમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી હતી. વાર્ષિક ધોરણે કંપનીનો શેર 48 ટકાનો ઘટાડો સૂચવે છે. કંપનીમાં પ્રમોટર્સ 56.27 ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે બાકીનો હિસ્સો પબ્લિક પાસે છે. કંપની વિશ્વમાં સૌથી મોટા રિન્યૂએબલ પોર્ટફોલિયો ધરાવતી કંપનીઓમાંની એક છે.

ટોરેન્ટ ફાર્માએ જૂન ક્વાર્ટરમાં રૂ. 378 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો
કંપનીની આવક 10 ટકા વધી રૂ. 2591 કરોડ પર રહી

અગ્રણી ફાર્મા કંપની ટોરેન્ટ ફાર્માએ જૂન ક્વાર્ટર માટે રૂ. 378 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 354 કરોડની સરખામણીમાં 15 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીનો નફો 10 ટકા વધી રૂ. 2591 કરોડ પર જોવા મળ્યો હતો. કંપનીનો એબિટા 11 ટકા વધી રૂ. 791 કરોડ રહ્યો હતો. જ્યારે એબિટા માર્જિન 30.5 ટકા પર જોવાયાં હતાં. કંપનીનો આરએન્ડડી ખર્ચ ગયા વર્ષે રૂ. 122 કરોડ સામે વધી રૂ. 129 કરોડ રહ્યો હતો.
કંપનીની ભારતીય બજારમાં રેવન્યૂ રૂ. 1426 કરોડ પર રહી હતી. જે વાર્ષિક 14.5 ટકા વૃદ્ધિ દર્શાવતી હતી. ડાયાબિટીસ થેરાપી રેંક ગયા વર્ષે 9મા સ્થાનેથી સુધરી 6ઠ્ઠા સ્થાને જોવા મળી હતી. જેની પાછળ નવા લોંચનો દેખાવ તથા ફિલ્ડ ફોર્સમાં વિસ્તરણ કારણભૂત હતાં. કંપનીના ક્યૂરેશિયો પોર્ટફોલિયોમાં દ્વિઅંકી વૃદ્ધિ જળવાયો હતો. કંપનીના બ્રાઝિલ બિઝનેસમાં 3 ટકા વૃદ્ધિ સાથે રૂ. 190 કરોડની રેવન્યૂ જોવા મળી હતી. કંપનીનો વૃદ્ધિ દર સમગ્રતયા માર્કેટના વૃદ્ધિ દર કરતાં ઊંચો જળવાયો હતો. કંપનીની જર્મની ખાતેથી રેવન્યૂ 21 ટકા ઉછળી રૂ. 258 કરોડ પર રહી હતી. કોન્સ્ટન્ટ કરન્સી પર તે 11 ટકા વધી 2.9 કરોડ યૂરો જોવા મળી હતી. નવા ટેન્ડર્સ પાછળ ગ્રોથ મોમેન્ટમ જળવાયું હતું. યુએસ ખાતે કંપનીનો બિઝનેસ 2 ટકા ઘટાડા સાથે રૂ. 293 કરોડની આવક સૂચવતો હતો. કોન્સ્ટન્ટ કરન્સી બેસીસ પર તે 8 ટકા ઘટાડે 3.6 કરોડ ડોલર પર જોવા મળતી હતી. નવા લોંચના અભાવે કંપનીના ગ્રોથ પર અસર પડી હતી એમ કંપનીનું કહેવું હતું.

કોર્પોરેટ હેડલાઈન્સ

ડેલ્હીવેરીઃ લોજીસ્ટીક્સ કંપનીએ જૂન ક્વાર્ટર માટે રૂ. 89.4 કરોડની ખોટ નોંધાવી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતી રૂ. 399.3 કરોડની ખોટની સરખામણીમાં નોંધપાત્ર ઘટાડો સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 1745.7 કરોડ પરથી 10.5 ટકા સુધરી રૂ. 1929.7 કરોડ પર જોવા મળી હતી.
સીઈ ઈન્ફોઃ ટેક્નોલોજી કંપનીએ જૂન ક્વાર્ટર માટે રૂ. 32 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 28 કરોડના નફા સામે 15 ટકા આસપાસ વૃદ્ધિ સૂચવે છે. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 73 કરોડ સામે ચાલુ વર્ષે 20 ટકા વૃદ્ધિ સાથે રૂ. 89 કરોડ પર જોવા મળી હતી.
સીઈએસસીઃ જૂન ક્વાર્ટર માટે રૂ. 369 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 297 કરોડના નફા સામે 33 ટકા આસપાસ વૃદ્ધિ સૂચવે છે. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 4102 કરોડ સામે ચાલુ વર્ષે 5 ટકા વૃદ્ધિ સાથે રૂ. 4310 કરોડ પર જોવા મળી હતી.
એપીએલ એપોલોઃ કંપનીએ જૂન ક્વાર્ટર માટે રૂ. 193 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 120 કરોડના નફા સામે 60 ટકા આસપાસ વૃદ્ધિ સૂચવે છે. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 3439 કરોડ સામે ચાલુ વર્ષે 35 ટકા વૃદ્ધિ સાથે રૂ. 4544 કરોડ પર જોવા મળી હતી.
બલરામપૂર ચીનીઃ કંપનીએ જૂન ક્વાર્ટર માટે રૂ. 69.3 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 11.6 કરોડના નફા સામે 500 ટકા આસપાસ વૃદ્ધિ સૂચવે છે. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 1080 કરોડ સામે ચાલુ વર્ષે 30 ટકા વૃદ્ધિ સાથે રૂ. 1389.6 કરોડ પર જોવા મળી હતી.
રેપ્કો હોમઃ કંપનીએ જૂન ક્વાર્ટર માટે રૂ. 89 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 62 કરોડના નફા સામે 46 ટકા આસપાસ વૃદ્ધિ સૂચવે છે. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 302 કરોડ સામે ચાલુ વર્ષે 20 ટકા વૃદ્ધિ સાથે રૂ. 364 કરોડ પર જોવા મળી હતી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage