Market Tips

Market Summary 08/02/2023

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ સમરી

 

ફિચ રેટિંગે યુએસ સોવરિન રેટિંગ ઘટાડતાં શેરબજારોમાં ગભરાટ

સ્થાનિક રોકાણકારોએ એક સત્રમાં રૂ. 3.5 લાખ કરોડ ગુમાવ્યાં

એશિયાઈ બજારોમાં 2.5 ટકા સુધીનો તીવ્ર કડાકો બોલાયો

વોલેટિલિટી ઈન્ડેક્સ 10 ટકા ઉછળી 11.27ના સ્તરે

પીએસઈ, મેટલ, ઓટો અને બેંકિંગમાં ભારે વેચાણ

બીઈએમએલ, ફિનોલેક્સ ઈન્ડ, કેઈસી, એસ્કોર્ટ્સ નવી ટોચે

કેમ્પસ એક્વિટ નવા તળિયે

ફિચ રેટિંગે યુએસ સોવરિન રેટિંગ ગ્રેડને એક લેવલ ઘટાડતાં વૈશ્વિક શેરબજારોમાં ગભરાટભરી વેચવાલી જોવા મળી હતી. ખાસ કરીને એશિયન બજારોએ 2.5 ટકાના ઘટાડા સાથે તીવ્ર પ્રતિક્રિયા આપી હતી. ભારતીય બેન્ચમાર્ક્સ પણ ઈન્ટ્રા-ડે લગભગ પોણા બે ટકાના ઘટાડા પછી સાધારણ બાઉન્સ સાથે એક ટકા ઘટાડા સાથે બંધ જોવા મળ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 676.53 પોઈન્ટ્સ ગગડી 65,782.78ની સપાટીએ જ્યારે નિફ્ટી 207 પોઈન્ટ્સ ગગડી 19,526.55ની સપાટીએ બંધ રહ્યાં હતાં. માર્કેટમાં બ્રોડ બેઝ વેચવાલી પાછળ બ્રેડ્થ નરમ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3732 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2353 કાઉન્ટર્સ નેગેટિવ બંધ રહ્યાં હતાં. જ્યારે 1240 કાઉન્ટર્સે પોઝીટીવ બંધ આપ્યું હતું. 202 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 32 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું દેખાડ્યું હતું. 12 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 3 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 10 ટકા ઉછળી 11.27ના સ્તરે બંધ રહ્યો હતો.

ફિચ રેટિંગે વહેલી સવારે યુએસ સોવરિન રેટિંગને AAA પરથી એક લેવલ ઘટાડી AAપ્લસ કર્યું હતું. દેશની સતત વધતી જતી નાણાકિય ખાધને અને ભૂસાતાં જતાં ગવર્નન્સને કારણે છેલ્લાં બે દાયકામાં સતત ડેટ લિમિટમાં વૃદ્ધિ કરવાનું થયું છે. ફિચ ડાઉનગ્રેડે અગાઉ 2011માં સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ ગ્લોબલ રેટિંગ્સે કરેલાં પગલાને જ દોહરાવ્યું છે. જેની પાછળ બુધવારે એશિયન બજારોમાં 2.5 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. ભારતીય બજાર પણ ગેપ-ડાઉન ઓપનીંગ પછી દિવસ દરમિયાન સતત ઘસાતું રહ્યું હતું અને છેલ્લાં કલાકમાં તળિયેથી સાધારણ બાઉન્સ સાથે બંધ રહ્યું હતું. જોકે, બેન્ચમાર્ક નિફ્ટીએ ગયા શુક્રવારે તેણે દર્શાવેલા 19563ના બોટમને તોડ્યું હતું અને આમ તે સપોર્ટ નીચે ઉતરી ગયો હતો. ઈન્ટ્રા-ડે ધોરણે નિફ્ટી 19,423.55ના તળિયા પર ટ્રેડ થયો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 48 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 19585.15ની સપાટી પર બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 75ના પ્રિમીયમ સામે નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે. આમ, બુધવારે તેજીવાળાઓ તરફથી લોંગ પોઝીશન લિક્વિડ થઈ છે. જે આગામી સમયગાળામાં વધુ ઘટાડાનો સંકેત છે. ટેકનિકલ એનાલિસ્ટ્સ પણ નિફ્ટીમાં 19300નો હવેનો સપોર્ટ જોઈ રહ્યાં છે. જેની નીચે વધુ મોટી મંદી સંભવ છે. શોર્ટ સેલર 19800ના સ્ટોપલોસ સાથે શોર્ટ પોઝીશન લઈ શકે છે.

બુધવારે નિફ્ટીને સપોર્ટ કરનારા ઘટકોમાં ડિવિઝ લેબ્સ મુખ્ય હતો. આ ઉપરાંત નેસ્લે, એચયૂએલ, એશિયન પેઈન્ટ્સ, ટેક મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટ, એચડીએફસી લાઈફ મજબૂતી દર્શાવતાં હતાં. બીજી બાજુ, હીરો મોટોકોર્પ, તાતા સ્ટીલ, તાતા મોટર્સ, બજાજ ફિનસર્વ, એનટીપીસી, આઈશર મોટર્સ, કોલ ઈન્ડિયા, એલટીઆઈમાઈન્ડટ્રી, એસબીઆઈ, હિંદાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ, બજાજ ઓટો, લાર્સનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો તમામ સેક્ટરલ સૂચકાંકો નેગેટિવ જોવા મળતાં હતાં. જોકે, પીએસઈ, મેટલ, ઓટો અને બેંકિંગમાં ભારે વેચવાલી જોવા મળતી હતી. નિફ્ટી પીએસઈ 2.1 ટકા ગગડ્યો હતો. જેના મુખ્ય ઘટકોમાં એનએચપીસી, ભેલ, ભારત ઈલે, નાલ્કો, ગેઈલ, હિંદુસ્તાન એરોનોટિક્સ, એચપીસીએલ, સેઈલ, એનટીપીસી, એનએમડીસી, કોલ ઈન્ડિયા, બીપીસીએલ અને કોન્કોરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ પણ 2 ટકાથી વધુ ઘટાડો સૂચવતો હતો. જેમાં જીંદાલ સ્ટીલ, નાલ્કો, તાતા સ્ટીલ, સેઈલ, એનએમડીસી, કોલ ઈન્ડિયા, હિંદાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ, વેદાંત સહિતના કાઉન્ટર્સ વેચવાલી સૂચવી રહ્યાં હતાં. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 1.7 ટકા પટકાયો હતો. જેમાં બોશ લિમિટેડ 4 ટકા સાથે ટોચ પર હતો. આ ઉપરાંત હીરો મોટોકોર્પ, તાતા મોટર્સ, ભારત ફોર્જ, આઈશર મોટર્સ, અશોક લેલેન્ડ, બજાજ ઓટોમાં પણ નોંધપાત્ર વેચવાલી જોવા મળતી હતી. નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ 2.6 ટકા તૂટ્યો હતો. જેના ઘટકોમાં કેનેરા બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, બેંક ઓફ બરોડા, પીએનબી, આઈઓબી, બેંક ઓફ ઈન્ડિયા, એસબીઆઈ, યુનિયન બેંક જેવા કાઉન્ટર્સમાં નોંધપાત્ર વેચવાલી જોવા મળતી હતી. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ પણ નરમાઈ સૂચવતો હતો. જોકે, ટેક મહિન્દ્રામાં ઈન્ટ્રા-ડે તળિયેથી બાઉન્સ જોવા મળ્યું હતું અને તે પોઝીટીવ બંધ જોવા મળ્યો હતો. નિફ્ટી રિઅલ્ટી 1.5 ટકા ગગડ્યો હતો. જેમાં હેમિસ્ફીઅર, બ્રિગેડ, ગોદરેજ પ્રોપર્ટીઝ, ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી, ડીએલએફ, સોભા સહિતના કાઉન્ટર્સ નરમાઈ સૂચવતાં હતાં

એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ 5.4 ટકા સાથે ઉછળવામાં ટોચ પર રહ્યો હતો. આ ઉપરાંત પીવીઆર આઈનોક્સ, લૌરસ લેબ્સ, ડિવિઝ લેબ્સ, એસ્કોર્ટ્સ કુબોટા, બર્ગર પેઈન્ટ્સ, નેસ્લે, નવીન ફ્લોરિન, ટીવીએસ મોટર, એચયૂએલ, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ, લ્યુપિન જેવા કાઉન્ટર્સ નોંધપાત્ર ખરીદી સૂચવતાં હતાં. બીજી બાજુ, પિરામલ એન્ટરપ્રાઈઝ, ઝી એન્ટરટેઈનમેન્ટ, વોડાફોન, મેક્સ ફાઈનાન્સિયલ, જિંદાલ સ્ટીલ, ભેલ, કેનેરા બેંક, ભારત ઈલેક્ટ્રીક, બોશ, એમ્ફેસિસ, તાતા પાવર અને હીરો મોટોકોર્પમાં નોંધપાત્ર વેચવાલી જોવા મળી હતી. કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં બીઈએમએલ, ફિનોલેક્સ ઈન્ડ, કેઈસી, એસ્કોર્ટ્સ નવી ટોચે જોવા મળ્યાં હતાં.

 

ફોક્સકોન કર્ણાટકમાં બે યુનિટ્સમાં રૂ. 5000 કરોડનું રોકાણ કરશે

કંપની ફોન એન્ક્લોઝર અને સેમીકંડક્ટર ઈક્વિપમેન્ટ મેન્યૂફેક્ચરિંગ યુનિટ્સની સ્થાપના કરશે

બંને યુનિટ્સ રાજ્યમાં 13,000 જેટલી રોજગારીની તકોનું સર્જન કરશે

તાઈવાનના કોન્ટ્રેક્ટ મેન્યૂફેક્ચરર ફોક્સકોન કર્ણાટકમાં બે મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ્સમાં 60 કરોડ ડોલર(લગભગ રૂ. 5000 કરોડ)નું કરશે. જેમાં એક પ્રોજેક્ટ યુએસ સ્થિત મેન્યૂફેક્ચરિંગ કંપની એપ્લાઈડ મટિરિયલ્સ સાથે ભાગીદારીમાં સ્થાપવામાં આવશે. જ્યારે બીજા યુનિટમાં ફોક્સકોન સ્માર્ટફોન્સ માટે કેસીંગ કોમ્પોનેન્ટ્સના ઉત્પાદન માટે યુનિટ્સ સ્થાપવામાં 35 કરોડ ડોલરનું રોકાણ કરશે. જેમાં એપલના આઈફોન્સનો સમાવેશ પણ થતો હશે. આ યુનિટ 12000 નોકરીઓનું સર્જન કરે તેવી અપેક્ષા છે. કંપની અગાઉથી જ તમિલનાડુમાં આઈફોન્સ માટે એસેમ્બલીંગ પ્લાન્ટ ધરાવે છે.

બીજા પ્લાન્ટમાં કંપની 25 કરોડ ડોલરનું રોકાણ કરશે. જેમાં તે જાણીતા સેમીકંડક્ટર ઈક્વિપમેન્ટ ઉત્પાદક એપ્લાઈડ મટિરિયલ્સ સાથે મળી ચીપ મેકિંગ ટુલ્સનું ઉત્પાદન કરશે. બંને પ્રોજેક્ટ મળી કુલ 13 હજાર રોગગારીનું સર્જન કરશે. આ બંને પ્રોજેક્ટ્સને લઈ કર્ણાટક સરકાર અને ફોક્સકોન વચ્ચે ચેન્નાઈ ખાતે સાઈનીંગ સેરમની યોજાઈ હતી. લેટર ઓફ ઈન્ટેટ(LOI)માં બંને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સને લઈ રૂપરેખાઓ નિર્ધારિત કરવામાં આવી હતી. ફોક્સકોન સ્માર્ટફોન્સ અને તેમાં પણ ખાસ કરીને આઈફોન્સના મિકેનીકલ એન્ક્લોઝર્સ માટે સબએસેમ્બલી કોમ્પોનેન્ટ્સના મેન્યૂફેક્ચરિંગ માટે સુવિધા સ્થાપી રહ્યું છે. જેમાં તે 35 કરોડ ડોલર એટલેકે રૂ. 3000 કરોડનું રોકાણ કરશે. બીજા પ્રોજેક્ટમાં તે રૂ. 2000 કરોડનું રોકાણ કરશે. જે એપ્લાઈડ મટિરિયલ્સ સાથે ભાગીદારીમાં તૈયાર કરાશે. આ પ્રોજેક્ટનું લોકેશન બંગલૂરુ રુરલ ડિસ્ટ્રીક્ટમાં હારાલૂરુ મુદ્દેનહલ્લી- હાઈ ટેક એરોસ્પેસ એન્ડ ડિફેન્સ પાર્ક-ફેઝ 2 ખાતે નક્કી કરવામાં આવે તેવી શક્યતાં છે. ફોક્સકોને ત્યાં 35 એકર જમીનની માગણી કરી છે.

ઓટો કંપનીઓ તરફથી જુલાઈમાં વેચાણનો મિશ્ર માહોલ જોવાયો

ટોચની પેસેન્જર વેહીકલ્સ કંપનીઓએ પોઝીટીવ ગ્રોથ જાળવ્યો પરંતુ ટોચની ટુ-વ્હીલર્સ કંપનીઓએ નેગેટિવ વેચાણ વૃદ્ધિ નોંધાવી

ટ્રેકટર્સનું વેચાણ દ્વિઅંકી દરે વધ્યું

જુલાઈમાં પેસેન્જર વેહીકલ્સના વેચાણમાં પોઝીટીવ વૃદ્ધિ દર જળવાયો હતો જ્યારે ટુ-વ્હીલર્સ સેક્ટરની ટોચની કંપનીઓએ તેમના વેચાણમાં દ્વિઅંકી ઘટાડો નોંધાવ્યો હતો. ટ્રેકટર્સનું વેચાણ નોંધપાત્ર વૃદ્ધિ દર સૂચવતું હતું જ્યારે પ્રિમીયમ ટુ-વ્હીલર્સ સેગમેન્ટ પણ ઊંચો વૃદ્ધિ દર દર્શાવી રહ્યું હતું.

પેસેન્જર વેહીકલ્સ ઉત્પાદકો જેવાકે મારુતિ, હ્યુન્ડાઈ મોટર, તાતા મોટર્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ જુલાઈમાં પોઝીટીવ વેચાણ વૃદ્ધિ નોંધાવી હતી ત્યારે કિઆ ઈન્ડિયા અને સ્કોડા ઓટો ઈન્ડિયાએ વાર્ષિક ધોરણે વેચાણમાં ઘટાડો દર્શાવ્યો હતો. આ જ રીતે ટુ-વ્હીલર્સ પ્લેયર્સ જેવાકે હીરો મોટોકોર્પ અને બજાજા ઓટોએ તેમના જુલાઈ વેચાણમાં વાર્ષિક ધોરણે 14-14 ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો. જોકે, ટીવીએસ મોટરે આનાથી ઊલટું વેચાણમાં 17 ટકાની ઊંચી વૃદ્ધિ દર્શાવી હતી. આઈશર મોટર્સે પણ વેચાણમાં 32 ટકાની તીવ્ર વૃદ્ધિ નોંધાવી હતી. પીવી સેગમેન્ટમાં માર્કેટ લીડર મારુતિએ વાર્ષિક 6.49 ટકા વૃદ્ધિ દર્શાવી હતી. જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ 29 ટકાની ઊંચી વેચાણ વૃદ્ધિ હાંસલ કરી હતી. કંપનીએ જુલાઈ 2022માં 28053 વેહીકલ્સની સરખામણીમાં ચાલુ વર્ષે સમાનગાળામાં 36,205 વેહીકલ્સનું વેચાણ કર્યું હતું. હ્યુન્દાઈ અને તાતા મોટર્સે જોકે અનુક્રમે 0.4 ટકા અને 0.25 ટકાની સાધારણ વેચાણ વૃદ્ધિ દર્શાવી હતી. ટોયોટા કિર્લોસ્કર મોટરે વાર્ષિક 5.41 ટકા વેચાણ વૃદ્ધિ સાથે 20,759 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. જોકે કિયા ઈન્ડિયાનું વેચાણ 9.2 ટકા ગગડી 20,002 યુનિટ્સ પર નોંધાયું હતું .જ્યારે હોન્ડા કાર્સનું વેચાણ પણ 28.3 ટકા ઘટી 4,864 યુનિટ્સ પર જોવા મળ્યું હતું. નિસ્સાન ઈન્ડિયાનું વેચાણ 41.31 ટકા ગગડી 2,152 યુનિટ્સ પર જળવાયું હતું.

ટુ-વ્હીલર્સ સેગમેન્ટમાં વિશ્વની સૌથી મોટી બાઈક ઉત્પાદક હીરો મોટોકોર્પે વાર્ષિક ધોરણે 14 ટકા ઘટાડા સાથે 3,71,204 યુનિટ્સનું વેચાણ દર્શાવ્યું હતું. જ્યારે બજાજ ઓટોએ પણ 14 ટકા ઘટાડા સાથે 1,41,990 યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું હતું. બીજી બાજુ, ટીવીએસ મોટરનું વેચાણ 17 ટકા ઉછળી 2,35,230 યુનિટ્સ પર જોવા મળ્યું હતું. જ્યારે રોયલ એનફિલ્ડનું વેચાણ 32 ટકા ઉછળી 73,117 યુનિટ્સ પર અને સુઝુકી મોટરસાઈકલનું વેચાણ પણ 32 ટકા ઉછળી 80,309 યુનિટ્સ પર રહ્યું હતું.

કમર્સિયલ વેહીકલ્સની વાત કરીએ તો અશોક લેલેન્ડનું વેચાણ 12 ટકા વૃદ્ધિ સાથે 14,207 યુનિટ્સ પર જોવા મળ્યું હતું. જ્યારે વોલ્વોનું વેચાણ 1 ટકા અને તાતા મોટર્સનું વેચાણ પણ 1 ટકા ઘટાડો સૂચવતું હતું. મારુતિનું વેચાણ 9 ટકા જ્યારે મહિન્દ્રાનું વેચાણ 0.22 ટકાનો સાધારણ ઘટાડો સૂચવતું હતું. ટ્રેકટર્સ સેગમેન્ટમાં મહિન્દ્રાનું વેચાણ 11 ટકા વધી 24,168 યુનિટ્સ પર જ્યારે એસ્કોર્ટ્સ કુબોટાનું વેચાણ 9.7 ટકા વધી 5,161 યુનિટ્સ પર જોવા મળ્યું હતું.

  

અંબુજા સિમેન્ટ રૂ. 6 હજાર કરોડમાં સાંઘી સિમેન્ટને ખરીદશે

અદાણી જૂથ સાંઘી સિમેન્ટમાં પ્રમોટર્સનો હિસ્સો ખરીદવા રૂ. 4500 કરોડનું રોકાણ કરશે

અદાણી જૂથની સિમેન્ટ કંપની અંબુજા સિમેન્ટ સાંઘી સિમેન્ટની રૂ. 6000 કરોડની એન્ટરપ્રાઈઝ વેલ્યૂ પર ખરીદી કરશે. ડીલના ભાગરૂપે અદાણી જૂથ સાંઘી સિમેન્ટમાં પ્રમોટર્સનો હિસ્સો ખરીદવા માટે રૂ. 4500 કરોડનું રોકાણ કરશે. તેમજ કંપનીનું રૂ. 1500 કરોડનું ડેટ પણ ટેક ઓવર કરશે એમ બેંકિંગ વર્તુળોનું કહેવું છે. આ સંબંધી જાહેરાત કોઈપણ સમયે કરવામાં આવે તેવી શક્યતાં છે. સાંઘી સિમેન્ટ વાર્ષિક ધોરણે 61 લાખ ટન સિમન્ટ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. આ ખરીદી અદાણી જૂથની સિમેન્ટ કંપનીઓ અંબુજા સિમેન્ટ તથા એસીસીને 2030 સુધીમાં તેમની 14 લાખ ટન પ્રતિ વર્ષની લક્ષ્યિત ઉત્પાદન ક્ષમતાને વહેલી હાંસલ કરવામાં સહાયરૂપ બનશે. હાલમાં અદાણી જૂથની બંને સિમેન્ટ કંપનીઓ વાર્ષિક 7 કરોડ ટન સિમેન્ટ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે.

સાંઘી સિમેન્ટ છેલ્લાં કેટલાંક સમયથી લિક્લિડીટીની સમસ્યાનો સામનો કરી રહી છે. તેમજ તેની ઋણ ચૂકવણીમાં નરમ પડી રહી છે. 6 જુલાઈના રોજ ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચે સાંઘી ઈન્ડસ્ટ્રીઝના લોંગ-ટર્મ રેટિંગ્સને ‘IND BB’ પરથી ઘટાડી ડિફોલ્ટ કેટેગરી કર્યું હતું. સાથે આઉટલૂક પણ નેગેટિવ કર્યો હતો. રેટિંગ કંપનીના જણાવ્યા મુજબ ડાઉનગ્રેડ સાંઘી ઈન્ડસ્ટ્રીઝની લિક્વિડીટી સંબંધી સમસ્યાઓને લીધે રેટેડ એનસીડીની વ્યાજ જવાબદારીઓના રિશેડ્યૂલીંગનું પ્રતિબિંબ છે. ઉદ્યોગ વર્તુળોના મતે સિમેન્ટ સેક્ટર હાલમાં કોન્સોલિડેશનમાંથી પસાર થઈ રહ્યું છે. જેમાં ટોચની કંપનીઓ અલ્ટ્રા-ટેક, અંબુજા-એસીસી, દાલમિયા અને જેએસડબલ્યુ એક્વિઝીશન ટાર્ગેટ્સ માટે જોઈ રહ્યાં છે. દાલમિયા ભારતે જયપી સિમેન્ટની એસેટ્સ ખરીદવા માટે એગ્રીમેન્ટ કર્યો છે. ગયા વર્ષે જેએસડબલ્યુ, અદાણી અને અલ્ટ્રાટેકમાં હોલ્સિમ પાસેથી અંબુજા સિમેન્ટનો હિસ્સો ખરીદવા માટે સ્પર્ધા જોવા મળી હતી. જોકે, અદાણીએ 10.5 અબજ ડોલર ચૂકવીને મેદાન માર્યું હતું. સાંઘી સિમેન્યની ખરીદી અદાણી જૂથને ફરીથી મર્જર એન્ડ એક્વિઝીશન્સની સ્પર્ધામાં પાછી લાવી છે. અગાઉ જાન્યુઆરીમાં યુએસ શોર્ટ સેલર હિંડેનબર્ગના રિપોર્ટ પછી અદાણી જૂથના શેર્સમાં કડાકો બોલાઈ ગયો હતો અને કંપનીને લઈ રોકાણકારોમાં વિશ્વાસનો અભાવ સર્જાયો હતો.

કોર્પોરેટ રાઉન્ડ અપ

રિલાયન્સ રિટેલનું મૂલ્ય O2C બિઝનેસ કરતાં લગભગ બમણું

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની રિટેલ પાંખ રિલાયન્સ રિટેલનું વેલ્યૂએશન કંપનીના કેશ ચર્નિંગ બિઝનેસ ઓઈલ-ટુ-કેમિકલન સરખામણીમાં લગભગ બમણું હોવાનું બર્નસ્ટેઈનનો તાજો અહેવાલ જણાવે છે. કંપનીના ઓટુસી બિઝનેસનું મૂલ્ય 57 અબજ ડોલર આસપાસ છે ત્યારે રિટેલ બિઝનેસનું મૂલ્ય 112 અબજ ડોલર થવા જાય છે એમ રિપોર્ટ જણાવે છે. કંપનીના મતે જીઓમાર્ટ પ્લેટફોર્મ્સ બિઝનેસનું મૂલ્ય 77 અબજ ડોલર પર જોવા મળે છે. જ્યારે ન્યૂ એનર્જી બિઝનેસ જેવાકે રિન્યૂએબલ એનર્જી બિઝનેસનું મૂલ્ય 17 અબજ ડોલર જેટલું થવા જાય છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ રિટેલ બિઝનેસને લઈ જીઓમાર્ટ અને ન્યૂ કોમર્સ, કિરાણા પાર્ટનરશિપ્સ, માર્જિન એક્સપાન્શન અને રિલાયન્સ રિટેલના આઈપીઓની અપેક્ષા જેવી તકોનો સમાવેશ થાય છે.

વેદાંત પ્રમોટર 4.3 ટકા હિસ્સો વેચી 50 કરોડ ડોલર ઊભાં કરશે

વેદાંત જૂથની પ્રમોટર કંપની ટ્વિન સ્ટાર હોલ્ડિંગ ભારતીય શેરબજારમાં લિસ્ટેડ કંપનીમાં 4.3 ટકા હિસ્સાનું વેચાણ કરી 50 કરોડ ડોલર ઊભા કરશે. નાણાનો ઉપયોગ ડેટની પુનઃચૂકવણીમાં કરવામાં આવશે. શેર્સનું વેચાણ બુધવારે કંપનીના શેરના બંધ ભાવથી 5 ટકા ડિસ્કાઉન્ટ પર કરવામાં આવશે. બુધવારે વેદાંતનો શેર રૂ. 272ની સપાટી પર બંધ રહ્યો હતો. કંપનીમાં પ્રમોટર્સ 68.11 ટકા હિસ્સો ધરાવે છે. જેનું મુલ્ય રૂ. 1.01 લાખ કરોડ થવા જાય છે. છેલ્લાં કેટલાંક મહિનાઓમાં પ્રમોટર વેદાંત રિસોર્સિઝે બોન્ડ્સ પેટે પુનઃ ચૂકવણી માટે કેટલાંક ઉપાયો હાથ ધર્યાં હતાં. જૂથની પ્રમોટર કંપનીઓ ફંડ ઊભું કરવામાં પડી છે. તાજેતરમાં જ તેણે 1.3 અબજ ડોલર ઊભાં કર્યાં હતાં. જેમાં જેપી મોર્ગન પાસેથી 85 કરોડ ડોલર, ઓકટ્રી કેપિટલ પાસેતી 25 કરોડ ડોલર અને ગ્લેનકોર અને ટ્રાફિગુરા પાસેથી 20-20 કરોડ ડોલર ઊભાં કર્યાં હતાં. વીઆરએલ પાસે વિવિધ બેંકમાં ડિપોઝીટ્સ 1.7 અબજ ડોલરના ટૂંકાગાળાનું રોકાણ પણ પ્રાપ્ય છે. એનાલિસ્ટ્સના મતે જરૂર પડશે તો તેઓ આ ડિપોઝીટ્સને પણ લિક્વિડેટ કરી શકે છે. જૂથ પાસે હિંદુસ્તાન ઝીંકમાં પ્રમોટર્સના બાકીના હિસ્સાને પ્લેજ કરવાનો વિકલ્પ પણ છે. જે 19 કરોડ ડોલરનું ડેટ ઊભું કરવાની ક્ષમતા ધરાવે છે.

સ્પાઈસજેટમાં કાર્લાઈલ 5.91 ટકા હિસ્સો ખરીદશે

પ્રાઈવેટ ઈક્વિટી જાયન્ટ કાર્લાઈલ ગ્રૂપના એરક્રાફ્ટ ફાઈનાન્સિંગ યુનિટ કાર્લાઈલ એવિએશન પાર્ટનર્સે લો-કોસ્ટ એરલાઈન સ્પાઈસજેટમાં રૂ. 48 પ્રતિ શેરના ભાવે 5.91 ટકા હિસ્સો ખરીદવાનું નક્કી કર્યું છે. જે સ્પાઈસજેટના શેરના વર્તમાન બજારભાવ રૂ. 30ની સરખામણીમાં નોંધપાત્ર પ્રિમીયમ ધરાવે છે. એક મિડિયા અહેવાલ મુજબ લિઝીંગ કંપની અન્ય લિઝર્સની સરખામણીમાં સૌથી ઊંચું એક્સપોઝર ધરાવે છે અને તે તેના 2.8 કરોડ ડોલરથી વધુના ડ્યૂઝને ઈક્વિટીમાં રૂપાંતરિત કરશે. લિઝર્સે એરલાઈનના શેરનું રૂ. 48 પ્રતિ શેરના ભાવે વેલ્યૂએશન નિર્ધારિત કર્યું છે. ઉડ્ડયન કંપની પ્રમોટર અજય સિઁઘને તેમના તરફથી કંપનીમાં રૂ. 500 કરોડના ઈન્ફ્યૂઝન સામે રૂ. 10ના ભાવે 20 ટકા ઈક્વિટી શેર્સ ઈસ્યુ કરશે.પ્રમોટર તરફથી નવી મૂડી આવ્યાં પછી ઈમર્જન્સી ક્રેડિટ લાઈન ગેરંટી સ્કીમ તરફથી રૂ. 206 કરોડની અધિક ક્રેડિટ સુવિધા પ્રાપ્ય બનશે.

 

ડોલર સામે રૂપિયામાં 33 પૈસા સાથે બે મહિનાનો સૌથી મોટો ઘટાડો

મંગળવારના 82.25ના બંધ સામે બુધવારે 82.58નું બંધ દર્શાવ્યું

સાઉથ કોરિયાના ચલણ વોનમાં ડોલર સામે 1 ટકાનો ઘટાડો નોંધાયો

ભારતીય ચલણે યુએસ ડોલર સામે બુધવારે બે મહિનાનો સૌથી મોટો ઘટાડો નોંધાવ્યો હતો. યુએસ ડોલર સામે રૂપિયો લગભગ 33 પૈસા ગગડી 82.58ની સપાટીએ બંધ રહ્યો હતો. મંગળવારે તે 82.2550ની સપાટીએ બંધ રહ્યો હતો. આયાતકારો તરફથી ડોલરની ઊંચી માગ પાછળ રૂપિયો ગગડ્યો હોવાનું ફોરેક્સ ડિલર્સ જણાવતાં હતાં. વૈશ્વિક બજારમાં જોકે ડોલર ઈન્ડેક્સ ફ્લેટથી સાધારણ નરમ જોવા મળી રહ્યો હતો. ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકિય રોકાણકારો તરફથી છેલ્લાં કેટલાંક સત્રોમાં જોવા મળી રહેલા આઉટફ્લોને કારણે પણ રૂપિયા પર દબાણ જોવા મળ્યું હોવાનું માનવામાં આવતું હતું. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે રૂપિયાને 82.60નો મહત્વનો સપોર્ટ છે. જે તૂટશે તો રૂપિયો 83ના અગાઉના ટોચના લેવલ સુધી ગગડી શકે છે. ચાલુ કેલેન્ડરમાં અત્યાર સુધી રૂપિયો મહ્દઅઁશે સ્થિર જોવા મળ્યો છે અને તેણે નવું તળિયું બનાવવાથી દૂર રહ્યો છે. માર્કેટ વર્તુળો માને છે કે ડોલર સામે રૂપિયાને ઘટતો અટકાવવા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તરફથી દરમિયાનગીરીની ઓછી શક્યતાં છે. તે ડોલરના વેચાણ અગાઉ વૈશ્વિક પરિબળોનું મૂલ્યાંકન કરશે અને પછી જ કોઈ એક્શન લેશે. રૂપિયાની બ્રોડ રેંજ 82-83.50ની જળવાય રહેશે એમ પણ તેઓ માને છે.

યુએસ ખાતે સોવરિન રેટિંગમાં ઘટાડાને કારણે યુએસ ટ્રેઝરી પ્રોડક્ટ્સ પર કોઈ મોટી અસરની શક્યતાં એનાલિસ્ટ્સ નથી જોઈ રહ્યાં જે રૂપિ અને અન્ય એશિયન કરન્સિઝ માટે એક મોટી રાહત બની શકે છે. બુધવારે ભારત ઉપરાંત અન્ય એશિયાઈ ચલણોમાં પણ ડોલર સામે ઘટાડો જોવા મળ્યો હતો. કોરિયાનો વોન 1 ટકા જેટલો તૂટ્યો હતો. ડોલર રૂપી ફોરવર્ડ પ્રિમિયમ્સમાં ઘટાડો નોંધાયો હતો.

જુલાઈમા દેશમાં ખાદ્યતેલની 17.6 લાખ ટનની વિક્રમી આયાત

જૂનમા 13 લાખ ટનની આયાત સામે 4.6 લાખ ટનની વૃદ્ધિ નોંધાઈ

ભારતે જુલાઈમાં 17.6 લાખ ટનની વિક્રમી ખાદ્ય તેલ આયાત નોંધાવી હતી. જે જૂન મહિનામાં જોવા મળેલી 13 લાખ ટનની માસિક આયાતની સરખામણીમાં 4.6 લાખ ટન જેટલી ઊંચી હતી. વિશ્વમાં સૌથી મોટા ખાદ્ય તેલ આયાતકારની ખરીદીમાં વૃદ્ધિને કારણે ઈન્ડોનેશિયા અને મલેશિયા ખાતે બેન્ચમાર્ક ફ્યુચર્સને સપોર્ટ મળ્યો હતો. જેની પાછળ સોયા ઓઈલ ફ્યુચર્સને પણ મજબૂતી મળી હતી. તેમજ સનફ્લાવર તેલનું ઉત્પાદન કરતાં બ્લેક સી દેશોને ત્યાં ઈન્વેન્ટરી ઘટાડવામાં સહાયતા મળી હતી.

નાણા વર્ષ 2021-22ની વાત કરીએ તો ભારતની સરેરાશ માસિક ખાદ્ય તેલ આયાત 11.7 લાખ ટન પર જોવા મળી હતી એમ સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા જણાવે છે. જોકે જૂન અને જુલાઈમાં દેશમાં સરેરાશ કરતાં ઊંચી આયાત જોવા મળી હતી. જૂનમાં પામ તેલની આયાત 6,83,133 ટન પર રહી હતી. જે જુલાઈમાં તીવ્ર વૃદ્ધિ સે  10.9 લાખ ટન પર નોંધાઈ હતી. જે છેલ્લાં સાત મહિનાઓમાં ટોચ પર હતી. સોયા તેલ અને સનફ્લાવર તેલની સરખામણીમાં પામ તેલનું ડિસ્કાઉન્ટ વ્યાપક બનતાં રિફાઈનર્સે આગામી તહેવાર સિઝનને ધ્યાનમાં રાખી ખાદ્ય તેલોની ખરીદી કરી હતી એમ અગ્રણી રિફાઈનર્સ જણાવે છે. રશિયા-યૂક્રેન યુધ્ધને કારણે આયાતકારો તેમના રિઝર્વ્સને ઊંચી સપાટીએ જાળવી રહ્યાં છે. જેથી કરીને સંજોગવશાત તંગી ઊભી થાય તો તેની સામે કામ પાર પાડી શકાય એમ એક એડીબલ ઓઈલ ટ્રેડરનું કહેવું છે. જુલાઈમાં સનફ્લાવર તેલની આયાત પણ માસિક ધોરણે 73 ટકા ઉછળી 3.3 લાખ ટન પર રહી હતી. જે છ મહિનામાં ટોચ પર હતી. જ્યારે સોયા તેલની આયાત 22 ટકા ગગડી 3.4 લાખ ટન પર જોવા મળી હતી એમ ડિલર્સનો અંદાજ છે. જુલાઈમાં સોયા તેલની આયાત અપેક્ષા કરતાં નીચી જોવા મળી હતી. કંડલા પોર્ટ ખાતે બર્થીંગમાં વિલંબને કારણે આમ બન્યું હોવાનું વર્તુળોનું કહેવું છે. ભારતીય રિફાઈનર્સ પામ તેલની ખરીદી મુખ્યત્વે ઈન્ડોનેશિયા, મલેશિયા અને થાઈલેન્ડથી કરે છે. જ્યારે સોયા તેલની આયાત આર્જેન્ટીના અને બ્રાઝિલથી તથા સનફ્લાવર તેલની આયાત રશિયા અને યુક્રેનથી કરે છે.

 

 

AI રોલ્સમાં ભારતીય સ્નાતકોએ 48 ટકાની સૌથી ઊંચી રોજગાર યોગ્યતા દર્શાવી

ભિન્ન ટેક સ્કિલ્સમાં એપ્લાઈડ મેથેમેટીક્સ સ્કિલ્સ 72 ટકા સાથે એમ્પ્લોયેબિલિટી રેટમાં આગળ, ડેટા સાયન્સમાં 57 ટકા એમ્પ્લોયિબિલિટી રેટ

ભારતીય સ્નાતકોએ આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ રોલ્સમાં 48 ટકા રોજગાર યોગ્યતા(એમ્પ્લોયેબિલિટી) દર્શાવી છે. જે કટિંગ-એજ ટેક્નોલોજી ક્ષેત્રે વધતી માગને પહોંચી વળવા માટે નોંધપાત્ર ટેલેન્ટ પુલનો સંકેત આપે છે એમ એક અભ્યાસનું કહેવું છે. મર્સરે પ્રગટ કરેલા ‘ઈન્ડિયા ગ્રેજ્યૂએટ સ્કિલ ઈન્ડેક્સ 2023’ મુજબ ભારતમાં 45 ટકા સ્નાતકો(ગ્રેજ્યૂએટ્સ) ઉદ્યોગની હંમેશા બદલાતી રહેતી માગને પૂરી કરવા તૈયારી દર્શાવી છે.

અભ્યાસમાં 2800થી વધુ ચોક્કસ સ્કિલ્સ અને સબ-સ્કિલ્સનો ઊંડાણમાં મૂલ્યાંકન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારપછી ઉમેદવારોના પર્ફોર્મન્સને સ્કીલ બેન્ચમાર્ક્સની સાથે સરખાવવામાં આવ્યો હતો. જેને ‘સ્કિલ એમ્પ્લોયેબિલિટી ટકા’માં રજૂ કરવામાં આવ્યો હતો. જે દરેક ઉમેદવારના ચોક્કસ સ્કીલની એમ્પ્લોયેબિલિટી લેવલથી ઉપરના સ્કોરને ટકાવારીમાં સૂચવે છે. ટેક સ્કિલ્સમાં એપ્લાઈડ મેથેમેટિક્સ સ્કિલ્સમાં 72 ટકાનો પ્રભાવી એમ્પ્લોયિબિલિટી રેટ જોવા મળ્યો હતો. ઊંચી એમ્પ્લોયિબિલિટી દર્શાવનાર અન્ય સ્કિલ્સમાં ડેટા સાઈન્સ(57 ટકા), માઈએસક્યૂએલ(57 ટકા) અને ઓરેકલ એસક્યૂએલ(54 ટકા)નો સમાવેશ થાય છે. ઊંચી માગ ધરાવતાં રોલ્સમાં ભારતીય ગ્રેજ્યૂએટ્સે AI/ML રોલ્સમાં 48 ટકાની સૌથી ઊંચી એમ્પ્લોયેબિવિટી દર્શાવી હતી. બેકેન્ડ ડેવલપમેન્ટ, ડેટા સાયન્સ, ડેટા એનાલિસિસ અને ક્યૂએ ઓટોમેશન રોલ્સમાં પણ સમાન 39 ટકાનો એમ્પ્લોયેબિલિટી રેટ જોવા મળતો હતો. નોન-ટેક રોલ્સની વાત કરીએ તો ફાઈનાન્સિયલ એનાલિસ્ટના રોલમાં 45 ટકાનો જ્યારે હ્યુમન રિસોર્સિઝ એસોસિએટમાં 44 ટકાનો એમ્પ્લોયેબિલિટી સ્કોર જોવા મળતો હતો એમ અભ્યાસ સૂચવે છે. બીજી બાજુ, સેલ્સ અને બિઝનેસ ડેવલપમેન્ટ રોલ્સમાં 37 ટકાનો સૌથી નીચો એમ્પ્લોયેબિલિટી રેટ જોવા મળતો હતો.

 

 

કોર્પોરેટ હેડલાઈન્સ

રેડિંગ્ટનઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 248.8 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 21.2 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીએ ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 315.8 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો હતો. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 16803.1 કરોડની સામે ચાલુ વર્ષે સમાનગાળામાં 26.1 ટકા વધી રૂ. 21187.2 કરોડ પર રહી હતી.

થર્મેક્સઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 58.9 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે સ્થિર જોવા મળ્યો હતો. કંપનીએ ગયા વર્ષે સમાનગાળામાં પણ આટલો નેટ પ્રોફિટ નોંધાવ્યો હતો. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 1654 કરોડની સામે ચાલુ વર્ષે સમાનગાળામાં 18 ટકા વધી રૂ. 1933 કરોડ પર રહી હતી.

ત્રિવેણી ટર્બાઈનઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 60.8 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 58.7 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીએ ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 38.3 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો હતો. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 259 કરોડની સામે ચાલુ વર્ષે 50 ટકા વધી રૂ. 376.4 કરોડ પર રહી હતી.

ગોદરેજ એગ્રોવેટઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 105 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 25 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીએ ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 82.7 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો હતો. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 2509 કરોડની સામે ચાલુ વર્ષે સમાનગાળામાં સ્થિર રહેવા સાથે રૂ. 2510 કરોડ પર રહી હતી.

સુમીટોમો કેમિકલઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 62 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 14.6 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીએ ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 72 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો હતો. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 652 કરોડ સામે ચાલુ વર્ષે 11 ટકા વધી રૂ. 724 કરોડ પર રહી હતી.

અનંતરાજઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 51 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 100 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીએ ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 25 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો હતો. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 159 કરોડની સામે ચાલુ વર્ષે સમાનગાળામાં 98 ટકા વધી રૂ. 316 કરોડ પર રહી હતી.

આશાહી ઈન્ડિયાઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 103.8 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 3 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીએ ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 106.9 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો હતો.

 

 

 

dhairya@socialcoffee.in

Share
Published by
dhairya@socialcoffee.in
Tags: Market Tips

Recent Posts

TGIF Agribusiness Limited IPO : Important Dates

TGIF Agribusiness Limited IPO is set to launch on 8 May, 2024. The company was…

3 hours ago

Aadhar Housing Finance Limited IPO : Important Dates

Aadhar Housing Finance Limited IPO is set to launch on 8 May, 2024. The company…

3 hours ago

Silkflex Polymers (India) Limited IPO : Key Updates

Silkflex Polymers (India) Limited IPO is set to launch on 7 May, 2024. The company…

3 hours ago

TBO Tek Limited IPO : All You Need to Know

TBO Tek Limited IPO is set to launch on 8 May, 2024. The company initiated…

3 hours ago

Slone Infosystems Limited IPO : Important Information

Slone Infosystems Limited IPO is set to launch on 3 May, 2024. The company initiated…

3 days ago

Sai Swami Metals & Alloys Limited IPO : Key Dates

Sai Swami Metals & Alloys Limited IPO is set to launch on 30 April, 2024.…

1 week ago

This website uses cookies.