બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
માર્કેટમાં પ્રોફિટ બુકિંગના સંકેતોઃ નિફ્ટી 22700 પર જઈ પરત ફર્યો
ટૂંકાગાળામાં માર્કેટમાં કોન્સોલિડેશનની શક્યતાં
વોલેટિલિટી ઈન્ડેક્સ 2.2 ટકા ઘટાડે 11.35ના સ્તરે બંધ
બ્રોડ માર્કેટમાં બીજા દિવસે બ્રેડ્થ નરમ
મેટલ, રિઅલ્ટી, આઈટીમાં મજબૂતી
એફએમસીજી, પીએસયૂ બેંક, ઓટોમાં નરમાઈ
હિંદુસ્તાન ઝીંક, હિંદ કોપર, કેસ્ટ્રોલ, સેન્ચૂરી નવી ટોચે
ભારતીય શેરબજારમાં છેલ્લાં કેટલાંક સત્રોથી જોવા મળી રહેલી તેજી પર મંગળવારે વિરામ જોવા મળ્યો હતો. બેન્ચમાર્ક્સ ઈન્ટ્રા-ડે ધોરણે તેમની સર્વોચ્ચ ટોચ દર્શાવી પરત ફર્યાં હતાં અને નેગેટિવ બંધ જોવા મળ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 59 પોઈન્ટ્સ ગગડી 74684ની સપાટીએ જ્યારે નિફ્ટી 24 પોઈન્ટ્સ ઘટાડે 22643ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં સતત બીજા દિવસે નરમાઈ પાછળ બ્રેડ્થ નેગેટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3951 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2229 કાઉન્ટર્સ નેગેટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1612 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળ્યાં હતાં. 239 કાઉન્ટર્સ તેમની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યાં હતાં જ્યારે 10 કાઉન્ટર્સે તેમનું 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2.2 ટકા ઘટી 11.35ના સ્તરે બંધ રહ્યો હતો.
મંગળવારે એશિયન બજારોમાં મહ્દઅઁશે પોઝીટીવ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. જેની પાછળ ભારતીય બજાર પણ ગેપ-અપ ઓપનીંગ દર્શાવી નવી ટોચ પર ટ્રેડ થયું હતું. જોકે, બપોર પછી તે રેડ ઝોનમાં સરી પડ્યું હતું અને બંધ પણ નેગેટિવ રહ્યું હતું. નિફ્ટી સ્પોટ સામે નિફ્ટી ફ્યુચર 92 પોઈન્ટ્સના પ્રિમીયમે 22735ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં 86 પોઈન્ટ્સના પ્રિમીયમ સામે સાધારણ વૃદ્ધિ સૂચવે છે. આમ, માર્કેટમાં લોંગ પોઝીશનમાં ઘટાડાના સંકેત નથી. લોંગ ટ્રેડર્સ 22200ના સ્ટોપલોસ સાથે તેમની પોઝીશન જાળવી શકે છે. 22200નું લેવલ તૂટતાં નિફ્ટી 218000 અને 21500 સુધી ગબડી શકે છે.
મંગળવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા ઘટકોમાં એપોલો હોસ્પિટલ, હિંદાલ્કો, આઈસીઆઈસીઆઈ બેંક, બજાજ ફિનસર્વ, ઈન્ફોસિસ, આઈશર મોટર્સ, ગ્રાસિમ, એમએન્ડએમ, અદાણી પોર્ટ્સ, તાતા સ્ટીલ, એક્સિસ બેંક, ડિવિઝ લેબ્સ, બજાજ ફાઈનાન્સ અને નેસ્લેનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, ટાઈટન કંપની, કોલ ઈન્ડિયા, હીરો મોટોકોર્પ, રિલાયન્સ ઈન્ડ., એશિયન પેઈન્ટ્સ, ટેક મહિન્દ્રા, બીપીસીએલ, તાતા કન્ઝ્યૂ. અલ્ટ્રાટેક સિમેન્ટ, વિપ્રો અને ઈન્ડસઈન્ડ બેંકમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો મેટલ, રિઅલ્ટી, આઈટીમાં મજબૂતી જળવાય હતી. જ્યારે એફએમસીજી, પીએસયૂ બેંક, ઓટોમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 1.1 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં હિંદુસ્તાન ઝીંક 16 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત, મોઈલ, વેદાંતા, સેઈલ, નાલ્કો, હિંદાલ્કો, એનએમડીસી, તાતા સ્ટીલમાં પણ ખરીદી જોવા મળી હતી. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ 0.5 ટકા વૃદ્ધિ સાથે નવી ટોચે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં ગોદરેજ પ્રોપર્ટીઝ, સોભા, ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી, હેમિસ્ફીઅર, બ્રિગેડ એન્ટર., સનટેક રિઅલ્ટી, ફિનિક્સ મિલ્સમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી એફએમસીજી 0.6 ટકા ઘટાડો સૂચવતો હતો. જેના ઘટકોમાં કોલગેટ 2.8 ટકા તૂટ્યો હતો. આ ઉપરાંત, મેરિકો, યુનાઈટેડ સ્પિરિટ્સ્, વરુણ બેવરેજીસ, જ્યુબિલિઅન્ટ ફૂડ સહિતના કાઉન્ટર્સ ઘટાડો દર્શાવતાં હતાં. નિફ્ટી પીએસયૂ બેંક પણ 0.8 ટકા નરમાઈ સૂચવતો હતો. જેના ઘટકોમાં પંજાબ એન્ડ સિંધ બેંક, યુનિયન બેંક, ઈન્ડિયન બેંક, બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા, કેનેરા બેંક, એસબીઆઈમાં નરમાઈ જોવા મળી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો હિંદ કોપર 8 ટકા સાથે સૌથી વધુ ઉછળ્યો હતો. આ ઉપરાંત, વેદાંત, ગોદરેજ પ્રોપર્ટીઝ, એસબીઆઈ કાર્ડ, એમસીએક્સ ઈન્ડિયા, પેજ ઈન્ડસ્ટ્રીઝ, સેઈલ, તાતા પાવર, એપોલો હોસ્પિટલ, નાલ્કો, પેટ્રોનેટ એલએનજી, ઈપ્કા લેબ્સ, ભારત ઈલે., હિંદાલ્કો, એક્સાઈડ ઈન્ડ., આઈસીઆઈસીઆઈ બેંક, એનએમડીસી, બલરામપુર ચીની, આઈઈએક્સમાં મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, બોશ, ગ્રેન્યૂલ્સ ઈન્ડિયા, આરઈસી, કોલગેટ, એબીબી ઈન્ડિયા, મધરસન, એસીસી, સન ટીવી નેટવર્ક, ભારત ફોર્જ, ઝી એન્ટર., ઈન્ડિયા સિમેન્ટ્સ, ઓરેકલ ફાઈ.માં નરમાઈ જોવા મળી હતી.
કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં હિંદુસ્તાન ઝીંક, હિંદ કોપર, કેસ્ટ્રોલ, સેન્ચૂરી, વેદાંત, ગોદરેજ પ્રોપર્ટીઝ, સોભા, સેઈલ, ડોમ્સ ઈન્ડ., અમરા રાજા, તાતા પાવર, નાલ્કો, હિટાચી એનર્જી અને હેગનો સમાવેશ થતો હતો.
મારુતિ સુઝુકીએ માનેસર પ્લાન્ટની ક્ષમતામાં વાર્ષિક એક લાખ યુનિટ્સની વૃદ્ધિ કરી
નવા ક્ષમતા ઉમેરા પછી કંપની વાર્ષિક 23.5 લાખ યુનિટ્સ સુધી વાહનો ઉત્પાદન કરી શકશે
દેશમાં સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકીએ મંગળવારે જણાવ્યું હતું કે તેણે માનેસર પ્લાન્ટ ખાતેની ક્ષમતામાં વાર્ષિક એક લાખ યુનિટ્સની વૃદ્ધિ કરી છે. કંપનીએ માનેસર ખાતે કાર્યરત ત્રણ મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ્સના વર્તમાન પ્લાન્ટ-એમાં વેહીકલ એસેમ્બલી લાઈનનો ઉમેરો કર્યો છે. નવી વેહીકલ એસેમ્બલી લાઈન વાર્ષિક એક લાખ યુનિટ્સની ક્ષમતા ધરાવે છે એમ કંપનીએ જણાવ્યું હતું. આ નવી ક્ષમતા સાથે માનેસર ખાતે કંપનીની કુલ ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 9 લાખ વેહીકલ્સ પર પહોંચી છે.
કંપની આગામી 7-8 વર્ષોમાં તેની ઉત્પાદન ક્ષમતાને બમણી બનાવી 40 લાખ યુનિટ્સ પ્રતિ વર્ષ કરવા ધારે છે એમ કંપનીના એમડી અને સીઈઓ હિસાશી ટાકેઉચીએ જણાવ્યું હતું. નવી ક્ષમતા પછી કંપની વર્ષે 23.5 લાખ યુનિટ્સ વાહનોનું ઉત્પાદન કરી શકશે એમ તેમણે ઉમેર્યું હતું. કંપનીએ ફેબ્રુઆરી 2007માં માનેસર પ્લાન્ટનું ઉદઘાટન કર્યું હતું. શરૂઆતમાં ત્યાં પ્લાન્ટ એ કાર્યરત થયો હતો. જ્યારે 2011માં પ્લાન્ટ બી અને 2013માં પ્લાન્ટ સી કાર્યરત થયાં હતાં.
ભારતમાં ચાલુ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની શક્યતાઃ સ્કાયમેટ
ખાનગી હવામાન એજન્સીના મતે ચોમાસાના ચાર મહિના દરમિયાન દેશમાં સરેરાશ 868.6 મિલીમીટરના 102 ટકા વરસાદ જોવા મળે તેવી અપેક્ષા
દેશમાં 2024 ચોમાસુ સામાન્ય જોવા મળે તેવી આગાહી ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટે કરી છે. તેના મતે આગામી ચોમાસા દરમિયાન દેશમાં સરેરાશ વરસાદના 102 ટકા વરસાદ થશે. દેશમાં છેલ્લાં 30-વર્ષોની એવરેજ મુજબ 868.6 મીમી વરસાદ જોવા મળે છે. ચોમાસાના ચાર મહિના દરમિયાન સરેરાશના 96-104 ટકા વરસાદને ‘નોર્મલ’ વરસાદ ગણવામાં આવે છે. સરકારી હવામાન વિભાગ આગામી સપ્તાહોમાં આગામી ચોમાસાને લઈ તેની પ્રથમ આગાહી રજૂ કરશે.
સ્કાયમેટના જણાવ્યા મુજબ તે દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તરપશ્ચિમ ભારતમાં પુરતા વરસાદની અપેક્ષા રાખે છે. જ્યારે મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના ચોમાસા મારફતે પાણી મેળવતાં વિસ્તારોમાં પણ પૂરતાં વરસાદની શક્યતાં છે. પૂર્વીય રાજ્યો જેવાકે બિહાર, ઝારખંડ, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં જુલાઈ-ઓગસ્ટમાં વરસાદી ખાધની શક્યતાં છે. જ્યારે ઉત્તરપૂર્વીય ભારતમાં સિઝનના શરૂઆતી ભાગમાં સામાન્યથી નીચા વરસાદની શક્યતાં છે.
સરકાર ઈથેનોલ માટે વધુ સુગર ફાળવે તેવી શક્યતાં
સુગર ફેક્ટરીઓને બાયોફ્યુઅલ માટે વધુ 8 લાખ ટન સુગરની મંજૂરીના પ્રસ્તાવ પર સરકારની વિચારણા
શેરડીનો પાક અગાઉના અંદાજ કરતાં ઊંચો રહેવાની ધારણા પાછળ ચાલી રહેલી વિચારણા
ભારત સરકાર સુગર મિલ્સને ઈથેનોલ બનાવવા માટે શેરડીનો વધુ જથ્થો ફાળવે તેવી શક્યતાં છે. આ પગલાને કારણે દેશમાંથી ખાંડની નિકાસ પરનો પ્રતિબંધ ટૂંકમાં ઉઠાવવામાં આવે તેવી શક્યતાં ઘટી છે એમ જાણકાર વર્તુળોનું કહેવું છે.
હાલમાં સરકાર સુગર કારખાનાઓને બાયોફ્યુઅલના ઉત્પાદન માટે વધુ 8 લાખ ટન શેરડીની મંજૂરી આપવાના પ્રસ્તાવ પર વિચારી રહી છે. કેમકે પાક અગાઉના અંદાજ કરતાં ઊંચો જોવા મળે તેવી અપેક્ષા છે એમ જાણકારોનું કહેવું છે. આમ, અગાઉ ઈથેનોલ માટે ફાળવવામાં આવેલી 17 લાખ ટન ઉપરાંત નવો જથ્થો છૂટો થઈ શકે છે. જોકે, સરકારી પ્રવક્તા તરફથી આ અંગે કોઈ ટિપ્પણી કરવામાં આવી નહોતી.
વિશ્વમાં બીજા ક્રમે ખાંડ ઉત્પાદક ભારત નજીકના સમયમાં નિકાસ ક્વોટા પરનો પ્રતિબંધ ઉઠાવે તેવી શક્યતાં આના કારણે ઘટી છે. જે ઉદ્યોગની ચાલુ સિઝનમાં 10 લાખ ટન ખાંડ નિકાસની અપેક્ષાને પૂરી થવામાં અવરોધ બની રહેશે. સુગર વર્ષ ઓક્ટોબરથી સપ્ટેમ્બર ગણવામાં આવે છે. ભારત સરકારના પગલાની અસરે વૈશ્વિક બજારમાં ખાંડના ભાવમાં મજબૂતી જોવા મળી શકે છે. ચાલુ મહિને વૈશ્વિક ખાંડમાં ઘટાડો નોંધાયો હતો. સરકારે ગયા ઓક્ટોબરમાં સિઝનની શરૂઆતમાં જ દેશમાંથી ખાંડ નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. ચાલુ વર્ષે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી આમ કરવામાં આવ્યું હતું.
સરકારના પગલાને કારણે છેલ્લાં ત્રણ વર્ષોમાં ઈથેનોલ ઉત્પાદન માટે રોકાણ કરનારી ડિસ્ટીલરીઝને લાભ થશે. ઉપરાંત, આના કારણે ફેકટરીઝને ખેડૂતોને સમયસર નાણા ચૂકવવામાં પણ સહાયતા મળી રહેશે.
Unlocking an Upcoming Investment Opportunity: Rubicon Research IPO Rubicon Research is making headlines with its…
Unlocking the Canara Robeco Asset Management Company IPO: A Guide for Every Investor Did you…
Imagine you’re at a big family gathering and suddenly, your relatives start arguing about who…
Shlokka Dyes IPO: Is It Worth Your Investment? Did you know that Shlokka Dyes is…
LG India IPO: Should You Buy a Piece of Your TV and Fridge Company? Introduction…
Did you know that starting your retirement planning in India before your 40s can make…
This website uses cookies.