Categories: Market TipsNEWS

Market Summary 10 October 2022

બ્લોગ કન્ટેન્ટ


વૈશ્વિક હરિફોની સરખામણીમાં ભારતીય બજારનું આઉટપર્ફોર્મન્સ
હોંગ કોંગ માર્કેટમા 3 ટકા, ચીનમાં 2 ટકાનો ઘટાડો
યુરોપ બજારોમાં ફ્લેટ ટ્રેડ
વોલેટિલિટી ઈન્ડેક્સ 4.3 ટકા ઉછળી 19.62ની સપાટીએ
ITને બાદ કરતાં તમામ સેક્ટર્સમાં નરમાઈ
TCSમાં પરિણામ પૂર્વે પોણા બે ટકા મજબૂતી જોવાઈ
બેંક નિફ્ટી ઈન્ટ્રા-ડે પોઝીટીવ બન્યાં બાદ ગગડ્યો
ટાટા કેમિકલ્સ, જેબી કેમિકલ્સે સર્વોચ્ચ સપાટી દર્શાવી
મોતીલાલ ઓસ્વાલ, ગ્લેન્ડ ફાર્મા વાર્ષિક તળિયે

વૈશ્વિક બજારોમાં નોંધપાત્ર વેચવાલી વચ્ચે ભારતીય બજાર માટે સપ્તાહની શરૂઆત પ્રમાણમાં સારી રહી હતી. બેન્ચમાર્ક સૂચકાંકો કામકાજની શરૂઆતમાં જોવા મળતાં તળિયાની સરખામણીમાં નોંધપાત્ર સુધારા સાથે બંધ રહ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 200 પોઈન્ટ્સ ઘટાડે 57991ની સપાટીએ જ્યારે નિફ્ટી 74 પોઈન્ટ્સ ઘટી 17241ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં વેચવાલીનું દબાણ જળવાતાં નિફ્ટી કાઉન્ટર્સ નેગેટિવ માર્કેટ બ્રેડ્થ દર્શાવતાં હતાં. બેન્ચમાર્કમાં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 34 નેગેટિવ બંધ જોવા મળ્યાં હતાં. જ્યારે 16 કાઉન્ટર્સે સુધારો દર્શાવ્યો હતો. બ્રોડ માર્કેટમાં પણ સ્થિતિ સમાન હતી અને સુધારો દર્શાવનાર કાઉન્ટર્સની સરખામણીમાં ઘટાડો દર્શાવનાર કાઉન્ટર્સની સંખ્યા નોંધપાત્ર ઊંચી જોવા મળતી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 4.3 ટકા ઉછળી 19.62ની સપાટીએ બંધ રહ્યો હતો.
ગયા શુક્રવારે ભારતીય બજારે ફ્લેટ નોટ સાથે કામકાજ બંધ કર્યાં બાદ રાતે યુએસ બજારમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 2 ટકાથી વધુ જ્યારે નાસ્ડેક 4 ટકાથી વધુ ગગડી બંધ રહ્યાં હતાં. યુએસ ખાતે સપ્ટેમ્બર માટેનો જોબ ડેટા મજબુત આવવાને કારણે ફેડ નવેમ્બરમાં સતત ચોથીવાર 75 બેસીસ પોઈન્ટ્સ રેટ વૃદ્ધિ કરશે તેવી શક્યતાં પ્રબળ બનતાં બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો. જેની પાછળ સોમવારે એશિયાઈ બજારોમાં પણ ભારે વેચવાલી જોવા મળી હતી. જેમાં હોંગ કોંગ માર્કેટ 2.95 ટકા જ્યારે ચીન 1.7 ટકા ઘટાડા સાથે લગભગ વર્ષના તળિયા નજીક જ ટ્રેડ થયાં હતાં. જેની પાછળ ભારતીય બજારે નોંધપાત્ર ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવ્યું હતું. જોકે નીચા સ્તરે લેવાલી પાછળ મધ્યાહન સુધીમાં માર્કેટ લગભગ ફ્લેટ બન્યું હતું. જ્યાં ફરી વેચવાલીનો દોર જોવા મળતાં તે અડધા ટકા ઘટાડે બંધ રહ્યું હતું. જોકે નિફ્ટીએ 17200ની સપાટી જાળવી રાખી હતી. જેને ટેકનિકલ એનાલિસ્ટ્સ એક મજબૂત સાઈન તરીકે જોઈ રહ્યાં છે. વૈશ્વિક બજારો ઓવરસોલ્ડ હોવાના કારણે તેઓ બાઉન્સ દર્શાવે તેવી શક્યતાં પૂરી છે. જેની પાછળ ભારતીય બજાર પણ આગામી સત્રોમાં સુધારાતરફી બની શકે છે. ટેકનિકલ એનાલિસ્ટ્સ નિફ્ટીમાં 17500-17600 સુધીનો સુધારો જોઈ રહ્યાં છે. તેમના મતે 17 હજારના સ્ટોપલોસને જાળવી લોંગ પોઝીશન ઊભી રાખવી જોઈએ. માર્કેટ ઘણી ખરા નેગેટિવ કારણોને હાલ પૂરતું ડિસ્કાઉન્ટ કરી ચૂક્યું છે. જેને જોતાં બજાર મજબૂતી દર્શાવી શકે છે. જોકે ફંડામેન્ટલ એનાલિસ્ટ્સ મેક્રો પરિબળોને ધ્યાનમાં રાખી નિફ્ટી 16000 સુધી ગગડી શકે છે તેવી શક્યતાં દર્શાવી રહ્યાં છે. તેમના મતે બજારમાં વેલ્યૂએશન્સ જસ્ટીફાઈ નથી થઈ રહ્યાં અને તેથી વિદેશી સંસ્થાકિય રોકાણકારોની વેચવાલી વચ્ચે માર્કેટમાં મંદી આગળ વધતી જોવા મળી શકે છે.
સોમવારે માર્કેટને એકમાત્ર આઈટી સેક્ટર તરફથી સપોર્ટ સાંપડ્યો હતો. સોમવારે બજાર બંધ થયા બાદ આઈટી અગ્રણી ટીસીએસ તેના પરિણામ રજૂ કરનાર છે. જેમાં નેગેટિવિટી ડિસ્કાઉન્ટ થઈ ચૂકી છે અને તેથી શોર્ટ કવરિંગ પાછળ મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ એક ટકાથી વધુ સુધારા સાથે બંધ રહ્યો હતો. જેમાં માઈન્ડટ્રી 2.2 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવતો હતો. આ ઉપરાંત ટીસીએસ, એલએન્ડટી ઈન્ફોટેક, કોફોર્જ લિમિટેડ, ઈન્ફોસિસ, વિપ્રો, એચસીએલ ટેકનોલોજીમાં પણ પોઝીટીવ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. એફએમસીજી સેક્ટરમાં વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી એફએમસીજી એક ટકાથી વધુ ઘટાડે બંધ જળવાયો હતો. જેમાં વરુણ બેવરેજીસ 4 ટકા, ટાટા કન્ઝ્યૂમર 3 ટકા, ઈમામી 2.5 ટકા, ડાબર ઈન્ડિયા 2 ટકા, આઈટીસી 2 ટકા ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. બીજી બાજુ એચયૂએલ તેના ઈન્ટ્રા-ડે તળિયાથી બાઉન્સ થયો હતો અને પોઝીટીવ બંધ દર્શાવતો હતો. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ પણ લગભગ એક ટકા નરમાઈ સાથે બંધ જોવા મળ્યો હતો. જેમાં લ્યુપિન, બાયોકોન, ડિવિઝ લેબ્સ, સિપ્લા, સન ફાર્મા અને ઓરોબિંદો ફાર્મા સહિતના કાઉન્ટર્સ એક ટકાથી વધુ ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ એક ટકાથી વધુ ગગડ્યો હતો. જેમાં અદાણી ગ્રીન એનર્જી, એચપીસીએલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટાટા પાવર, બીપીસીએલ અને ઓએનજીસી જેવા કાઉન્ટર્સમાં નરમાઈ જોવા મળતી હતી. એકમાત્ર ગેઈલ 3 ટકા મજબૂતી દર્શાવતો હતો. નિફ્ટી ઓટો અડધો ટકા ગગડ્યો હતો. જેમાં ટાટા મોટર્સ, અશોક લેલેન્ડ, હીરો મોટોકોર્પ, ટીવીએસ મોટર, અમર રાજા બેટરીઝ જેવા કાઉન્ટર એક ટકાથી લઈ 4 ટકા સુધી ધોવાણ દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી બેંક બે બાજુની વધ-ઘટ બાદ આખરે 0.22 ટકા નેગેટિવ બંધ જોવા મળ્યો હતો. જેમાં બંધન બેંક 2.7 ટકા સાથે સૌથી ખરાબ દેખાવ દર્શાવતો હતો. ત્યારબાદના ક્રમે બેંક ઓફ બરોડા 2.3 ટકા ડાઉન જોવા મળતો હતો. ઉપરાંત ફેડરલ બેંક, એચડીએફસી બેંક, કોટક મહિન્દ્રા, એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક પણ નરમાઈ દર્શાવતાં હતાં. જ્યારે એક્સિસ બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંક અને એસબીઆઈ ગ્રીન ઝોનમાં જોવા મળતાં હતાં.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં કેટલાંક કાઉન્ટર્સ સારો દેખાવ દર્શાવી રહ્યાં હતાં. જેમાં પર્સિસ્ટન્ટ સિસ્ટમ, એમએન્ડએમ ફાઈનાન્સિયલ, ટાટા કેમિકલ્સ, એચડીએફસી લાઈફ, મેટ્રોપોલીસ, સેઈલ અને એનએમડીસીનો સમાવેશ થાય છે. ટાટા કેમિકલ્સે 2 ટકા સુધારા સાથે રૂ. 1200ની સપાટી પાર કરી હતી. બીજી બાજુ ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, એસ્ટ્રાલ લિ., ડો. લાલ પેથલેબ્સ, વોડાફોન આઈડિયા, ઈન્ફો એજ, પિરામલ એન્ટરપ્રાઈઝિસમાં નરમાઈ જોવા મળી હતી. પિરામલ એન્ટરપ્રાઈઝિસે તેનું વાર્ષિક તળિયું દર્શાવ્યું હતું. કેટલાંક ઓલ-ટાઈમ અથવા 52-સપ્તાહની ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં શ્રી રેણુકા, રાઈટ્સ, આઈડીએફસી, જ્યોતિ લેબ્સ, પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ અને મહિન્દ્રા સીઆઈઈનો સમાવેશ થતો હતો. બીજી બાજુ મોતીલાલ ઓસ્વાલ અને ગ્લેન્ડ ફાર્માએ તેમનું વાર્ષિક તળિયું દર્શાવ્યું હતું. બ્રોડ માર્કેટની વાત કરીએ તો બીએસઈ ખાતે કુલ 3729 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1437 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળ્યાં હતાં. જ્યારે 2128 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળી રહ્યાં હતાં. 165 કાઉન્ટર્સ તેમની વાર્ષિક ટોચ દર્શાવતાં હતાં. જ્યારે 76 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું બનાવ્યું હતું. 10 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 3 કાઉન્ટર્સ લોઅર સર્કિટમાં બંધ રહ્યાં હતાં.




TCSએ બીજા ક્વાર્ટરમાં રૂ. 10431 કરોડનો નફો નોંધાવ્યો
કંપનીની આવક 18 ટકા ઉછળી રૂ. 55309 કરોડ રહી
આઈટી કંપનીએ શેર દીઠ રૂ. 8નું ડિવિડન્ડ જાહેર કર્યું

ટોચની આઈટી સર્વિસિસ કંપની ટીસીએસે સપ્ટેમ્બર ક્વાર્ટર માટે રૂ. 10431 કરોડનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 8 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીએ એક વર્ષ અગાઉ સમાનગાળામાં રૂ. 9624 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. કંપનીની આવક વાર્ષિક ધોરણે ગયા વર્ષે રૂ. 46867 કરોડની સરખામણીમાં 18 ટકા ઉછળી રૂ. 55309 કરોડ પર રહી હતી. સોમવારે ટીસીએસનો શેર પોણા બે ટકા સુધારા સાથે રૂ. 3124 કરોડ પર જોવા મળ્યો હતો. બીજા ક્વાર્ટરના પરિણામોની જાહેરાત સાથે કંપનીના મેનેજમેન્ટે શેર દીઠ રૂ. 8નું ડિવિડન્ડ પણ જાહેર કર્યું હતું.
ટીસીએસના સીઈઓ અને એમડી રાજેશ ગોપીનાથને જણાવ્યું હતું કે અમારી સર્વિસિઝ માટેની માગ મજબૂત જળવાય હતી. અમે તમામ અગ્રણી માર્કેટ્સમાં તમામ ઈન્ડસ્ટ્રી વર્ટિકલ્સમાં મજબૂત, નફાકારક વૃદ્ધિ નોંધાવી છે. અમારી ઓર્ડર બુક પણ ઘણી સારી છે. જે વિવિધ સેગમેન્ટ્સ જેવાકે ક્લાઉડ ઈમિગ્રેશન અને આઉટસોર્સિંગ એન્ગેજમેન્ટ્સનું સંતુલન ધરાવે છે. ગ્રાહકો વધુ પડકારદાયી સમયગાળા માટે તૈયાર બન્યાં હોવાથી ક્લાઉડ જેવી ટેક્નોલોજિસનો ઉપયોગ વધી રહ્યો છે. 30 સપ્ટેમ્બર 2022ની આખરમાં કંપની 6,16,171 કર્મચારીઓ ધરાવતી હતી. ક્વાર્ટર દરમિયાન નવા 9840 કર્મચારીઓનો ઉમેરો થયો હતો. કંપનીના કુલ કર્મચારીઓમાં 35.7 ટકા હિસ્સો મહિલાઓનો છે. કંપનીનું એટ્રિશન લેવલ 21.5 ટકા પર જળવાયું હતું. નવી ટેલેન્ટ ઝડપથી ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશી રહી છે અને તેથી ચાલુ વર્ષે બીજા અર્ધવાર્ષિકગાળાથી તેમાં ઘટાડાની અપેક્ષા કંપની રાખી રહી છે એમ તેમણે જણાવ્યું હતું.



માર્કેટમાં વોલેટિલિટી વચ્ચે સપ્ટેમ્બરમાં ઈક્વિટી ઈનફ્લોમાં ઉછાળો
SIP મારફતે રૂ. 12976 કરોડનું વિક્રમી રોકાણ જોવા મળ્યું
ઓગસ્ટમાં રૂ. 6199 કરોડ સામે સપ્ટેમ્બરમાં રૂ. 14099 કરોડનો ઈનફ્લો

સપ્ટેમ્બર મહિનામાં મ્યુચ્યુલ ફંડ ઉદ્યોગે માસિક ઈક્વિટી ફંડ ફ્લોમાં વૃદ્ધિ દર્શાવી હતી. ઓગસ્ટની સરખામણીમાં નેટ ઈનફ્લોમાં 130 ટકાનો ઉછાળો નોંધાયો હતો. જોકે સપ્ટેમ્બરની આખરમાં ફંડ ઉદ્યોગની નેટ એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ ઘટીને રૂ. 38.42 લાખ કરોડ પર જોવા મળી હતી. જે ઓગસ્ટ આખરમાં રૂ. 39.33 લાખ કરોડ પર હતી.
એસોસિએશન ઓફ મ્યુચ્યુલ ફંડ્સ ઈન ઈન્ડિયા(એમ્ફી)ના ડેટા મુજબ માર્કેટમાં વોલેટિલિટી વચ્ચે પણ ઈનફ્લો પોઝીટીવ જળવાયો હતો. જેમાં સેક્ટરલ ફંડ્સે મહત્તમ રૂ. 4418 કરોડનો ફ્લો મેળવ્યો હતો. જેમાં ત્રણ નવી ફંડ ઓફર્સે રૂ. 3823 કરોડ ઊભા કર્યાં હતા. ફ્લેક્સિ-કેપ ફંડ્સે રૂ. 2401 કરોડનો ઈનફ્લો જ્યારે મીડ-કેપ ફંડ્સે રૂ. 2151 કરોડનો ઈનફ્લો મેળવ્યો હતો. તમામ ઈક્વિટી મ્યુચ્યુલ ફંડ સ્કીમ્સે સપ્ટેમ્બરમાં ઈનફ્લો દર્શાવ્યો હતો. જે રોકાણકારોનો માર્કેટમાં વિશ્વાસ દર્શાવે છે. તમામ સ્કિમ્સ મળી રૂ. 14099 કરોડનો ફ્લો નોંધાયો હતો. જે ઓગસ્ટમાં રૂ. 6199 કરોડ પર હતો. ઓગસ્ટમાં ઈનફ્લો 31 ટકા ઘટાડો સૂચવતો હતો. જ્યારે જુલાઈમાં તે 42 ટકા ડાઉન હતો.
સિસ્ટમેટીક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન મારફતે સપ્ટેમ્બરમાં રૂ. 12976 કરોડનો વિક્રમી ઈનફ્લો નોંધાયો હતો. જે ઓગસ્ટમાં રૂ. 12693 કરોડ પર હતો. એસઆઈપી એકાઉન્ટ્સની સંખ્યા વધી 5.83 કરોડ પર પહોંચી હતી. જે ઓગસ્ટ આખરમાં 5.71 કરોડ પર હતી. અપેક્ષા મુજબ જ લિક્વિડ ફંડ્સમાંથી રૂ. 59970 કરોડનો ચોખ્ખો આઉટફ્લો નોંધાયો હતો. જ્યારે ડેટ ફંડ્સમાંથી રૂ. 65372 કરોડનો આઉટફ્લો જોવા મળ્યો હતો.



મહિનામાં ડઝન કંપનીઓ IPOs મારફતે રૂ. 12k કરોડ એકત્ર કરશે
જૂન-જુલાઈમાં એક પણ કંપની બજારમાં પ્રવેશી નહોતી
જોકે સપ્ટેમ્બરમાં ખરાબ સમયમાં એકાદ-બે સારા લિસ્ટીંગ પાછળ પ્રમોટર્સ તૈયાર

ઊંચી સંખ્યામાં કંપનીઓ પ્રાઈમરી માર્કેટમાં પ્રવેશવા તૈયાર થઈ ચૂકી છે. ઈન્વેસ્ટમેન્ટ બેંકર્સના જણાવ્યા મુજબ આગામી એક મહિનામાં જ લગભગ એક ડઝન જેટલી કંપનીઓ તેમના શેર વેચાણ માટે આઈપીઓ સાથે બજારમાં પ્રવેશશે. જેઓ સંભવિત રૂ. 12000 કરોડ માર્કેટમાંથી એકત્ર કરે તેવી શક્યતાં છે. જે ચાલુ કેલેન્ડરમાં આઈપીઓ માટે સૌથી ધમધમતો મહિનો બની શકે છે.
કંપનીઓમાં બજારમાં પ્રવેશવા માટેના વિશ્વાસનું કારણ તાજેતરમાં કેટલાંક આઈપીઓના અપેક્ષિત લિસ્ટીંગ છે એમ વર્તુળો જણાવે છે. જેને કારણે બજારમાં પ્રવેશવા તૈયાર કંપનીઓએ હવે મન બનાવી ચૂકી છે. સેકન્ડરી માર્કેટમાં પણ વોલેટિલિટી વચ્ચે મોટા ઘટાડાની શક્યતાં નથી જણાતી અને તેથી રોકાણકારો તરફથી ક્વોલિટી આઈપીઓમાં પાર્ટિસિપેશન જોવા મળે તેવો વિશ્વાસ ઈન્વેસ્ટમેન્ટ બેંકર્સ વ્યક્ત કરી રહ્યાં છે. તેમના મતે આઈપીઓ સાથે આવી રહેલી મોટાભાગની કંપનીઓ એક સારુ બિઝનેસ મોડેલ ધરાવવા સાથે નફો કરતી કંપનીઓ છે. જેથી રોકાણકારોમાં તેમના શેર્સની ખરીદી માટેનું આકર્ષણ જળવાશે. માર્કેટમાં પ્રવેશવા માગતી કંપનીઓમાં ફાઈવ-સ્ટોર બિઝનેસ ફાઈનાન્સ, ગ્લોબલ હેલ્થ, પ્રિસ્ટાઈન લોજિસ્ટીક્સ, કાયનેસ ટેક્નોલોજી અને યુનિપાર્ટ્સ ઈન્ડિયાનો સમાવેશ થાય છે. જેઓ દિવાળી અગાઉ અથવા દિવાળી બાદના સમયગાળામાં બજારમાં ઈસ્યુ સાથે પ્રવેશ કરે તેવી શક્યતાં છે એમ બેંકર્સ ઉમરે છે. અગાઉ મે મહિનામાં સેકન્ડરી માર્કેટમાં ખરાબી વખતે કેટલીક કંપનીઓએ તેમના ભરણા ભરાય તે માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. જ્યારે જૂન-જુલાઈમાં માર્કેટમાં કોઈ આઈપીઓ જોવા મળ્યાં નહોતાં. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં માત્ર છ કંપનીઓ બજારમાં પ્રવેશી હતી. જેમણે કુલ રૂ. 3500 કરોડ ઊભા કર્યાં હતાં. એપ્રિલથી જૂન દરમિયાન નિફ્ટી ઈન્ડેક્સ 15 ટકાથી વધુ ગગડ્યો હતો અને તેથી રિટેલ સેન્ટિમેન્ટ પર અસર થવાથી પાર્ટિસિપેશનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
એક ટોચના ઈન્વેસ્ટમેન્ટ બેંકરના જણાવ્યા મુજબ રશિયા-યુક્રેન યુધ્ધ, ફેડ દ્વારા આક્રમક રેટ વૃદ્ધિ, ક્રૂડમાં મજબૂતી પાછળ વૈશ્વિક વૃદ્ધિ દરને લઈને ચિંતાને કારણે સેકન્ડરી અને પ્રાઈમરી, બંને માર્કેટમાં રોકાણકારોનો મૂડ ખરાબ જોવા મળ્યો હતો. જુલાઈથી બજારમાં સુધારા પાછળ ઓગસ્ટ સારો જળવાયો હતો. જોકે સપ્ટેબરના મધ્યભાગ બાદ બજાર ફરી નિરસ જોવા મળ્યું હતું. જોકે તેમ છતાં તાજેતરમાં કેટલાંક લિસ્ટીંગ સારા રહ્યાં છે અને તેને કારણે પ્રમોટર્સ બજારમાં પ્રવેશવાનું સાહસ કરવા માગે છે. આ ઉપરાંત તેમને આગામી સમયગાળામાં માર્કેટમાં લિક્વિડીટી વધુ શોષાય તેવી શક્યતાં જણાય છે અને તેથી તેઓ વર્તમાન સ્થિતિમાં આઈપીઓની યોજનાને આગળ વધારવા માગે છે. બીજી બાજુ માર્કેટ વર્તુળો માની રહ્યાં છે કે માર્કેટ હવે એક તળિયુ બનાવવાની પ્રક્રિયામાં છે. વૈશ્વિક બજારો પણ નોઁધપાત્ર ઘટાડા બાદ બાઉન્સ દર્શાવી શકે છે. જેને કારણે સ્થાનિક બજારમાં સ્થિરતા પરત ફરતી જોવા મળે તેવી સંભાવના છે. જેને જોતાં પ્રમોટર્સ આઈપીઓ માટે વધુ વિલંબ કરવાના પક્ષમાં નથી. કેમકે તેમની કંપનીઓનું પ્રોફાઈલ પણ આકર્ષક છે. જેમકે ગ્લોબલ હેલ્થ એ નરેશ ત્રેહાન પ્રમોટેડ હોસ્પિટલ ચેઈન છે. જ્યારે ફાઈવ-સ્ટોર બિઝનેસ ફાઈનાન્સ એ ટીપીજી, મેટ્રીક્સ પાર્ટનર્સ અને નોર્વેસ્ટ વેન્ચર્સ સમર્થિત કંપની છે.

બજારમાં પ્રવેશવા તૈયાર કંપનીઓ
કંપની સંભવિત ઈસ્યુ સાઈઝ(રૂ. કરોડ)
ફાઈવ-સ્ટાર બિઝનેસ ફાઈ. 2750
ગ્લોબલ હેલ્થ 2500
પ્રિસ્ટાઈન લોજિસ્ટીક્સ 1200
કાયનેસ ટેક્નોલોજી 1000
યુનિપાર્ટ્સ ઈન્ડિયા 1000
કિસ્ટોન રિઅલ્ટર્સ 850
લેન્ડમાર્ક કાર્સ 762
ઈન્ડિયા એક્સપોઝીશન માર્ટ 600
ડીસીએક્સ સિસ્ટમ 600
આઈનોક્સ ગ્રીન 500
જીપીટી હેલ્થકેર 500


RIL 1.5 અબજ ડોલર અને RJio 2.5 અબજ ડોલર ઊભા કરશે
દેશમાં સૌથી ઊંચું માર્કેટ-કેપ ધરાવતી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 1.5 અબજ ડોલર(રૂ. 12,400 કરોડ) ઊભી કરવા માટે જ્યારે રિલાયન્સ જીઓ 2.5 અબજ ડોલર(રૂ.20600 કરોડ) ઊભા કરવા માટે લેન્ડર્સ સાથે મંત્રણા ચલાવી રહ્યાં હોવાનું જાણકાર વર્તુળોનું કહેવું છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તેના કેપિટલ એક્સપેન્ડિચર પ્લાનને સપોર્ટ માટે એક્સટર્નલ કમર્સિયલ બોરોઈંગ(ઈસીબી) મારફતે ભંડોળ ઊભું કરવા માગે છે. આ માટે તે એકથી વધારે લેન્ડર્સ સાથે વાતચીત ચલાવી રહી છે. જેમાં એચએસબીસી, એમયૂએફબી બેંકનો સમાવેશ થાય છે એમ વર્તુળો ઉમેરે છે. લગભગ પાંચ વર્ષ માટેની લોન્સ સિક્યોર્ડ ઓવરનાઈડ ફાઈનાન્સિંગ રેટ(એસઓએફઆર) કરતાં 130-150 બેસીસ પોઈન્ટ્સ ઊંચા રેટ પર મળવાની અપેક્ષા છે. એસઓએફઆરએ લંડન ઈન્ટરબેક ઓફર્ડ રેટ(લાઈબોર)ની જગ્યાએ હાલમાં વપરાતો બેન્ચમાર્ક છે. આરઆઈએલ સાથે ચર્ચા-વિચારણા કરી રહેલી બેંક્સમાં બેંક ઓફ અમરિકા, સિટીગ્રૂપ, ક્રેડિટ એગ્રીકોલ, ડીબીએસ બેંક અને મિઝુહો બેંક અન્ય બેંકિંગ કંપનીઓ છે. કંપનીને આ માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની આગોતરી મંજૂરીની જરૂર રહેતી નથી. કેમકે બેંક રેગ્યુલેટરે તાજેતરમં જ 1.5 અબજ ડોલર સુધીના ઈસીબી માટે નિયમો હળવા કર્યાં છે. રિલાયન્સ જીઓ પણ બેંક ઓફ અમેરિકા, બીએનપી, એચએસબીસી અને સોસાયટી જનરાલી સાથે ઓફશોર સિન્ડિકેટેડ લોન માટે મંત્રણા યોજી રહ્યું છે. તે 5જી નેટવર્ક ગિયરની ખરીદી માટે આ લોન ઈચ્છી રહ્યું છે. કંપની સ્વીડનની એરિક્સન અને ફિનલેન્ડની નોકિયા પાસેથી આ ગિયર્સ ખરીદશે એમ જાણકારો જણાવે છે.

કોર્પોરેટ હેડલાઈન્સ
બંધન બેંકઃ પ્રાઈવેટ બેંકે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં નબળો બિઝનેસ દર્શાવ્યો છે. બીજા ક્વાર્ટરમાં બેંકે ડિસ્બર્સમેન્ટ્સમાં માત્ર 3 ટકા વૃદ્ધ દર્શાવી હતી અને તે રૂ. 99374 કરોડ પર રહ્યું હતું. જ્યારે બેંકની ડિપોઝીટ્સ 7 ટકા વધી રૂ. 99365 કરોડ પર રહી હતી. જેમાં રિટેલ ડિપોઝીટ્સ રૂ. 73660 કરોડ પર હતી.
એસબીઆઈઃ અગ્રણી પીએસયૂ બેંકે ચાલુ મહિને અનેક નોન-પર્ફોર્મિંગ એસેટ્સનું વેચાણ હાથ પર ધર્યું છે. જેમાં સિન્ટેક્સ બીએપીએલ એકાઉન્ટનો પણ સમાવેશ થાય છે. જેમાં રૂ. 746 કરોડથી વધુની રિકવરી સંભવ છે. 4 નવેમ્બરે નિર્ધારિત ઓક્શનમાં એસબીઆ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીઓને વેચાણ માટે એનપીએ રજૂ કરશે. જેમાં સુરત હઝીરો એનએચ6 ટોલવેનો સમાવેશ પણ થાય છે. ઉપરાંત વીવીએફ ઈન્ડિયા, અશોક મેગ્નેટીક્સ અને અગરવાલાસ પોલીટ્રેડનો સમાવેશ થાય છે.
FPIs: વિદેશી સંસ્થાકિય રોકાણકારોએ ઓક્ટોબર મહિનાના પ્રથમ સપ્તાહમાં રૂ. 2400 કરોડની ચોખ્ખી ખરીદી દર્શાવી છે. સપ્ટેમ્બર મહિનામાં રૂ. 7600 કરોડના ચોખ્ખા વેચાણ બાદ ઓક્ટોબરમાં તેઓ ફરીથી ચોખ્ખા ખરીદાર બન્યાં છે. જેણે માર્કેટ પાર્ટિસિપન્ટ્સને રાહત આપી છે. વર્તુળોના મતે ભારતીય બજારમાં આગામી મહિનાઓમાં એફપીઆઈ તરફથી પોઝીટીવ આઉટફ્લો જળવાય રહેશે.
પાવર ગ્રીડ કોર્પોઃ પીએસયૂ ગ્રીડ પ્રોવાઈડર કંપનીએ મધ્યપ્રદેશમાં તેની નવી ટ્રાન્સમિશન સિસ્ટમને સફળ રીતે કાર્યાન્વિત બનાવી દીધી છે.
પીએનસી ઈન્ફ્રાટેકઃ ઈન્ફ્રા કંપનીએ બે રોડ પ્રોજેક્ટ્સ માટે એક્સિસ બેંક તરફથી ફાઈનાન્સિયલ ક્લોઝર મેળવ્યાં છે. આ બંને પ્રોજેક્ટ્સની કુલ ડેટ સાઈઝ રૂ. 1560 કરોડ જેટલી થાય છે.
સુઝલોનઃ વિન્ડ ટર્બાઈન ઉત્પાદક કંપનીના રાઈટ્સ ઈશ્યૂમાં કંપનીના રોકાણકાર દિલીપ સંઘવી સંપૂર્ણપણે પાર્ટિસિપેટ કરશે એમ સુઝલોન એનર્જીએ જણાવ્યું છે.
બજાજ ફિનસર્વઃ ફાઈનાન્સિયલ સર્વિસ પ્રોવાઈડર કંપનીનું સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ગ્રોસ ડોમેસ્ટીક પ્રિમીયમ વાર્ષિક ધોરણે 19 ટકા વધી રૂ. 1214 કરોડ પર રહ્યું હતું.
ગ્રેવિટાઃ કંપનીમાં સોવરિન વેલ્થ ફંડ અબુ ધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટાએ 5,56,493 ઈક્વિટી શેર્સની ખરીદી કરી છે.
નવકાર કોર્પોરેશનઃ કંપનીના બોર્ડે તેની મૂવેબલ એસેટ્સને અદાણી લોજિસ્ટીક્સને વેચાણ માટે મંજૂરી આપી છે. જેમાં ટ્રેઈલર્સ, દ્વાર્ફ કન્ટેનર્સ જેવી સામગ્રીનો સમાવેશ થાય છે.
સુંદરમ ક્લેટોનઃ કંપનીએ તેની એસોસિએટ કંપની ટીવીએસ ટ્રેનીંગ એન્ડ સર્વિસિઝના 8.56 લાખ ઈક્વિટી શેર્સનું વેચાણ કર્યું છે.
જેપી ગ્રૂપઃ જેપી જૂથની કંપની જયપ્રકાશ પાવર ડેટ ઘટાડવા માટેના પ્રયાસના ભાગરૂપે સિમેન્ટ ગ્રાઈન્ડિંગ યુનિટ માટેના પ્રસ્તાવ પર વિચારણા હાથ ધરશે.

Rushit Parmar

Recent Posts

Go Digit General Insurance Limited IPO : Important Dates

Go Digit General Insurance Limited IPO is set to launch on 15 May, 2024. The…

4 days ago

Indian Emulsifier Limited IPO : Company Information

Indian Emulsifier Limited IPO is set to launch on 10 May, 2024. The company was…

4 days ago

Quest Laboratories Limited IPO : Company Details

Quest Laboratories Limited IPO is set to launch on 10 May, 2024. The company was…

4 days ago

Veritaas Advertising Limited IPO : Important Updates

Veritaas Advertising Limited IPO is set to launch on 10 May, 2024. The company was…

6 days ago

Mandeep Auto Industries Limited IPO : Key Highlights

Mandeep Auto Industries Limited IPO is set to launch on 10 May, 2024. The company…

6 days ago

Premier Roadlines Limited IPO : Company Information

Premier Roadlines Limited IPO is set to launch on 10 May, 2024. The company was…

1 week ago

This website uses cookies.