Categories: Market Tips

Market Summary 11/04/2023

વૈશ્વિક બજારોના સપોર્ટ પાછળ શેરબજારોમાં પરત ફરેલી સ્થિરતાં
નિફ્ટી 17700ની સપાટી કૂદાવવામાં સફળ
સેન્સેક્સ ફરી 60 હજાર ઉપર
વોલેટિલિટી ઈન્ડેક્સ 2.5 ટકા ઘટાડે 11.97 ટકાના સ્તરે
મેટલ, બેંકિંગ, એનર્જી, ઓટોમાં મજબૂતી
આઈટી, રિઅલ્ટીમાં સુધર્યાં મથાળે વેચવાલી
સોનાટા, બજાજ ઓટો, આઈટીસી, ઝાયડસ લાઈફ નવી ટોચે
યુનાઈટેડ બ્રૂઅરિઝ, ટીમલીઝમાં વાર્ષિક તળિયું

વૈશ્વિક બજારોમાં પોઝીટીવ સેન્ટિમેન્ટ જળવાયેલું રહેતાં ભારતીય શેરબજારને પણ મહત્વનો સપોર્ટ સાંપડ્યો છે. એપ્રિલમાં અત્યાર સુધીમાં તેણે એકાદ સત્રમાં ઘટાડાને બાદ કરતાં સુધારો જાળવી રાખ્યો છે. ચાલુ સપ્તાહે સતત બીજા દિવસે તેણે પોઝીટીવ બંધ દર્શાવ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 311 પોઈન્ટ્સના સુધારે 60158ની સપાટીએ જ્યારે નિફ્ટી 98 પોઈન્ટ્સ મજબૂતીએ 17722ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં વ્યાપક લેવાલી પાછળ બ્રેડ્થ મજબૂત જળવાઈ હતી. નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી 39 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે માત્ર 11 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. મીડ અને સ્મોલ-કેપ્સમાં પણ સતત બ્રેડ્થ મજબૂત જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3659 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2257 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1287 નેગેટિવ જોવા મળતાં હતાં. 107 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 32 કાઉન્ટર્સે તળિયું બનાવ્યું હતું. જ્યારે 334 કાઉન્ટર્સ અપર સર્કિટમાં અને 96 કાઉન્ટર્સ લોઅર સર્કિટમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2.5 ટકા ઘટાડે 11.97 ટકાના સ્તરે જોવા મળ્યો હતો.
મંગળવારે ભારતીય બજારે ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યું હતું અને સમગ્ર દિવસ દરમિયાન પોઝીટીવ ઝોનમાં ટ્રેડિંગ દર્શાવ્યું હતું. નિફ્ટી ઉપરમાં 17749ની ટોચ બનાવી 1700 પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. આમ છેલ્લાં બે સપ્તાહોમાં તે 5 ટકા આસપાસનો સુધારો નોંધાવી ચૂક્યો છે. નિફ્ટી કેશની સરખામણીમાં નિફ્ટી ફ્યુચર 65 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 17787 પર બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 53 પોઈન્ટ્સના પ્રિમીયમની સરખામણીમાં વૃદ્ધિ દર્શાવે છે. આમ માર્કેટમાં વધ-ઘટ વચ્ચે નવી લોંગ પોઝીશન ઊભી થઈ હોય તેમ જણાય છે. જે વધુ સુધારાના સંકેત તરીકે ગણી શકાય. બેન્ચમાર્ક છેલ્લાં ચાર સત્રોથી 17500 પર જળવાય રહેલાં સેન્ટિમેન્ટ પણ પોઝીટીવ બની રહ્યું છે. આમ શોર્ટ સેલરે આગામી સત્રમાં 18000ના સ્ટોપલોસનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. તેની ઉપર તેણે શોર્ટ પોઝીશન કવર કરવા માટે દોટ મૂકવાની બની શકે છે. લોંગ ટ્રેડર્સે 17500ના નજીકના સ્ટોપલોસે પોઝીશન જાળવવી જોઈએ.
મંગળવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા મુખ્ય કાઉન્ટર્સમાં કોટક મહિન્દ્રા બેંક, જેએસડબલ્યુ સ્ટીલ, બજાજ ઓટો, આઈશર મોટર્સ, તાતા સ્ટીલ, આઈટીસી, આઈસીઆઈસીઆઈ બેંક, હિંદાલ્કો, મારુતિ સુઝુકી અને બજાજ ફિનસર્વનો સમાવેશ થતો હતો. બીજી બાજુ ઘટવામાં ટીસીએસ, ઈન્ફોસિસ, એચસીએલ ટેક, વિપ્રો, ટેક મહિન્દ્રા, એશિયન પેઈન્ટ્સ અને તાતા મોટર્સ અગ્રણી હતાં. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો મેટલ, બેંકિંગ, એનર્જી, ઓટોમાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે બીજી બાજુ આઈટી, રિઅલ્ટીમાં સુધર્યાં મથાળે વેચવાલી જોવા મળી હતી. આજે ટીસીએસના ચોથા ક્વાર્ટરના પરિણામને જોતાં પણ સાવચેતી જોવા મળી રહી હતી. માર્કેટ વર્તુળો ટીસીએસમાં પરિણામો અપેક્ષા મુજબ જોવા મળે અને તેની પાછળ આઈટી કાઉન્ટર્સમાં નરમાઈની શક્યતાં જોઈ રહ્યાં છે. આમ તમામ આઈટી કાઉન્ટરમાં ઘટાડો નોંધાયો હતો. રિઅલ્ટી સેક્ટરમાં પણ બે સત્રોમાં મજબૂત સુધારા પછી ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ નીકળ્યું હતું. જેમાં બ્રિગેડ એન્ટરપ્રાઈઝિસ, હેમિસ્ફીઅર, સોભા, ઓબેરોય રિઅલ્ટી, ફિનિક્સ મિલ્સ અને ડીએલએફ નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. મેટલ ઈન્ડેક્સ 1.7 ટકા ઉછળ્યો હતો. જેમાં જેસડબલ્યુ સ્ટીલ 4 ટકા ઉછળ્યો હતો. જ્યારે તાતા સ્ટીલ, જિંદાલ સ્ટીલ, એનએમડીસી, રત્નમણિ મેટલ, હિંદાલ્કો અને વેદાંતમાં સુધારો જોવા મળ્યો હતો. બેંકનિફ્ટી 1.3 ટકા મજબૂતી દર્શાવતો હતો. જેમાં કોટક મહિન્દ્રા બેંક 5 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતી. આ ઉપરાંત બેંક ઓફ બરોડા, એયૂ સ્મોલ ફાઈનાન્સ, આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ, ફેડરલ બેંક, એક્સિસ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, પીએનબીમાં પણ મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી એફએમસીજી પોણો ટકા મજબૂતી દર્શાવતો હતો. જેમાં આઈટીસી, વરુણ બેવરેજીસ, નેસ્લે, એચયૂએલમાં સુધારો જોવા મળ્યો હતો. જ્યારે ડાબર, ગોદરેજ કન્ઝ્યૂમર, મેરિકોમાં નરમાઈ જોવા મળી હતી.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં કોટક મહિન્દ્રા, નવીન ફ્લોરિન, જેએસડબલ્યુ સ્ટીલ બજાજ ઓટો, આઈશર મોટર્સ, બેંક ઓફ બરોડા, કોન્કોરમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. જ્યારે બર્ગર પેઈન્ટ્સ, એબીબી ઈન્ડિયા, એમસીએક્સ ઈન્ડિયા, ડેલ્ટા કોર્પ, ઈન્ડસ ટાવર્સ ઘટાડો દર્શાવતાં હતાં. સોનાટા, બજાજ ઓટો, આઈટીસી, ઝાયડસ લાઈફ, દાલમિયા ભારત, સાયન્ટ, અલ્ટ્રાટ્રેક સિમેન્ટ તેમની વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ પર ટ્રેડ થયાં હતાં. જ્યારે યુનાઈડેટ બ્રૂઅરિઝ અને ટીમલીઝે વાર્ષિક લો બનાવ્યું હતું.

ડોલર સામે રૂપિયામાં 15 પૈસાનો ઘટાડો
યુએસ ડોલર સામે ભારતીય ચલણમાં નરમાઈ જોવા મળી હતી. રૂપિયો છેલ્લાં બે સત્રોથી મજબૂતી દર્શાવ્યાં બાદ મંગળવારે 82ની સપાટી તોડી તેની નીચે ઉતરી ગયો હતો. કામકાજની આખરમાં તે 81.1250ની સપાટીએ બંધ રહ્યો હતો. સોમવારે તેણે 81.98 પર બંધ દર્શાવ્યું હતું. ઈન્ટ્રા-ડે તેણે 81.15નું તળિયું નોંધાવ્યું હતું. વૈશ્વિક સ્તરે ડોલર ઈન્ડેક્સમાં નરમાઈ વચ્ચે ભારતીય ચલણમાં ઘટાડો જોવા મળ્યો હતો. જે આઉટફ્લોનો સંકેત આપે છે. જોકે ફોરેક્સ ડિલર્સ તરફથી માર્કેટમાં કોઈ આઉટફ્લોના સંકેતો નહિ હોવાનું જણાવાયું હતું. હાલમાં, બજારમાં મોટાભાગનો વર્ગ રૂપિયામાં મજબૂતી જોઈ રહ્યો છે. ચાલુ કેલેન્ડરમાં અત્યાર સુધીમાં ડોલર સામે રૂપિયાએ મજબૂતી જાળવી છે.

વૈશ્વિક બજાર પાછળ ગોલ્ડ-સિલ્વરમાં મજબૂતી
કિંમતી ધાતુઓમાં મંગળવારે વૈશ્વિક બજાર પાછળ મજબૂતી જોવા મળી હતી. એમસીએક્સ ખાતે સિલ્વર ફ્યુચર રૂ. 450ની મજબૂતી સાથે રૂ. 74775ની સપાટી પર ટ્રેડ દર્શાવતો હતો. જ્યારે ગોલ્ડ ફ્યુચર પણ રૂ. 350ના સુધારે રૂ. 60415 પર ટ્રેડ થઈ રહ્યો હતો. ગયા સપ્તાહે બંને ધાતુઓમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. ડોલર સામે રૂપિયામાં નરમાઈની અસર પણ બુલિયનના ભાવ પર જોવા મળી હતી. કોમેક્સ ગોલ્ડ ફ્યુચર 12 ડોલર સુધારે 2016 ડોલરની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે સિલ્વર ફ્યુચર 17 સેન્ટ્સ મજબૂતી સાથે 25.08 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. બેઝ મેટલ્સમાં કોપરમાં પણ મજબૂતી જોવા મળી રહી હતી. જ્યારે ક્રૂડમાં સાધારણ નરમાઈ જોવા મળતી હતી.

શાપુરજી પાલોનજી ગ્રૂપની 2 અબજ ડોલરની એસેટ્સનું વેચાણ કરવાની વિચારણા
જૂથ તેની ફ્લેગશિપ ઈન્ફ્રા કંપની સહિત કેટલીક પોર્ટ એસેટ્સનું વેચાણ કરે તેવી શક્યતાં

શાપોર મિસ્ત્રીની માલિકીનું શાપોરજી પાલોનજી ગ્રૂપ કેટલીક એસેટ્સનું વેચાણ કરી બે અબજ ડોલર ઊભા કરવાની વિચારણા ચલાવી રહ્યું હોવાનું જાણકારોનું કહેવું છે. આ એસેટમાં ફ્લેગશિપ એન્જીનીયરીંગ કંપનીમાં બહુમતી હિસ્સાનો સમાવેશ પણ થાય છે એમ તેઓ જણાવે છે.
કંપની મુંબઈ સ્થિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની એફકોન્સ ઈન્ફ્રાક્ટ્રકચરમાં તેના હોલ્ડિંગ્સના ખરીદાર માટે એડવાઈઝર શોધી રહી છે એમ વર્તુળો ઉમેરે છે. એસપી ગ્રૂપ કેટલાંક પોર્ટ્સનું વેચાણ કરવા પણ વિચારી રહ્યાં હોવાનું નામ નહિ આપવાની શરતે વર્તુળોનું કહેવું છે. જેમાં ભારતના પૂર્વીય કિનારા સ્થિત ગોપાલપુર પોર્ટ એસેટનો સમાવેશ થઈ શકે છે એમ તેઓ ઉમેરે છે. આ વિચારણા હજુ શરૂઆતી તબક્કામાં છે અને એસપી ગ્રૂપ એસેટ્સને લાંબો સમય સુધી જાળવવાનું નક્કી કરી શકે છે. એસપી ગ્રૂપના પ્રતિનિધિ તરફથી જોકે તત્કાળ કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. 1865માં સ્થાપિત એસપી જૂથે એશિયાભરમાં લક્ઝરી હોટેલ્સ, સ્ટેડિયમ્સ, મહેલો અને ફેક્ટરીઝનું બાંધકામ કર્યું હતું. જેમાં મુંબઈ સ્થિત રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના બિલ્ડિંગ સાથે તાજ મહેલ પેલેસ હોટેલની હેરિટેજ ટાવર વિંગનો સમાવેશ થાય છે. એફકોન્સ એન્જિનીયરીંગ અને કન્સ્ટ્રક્શનમાં સ્પેશ્યાલાઈઝેશન ધરાવે છે. જેમાં મરિન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટનેલ્સ, પુલો અને રસ્તાઓનો સમાવેશ થાય છે. જેણે એશિયા, આફ્રિકા અને મધ્ય પૂર્વમાં 25 દેશોથી વધુમાં પ્રોજેક્ટ્સ કર્યાં છે. ગયા વર્ષે મિસ્ત્રી પરિવારે ત્રણ મહિનાના ટૂંકા સમયગાળામાં બે ચાવીરૂપ સભ્યો ગુમાવ્યા હતાં. જેમાં એસપી જૂથના સ્થાપક અને શાપોરના ફાધર પાલોનજી મિસ્ત્રીનું જૂન મહિનામાં 93 વર્ષની વયે નિધન થયું હતું. જ્યારે શાપૂરના નાના ભાઈ સાઈરસ મિસ્ત્રીનું સપ્ટેમ્બરમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. પરિવારની 29 અબજ ડોલરની મોટાભાગની સંપત્તિ તાતા સન્સમાં તેમના 19 ટકા હિસ્સામાંથી મેળવવામાં આવી છે. તેઓ દેશના સૌથી મોટા ડાયવર્સિફાઈડ જૂથની હોલ્ડિંગ કંપનીમાં સૌથી મોટા શેરધારક છે. જોકે, તેમના તાતા સન્સમાંનો હિસ્સો તાતા જૂથ સાથેની લડાઈમાં લોક થયેલો છે. જૂથે ગયા વર્ષે તેની વોટર પ્યોરિફાયર ઈક્વિપમેન્ટ મેકર યૂરેકકા ફોર્બ્સનું એડવન્ટ ઈન્ટરનેશનલને રૂ. 4400 કરોડમાં વેચાણ કર્યું હતું. તેણે સ્ટર્લિંગ એન્ડ વિલ્સન રિન્યૂએબલ એનર્જીનું પણ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને વેચાણ કર્યું હતું. હાલમાં એસપી જૂથ તાતા સન્સના બાકીના હિસ્સાને પ્લેજ કરી 1.75 અબજ ડોલર ઊભા કરવાની વાતચીત ચલાવી રહ્યું છે.

રિટેલ ઈન્વેસ્ટર્સમાં નિરસતા વધતાં ડિ-મેટ ઓપનીંગમાં 27 ટકાનો ઘટાડો
2021-22માં 3.46 કરોડ ડિમેટ ઓપનીંગ્સ સામે 2022-23માં દેશમાં 2.51 કરોડ ડિમેટ ખૂલ્યાં
વર્ષ 2013-14 પછી દેશમાં પ્રથમવાર ડિમેટ એકાઉન્ટ્સની સંખ્યામાં ઘટાડો નોંધાયો
નાણા વર્ષ 2022-23માં રિટેલ રોકાણકારોના મોળા પડેલા ઉત્સાહને કારણે દેશમાં ડિમેટ એકાઉન્ટ ઓપનીંગ્સમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. દેશના બે ડિપોઝીટરી પાર્ટિસિપન્ટ્સ એનએસડીએલ અને સીડીએસએલના આંકડા મુજબ પૂરાં થયેલા વર્ષ 2022-23માં દેશમાં કુલ 2.51 કરોડ ડિમેટ એકાઉન્ટ્સ ઓપન થયાં હતાં. જે નાણા વર્ષ 2021-22 દરમિયાન ખૂલેલાં 3.46 કરોડ ડિમેટ એકાઉન્ટ્સની સરખામણીમાં વાર્ષિક 28 ટકાનો તીવ્ર ઘટાડો દર્શાવે છે. એ વાત નોંધવા લાયક છે કે નાણા વર્ષ 2013-14 પછી દેશમાં પ્રથમવાર ડિમેટ એકાઉન્ટ્સની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. આમ, લગભગ નવ વર્ષ પછી ભારતીય શેરબજારમાં નાના રોકાણકારો તરફથી નિરસતા વધતી જોવા મળી હતી.
માર્કેટ નિરીક્ષકોના મતે ડિમેટ એકાઉન્ટ ઓપનીંગ્સમાં ઘટાડા પાછળ વિવિધ કારણો જવાબદાર છે. જેમાં એક તો માર્કેટમાં સ્થિરતાનો અભાવ હતો. બીજી બાજુ, મીડ-કેપ અને સ્મોલ-કેપ્સમાં નીચા રિટર્ન જવાબદાર હતાં. ત્રીજું મહત્વનું કારણ પ્રાઈમરી માર્કેટમાં અગાઉના વર્ષની સરખામણીમાં નીચી સક્રિયતા હતું. આકર્ષક અને ક્વોલિટી આઈપીઓના અભાવે નાના રોકાણકારોનું પ્રાઈમરી માર્કેટમાં પાર્ટિસિપેશન ઘટ્યું હતું. બીજી બાજુ, ઈન્ટરેસ્ટમાં વૃદ્ધિ પાછળ ડેટ ઈન્વેસ્ટમેન્ટ્સ આકર્ષક બન્યું હતું. જ્યારે એક મહત્વનું કારણ વિદેશી રોકાણકારો તરફથી જળવાયેલી વેચવાલી હતી. જેને કારણે સેકન્ડરી માર્કેટમાં પણ રિટેલ રોકાણકારોને ચર્નિંગ માટે કોઈ ખાસ તક સાંપડી નહોતી અને તેમના નાણા ભરાય પડ્યાં હતાં. એક વાત નોંધવી રહેશે તે 2020-21માં શેરબજારમાં વિક્રમી તેજી પાછળ દેશમાં વિક્રમી ડિમેટ ઓપનીંગ્સ જોવા મળ્યાં હતાં. જેની પાછળ રોકાણકારોના બેઝમાં તીવ્ર વૃદ્ધિ નોંધાઈ હતી અને ગયા વર્ષની શરૂમાં જ દેશમાં કુલ ડિમેટ એકાઉન્ટ્સની સંખ્યા 10 કરોડને પાર કરી ગઈ હતી. કોવિડ પછી વર્ક ફ્રોમ હોમ અને સરળ બ્રોકિંગ એકાઉન્ટ ઓપનીંગ નિયમોને કારણે રિટેલ રોકાણકારોમાં જોવા મળેલો ધસારો 2022-23માં દૂર થયો હતો. રશિયા-યૂક્રેન વોરને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન્સમાં અવરોધો, કોમોડિટીના ભાવમાં તેજી અને તેને કારણે ફુગાવાએ શેરબજારો રિટર્ન આપવાથી દૂર જોવા મળ્યાં હતાં. જે સ્થિતિમાં ફિક્સ્ડ-ઈન્કમ ઈન્સ્ટ્રુમેન્ટ્સ આકર્ષક બન્યાં હતાં અને નોંધપાત્ર ફ્લો તે બાજુ વળ્યો હતો. તેને પરિણામે બીએસઈ અને એનએસઈ તે કેશ સેગમેન્ટની કામગીરી પર પણ નોંધપાત્ર અસર જોવા મળી હતી. 2022-23માં બંને પ્લેટફોર્મ્સના કેશ સેગમેન્ટનું વોલ્યુમ 20 ટકાથી વધુ ઘટી રૂ. 57,522 કરોડ પર રહ્યું હતું. જે ગયા વર્ષે રૂ. 72,450 કરોડ પર હતું. 2022-23માં સેન્સેક્સ સાધારણ એવું 0.7 ટકાનું રિટર્ન દર્શાવતો હતો. જ્યારે નિફ્ટી 0.6 ટકા જેટલો ગગડ્યો હતો. બીએસઈ મીડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં અનુક્રમે 0.2 ટકા અને 4.46 ટકા ઘટાડો નોંધાયો હતો. ભારતીય કંપનીઓએ આઈપીઓ મારફતે બજારમાંથી રૂ. 52116 કરોડ ઊભા કર્યાં હતાં. જે અગાઉના વર્ષે મેળવવામાં આવેલા રૂ. 1.75 લાખ કરોડની સરખામણીમાં અડધાથી પણ નીચી રકમ દર્શાવે છે.
માર્કેટ નિરીક્ષકો એક અન્ય કારણ પણ આપી રહ્યાં છે. જેમાં માર્કેટ રેગ્યુલેટર તરફથી બજારમાં માર્જન સિસ્ટમને કડક બનાવવાનો સમાવેશ થાય છે. ટોચની બ્રોકિંગ કંપનીના રિસર્ચ હેડના મતે માર્જિન સિસ્ટમ હાલમાં ખૂબ જ કડક બની છે. જેને કારણે નીચી સરપ્લસ ધરાવતાં ટ્રેડર્સ માટે તકોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.

સરકાર મે મહિનામાં SCI માટે બીડ્સ મંગાવે તેવી શક્યતાં
જાહેર ક્ષેત્રની કંપની શીપીંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(એસસીઆઈ)ના ડિસઈન્વેસ્ટમેન્ટ માટે સરકાર વર્ષોના વિલંબ બાદ આગામી મે મહિનામાં ફાઈનાન્સિયલ બીડ્સ મંગાવે તેવી શક્યતાં છે. બે સરકારી વર્તુળોને ટાંકીને એક રિપોર્ટમાં આમ જણાવાયું હતું. જેની પાછળ એસસીઆઈના શેરમાં 5 ટકા મજબૂતી જોવા મળી હતી. એસસીઆઈ બલ્ક કેરિયર્સ તથા ક્રૂડ ઓઈલ ટેન્કરના પરિવહનમાં સક્રિય છે. કંપનીએ સરકારના 63.75 ટકાના બહુમતી હિસ્સાના વેચાણ અગાઉ તેની કોર અને નોન-કોર એસેટ્સને અલગ કરવાની થતી હતી. જે કામગીરી તેણે ગયા મહિને પૂર્ણ કરી છે. ડિમર્જ થયેલી કંપની એસસીઆઈ લેન્ડ એસેટ્સનું લિસ્ટીંગ એપ્રિલ 2023 પહેલાં થવાનું હતું. સરકાર હવે કંપની માટે ફાઈનાન્સિયલ બીડ્સ મંગાવશે. જે અંગે 14 એપ્રિલે મળનારી બેઠકમાં આખરી નિર્ણય લેવાશે.

એક્ટિવ લાર્જકેપ ફંડ્સનું અન્ડરપર્ફોર્મન્સ વધુ ઘેરું બન્યું
કેલેન્ડર 2022માં એક્ટિવ ફંડ્સે બેન્ચમાર્ક્સની સરખામણીમાં 68 ટકા સુધીનું ઊંચું અન્ડરપર્ફોર્મન્સ દર્શાવ્યું

મોટાભાગના ભારતીય લાર્જ-કેપ ઈક્વિટી ફંડ્સ રિટર્ન આપવાની બાબતમાં બેન્ચમાર્કને પાછળ પાડવામાં નિષ્ફળ રહ્યાં છે. એક અભ્યાસ મુજબ એક્ટિવ મેનેજમેન્ટ ધરાવતાં 88 ટકા ફંડ્સનો આમાં સમાવેશ થાય છે. તેમણે ડિસેમ્બર 2022ની આખર સુધીમાં બીએસઈ-100 ઈન્ડેક્સની સરખામણીમાં અન્ડરપર્ફોર્મન્સ દર્શાવ્યું હતું.
દેશમાં પેસિવ રીતે મેનેજ થતાં ફંડ્સનો ઉદભવ થયો ત્યારથી જ પેસિવ ફંડ્સમાં એસેટ અન્ડર મેનેજમેન્ટમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. જેનું એક કારણ એક્ટિવ રીતે મેનેજ થતાં ફંડ્સ તરફથી અન્ડપર્ફોર્મન્સ પણ છે. 2022માં આવા અન્ડરપર્ફોર્મન્સમાં ઓર વૃદ્ધિ જોવા મળી હતી. જેનું કારણ ભારતીય શેરબજારે દર્શાવેલું ફ્લેટ રિટર્ન હતું. સમગ્ર કેલેન્ડર દરમિયાન બીએસઈ સેન્સેક્સે માત્ર 4 ટકા વળતર આપ્યું હતું. જોકે વૈશ્વિક હરિફ બજારોની સરખામણીમાં ભારતીય બજારનો દેખાવ સારો જોવા મળ્યો હતો. કેલેન્ડર 2021ની વાત કરીએ તો ઈન્ડેક્સ 22 ટકા ઉછળ્યો હતો. વર્ષ દરમિયાન માત્ર 50 ટકા લાર્જ-કેપ સ્કિમ્સે તેમના સંબંધિત બેન્ચમાર્ક્સની સરખામણીમાં અન્ડરપર્ફોર્મન્સ દર્શાવ્યું હતું. જે 2022માં વધીને 80 ટકા પાર કરી ગયું હતું. 2022 દરમિયાન મીડ અને સ્મોલ-કેપ ફંડ્સ માટેના બેન્ચમાર્ક બીએસઈ 400 મીડસ્મોલકેપ ઈન્ડેક્સમાં 2 ટકા સુધારો નોંધાયો હતો. જ્યારે ઈન્ડેક્સને બેન્ચમાર્ક તરીકે અનુસરતાં 55 ટકા એક્ટિવ મેનેજર્સે ઈન્ડેક્સની સરખામણીમાં અન્ડરપર્ફોર્મન્સ જાળવ્યું હતું. દેશમાં 77 ટકા ઈક્વિટી લિંક્ડ સેવિંગ્ઝ સ્કિમ્સ(ઈએલએસએસ)એ પણ આ ઈન્ડેક્સની સરખામણીમાં અન્ડરપર્ફોર્મન્સ દર્શાવ્યું હતું. સ્પીવા ઈન્ડિયા યર-એન્ડ 2022 રિપોર્ટના તારણ મુજબ એક્ટિવ ફંડ્સની સરખામણીમાં પેસિવ ફંડ્સનો દેખાવ સારો રહ્યો હતો. જો 10-વર્ષોથી વધુના સમયગાળાને લઈએ તો તમામ કેટેગરીઝમાં 60 ટકાથી વધુ ફંડ્સે અન્ડરપર્ફોર્મન્સ દર્શાવ્યું છે. રિપોર્ટ મુજબ 2022માં બીએસઈ ઈન્ડિયા ગવર્મેન્ટ બોન્ડ ઈન્ડેક્સમાં 3 ટકા સુધારો જોવા મળ્યો હતો. આશ્ચર્યની બાબત એ છે કે 2022માં એક્ટિવ ફંડ્સે બેન્ચમાર્કની સરખામણીમાં 68 ટકા જેટલું ઊંચું અન્ડરપર્ફોર્મન્સ દર્શાવ્યું હતું. જ્યારે સમાનગાળામાં ઈન્ડિયન કંપોઝીટ બોન્ડ ફંડ્સે શ્રેષ્ઠ દેખાવ દર્શાવ્યો હતો. જેમાં માત્ર 45 ટકાએ બીએસઈ ઈન્ડિયા બોન્ડ ઈન્ડેક્સની સરખામણીમાં અન્ડરપર્ફોર્મન્સ નોંધાવ્યું હતું.

બિટકોઈન 30K ડોલરને પાર કરી 10-મહિનાની ટોચે
ગયા વર્ષની આખરમાં 16000ના તળિયેથી ક્રિપ્ટો લીડરમાં 90 ટકાથી વધુનું રિટર્ન

વૈશ્વિક ડોલરના ભાવમાં નરમાઈ પાછળ ક્રિપ્ટોકરન્સિઝમાં મજબૂતી આગળ વધી છે. મંગળવારે બિટોઈનનો ભાવ 6.5 ટકા ઉછળી 30100 ડોલરની સપાટી પાર કરી ગયો હતો. જે તેનું જૂન 2022 પછીનું સૌથી ઊંચું સ્તર હતું. આમ કેલેન્ડર 2022ના 16000 ડોલરના તળિયેથી તે 90 ટકા કરતાં ઊંચું રિટર્ન દર્શાવી રહ્યો છે. મંગળવારે ડોલર ઈન્ડેક્સ 102ની સપાટી નીચે ઉતરી ગયો હતો. જ્યારે યુએસ બોન્ડ યિલ્ડ્સમાં પણ નરમાઈ જોવા મળી રહી હતી. બજારની નજર બુધવારે રજૂ થનારા માર્ચ મહિનામ માટેના કન્ઝ્યૂમર પ્રાઈસ ઈન્ફ્લેશનના ડેટા પર છે. જો તે અપેક્ષાથી નરમ આવશે તો ડોલર 100ની સપાટી નીચે ઉતરી જાય તેવી શક્યતાં છે. જેની પાછળ ગોલ્ડ અને બિટકોઈનમાં વધુ સુધારો જોવા મળી શકે છે.
બિટકોઈને નવેમ્બર 2021માં 68000 ડોલરની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જોકે ત્યારબાદ તેમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો અને તે બે વર્ષોના તળિયા પર પટકાયો હતો. માર્કેટ નિરીક્ષકોના મતે યુએસ ખાતે ગયા મહિને બે રિટેલ બેંક્સના પતન પછી ઊભી થયેલી બેંકિંગ કટોકટી વચ્ચે ડોલરને લઈ ટ્રેડર્સ શંકા સેવી રહ્યાં છે. જેને કારણે ફેડ તરફથી રેટ વૃદ્ધિનું રટણ જળવાયાં છતાં તે મજબૂતી દર્શાવી રહ્યો નથી. જ્યારે બીજી બાજુ ગોલ્ડમાં ભારે ખરીદી જોવા મળી રહી છે અને તે અસાધારણ સ્ટ્રેન્થ સૂચવી રહ્યું છે. જે રોકાણકારો ગોલ્ડ જેવા જૂના એસેટ ક્લાસને પસંદ નથી કરી રહ્યાં તેઓ ફરીથી ક્રિપ્ટોસ તરફ વળ્યાં હોવાનું તેમનું કહેવું છે. જોકે તેઓ માર્કેટમાં નવેસરથી સટ્ટાકિય કામગીરી વધી હોવાનું માને છે. જેના પર વિવિધ સરકારો અને માર્કેટ રેગ્યુલેટર્સ તરફથી પ્રતિબંધનો ખતરો ઝળૂંબતો રહે છે. જેમકે ચીન સરકારે કેલેન્ડર 2021માં ક્રિપ્ટોકરન્સિઝ પર પ્રતિબંધ લાગ્યો હતો. આ જ રીતે ભારતમાં પણ સરકારે ક્રિપ્ટોના ટ્રેડિંગ પર 30 ટકા ટેક્સ લાગુ પાડ્યો હતો. છેલ્લાં બે વર્ષોમાં અનેક ક્રિપ્ટો એક્સચેન્જિસની નાણાકિય સ્થિતિ બગડી હતી અને તેઓ નવું ફંડ ઊભું કરી શક્યાં નહોતાં. તેમજ કેટલાંક એક્સચેન્જિસે નાદારી નોંધાવી હતી.

કોર્પોરેટ હેડલાઈન્સ

રિલાયન્સ કેપિટલઃ એડીએજી જૂથની નાદાર કંપની માટે ઓક્શનના બીજા રાઉન્ડને ફરીથી પાછો ઠેલવામાં આવ્યો છે. મંગળવારે યોજાનારો આ રાઉન્ડ જોકે હવે ક્યારે યોજાશે તે અંગે જણાવવામાં આવ્યું નથી. વર્તુળોના મતે તેને લઈને એકાદ-બે સપ્તાહોમાં નિર્ણય લેવામાં આવશે. બીડર્સે બીજા રાઉન્ડમાં તેમના પાર્ટિસિપેશનની ખાતરી આપી હોવાનું વર્તુળોએ જણાવ્યું હતું. જેમાં ટોરેન્ટ ઈન્વેસ્ટમેન્ટ, સિંગાપુર સ્થિત ઓક્ટ્રી અને ઈન્ડસઈન્ડ ઈન્ટરનેશનલ હોલ્ડિંગ્સનો સમાવેશ થાય છે.
બેંક ઓફ બરોડાઃ પીએસયૂ બેંકે 2022-23 નાણા વર્ષ માટે એડવાન્સિસમાં વાર્ષિક 19 ટકા વૃદ્ધિ દર્શાવી છે. જે સમગ્ર બેંકિંગ સિસ્ટમે નોંધાવેલા 15 ટકાના વૃદ્ધિ દર કરતાં ઊંચી છે. બેંકનું એડવાન્સ માર્ચ 2022ની આખરમાં રૂ. 8.18 લાખ કરોડ પરથી વધી માર્ચ 2023ની આખરમાં રૂ. 9.73 લાખ કરોડ પર રહ્યાં હતાં. બેંકની ડિપોઝીટ્સ સમાનગાળામાં 15.1 ટકા વધી રૂ. 12.04 લાખ કરોડ પર જોવા મળી હતી.
એનટીપીસીઃ પીએસયૂ પાવર જાયન્ટ ચાલુ સપ્તાહે રૂ. 3000 કરોડ સુધીના ત્રણ-વર્ષ માટેના બોન્ડ્સ ઈસ્યુ કરશે. ઈસ્યુની બેઝ સાઈઝ રૂ. 500 કરોડની હશે. જ્યારે તે રૂ. 2500 કરોડ સુધીનો ગ્રીન શૂ ઓપ્શન ધરાવતી હશે. આ ફંડ્સનો ઉપયોગ કંપની મૂડી ખર્ચ માટે કરશે. ચાલુ નાણા વર્ષમાં કંપનીનો આ પ્રથમ બોન્ડ ઈસ્યુ હશે.
જેએસડબલ્યુ સ્ટીલઃ અગ્રણી સ્ટીલ ઉત્પાદકે માર્ચ ક્વાર્ટરમાં 65.8 લાખ ટન ક્રૂડ સ્ટીલ ઉત્પાદન નોંધાવ્યું છે. જે વાર્ષિક ધોરણે 13 ટકા ઉત્પાદન વૃદ્ધિ સૂચવે છે. જેએસડબલ્યુ ઈસ્પાતે પણ ક્રૂડ સ્ટીલ ઉત્પાદનમાં 9 ટકા ઉત્પાદન વૃદ્ધિ દર્શાવી 1.8 લાખ ટનનું ઉત્પાદન નોંધાવ્યું હતું.
એસબીઆઈઃ દેશમાં ટોચના લેન્ડરનું બોર્ડ 2 અબજ ડોલરના લોંગ-ટર્મ ફંડ રેઈઝીંગના મુદ્દે વિચારણા માટે 18 એપ્રિલે બેઠક યોજશે. કંપની વિદેશી બજારમાં બોન્ડ્સ ઈસ્યુ કરીને આ નાણા ઊભા કરવા ધારે છે. તે એકથી વધુ તબક્કામાં ઈસ્યુ કરાશે. તેમજ ડોલર સિવાયની કરન્સિમાં પણ ઈસ્યુ કરાશે.
આઈઆરબી ઈન્ફ્રાઃ માર્ગ બાંધકામ અને મેઈન્ટેનન્સ કંપની આઈઆરબી ઈન્ફ્રા ડેવલપર્સે માર્ચ મહિનામાં રૂ. 369.9 કરોડનું ટોલ કલેક્શન મેળવ્યું છે. જે ગયા વર્ષે સમાનગાળામાં તેણે મેળવેલા રૂ. 306.6 કરોડના કલેક્શનની સરખામણીમાં 20.6 ટકા વૃદ્ધિ દર્શાવે છે.
બજાજ ફિનસર્વઃ ટોચની એનબીએફસીની સબસિડીયરી બજાજ ફિનસર્વ મ્યુચ્યુલ ફંડે તેની એમએફ કામગીરી શરૂ કરવા માટે સેબીની મંજૂરી મેળવી લીધી છે. કંપનીએ તેની સાત સ્કિમ્સ માટે મંજૂરી આપવાની સેબી સમક્ષ રજૂઆત કરી છે. જેમાં ઈક્વિટી, ડેટ અને હાઈબ્રીડ સ્પેસનો સમાવેશ થાય છે.
ઝાયડસ લાઈફસાઈન્સિઝઃ અમદાવાદ સ્થિત અગ્રણી ફાર્મા કંપનીએ એઝીથ્રોમાઈસિન ટેબ્લેટ્સ માટે યુએસએફડીએની આખરી મંજૂરી મેળવી લીધી છે. કંપનીના શેરે મંગળવારે તેની વાર્ષિક ટોચ દર્શાવી હતી.

dhairya@socialcoffee.in

Share
Published by
dhairya@socialcoffee.in
Tags: Market Tips

Recent Posts

Rubicon Research IPO: Apply for Short-Term Gains?

Unlocking an Upcoming Investment Opportunity: Rubicon Research IPO Rubicon Research is making headlines with its…

2 weeks ago

Canara Robeco IPO: Apply for Short-Term Gains or Avoid?

Unlocking the Canara Robeco Asset Management Company IPO: A Guide for Every Investor Did you…

2 weeks ago

Tata Turmoil: 5 Secrets to Protect Your Wallet Now

Imagine you’re at a big family gathering and suddenly, your relatives start arguing about who…

2 weeks ago

Shlokka Dyes IPO Verdict: Apply for Short-Term Gains?

Shlokka Dyes IPO: Is It Worth Your Investment? Did you know that Shlokka Dyes is…

2 weeks ago

LG India IPO Verdict: Apply for Listing Gains Today!

LG India IPO: Should You Buy a Piece of Your TV and Fridge Company? Introduction…

2 weeks ago

5 Simple Steps to Secure a Wealthy Retirement Before 40

Did you know that starting your retirement planning in India before your 40s can make…

2 weeks ago

This website uses cookies.