બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
આખરે નિફ્ટી 20Kના લેવલને સ્પર્શવામાં સફળ
ભારતીય બજારનું આઉટપર્ફોર્મન્સ યથાવત
સેન્સેક્સ 67 હજારની સપાટી પર પરત ફર્યો
વોલેટિલિટી ઈન્ડેક્સ 5.2 ટકા ઉછળી 11.34ના સ્તરે
ઓટો, મેટલ, બેંકિંગ, એફએમસીજી, આઈટીમાં મજબૂતી
મીડ-કેપ, સ્મોલ-કેપમાં ભારે તેજી
એસજેવીએન, આઈટીઆઈ, રેલ વિકાસ નવી ટોચે
તેજીવાળાઓના મજબૂત મનોબળ પાછળ શેરબજારે સોમવારે નવો ઈતિહાસ રચ્યો હતો. બેન્ચમાર્ક નિફ્ટીએ પ્રથમવાર 20 હજારની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. બીએસઈ સેન્સેક્સ 528 પોઈન્ટ્સ ઉછળી 67,127ની સપાટીએ જ્યારે નિફ્ટી 176 પોઈન્ટ્સ મજબૂતી સાથે 19996.35ની સપાટીએ બંધ રહ્યો હતો. મીડ અને સ્મોલ-કેપ કાઉન્ટર્સમાં ખરીદી જળવાયેલી રહેતાં બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3942 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2107 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1665 કાઉન્ટર્સ નેગેટિવ બંધ રહ્યાં હતાં. 370 કાઉન્ટર્સે તેમની વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ બનાવી હતી. જ્યારે 17 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. 10 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 2 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં.
સોમવારે નિફ્ટીએ ગેપ-અપ ઓપનીંગ સાથે કામકાજની શરૂઆત કરી હતી અને તે સમગ્ર દિવસ દરમિયાન પોઝીટીવ ઝોનમાં જ ટ્રેડ દર્શાવતો રહ્યો હતો. બેન્ચમાર્ક અગાઉના 19820ના બંધ સામે 19890ની સપાટીએ ખૂલી ઉપરમાં 20008ની સપાટીએ ટ્રેડ થયો હતો અને તેની નજીક જ બંધ રહ્યો હતો. તે જોકે 20 હજારની સપાટી પાર કરી શક્યો નહોતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 50 પોઈન્ટ્સ પ્રિમીયમમાં 20046 પર બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રના સરખામણીમાં પ્રિમીયમમાં ઘટાડો સૂચવે છે. આમ માર્કેટમાં લોંગ પોઝીશનમાં વૃદ્ધિ જોવા મળી નથી. જોકે, ટેકનિકલી નિફ્ટીએ બ્રેકઆઉટ આપ્યું છે અને નજીકમાં તે 20200-20300ની રેંજમાં ટ્રેડ થાય તેવું એનાલિસ્ટ્સ જોઈ રહ્યાં છે. ટ્રેડર્સે મીડ-કેપ અને સ્મોલ-કેપ્સ છોડી લાર્જ-કેપ્સમાં જ તેમની પોઝીશન જાળવવી જોઈએ એમ માર્કેટ નિરીક્ષકો કહી રહ્યાં છે.
નિફ્ટીને સપોર્ટ આપનારા મુખ્ય ઘટકોમાં અદાણી પોર્ટ્સ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, પાવર ગ્રીડ કોર્પોરેશન, એપોલો હોસ્પિટલ, એક્સિસ બેંક, મારુતિ સુઝુકી, યૂપીએલ, હિંદાલ્કો, એચડીએફસી લાઈફ, એચસીએલ ટેક અને હીરો મોટોકોર્પનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, કોલ ઈન્ડિયા, ઓએનજીસી, લાર્સન, બજાજ ફાઈનાન્સમાં નરમાઈ જોવા મળતી હતી. નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી માત્ર ચાર કાઉન્ટર્સ નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 46 કાઉન્ટર્સે પોઝીટીવ બંધ આપ્યું હતું. સેક્ટરલ દેખાવ જોઈએ તો મિડિયા ઈન્ડેક્સ સિવાય તમામ સૂચકાંકો પોઝીટીવ બંધ જોવા મળ્યાં હતાં. નિફ્ટી મેટલ 1.81 ટકા ઉછળી 7100ની સપાટી કૂદાવી ગયો હતો. જેના ઘટકોમાં અદાણી એન્ટરપ્રાઈઝ, જિંદાલ સ્ટીલ, રત્નમણિ મેટલ, હિંદાલ્કો, વેલસ્પન કોર્પ, એનએમડીસી, તાતા સ્ટીલ, સેઈલ, જીએસડબલ્યુ સ્ટીલ, એપીએલ એપોલોમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ 3 ટકાથી વધુ ઉછળી નવી ટોચે પહોંચ્યો હતો. જેને સપોર્ટ આપવામાં આઈઓબી, બેંક ઓફ ઈન્ડિયા, કેનેરા બેંક, પંજાબ એન્ડ સિઁધ બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, યૂકો બેંક, સેન્ટ્રલ બેંક, પીએનબી મુખ્ય હતાં. નિફ્ટી એફએમસીજી પણ 0.9 ટકા સુધારો દર્શાવતો હતો. જેમાં ઈમામી પાંચ ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત, જ્યુબિલિઅન્ટ ફૂડ, ગોદરેજ કન્ઝ્યૂમર, પીએન્ડજી, યુનાઈટેડ સ્પિરિટ્સ, નેસ્લે, તાતા કન્ઝ્યૂમર, વરુણ બેવરેજિસ, આઈટીસ અને એચયૂએલમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી ઓટો 1.7 ટકા ઉછળી સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. જેમાં ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ 11 ટકા સાથે ઉછળવામાં ટોચ પર હતો. આ ઉપરાંત સોના બીએલડબલ્યુ, મારુતિ સુઝુકી, મધરસન, હીરો મોટોકોર્પ, બાલક્રિષ્ણ ઈન્ડસ્ટ્રીઝ, તાતા મોટર્સ, આઈશર મોટર્સ, બજાજ ઓટો, એમએન્ડએમ પણ નોંધાત્ર મજબૂતી સૂચવતાં હતાં.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો વોડાફોન આઈડિયા 8 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત અદાણી પોર્ટ્સ, કેનેરા બેંક, એચડીએફસી એએમસી, ગ્લેનમાર્ક, અદાણી એન્ટરપ્રાઈઝિસ, બાયોકોન, એબીબી ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ, કોન્કોર, પિરામલ એન્ટર., બલરામપુર ચીની, મણ્ણાપુરમ ફાઈ., અંબુજા સિમેન્ટ્સ, બેંક ઓફ બરોડા, તાતા કોમ્યુ. પણ નોંધપાત્ર મજબૂતી સૂચવતાં હતાં. બીજી બાજુ ભેલ, પીવીઆઈ આઈનોક્સ, બિરલાસોફ્ટ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, આઈઈએક્સ, યુનાઈટેડ બ્રૂઅરિઝ, એમસીએક્સ ઈન્ડિયા, આઈઆરસીટીસી, કોલ ઈન્ડિયા, ગુજરાત ગેસ, પોલીકેબ, ઈન્ડિયામાર્ટ, સન ટીવી, લૌરસ લેબ્સમાં નોંધપાત્ર નરમાઈ જોવા મળી હતી. કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં એસજેવીએન, આઈટીઆઈ, રેઈલ વિકાસ નિગમ, પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ, ટ્યૂબ ઈન્વેસ્ટમેન્ટ, આઈઆરએફસી, જેએસડબલ્યુ એનર્જી, વોડાફોન આઈડિયા, જિંદાલ સ્ટેનલેસ સ્ટીલ, કેનેરા બેંક, બેંક ઓફ મહારાષ્ટ્રનો સમાવેશ થતો હતો.
નિફ્ટીને નવી ટોચે પહોંચાડવામાં PSU અને મેટલ્સની મહત્વની ભૂમિકા
જૂનની આખરમાં 19K પરથી બેન્ચમાર્કને ટોચ પર લાવવામાં એનટીપીસી, કોલ ઈન્ડિયાનો સિંહફાળો
સોમવારે ભારતીય શેરબજારના બેન્ચમાર્ક નિફ્ટીએ તેની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. નિફ્ટી પ્રથમવાર 20008ની ઓલ-ટાઈમ હાઈ પર ટ્રેડ થયો હતો. નિફ્ટીની છેલ્લા 1000 પોઈન્ટ્સની સફર પર નજર નાખીએ તો જણાય છે કે જાહેર સાહસો, ફાર્મા, કેપિટલ ગુડ્ઝ જેવા કાઉન્ટર્સે મહત્વનું યોગદાન આપ્યું હતું. બેન્ચમાર્કે 19 હજાર પરથી 20 હજાર પર પહોંચવામાં 52 ટ્રેડિંગ સત્રો લીધાં હતાં. જે દરમિયાન તે એકવાર 19991ની ટોચ બનાવી 19220 સુધી પાછો પડ્યો હતો. જ્યાંથી છેલ્લાં બે સપ્તાહ દરમિયાન ફરીથી સુધારાતરફી બની રહ્યો હતો.
નિફ્ટીએ 28 જૂને 19000ની સપાટી કૂદાવી હતી. જ્યાંથી તેને સોમવારે 20000 પર પહોંચાડવામાં નિફ્ટીમાં સમાવિષ્ટ ચારમાંથી બે પીએસયૂ કાઉન્ટર્સે મહત્વનું યોગદાન આપ્યું હતું. જેમાં એનટીપીસી ટોચ પર હતો. એનટીપીસીનો શેર નિફ્ટીની 1000 પોઈન્ટ્સની સફર દરમિયાન 31 ટકા જેટલો ઉછળ્યો હતો. 28 જૂને રૂ. 185.27ના બંધ ભાવ સામે સોમવારે તે રૂ. 243ની તેની છેલ્લાં ઘણા વર્ષોની ટોચ પર બંધ રહ્યો હતો. એનટીપીસી પછી બીજા ક્રમે કોલ ઈન્ડિયા આવે છે. કંપનીનો શેર 52 સત્રોમાં 25 ટકાનું નોંધપાત્ર રિટર્ન સૂચવી રહ્યો છે. તે 28 જૂને રૂ. 223.16ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યાંથી સુધરતો રહી સોમવારે રૂ. 278.85 બંધ રહ્યો હતો. ફાર્મા ક્ષેત્રે બીજા ક્રમની કંપની સિપ્લાના શેરે નિફ્ટીમાં 1000 પોઈન્ટ્સ વૃદ્ધિ દરમિયાન 24.5 ટકાનું રિટર્ન દર્શાવ્યું છે. કંપનીનો શેર રૂ. 1002 પરથી ઉછળી રૂ. 1247ની સપાટી પર જોવા મળ્યો હતો. એન્જીનીયરીંગ જાયન્ટ લાર્સન એન્ડ ટુબ્રોના શેરે 52-સત્રોમાં 20 ટકાનું રિટર્ન આપી નિફ્ટીને મહત્વનો સપોર્ટ પૂરો પાડ્યો હતો. આ ઉપરાંત હિંદાલ્કો(18 ટકા), ઓએનજીસી(18 ટકા), તાતા સ્ટીલ(17 ટકા), ટેક મહિન્દ્રા(17 ટકા)નું રિટર્ન દર્શાવી રહ્યાં છે. બીજી બાજુ બ્રિટાનિયા, યૂપીએલ, હિંદુસ્તાન યુનીલિવર, એશિયન પેઈન્ટ્સ. એચડીએફસી બેંક, નેસ્લે, આઈશર મોટર્સ, કોટક બેંક અને આઈટીસી જેવા કાઉન્ટર્સે ગણતરીમાં લીધેલાં સમયગાળા દરમિયાન અન્ડરપર્ફોર્મન્સ દર્શાવ્યું હતું અને નેગેટિવ રિટર્ન નોંધાવ્યું હતું.
નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા ટોચના કાઉન્ટર્સ
સ્ક્રિપ્સ 28 જૂનનો બંધ(રૂ.) બજારભાવ(રૂ.) વૃદ્ધિ(ટકામાં)
NTPC 185.27 243.00 31.16
કોલ ઈન્ડિયા 223.16 278.85 24.96
સિપ્લા 1001.82 1246.85 24.46
લાર્સન 2416.61 2896.50 19.86
હિંદાલ્કો 409.61 484.10 18.19
ONGC 156.36 183.95 17.65
તાતા સ્ટીલ 111.55 131.00 17.44
ટેક મહિન્દ્રા 1079.29 1264.15 17.13
અદાણી પોર્ટ્સ 756.50 883.55 16.79
M&M 1376.88 1583.95 15.04
બાઈજુસ તરફથી લેન્ડર્સને 1.2 અબજ ડોલરના રિપેમેન્ટનો પ્રસ્તાવ
ટોચની એડટેક કંપની બાઈજુસે એક આશ્ચર્યકારી ઘટનામાં તેના લેન્ડર્સને તેમની તમામ 1.2 અબજ ડોલરની પુનઃચૂકવણી માટેનો પ્રસ્તાવ મૂક્યો છે. કંપનીએ છ મહિનાથી ઓછા સમયગાળામાં આ રકમ ચૂકવશે તેમ જણાવ્યું હોવાનું જાણકાર વર્તુળોનું કહેવું છે. જો પ્રસ્તાવનો સ્વીકાર થાય તો કંપનીએ 30 કરોડ ડોલરનું ડિસ્ટ્રેસ્ડ ડેટ ત્રણ મહિનામાં ચૂકવવા જણાવ્યું છે. જ્યારે બાકીની રકમ પછીના ત્રણ મહિનામાં ચૂકવશે એમ વર્તુળો ઉમેરે છે. હાલમાં લેન્ડર્સ આ પ્રસ્તાવની સમીક્ષા કરી રહ્યાં છે અને રિપેમેન્ટ માટેનું ફંડ કેવી રીતે મેળવવામાં આવશે તેની માહિતી માગી રહ્યાં છે. છેલ્લાં એક વર્ષથી બાઈજુસ અને તેના લેન્ડર્સ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. એક સમયે 22 અબજ ડોલરનું વેલ્યૂએશન ધરાવતી કંપનીના વેલ્યૂએશનમાં પીઈ રોકાણકારોએ તીવ્ર ઘટાડો કર્યો છે.
FCIએ ઈ-ઓક્શન મારફતે 1.66 લાખ ટન ઘઉંનું વેચાણ કર્યું
11મા ઈ-ઓક્શન મારફતે માત્ર 17 હજાર ટન ચોખાનું વેચાણ નોંધાયું
સરકારની ખાદ્યાન્નના ભાવને અંકુશમાં રાખવાની યોજનાના ભાગરૂપ ઓપન માર્કેટ સેલ સ્કિમ(OMSS) હેઠળ સરકારી એજન્સી ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(FCI)એ 1.66 લાખ ટનનું વેચાણ કર્યું છે. જ્યારે 17000 ટન ચોખા પણ વેચ્યાં છે. ગયા મહિને સરકારે જણાવ્યું હતું કે ધાન્યના ભાવો અંકુશમાં રાખવા માટે તે કેન્દ્રિય અનાજ સંગ્રહમાંથી બલ્ક બાયર્સને વધુ 50 લાખ ટન ઘઉં અને 25 લાખ ટન ચોખાનું વેચાણ કરશે. ખાદ્યાન્ન મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 6 સપ્ટેમ્બરે આયોજિત 11મા ઈ-ઓક્શન રાઉન્ડમાં દેશભરમાં આવેલા 500 ડેપો ખાતેથી 2 લાખ ટન ઘઉંની ઓફર કરવામાં આવી હતી. આ ઉપરાંત 337 ડેપોમાંથી 4.89 લાખ ટન ચોખાની ઓફર પણ કરાઈ હતી. જોકે, ઈ-ઓક્શન હેઠળ 1.66 લાખ ટન ઘઉંનું વેચાણ થયું હતું. જે ઓફર કરાયેલા ઘઉંનો નોંધપાત્ર જથ્થો સૂચવે છે. જ્યારે ચોખામાં ઓફર કરાયેલા જથ્થા સામે માત્ર 17 હજાર ટન ઘઉંનું જ વેચાણ થઈ શક્યું હતું.
હરાજીમાં ઘઉંનું વેચાણ સરેરાશ રૂ. 2169.65 પ્રતિ ક્વિન્ટલના ભાવે થયું હતું. જે રૂ. 2150 પ્રતિ ક્વિન્ટલના રિઝર્વ ભાવથી સહેજ ઊંચો હતો. જ્યારે અન્ડર રિલેક્સ્ડ સ્પેસિફિકેશન્સ(યુઆરએસ) હેઠળ ઘઉંના ભાવનો સરેરાશ વેચાણ ભાવ રૂ. 2121 પ્રતિ ક્વિન્ટલના રિઝર્વ ભાવ સામે રૂ. 2150.86 પ્રતિ ક્વિન્ટલ જોવા મળ્યો હતો. ચોખાની વાત કરે તો વેઈટેડ એવરેજ સેલીંગ પ્રાઈસ રૂ. 2,956.19 પ્રતિ ક્વિન્ટલ જોવા મળ્યો હતો. જે રૂ. 2952.27 પ્રતિ ક્વિન્ટલના રિઝર્વ ભાવ જેટલો જ હતો. નાના રિટેલર્સને હરાજીમાં ભાગ લેવા પ્રોત્સાહન આપવા માટે સરકારે પ્રતિ ખરીદાર મહત્તમ 100 ટન ઘઉં અને 1000 ટન ચોખા આપવાનું નક્કી કર્યું હતું.
ઓગસ્ટમાં પેસેન્જર વેહીકલ્સના હોલસેલ વેચાણમાં 9 ટકા વૃદ્ધિ
સિઆમના મતે ગયા મહિને પેસેન્જર વેહીકલ્સનું સૌથી વધુ વેચાણ નોંધાયું
થ્રી-વ્હીલર્સનું વેચાણ વાર્ષિક ધોરણે 69 ટકા વધી 64,763 યુનિટ્સની વિક્રમી સપાટીએ
ટુ-વ્હીલર્સનું વેચાણ ગયા વર્ષે 15.6 લાખ યુનિટ્સ સામે 0.5 ટકા વધી 15.7 લાખ યુનિટ્સ જોવા મળ્યું
ઓગસ્ટમાં દેશમાં પેસેન્જર વેહીકલના હોલસેલ વેચાણમાં વાર્ષિક 9 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. યુટિલિટી મોડેલ્સની ઊંચી માગ પાછળ આમ જોવા મળ્યું હોવાનું મેન્યૂફેક્ચરર્સ એસોસિએશન જણાવે છે. ઓગસ્ટમાં પેસેન્જર વેહીકલ્સ અને થ્રી-વ્હીલર્સનું શ્રેષ્ઠ વેચાણ નોંધાયું હતું. જોકે ટુ-વ્હીલર્સના આંકડા સ્થિર જોવા મળ્યાં હતાં.
ગયા મહિને 3,59,228 યુનિટ્સ પેસેન્જર વેહીકલ્સનું વેચાણ જોવા મળ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 3,28,376 યુનિટ્સ પર હતું એમ સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ્સ મેન્યૂફેક્ચરર્સ(સિઆમ)એ જણાવ્યું છે. ડિલર્સને થ્રી-વ્હીલર્સની રવાનગી 69 ટકા વધી 64,763 યુનિટ્સ પર જોવા મળી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 38,369 યુનિટ્સ પર નોંધાઈ હતી. ટુ-વ્હીલર્સની વાત કરીએ તો વેચાણમાં માત્ર 0.5 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. ગયા વર્ષે ઓગસ્ટમાં 15.6 લાખ યુનિટ્સ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં ટુ-વ્હીલર્સની ડિસ્પેચ 15.7 લાખ યુનિટ્સ પર રહી હતી. ઓગસ્ટમાં યુટિલિટી વેહીકલનું વેચાણ 34 ટકા ઉછળી 1,81,825 યુનિટ્સ પર નોંધાયું હતું. જ્યારે પેસેન્જર કાર ડિસ્પેચ 10 ટકા ગગડી 1,20,031 યુનિટ્સ પર જોવા મળ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 1,33,177 યુનિટ્સ પર હતું. વેન હોલસેલ વેચાણ પણ ગયા વર્ષના 12,236 યુનિટ્સ પરથી ઘટી 11,859 યુનિટ્સ પર રહ્યું હતું. સિઆમના પ્રમુખ વિનોદ અગ્રવાલના જણાવ્યા મુજબ ગયા મહિને ઓગસ્ટમાં પેસેન્જર વેહીકલ્સ અને થ્રી-વ્હીલર્સનું વિક્રમી વેચાણ જોવા મળ્યું હતું. જ્યારે ટુ-વ્હીલર્સનું વેચાણ ગયા વર્ષના સમાનગાળા પર નોંધાયું હતું. ઓગસ્ટ-2023માં કમર્સિયલ વેહીકલ સેગમેન્ટના વેચાણમાં સારી વૃદ્ધિ જોવા મળી હતી. ગયા મહિનાના દેખાવને જોતાં તહેવારોને લઈ વધુ આશાવાદ જોવા મળી રહ્યો હોવાનું તેઓ ઉમેરે છે. પેસેન્જર વેહીકલ્સ સેગમેન્ટમાં મારુતિ સુઝુકીનું વેચાણ 16 ટકા વધી 1,56,114 યુનિટ્સ પર જોવા મળ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 1,34,166 યુનિટ્સ પર હતું. ઓગસ્ટમાં કુલ 3.59 લાખ યુનિટ્સ પેસેન્જર વેહીકલ્સનું વેચાણ થયું હતું. જે વાર્ષિક ધોરણે 9.2 ટકા વૃદ્ધિ દર્શાવતું હતું. થ્રી-વ્હીલર્સનુ વેચાણ 68.79 ટકા ઉછળ્યું હતું અને 65 હજાર યુનિટ્સ પર રહ્યું હતું એમ સિઆમના ડિરેક્ટર જનરલ રાજેશ મેનનનું કહેવું છે.
જાન્યુ.-જૂનમાં દેશમાં સ્ટીલ ઉત્પાદનમાં 5 ટકા વૃદ્ધિ નોંધાઈ
2023ના પ્રથમ છ મહિનામાં 6.6 કરોડ ટન સ્ટીલ ઉત્પાદન જોવા મળ્યું
દેશમાં સ્ટીલનો વપરાશ 11 ટકા વધી 5.84 કરોડ ટન પર રહ્યો
ભારતમાં જાન્યુઆરી 2023થી જૂન 2023ના સમયગાળામાં સ્ટીલ ઉત્પાદનમાં 5 ટકા વૃદ્ધિ નોંધાઈ હોવાનું સ્ટીલમિંટનો અભ્યાસ સૂચવે છે. કંપનીના જણાવ્યા મુજબ કેલેન્ડરના પ્રથમ છ માસિક ગાળામાં દેશમા 6.614 કરોડ ટન સ્ટીલ ઉત્પાદન જોવા મળ્યું હતું. આ સુધારાનો ટ્રેન્ડ બીજા અર્ધવાર્ષિક ગાળામાં પણ ચાલુ રહેવાની શક્યતાં અભ્યાસમાં વ્યક્ત કરાઈ છે.
જાન્યુઆરીથી જૂન 2022ના સમયગાળામાં ભારતમાં સ્થાનિક ઉદ્યોગે 6.3 કરોડ ટન સ્ટીલ ઉત્પાદન નોંધાવ્યું હતું. સ્ટીલ ઉત્પાદનમાં વૃદ્ધિ પાછળ મુખ્યત્વે સ્ટીલ કંપનીઓના ક્ષમતા વપરાશમાં સુધારો કારણભૂત હતો. ટોચના સ્ટીલ ઉત્પાદકોએ તેમની ક્ષમતા વપરાશમાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવી હતી. સ્ટીલમિંટના જણાવ્યા મુજબ આ પરિબળો કેલેન્ડરના બીજા અર્ધવાર્ષિક ગાળામાં પણ ઉત્પાદન જાળવી રાખે તેવી શક્યતાં છે. 2023માં સ્ટીલ વપરાશની વાત કરીએ તો જાન્યુઆરીથી જૂનના છ મહિનામાં દેશમાં સ્ટીલ વપરાશ 11 ટકા વધી 5.84 કરોડ ટન પર જોવા મળ્યો હતો. જે 2022માં 5.27 કરોડ ટન પર નોંધાયો હતો. જોકે, દેશમાંથી સ્ટીલની નિકાસમાં ઘટાડો જોવા મળ્યો હતો અને તે વાર્ષિક ધોરણે 30 ટકા ગગડી હતી. ચીન ખાતેથી શીપમેન્ટ વધવાને કારણે ભારતની નિકાસ પર અસર પડી હતી અને તે ઘટીને 47.4 લાખ ટન પર પડી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 67 લાખ ટન પર જોવા મળતી હતી. ચીન ખાતેથી સસ્તાં સ્ટીલની ઉપલબ્ધિને કારણે ભારતની નિકાસ પર અસર પડી હતી. ઉપરાંત, આયાત માર્કેટ ખાતેથી માગ પણ મંદ જળવાય હતી. ચીન ખાતે મકાનોની માગ નબળી હોવાના કારણે ત્યાંના ઉત્પાદકોએ નિકાસ બજારમાં તેમનો માલ સસ્તામાં ઠાલવવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. ચીન પછી ભારત વિશ્વમાં બીજા ક્રમે સ્ટીલ ઉત્પાદક દેશ છે.
PSU જનરલ ઈન્શ્યોરર્સનો બજાર હિસ્સો પ્રથમવાર ત્રીજા ભાગથી નીચે જોવા મળ્યો
પ્રથવાર જાહેર ક્ષેત્રની જનરલ ઈન્શ્યોરન્સ કંપનીઓનો બજાર હિસ્સો સમગ્ર ઉદ્યોગ ક્ષેત્રે પ્રિમીયમના ત્રીજા ભાગથી નીચે ઉતરી ગયો છે. હાલમાં તે 32.5 ટકા પર જોવા મળી રહ્યો છે. ખાનગી જનરલ ઈન્શ્યોરન્સ કંપનીઓએ તેમની પોઝીશન મજબૂત કરવાને કારણે પીએસયૂ ઈન્શ્યોરન્સ સાહસોનો હિસ્સો ઘટ્યો છે એમ જનરલ ઈન્શ્યોરન્સ કાઉન્સિલ ડેટા જણાવે છે.
જાહેર ક્ષેત્રની ઈન્શ્યોરન્સ કંપનીઓએ ચાલુ નાણાકિય વર્ષના પ્રથમ પાંચ મહિના દરમિયાન તેમની પ્રિમીયમ ઈન્કમમાં 1 ટકા ઘટાડો નોઁધાવ્યો છે. એપ્રિલથી જુલાઈ સુધીના સમયગાળામાં તે રૂ. 34,203 કરોડ પર રહી છે. જેને કારણે તેમનો બજાર હિસ્સો પણ વાર્ષિક ધોરણે 33.4 ટકા પરથી ગગડી 32.5 ટકા પર જોવા મળ્યો છે. જ્યારે તેમની પ્રિમીયમ આવક ગયા વર્ષે રૂ. 37,100 કરોડ પરથી ગગડી રૂ. 34,203 કરોડ જોવા મળી હતી. પ્રથમવાર જોવા મળતી એક અન્ય ઘટનામાં સ્ટેન્ડઅલોન હેલ્થ ઈન્શ્યોરર્સનો બજાર હિસ્સો વધીને દ્વિઅંકી જોવા મળ્યો છે. હેલ્થ સેગમેન્ટમાં અગાઉ તેમનો હિસ્સો 9.2 ટકા પર હતો. જે વધી 10.4 ટકા પર રહ્યો છે. જોકે, સેગમેન્ટ પ્રમાણેનો ડેટા હજુ પ્રગટ થયો નથી પરંતુ સ્ટેન્ડઅલોન હેલ્થ ઈન્શ્યોરર્સનો દેખાવ આ સેગમેન્ટમાં ઊંચો વૃદ્ધિ દર દર્શાવી રહ્યો છે. જનરલ ઈન્શ્યોરન્સ કાઉન્સિલના ડેટા મુજબ નોન-લાઈફ ઈન્શ્યોરન્સ સેક્ટરે પ્રથમ પાંચ મહિનામાં 11.7 ટકા વૃદ્ધિ દર નોંધાવ્યો હતો અને તેમની પ્રિમીયમની આવક રૂ. 1.14 લાખ કરોડ પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1.02 લાખ કરોડ પર જોવા મળતી હતી. હાલમાં દેશમાં કુલ 26 જનરલ ઈન્શ્યોરર્સ સક્રિય છે. જેમાંથી છ કંપનીઓ કેન્દ્ર સરકારની માલિકીની છે. એટલેકે તેઓ જાહેર સાહસ છે. જેમાં નેશનલ ઈન્શ્યોરન્સ કંપની, ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ, ઓરિએન્ટલ ઈન્શ્યોરન્સ, યુનાઈટેડ ઈન્ડિયા ઈન્શ્યોરન્સનો સમાવેશ થાય છે. દેશમાં પાંચ સ્ટેન્ડઅલોન હેલ્થ ઈન્શ્યોરર્સમાં આદિત્ય બિરલા હેલ્થ ઈન્શ્યોરન્સ, કેર હેલ્થ ઈન્શ્યોરન્સ, મનીપાલ સિગ્ના હેલ્થ ઈન્શ્યોરન્સ, નીવા બુપા હેલ્થ અને સ્ટાર હેલ્થનો સમાવેશ થાય છે.
સ્થાનિક કંપનીઓના વિદેશમાં લિસ્ટીંગને લઈ પુનર્વિચાર સંભવઃ નાણાપ્રધાન
વર્તમાન નિયમો મુજબ ભારતીય કંપનીઓ સીધી રીતે વિદેશી એક્સચેન્જ પર લિસ્ટ થઈ શકતી નથી
ભારત સરકાર સ્થાનિક કંપનીઓને વિદેશી સ્ટોક એક્સચેન્જિસ પર લિસ્ટીંગની છૂટ આપવાને લઈ પુનર્વિચાર કરી શકે છે એમ કેન્દ્રિય નાણાપ્રધાન નિર્મળા સીતારામણે જણાવ્યું હતું. અગાઉ સ્થાનિક સ્તરે વિરોધ તથા ટેક્સ સંબંધી ચિંતાઓને લઈને આ પ્રકારની વિચારણાને પડતી મૂકવામાં આવી હતી. જોકે, હવે પ્લાન ફરીથી પુનર્જિવિત થઈ શકે છે.
વર્તમાન નિયમો મુજબ ભારતીય કંપનીઓને વિદેશી સ્ટોક એક્સચેન્જિસ પર સીધા લિસ્ટીંગની છૂટ નથી. તેઓ ડિપોઝીટરી રિસિટ્સ જેવા ઈન્સ્ટ્રુમેન્ટ્સ મારફતે જ વિદેશી શેરબજાર પર લિસ્ટીંગ કરાવી શકે છે. અગાઉ 2020માં પ્રથમવાર ભારતીય કંપનીઓને વિદેશમાં લિસ્ટીંગની યોજનાને જાહેર કરવામાં આવી હતી. જોકે, પાછળથી કરવેરાના નુકસાનને લઈને તેમજ શાસિત પક્ષના એક વર્ગ તરફથી વિરોધને કારણે તેને પડતી મૂકવામાં આવી હતી. વિરોધ કરનાર વર્ગને ભારતીય કંપની પર ભારતીય રેગ્યુલેટર ખાસ કોઈ નિરીક્ષણ નહિ રાખી શકે તેને લઈ ચિંતા સતાવી રહી હતી. સીતારામણે તેમના સમકક્ષ બ્રિટીશ નાણાપ્રધાન જેરેમી હંટ સાથે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આમ જણાવ્યું હતું. હંટે જણાવ્યું હતું કે ભારત સરકારે તેમને લંડન સ્ટોક એક્સચેન્ડ ખાતે ભારતીય કંપનીઓના સીધા લિસ્ટીંગની છૂટ આપવા માટે વિચારણા કરશે તેમ જણાવ્યું છે.
2020માં કેટલીક ભારતીય ટેક્નોલોજી કંપનીઓ લંડન સ્ટોક એક્સચેન્જ ખાતે સીધા લિસ્ટીંગ માટે વિચારણા કરી રહી હોવાના અહેવાલો બહાર આવ્યાં હતાં. જોકે, પાછળથી સરકારે તેના વિચારને પડતો મૂક્યો હતો. ગયા જુલાઈમાં સરકારે જણાવ્યું હતું કે તે ગાંધીનગર સ્થિત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસિઝ સેન્ટર(IFSC) ખાતે રજિસ્ટર્ડ ઈન્ટરનેશનલ એક્સચેન્જિસ પર કંપનીઓને લિસ્ટ થવાની છૂટ આપશે. જે ભારતીય કંપનીઓને ફોરેન કેપિટલની પ્રાપ્તિ કરાવશે. સીતારામણે જણાવ્યું હતું કે અગાઉ અમે આઈએફએસસી ખાતે લિસ્ટીંદથી શરૂઆત કરવાનું જણાવી ચૂક્યાં છીએ. આમ એકવાર આમ થશે એટલે આપણે વિદેશમાં લિસ્ટીંગ બાબતે આગળ વધી શકીશું. હાલના તબક્કે આપણે આઈએફએસસીને પ્રથમ અગત્યતા આપી રહ્યાં છીએ એમ તેમણે ઉમેર્યું હતું.
ઓગસ્ટમાં SIP ઈનફ્લો રૂ. 15814 કરોડના વિક્રમી સ્તરે નોંધાયો
MF ઉદ્યોગનું કુલ એસેટ એન્ડર મેનેજમેન્ટ રૂ. 46.93 લાખ કરોડની ટોચે જોવા મળ્યું
રિટેલ એમએફ ફોલિયોની સંખ્યા 12.30 કરોડની સર્વોચ્ચ ટોચ પર જોવાઈ
ઓગસ્ટમાં કુલ નવા વિક્રમી 35,91,659 સિપ એકાઉન્ટ્સ ઓપન થયાં
દેશમાં મ્યુચ્યુલ ફંડ ઉદ્યોગે ઓગસ્ટમાં નોંધપાત્ર પ્રગતિ દર્શાવી હતી. ગયા મહિને સ્થાનિક ફંડ ઉદ્યોગનું કુલ એસેટ અન્ડર મેનેજમેન્ટ રૂ. 46,93,648 કરોડ પર રહ્યું હતું. જે બજારમાં તેજી જળવાયેલી રહે તો આગામી મહિનાઓમાં રૂ. 50 લાખ કરોડના સીમાચિહ્નને પાર કરી જાય તેવી પૂરી શક્યતાં છે. મ્યુચ્યુલ ફંડ ઉદ્યોગ ક્ષેત્રે કુલ રિટેલ ફોલિયોની સંખ્યા ઓગસ્ટમાં વિક્રમી સ્તરે પહોંચી હતી. ગયા મહિને રિટેલ ફોલિયો 12.30 પર જોવા મળ્યાં હતાં. જે જુલાઈમાં 12.08 પર નોંધાયા હતાં. આમ એક મહિનામાં જ લગભગ 22 લાખ નવા ફોલિયો ઉમેરાયાં હતાં.
એમ્ફી તરફથી તૈયાર કરવામાં આવેલા ડેટા મુજબ કુલ રિટેલ એયૂએમ રૂ. 24,63,047 કરોડ પર રહ્યું હતું. ગયા મહિને ઉદ્યોગ ક્ષેત્રે નવી 15 સ્કિમ્સ લોંચ કરવામાં આવીહતી. જેમાંથી 14 સ્કિમ્સ ઓપન એન્ડેડ હતી. જ્યારે એક ક્લોઝ એન્ડેડ સ્કીમ હતી. આ તમામ સ્કિમ્સે મળીને રૂ. 7531 કરોડ ઊભા કર્યાં હતાં. ઉદ્યોગ ક્ષેત્રે સિસ્ટમેટીક ઈન્વેસ્ટમેન્ટ પ્લાનમાં ઈનફ્લોની રીતે નવો વિક્રમ બનવાનો ક્રમ જળવાયો હતો. ઓગસ્ટમાં સિપ મારફતે રૂ. 15814 કરોડનો સર્વોચ્ચ માસિક ઈનફ્લો નોંધાયો હતો. જુલાઈમાં પણ ઈનફ્લો રૂ. 15 હજાર કરોડ પર જોવા મળ્યો હતો. આમ બે મહિનાથી ઈનફ્લો રૂ. 15 હજાર કરોડ પર આવી રહ્યો છે. માર્કેટમાં તેજી જોતાં સપ્ટેમ્બરમાં તે રૂ. 16 હજાર કરોડની સપાટી પાર કરે તેવી પૂરી શક્યતાં છે. કોવિડ અગાઉના સમયની સરખામણીમાં સિપ ઈનફ્લો લગભગ બમણો જોવા મળી રહ્યો છે. ઉદ્યોગ ક્ષેત્રે કુલ સિપ એકાઉન્ટ્સની સંખ્યા ઓગસ્ટમાં 6,96,85,946 પર જોવા મળી હતી. જે જુલાઈમાં 6,80,52,836 પર હતી. જો કુલ સિપ એયૂએમ પર નજર નાખીએ તો ઓગસ્ટમાં તે રૂ. 8,47,130.87 પર રહ્યું હતું. જે જુલાઈમાં રૂ. 8,32,274.61 પર જોવા મળતું હતું. ઓગસ્ટમાં કુલ નવા 35,91,659 સિપ એકાઉન્ટ્સ રજિસ્ટર થયાં હતાં. જે માસિક ધોરણે સૌથી ઊંચા હતાં. આમ, માર્કેટમાં મીડ-કેપ અને સ્મોલ-કેપ્સમાં તેજી સાથે મ્યુચ્યુલ ફંડ્સ તરફ રોકાણકારો ફરીથી વળી રહ્યાં છે. ગયા મહિને 19-મહિનામાં સૌથી વધુ ડિમેટ એકાઉન્ટ્સ ઓપન થયાં હતાં. આમ રોકાણકારો શેરબજાર તરફ પ્રત્યક્ષ તથા અપ્રત્યક્ષ રીતે પ્રવેશી રહ્યાં છે.
એમ્ફી સીઈઓ એનએસ વેંકટેશના જણાવ્યા મુજબ ભારતીય રિટેલ રોકાણકારો તરફથી મ્યુચ્યુલ ફંડ્સ મારફતે ઈક્વિટી માર્કેટ્સમાં રોકાણ વધી રહ્યું છે. ખાસ કરીને સિપ મોડ મારફતે તે ઝડપી વૃદ્ધિ સૂચવે છે. દેશના આર્થિક વૃદ્ધિ દરમાં સુધારાની અપેક્ષા છે અને શેરબજાર પણ સારો દેખાવ જાળવે તેવી અપેક્ષા છે ત્યારે રિટેલર્સ તરફથી નવો ફ્લો જળવાય રહેશે તેમ લાગી રહ્યું છે. દેશ તરફથી સફળતાપૂર્વક જી20 સમિટના આયોજનને કારણે વૈશ્વિક સ્તરે ભારતને લઈ સેન્ટીમેન્ટ પોઝીટીવ જોવા મળી રહ્યું છે. જેણે ભારતીય અર્થતંત્રને વૈશ્વિક પ્લેટફોર્મ પર લાવીને મૂક્યું છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
સ્પાઈસજેટઃ સુપ્રીમ કોર્ટે સ્પાઈસ જેટ ચેરમેન અજય સિંઘને ક્રેડિટ સ્વીસને 22 સપ્ટેમ્બર સુધીમાં 10 લાખ ડોલરની ડિફોલ્ટેડ એમાઉન્ડ સાથે 5 લાખ ડોલરના ઈન્સ્ટોલ્મેન્ટનું પેમેન્ટ કરવા આદેશ કર્યો છે. જો આમ કરવામાં તેઓ નિષ્ફળ રહેશે તો અજય સિંઘને તિહાર જેલમાં મોકલવાનો ઓર્ડર પણ કોર્ટે કર્યો છે. સિંઘને તમામ સુનાવણીમાં હાજર રહેવા પણ જણાવ્યું છે.
તાતા પાવરઃ તાતા પાવરની ગ્રીન એનર્જી સબસિડિયરીમાં યુએસ ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફાઈનાન્સ કોર્પોરેશન 43.5 કરોડ ડોલરનું રોકાણ કરશે. કંપનીના બોર્ડે તાતા પાવર રિન્યૂએબર લિમિટેડમાં 42.5 કરોડ ડોલરના રોકાણને મંજૂરી આપી દીધી છે. આ મંજૂરી કંપનીના નવા 4.3 ગીગાવોટના સોલાર સેલ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ અને મોડ્યુલ મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ માટે છે.
IRB ઈન્ફ્રાઃ બિલ્ટ એન્ડ રોડ ઓપરેટર કંપનીએ ઓગસ્ટમાં રૂ. 417 કરોડની ટોલ રેવન્યૂ નોંધાવી છે. જે વાર્ષિક ધોરણે 24 ટકા વૃદ્ધિ સૂચવે છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 336 કરોડની રકમ મેળવી હતી. કંપનીના કુલ 13 ટોલ્સમાંથી મહારાષ્ટ્ર સ્થિત આઈઆરબી એમપી એક્સપ્રેસવેએ રૂ. 141.1 કરોડનું સૌથી મોટું યોગદાન નોંધાવ્યું હતું. માસિક ધોરણે કલેક્શન 14 ટકા ઊંચું હતું.
એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝઃ ટોચની બેટરી ઉત્પાદક કંપની એડવાન્સ્ડ કેમેસ્ટ્રી બેટરી સેલ્સ ઉત્પાદક પાંખમાં રૂ. 100 કરોડનું રોકાણ કરશે. કંપનીના ફાઈલીંગ મુજબ સંપૂર્ણ માલિકીની એક્સાઈડ એનર્જી સોલ્યુશન્સમાં રાઈટ બેસીસ પર તે શેર્સ ખરીદશે. ઈઈએસએલ રૂ. 374.40 કરોડનું શેર કેપિટલ ધરાવે છે. કંપનીએ માર્ચ આખરમાં રૂ. 60 કરોડની ખોટ દર્શાવી હતી.
TCS: ટોચની આઈટી સર્વિસ કંપની ડિજિટલ હ્યુમન હર્ટ મોડેલ્સ બનાવવા માટે લીવીંગ હર્ટ પ્રોજેક્ટ સાથે જોડાઈ છે. આ પ્રોજેક્ટ યુરોપની ટેક્નોલોજી ક્ષેત્રની અગ્રણી કંપની ડસોલ્ટ સિસ્ટમ્સે હાથ ધર્યો છે. પ્રોજેક્ટ હેઠળ ટીસીએસ તેની ડોમેન અને ટેક્નોલોજી નિપૂણતા તથા રિસર્ચનો ઉપયોગ કરશે.
જેએસડબલ્યુ એનર્જીઃ પ્રાઈવેટ ઈક્વિટી ઈન્વેસ્ટર્સ ટોક્યો ઈલેક્ટ્રીક પાવર કંપની અને બ્રૂકફિલ્ડ કંપનીની જેએસડબલ્યુ નીઓ એનર્જીમાં હિસ્સો ખરીદવા માટેની મંત્રણામાં આખરી તબક્કામાં હોવાના અહેવાલે કંપનીના શેર્સમાં તીવ્ર ઉછાળો નોંધાયો હતો. જોકે, કંપનીએ પાછળથી આ પ્રકારના અહેવાલને રદિયો આપી ઉમેર્યું હતું કે તે વિવિધ તકોની ચકાસણી કરી રહી છે અને હજુ કોઈ નિર્ણય લીધો નથી.
સિમેન્સઃ ઈન્કમ ટેક્સ એપલેટ ટ્રિબ્યુનલે ઈન્કમ ટેક્સ વિભાગ તરફથી કરવામાં આવેલા એસેસમેન્ટ ઓર્ડરને નાબૂદ કરતાં એન્જીનીયરીંગ કંપનીની રૂ. 106.5 કરોડની કન્ટીન્જન્ટ લાયેબિલિટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે.