બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
ફેડ રેટ વૃદ્ધિ હળવી બનવાના સંકેતે માર્કેટમાં તીવ્ર તેજી
યુએસ, યુરોપ અને એશિયન બજારોમાં 2-8 ટકાનો ઉછાળો
નિફ્ટીએ 18362ની વાર્ષિક ટોચ દર્શાવી
બેંક નિફ્ટીએ પ્રથમવાર 42 હજારની સપાટી પાર કરી
વોલેટિલિટી ઈન્ડેક્સ 7.5 ટકા ગગડી 14.40ની સપાટીએ
આઈટી ઈન્ડેક્સ 4 ટકા ઉછળ્યો
ઓટો, પીએસયૂ બેંક્સ અને એફએમસીજીમાં નરમાઈ
અદાણી એન્ટરપ્રાઈઝે રૂ. 4000ની સપાટી કૂદાવી
બંધન બેંક, નિપ્પોને વાર્ષિક બોટમ દર્શાવી
વૈશ્વિક બજારમાં ઓવરનાઈટ તેજી પાછળ ભારતીય શેરબજારમાં પણ તેજીનો ઝંઝાવાત જોવા મળ્યો હતો. જેમાં બીએસઈ સેન્સેક્સ 1181 પોઈન્ટ્સ ઉછળી 61795ની સપાટીએ જ્યારે નિફ્ટી 322 પોઈન્ટ્સ ઉછળી 18350ની સપાટી પર બંધ રહ્યાં હતાં. નિફ્ટીએ વાર્ષિક ટોચ દર્શાવી હતી. લાર્જ-કેપ્સમાં ભારે લેવાલી વચ્ચે નિફ્ટી કાઉન્ટર્સ પોઝીટીવ માર્કેટ બ્રેડ્થ દર્શાવી હતી. બેન્ચમાર્કમાં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 35 સુધારો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે માત્ર 15 કાઉન્ટર્સ નેગેટિવ બંધ જોવા મળ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં જોકે ખાસ હલચલ નહોતી જોવા મળી અને બ્રેડ્થ સાધારણ પોઝીટીવ જળવાય હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 7.5 ટકા ગગડી છેલ્લાં ઘણા મહિનાઓના તળિયા પર જોવા મળ્યો હતો.
ગુરુવારે મોડી સાંજે યુએસ ખાતે ઓક્ટોબર માટેનો સીપીઆઈ અપેક્ષા કરતાં નીચો રહેતાં બજારને મોટી રાહત મળી હતી. જેની પાછળ ડોલર ઈન્ડેક્સ અને બોન્ડ યિલ્ડ્સ કડડભૂસ થયા હતાં. જ્યારે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ અને નાસ્ડેક અનુક્રમે 4 ટકા અને 7 ટકા સુધારા સાથે બંધ રહ્યાં હતાં. જેની પાછળ એશિયન બજારો પણ સવારે તીવ્ર ગેપ-અપ ઓપનીંગ દર્શાવતાં હતાં. હોંગ કોંગ માર્કેટ 8 ટકા સાથે સૌથી મજબૂત જોવા મળ્યું હતું. કોરિયા, જાપાન, તાઈવાન પણ 3-4 ટકા આસપાસ સુધારો દર્શાવતાં હતાં. સ્થાનિક સ્તરે બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 18028ના બંધ સામે 18272ની સપાટીએ ઊંચા ગેપ-અપ ઓપનીંગ બાદ સુધરતો જોવા મળ્યો હતો. તેણે બંધ થવા અગાઉ 18362.30ની વાર્ષિક ટોચ દર્શાવી હતી અને તેની નજીક જ બંધ આપ્યું હતું. આમ માર્કેટ નવેમ્બર 2021 પછીની સર્વોચ્ચ ટોચ પર બંધ રહ્યું હતું. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે બેન્ચમાર્કે મહત્વનું બ્રેકઆઉટ દર્શાવ્યું છે. તેના માટે હવે 18500-18600નું ટાર્ગેટ છે. જ્યારે નીચે 17900નો મહત્વનો સપોર્ટ છે. જે તૂટતાં બજાર ઝડપી ઘટાડો દર્શાવી શકે છે. શુક્રવારે બજારને મુખ્ય સપોર્ટ આઈટી અને બેંકિંગ તરફથી સાંપડ્ય હતો. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 3.81 ટકા ઉછાળા સાથે બંધ રહ્યો હતો. લાર્જ અને મીડ-કેપ, બંને આઈટી સેગમેન્ટમાં ખરીદી જોવા મળી હતી. જેમાં કો-ફોર્જ 6 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત માઈન્ડટ્રી, એમ્ફેસિસ, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક અને ટીસીએસ પણ 3-5 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી મેટલ 2 ટકાથી વધુ મજબૂતી સાથે બંધ જોવા મળ્યો હતો. જેમાં જિંદાલ સ્ટીલ 5 ટકાથી વધુ સુધર્યો હતો. જ્યારે હિંદાલ્કો, નાલ્કો, તાતા સ્ટીલ, જેસડબલ્યુ સ્ટીલ, વેદાંત, સેઈલ પણ એકથી ચાર ટકા મજબૂતી દર્શાવી રહ્યાં હતાં. બેંકિંગ શેર્સમાં મજબૂતી પાછળ બેંક નિફ્ટીએ 42345ની નવી ટોચ બનાવી હતી અને 1.3 ટકા સુધારે 42137 પર બંધ રહ્યો હતો. બેંકિંગ શેર્સમાં એચડીએફસી બેંકે 6 ટકા સાથે સૌથી ઊંચું યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત બંધન બેંક, પીએનબી, ઈન્ડસઈન્ડ બેંક અને એક્સિસ બેંક પણ સુધારો દર્શાવી રહ્યાં હતાં. જોકે પીએસયૂ બેંક્સમાં વિરામ જોવા મળ્યો હતો. બેંક ઓફ બરોડા, ફેડરલ બેંક, એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક અને એસબીઆઈ નરમ બંધ રહ્યાં હતાં. રિઅલ્ટી સેક્ટરમાં મજબૂતી પાછળ નિફ્ટી રિઅલ્ટી 1.7 ટકા જેટલો ઉછળ્યો હતો. જેમાં ગોદરેજ પ્રોપર્ટીઝ 5 ટકા, પ્રેસ્ટીજ એસ્ટેટ 3.4 ટકા, ડીએલએફ 2.4 ટકા અને બ્રિગેડ એન્ટરપ્રાઈઝ 1.8 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં ઈન્ફો એજ 7.5 ટકા સાથે સૌથી સારો સુધારો નોંધાવી રહ્યો હતો. આ ઉપરાંત ફર્સ્ટસોર્સ સોલ્યુશન, ઈન્ટેલેક્ટ ડિઝાઈન, એલએન્ડટી ઈન્ફોટેક, લ્યુપિન, બિરલાસોફ્ટ, આરબીએલ બેંકમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળતો હતો. બીજી બાજુ જીએનએફસીમાં 11 ટકા ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત ઈન્ડિયન હોટેલ્સ, આઈશર મોટર્સ, કોન્કોર, ચંબલ ફર્ટિલાઈઝર્સ, ટ્રેન્ટ, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, ગુજરાત ગેસ વગેરેમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો હતો. બ્રોડ માર્કેટમાં બ્રેડ્થ સાધારણ પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે 3601 ટ્રેડેડ કાઉન્ટર્સમાઁથી 1756 પોઝીટીવ ટ્રેડ સૂચવતાં હતાં. જ્યારે 1690 નેગેટિવ જોવા મળ્યાં હતાં.
અદાણી શ્રીલંકામાં પાવર પ્લાન્ટ્સ બાંધી ચીનને પડકારશે
ચીન સરકારની કંપનીઓ સામે અદાણી સાથી દેશોમાં ભારતની સ્થિતિ મજબૂત બનાવશે
ઉત્તરીય શ્રીલંકાના છીછરાં સમુદ્ર કાંઠાના ગામ પૂનેરિન નજીક ભારતીય બિલિયોનર ગૌતમ અદાણી રિન્યૂએબલ પાવર પ્લાન્ટ્સ બાંધવા માટે વિચારી રહ્યાં છે. આમ કરી તેઓ પોતાને આંતરરાષ્ટ્રીય પોલિટિકલ ઘર્ષણમાં ઉતારી રહ્યાં છે. શ્રીલંકા 1948માં બ્રિટીશર્સ પાસેથી આઝાદી મેળવ્યાં બાદ તેની સૌથી ખરાબ આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે ચીન સાથે વ્યૂહાત્મક ઘર્ષણમાં ભારત આઈલેન્ડ દેશ સાથેના જોડાણને ફરીથી મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જેનું મુખ્ય કારણ વૈશ્વિક શીપીંગ લેન્સમાં શ્રીલંકાનું મહત્વનું સ્થાન તથા ચીન તરફથી ઘેરાવાનો ન્યૂદિલ્હીનો ડર પણ છે.
સરકારના આ પ્રયાસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લાંબાગાળાના સમર્થક અદાણી પણ જોડાયાં છે. જેને લઈને કેટલાંક શ્રીલંકન સાંસદોએ વિરોધનો સૂર પણ વ્યક્ત કર્યો છે. તેઓ અદાણીના પોર્ટ અને એનર્જી સંબંધી ડિલ્સને ભારત સરકારના હિતો સાથે નજીકથી જોડાયેલો ગણાવી રહ્યાં છે. જોકે અદાણી ગ્રૂપે હંમેશા આ શંકાને ખોટી ઠરાવી છે અને જણાવ્યું છે કે તેમનું રોકાણ શ્રીલંકાની જરૂરિયાત પૂર્ણ કરશે. 137 અબજ ડોલરની વેલ્થ ધરાવતાં અદાણી પોર્ટ્સ, કોલ પ્લાન્ટ્સ, પાવર જનરેશન અને પાવર ડિસ્ટ્રીબ્યુશન ક્ષેત્રે હાજરી ધરાવે છે. તેમણે થોડા સમય અગાઉ જ એમેઝોનના વડા જોફ બેસોઝને વેલ્થમાં પાછળ રાખી વિશ્વમાં બીજું સ્થાન મેળવ્યું હતું. આમ તો તેમનો મોટાભાગનો બિઝનેસ ભારતમાં જોવા મળી રહ્યો છે. જોકે તબક્કાવાર રીતે તેમણે વિદેશમાં પણ વધુ ડિલ્સ કર્યાં છે. જુલાઈમાં શેરધારકોને સંબોધતાં અદાણીએ જણાવ્યું હતું કે કેટલીક વિદેશી સરકારો તરફથી તેમનો સંપર્ક કરાઈ રહ્યો છે અને તેઓ ભારતની સરહદો બહાર બિઝનેસનું વિસ્તરણ કરવા જઈ રહ્યાં છે. તેમની વૈશ્વિક મહત્વાકાંક્ષા અને મોદી સરકારના નજીકના મનાતા હોવાના કારણે વૈશ્વિક સ્તરે ચીન સામે તેઓ ભારતના જવાબ તરીકે કામ કરી શકે છે. ચીનના બેલ્ટ એન્ડ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડ્રાઈવને કારણે અનેક દેશોમાં તથા વૈશ્વિક સ્તરે બૈજીંગનો પ્રભાવ વધ્યો છે. હોનૂલૂલૂ ખાતે પેસિફિક ફોરમ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટના રેસિડેન્ટ ફેલો અખિલ રમેશના જણાવ્યા મુજબ ભારત જે દેશો સાથે ચીન કરતાં વધુ સારા સંબંધો ધરાવે છે તે દેશોમાં અદાણી સફળતા મેળવી શકે છે. ચીનની સરખામણીમાં ભારત મર્યાદિત ફાઈનાન્સિયલ ક્ષમતા ધરાવે છે ત્યારે ઈઝરાયેલ અને શ્રીલંકા જેવા દેશોમાં અદાણીનું રોકાણ ચીન સરકારની કંપનીઓ સાથે સ્પર્ધા કરી શકે છે.
ઘઉંમાં તેજીને ડામવાના પગલાં માટે સરકારની વિચારણા
સરકારી રિઝર્વ્સમાંથી સ્ટોક છૂટો કરવા ઉપરાંત ઘઉં પરની ઈમ્પોર્ટ ડ્યૂટીને દૂર કરી શકે છે
મે મહિનામાં ઘઉંની નિકાસ પર પ્રતિબંધ બાદ ભાવમાં 27 ટકાનો ઉછાળો નોંધાયો
દેશમાં ઘઉંના ભાવમાં જોવા મળી રહેલી અવિરત વૃદ્ધિ જોતાં તેને અટકાવવા માટેના પગલાઓ હાથ ધરવા પડશે એમ વેપાર અને સરકારી વર્તુળો જણાવે છે. આવા પગલાઓમાં સરકાર પાસેના અનામત જથ્થામાંથી હિસ્સો છૂટા કરવા સાથે ઘઉંની આયાતને દૂર કરવી વગેરે બાબતોનો સમાવેશ થઈ શકે છે એમ તેઓ ઉમેરે છે.
એકબાજુ સરકાર ફુગાવા પર નિયંત્રણ સ્થાપવા માટે પ્રયાસો કરી રહી છે જ્યારે બીજી બાજુ ઘઉંના ભાવમાં સતત વૃદ્ધિને કારણે તેના પ્રયાસોમાં અવરોધ ઊભો થઈ રહ્યો છે. ઘઉંના ભાવ તાજેતરમાં વિક્રમી સપાટી પર પહોંચ્યાં છે. ગઇ રવિ સિઝનમાં ઘઉંના ઉત્પાદનમાં ઘટાડાને કારણે સરકારે મે મહિનામાં દેશમાંથી કોમોડિટીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે તેમ છતાં અગાઉના સિઝન કરતાં આવકો નીચી જોવા મળી હતી. કેમકે ખેડૂતો પાસે જથ્થો ખૂટી ગયો હતો એમ ટ્રેડર્સ જણાવે છે. ઘઉંના સ્થાનિક ભાવ ગુરુવારે ઉછળી રૂ. 26500(324.18 ડોલર)ની વિક્રમી સપાટી પર ટ્રેડ થયા હતાં. જે મે મહિનામાં સરકારે મૂકેલા પ્રતિબંધથી અત્યાર સુધીમાં 27 ટકા વૃદ્ધિ દર્શાવે છે. ટ્રેડર્સના જણાવ્યા મુજબ માગ ઊંચી છે પરંતુ સપ્લાય નીચો જોવા મળે છે. જ્યાં સુધી નવી સિઝનનો પાક બજારમાં નહિ આવે ત્યાં સુધી ભાવ ઊંચા જળવાય રહેવાની શક્યતાં તેઓ વ્યક્ત કરે છે. ભારત વિશ્વમાં ઘઉંનો બીજો સૌથી મોટો ઉત્પાદક છે. જ્યારે સૌથી મોટો વપરાશકાર છે. ભાવમાં વૃદ્ધિને જોતાં સરકાર બલ્ક કન્ઝ્યૂમર્સ જેવાકે ફ્લોર અને બિસ્કિટ મેકર્સ માટે સરકારી અનામતોમાંથી કેટલોક હિસ્સો છૂટો કરવાનું વિચારી શકે છે એમ વર્તુળો જણાવે છે. સરકારી વર્તુળ નામ નહિ આપવાની શરતે જણાવે છે કે હાલમાં તેઓ પરિસ્થિતિ પર નજીકથી ધ્યાન રાખી રહ્યાં છે અને જરૂર પડ્યે બજારમાં દરમિયાનગીરી કરશે. જોકે સરકારી એજન્સી એફસીઆઈ પાસે અનામત જથ્થો છેલ્લાં કેટલાંક વર્ષોના તળિયા પર છે અને તેથી સરકાર કોઈ નોંધપાત્ર જથ્થો છૂટો કરે તેવી શક્યતાં નથી. ઓક્ટોબરની શરૂમાં સરકારી વેરહાઉસિસમાં 2.27 કરોડ ટન ઘઉંનો જથ્થો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં 4.69 કરોડ ટન પર જોવા મળતો હતો. 2022માં સરકારની ઘઉંની ખરીદીમાં 57 ટકા ઘટાડો જોવા મળ્યો હતો. સરકાર ઘઉંના ભાવને અંકુશમાં રાખવા માટે દેશમાં તેની આયાત પર લાગુ પડતી 40 ટકા ઈમ્પોર્ટ ડ્યુટીને પણ કેટલાંક સમયગાળા માટે હટાવી શકે છે.
કોર્ટના આદેશનું પાલન નહિ કરવા બદલ સેબીને સુપ્રીમની નોટિસ
RILની અરજીને આધારે સુપ્રીમ કોર્ટે માર્કેટ રેગ્યુલેટરને કન્ટેમ્પ્ટ નોટિસ પાઠવી
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝએ સેબી પાસેથી ત્રણ ડોક્યૂમેન્ટ્સની માગ કરી હતી, જે કોર્ટે કહેવા છતાં સેબીએ પૂરા પાડ્યાં નથી
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તરફથી 5 ઓગસ્ટના કોર્ટના ઓર્ડરનું પાલન નહિ કરવા બદલ કરેલી અરજીના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે માર્કેટ રેગ્યુલેટર સેબીને કન્ટેમ્પ્ટ નોટિસ પાઠવી છે. કોર્ટે કરેલા આદેશ મુજબ સેબીએ રિલાયન્સને કેટલાંક ડોક્યૂમેન્ટ્સ પૂરા પાડવાના થતાં હતાં. ન્યાયાધીશ એમઆર શાહ અને એમએમ સુંદ્રેશની બેઠકે પ્રતિવાદીને 2 ડિસેમ્બર સુધીનો સમય આપતાં નોટિસ ઈસ્યુ કરી હતી. જેનો વકિલે સ્વીકાર કર્યો હતો. આરઆઈએલ તરફથી ઉપસ્થિત વકિલ હરિશ સાલ્વેએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે 5 ઓગસ્ટે સેબીને ડોક્યૂમેન્ટ્સની કોપી રજૂ કરવા માટે કહ્યું હોવા છતાં માર્કેટ રેગ્યુલેટરે આજ સુધી કોર્ટના આદેશનું પાલન નથી કર્યું. સેબીનું પ્રતિનિધિત્વ કરી રહેલા અને ભૂતવૂર્વ એટર્ની જનરલ કેકે વેણુગોપાલે જણાવ્યું હતું કે પ્રતિવાદી તરફથી આપવામાં આવેલી રિવ્યૂ પિટિશન હજુ પેન્ડિંગ છે અને તેથી વર્તમાન પ્રક્રિયામાં કોઈ નવો ઓર્ડર પસાર કરવામાં ના આવે તેમ જણાવ્યું હતું. બેંચે તેના આદેશમાં નોંધ્યું હતું કે કોર્ટે રિવ્યૂ પિટિશનમાં 12 ઓક્ટોબર 2022ના રોજ પસાર કરેલા આદેશને અમે જોયો છે. રિવ્યૂ પિટિશન પેન્ડિંગ હોવાની બાબતને અપીલ અથવા રિટ પિટિશન પર સ્ટે સાથે સરખાવી શકાય નહિ. રિવ્યૂ પિટિશનમાં સ્ટે એપ્લિકેશન પેન્ડિંગ છે એટલા માત્રથી કોર્ટ પ્રતિવાદીને કોર્ટના આદેશનું પાલન નહિ કરવાની મંજૂરી આપી શકે નહિ. કોર્ટે આ મુદ્દે 2 ડિસેમ્બરે વધુ સુનાવણી નિર્ધારિત કરી છે.
યુએસ ખાતે ઓક્ટોબર CPIએ રાહત આપતાં ગોલ્ડ ઉછળ્યું
કોમેક્સ ખાતે ગોલ્ડ ફ્યુચર્સ 1770 ડોલરની ત્રણ મહિનાની ટોચે પહોંચ્યો
એમસીએક્સ ગોલ્ડ વાયદો રૂ. 52500 પર ટ્રેડ થયો
ડોલર ઈન્ડેક્સ 107.01ના ત્રણ મહિનાના તળિયે પટકાયો
યુએસ ખાતે ઓક્ટોબર માટેનો કન્ઝ્યૂમર ઈન્ફ્લેશન ડેટા અપેક્ષાથી નીચો આવતાં બુલિયન માર્કેટને મોટી રાહત સાંપડી હતી. માર્કેટની 8 ટકાની અપેક્ષા સામે ઓક્ટોબર માટેનો ફુગાવો 7.7 ટકા પર આવતાં સેન્ટિમેન્ટ પર મોટી પોઝીટીવ અસર ઊભી થઈ હતી. જેની પાછળ ડોલર અને બોન્ડ યિલ્ડ્સ ઊંધા માથે પટકાયાં હતાં. જ્યારે ગોલ્ડ અને ઈક્વિટીઝમાં તીવ્ર ઉછાળો નોંધાયો હતો. ગુરુવારે સાંજ પછી ગોલ્ડમાં શરુ થયેલી તેજીમાં કોમેક્સ વાયદો 65 ડોલર જેટલો ઊચકાયો હતો. આ લખાય છે ત્યારે તે 1769 ડોલરની ત્રણ મહિનાની ટોચ પર ટ્રેડ થઈ રહ્યો છે.
સ્થાનિક કોમોડિટી એક્સચેન્જ એમસીએક્સ ખાતે પણ ગોલ્ડ વાયદો રૂ. 400થી વધુનો સુધારો દર્શાવી રૂ. 52534ની ટોચ પર ટ્રેડ થયો હતો. જોકે ડોલર સામે રૂપિયામાં એક ટકાથી વધુના સુધારા પાછળ ઊંચો સુધારો જળવાયો નહોતો. જોકે તેણે દિવસ દરમિયાન પોઝીટીવ ટ્રેડ દર્શાવ્યું હતું. માર્કેટ વર્તુળોના મતે ડોલર ગગડતાં સોનામાં તીવ્ર બાઉન્સ જોવા મળ્યું છે. ગોલ્ડ અને ડોલર એકબીજા સાથે વ્યસ્ત સંબંધ ધરાવે છે. એપ્રિલથી ઓક્ટોબર મહિના સુધી ગોલ્ડમાં સતત ઘસારો જોવા મળ્યો હતો. જ્યારે નવેમ્બરમાં તે તીવ્ર સુધારો દર્શાવી રહ્યું છે. ગોલ્ડમાં 1770 ડોલર ઉપર 1830 ડોલર સુધીના સુધારાની શક્યતાં ટેકનિકલ એનાલિસ્ટ્સ વ્યક્ત કરી રહ્યાં છે.
બીજા ક્વાર્ટરમાં ભારતીય કોર્પોરેટ્સની વિદેશી લોનમાં બમણી વૃદ્ધિ
જૂન ક્વાર્ટરમાં 3.68 અબજ ડોલર પર સાત ક્વાર્ટર્સના તળિયા પર જોવા મળ્યાં બાદ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભારતીય કોર્પોરેટ્સની ઓવરસિઝ લોન્સ બમણાથી વધુ વધી 6.67 અબજ ડોલર પર પહોંચી હતી એમ આરબીઆઈ ડેટા જણાવે છે. એપ્રિલમાં ભારતીય કંપનીઓનું એક્સટર્નલ કમર્સિયલ બોરોઈંગ(ઈસીબી) ગગડીને માત્ર 36.16 કરોડ ડોલર પર જોવા મળ્યું હતું. જે છેલ્લાં ઘણા વર્ષોનું સૌથી નીચું લેવલ હતું. વૈશ્વિક સ્તરે સેન્ટ્રલ બેંકર્સ તરફથી ઊંચી રેટ વૃદ્ધિ અને લિક્વિડીટી ટાઈટનીંગને કારણે ભારતીય કંપનીઓએ સ્થાનિક બજારમાંથી નાણાકિય સ્રોતો ઊભા કરવાનું પસંદ કરતાં આમ બન્યું હતું. જોકે સ્થાનિક સ્તરે પણ ઈન્ટરેસ્ટ રેટ્સમાં વૃદ્ધિ સાથે લિક્વિડીટી સંકોચાંતા તેઓ ઈસીબી તરફ પરત ફર્યાં હતાં. તેમને ડોલર સામે રૂપિયામાં ઘસારો લાભ પણ મળ્યો હતો.
કોર્પોરેટ હેડલાઈન્સ
ઈન્ડિયન હોટેલ્સઃ તાતા જૂથ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 121.6 કરોડનો પ્રોફિટ દર્શાવ્યો હતો. તેણે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 120.6 કરોડની ખોટ નોંધાવી હતી. કંપનીની રેવન્યૂ ગયા વર્ષે રૂ. 728.4 કરોડની સામે 69 ટકા ઉછળી રૂ. 1232.6 કરોડ પર રહી હતી.
કેપીટીએલઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 98 કરોડનો નફો નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 83 કરોડની સરખામણીમાં 18.1 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 3549 કરોડ સામે ચાલુ વર્ષે 7 ટકા વધી રૂ. 3798 કરોડ રહી હતી.
અદાણી ગ્રીન એનર્જીઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 149 કરોડનો નફો નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 100 કરોડની સરખામણીમાં 49 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 1411 કરોડ સામે ચાલુ વર્ષે 20 ટકા વધી રૂ. 1686 કરોડ રહી હતી.
કોન્કોરઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 303 કરોડનો નફો નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 264 કરોડની સરખામણીમાં 15 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 1824 કરોડ સામે ચાલુ વર્ષે 8 ટકા વધી રૂ. 1971 કરોડ રહી હતી.
એપોલો હોસ્પિટલ્સઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 213 કરોડનો નફો નોંધાવ્યો હતો. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 3717 કરોડ સામે ચાલુ વર્ષે 14 ટકા વધી રૂ. 4251 કરોડ રહી હતી.
સુઝલોનઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 57.4 કરોડનો નફો નોંધાવ્યો હતો. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 10.6 કરોડની ખોટ દર્શાવી હતી. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 1355.6 કરોડ સામે ચાલુ વર્ષે 6 ટકા વધી રૂ. 1438 કરોડ રહી હતી.
ઓરિએન્ટ પેપરઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 7.6 કરોડનો નફો નોંધાવ્યો હતો. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 12 કરોડની ખોટ દર્શાવી હતી. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 140 કરોડ સામે ચાલુ વર્ષે 58 ટકા વધી રૂ. 220 કરોડ રહી હતી.
બર્ગર પેઈન્ટ્સઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 219.4 કરોડનો નફો નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 218.9 કરોડની સરખામણીમાં ફ્લેટ વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 2225 કરોડ સામે ચાલુ વર્ષે 20 ટકા વધી રૂ. 2671 કરોડ રહી હતી
સેઈલઃ સ્ટીલ કંપનીએ રૂ. 329 કરોડની ખોટ દર્શાવી હતી. જે રૂ. 220 કરોડની ખોટની અપેક્ષા કરતાં ઊંચી હતી. કંપનીની આવક જૂન ક્વાર્ટરમાં રૂ. 24028 કરોડ સામે વધી રૂ. 26246 કરોડ પર રહી હતી.
ઝોમેટોઃ ફૂડ ડિલિવરી કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 251 કરોડની ખોટ નોંધાવી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 430 કરોડ પર હતી. કંપનીની રેવન્યૂ રૂ. 1024 કરોડ સામે રૂ. 1661 કરોડ પર રહી હતી.
Market Summary 11 November 2022
November 11, 2022