Categories: Market TipsNEWS

Market Summary 13 September 2022

મેટલ, બેંકિંગ અને એફએમસીજી તરફથી સાંપડેલો સપોર્ટ

આઈટી, ઓટોમાં જોવા મળતું દબાણ

હેવીવેઈટ રિલાયન્સ ફરી રૂ. 2600ની ઉપર જોવાયો

ભારતી એરટેલ સર્વોચ્ચ સપાટીએ ટ્રેડ થયો

અદાણી પોર્ટ્સ અને અદાણી એન્ટરપ્રાઈઝ પણ નવી ટોચે

એસીસી, અંબુજા સિમેન્ટ્સમાં મજબૂતી જારી

વોલેટિલિટી ઈન્ડેક્સ 2.6 ટકા ગગડી 17.47ની સપાટીએ

વૈશ્વિક બજારોમાં એકંદરે મજબૂતી જળવાય

બ્રોડ માર્કેટમાં ઉપરના સ્થળે ડિસ્ટ્રીબ્યુશનના સંકેત



ભારતીય શેરબજારમાં તેજીવાળાઓની પકડ અકબંધ રહેતાં બેન્ચમાર્ક્સ તેમની પાંચ મહિનાની ટોચ પર ટેડ થયા હતા. સતત ચોથા દિવસે માર્કેટમાં તેજી વચ્ચે માસિક ધોરણે બેન્ચમાર્ક્સે સર્વોચ્ચ બંધ પણ દર્શાવ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 456 પોઈન્ટ્સ ઉછળી 60571ની સપાટીએ જ્યારે નિફ્ટી 133 પોઈન્ટ્સના સુધારા સાથે 18070ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં ભારે ખરીદીની પાછળ સેન્સેક્સના 30માંથી 23 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે સેન્સેક્સના 50માંથી 34 કાઉન્ટર્સ સુધારા સાથે બંધ જોવા મળ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં જોકે બ્રેડ્થ છેલ્લાં બે સત્રો જેટલી મજબૂત જોવા નહોતી મળી. બીએસઈ ખાતે તે લગભગ ન્યૂટ્રલ રહી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ 2.6 ટકા ઘટાડે 17.47ની સપાટી પર જોવા મળ્યો હતો.

યુએસ બજાર ખાતે વોલેટિલિટી વચ્ચે મજબૂતી જળવાતાં એશિયન બજારો સતત બીજા દિવસે પોઝીટીવ જોવા મળતાં હતાં. એકમાત્ર હોંગ કોંગ માર્કેટ નરમાઈ સૂચવતું હતું. કોરિયન બજારમાં 2.5 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો. જાપાન, તાઈવાન અને ચીન પણ મજબૂતી દર્શાવી રહ્યાં હતાં. આમ ભારતીય બજારને સપોર્ટ સાંપડ્યો હતો. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 17936ના બંધ સામે 18044ની સપાટીએ ખૂલી ધીમે-ધીમે સુધરતો જોવા મળ્યો હતો. તેણે ઈન્ટ્રા-ડે ધોરણે 18088ની ટોચ દર્શાવી હતી અને તેની નજીક જ બંધ આપ્યું હતું. નિફ્ટી ફ્યુચર્સ 38 પોઈન્ટ્સના પ્રિમિયમ સાથે 18107.5ની સપાટીએ બંધ રહ્યો હતો. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે બેન્ચમાર્ક માટે હવેનો ટાર્ગેટ 18200નું સ્તર છે. જ્યાં તેને એક અવરોધ નડી શકે છે. જોકે જે રીતે બજાર ધીમી ધારે સુધારો દર્શાવી રહ્યું છે. તેને જોતાં તેમનું માનવું છે કે દિવાળી અગાઉ બેન્ચમાર્ક ઓલ-ટાઈમ હાઈ દર્શાવી શકે છે. નિફ્ટીએ ઓક્ટોબર 2021માં 18606ની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યારબાદ તે ઊંચી વધ-ઘટ વચ્ચે જૂનમાં 15200ની નીચે પણ જોવા મળ્યો હતો. જોકે સેન્ટીમેન્ટમાં સુધારા તથા વિદેશી રોકાણકારો તરફથી છેલ્લાં ત્રણ મહિનામાં પોઝીટીવ ઈનફ્લો પાછળ બેન્ચમાર્કે 19 ટકાનું રિટર્ન નોંધાવ્યું છે. ઓગસ્ટમાં રૂ. 51200 કરોડના ઈનફ્લો બાદ સપ્ટેમ્બરમાં પણ એફપીઆઈએ રૂ. 6 હજાર કરોડથી વધુની ખરીદી દર્શાવી છે.

મંગળવારે માર્કેટને સપોર્ટ આપવામાં મેટલ, બેંકિંગ અને એફએમસીજી કાઉન્ટર્સ મુખ્ય હતાં. નિફ્ટી મેટલ 1.3 ટકાની વૃદ્ધિ સાથે છેલ્લાં ચાર મહિનાની ટોચ પર બંધ રહ્યો હતો. જેમાં સુધારો દર્શાવવામાં વેદાંત ટોચ પર હતો. આ ઉપરાંત રત્નમણિ મેટલ, એપેલ એપોલો, મોઈલ, જિંદાલ સ્ટીલ, હિંદાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ, સેઈલ અને નાલ્કો પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી બેંક 0.74 ટકા મજબૂતી સાથે 40873ની છ મહિનાની ટોચ પર ટ્રેડ થયો હતો. જેમાં બંધન બેંક 3.3 ટકા સાથે સુધારામાં ટોચ પર હતો. આ ઉપરાંત ઈન્ડસઈન્ડ બેંક, એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક, એચડીએફસી બેંક અને એક્સિસ બેંક પણ સુધારો દર્શાવી રહ્યાં હતાં. બીજી બાજુ પીએનબી, આઈડીએફસી ફર્સ્ટ બેંક, ફેડરલ બેંક, બેંક ઓફ બરોડા નરમાઈ સૂચવતાં હતાં. નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ 0.75 ટકા મજબૂતી સાથે 44252ની સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યો હતો. જેમાં ટાટા કન્ઝ્યૂમર 3 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત બ્રિટાનિયા, ઈમામી, આઈટીસી, વરુણ બેવરેજીસ, કોલગેટ અને નેસ્લે પણ સુધારો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસિસમાં એક ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી. જેનું મુખ્ય કારણ એનબીએફસી અને ઈન્શ્યોરન્સ શેર્સમાં તેજી હતું. બજાજ ફાઈનાન્સ 1.6 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એચડીએફસી લાઈફ, એસબીઆઈ લાઈફ, એચડીએફસી, એચડીએફસી બેંક વગેરે પણ એક ટકાથી વધુનો સુધારો સૂચવી રહ્યાં હતાં. નિફ્ટી એનર્જી 0.36 ટકા સાથે સાધારણ પોઝીટીવ જોવા મળ્યો હતો. જેમાં પાવર ગ્રીડ કોર્પોરેશન, રિલાયન્સ અને એનટીપીસી સુધરવામાં અગ્રણી હતા. ઓઈલ માર્કેટિંગ કંપનીઓના શેર્સમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી ઓટો લગભગ ફ્લેટ બંધ સૂચવી રહ્યો હતો. જેમાં બોશ, ટાટા મોટર્સ, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ અને હીરોમોટો કોર્પ જેવા કાઉન્ટર્સ પોઝીટીવ બંધ સૂચવી રહ્યાં હતાં. જ્યારે છેલ્લાં કેટલાંક સત્રોથી સતત સુધારો દર્શાવનાર ટ્યૂબ ઈન્વેસ્ટમેન્ટમાં 3 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ટીવીએસ મોટર, અમર રાજા બેટરી, અશોર લેલેન્ડ અને આઈશર મોટર્સમાં પણ નરમાઈ જોવા મળી રહી હતી. સતત ત્રણ સત્રોમાં મજબૂતી દર્શાવ્યા બાદ આઈટી કાઉન્ટર્સ નરમાઈ સૂચવતાં હતાં. જેમાં એલએન્ડટી ઈન્ફોટેક, માઈન્ડટ્રી, ટીસીએસ, એમ્ફેસિસ, કોફોર્જ, ટેક મહિન્દ્રા અને એચસીએલ ટેક્નો મુખ્ય હતાં. ઈન્ફોસિસ અને વિપ્રો પોઝીટીવ જોવા મળ્યાં હતાં.

એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો ટ્રેન્ડ 4.3 ટકા સુધારે બંધ રહ્યો હતો. આ ઉપરાંત એલએન્ડટી ફાઈનાન્સ, એસઆરએફ, દિપક નાઈટ્રેટ, પોલીકેબ, સિમેન્સ, જીએમઆર ઈન્ફ્રા, એસીસી, વેદાંત, અદાણી એન્ટરપ્રાઈઝ, ઈપ્કા લેબ્સ, વોડાફોન અને સન ટીવી નેટવર્કમાં 2 ટકાથી વધુ સુધારો જોવા મળી રહ્યો હતો. બીજી બાજુ એસ્ટ્રાલમાં 4.2 ટકાનો ઊંચો ઘટાડો નોંધાયો હતો. ઉપરાંત ડો. લાલ પેથલેબ્સ, સીજી કન્ઝ્યૂમર, દાલમિયા ભારત, ફર્સ્ટ સોલ્યુશન, મેટ્રોપોલીસ, એપોલો ટાયર્સ, ટોરેન્ટ પાવરમાં પણ નરમાઈ જોવા મળતી હતી. બ્રોડ માર્કેટની વાત કરીએ તો બ્રેડ્થ ન્યૂટ્રલ જળવાય હતી. બીએસઈ ખાતે કુલ 3600 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1818 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1677માં ઘટાડો જોવા મળ્યો હતો. 243 કાઉન્ટર્સે તેમની સર્વોચ્ચ અથવા વાર્ષિક ટોચ નોંધાવી હતી. જ્યારે 12 કાઉન્ટર્સે તેમનું 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. 105 કાઉન્ટર્સ તેમના અગાઉના બંધ સ્તરે ફ્લેટ જોવા મળ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં ભારતી એરટેલે સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. જ્યારે અદાણી જૂથની કંપનીઓમાં અદાણી પોર્ટ્સ અને અદાણી એન્ટરપ્રાઈઝિસે પણ સર્વોચ્ચ ટોચ નોંધાવી હતી.








ન્યૂ-એજ ટેક કંપનીઓને IPO પ્રાઈસ સૂચવવાનું કામ અમારું નથીઃ સેબી ચીફ

સેબી વડાના જણાવ્યા મુજબ આઈપીઓ અગાઉના પ્લેસમેન્ટમાં વેલ્યૂએશન વખતે અને આઈપીઓના ઓફર ભાવ વચ્ચે વેલ્યૂએશન્સમાં ફેરફાર સમજાવવા વધુ ડિસ્ક્લોઝર્સની જરૂર



સેબી ચેરમેન માધવી પુરી બૂચે જણાવ્યું છે કે ન્યૂ-એજ ટેક્નોલોજી કંપનીઓને તેમના આઈપીઓ પ્રાઈસિંગ માટે સૂચન કરવાનું કામ કેપિટલ માર્કેટ રેગ્યુલેટરનું નથી. જોકે સાથે તેમણે એ પણ જણાવ્યું હતું કે વેલ્યૂએશન્સને લઈને કંપનીઓએ વધુ ડિસ્ક્લોઝર્સ કરવાની જરૂર છે. તેમણે પ્રિ-આઈપીઓ પ્લેસમેન્ટ વખતના વેલ્યૂએશન્સ અને આઈપીઓમાં તેમના તરફથી માગવામાં આવી રહેલા ભાવ વચ્ચે બદલાવને સમજાવવાનો રહેશે.

ઈન્ડસ્ટ્રી લોબી ફિક્કી આયોજિત વાર્ષિક કેપિટલ માર્કેટ્સ સમિટમાં બોલતાં બૂચે જણાવ્યું હતું કે ટેક કંપનીઓના આઈપીઓ પ્રાઈસિંગને લઈને ઘણું બધું કહેવાઈ ચૂક્યું છે. તેમણે કયા ભાવે આઈપીઓ કરવો એ કહેવાનું કામ અમારું નથી. મૂળે બેંકર એવા સેબી ચેરમેન માર્કેટ રેગ્યુલેટરના પ્રથમ મહિલા ચીફ છે. તેમણે એક દ્રષ્ટાંતમાં જણાવ્યું હતું કે એક કંપની આઈપીઓ અગાઉ રોકાણકારોને રૂ. 100ના ભાવે શેર ઓફર કરે છે. જ્યારે કેટલાંક મહિનાઓ બાદ તે આઈપીઓમાં તે જ શેર રૂ. 450ના ભાવે ઓફર કરે છે. તેણીએ જણાવ્યું હતું કે કંપની ઊંચો ભાવ માગવા માટે મુક્ત છે પરંતુ તેણે એ વાત જાહેર કરવાની રહેશે કે પ્રિ-આઈપીઓ શેર વેચાણ અને આઈપીઓ વચ્ચેના સમયગાળામાં એવું શું બન્યું કે શેરનો ભાવ વધી ગયો. ગયા વર્ષે પેટીએમ અને પીબી ઈન્ફોટેક જેવી કંપનીઓએ ઊંચા વેલ્યૂએશન્સ પર કરેલાં આઈપીઓમાં રિટેલ ઈન્વેસ્ટર્સે ભોગવવા પડેલા જંગી નુકસાન બાદ સેબીએ પ્રાઈસિંગને લઈને સવાલો ઉઠાવ્યાં છે. તાજેતરમાં બનેલી કેટલીક ઘટનાઓનો ઉલ્લેખ કરીને આવુ ના બને તે માટે શું કરવું જોઈએ તેવા સવાલના જવાબમાં બૂચે જણાવ્યું હતું કે ઈન્વેસ્ટમેન્ટ બેંકર્સે તેનો જવાબ આપવાનો રહેશે. દરમિયાનમાં તેમણે ઉમેર્યું હતું કે ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ સેગમેન્ટમાં રિટેલ પાર્ટિસિપેશન ડેટાનું સેબી એનાલિસિસ કરી રહી છે. સેબી તેના અભિગમમાં વિચાર-વિમર્શ સાથે સંપૂર્ણપણે લોકશાહી ઢબનું પાલન કરશે એમ તેણીએ ઉમેર્યું હતું.







જૂનના તળિયેથી સેક્ટરલ ઈન્ડાઈસિસમાં 34 ટકા સુધીનું તગડું રિટર્ન

બેન્ચમાર્ક નિફ્ટીએ ત્રણ મહિના અગાઉના તળિયા સામે લગભગ 19 ટકાનું વળતર આપ્યું

પાવર, કેપિટલ ગુડ્ઝ, રિઅલ્ટી, કન્ઝ્યૂમર ડ્યૂરેબલ અને બેંકિંગે નોંધપાત્ર ચઢિયાતો દેખાવ નોંધાવ્યો



શેરબજારમાં છેલ્લું એક ક્વાર્ટર ભરપૂર તેજીનું બની રહ્યું છે. મંગળવારે બેન્ચમાર્ક નિફ્ટી લગબગ પાંચ મહિના બાદ 18 હજારના સ્તર પર જોવા મળ્યો હતો ત્યારે અનેક સેક્ટરલ સૂચકાંકો તેમની સર્વોચ્ચ સપાટી પર અથવા તો તેનાથી ખૂબ છેટે ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. છેલ્લાં ત્રણ મહિનામાં બીએસઈ ખાતે સેક્ટરલ સૂચકાંકોએ 34 ટકા સુધીનું ઊંચું રિટર્ન નોંધાવ્યું છે. જેમાં પાવર, કેપિટલ ગુડ્ઝ, રિઅલ્ટી, કન્ઝ્યૂમર ડ્યૂરેબલ અને બેંકિંગ મુખ્ય છે. સમાનગાળામાં બેન્ચમાર્ક નિફ્ટી 19 ટકા જેટલું રિટર્ન સૂચવી રહ્યો છે.

બીએસઈ ખાતે પાવર ઈન્ડેક્સ 34 ટકા સાથે સૌથી ઊંચું વળતર દર્શાવી રહ્યો છે. પીએસયૂ તથા પ્રાઈવેટ સેક્ટરની એનર્જી કંપનીઓના શેર્સ તેમના ઘણા વર્ષોના ટોચના સ્તરે જોવા મળી રહ્યાં છે. જેની પાછળ પાવર શેર્સમાં મોટી તેજી નોંધાઈ છે. એનટીપીસી, એનએચપીસી, ટાટા પાવર સહિત અનેક કાઉન્ટર્સ પાછળ બેન્ચમાર્કમાં ઊંચો સુધારો જોવા મળ્યો છે. પાવર પછીના ક્રમે રિટર્ન આપવામાં કેપિટલ ગુડ્ઝ સેક્ટર આવે છે. કેપિટલ ગુડ્ઝ ઈન્ડેક્સ 32.58 ટકા સુધારે તેની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે. લાર્સન, સિમેન્સ, એબીબી જેવા શેર્સ તેમની ઓલ-ટાઈમ હાઈ પર ટ્રેડ દર્શાવી રહ્યાં છે. લગભગ અડધા દાયકા સુધી સુષુપ્ત રહ્યાં બાદ કેપિટલ ગુડ્ઝ શેરોએ છેલ્લાં કેટલાંક મહિનાઓમાં બ્રોડ માર્કેટ સામે આઉટપર્ફોર્મન્સ નોંધાવ્યું છે. આવી જ રીતે રિઅલ્ટી શેર્સ પણ માર્કેટમાં કરેક્શન પૂરું થયા બાદ ફરીથી તેજીમાં જોવા મળ્યાં છે. જેમાં બેંગલૂરું અને મુંબઈ સ્થિત રિઅલ્ટી ડેવલપર કંપનીઓના શેર્સમાં ભારે તેજી નોંધાઈ છે. બીએસઈ રિઅલ્ટી ઈન્ડેક્સ 27 ટકા ઉછળ્યો છે. મજબૂત દેખાવ દર્શાવનાર સેક્ટરલ સૂચકાંકોમાં કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ, બેંકેક્સ, મેટલ અને ઓટોનો સમાવેશ પણ થાય છે. આ તમામ સેક્ટરલ બેન્ચમાર્ક્સ 25-22 ટકા સુધીનું રિટર્ન દર્શાવી રહ્યાં છે. જેમાં ઓટો ઈન્ડેક્સે તાજેતરમાં જ તેની સર્વોચ્ચ સપાટી બનાવી છે. જ્યારે બેંકેક્સ તેની નવેમ્બર 2021ની ઓલ-ટાઈમ ટોચથી થોડે છેટે જોવા મળી રહ્યો છે. જ્યારે મેટલ ઈન્ડેક્સ સર્વોચ્ચ સપાટીએથી 10 ટકા જેટલો દૂર છે. જૂન મહિનાથી અત્યાર સુધીમાં 21 ટકા રિટર્ન દર્શાવનાર એફએમસીજી ઈન્ડેક્સ તેની ઓલ-ટાઈમ હાઈ પર ટ્રેડ દર્શાવી રહ્યો છે. સિગારેટ અગ્રણી આઈટીસીએ છેલ્લાં બે મહિનામાં નોંધાવેલા તીવ્ર સુધારા પાછળ એફએમસીજી ઈન્ડેક્સ નવી ટોચ દર્શાવતો રહ્યો છે. મંગળવારે પણ આઈટીસીએ તેની પાંચ વર્ષોની રૂ. 335ની નવી ટોચ દર્શાવી હતી.

છેલ્લાં ક્વાર્ટરમાં બેન્ચમાર્કની સરખામણીમાં અન્ડરપર્ફોર્મન્સ દર્શાવવામાં ઈન્ફર્મેશન ટેક્નોલોજી, હેલ્થકેર અને ઓઈલ એન્ડ ગેસ અગ્રણી છે. આ ક્ષેત્રોના ઈન્ડાઈસિસ 9-13 ટકા સુધીનું વળતર સૂચવે છે. જે નિફ્ટીની સરખામણીમાં નોંધપાત્ર નીચું છે. છેલ્લાં કેટલાંક સત્રોથી આઈટી કાઉન્ટર્સમાં ખરીદી જોવા મળી છે. જોકે તેઓ ઊંચા સ્તરે ટકવામાં પરેશાની અનુભવી રહ્યાં છે. યુએસ અને યુરોપ ખાતે મંદીને કારણે આઈટી બિઝનેસને લઈને ચિંતા ઊભી થઈ છે. મંગળવારે એક અહેવાલ મુજબ એચસીએલ ટેક્નોલોજીએ 350થી વધુ કર્મચારીઓને છૂટા કર્યાં છે. જેને કારણે ત્રણ સત્રોથી મજબૂત આઈટી કાઉન્ટર્સ કોન્સોલિડેશનમાં જોવા મળ્યાં હતાં. જ્યારે હેલ્થકેર સેક્ટરને લઈને પણ માર્જિન બાબતે ચિંતા ઊભી છે. યુએસ માર્કેટમાં નોંધપાત્ર હાજરી ધરાવતી અનેક ભારતીય કંપનીઓ પ્રાઈસિંગ પ્રેશરનો સામનો કરી રહી છે અને તેથી ઘણી કંપનીઓ વાર્ષિક તળિયા નજીક ટ્રેડ દર્શાવી રહી છે.



જૂનના તળિયેથી અત્યાર સુધીમાં બીએસઈ ખાતે સેક્ટરલ પર્ફોર્મન્સ

સેક્ટરલ બેંન્ચમાર્ક જૂનમાં બનેલું બોટમ બજારબાવ વૃદ્ધિ(ટકામાં)

પાવર 3902.89 5217.14 33.67

કેપિટલ ગુડ્ઝ 25525.07 33841.4 32.58

રિઅલ્ટી 3008.68 3818.46 26.91

કન્ઝ્યૂમર ડ્યૂરેબલ 34713.74 43726.95 25.96

બેંકેક્સ 37607.55 46771.72 24.37

મેટલ 15895.96 19398.07 22.03

ઓટો 24975.25 30373.06 21.61

FMCG 13386.86 16156.42 20.69

PSU 7905.32 9356.05 18.35

ઓઈલ એન્ડ ગેસ 17742.77 20095.74 13.26

હેલ્થકેર 21347.75 23293.4 9.11

ટેક 12551.07 13684.53 9.03

આઈટી 27543.01 29714.97 7.89









ગયા નાણા વર્ષમાં 35 લાખ યુઝ્ડ કાર્સનું વેચાણ થયું

મહામારીની અસર વચ્ચે નાણા વર્ષ 2022-23માં દેશમાં 35 લાખ યુઝ્ડ કાર્સનું વેચાણ નોંધાયું હતું. દેશમાં ટીયર-2 અને ટીયર-3 શહેરોમાં યુઝ્ડ કાર્સ માર્કેટમાં વૃદ્ધિ જોવા મળી હતી. જો વૈશ્વિક સ્તરે જોઈએ તો ગયા નાણા વર્ષમાં 4 કરોડ યુઝ્ડ કાર્સનું વેચાણ નોંધાયું હતું. એક અભ્યાસ મુજબ 2026-27 સુધીમાં ભારતમાં યુઝ્ડ કાર્સનું વેચાણ વાર્ષિક સરેરાશ 19.5 ટકાના દરે વૃદ્ધિ પામી 80 લાખ યુનિટ્સ પર પહોંચવાની શક્યતાં છે. દેશમાં યુઝ્ડ કાર્સની 60-65 ટકા માગ નોન-મેટ્રોમાં જોવા મળી રહી છે. જ્યારે મેટ્રોમાં 35-40 ટકા માગ રહે છે. જ્યારે સપ્લાય મુખ્યત્વે મેટ્રો કેન્દ્રિત હોય છે. જેમાં મુંબઈ, દિલ્હી, એનસીઆર, બેંગલૂરુ, ચેન્નાઈ અને હૈદરાબાદ મુખ્ય છે. નોન-મેટ્રોમાં યુઝ્ડ કાર્સનો સપ્લાય 35-40 ટકા જેટલો જોવા મળે છે. 2025-26 સુધીમાં નાના શહેરોમાં યુઝ્ડ કાર્સની માગ સરેરાશ 30 ટકાના દરે વૃદ્ધિ દર્શાવે તેવી શક્યતાં છે.



PSU બેંક્સે MCLRમાં 5-25 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ કરી

જાહેર ક્ષેત્રની બેંકિંગ કંપનીઓએ માર્જિન કોસ્ટ ઓફ ફંડ્સ-બેઝ્ડ લેંડિંગ રેટ(એમસીએલઆર)માં ઉપરતરફી સુધારો કર્યો છે. જેમાં યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ દરેક મુદત માટેના એમસીએલઆરમાં 5-25 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ દર્શાવી છે. તેણે 11 સપ્ટેમ્બરથી અમલી બને તે રીતે આ વધારો કર્યો છે. હવેતી તેના ઓવરનાઈટથી ત્રણ વર્ષ માટેના એમસીએલઆર 7 ટકાથી 8.10 ટકા રહેશે. તમિલનાડુ મુખ્યાલય ધરાવતી ઈન્ડિયન ઓવરસીઝ બેંકે પણ એમસીએલઆર 10 બેસીસ પોઈન્ટ વધાર્યો છે. તેણે તમામ મુદત માટે આ વૃદ્ધિ કરી છે. જે 10 સપ્ટેમ્બરથી અમલમાં આવી છે. તેના ઓવરનાઈટથી ત્રણ વર્ષ માટેનો એમસીએલઆર હવેથી 7.05 ટકાથી 7.8 ટકાની રેંજમાં રહેશે. ગયા સપ્તાહે બેંક ઓફ બરોડાએ પણ તેના એમસીએલઆરમાં 12 સપ્ટેમ્બરથી અમલી બને તે રીતે 15 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ દર્શાવી હતી. પ્રાઈવેટ બેંક એચડીએફસીએ પણ ગયા સપ્તાહે તેના એમસીએલઆરમાં 10 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ નોંધાવી હતી.







કોર્પોરેટ હેડલાઈન્સ



મારુતિ સુઝુકીઃ ટોચની કાર ઉત્પાદકે ચાલુ વર્ષે તેના પેસેન્જર વેહીકલ્સનું વેચાણ વિક્રમી 40 લાખ ટનને પાર કરી જશે એવો અંદાજ બાંધ્યો છે. સેમીકંડક્ટર્સની અછત હળવી થતાં કંપની તેની પાસેના 4.18 લાખ પેન્ડિંગ ઓર્ડર્સ પૂરા કરી શકશે એમ માને છે.

પીએસયૂ બેંક્સઃ બે અગ્રણી પીએસયૂ બેંક્સ, કેનેરા બેંક અને પીએનબી રૂ. 3 હજાર કરોડના એટીવન બોન્ડ્સ ઈસ્યુ કરે તેવી શક્યતાં છે. જેમાં કેનેરા બેંક એટીવન બોન્ડ્સ મારફતે રૂ. 2500 કરોડ ઊભા કરશે. જેમાં રૂ. 1500 કરોડના ગ્રીનશૂ ઓપ્શનનો સમાવેશ થતો હતો. જ્યારે પીએનબી રૂ. 1000 કરોડ ઊભા કરે તેવી શક્યતાં છે. જેમાં રૂ. 500 કરોડનો ગ્રીનશૂ ઓપ્શન રહેશે.

રાઈસ એક્સપોર્ટ્સઃ સરકારે દેશમાંથી ચોખાની નિકાસકરનારાઓને રાહત આપી છે. તેણે એક સ્પષ્ટતામાં ત્રણ કિસ્સાઓમાં ચોખાની નિકાસ માટે છૂટની જાહેરાત કરી છે. જેની પાછળ રાઈસ એક્સપોર્ટર્સ કંપનીઓના શેર્સમાં ઉછાળો નોંધાયો હતો.

તાતા કન્ઝ્યૂમરઃ તાતા જૂથની કંપની તાતા કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સ હેલ્થ સપ્લિમેન્ટ સેગમેન્ટમાં પ્રવેશી છે. કંપની દૈનિક વપરાશમાં આવતી વેલનેસ પ્રોડક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

અમેઝોન સેલર સર્વિસિઝઃ યુએસ ઈ-કોમર્સ જાયન્ટની ભારતીય માર્કેટપ્લેસ પાંખે 2021-22માં રૂ. 3649 કરોડની ખોટ દર્શાવી હતી. જોકે તેની આવક વાર્ષિક ધોરણે 32 ટકા ઉછળી રૂ. 21633 કરોડ રહી હતી.

અદાણી ટ્રાન્સમિશનઃ અદાણી જૂથ કંપનીએ એડીએજી જૂથની રિલાયન્સ ઈન્ફ્રા તરફથી કરવામાં આવેલા એડિશ્નલ આર્બિટ્રેશન ક્લેમ્સને ફગાવ્યો છે. આરઈન્ફ્રાએ માત્ર રૂ. 500 કરોડનો જ ક્લેઈમ કર્યો હોવાનું અદાણી ટ્રાન્સમિશને જણાવ્યું છે.

પૈસાલોઃ કંપનીએ રૂ. 795 પ્રતિ વોરંટના આધારે પ્રેફરન્શિયલ બેસીસ પર પ્રમોટર ગ્રૂપને ફૂલ્લી કન્વર્ટિબલ વોરંટ્સની ફાળવણી કરી છે.

ટીસીએસઃ અગ્રણી આઈટી સર્વિસ કંપનીએ સીએન્ડએસ હોલસેલ ગ્રોસર્સ ઈન્ક પાસેથી ગૂગલ ક્લાઉડ પર નવું ઓપરેશન્સ પ્લેટફોર્મ બાંધવા માટે ઓર્ડર મેળવ્યો છે.

આઈઆરબી ઈન્ફ્રાઃ રોડ ઓપરેટર કંપનીએ ઓગસ્ટ મહિનામાં વાર્ષિક ધોરણે 35 ટકા વૃદ્ધિ સાથે રૂ. 336 કરોડનું કલેક્શન મેળવ્યું છે.

ઉજ્જીવન ફાઈનાન્સિયલઃ ડ્યૂરો ઈન્ડિયા ઓપોર્ચ્યુનિટિઝ ફંડે ડ્યૂરો વન ઈન્વેસ્ટમેન્ટ્સમાં વધુ 8.55 લાખ શેર્સની ખરીદી કરી છે.

રામકૃષ્ણ ફોર્જિંગ્સઃ કંપનીએ પ્રમોટર્સ તથા પબ્લિક કેટેગરીને પ્રેફરન્શિયલ બેસીસ પર 46 લાખ કન્વર્ટિબલ વોરંટ્સ ઈસ્યુ કર્યાં છે. તેણે રૂ. 205 પ્રતિ વોરંટના ભાવે આ ફાળવણી કરી છે.

કોલ ઈન્ડિયાઃ પીએસયૂ કોલ ઉત્પાદક કંપનીએ મંગળવારથી 10 કમર્સિયલ કોલ માઈન્સના ઈ-ઓક્શનની શરૂઆત કરી હતી.

ઉજ્જીવન એસએફબીઃ સ્મોલ ફાઈનાન્સ બેંકે તેના ક્વિપ આઈપીઓ માટે રૂ. 21.93 પ્રતિ શેરનો ફ્લોર પ્રાઈસ નિર્ધારિત કર્યો છે.

કેઆઈએમએસઃ જનરલ એટલાન્ટિક સિંગાપુરે ક્રિષ્ણા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાઈન્સિઝના 2.75 ટકા હિસ્સા અથવા 22 લાખ શેર્સનું વેચાણ કર્યું હતું.

ઓએનજીસીઃ પીએસયૂ ઓઈલ એક્સપ્લોરરે સીબીએમ બીડ રાઉન્ડ 2021 હેઠળ ડીએસએફ-3, 2 કોન્ટ્રેક્ટ્સમાં ઓફશોરિંગ દરમિયાન શોધેલો સ્મોલ ફિલ્ડ્સ માટે 6 કોન્ટ્રેક્ટ્સ પર સાઈન કરી છે.

ફોર્ટિસ હેલ્થકેરઃ ન્યૂ જર્સી ડિસ્ટ્રીક્ટ માટેની યુએસ ફેડરલ ડિસ્ટ્રીક્ટ કોર્ટે એમકોર એન્વેસિક્યોર પ્રાઈવેટ કેપિટલ ટ્રસ્ટની ફોર્ટિસ સામેની ફરિયાદને ફગાવી દીધી છે.

સનટેક રિઅલ્ટીઃ મુંબઈ સ્થિત રિઅલ્ટરે મીરા રોડ પર જેડીએ મોડેલ હેઠળ 7.25 એકર્સની પોશ લેન્ડ પાર્સલની ખરીદી કરી છે.

Rushit Parmar

Recent Posts

Rubicon Research IPO: Apply for Short-Term Gains?

Unlocking an Upcoming Investment Opportunity: Rubicon Research IPO Rubicon Research is making headlines with its…

3 weeks ago

Canara Robeco IPO: Apply for Short-Term Gains or Avoid?

Unlocking the Canara Robeco Asset Management Company IPO: A Guide for Every Investor Did you…

3 weeks ago

Tata Turmoil: 5 Secrets to Protect Your Wallet Now

Imagine you’re at a big family gathering and suddenly, your relatives start arguing about who…

3 weeks ago

Shlokka Dyes IPO Verdict: Apply for Short-Term Gains?

Shlokka Dyes IPO: Is It Worth Your Investment? Did you know that Shlokka Dyes is…

4 weeks ago

LG India IPO Verdict: Apply for Listing Gains Today!

LG India IPO: Should You Buy a Piece of Your TV and Fridge Company? Introduction…

4 weeks ago

5 Simple Steps to Secure a Wealthy Retirement Before 40

Did you know that starting your retirement planning in India before your 40s can make…

4 weeks ago

This website uses cookies.