Categories: Market Tips

Market Summary 14/04/23

ગયા નાણા વર્ષમાં MF એસેટ્સ 5 ટકા વધી રૂ. 39.42 લાખ કરોડે પહોંચી
2022-23માં નવા 40 લાખ ઈન્વેસ્ટર્સે મ્યુચ્યુલ ફંડ ઈન્વેસ્ટમેન્ટ શરુ કર્યું

મ્યુચ્યુલ ફંડ ઉદ્યોગે માર્ચ 2023ની આખરમાં રૂ. 39.42 લાખ કરોડનું એસેટ અંડર મેનેજમેન્ટ(એયૂએમ) નોંધાવ્યું હતું. જે અગાઉના વર્ષની આખરમાં રૂ. 37.57 લાખ કરોડની સરખામણીમાં 5 ટકા વૃદ્ધિ સૂચવે છે. વર્ષ દરમિયાન નવા 40 લાખ રોકાણકારોના એમએફ પ્રવેશને કારણે એયૂએમ વૃદ્ધિ જોવા મળી હતી. વર્ષાંતે કુલ રોકાણકારોની સંખ્યા 3.77 કરોડે પહોંચી હતી. જે અગાઉના વર્ષની આખરમાં 3.37 કરોડ પર હતી એમ એમ્ફીનો ડેટા સૂચવે છે.
માર્ચ મહિનામાં ઈક્વિટી સ્કિમ્સમાં ઈનફ્લો રૂ. 20,534 કરોડની એક વર્ષની ટોચે પહોંચ્યો હતો. જે ફેબ્રુઆરીમાં રૂ. 15,686 કરોડ પર જોવા મળતો હતો. માર્ચમાં રોકાણકારોએ નીચા ભાવે ખરીદી કરવાને કારણે ઈનફ્લોમાં ઉછાળો નોંધાયો હતો. થિમેટીક અને ડિવિડન્ડ યિલ્ડ ફંડ કેટેગરીમાં સૌથી ઊંચો ફ્લો જોવા મળ્યો હતો. આ બંને કેટેગરીઝે અનુક્રમે રૂ. 3929 કરોડ અને રૂ. 3716 કરોડનો ફ્લો મેળવ્યો હતો. જેમાં એસબીઆઈ એમએફ ડિવિન્ડ યિલ્ડ એનએફઓએ સૌથી વધુ રૂ. 3496 કરોડ મેળવ્યાં હતાં. જ્યારે એચડીએફસી એમએનસીએ ફંડે રૂ. 339 કરોડ મેળવ્યાં હતાં. સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન(સિપ) મારફતે માર્ચ મહિનામાં રૂ. 14,276 કરોડનો વિક્રમી ઈનફ્લો જોવા મળ્યો હતો. જે અગાઉના મહિને રૂ. 13,686 કરોડ પર હતો. એસઆઈપીમાં માર્ચ મહિનામાં નવા 21 લાખ એકાઉન્ટ્સ ઓપન થયાં હતાં. હાઈબ્રીડ ફંડ્સમાં મહિનામાં રૂ. 12,372 કરોડનો આઉટફ્લો જોવા મલ્યો હતો. જેમાં આર્બિટ્રેડ ફંડ્સમાં સૌથી વધુ રૂ. 12,158 કરોડનો આઉટફ્લો નોંધાયો હતો. ડેટ ફંડ્સમાં રૂ. 56884 કરોડનો આઉટફ્લો નોંધાયો હતો. રોકાણકારોએ માર્ચના આખરી સપ્તાહમાં રૂ. 31000નો ઈનફ્લો દર્શાવ્યાં છતાં આઉટફ્લો જોવા મળ્યો હતો. લોંગ ટર્મ કેપિટલ ગેઈન્સ માટે ટેક્સ બિનિફિટ્સ પ્રાપ્ય હોવાના કારણે આખરી સપ્તાહમાં રોકાણકારોએ દોટ મૂકી હતી.
છેલ્લાં ત્રણ નાણા વર્ષોમાં મ્યુચ્યુલ ફંડ ઉદ્યોગ ક્ષેત્રે મહિલા રોકાણકારોની સંખ્યામાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. ડિસેમ્બર 2022ની આખરમાં એમએફ ઉદ્યોગમાં કુલ મહિલા રોકાણકારોની સંખ્યા 74.49 લાખ પર હતી. જે ડિસેમ્બર 2019ની આખરમાં 46.99 લાખ પર હતી. કોવિડ પછી સમગ્રતયા રોકાણકારોની સંખ્યામાં વૃદ્ધિ સાથે મહિલા રોકાણકારોની સંખ્યા પણ વધી છે. ડિસેમ્બર 2022ની આખરમાં 18-24 વર્ષની વયની મહિલાઓની સંખ્યા વધી 2.82 લાખ પર પહોંચી હતી. જે ડિસેમ્બર 2019ની આખરમાં 66,417 પર હતી.

સોવરિન ગોલ્ડ બોન્ડ મારફતે ભરણામાં 50 ટકા ઘટાડો નોંધાયો
2021-22માં રૂ. 12991 કરોડ સામે 2022-23માં સરકાર રૂ. 6551 કરોડ મેળવી શકી

સોવરિન ગોલ્ડ બોન્ડ(એસજીબી) મારફતે સરકાર નાણા વર્ષ 2022-23માં માત્ર રૂ. 6551 કરોડ ઊભા કરી શકી હતી. જે રકમ 2021-22માં તેણે ઊભા કરેલા રૂ. 12,991 કરોડની સરખામણીમાં 50 ટકા ઘટાડો દર્શાવે છે. અગાઉના વર્ષે ગોલ્ડ બોન્ડ્સ મારફતે ઊંચી રકમ મેળવવાનું કારણ સોનાના ભાવમાં તેજી હોવાનું વર્તુળો જણાવે છે. જ્યારે 2022-23માં ગોલ્ડમાં મોટેભાગે ડલ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. જોકે, માર્ચ ક્વાર્ટરમાં તેણે નોંધપાત્ર સુધારો દર્શાવ્યો હતો.
માર્ચમાં તેના તાજા તબક્કામાં સરકારે ગોલ્ડ બોન્ડ મારફતે રૂ. 1982 કરોડ ઊભા કર્યાં હતાં. તેણે રૂ. 5611 પ્રતિ ગ્રામના ભાવે બોન્ડ ઈસ્યુ કર્યાં હતાં. જે અગાઉના તબક્કામાં રૂ. 5409ના ભાવે લોંચ કર્યાં હતાં. નાણાકિય વર્ષ 2015-16થી અત્યાર સુધીમાં સરકારે કુલ 63 તબક્કામાં સોવરિન ગોલ્ડ બોન્ડ્સ મારફતે રૂ. 45,243 કરોડ મેળવ્યાં છે. એસજીબીએ ગ્રામમાં સોનાનું વજન ધરાવતી સિક્યૂરિટીઝ છે. જે ફિઝિકલ ગોલ્ડ સામે રોકાણનો વિકલ્પ પૂરો પાડે છે. સરકાર તરફથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા બોન્ડ્સ ઈસ્યુ કરે છે. એસજીબીના ઈશ્યૂની સાથે-સાથે આરબીઆઈએ ફેબ્રુઆરીમાં 3 ટન ગોલ્ડની ખરીદી કરી હતી. જે સાથે તેનો કુલ ગોલ્ડ સંગ્રહ 790 ટન પર પહોંચ્યો હતો. હાલમાં કુલ આઉટસ્ટેન્ડિંગ એસજીબી 101 ટન પર છે. જે આરબીઆઈના કુલ ગોલ્ડ રિઝર્વ્સનું 13 ટકા જેટલું છે. અગ્રણી બ્રોકરેજના જણાવ્યા મુજબ આરબીઆઈ તરફથી ગોલ્ડની ખરીદી એક સેફ્ટી બફર પૂરું પાડે છે. ચાલુ નાણા વર્ષથી ગોલ્ડ ફંડ અને ઈટીએફ્સમાં ઈન્ડેક્સેશનના લાભો દૂર થવાથી તેનું આકર્ષણ ઘટશે. જોકે, 8-વર્ષનો લાંબો રોકાણ સમયગાળો અને એસજીબીના કેટલાંક તબક્કામાં નીચી લિક્વિડિટી સાથે ગોલ્ડના ભાવ સામે ડિસ્કાઉન્ટમાં ટ્રેડિંગને જોતાં આ રોકાણ વિકલ્પથી કેટલાંક ઈન્વેસ્ટર્સ દૂર થઈ શકે છે એમ તેઓ ઉમેરે છે. જોકે, એક અન્ય એનાલિસ્ટના મતે એસજીબી ગોલ્ડમાં રોકાણનો શ્રેષ્ઠ ઓપ્શન છે. કેમકે, તેમાં વાર્ષિક એડિશ્નલ 2.5 ટકા ઈન્ટરેસ્ટ અને ઝીરો કેપિટલ ગેઈન્સ ટેક્સ પ્રાપ્ય છે. સાથે તેની જાળવણીમાં કોઈ વાર્ષિક ખર્ચ પણ લાગુ પડતો નથી. સોનાના ભાવ નવી ટોચ દર્શાવી રહ્યાં હોવાથી એનાલિસ્ટ્સ ચાલુ નાણા વર્ષે રૂ. 1500 કરોડના રિડમ્પ્શનની અપેક્ષા રાખે છે. એસજીબીના લોંચથી અત્યાર સુધીના વર્ષોમાં ઉત્તરોત્તર ગોલ્ડ આયાતમાં ઘટાડો જોવા મળ્યો છે. 2015-16માં ગોલ્ડ આયાત 1136 ટનની જોવા મળી હતી. જે 2021-22માં 706 ટન પર રહી હતી.

રશિયન ડાયમંડ્સ પર પ્રતિબંધ સુરત માટે પડકાર ઊભો કરી શકે
ઉદ્યોગ વર્તુળોના મતે રશિયન ડાયમંડ્સનો સપ્લાટ અટકતાં જોબ્સમાં 25 ટકા ઘટાડો જોવા મળી શકે
ઉદ્યોગની એક કેરેટ અને તેનાથી ઊંચા એવા ઊંચું-મૂલ્ય ધરાવતાં ડાયમંડ્સ પર જ પ્રતિબંધનું સૂચન

યૂએસ અને યુરોપ તરફથી રશિયા ખાતેથી આવી રહેલા ડાયમંડ્સ પર મે મહિનાની આખરથી કડક પ્રતિબંધની અપેક્ષાને જોતાં સુરતના હીરા પોલીશીંગ ઉદ્યોગની ચિંતા વધી છે. એક સંભાવના મુજબ જો રશિયા ખાતેના ડાયમંડનો સપ્લાય બંધ થશે તો દેશમાં સૌથી મોટા ડાયમંડ પોલીશીંગ સેન્ટર ખાતે 25 ટકા નોકરીઓ સામે પડકાર ઊભો થઈ શકે છે.
રશિયન ડાયમંડ પર પ્રતિબંધને લઈને યુએસ અને યુરોપના અધિકારીઓ ડાયમંડ ઉદ્યોગ અને તેમાં પણ ખાસ કરી ભારતીય ભાગીદારો સાથે આ મુદ્દે વાતચીત ચલાવી રહ્યાં છે. જો સખત પ્રતિબંધો લાગુ પડશે તો રશિયા ખાતેથી ડાયમંડ મેળવવા મુશ્કેલ બનશે. તેમજ તેનું યુએસ અને યુરોપિયન માર્કેટ્સ ખાતે વેચાણ પણ અઘરું બની રહેશે. ભારત વિશ્વમાં સૌથી મોટો ડાયમંડ પોલીશીંગ ઉદ્યોગ ધરાવે છે. જેનું મુખ્ય કેન્દ્ર સુરત છે. ગુજરાતના બીજા ક્રમના શહેરમાં 6000થી વધુ ડાયમંડ પોલીશીંગ યુનિટ્સ આવેલાં છે. જે લગભગ દસ લાખથી વધુ કારીગરોને રોજગારી પૂરી પાડે છે. તથા વાર્ષિક ધોરણે 21-24 અબજ ડોલરનું ટર્નઓવર હાંસલ કરે છે. રૂપિયા સંદર્ભમાં તે રૂ. 1.6 લાખ કરોડથી ઊંચું જોવા મળે છે.
ગયા વર્ષે રશિયા-યૂક્રેન યુધ્ધ પછી યુએસે રશિયા સ્થિત વિશ્વના સૌથી મોટા ડાયમંડ માઈનર અલરોસા પર પ્રતિબંધ લાગુ પાડ્યાં હતાં. અલરોસા વિશ્વમાં રફ ડાયમંડ્સનો 27 ટકા સપ્લાય ધરાવે છે. જોકે, મહત્વની બાબત એ છે કે હાલમાં એવી કોઈ વૈજ્ઞાનિક પધ્ધતિ અસ્તિત્વમાં નથી જેનો ઉપયોગ કરી રફ ડાયમંડ ક્યાંથી મેળવવામાં આવ્યો છે તે નક્કી કરી શકાય એમ મુંબઈ સ્થિત ભારત ડાયમંડ બોર્સના પ્રેસિડેન્ટ અનૂપ મહેતા જણાવે છે. આમ, આ પ્રકારના પ્રતિબંધથી વાસ્તવમાં શું હાંસલ થઈ શકશે તેને લઈને તેઓ પણ દ્વિધામાં છે. તેમના મતે ખરાબ સ્થિતિમાં યુએસ ખાતેથી ડાયમંડ પોલીશીંગ માટેના ઓર્ડર્સમાં ઘટાડો જોવા મળી શકે છે. જેની પોલીશર્સની જોબ્સ પર નેગેટિવ અસર સંભવ છે. અલરોસા પર યુએસના પ્રતિબંધને કારણે ગયા વર્ષે ટૂંકાગાળા માટે રફ ડાયમંડ્સના સપ્લાય પર અસર પડી હતી. જેને કારણે મે-2022માં સુરત ખાતે 2.5 કામદારોને 15-દિવસો માટે રજા આપવાની ફરજ પડી હતી. આ વખતે એવું બને કે સુરત તે 20-25 ટકા જોબ્સ પર નુકસાનનો સામનો કરવાનો બની શકે એમ ઉદ્યોગ વર્તુળો જણાવે છે. રફ ડાયમંડના ઓરિજીનને લઈને કોઈ ચોક્કસ પ્રધ્ધતિના અભાવે પોલીશીંગ ઉદ્યોગે યુએસ અને યુરોપિય સત્તાવાળાઓના સેલ્ફ-ડિક્લેરેશન પર આધારિત રહેવાનું બની શકે છે. સમગ્ર વિશ્વના 13 કરોડ કેરેટ્સના રફ ડાયમંડ્સ ઉત્પાદનમાં રશિયન રફ ડાયમંડાસનો હિસ્સો 3.3-3.5 કરોડ કેરેટ્સનો થવા જાય છે. જેનું મૂલ્ય 3.5-4 અબજ ડોલરનું બેસે છે. એકલું યુએસ જ 35-40 ટકા રશિયન ડાયમંડ્સનો વપરાશ ધરાવે છે.

ચળકાટને ઝાંખપ લાગી શકે
• ભારત ખાતે 2 અબજ ડોલરના મૂલ્યના રશિયન રફ ડાયમંડ્સની આયાત થાય છે
• રશિયા-યૂક્રેન યુધ્ધ અગાઉ ભારત ખાતે રશિયન રફ ડાયમંડ્સની આયાત 27 ટકા પર હતી.
• હાલમાં રશિયન રફ ડાયમંડ્સની આયાત ઘટી 10 ટકા જોવા મળે છે
• યુએસ અને ઈયુ તરફથી કડક પ્રતિબંધો પાછળ સુરત ખાતે 25 ટકા જોબ લોસની શક્યતાં
• સુરત 6000થી વધુ પોલીશીંગ યુનિટ્સમાં 10 લાખથી વધુ કામદારો ધરાવે છે

ફ્યુચર રિટેલને ઈન્સોલ્વન્સી પૂરી કરવા NCLTની 90 દિવસનું એક્સટેન્શન

એનસીએલટીએ ફ્યુચર રિટેલ લિ.(એફઆરએલ)ને કંપનીની કોર્પોરેટ ઈન્સોલ્વન્સી રેઝોલ્યુશન પ્રોસેસ(સીઆઈઆરપી) પૂરી કરવા માટે 90 દિવસનું એક્સટેન્શન આપ્યું છે. એફઆરએલની અરજીને માન્ય રાખીને એનસીએલટીની મુંબઈ બેંચે 15 જુલાઈ, 2023 સુધી સીઆઈઆરપીની કામગીરી પૂર્ણ કરવા જણાવ્યં છે. એનસીએલટીએ 13 એપ્રિલે આ આદેશ આપ્યો છે. જેના લેખિત ઓર્ડરની રાહ જોઈવાઈ રહી છે એમ એફઆરએલે જણાવ્યું છે.
એફઆરએલે લોન પુનઃચૂકવણીમાં નાદારી દર્શાવ્યાં પછી 20 જુલાઈ, 2022ના રોજ એનસીએલટી તરફથી સીઆઈઆરપીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ઈન્સોલ્વન્સી એન્ડ બેંક્ટ્રપ્સી કોડ હેઠળ રેઝોલ્યુશન માટે 330 દિવસોની સમય મર્યાદા હોય છે. જેમાં લિટીગેશન માટેના સમયનો પણ સમાવેશ થઈ જાય છે. કોડની સેક્શન 12(1) મુજબ, સીઆઈઆરપીની પ્રક્રિયા તેની શરૂઆતથી 180 દિવસોમાં પૂરી થવી જોઈએ. જોકે, એનસીએલટી પ્રક્રિયાની શરૂઆતથી એક વખત માટે 90 દિવસનું એક્સટેન્શન આપી શકે છે. ગયા સપ્તાહે એફઆરઆલે જણાવ્યું હતું કે તેણે રિલાયન્સ રિટેલ, જિંદાલ પાવર અને અદાણી ગ્રૂપ સહિત 49 કંપનીઓ પાસેથી એફઆરએલની એસેટ્સ ખરીદી માટે એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ(ઈઓઆઈ) મેળવ્યાં હતાં. 23 માર્ચ, 2023ના રોજ એફઆઈએલના રેઝોલ્યુશન પ્રોફેશ્નલે નવા એક્સપ્રેશન્સ ઓફ ઈન્ટરેસ્ટ મંગાવ્યા હતાં. જેમાં સંભવિત ખરીદાર ડેટ-રિડન કંપની માટે બીડ કરી શકે છે.

RBIએ લોન પેનલ ચાર્જિસ માટે ઘડેલા નવા નિયમો બોરોઅર્સ માટે લાભદાયી
બેંક્સ, એનબીએફસી અને હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ પેનલ ચાર્જિસનો ઉપયોગ વધારાની આવક તરીકે કરવા લાગી છે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બુધવારે લોન એકાઉન્ટ્સ પર પેનલ ઈન્ટરેસ્ટ ચાર્જિસ માટે રજૂ કરેલી નવી માર્ગદર્શિકાઓ પછી ટૂંક સમયમાં જ, બોરોઅર્સ પારદર્શક અને રેશ્નલ લેન્ડિંગ પ્રેકટિસિસની અપેક્ષા રાખી શકશે એમ વર્તુળો જણાવે છે.
અનેક રેગ્યુલેટેડ કંપનીઓ નાદારીના કિસ્સામાં તથા નોન-કોમ્પ્લાયન્સના કિસ્સામાં ક્રેડિટ સુવિધાને મંજૂરી વખતે લાગુ પડતાં ઈન્ટરેસ્ટ ઉપર પેનલ રેટ્સ ઓફ ઈન્ટરેસનો ઉપયોગ કરે છે. આવી રેગ્યુલેટેડ કંપનીઓમાં બેંક્સ, એનબીએફસી અને હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓનો સમાવેશ થાય છે. સેબી રજિસ્ટર્ડ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરના જણાવ્યા મુજબ આરબીઆઈની રૂપરેખાનો પ્રસ્તાવ જેન્યૂન બોરોઅર્સ માટે પોઝીટીવ છે. વિલંબિત રિપેમેન્ટ્સના કિસ્સામાં ઘણી બેંક્સ ‘પેનલ ચાર્જિસ’ના બદલે ‘પેનલ ઈન્ટરેસ્ટ રેટ્સ’નો ઉપયોગ કરે છે એમ તેઓ ઉમેરે છે. નાણાકિય સંસ્થાઓ માટે તૈયાર કરવામાં આવેલા નવા નિયમો અને બોરોઅર્સને તેના લાભોનું અર્થઘટન સમજીએ.
નવા ડ્રાફ્ટ નિયમો શું છે?
આરબીઆઈએ તૈયાર કરેલો મુસદ્દો ફાઈનાન્સિયલ ઈન્સ્ટીટ્યુશન્સ તરફથી વસૂલવામાં આવતાં પેનલ ચાર્જિસની વિગતમાં ચર્ચા કરે છે. જેમાં વિલંબિત રિપેમેન્ટ પર ઈન્ટરેસ્ટ રેટ્સ, પેનલ ચાર્જિસની શરતો, રેગ્યુલેટરી ઓર્ડર્સની દિશામાં ઈન્ટરેસ્ટ રેટમાં સુધારો અને અન્ય બાબતોનો સમાવેશ થાય છે. આ નિયમોને લઈને બેંક્સ, એનબીએફસી તથા એચએફસી 15 મે, 2023 સુધીમાં તેમના વિચારો રજૂ કરી શકે છે. આરબીઆઈએ ક્રેડિટ અવેરનેસ માટે કરેલી કામગીરી પ્રસંશા માગી લે તેવી છે. સેન્ટ્રલ બેંકે આ કોઈ પ્રથમવાર લેન્ડર્સ તરફથી બોરોઅર્સને વિવિધ લોન ચાર્જિસને લઈ કોમ્યુનિકેટ કરવાની જરૂરિયાત પર ભાર નથી મુક્યો, અગાઉ પર બેંક્સ અને એનબીએફસીને આમ જણાવી ચૂકી છે.
પેનલ ચાર્જિસ પર નિયમો
નવા સર્ક્યુલરનું ફોકસ ઈન્ટરેસ્ટ તરીકે પેનલ ચાર્જિસના કંપાઉન્ડિંગ પર છે. આરબીઆઈ આ બાબતને લઈને બિલકુલ સ્પષ્ટ જણાય છે. તે પેનલ્ટીનું ઈન્ટરેસ્ટ તરીકે કંપાઉન્ડિંગ ઈચ્છતી નથી. તમામ લેન્ડર આમ નથી કરતાં પરંતુ આરબીઆઈ તમામ તરફથી ખાતરી ઈચ્છી રહી છે. આપણે આને બોરોઅર-ફ્રેન્ડલી પગલાં તરીકે ગણી શકીએ એમ એક્સપર્ટનું કહેવું છે. હાલમાં કેટલાંક લેન્ડર્સ લોન પર નાદારીના કિસ્સામાં ઈએમઆઈના વિલંબિત પેમેન્ટ પર પેનલ્ટી વસૂલે છે. તેઓ ઓવરડ્યૂ એમાઉન્ટ પર પણ ઈન્ટરેસ્ટ વસૂલે છે. જેમાં પ્રિન્સિપલ(મુદલ), લોન પર ઈન્ટરેસ્ટ ચાર્જિસ અને પેનલ્ટી ચાર્જિસનો સમાવેશ થાય છે. આમ, જો તમે બીજા મહિનાથી ઈન્સ્ટોલમેન્ટ ના ભરો તો બોરોઅર માટે પેનલ્ટી ઈન્ટરેસ્ટ કંપાઉન્ડીંગ(ચક્રવૃદ્ધિ) બની જાય છે એમ ડિજિટલ લેન્ડિંગ કન્સલ્ટન્ટ જણાવે છે. પેનલ ઈન્ટરેસ્ટનો મૂળ હેતુ ગ્રાહક તરફથી વિલંબિત રિપેમેન્ટ્સને બને તેટલો અટકાવવાનો હતો, પરંતુ નાણાકિય સંસ્થાઓએ અન્ડર-સર્વ્ડ માર્કેટમાં તેનો ઉપયોગ વધારાની આવકના સાધન તરીકે કરી દીધો છે એમ તેઓ ઉમેરે છે.
પેનલ ચાર્જિસને સ્પષ્ટરીતે ડિસ્ક્લોઝ કરો
નવા મુસદ્દામાં આરબીઆઈ ગાઈડલાઈન્સ મુજબ પેનલ ચાર્જિસ પેનલ ચાર્જિસને કી ફેક્ટ્સ એન્ડ સ્ટેટમેન્ટ્સ(કેએફએસ)માં હાઈલાઈટ કરવામાં આવશે. જેને પારદર્શક્તાના ભાગરૂપે ગ્રાહકને પણ પૂરું પાડવાનું રહેશે. હાલમાં, પેનલ્ટી ઈન્ટરેસ્ટની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે તેને ખ્યાલ મોટાભાગના બોરોઅર્સને નથી હોતો.

વૈશ્વિક બજારમાં ગોલ્ડમાં સાધારણ નરમાઈ
વૈશ્વિક બજારમાં ગોલ્ડના ભાવો સર્વોચ્ચ ટોચથી 17 ડોલર છેટે સુધી જઈ સાધારણ નરમાઈ દર્શાવી રહ્યાં છે. શુક્રવારે આ લખાય છે ત્યારે કોમેક્સ ગોલ્ડ વાયદો 8 ડોલરના ઘટાડે 2048 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. દિવસ દરમિયાન તે 2046 ડોલરથી 2062 ડોલરની રેંજમાં અથડાતાં રહ્યાં છે. ડોલર ઈન્ડેક્સમાં પણ નરમાઈ જળવાય છે અને તે છેલ્લાં સાતથી વધુ મહિનાના તળિયાં નજીક ટ્રેડ થઈ રહ્યો છે. ગોલ્ડમાં નરમાઈ વચ્ચે ચાંદી પોણો ટકા મજબૂતી દર્શાવી રહી છે. કોમેક્સ સિલ્વર વાયદો 0.8 ટકા મજબૂતી સાથે 26.133 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. એમસીએક્સ ખાતે સાંજના સત્રમાં ચાંદી રૂ. 432ના સુધારે રૂ. 77359 પર ટ્રેડ દર્શાવી રહી હતી. જ્યારે ગોલ્ડ રૂ. 190ના ઘટાડે રૂ. 61049 પર ટ્રેડ થતું હતું. વૈશ્વિક બજારમાં ક્રૂડ સહિતની કોમોડિટીઝમાં સાધારણ નરમાઈ જોવા મળી રહી હતી.
નાફેડ તરફથી 8.5 લાખ ટન ચણાની ખરીદી
સરકારી એજન્સી નાફેડે ચાલુ રવિ માર્કેટિંગ સિઝનમાં ચણાની 8.5 લાખ ટનની ખરીદી કરી છે. જોકે, કોમોડિટીના ભાવ હજુ પણ સરકાર નિર્ધારિત લઘુત્તમ ટેકાના ભાવ(એમએસપી)થી નીચે જોવા મળી રહ્યાં છે. નાફેડે અત્યાર સુધી રૂ. 4534 કરોડના મૂલ્યના ચણા ખરીદ્યાં છે. તેણે રૂ. 5335 પ્રતિ ક્વિન્ટલના ભાવે તેની ખરીદી કરી છે. હાલમાં આંઠ રાજ્યોમાં ચણાની ખરીદી કરવામાં આવી રહી છે. જેમાં સૌથી વધુ ચણાની ખરીદી મહારાષ્ટ્રમાં જોવા મળે છે. ત્યાં 3.81 લાખ ટન ચણા ખરીદવામાં આવ્યાં છે. ગુજરાતમાંથી 1.74 લાખ ટન ચણા ખરીદાયાં છે. જ્યારે મધ્ય પ્રદેશમાંથી 1.34 લાખ ટન ચણાની ખરીદી થઈ ચૂકી છે. આ ઉપરાંત કર્ણાટક, તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાંથી પણ ચણા ખરીદવામાં આવ્યાં છે.

કોર્પોરેટ હેડલાઈન્સ

આઈડીબીઆઈઃ બેંકિંગ રેગ્યુલેટર આરબીઆઈએ આઈડીબીઆઈ બેંકની ખરીદીમાં રસ ધરાવતાં પાંચ સંભવિત બિડર્સનું મૂલ્યાંકન શરૂ કર્યું છે. આમાં કોટક મહિન્દ્રા બેંક, પ્રેમ વત્સ-સમર્થિત સીએસબી બેંક અને એમિરાત્સ એનબીડીનો સમાવેશ થાય છે. સરકાર આઈડીબીઆઈના હિસ્સામાંથી 3.66 અબજ ડોલર મેળવવા ધારે છે.
એનટીપીસીઃ જાહેર ક્ષેત્રની વીજ ઉત્પાદક કંપની તેની સબસિડિયરી એનટીપીસી ગ્રીન એનર્જી માટે 2023-24માં આઈપીઓ લાવશે. જેમાં કંપની કેપિટલ માર્કેટ નિયમ મુજબ 25 ટકા હિસ્સાનું વેચાણ કરશે. કંપની તરફથી ત્રણ કંપનીઓ સાથે સ્ટ્રેટેજિક ઈન્વેસ્ટમેન્ટ માટેની મંત્રણા નિષ્ફળ જતાં આ નિર્ણય લીધો છે. દેશની સૌથી મોટી પાવર ઉત્પાદક 71.6 ગીગાવોટ્સની સ્થાપિત ક્ષમતા ધરાવે છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝઃ કંપનીના કેજી-ડી6 બ્લોકમાંથી ઉત્પાદિત નેચરલ ગેસની ખરીદી માટે જાહેર ક્ષેત્રની આઈઓસી ઉપરાંત અદાણી ટોટલ ગેસ અને શેલ સહિત 29 કંપનીઓએ બીડિંગ કર્યું છે. બુધવારે ઈ-ઓશન મારફતે વેચવામાં આવેલા 60 લાખ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર્સ પ્રતિ દિવસમાંથી અડધાથી વધુ ખરીદી ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને કરી હતી. બીજા ક્રમે ગેઈલે અને ત્રીજા ક્રમે અદાણી ટોટલ ગેસે ખરીદી કરી હતી.
બ્રાઈટકોમ ગ્રૂપઃ માર્કેટ રેગ્યુલેટર સેબીએ હૈદરાબાદ સ્થિત એડ-ટેક કંપનીની માહિતી છૂપાવવા, નોન-કોમ્પ્લાયન્સ તથા નિયમોના ભંગ બદલ ઝાટકણી કાઢી છે. સેબીએ જણાવ્યા મુજબ કંપનીએ 2014-15થી 2019-20 દરમિયાન ખર્ચ નીચો બતાવી પ્રોફિટ ઊંચો દર્શાવ્યો હતો. રેગ્યુલેટરે કંપનીના ટોચના અધિકારીઓને શો-કોઝ નોટિસ પાઠવી છે.
યસ બેંકઃ પ્રાઈવેટ સેક્ટર લેન્ડર 50 લાખથી વધુ શેરધારકો ધરાવનાર પ્રથમ ભારતીય કંપની બની છે. બીજા ક્રમે 38.5 લાખ રોકાણકારો સાથે તાતા પાવર અને 33.6 લાખ રોકાણકારો સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ત્રીજા ક્રમે આવે છે. ડિસેમ્બર 2022 ક્વાર્ટરમાં યસ બેંકના શેરધારકોમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી.
અનુપમ રસાયણઃ સ્પેશ્યાલિટી કેમિકલ કંપનીએ રૂ. 1500 કરોડના મૂલ્યનો કોન્ટ્રેક્ટ મેળવ્યો છે. કંપનીએ જાપાનીઝ મલ્ટીનેશનલ તરફથી ત્રણ હાઈ-વેલ્યૂ સ્પેશ્યાલિટી કેમિકલ્સના ઉત્પાદન અને સપ્લાય માટે સાત-વર્ષ માટે આ ઓર્ડર મેળવ્યો છે.
ઝી એન્ટરટેઈનમેન્ટઃ મિડિયા કંપનીના એમડી અને સીઈઓ પુનિત ગોએન્કાએ કથિત ઈન્સાઈડર ટ્રેડિંગ નિયમોના ભંગ બદલ માર્કેટ રેગ્યુલેટર સેબી સાથે સમાધાન કરી લીધું છે. ગુરુવારે તેમણે સેબીને કેસ સેટલમેન્ટ ફી તરીકે રૂ. 50.7 લાખની ચૂકવણી કરી હતી. આ સેટલમેન્ટ ‘વીધાઉટ એડમિટીંગ ઓર ડિનાઈંગ ધ ફાઈન્ડિંગ્સ’ના આધારે કરવામાં આવ્યું હતું.
કોલ ઈન્ડિયાઃ પીએસયૂ કોલ ઉત્પાદકે 2023-24માં 5.46 કરોડ ટન કોલ ઉત્પાદન દર્શાવ્યું હતું. જે ગયા વર્ષે 4.66 કરોડ ટનના ઉત્પાદનની સરખામણીમાં 17.2 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીએ પ્રથમવાર વાર્ષિક ધોરણે 80 લાખ ટનની વાર્ષિક ઉત્પાદન વૃદ્ધિ હાંસલ કરી હતી. કંપનીની સબસિડિયરી બીસીસીએલ અને સીસીએલે મળી કુલ ઉત્પાદનનો 90 ટકાથી વધુ હિસ્સો દર્શાવ્યો હતો.

dhairya@socialcoffee.in

Share
Published by
dhairya@socialcoffee.in
Tags: Market Tips

Recent Posts

Rubicon Research IPO: Apply for Short-Term Gains?

Unlocking an Upcoming Investment Opportunity: Rubicon Research IPO Rubicon Research is making headlines with its…

4 days ago

Canara Robeco IPO: Apply for Short-Term Gains or Avoid?

Unlocking the Canara Robeco Asset Management Company IPO: A Guide for Every Investor Did you…

4 days ago

Tata Turmoil: 5 Secrets to Protect Your Wallet Now

Imagine you’re at a big family gathering and suddenly, your relatives start arguing about who…

4 days ago

Shlokka Dyes IPO Verdict: Apply for Short-Term Gains?

Shlokka Dyes IPO: Is It Worth Your Investment? Did you know that Shlokka Dyes is…

6 days ago

LG India IPO Verdict: Apply for Listing Gains Today!

LG India IPO: Should You Buy a Piece of Your TV and Fridge Company? Introduction…

6 days ago

5 Simple Steps to Secure a Wealthy Retirement Before 40

Did you know that starting your retirement planning in India before your 40s can make…

6 days ago

This website uses cookies.