Categories: Market Tips

Market Summary 14/12/2022

ઊંચા મથાળે દબાણ વચ્ચે બજારમાં સુધારો જળવાયો
એશિયન બજારોમાં સુધારો, યુરોપ નરમ
બેંક નિફ્ટીએ 44 હજારની સપાટી પાર કરી
આઈટી, મેટલ, ઓટો, રિઅલ્ટીમાં લેવાલી જળવાય
એફએમસીજીમાં નરમાઈ
બ્રોડ માર્કેટમાં અન્ડરટોન મજબૂત
ભારત ફોર્જ, પોલીકેબ સર્વોચ્ચ સપાટીએ
વોડાફોન આઈડિયા 10 ટકા ઉછળ્યો

વૈશ્વિક બજારોમાં મિશ્ર વલણ વચ્ચે ભારતીય શેરબજારમાં પોઝીટીવ ટ્રેન્ડ જળવાયો હતો. અતિ સાંકડી રેંજ વચ્ચે કામકાજ દર્શાવવા સાથે બેન્ચમાર્ક્સ 0.3 ટકા સુધારા સાથે બંધ રહ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 145 પોઈન્ટ્સ સુધરી 62678ની સપાટીએ જ્યારે નિફ્ટી 52 પોઈન્ટ્સ સુધરી 18660ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં ખરીદી જળવાતાં બ્રેડ્થ પોઝીટીવ રહી હતી. નિફ્ટીમાં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 34 પોઝીટીવ બંધ દર્શાવતા હતાં. જ્યારે 16 કાઉન્ટર્સ અગાઉના બંધ કરતાં નીચું બંધ સૂચવતાં હતાં. બ્રોડ માર્કેટમાં અન્ડરટોન ઘણો મજબૂત જોવા મળ્યો હતો અને તેને કારણે બ્રેડ્થ નોંધપાત્ર પોઝીટીવ જળવાય હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ ફ્લેટ જોવા મળ્યો હતો.
મંગળવારે યુએસ ખાતે નવેમ્બર માટેનો સીપીઆઈ અપેક્ષા કરતાં નીચો આવવાથી યુએસ બજારોએ ઊંચું ગેપ-અપ દર્શાવ્યું હતું. જોકે તેઓ સુધારો ટકાવી રાખવામાં નિષ્ફળ ગયા હતા અને સાધારણ પોઝીટીવ બંધ જોવા મળ્યાં હતાં. જોકે નીચા સીપીઆઈ પાછળ ફેડના હોકિશ વલણમાં ફેરફારનું એક વધુ કારણ મળતાં એશિયન બજારોમાં એક ટકા આસપાસનો સુધારો નોંધાયો હતો. જેની પાછળ ભારતીય બજાર પણ પોઝીટીવ ટેરિટરીમાં ઓપનીંગ બાદ સમગ્ર દિવસ દરમિયાન ગ્રીન ઝોનમાં જળવાયું હતું. જોકે નિફ્ટીની ઈન્ટ્રા-ડે રેંજ ખૂબ જ સંકડાઈ ગઈ હતી. બેન્ચમાર્કે 18633ની બોટમ તથા 18696ની ટોચ વચ્ચે ટ્રેડિંગ જાળવ્યું હતું. નિફ્ટી કેશ સામે ફ્યુચર 78 પોઈન્ટ્સના પ્રિમીયમે 18738ની સપાટીએ બંધ રહ્યો હતો. કેશ સામે પ્રિમીયમમાં ઘટાડો સૂચવે છે કે ઊંચા મથાળે લોંગ પોઝીશન લિક્વિડ થઈ રહી છે. ટેકનિકલ એનાલિસ્ટ્સ માર્કેટમાં ઝડપથી નવી ટોચની સંભાવના નથી જોઈ રહ્યાં. તેમના મતે 15 ડિસે. બાદ બજારમાં એફઆઈઆઈની કામગીરી ઘટશે. જે દરમિયાન માર્કેટ કોન્સોલિડેશનમાં જોવા મળી શકે છે. નિફ્ટીને 18400નો મહત્વનો સપોર્ટ છે. જેના સ્ટોપલોસ સાથે જ લોંગ પોઝીશન જાળવવી જોઈએ. બુધવારે સુધારો દર્શાવનારા નિફ્ટીના મુખ્ય કાઉન્ટર્સમાં હિંદાલ્કો 2.4 ટકા સાથે ટોચ પર હતો. આ ઉપરાંત ઓએનજીસી, ટેક મહિન્દ્રા, જેએસડબલ્યુ સ્ટીલ, યૂપીએલ, આઈશર મોટર્સ, તાતા સ્ટીલ, ઈન્ડસઈન્ડ બેંક, એનટીપીસી અને એસબીઆઈ પણ સુધરવામાં અગ્રણી હતા. બીજી બાજુ નેસ્લે, આઈસીઆઈસીઆઈ બેંક, ભારતી એરટેલ, એશિયન પેઈન્ટ્સ, એચયૂએલ, બ્રિટાનિયામાં નરમાઈ દર્શાવતાં હતાં.
સેક્ટરલ દેખાવની વાત કરીએ તો મેટલ, આઈટી, બેંકિંગમાં મજબૂતી જળવાય હતી. બેંકનિફ્ટી પ્રથમવાર 44 હજારની સપાટી પાર કરી 44049 પર બંધ રહ્યો હતો. ઈન્ટ્રા-ડે ધોરણે તેણે 44152ની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. પીએસયૂ બેંક નિફ્ટીએ 4601ની છેલ્લાં અનેક વર્ષોની ટોચને સ્પર્શી 4550 પર બંધ રહ્યો હતો. પીએસયૂ બેંક્સમાં યૂકો બેંક 15 ટકા ઉછળી રૂ. 33.25ની સપાટીએ બંધ રહ્યો હતો.આ ઉપરાંત આઈઓબી, પંજાબ એન્ડ સિંધ બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, ઈન્ડિયન બેંક, એસબીઆઈ પણ નોંધપાત્ર સુધારો દર્શાવી રહ્યાં હતાં. પ્રાઈવેટ બેંક્સમાં આઈડીએફસી ફર્સ્ટ બેંક 4.3 ટકા ઉછળી નવી ટોચ પર પહોંચી હતી. ઈન્ડસઈન્ડ બેંક, એયૂ સ્મોલ ફાઈ. બેંક અને ફેડરલ બેંક પણ પોઝીટીવ જોવા મળી રહ્યાં હતાં. નિફ્ટી મેટલ 1.25 ટકા ઉછળી ફરી સર્વોચ્ચ સપાટી નજીક પહોંચ્યો હતો. મેટલ શેર્સમાં હિંદાલ્કો, નાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ, તાતા સ્ટીલ, જિંદાલ સ્ટીલ, સેઈલ, એનએમડીસીમાં એક ટકાથી વધુ મજબૂતી જોવા મળતી હતી. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 1.2 ટકા સુધારો દર્શાવી રહ્યો હતો. જેમાં એલએન્ડટી ટેક્નોલોજી 3.2 ટકા, એલટીઆઈમાઈન્ડટ્રી 3 ટકા, ટેક મહિન્દ્રા 2 ટકા અને કોફોર્જ પણ 2 ટકા મજબૂતી સૂચવતાં હતાં. નિફ્ટી રિઅલ્ટીમાં 1.5 ટકા સુધારો નોંધાયો હતો. જેમાં ફિનિક્સ મિલ્સનું 2.2 ટકા સુધારા સાથે મહત્વનું યોગદાન હતું. આ ઉપરાંત ગોદરેજ પ્રોપર્ટીઝ, પ્રેસ્ટીજ એસ્ટેટ, ડીએલએફ, સોભા અને ઓબેરોય રિઅલ્ટી પણ પોઝીટીવ જોવા મળતા હતાં. નિફ્ટી પીએસઈમાં એક ટકા મજબૂતી જોવા મળી હતી. જેમાં ગેઈલ, ઓઈલ ઈન્ડિયા, ઓએનજીસી, આઈઆરસીટીસી, એનટીપીસી, પાવર ગ્રીડ કોર્પો. સુધરવામાં મુખ્ય હતાં. ફાર્મા સેક્ટર પણ પોઝીટીવ ટ્રેન્ડ સૂચવતું હતું. જેના કેટલાંક કાઉન્ટર્સમાં બાયોકોન 2 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. લ્યુપિન, ડિવિઝ લેબ્સ, ડો. રેડ્ડીઝ લેબ્સ, ઝાયડસ લાઈફ અને સન ફાર્મા પણ પોઝીટીવ જોવા મળ્યાં હતાં. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં વોડાફોન આઈડિયા 9.5 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત આરબીએલ બેંક, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, આઈડીએફસી ફર્સ્ટ, બલરામપુર ચીની, સિટી યુનિયન બેંક, એલએન્ડટી ટેક્નોલોજી, હિંદ કોપર, એસઆરએફ 3 ટકાથી વધુનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. બીજી બાજુ કોલગેટ 4 ટકા સાથે તૂટવામાં ટોચ પર હતો. આ ઉપરાંત પેજ ઈન્ડસ્ટ્રીઝ, એચપીસીએલ, અબોટ ઈન્ડિયા, ડાબર ઈન્ડિયા, હનીવેલ ઓટો અને એસ્કોર્ટ્સ કુબોટા એક ટકાથી વધુ ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. બીએસઈ ખાતે 3677 કાઉન્ટર્સમાંથી 2034 કાઉન્ટર્સ પોઝીટીવ જળવાવા સાથે બ્રેડ્થ મજબૂત રહી હતી. 1498 કાઉન્ટર્સ અગાઉના બંધ સામે નેગેટિવ જોવા મળ્યાં હતાં.

ટોરેન્ટ ફાર્માએ બોહરિંગર ઈન્ગેલહેમ સાથે માર્કેટિંગ જોડાણ કર્યું
કંપની બોહરિંગરની ડાયાબિટિસ અને હર્ટ ફેઈલ્યોરની સારવારમાં વપરાતી દવાઓનું ભારતમાં માર્કેટિંગ કરશે
ટોચની ફાર્મા કંપની ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સે બોરિંહર ઈન્ગેલહેમ સાથે તેની એન્ટી-ડાયાબિટિક ડ્રગ તથા ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન્સના ભારતમાં કો-માર્કેટિંગ માટે વ્યૂહાત્મક જોડાણ કર્યું છે. બોરિંહર ઈન્ગેલહેમ ઈન્ડિયાની દવાઓમાં કોસ્પિઆક(એમ્પાગ્લિફ્લોઝીન), કોસ્પિઆક મેટ (એમ્પાગ્લિફ્લોઝીન પ્લસ મેટફોર્મિન) અને ઝીલિન્ગિઓ(એમ્પાગ્લિફ્લોઝીન પ્લસ લિનાગ્લિપ્ટીન)નું ભારતમાં માર્કેટિંગ કરશે. આમાં એમ્પાગ્લિફ્લોઝીન એ નવો સોડિયમ ગ્લુકોઝ કો-ટ્રાન્સપોર્ટર-2 ઈન્હિબિટર છે. જે ટાઈપ-2 ડાયાબિટિસ ધરાવતાં પુખ્ત વ્યક્તિઓમાં ગ્લાયસેમિક કંટ્રોલમાં સુધારો લાવવા જરૂરી છે. એમ્પાગ્લિફ્લોઝીન એ ટાઈપ-2 ડાયાબિટિસ મેલિટસ ધરાવતાં તથા હ્રદ્યરોગ ધરાવતાં પુખ્ત વ્યક્તિઓમાં કાર્ડિયોવેસ્ક્યૂલર ડેથનું જોખમ ઘટાડવા માટે પણ મહત્વનો છે. હર્ટ ફેઈલ્યોર ધરાવતાં પુખ્તવયના દર્દીઓના હોસ્પિટલાઈઝેશનના રિસ્કને પણ ઓછું કરે છે. ઈન્ટરનેશનલ ડાયાબિટેસ ફેડરેશનના મતે 2021માં ભારત વિશ્વમાં 7.42 કરોડ દર્દીઓ સાથે ડાયાબિટિસ દર્દીઓની બાબતમાં બીજા ક્રમે જોવા મળતું હતું. આમાં 20 વર્ષથી લઈ 79 વર્ષની વયના લોકોનો સમાવેશ થાય છે. 2045 સુધીમાં આ સંખ્યા વધી 12.5 કરોડ પર પહોંચવાની અપેક્ષા છે. એડબલ્યુએસીએસ મેટ ઓક્ટોબર 2022ના ડેટા મુજબ ભારતમાં ડાયાબિટીસ દવાઓનું બજાર હાલમાં રૂ. 16516 કરોડનું કદ ધરાવે છે. જે છેલ્લાં ચાર વર્ષોમાં સરેરાશ 8.6 ટકાના દરે વૃદ્ધિ પામ્યું છે. આમાં SGLT-2 ઈન્હિબિટર્સનું માર્કેટ રૂ. 1927 કરોડ જેટલું થવા જાય છે. તે છેલ્લાં ચાર વર્ષોમાં 33 ટકાના સરેરાશ દરે વૃદ્ધિ પામ્યું છે.
ટોરેન્ટ ફાર્માના ડિરેક્ટર અમન મહેતાના જણાવ્યા મુજબ બ્હોરિંગર ઈન્ગેલહેમ ઈન્ડિયા સાથે વ્યૂહાત્મક જોડાણ બદલ ટોરેન્ટ ફાર્મા ખુશીની લાગણી અનુભવે છે. આ જોડાણ ભારતમાં ટાઈપ-2 ડાયાબિટીસ અને હર્ટ ફેઈલ્યોરના દ્વિવિધ પડકારોથી પીડાતાં દર્દીઓને એક ઉકેલ પૂરો પાડે છે. કોસ્પિક, કોસ્પિક મેટ અને ઝીલિન્ગિઓના લોંચના કારણે અમારા ડાયાબિટીસ અને કાર્ડિયોવેસ્ક્યૂલર પોર્ટફોલિયોને મજબૂતી પ્રાપ્ત થશે તથા ભારતીય ફાર્માસ્યુટિકલ માર્કેટમાં હાઈ ગ્રોથ સેગમેન્ટમાં અગ્રણી કંપની તરીકે અમારી સ્થિતિ મજબૂત બનશે.

વિક્રમી ભાવ વચ્ચે ઘઉંનો સ્ટોક છ વર્ષોના તળિયા પર પહોંચ્યો
સરકારી વેરહાઉસિસમાં ઘઉંનો જથ્થો એક વર્ષમાં 3.785 કરોડ ટન પરથી ઘટી 1.9 કરોડ ટને જોવાયો

સરકારી ગોદામોમાં ડિસેમ્બરની શરૂમાં ઘઉંન જથ્થો છ વર્ષોના તળિયા પર જોવા મળ્યો હતો. બીજી બાજુ વધતી માગ અને ઘટતાં સ્ટોક વચ્ચે ઘઉંના ભાવ વિક્રમી ટોચ પર ટ્રેડ થઈ રહ્યાં છે. સરકારી સંસ્થાઓ પાસે નીચો જથ્થાને જોતાં મુક્ત બજારમાં ઘઉંના ભાવને વધતાં અટકાવવા માટે ઘઉંના પુરવઠાને છૂટો કરવું સરકાર માટે કઠિન બની શકે છે. સામાન્યરીતે સરકાર બલ્ક ઉપયોગકર્તાઓ જેવાકે ફ્લોર અને બિસ્કિટ ઉત્પાદકો માટે નિયમિતપણે તેના રિઝર્વ્સમાંથી જથ્થો છૂટો કરતી હોય છે.
ડિસેમ્બરની શરૂઆતમાં સરકારી ગોદામોમાં ઘઉંનો જથ્થો 1.9 કરોડ ટન પર જોવા મળતો હતો. જે છેલ્લાં છ વર્ષોના તળિયા પર હોવા સાથે 1 ડિસેમ્બર 2021ના રોજ જોવા મળતાં 3.785 કરોડ ટનની સરખામણીમાં તીવ્ર ઘટાડો દર્શાવતો હતો. વર્તમાન જથ્થો કેલેન્ડર 2016 પછીનો સૌથી નીચો છે. તે વખતે સરકારી ગોદામોમાં જથ્થો ઘટી 1.65 કરોડ ટન પર પટકાયો હતો. જોકે તે માટે 2014 અને 2015માં સતત દુકાળને કારણે ઘઉંના ઉત્પાદનમાં જોવા મળેલો ઘટાડો કારણભૂત હતો. મુંબઈ સ્થિત ગ્લોબલ ટ્રેડ હાઉસના ડિલર જણાવે છે કે નવા પાક પાછળ નવા પુરવઠાને ઓછામાં ઓછા ચાર મહિના લાગશે. આ સ્થિતિમાં સરકાર માટે ભાવમાં રાહતદાયી પગલાં લેવા કઠિન બની રહેશે. સરકાર ભાવને નિયંત્રણમાં જાળવવા માટે મહિને 20 લાખ ટનથી વધુ જથ્થો છૂટો કરી શકશે નહિ. જે પૂરતો નથી. ભાવને અંકુશમાં રાખવા માટે આનાથી ઘણા વધુ જથ્થાની જરૂર છે. કેમકે ખેડૂતો તરફથી આવતો સપ્લાય હવે લગભગ બંધ થયો છે અને ટ્રેડર્સ ધીમે-ધીમે જથ્થો છૂટો કરી રહ્યાં છે. નવેમ્બરમાં સરકારી સ્ટોકમાં 20 લાખ ટનનો ઘટાડો નોંધાયો હતો એમ ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનો ડેટા જણાવે છે. વિશ્વમાં બીજા ક્રમના ઉત્પાદન હોવા છતાં તેમજ ગયા મે મહિનામાં ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકવા છતાં ભારતમાં ઘઉંના ભાવમાં ઊંચી વૃદ્ધિ જોવા મળી છે. ઘઉંના સ્થાનિક ભાવ મે મહિનામાં નિકાસ પ્રતિબંધ પછી લગભગ 28 ટકા જેટલા ઉછળ્યાં છે. મંગળવારે તે રૂ. 26785 પ્રતિ ટન પર ટ્રેડ થઈ રહ્યાં હતાં. જ્યાં સુધી નવી સિઝનનો સપ્લાય શરૂ નહિ તાય ત્યાં સુધી ભાવ ઊંચા સ્તરે જળવાય રહેશે એમ દિલ્હી સ્થિત ટ્રેડર જણાવે છે. નવી સિઝનમાં ઘઉંના વાવેતરમાં વૃદ્ધિ જોતાં પાક ઊંચો જોવા મળી શકે છે. ગયા સપ્તાહ સુધીમાં દેશમાં 2.56 કરોડ હેકટરમાં ઘઉંનું વાવેતર નોંધાયું હતું. જે ગઈ સિઝનની સરખામણીમાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે. ચાલુ સિઝનમાં દેશમાં ઘઉંનું વાવેતર વિક્રમી સ્તરે પહોંચે તો નવાઈ નહિ એમ બજાર વર્તુળો માની રહ્યાં છે.

ચીને ચીપ કંપનીઓ માટે 143 અબજ ડોલરનું પેકેજ તૈયાર કર્યું
ચીન સ્થાનિક સેમીકંડક્ટર ઉદ્યોગને સપોર્ટ પૂરો પાડવા માટે 1 ટ્રિલિયન યુઆન(143 અબજ ડોલર)થી વધુના સપોર્ટ માટે કામગીરી કરી રહ્યુ છે. વિશ્વમાં બીજા ક્રમનું અર્થતંત્ર ચીપ મામલે આત્મનિર્ભર બનાવા અને યુએસ તરફથી તેની ટેક્નોલોજિકલ પ્રગતિને અટકાવવાની દિશામાં થઈ રહેલા પગલાંને અટકાવવા માટે જંગી રાહતો આપી રહ્યું છે એમ જાણકાર વર્તુળોનું કહેવું છે.
તેઓ ઉમેરે છે કે બૈજિંગ છેલ્લાં પાંચ વર્ષોમાં તેના તરફથી સૌથી મોટા પેકેજની જાહેરાત કરવા જઈ રહ્યું છે. છેલ્લાં અનેક વર્ષોમાં આ સૌથી મોટું ફાઈનાન્સિયલ ઈન્સેન્ટિવ છે. જેમાં મુખ્યત્વે સબસિડિઝ અને ટેક્સ ક્રેડિટ્સનો સમાવેશ થાય છે. જેથી દેશમાં સેમીકંડક્ટરનું ઉત્પાદન વધારી શકાય. તેમજ સ્થાનિક સ્તરે રિસર્ચ સુવિધા ઊભી કરી શકાય. વૈશ્વિક સ્તરે સેમીકંડક્ટર્સની માગમાં વૃદ્ધિ વચ્ચે ચીન પોતાને સાઈડમાં ઊભેલું જોઈ રહ્યું છે. નવી યોજનાને 2023ના પ્રથમ ક્વાર્ટરમાં અમલમાં મૂકવામાં આવે તેવી શક્યતાં હોવાનું બે જાણકાર વર્તુળોનું કહેવું છે. મોટાભાગની નાણાકિય સહાય ચીનની કંપનીઓ તરફથી સ્થાનિક સેમીકંડક્ટર ઈક્વિપમેન્ટની ખરીદી પર સબસિડિ સ્વરૂપમાં આપવામાં આવશે. આવી કંપનીઓને તેમની ખરીદ કિંમત પર 20 ટકા સબસિડીનો લાભ અપાશે એમ વર્તુળો ઉમેરે છે. ઓક્ટોબરમાં યુએસ કોમર્સ ડિપાર્ટમેન્ટે ચીનની કંપનીઓ પર રિસર્ચ લેબ્સ અને કોમર્સિયલ ડેટા સેન્ટર્સ એક્સેસ પર પ્રતિબંધ લાગુ પાડતાં વળતાં જવાબમાં ચીન આમ કરી રહ્યું છે.

બાય-બેકને મંજૂરી પેટીએમના શેરમાં જોમ પૂરવામાં નિષ્ફળ
કંપનીના બોર્ડે મહત્તમ રૂ. 810 પ્રતિ શેરના ભાવે ઓપન માર્કેટમાંથી રૂ. 850 કરોડના બાયબેકને મંજૂરી આપી

પેટીએમની માલિક કંપની વન97 કોમ્યુનિકેશને મંગળવારે ઓપન માર્કેટ રુટ મારફતે રૂ. 850 કરોડના મૂલ્યના બાયબેકને મંજૂરી આપી છે. જોકે કંપનીના શેર પર આ જાહેરાતની કોઈ પોઝીટીવ અસર જોવા મળી નહોતી અને શેર 1.9 ટકા ઘટાડે રૂ. 529.20ની સપાટી પર બંધ જોવા મળ્યો હતો. કંપનીના બોર્ડે બાયબેક માટે મહત્તમ રૂ. 810 પ્રતિ શેરનો ભાવ નિર્ધારિત કર્યો છે. જે વર્તમાન બજારભાવથી લગભગ 50 ટકા પ્રિમીયમ સૂચવે છે. રૂ. 34 હજાર કરોડથી વધુનું માર્કેટ-કેપ જોતાં રૂ. 850 કરોડની બાયબેક ખૂબ નાનું કદ દર્શાવે છે. બાયબેક મહત્તમ છ મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. લિસ્ટીંગ બાદ કંપની તરફથી આ પ્રથમ બાયબેક બની રહેશે. કંપનીએ જોકે બાયબેક ક્યારથી શરૂ કરવામાં આવશે તે અંગેની કોઈ વિગતો આપી નહોતી.
બાયબેક હેઠળ કંપની કુલ 1.049 કરોડ શેર્સ ખરીદવાનું આયોજન ધરાવે છે. જે કુલ પેઈડ-અપ શેર કેપિટલનો 1.62 ટકા હિસ્સો દર્શાવે છે. જ્યારે કુલ પેઈટ-અપ કેપિટલ અને ફ્રી રિઝર્વ્સના 6.67 ટકા અને 6.97 ટકા સૂચવે છે એમ કંપનીએ જણાવ્યું હતું. તે કુલ પેઈડ-અપ કેપિટલ અને ફ્રિ રિઝર્વ્સના 10 ટકાથી વધુ નહિ હોવાના કારણે શેરધારકોની મંજૂરીની જરૂરિયાત રહેતી નથી એમ પેટીએમે ફાઈલીંગમાં નોંધ્યું છે. ફિનટેક કંપની બાયબેક એક્સરસાઈઝના ભાગરૂપે લઘુત્તમ 52.46 લાખ શેર્સની ખરીદી કરે તેવી અપેક્ષા છે. શેરનો ભાવ તેના આઈપીઓ ઓફર ભાવ રૂ. 2150ની સરખામણીમાં લગભગ 80 ટકા જેટલો ગગડ્યાં બાદ હજુ પણ 70 ટકાથી વધુ ડિસ્કાઉન્ટ પર ટ્રેડ થઈ રહ્યો છે.

પાંચ વર્ષોમાં બેંક્સે NPA રાઈટ-ઓફમાંથી માત્ર 13 ટકા રિકવર કર્યાં
દેશમાં શેડ્યૂલ્ડ કમર્સિયલ બેંક્સે તેમણે પાંચ વર્ષોમાં કરેલા રાઈટ-ઓફ્સમાંથી માત્ર 13 ટકા રકમની રિકવરી દર્શાવી છે. દેશમાં બેંકોએ પાંચ વર્ષોમાં કુલ 10.09 લાખ કરોડની એનપીએ રાઈટ-ઓફ કરી હતી. જેમાંથી માંડ રૂ. 1.15 લાખ કરોડ આસપાસની રકમ રિકવર કરી શકી છે. છેલ્લાં પાંચ વર્ષોમાં 2018-19માં માત્ર રૂ. 2505 કરોડ(રૂ. 2.36 લાખના રાઈટ-ઓફ)ની જ્યારે 2021-22માં રૂ. 33534 કરોડ(રૂ. 1.75 લાખના રાઈટ-ઓફ)ની સૌથી ઊંચી રિકવરી જોવા મળી હતી. અગાઉ 2020-21માં રૂ. 30104 કરોડ અને 2019-20માં રૂ. 30016 કરોડની રિકવરી દર્શાવી હતી.
નવેમ્બરમાં ગોલ્ડ ETFમાં રૂ. 195 કરોડનો આઉટફ્લો નોંધાયો
ઓક્ટોબરમાં નેટ ઈનફ્લો આકર્ષ્યા બાદ નવેમ્બરમાં ગોલ્ડ ઈટીએફ્સમાં રૂ. 195 કરોડનો આઉટફ્લો નોઁધાયો હતો. વૈશ્વિક બજારમાં ગોલ્ડના ભાવમાં તીવ્ર બાઉન્સ પાછળ રોકાણકારોના પ્રોફિટ બુકિંગ પાછળ નેટ આઉટફ્લ જોવા મળ્યો હોવાનું વર્તુળો જણાવે છે. અગાઉ ઓક્ટોબરમાં ગોલ્ડ ઈટીએફ્સમાં રૂ. 147 કરોડનું જ્યારે સપ્ટેમ્બરમાં રૂ. 330 કરોડનું ચોખ્ખું રોકાણ જોવા મળ્યું હતું. જે અગાઉ ઓગસ્ટમાં રૂ. 38 કરોડનું નેટ સેલીંગ નોંધાયું હતું. એમ્ફિના ડેટા મુજબ કેલેન્ડર 2022માં અત્યાર સુધીમાં ગોલ્ડ ઈટીએફ્સમાં કુલ રૂ. 1121 કરોડનો નેટ ઈનફ્લો જોવા મળ્યો છે. નવેમ્બરની આખરમાં ગોલ્ડ ઈટીએફ્સનું કુલ એયૂએમ રૂ. 19882 કરોડ પર નોંધાયું હતું. જ્યારે કુલ ફોલિયોસની સંખ્યા 11800ના ઉમેરા સાથે 46.8 લાખ પર રહી હતી.
M&M પૂણે ખાતે EV માટે રૂ. 10 હજાર કરોડનું રોકાણ કરશે
અગ્રણી ઓટોમોબાઈલ કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પૂણે ખાતે ઈલેક્ટ્રીક વેહીકલના ઉત્પાદન માટે રૂ. 10000 કરોડના ખર્ચે પ્લાન્ટની સ્થાપના કરશે એમ કંપનીએ બુધવારે જણાવ્યું હતું. કંપની હાલમાં રાજ્યો સાથે ઈવી પ્લાન્ટ્સની સ્થાપના માટે વાતચીત ચલાવી રહી છે. કેમકે 2027 સુધીમાં કંપની કુલ વેહીકલ વેચાણનો 30 ટકા હિસ્સો ઈવીમાંથી આવે તેમ ઈચ્છી રહી છે. પૂણે સુવિધા મહારાષ્ટ્ર સરકારની ઈવી માટેની ઈન્ડસ્ટ્રીઅલ પ્રમોશન સ્કીમ હેઠળ સ્થાપવામાં આવશે. આ પ્લાન્ટ કંપનીના નવા ઈવી મોડેલ્સનુ ઉત્પાદન કરશે.

કોર્પોરેટ હેડલાઈન્સ

રિલાયન્સ કેપિટલઃ એડીએજી જૂથની નાદાર કંપની રિલાયન્સ કેપિટલના કમિટી ઓફ ક્રેડિટર્સે ઈ-ઓક્શન માટેની બેઝ પ્રાઈસને વધારી રૂ. 6500 કરોડ કરી છે. આમ કરી તેણે સંભવિત બીડર્સની ગણતરીઓને ખોટી પાડી છે. અગાઉ પિરામલ કોન્સોર્ટિયમ તરફથી કરવામાં આવેલી રૂ. 5231 કરોડની ઓફરને બેઝ પ્રાઈસ ગણવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે પાછળથી કંપનીના બે નફો રળતાં બિઝનેસિસને ધ્યાનમાં રાખી બેઝ પ્રાઈસને વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
લાન્કો ઈન્ફ્રાટેકઃ ભારત સરકારની માલિકીની ચાર કંપનીઓ લાન્કો ઈન્ફ્રાટેકના 1980 મેગાવોટના પાવર પ્લાન્ટની રૂ. 3020 કરોડમાં ખરીદીની નજીક પહોંચી હોવાનું સરકારી વર્તુળો જણાવે છે. પીએસયૂ વીજ ઉત્પાદકોએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને અદાણી ગ્રૂપને બીડીંગમાં પાછળ રાખવાથી આમ બન્યું છે. ચાર પીએસયૂમાં પીએફસી, આરઈસી, એસજેવીએન અને દામોદર વેલી કોર્પનો સમાવેશ થાય છે.
એસબીઆઈઃ ટોચના લેન્ડરે વિવિધ રિટેલ અને બલ્ક ડિપોઝીટ્સ પરના વ્યાજ દરોમાં 15-100 બેસીસ પોઈન્ટ્સ સુધીની વૃદ્ધિ દર્શાવી છે. બેંકરે ક્રેડિટ ગ્રોથ અને ડિપોઝીટ ગ્રોથ વચ્ચે વધતાં ગાળાને પૂરવા માટે આમ કર્યું છે. નવેમ્બરમાં બેંક્સનો ક્રેડિટ ગ્રોથ 17.2 ટકા રહ્યો હતો. જ્યારે ડિપોઝીટ ગ્રોથ માત્ર 9.6 ટકા પર જોવા મળ્યો હતો.
એચડીએફસીઃ દેશમાં સૌથી મોટા મોર્ગેજ ફાઈનાન્સર એચડીએફસીને એચડીએફસી બેંક સાથે મર્જર માટે દેશના સ્ટોક એક્સચેન્જિસ બીએસઈ અને એનએસઈએ મંજૂરી આપી છે. અહેવાલ પાછળ એચડીએફસી અને એચડીએફસી બેંકના શેર્સમાં મજબૂતી જોવા મળી હતી.
એબી કેપિટલઃ આદિત્ય બિરલા કેપિટલ તેના ઈન્શ્યોરન્સ બ્રોકિંગ બિઝનેસના વેચાણ માટે વિચારી રહી છે. કંપની ફાઈનાન્સિયલ સર્વિસિઝ બિઝનેસના રિસ્ટ્રક્ચરિંગના ભાગરૂપે આમ કરવા ઈચ્છે છે. 19-વર્ષ જૂના ઈન્શ્યોરન્સ બ્રોકિંગ બિઝનેસ માટે હાલમાં તે ખરીદાર શોધી રહી છે.

dhairya@socialcoffee.in

Share
Published by
dhairya@socialcoffee.in
Tags: Market Tips

Recent Posts

Rubicon Research IPO: Apply for Short-Term Gains?

Unlocking an Upcoming Investment Opportunity: Rubicon Research IPO Rubicon Research is making headlines with its…

2 weeks ago

Canara Robeco IPO: Apply for Short-Term Gains or Avoid?

Unlocking the Canara Robeco Asset Management Company IPO: A Guide for Every Investor Did you…

2 weeks ago

Tata Turmoil: 5 Secrets to Protect Your Wallet Now

Imagine you’re at a big family gathering and suddenly, your relatives start arguing about who…

2 weeks ago

Shlokka Dyes IPO Verdict: Apply for Short-Term Gains?

Shlokka Dyes IPO: Is It Worth Your Investment? Did you know that Shlokka Dyes is…

2 weeks ago

LG India IPO Verdict: Apply for Listing Gains Today!

LG India IPO: Should You Buy a Piece of Your TV and Fridge Company? Introduction…

2 weeks ago

5 Simple Steps to Secure a Wealthy Retirement Before 40

Did you know that starting your retirement planning in India before your 40s can make…

2 weeks ago

This website uses cookies.