ફેડ હોકિશ જળવાતાં શેરબજારોમાં સેન્ટિમેન્ટ ખરડાયું
ફેડ ચેરમેને જૂનમાં રેટ વૃદ્ધિ વિરામ વચ્ચે વધુ બે રાઉન્ડ વૃદ્ધિની સંભાવના દર્શાવી
નિફ્ટી ફરી 18700ની નીચે ઉતરી ગયો
સેન્સેક્સે 63000ની સપાટી ગુમાવી
વોલેટિલિટી ઈન્ડેક્સ 0.72 ટકા ગગડી 11.08ના સ્તરે
ફાર્મા, એફએમસીજીમાં મજબૂતી યથાવત
બેંકિંગ, આઈટી, રિઅલ્ટીમાં નરમાઈ
હેગ, પોલી મેડિક્યોર, કાપ્રી ગ્લોબલ, ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ નવી ટોચે
યુએસ ફેડ તરફથી રેટ વૃદ્ધિમાં પોઝ રાખવા છતાં ટોન હોકિશ જળવાય રહેવાથી શેરબજારોમાં એક પ્રકારની સુસ્તી જોવા મળી હતી. ભારતીય શેરબજાર સપ્તાહના શરૂઆતી ત્રણ સત્રોમાં પોઝીટીવ જોવા મળ્યાં પછી ગુરુવારે નરમાઈમાં સરી પડ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 311 પોઈન્ટ્સ ગગડી 62,918ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 68 પોઈન્ટ્સના ઘટાડે 18,688ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો. મીડ અને સ્મોલ-કેપ્સમાં પણ ઘટાડા પાછળ બ્રેડ્થ નરમ જોવા મળી હતી. બીએસઈ ખાતે 3664 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1870 કાઉન્ટર્સ ઘટાડો સૂચવતાં હતાં. જ્યારે 1669 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ રહ્યાં હતાં. 221 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 23 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ 0.72 ટકા ગગડી 11.08ના સ્તરે બંધ રહ્યો હતો.
ગુરુવારે ભારતીય બજારની શરૂઆત પોઝીટીવ રહી હતી અને શરૂઆતી એકાદ કલાકમાં તેણે વધુ સુધારો દર્શાવ્યો હતો. જોકે, તે લાંબુ ટક્યો નહોતો અને ઊંચા મથાળે વેચવાલીના દબાણે બજાર છેલ્લે સુધી ઘટાડાતરફી બની રહ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી 18756ના અગાઉના બંધ સામે 18774 પર ખૂલી ઉપરમાં 18794 થઈ નીચામાં 18669 પર ટ્રેડ થઈ તેની નજીક જ બંધ રહ્યો હતો. કેશ નિફ્ટીની સરખામણીમાં નિફ્ટી ફ્યુચર 51 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 18739ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 57 પોઈન્ટ્સના પ્રિમીયમ સામે 6 પોઈન્ટ્સનો ઘટાડો દર્શાવે છે. જેનો અર્થ એવો થાય છે કે માર્કેટમાં લોંગ પોઝીશન ધીમા સ્તરે લિક્વિડેટ થઈ રહી છે. ટેકનિકલ એનાલિસ્ટ્સ જોકે હજુ પણ ટ્રેન્ડ રિવર્સલના કોઈ સંકેતો નથી જોઈ રહ્યાં. તેમના મતે માર્કેટમાં 18600ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવી રાખવી જોઈએ. નિફ્ટી જૂન મહિનામાં જ તેના 18888ના અગાઉના ટોચના લેવલને સ્પર્શ કરી શકે છે. જોકે, ત્યાંથી નવું ઊંચું સ્તર બનાવતાં અગાઉ તે કોન્સોલિડેશનમાં જોવા મળી શકે છે. મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં આઉટપર્ફોર્મન્સ ચાલુ રહેવાની શક્યતાં પણ છે.
ગુરુવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા મુખ્ય ઘટકોમાં એપોલો હોસ્પિટલ, ડિવિઝ લેબ્સ, ડો. રેડ્ડીઝ લેબ્સ, સિપ્લા, બીપીસીએલ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, નેસ્લે, એમએન્ડએમ, આઈટીસી અને એશિયન પેઈન્ટ્સનો સમાવેશ થાય છે. બીજી બાજુ, હીરો મોટોકોર્પ, ઈન્ડસઈન્ડ બેંક, વિપ્રો, એસબીઆઈ, કોટક મહિન્દ્રા બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, એચડીએફસી લાઈફ અને ટીસીએસમાં નોંધપાત્ર વેચવાલી જોવા મળી હતી. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો ફાર્મા, એફએમસીજીમાં મજબૂતી યથાવત રહી હતી. જ્યારે બેંકિંગ, આઈટી, રિઅલ્ટીમાં નરમાઈ પ્રવર્તી રહી હતી. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 1.42 ટકા ઉછળી 13000ની સપાટી પાર કરી ગયો હતો અને સાત મહિનાની ટોચ પર જોવા મળ્યો હતો. જેમાં ઝાયડસ લાઈફ, ડિવિઝ લેબ્સ, ઓરોબિંદો ફાર્મા, ડો. રેડ્ડીઝ લેબ્સ, સિપ્લા, લ્યુપિન, બાયોકોન, આલ્કેમ લેબ, ટોરેન્ટ ફાર્મા સુધારો દર્શાવવામાં ટોચ પર હતાં.નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સે 52 હજારનું સ્તર પાર કરી સર્વોચ્ચ બંધ દર્શાવ્યું હતું. જેમાં વરુણ બેવરેજીસ, ડાબર ઈન્ડિયા, મેરિકો, નેસ્લે, આઈટીસી, ગોદરેજ કન્ઝ્યૂમર, બ્રિટાનિયા, ઈમામીમાં નોંધપાત્ર મજબૂતી જોવા મળતી હતી. નિફ્ટી ઓટો પણ પોઝીટીવ જળવાયો હતો. જોકે, નિફ્ટી બેંક 1.24 ટકા ઘટાડા સાથે બંધ જોવા મળ્યો હતો. જેના મુખ્ય ઘટકોમાં પીએનબી, બંધન બેંક, બેંક ઓફ બરોડા, ઈન્ડસઈન્ડ બેંક, ફેડરલ બેંક, એસબીઆઈ, કોટક મહિન્દ્રા બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક નોંધપાત્ર ઘટાડો સૂચવતાં હતાં. માત્ર આઈડીએફસી ફર્સ્ટ બેંક અને એયૂ સ્મોલ ફાઈ. બેંક પોઝીટીવ જોવા મળી રહ્યાં હતાં. નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસિસ પણ એક ટકા ઘટાડો દર્શાવતો હતો. જ્યારે નિફ્ટી રિઅલ્ટી 0.8 ટકા નરમાઈ સૂચવતો હતો. નિફ્ટી આઈટી 0.54 ટકા ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જેના મુખ્ય ઘટકોમાં વિપ્રો, ટીસીએસ, ઈન્ફોસિસ, કોફોર્જ અને એમ્ફેસિસ નોંધપાત્ર ઘટાડો દર્શાવતાં હતાં.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો એલએન્ડટી ફાઈનાન્સ 5 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. જે ઉપરાંત ડિક્સોન ટેક્નોલોજી, ગોદરેજ પ્રોપર્ટીઝ, એપોલો હોસ્પિટલ, ઝાયડસ લાઈફ, આઈડીએફસી ફર્સ્ટ બેંક, પીવીઆર આઈનોક્સ, ડિવિઝ લેબ્સ, દાલમિયા ભારતમાં પણ નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ ઝી એન્ટરટેઈનમેન્ટમાં 4.3 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત આરબીએલ બેંક, હીરો મોટોકોર્પ, પીએનબી, ડિએલએફ, કેનેરા બેંક, એમસીએક્સ ઈન્ડિયા, બંધન બેંક, બેંક ઓફ બરોડામાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. વાર્ષિક ટોચ દર્શાવનારા કેટલાંક કાઉન્ટર્સમાં હેગ, પોલી મેડિક્યોર, કાપ્રી ગ્લોબલ, ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટનો સમાવેશ થતો હતો. ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ, કેઈઆઈ ઈન્ડસ્ટ્રીઝ, જીઈ શીપીંગ, ઓલેક્ટ્રા ગ્રીન, પેટીએમ અને જેબીએમ ઓટો પણ સર્વોચ્ચ ટોચે પહોંચ્યા હતાં.
ફેડની કોમેન્ટ પાછળ સોના-ચાંદીમાં ભારે વેચવાલી
કોમેક્સ ખાતે ગોલ્ડ વાયદો 30 ડોલર ગગડી 1938 ડોલર પર પટકાયો
MCX ખાતે ગોલ્ડ વાયદો રૂ. 550ના ઘટાડે રૂ. 58750 પર જોવા મળ્યું
ચાંદી વાયદો રૂ. 1750ના ઘટાડે રૂ. 71000ની નીચે ઉતરી ગયો
યુએસ ફેડ ચેરમેન જેરોમ પોવેલે જૂનમાં રેટને સ્થિર જાળવવા સાથે કેલેન્ડરની સમાપ્તિ અગાઉ વધુ બે રેટ વૃદ્ધિની શક્યતાં વ્યક્ત કરતાં બુલિયનમાં વેચવાલી ફરી વળી હતી. કોમેક્સ ગોલ્ડ વાયદો ગુરુવારે સાંજે આ લખાય છે ત્યારે 30 ડોલરના ઘટાડે 1938 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે સિલ્વર વાયદો 3 ટકાથી વધુ ઘટાડે 23.28 ડોલર પર જોવા મળી રહ્યો હતો. ઘરઆંગણે એમસીએક્સ ખાતે ગોલ્ડ વાયદો રૂ. 550ના ઘટાડે રૂ. 58750 પર જોવા મળતો હતો. જ્યારે સિલ્વર ફ્યુચર રૂ. 1750ના તીવ્ર ઘટાડે રૂ. 71000ની સપાટી તોડી રૂ. 70900 આસપાસ જોવા મળતો હતો. વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ સાધારણ મજબૂતી દર્શાવતો હતો.
માર્કેટ નિરીક્ષકોના મતે ફેડ એફઓએમસીએ સતત 10-વાર રેટ વૃદ્ધિ પછી એક વિરામ રાખ્યો છે. જોકે, ફેડ ચેરમેને 25-25 બેસીસ પોઈન્ટ્સના વધુ બે રેટ વૃદ્ધિ રાઉન્ડની વાત કરતાં બજારમાં નિરાશા જોવા મળી હતી. જેની પાછળ કિંમતી ધાતુઓમાં વેચવાલી નીકળી હતી. જોકે, ગોલ્ડમાં નીચા મથાળે સપોર્ટ મળશે એમ તેઓ માને છે. ટેકનિકલી ગોલ્ડમાં 1930 ડોલરનો સપોર્ટ છે. જે તૂટશે તો જ 1900 ડોલરનું સ્તર જોવા મળી શકે છે. કિંમતી ધાતુ 1950 ડોલરની સપાટી કૂદાવશે તો ફરી 2000 ડોલર તરફ ગતિ કરી શકે છે. વૈશ્વિક સ્તરે જીઓપોલિટીકલ જોખમોને જોતાં ગોલ્ડમાં કોઈપણ સંજોગોમાં ખરીદી જળવાય રહેશે એમ ફંડામેન્ટલ એનાલિસ્ટ્સ માને છે. એમસીએક્સ ખાતે ગોલ્ડે રૂ. 59000નો મહત્વનો સપોર્ટ ગુમાવ્યો છે. જોકે, વૈશ્વિક બજારમાં બાઉન્સ પાછળ તે ઝડપી પરત ફરી શકે છે. ઉપરાંત ડોલર સામે રૂપિયામાં નરમાઈને કારણે પણ ગોલ્ડના ભાવમાં નીચો ઘટાડો જોવા મળી શકે છે એમ તેઓનું કહેવું છે.
ભારતની ઓઈલ માગ વૃદ્ધિ 2027માં ચીનથી આગળ નીકળી જશેઃ IEA
વૈશ્વિક ક્રૂડ ઓઈલની માગના મુખ્ય ચાલક બળ તરીકે 2027 સુધીમાં ભારત ચીનને પાછળ રાખી દેશે એમ ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી(IEA)નું કહેવું છે. IEA તરફથી રજૂ કરવામાં આવેલા તાજા રિપોર્ટ મુજબ 2024 પછી ચીનની ઓઈલ માગ ઓસરતી જોવાશે. વિશ્વમાં હાલમાં યુએસ, ચીન અને ભારત ટોચના ત્રણ ઓઈલ વપરાશકારો છે.
2023માં અપેક્ષા કરતાં સાર આર્થિક રિકવરી પછી પણ ઔદ્યોગિક વૃદ્ધિ દરમાં ઘડાટો અને ઘટતો સ્થાનિક વપરાશ ચીન ખાતે ઓઈલની માગમાં ઝડપી ઘટાડો લાવી શકે છે. બીજી બાજુ, ભારત ધીમે પણ સ્થિર વૃદ્ધિ સાથે વિશ્વમાં સૌથી ઝડપી વૃદ્ધિ દર્શાવતાં અર્થતંત્ર તરીકે તેનું સ્થાન મજબૂત બનાવી રહ્યું છે એમ ધ ઓઈલ-2023 રિપોર્ટ નોંધે છે. જેને જોતાં આગામી કેટલાંક વર્ષોમાં ભારત વિશ્વમાં ઓઈલની માગ માટે મુખ્ય ચાલકબળ બને તેવી શક્યતાં છે. આ પાછળનું એક મુહત્વનું કારણ ચીન ખાતે કાર અને બસનું ઝડપી ઈલેક્ટ્રિફિકેશન પણ છે. જોકે, ભારત પણ ઈલેક્ટ્રિફિકેશનની બાબતમાં સારી વૃદ્ધિ દર્શાવશે એમ આઈઈએના વડાએ જણાવ્યું હતું. ભારત પાસે ભરપૂર રિન્યૂએબલ એનર્જી ક્ષમતાને જોતાં દેશે ગ્રીન હાઈડ્રોજન બિઝનેસમાં સુપરપાવર બનવાની તક ગુમાવવી જોઈએ નહિ એમ પણ તેમણે ઉમેર્યું હતું.
ભારતે 2022-23માં 22.230 કરોડ ટન પેટ્રોલિયમ પેદાશોનો વપરાશ નોંધાવ્યો હતો. જે અગાઉના વર્ષની સરખામણીમાં 10.2 ટકા જેટલો ઊંચો હતો. આઈઈએના રિપોર્ટ મુજબ ભારતની ઓઈલ માગ 2022-2028 દરમિયાન પ્રતિ દિવસ 10 લાખ બેરલ્સ જેટલી વધશે. આ સમયગાળામાં ડિઝલનો હિસ્સો પ્રોડક્ટ મિક્સમાં વધી 32થી 35 ટકા પર જોવા મળશે. ભારત ઉપરાંત મલેશિયા અને ઈન્ડોનેશિયા પર ઓઈલના વપરાશમાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવી રહ્યાં છે એમ આઈઈએ રિપોર્ટ નોંધે છે.
MG મોટર ઈન્ડિયામાં હિસ્સો ખરીદવા M&M અને હિંદુજા પણ મેદાનમાં
શાંઘાઈ મુખ્યાલય ધરાવતી SAICની સંપૂર્ણ માલિકીની એમજી મોટર ઈન્ડિયા પાસેથી નોંધપાત્ર હિસ્સો ખરીદવા માટે ઓટોમોબાઈલ અગ્રણી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને હિંદુજા જૂથ પણ સ્પર્ધામાં પ્રવેશ્યાં હોવાનું ઈન્વેસ્ટમેન્ટ બેંકિંગ વર્તુળો જણાવે છે. જેએસડબલ્યુ ગ્રૂપના સજ્જન જિંદાલની પ્રાઈવેટ ઈક્વિટી કંપની અગાઉથી જ એમજી મોટરનો 48 ટકા હિસ્સો ખરીદવા રસ દર્શાવી ચૂકી છે. કંપનીનું વેલ્યૂએશન રૂ. 8000 કરોડ પર અંકાઈ રહ્યું છે એમ વર્તુળોનું કહેવું છે.
ભારતીય ઓટોમોબાઈલ બજારમાં એક ટકા હિસ્સો ધરાવતી એમજી મોટર ઈન્ડિયાએ ભારતીય કંપનીઓ તરફથી એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ મંગાવ્યાં છે. જોકે વર્તુળોના જણાવ્યા મુજબ હજુ સુધી કોઈ બાઈન્ડિંગ ઓફર કરવામાં આવી નથી. ભારતીય પાંખમાં SAIC લઘુમતી હિસ્સો ધરાવવાનું જાળવી રાખશે એમ જણાવતાં વર્તુળો ઉમેરે છે કે 5 ટકા હિસ્સો ભારતીય કર્મચારીઓને ઓફર કરવામાં આવે તેવી શક્યતાં પણ છે. નાણા વર્ષ 2022-23માં એમજી મોટર ઈન્ડિયાનું સ્થાનિક બજારમાં વેચાણ 21 ટકા ઉછળ્યું હતું અને 48,886 યુનિટ્સ પર જોવા મળ્યું હતું. કંપની ઈવીમાં 11.6 ટકા હિસ્સો ધરાવે છે.
મેમાં સ્થાનિક પેસેન્જર ટ્રાફિકમાં વાર્ષિક 36 ટકાની વૃદ્ધિ
મે-2019માં 1.22 કરોડ પેસેન્જર્સ સામે ચાલુ વર્ષે 1.32 કરોડે ઉડાન ભરી
ડોમેસ્ટીક એર ટ્રાફિકમાં મે દરમિયાન વાર્ષિક 36 ટકા વૃદ્ધિ જોવા મળઈ હતી. સ્થાનિક એરલાઈન્સ કંપનીઓએ ગયા મહિને કુલ 1.32 પેસેન્જર્સને મુસાફરી કરાવી હતી એમ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન(ડીજીસીએ)નો ડેટા જણાવે છે. માસિક ધોરણે પણ મે મહિનામાં ટ્રાફિક 2.5 ટકા વૃદ્ધિ દર્શાવતો હતો. એપ્રિલમાં એર ટ્રાફિક 1.29 કરોડ પેસેન્જર્સનો જોવા મળ્યો હતો. કોવિડ અગાઉ મે-2019માં જોવા મળતાં 1.22 કરોડ પેસેન્જર્સના ટ્રાફિકથી ઊંચો ટ્રાફિક ચાલુ વર્ષે જોવા મળ્યો હતો.
માર્કેટ હિસ્સાની વાત કરીએ તો દેશમાં સૌથી મોટી એરલાઈન કંપની ઈન્ડિગોનો બજાર હિસ્સો મે મહિનામાં 3.9 ટકા વધ્યો હતો. ગોફર્સ્ટના પતનનો સીધો લાભ કંપનીને થયો હતો. ગોફર્સ્ટે 2 મેથી તેની સેવા રદ કરી હતી. ઈન્ડિગોના માર્કેટ હિસ્સો 61.3 ટકા પર રહ્યો હતો. તેણે મેમાં 81.10 લાખ પેસેન્જર્સને ઉડાન ભરાવી હતી. એર ઈન્ડિયા 9.4 ટકા હિસ્સા સાથે મેમાં બીજા ક્રમની સ્થાનિક હવાઈકંપની બની રહી હતી. તેણે 12.44 લાખ લોકોને મુસાફરી કરાવી હતી. કંપનીનો માર્કેટ શેર જાન્યુઆરી મહિનાથી સતત ઘટી રહ્યો હતો. જોકે, ગોફર્સ્ટને કારણે તેને મેમાં લાભ મળ્યો હતો અને બજાર હિસ્સામાં સુધારો જોવા મળ્યો હતો. મે મહિનામાં વિસ્ટારાનો માર્કેટ શેર 30 બેસીસ પોઈન્ટ્સ વધી 9 ટકા પર રહ્યો હતો. તેણે 11.95 લાખ મુસાફરોને ઉડાન ભરાવી હતી. એરએશિયા ઈન્ડિયા 7.9 ટકા હિસ્સા સાથે ચોથા ક્રમની કંપની રહી હતી. તાતા જૂથની કંપનીએ 10.41 પ્રવાસીઓને હવાઈ સેવા પૂરી પાડી હતી.
મે મહિનામાં દેશની વેપાર ખાધ વધી 22.12 અબજ ડોલર
ડિસેમ્બર 2022 પછીની સૌથી ઊંચી માસિક ખાધ જોવાઈ
મે મહિનામાં આયાત 6.6 ટકા ગગડી 57.1 અબજ ડોલર રહી જ્યારે નિકાસ 10.3 અબજ ડોલર ઘટાડે 34.98 અબજ ડોલર પર નોંધાઈ
દેશની માલ-સામાનની આયાત-નિકાસમાં વેપારી ખાધ પાંચ મહિનાની ટોચ પર જોવા મળી છે. ગુરુવારે સરકાર તરફથી રજૂ કરવામાં આવેલા ડેટા મુજબ મે મહિનામાં વેપારી ખાધ(ટ્રેડ ડેફિસિટ) 22.12 અબજ ડોલર પર રહી હતી. જે એપ્રિલમાં 15.24 અબજ ડોલર પર જોવા મળતી હતી. આમ એક મહિનામાં વેપારી ખાધમાં લગભગ 7 અબજ ડોલરની તીવ્ર વૃદ્ઘિ નોંધાઈ હતી. અગાઉ ડિસેમ્બર 2022માં દેશની વેપાર ખાધ 23.76 અબજ ડોલર પર જોવા મળી હતી. જ્યારપછી તેમાં ઘટાડો જળવાયો હતો. જોકે, મે મહિનામાં વેપાર ખાધમાં તીવ્ર વૃદ્ધિ નોંધાઈ હતી.
મે મહિનામાં દેશમાંની આયાત વાર્ષિક ધોરણે 6.6 ટકા ગગડી 57.1 અબજ ડોલર પર રહી હતી. જ્યારે નિકાસ 10.3 ટકા ગગડી 34.98 અબજ ડોલર પર જોવા મળી હતી. ગયા વર્ષે મે મહિના દરમિયાન વેપાર ખાધ 24.29 અબજ ડોલર પર નોંધાઈ હતી. આમ વાર્ષિક ધોરણે તેમાં 2 અબજ ડોલરથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. કેન્દ્રિય વાણિજ્ય સચિવ સુનિલ બર્થવાલના જણાવ્યા મુજબ વૈશ્વિક વેપાર મોરચે અવરોધા ચાલુ જ છે. વાણિજ્ય વિભાગ અને ઉદ્યોગ પ્રોત્સાહન અને આંતરિક વેપાર વિભાગ એક્સપોર્ટ્સ માટેની સ્ટ્રેટેજી પર કામ કરી રહ્યાં છે. તેઓ 40 દેશોમાં દેશની નિકાસને વેગ આપવા માટે વ્યૂહ ઘડી રહ્યાં છે એમ બર્થવાલે ઉમેર્યું હતું.
ઝી પ્રમોટર્સ કેસમાં SATનો સેબીના આદેશ પર સ્ટેનો ઈન્કાર
SATએ ઝી પ્રમોટર્સને તત્કાળ રાહત ના આપી
ટ્રિબ્યુનલે માર્કેટ રેગ્યુલેટરને 48-કલાકમાં જવાબ આપવા જણાવ્યું
સિક્યૂરિટીઝ એપલેટ ટ્રિબ્યુનલે ગુરુવારે એસ્સેલ જૂથ ચેરમેન સુભાષ ચંદ્ર અને તેમના પુત્ર પુનિત ગોએન્કાને સેબી તરફથી કરવામાં આવેલા આદેશ વિરુધ્ધ રાહત આપવાનો ઈન્કાર કર્યો હતો. માર્કેટ રેગ્યુલેટરે પિતા-પુત્ર પર કહેવાના ફંડ ડાયવર્ઝન કેસમાં કોઈપણ લિસ્ટેડ કંપનીમાં ડિરેક્ટરના પદ પર રહેવા પર પ્રતિબંધ મૂક્યો હતો. ટ્રિબ્યુનલે સેબીને 46 કલાકમાં તેનો જવાબ રજૂ કરવા નિર્દેશ કર્યો હતો અને આ બાબતને 19 જૂને ડિસ્પોઝલ માટે રજૂ કરવા જણાવ્યું હતું.
ગોએન્કાના વકિલે સેબીના આદેશ પર 14 દિવસ માટે સ્ટે મૂકવાની વિનંતી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ઝી લિ.નું સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઈન્ડિયા સાથે મર્જર હાલમાં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ(એનસીએલટી)માં પેન્ડિંગ છે. એનસીએલટી સમક્ષ હવેની સુનાવણી 16 જૂને યોજવામાં આવી છે. વર્તુળોના જણાવ્યા મુજબ ઝી લિ. એનસીએલટીમાં મર્જરને લઈ સુનાવણીને પાછી ઠેલવા માટે અરજી કરી શકે છે. પુનિત ગોએન્કા રૂ. 40000 કરોડના મૂલ્યની મર્જ્ડ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર થવાના હતાં. ટ્રિબ્યૂનલે આ મુદ્દે તપાસને પૂરી કરવા માટે સેબી પાસે જરૂરી સમય અંગે પણ પૂછતાછ કરી હતી. 12 જૂને ઈસ્યુ કરેલા એક વચગાળાના આદેશમાં સેબીએ જણાવ્યું હતું કે ચંદ્રા અને ગોએન્કાએ ડિરેક્ટર્સ અને મુખ્ય મેનેજરિયલ પર્સનલ તરીકેની તેમની ભૂમિકા દરમિયાન તેમના લાભ માટે ફંડની ઉચાપત કરી હતી. તેણે આદેશમાં ઉમેર્યું હતું કે હાલમાં તપાસ ચાલુ છે પરંતુ કોઈપણ લિસ્ટેડ કંપની અથવા તેની સબસિડિયરીમાં ડિરેક્ટર અથવા મહત્વના મેનેજરિયલ હોદ્દા પર તેમનું ચાલુ રહેવું એ તેના રોકાણકારોના હિતમાં નથી. માર્કેટ રેગ્યુલેટરે કંપનીને કોર્પોરેટ ગવર્નન્સની રીતે નબળો કેસ જણાવ્યો હતો તેમજ કંપનીમાં વ્યક્તિગત બેજવાબદારીભર્યાં વર્તન પર અંકુશ માટે કોઈ માળખું અસ્તિત્વમાં નહિ હોવાનું પણ નોંધ્યું હતું. રેગ્યુલેટરે એમ પણ નોંધ્યું હતું કે પ્રમોટર્સ કંપનીમાં માત્ર 3.99 ટકા હિસ્સો જ ધરાવે છે અને તેમ છતાં ચંદ્રા અને ગોએન્કા કંપનીના વડા પદ પર ચાલુ છે.
સરકારે રિફાઈન્ડ સોયાબિન અને સનફ્લાવર તેલ પરની ડ્યુટીમાં આકસ્મિક ઘટાડો કર્યો
રિફાઈન્ડ સોયાબિન ઓઈલ પરની ડ્યૂટી 17.5 ટકા પરથી ઘટાડી 12.5 ટકા કરી
કેન્દ્ર સરકારે એક અણધાર્યાં પગલામાં રિફાઈન્ડ સોયાબિન અને રિફાઈન્ડ સનફ્લાવર તેલ પરની આયાત ડ્યૂટીમાં ઘટાડો કર્યો છે. દેશમાં ભાગ્યે જ આયાત થતાં રિફાઈન્ડ સોયાબિન તેલ તથા સનફ્લાવર તેલ પરની આયાત જકાત 5 ટકા ઘટાડી 12.5 ટકા કરવામાં આવી છે. જે અગાઉ 17.5 ટકા પર હતી. ખાદ્યતેલ બજારના વર્તુળોના મતે સરકારનું આ પગલું સેન્ટિમેન્ટલ છે અને તેને કારણે કોઈખાસ ફેરફાર થવાની શક્યતાં નથી કેમકે દેશમાં સોયાબિન અને સનફ્લાવર તેલની આયાત ક્રૂડ સ્વરૂપમાં થાય છે અને તેનું ભારતમાં રિફાઈનીંગ કરવામાં આવે છે. આ ઉપરાંત ભારત જ્યાંથી આ બંને પ્રકારના ખાદ્યતેલોની આયાત કરે છે તે દેશો પણ રિફાઈનીંગ માટેની મોટી ક્ષમતા નથી ધરાવતાં અને તેથી તેમને માટે રિફાઈન્ડ તેલ મોકલવા સંભવ નથી.
બુધવારે મોડી રાતે સરકારે આયાત ડ્યૂટીમાં કરેલા ફેરફાર પછી પણ ક્રૂડ અને રિફાઈન્ડ સોયાબિન તથા સનફ્લાવર ઓઈલ વચ્ચે ડ્યૂટીને લઈને ગેપ નોંધપાત્ર ઊંચો જોવા મળી રહ્યો છે એમ ટ્રેડર્સ જણાવે છે. હાલમાં ક્રૂડ સોયાબિન તેલ, સનફ્લાવર તેલ અને પામ તેલ પરની ડ્યુટી 5.5 ટકા આસપાસ જોવા મળે છે. સરકારનું આ પગલું બજારની અપેક્ષાથી વિરુધ્ધ દિશાનું હતું. સ્થાનિક બજારમાં તાજેતરમાં ખાદ્ય તેલના ભાવોમાં તીવ્ર ઘટાડા પછી બજાર કોમોડિટીની આયાત ડ્યુટીમાં વૃદ્ધિની અપેક્ષા રાખી રહ્યું હતું. તેનાથી ઊલટું સરકારે રિફાઈન્ડ તેલ પરની ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. ટ્રેડર્સના મતે આ પગલું ચૂંટણીના વર્ષ તથા અલ નીનો જેવી સંભવિત ઘટનાઓને કારણે સરકારની ચિંતા દર્શાવી રહ્યું છે. 14 જૂન સુધીમાં દેશમાં દક્ષિણપશ્ચિમ ચોમાસાનો વરસાદ સામાન્ય કરતાં 53 ટકા ઓછો જોવા મળી રહ્યો છે. અગ્રણી ખાદ્ય તેલ રિફાઈનરના મતે સરકાર કોઈપણ ભોગે દેશમાં ખાદ્ય તેલોના ભાવ નિયંત્રણમાં જાળવવા ઈચ્છે છે. ક્રૂડ અને રિફાઈન્ડ સોયાબિન અને સનફ્લાવર તેલ વચ્ચે ડ્યૂટી ગેપમાં ઘટાડા છતાં રિફાઈન્ડ તેલની આયાતમાં વૃદ્ધિની શક્યતાં નહિવત છે અને તેથી સરકારનો આ નિર્ણય માત્ર બજાર પર માનસિક અસર ઊભી કરવાનો પ્રયાસ છે એમ તેઓ ઉમેરે છે.
છેલ્લાં એક વર્ષમાં દેશમાં આયાતી ખાદ્ય તેલોના ભાવમાં ફેરફાર(ડોલર પ્રતિ ટન, CIF પોર્ટ્સ)
ખાદ્ય તેલ એપ્રિલ-23 એપ્રિલ-22 ફેરફાર(ટકામાં)
ક્રૂડ પામતેલ 1039 1791 -41.99
ક્રૂડ સનફ્લાવર તેલ 1036 2155 -51.93
ક્રૂડ સોયાબિન તેલ 1049 1909 -45.05
NOTE: CIF એટલે કેરિજ, ઈનવોઈસ અને ફ્રેઈટ
કોર્પોરેટ હેડલાઈન્સ
બેંક ઓફ બરોડાઃ બીજા ક્રમની પીએસયૂ બેંકે દેશમાં સૌથી મોટા સ્ટોક ટ્રેડિંગ પ્લેટફોર્મ નેશનલ સ્ટોક એક્સચેન્જમાં તેના હોલ્ડિંગ્સના વેચાણની યોજના રદ કરી છે. અગાઉ તેણે એનએસઈના હિસ્સાના વેચાણ માટે રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ મંગાવી હતી. અહેવાલો મુજબ બેંક ઓફ બરોડા એનએસઈમાં 0.42 ટકા હિસ્સાનું રૂ. 3150 પ્રતિ શેરના ફ્લોરભાવે વેચાણ ઈચ્છી રહી છે. જેમાંથી તેને રૂ. 662 કરોડ પ્રાપ્ત થઈ શકે તેમ છે.
બીએસઈઃ દેશમાં બીજા ક્રમના સ્ટોક ટ્રેડિંગ પ્લેટફોર્મે સીડીએસએલમાં 4.5 ટકા હિસ્સાનું વેચાણ કર્યું છે. આ શેર્સ વેચાણમાંથી બીએસઈએ રૂ. 468 કરોડ મેળવ્યાં છે. સીડીએસએલ દેશમાં એકમાત્ર લિસ્ટેડ ડિપોઝીટરી કંપની છે. જેની સ્થાપના બીએસઈની પેટાકંપની તરીકે થઈ હતી. જોકે, લિસ્ટીંગ પછી બીએસઈના હિસ્સામાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.
તિતાગઢ રેલઃ રેલ્વે સેક્ટરની કંપની તિતાગઢ રેલ્વે સિસ્ટમ્સ પીએસયૂ કંપની ભેલના કોન્સોર્ટિયમમાં રૂ. 1000 કરોડનું રોકાણ કરશે. કોન્સોર્ટિયમને તિતાગઢ રેલ સિસ્ટમ્સ-ભારત હેવી ઈલેક્ટ્રીકલ્સ તરીકે ઓળખવામાં આવશે. કોન્સોર્ટિયમે 80 વંદે ભારત ટ્રેન્સના સપ્લાય માટેનો ઓર્ડર મેળવ્યો છે.
એક્સિસ બેંકઃ ગ્લોબલ પ્રાઈવેટ ઈક્વિટી ફંડ બેઈન કેપિટલ ત્રીજા ક્રમની પ્રાઈવેટ બેંકમાં 0.75 ટકા હિસ્સાનું વેચાણ કરશે. તે 0-1.4 ટકાના ડિસ્કાઉન્ટ આસપાસ આ હિસ્સો વેચશે એમ વર્તુળો જણાવે છે. એક્સિસ બેંકના હિસ્સા વેચાણમાંથી પીઈ કંપની 26.7 કરોડ ડોલર આસપાસની રકમ મેળવશે. બેઈન પાસે એક્સિસ બેંકનો 1.3 ટકા હિસ્સો રહેલો છે.
એમએન્ડએમઃ ટોચની યુટિલિટી ઉત્પાદક કંપનીએ વૈશ્વિક વિસ્તરણ સ્ટ્રેટેજીના ભાગરૂપે XUV700ને ઓસ્ટ્રિલિયન બજારમાં લોંચ કરી છે. કંપની તેના પ્રિમીયમ મોડેલ્સને વિદેશી બજારોમાં લોંચ કરી રહી છે.
એસજેવીએનઃ કેન્દ્ર સરકારના હાઈડ્રો પાવર સાહસે મહારાષ્ટ્ર સ્ટેટ પાવર જનરેશન કંપની સાથે 5000 મેગાવોટના રિન્યૂએબલ એનર્જી પ્રોજેક્ટ્સની સ્થાપના માટે એમઓયૂ સાઈન કર્યાં છે. એસજેવીએનની પેટાકંપની આરઈ સેગમેન્ટમાં ઝડપી ડાયવર્સિફિકેશન હાથ ધરી રહી છે.
તાતા સ્ટીલઃ પ્રાઈવેટ સ્ટીલ ઉત્પાદકે જર્મનીના એસએમએસ ગ્રૂપ સાથે લો કાર્બન સ્ટીલ મેકીંગ પ્રોસેસની શોધ માટે ભાગીદારી કરી છે. જે હેઠળ બંને કંપનીઓ વધુ ટેકનીકલ ચર્ચા-વિચારણા હાથ ધરશે અને એસએમએસ જૂથ તરફથી વિકસાવવામાં આવેલી ઈઝીમેલ્ટ ટેક્નોલોજી પર સંયુક્ત ઈન્ડસ્ટ્રીઅલ ડેમોસ્ટ્રેશન હાથ ધરશે.
અદાણી ગ્રીન એનર્જીઃ ઈએસજી પર્ફોર્મન્સની રીતે કંપનીનો ટોચની 10 રિન્યૂએબલ એનર્જી કંપનીમાં સમાવેશ થયો છે એમ ઈન્સ્ટીટ્યુશ્નલ શેરહોલ્ડર સર્વિસિઝ ઈએસજીએ જણાવ્યું છે. કંપનીને પ્રાઈમ બેન્ડમાં સ્થાન અપાયું છે.
HCL ટેક્નોલોજિસઃ આઈટી સર્વિસિઝ કંપની અને ગૂગલ ક્લાઉડે કંપનીઓને જનરેટીવ આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં સહાયરૂપ થવા માટે તેમની સ્ટ્રેટેજીક પાર્ટનરશીપનો વિસ્તાર કર્યો છે. જેના ભાગરૂપે એચસીએલ ટેક્નોલોજી 18000 એક્સપર્ટ્સને ટ્રેનીંગ પૂરી પાડશે.