Categories: Market TipsNEWS

Market Summary 15 Nov 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

ઈન્ટ્રા-ડે વોલેટિલિટી વચ્ચે માર્કેટે ફ્લેટ બંધ દર્શાવ્યું
નિફ્ટી 18100ના સ્તરને જાળવી રાખવામાં સફળ
બેંકિંગ, મેટલ અને ફાઈનાન્સિયલ સર્વિસિસ ક્ષેત્રે નરમાઈ પાછળ બજાર ઊંચા સ્તરેથી ગગડ્યું
ડિફેન્સિવ્સ એવા આઈટી, ફાર્મા અને એફએમસીજીમાં જોવા મળેલી ખરીદી
બ્રોડ માર્કેટમાં પણ નરમાઈ વચ્ચે માર્કેટ બ્રેડ્થ નરમ

ભારતીય શેરબજારે ઉઘડતાં સપ્તાહે ફ્લેટ-ટુ-પોઝીટીવ બંધ દર્શાવ્યું હતું. જોકે દિવસના ટોચના સ્તરેથી તે પાછુ ફર્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી 6.7 પોઈન્ટ્સના સાધારણ સુધારે 18109.45ના સ્તરે જ્યારે બીએસઈ સેન્સેક્સ 32.02 પોઈન્ટ્સ સુધારા સાથે 60718.71ના સ્તરે બંધ રહ્યો હતો. બ્રોડ માર્કેટમાં ઊંચા સ્તરે વેચવાલીને કારણે માર્કેટ બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. બજારને ડિફેન્સિવ્સ તરફથી સપોર્ટ સાંપડ્યો હતો. જ્યારે સાઈક્લિકલ્સમાં વેચાણ જોવા મળ્યું હતું.
વૈશ્વિક બજારોમાં મહદઅંશે પોઝીટીવ ટોનને કારણે સ્થાનિક બજારમાં કામકાજની શરૂઆત ગેપ-અપ જોવા મળી હતી. નિફ્ટી અગાઉના 18102.75ના બંધ ભાવ સામે 100 પોઈન્ટ્સથી વધુના સુધારે ખૂલતામાં જ 18210.15ની ટોચ પર જોવા મળ્યો હતો. જોકે ત્યાંથી તે દિવસ દરમિયાન ઘસાતો રહ્યો હતો અને બપોર બાદ તે નોંધપાત્ર સમય રેડ ઝોનમાં પણ ટ્રેડ થયો હતો. જોકે આઈટી, ફાર્મા અને એફએમસીજીના સપોર્ટ પાછળ તેણે આખરે ગ્રીન ઝોનમાં બંધ દર્શાવ્યું હતું. લાંબા સમયગાળા બાદ ફાર્મા શેર્સમાં ખરીદી જોવા મળી હતી અને તેણે બ્રોડ માર્કેટની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું હતું. ફાર્મા ઈન્ડેક્સ 1.45 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જેમાં બાયોકોન 4.42 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવતો હતો. આ ઉપરાંત સિપ્લા(2.42 ટકા), ડિવિઝ લેબ્સ(1.32 ટકા), ઓરોબિંદો ફાર્મા(1.14 ટકા), આલ્કેમ લેબ(1.10 ટકા) અને ડો. રેડ્ડીઝ લેબો(0.63 ટકા)નો સુધારો દર્શાવતાં હતાં. એફએમસીજી ઈન્ડેક્સ 0.94 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જેના મુખ્ય પ્રતિનિધિઓમાં આઈટીસી 2.23 ટકા સાથે સૌથી સારો દેખાવ દર્શાવી રહ્યો હતો. આ સિવાય પ્રોક્ટર એન્ડ ગેમ્બલ, નેસ્લે, બ્રિટાનિયા, મેરિકો, એચયૂએલ, ટાટા કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સ, ગોદરેજ કન્ઝ્યૂમર વગેરેએ પોઝીટીવ બંધ આપ્યું હતું. આઈટી કાઉન્ટર્સમાં એમ્ફેસિસ 2 ટકા સાથે દેખાવમાં ટોચ પર હતો.જ્યારે તે સિવાય કોફોર્જ, ટીસીએસ, ઈન્ફોસિસ અને માઈન્ડટ્રી પણ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં.
જોકે બીજી બાજુ બેંકિંગ, ઓટો, મેટલ ક્ષેત્રે વેચવાલી જોવા મળી હતી. બેંકિંગમાં પીએસયૂ બેંક્સમાં સતત બીજા દિવસે નરમાઈ જોવા મળી હતી. પીએસયૂ બેંક ઈન્ડેક્સ 1.45 ટકા ઘટાડો સૂચવતો હતો. જેમાં જેએન્ડકે બેંક 6.41 ટકા સાથે ઘટવામાં ટોચ પર હતી. બેંક ઓફ મહારાષ્ટ્ર, યુનિયન બેંક, બેંક ઓફ બરોડા, ઈન્ડિયન બેંક, કેનેરા બેંક, આઈઓબી પણ એક ટકાથી વધુ સુધારો દર્શાવતાં હતાં. એકમાત્ર પંજાબ એન્ડ સિંધ બેંક સાધારણ પોઝીટીવ બંધ દર્શાવી રહ્યો હતો. નિફ્ટી મેટલ ઈન્ડેક્સમાં 1.82 ટકાનો તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. ઈન્ડેક્સના ઘટકોમાં મહત્વનો ઘટાડો દર્શાવનારા કાઉન્ટર્સમાં વેલસ્પન કોર્પ(4.49 ટકા), કોલ ઈન્ડિયા(4.31 ટકા), ટીટી સ્ટીલ(3.25 ટકા), હિંદાલ્કો(2.7 ટકા), જિંદાલ સ્ટીલ(2.6 ટકા), એનએમડીસી(1.99 ટકા)નો સમાવેશ થતો હતો. નિફ્ટી પીએસઈએ પોઝીટીવ બંધ દર્શાવ્યું હતું. જેમાં આઈઆરસીટીસી 4.46 ટકા સુધારા સાથે ટોચ પર હતો. એ સિવાય પાવર ગ્રીડ કોર્પોરેશન પણ 3.5 ટકાનો મજબૂત સુધારો દર્શાવી રહ્યો હતો. જ્યારે ઓએનજીસી, એચપીસીએલ અને એટીપીસીમાં પણ પોઝીટીવ મોમેન્ટમ જોવા મળ્યું હતું.
મીડ અને સ્મોલ-કેપ્સમાં વેચવાલી પાછળ બીએસઈ ખાતે માર્કેટ-બ્રેડ્થ નેગેટિવ રહી હતી. એક્સચેન્જ ખાતે 3576 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી માત્ર 1279 સુધારો દર્શાવતાં હતાં. જ્યારે 2141 ઘટીને બંધ રહ્યાં હતાં. 156 કાઉન્ટર્સ ફ્લેટ બંધ દર્શાવતાં હતાં. લાંબા સમયબાદ અપર સર્કિટ્સમાં બંધ રહેનારા કાઉન્ટર્સની સમકક્ષ નીચલી સર્કિટમાં બંધ રહેનારા કાઉન્ટર્સ જોવા મળ્યાં હતાં. જેમાં 377 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. જ્યારે 314 કાઉન્ટર્સ નીચલી સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં.



IPO ઉન્માદ યથાવતઃ સિગાચી ઈન્ડસ્ટ્રીઝનું 253 ટકા પ્રિમીયમ સાથે લિસ્ટીંગ
સોમવારે સિગાચી ઈન્ડસ્ટ્રીઝનો શેર રૂ. 163ના ઓફરભાવ સામે 253 ટકા પ્રિમીયમે રૂ. 575ના સ્તરે લિસ્ટ થયો
મહિના અગાઉ પારસ ડિફેન્સના 171 ટકા પ્રિમીયમે જોવા મળેલા લિસ્ટીંગથી ચઢિયાતું લિસ્ટીંગ
રિટેલ રોકાણકારોને માત્ર 26.93 લાખ શેર્સની ઓફર પર રૂ. 117 કરોડનો જેકપોટ લાગ્યો
પોલિસી બઝારની માલિક પીબી ઈન્ફોટેકનું 17 ટકા પ્રિમીયમે સાધારણ લિસ્ટીંગ

ભારતીય શેરબજારમાં આઈપીઓ લિસ્ટીંગના નવા વિક્રમ બની રહ્યાં છે. ગયા સપ્તાહે ફેશન અને બ્યુટી પ્રોડક્ટ્સના ઓનલાઈન વેચાણમાં સક્રિય નાયકાના મેગા આઈપીઓના બમ્પર લિસ્ટીંગ બાદ સોમવારે કેમિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલી સિગાચી ઈન્ડસ્ટ્રીઝના સ્મોલ આઈપીઓનું બમ્પર લિસ્ટીંગ જોવા મળ્યું હતું. રૂ. 163ના ઓફરભાવ સામે કંપનીનો શેર 253 ટકા પ્રિમીયમે રૂ. 575ના સ્તરે લિસ્ટ થયો હતો અને ત્યાંથી વધુ 5 ટકા સુધરી રૂ. 598.50ની સપાટીએ અપર સર્કિટમાં બંધ રહ્યો હતો.
વિવિધ ગ્રેડ્સના માઈક્રોક્રિસ્ટલાઈન સેલ્યૂલોઝના ઉત્પાદનમાં સક્રિય સિગાચી ઈન્ડસ્ટ્રીઝે રૂ. 125 કરોડ ઊભા કરવા માટે આઈપીઓ કર્યો હતો. કંપનીએ કુલ ભરણાનો 50 ટકા હિસ્સો રિટેલને ઓફર કર્યો હતો. જેમાં રિટેલ ઈન્વેસ્ટર્સને કુલ 26.93 લાખ શેર્સ ઓફર કર્યાં હતાં. લિસ્ટીંગ પર એક શેરે રૂ. 412 લેખે સોમવારે રિટેલ રોકાણકારોને રૂ. 117 કરોડનો જેકપોટ હાથ લાગ્યો હતો. આ અગાઉ 1 ઓક્ટોબરે પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેક્નોલોજીના શેરે 171 ટકા પ્રિમીયમે લિસ્ટીંગ દર્શાવ્યું હતું. કંપનીનો શેર રૂ. 175ના ઓફરભાવ સામે રૂ. 475ના સ્તરે ખૂલી રૂ. 498.75ની અપર સર્કિટમાં બંધ રહ્યો હતો.
ગયા સપ્તાહે એફએસએન ઈ-કોમર્સ વેન્ચર્સ(નાયકા)એ શેરબજારમાં મજબૂત લિસ્ટીંગ દર્શાવ્યું હતું. રૂ. 1125ના ઓફર ભાવ સામે કંપનીનો શેર એનએસઈ ખાતે રૂ. 2018ની સપાટીએ 79 ટકા પ્રિમિયમે લિસ્ટ થયો હતો. જે સાથે કંપનીના ફાઉન્ડર પ્રમોટર ફાલ્ગુની નાયરની માર્કેટ-વેલ્થ પણ રૂ. 49 હજાર કરોડ અથવા 6.5 અબજ ડોલર પર જોવા મળી હતી અને તેઓ આપમેળે બનેલા સૌથી મોટા બિલિયોનેર મહિલા સાહસિક બન્યાં હતાં. જોકે નાયકા કરતાં કદમાં મોટા એવા પીબી ઈન્ફોટેકનો આઈપીઓ લિસ્ટીંગ ડે ફેન્સી ઊભી કરી શક્યો નહોતો. ઓનલાઈન ઈન્શ્યોરન્સ વિક્રેતા પોલિસીબઝારની પેરન્ટ કંપનીનો શેર માત્ર 17 ટકા પ્રિમીયમે લિસ્ટ થયો હતો. તે રૂ. 980ના ઓફરભાવ સામે બીએસઈ ખાતે રૂ. 1150ની સપાટીએ લિસ્ટ થયો હતો. જ્યાંથી વધુ સુધરી રૂ. 1248.90ની ટોચ પર ટ્રેડ થયા બાદ 22.68 ટકા સુધારા સાથે રૂ. 1202.30ના સ્તરે બંધ રહ્યો હતો. જે ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 54 હજાર કરોડની સપાટી પર જોવા મળતું હતું. કંપનીનું ભરણું 16.59 ગણુ છલકાયું હતું. રિટેલ હિસ્સાનું ભરણુ 3.31 ગણુ જ્યારે એચએનઆઈ હિસ્સો 24.89 ગણો છલકાયો હતો. અગાઉ જુલાઈ મહિનામાં આઈપીઓ સાથે બજારમાં પ્રવેશેલી ઝોમેટોનો શેર 53 ટકા પ્રિમીયમ સાથે લિસ્ટ થયો હતો. કંપનીનો શેર રૂ 76ના ઓફર ભાવ સામે રૂ. 116 પર લિસ્ટ થયો હતો. જે ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. એક લાખ કરોડની સહેજ છેટે જોવા મળતું હતું.


ભારતીય કંપનીઓએ બીજા ક્વાર્ટરમાં રૂ. 2.4 લાખ કરોડની વિક્રમી અર્નિંગ્સ દર્શાવી
બેંક્સ, ઓઈલ એન્ડ ગેસ અને મેટલ કંપનીઓએ 87 ટકા વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. 1.53 લાખ કરોડનો નફો નોંધાવ્યો
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ટોચનો નફો દર્શાવવામાં ઓએનજીસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ટાટા સ્ટીલનો સમાવેશ

દેશની ટોચની લિસ્ટેડ કંપનીઓએ સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન તેમના અત્યાર સુધીના સૌથી સારા ત્રિમાસિક અર્નિંગ્સ દર્શાવ્યાં છે. બીજા ક્વાર્ટરમાં કંપનીઓની કુલ કમાણી રૂ. 2.39 લાખ કરોડ પર રહી છે. જે વાર્ષિક ધોરણે 46.4 ટકાની વૃદ્ધિ સૂચવે છે. અર્નિંગ્સમાં તીવ્ર વૃદ્ધિનું મુખ્ય કારણ બેંક્સ, નોન-બેંકિંગ ફાઈનાન્સિલ કંપનીઝ એન્ડ ઈન્શ્યોરન્સ(બીએફએસઆઈ), ઓઈલ એન્ડ ગેસ તથા મેટલ્સ એન્ડ માઈનીંગ ફર્મ્સ છે. આ ત્રણ સાઈક્લિકલ સેક્ટર્સનો નેટ પ્રોફિટ 87 ટકા ઉછળી રૂ. 1.53 લાખ કરોડ પર જોવા મળ્યો છે. જે વર્ષ અગાઉ સમાનગાળામાં રૂ. 82 હજાર કરોડ પર હતો. જ્યારે ચાલુ નાણા વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં તે રૂ. 1.08 લાખ કરોડ પર હતો.
પ્રથમ ક્વાર્ટરથી બીજા ક્વાર્ટરના પ્રોફિટમાં જોવા મળેલાં ઈન્ક્રિમેન્ટલ કોર્પોરેટ પ્રોફિટ્સમાં 94 ટકા હિસ્સો ઉપરોક્ત ત્રણ ક્ષેત્રોનો છે. જો તમામ ક્ષેત્રોની નફા વૃદ્ધિને ગણતરીમાં લઈએ તો બીજા ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે સંયુક્ત અર્નિંગ્સમાં માત્ર 5.3 ટકા વૃદ્ધિ સાથે તે રૂ. 85300 કરોડ પર રહ્યો છે. જે ગયા નાણા વર્ષ 2020-21ના ત્રીજા ક્વાર્ટરમાં નોંધાયેલા વિક્રમી અર્નિંગ્સની સરખામણીમાં 10 ટકા જેટલો નીચો છે. છેલ્લા દાયકામાં પ્રથમવાર એવું જોવા મળ્યું છે કે ટોચનો નફો દર્શાવનાર ત્રણ કંપનીઓ કોમોડિટી ક્ષેત્ર સાથે સંકળાયેલી છે. જેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ઓએનજીસી એનર્જી પ્રોડ્યુસર્સ છે. જ્યારે ટાટા સ્ટીલ સ્ટીલ ઉત્પાદક છે. ઓએનજીસીએ ગયા સપ્તાહે વાર્ષિક ધોરણે 565 ટકા વૃદ્ધિ સાથે રૂ. 18348 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં સમગ્ર કોર્પોરેટ અર્નિંગ્સમાં વૃદ્ધિનો 21 ટકા હિસ્સો ધરાવે છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે વાર્ષિક ધોરણે 43 ટકા વૃદ્ધિ સાથે રૂ. 13680 કરોડનો નફો નોંધાવ્યો હતો. જ્યારે ટાટા સ્ટીલે 661 ટકાની તીવ્ર વૃદ્ધિ સાથે રૂ. 11918 કરોડનો ત્રિમાસિક નફો દર્શાવ્યો હતો. તેણે ટાટા જૂથની ભગિની કંપની ટીસીએસ કરતાં પણ ઊંચો ક્વાર્ટરલી નફો નોંધાવ્યો હતો.
બીજા ક્વાર્ટરમાં જંગી કમાણી દર્શાવનાર અન્ય નામોમાં જેએસડબલ્યુ સ્ટીલ(વાર્ષિક ધોરણે 350 ટકા વૃદ્ધિ), સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(વાર્ષિક ધોરણે 69 ટકા વૃદ્ધિ), સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા(વાર્ષિક ધોરણે 994 ટકા વૃદ્ધિ) અને વેદાંત(451 ટકા વૃદ્ધિ) તથા જિંદાલ સ્ટીલ એન્ડ પાવર(209 ટકા વૃદ્ધિ)નો સમાવેશ થાય છે.

HDFCના શેરે રૂ. 3000ની સપાટી કૂદાવી
દેશમાં સૌથી મોટા મોર્ગેજ ફાઈનાન્સર એચડીએફસીના શેરે સોમવારે પ્રથમવાર રૂ. 3000ની સપાટી પાર કરી હતી. કંપનીનો શેર રૂ. 2995ના અગાઉના બંધ સામે રૂ. 3021.10ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થઈ કામકાજના અંતે રૂ. 3000.65ના સ્તરે બંધ રહ્યો હતો. જે ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 5,42,579 કરોડ જોવા મળ્યું હતું. કંપની છઠ્ઠા ક્રમની સૌથી ઊંચું માર્કેટ-કેપ ધરાવતી કંપની છે. 52-સપ્તાહના રૂ. 2179ના તળિયા સામે તે લગભગ 40 ટકાનું રિટર્ન દર્શાવી રહી છે.

ગો ફેશન (ઇન્ડિયા) IPO મારફતે રૂ. 1014 કરોડ ઊભા કરશે
ગો ફેશન(ઈન્ડિયા) લિમિટેડ રૂ. 1013.6 કરોડ ઊભા કરવા માટે પ્રાઈમરી માર્કેટમાં પ્રવેશશે. કંપનીનો આઇપીઓ 17 નવેમ્બર ખૂલશે અને 22 નવેમ્બરે બંધ થશે. કંપની રૂ. 655-690ની પ્રાઈસ બેન્ડમાં શેર ઓફર કરશે. રિટેલ ઈન્વેસ્ટર્સ માટે લઘુત્તમ 21 શેર્સના લોટમાં બીડિંગ કરવાનું રહેશે. આઈપીઓમાં રૂ. 889 કરોડનો હિસ્સો ઓફર-ફોર-સેલનો રહેશે. જ્યારે રૂ. 125નું ભરણું ફ્રેશ ઈક્વિટીનું હશે. ઓએફએસમાં પ્રમોટર્સ ઉપરાંત અગ્રણી પીઈ ફંડ્સ તેમનો હિસ્સો વેચશે.
T+1 સાઈકલનો અમલ રોકાણકારોના હિતમાઃ સેબી ચીફ
માર્કેટ રેગ્યુલેટર સેબીના વડા અજય ત્યાગીએ જણાવ્યું છે કે ફેબ્રુઆરી 2022થી તબક્કાવાર રીતે અમલી બનનારી T+1 સેટલમેન્ટ સાઈકલ રોકાણકારોના હિતમાં મહત્વની ઘટના બની રહેશે. જોકે તેના સંપૂર્ણપણે અમલમાં લાંબો સમય લાગશે. કેપિટલ માર્કેટ રેગ્યુલેટરે આ ઉપરાંત તાજેતરમાં રોકાણકારોના હિતની રક્ષા માટે ઘણા પગલાઓ હાથ ધર્યાં હોવાનું તેમણે ઈન્ડિયા ઈન્ટરનેશનલ ટ્રેડ ફેરમાં જણાવ્યું હતું. જેમાં અપફ્રન્ટ માર્જિન ફ્રેમવર્કને રજૂ કરવું, રિસ્ક-ઓ-મીટર, ઈ-કેવાયસી અને પ્લેજ-રિપ્લેજ મિકેનિઝમ મારફતે ગ્રાહકોના કોલેટરલના પ્રોટેક્શનનો સમાવેશ થાય છે એમ ત્યાગીએ જણાવ્યું હતું. આગામી 25 ફેબ્રુઆરીથી બજારભાવની રીતે તળિયાના 100 શેર્સ સાથે T+1 સેટલમેન્ટને શરૂ કરવામાં આવશે.

સોનામાં મજબૂતી, ચાંદીમાં સાધારણ નરમાઈ
વૈશ્વિક બજારોમાં કોન્સોલિડેશ વચ્ચે ભારતીય બજારમાં ગોલ્ડમાં મક્કમ ટોન જોવા મળ્યો હતો. એમસીએક્સ ખાતે ડિસેમ્બર ગોલ્ડ વાયદો રૂ. 20ના સુધારે રૂ. 49334ના સ્તરે ટ્રેડ થઈ રહ્યું હતું. તે સતત બીજા દિવસે રૂ. 49 હજારના સ્તર પર જોવા મળતું હતું. જ્યારે સિલ્વર ડિસેમ્બર વાયદો રૂ. 37ના સાધારણ ઘટાડે રૂ. 67107ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. બેઝ મેટલ્સમાં પણ સપ્તાહની શરૂઆત નરમ રહી હતી. જેમાં કોપર, લેડ, એલ્યુમિનિયમ, ઝીંક અને નીકલ સહિતની ધાતુઓ નરમ ટ્રેડ દર્શાવી રહી હતી.


નવેમ્બરના બીજા સપ્તાહમાં IPO મારફતે વિક્રમી 3.3 અબજ ડોલર ઊભા થયાં
કેલેન્ડરમાં અત્યાર સુધી વિક્રમી 12 અબજ ડોલરથી વધુનો ભંડોળ એકત્ર કરવામાં આવ્યું

પ્રાઈમરી માર્કેટે ચાલુ વર્ષે બે નવા વિક્રમો બનાવ્યાં છે. જેમાં એક તો આઈપીઓ મારફતે કેલેન્ડર 2021માં અત્યાર સુધીમાં ઊભું કરવામાં આવેલું સૌથી વધુ ભંડોળ છે. સોમવારે સુધીમાં વિવિધ કંપનીઓએ 12 અબજ ડોલરથી વધુ અથવા રૂ. 85 હજાર કરોડથી વધુની રકમ ઊભી કરી છે. જ્યારે બીજો વિક્રમ નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં વિક્રમી 3.3 અબજ ડોલરનું ભરણું એકત્ર કરવાનો છે. જેમાં પેટીએમના 2.4 અબજ ડોલરના વિક્રમી આઈપીઓનો સમાવેશ પણ થાય છે. આ ઉપરાંત પોલિસીબઝારના 76.1 કરોડ ડોલર તથા અન્ય બે આઈપીઓ એસજેએસ એન્ટરપ્રાઈઝિસ(10.7 કરોડ ડોલર) અને સિગાચી ઈન્ડસ્ટ્રીઝ(1.7 કરોડ ડોલર)નો સમાવેશ થાય છે. આમાં પોલીસિ બઝાર અને સિગાચીનું લિસ્ટીંગ સોમવારે થયું હતું. જ્યારે પેટીએમનું લિસ્ટીંગ ગુરુવારે હાથ ધરવામાં આવશે.
શેરબજારમાં તેજી પાછળ અનેક ટેક્નોલોજી યુનિકોર્ન્સ ભારતીય બજારમાં લિસ્ટ થવા આતુર છે. જેની પાછળ જાન્યુઆરી મહિનાથી અત્યાર સુધીમાં 12 અબજ ડોલરથી વધુનું ભરણું એકત્ર કરવામાં આવ્યું છે. જે કોઈપણ કેલેન્ડરમાં બજારમાંથી ઊભી કરવામાં આવેલી સૌથી ઊંચી રકમ છે. કેલેન્ડરના પ્રથમ છ મહિના દરમિયાન માર્કેટમાં ઊભી થયેલી રકમની સરખામણીમાં બીજા છ મહિના દરમિયાન લગભગ બમણી રકમ ઊભી થાય તેવી શક્યતાં છે. ડિસેમ્બર આખર સુધીમાં આઈપીઓ મારફતે ઊભી થયેલી રકમનો આંક રૂ. એક લાખ કરોડને પાર કરી જાય તેવી શક્યતાં છે.

Rushit Parmar

Recent Posts

Rubicon Research IPO: Apply for Short-Term Gains?

Unlocking an Upcoming Investment Opportunity: Rubicon Research IPO Rubicon Research is making headlines with its…

3 months ago

Canara Robeco IPO: Apply for Short-Term Gains or Avoid?

Unlocking the Canara Robeco Asset Management Company IPO: A Guide for Every Investor Did you…

3 months ago

Tata Turmoil: 5 Secrets to Protect Your Wallet Now

Imagine you’re at a big family gathering and suddenly, your relatives start arguing about who…

3 months ago

Shlokka Dyes IPO Verdict: Apply for Short-Term Gains?

Shlokka Dyes IPO: Is It Worth Your Investment? Did you know that Shlokka Dyes is…

3 months ago

LG India IPO Verdict: Apply for Listing Gains Today!

LG India IPO: Should You Buy a Piece of Your TV and Fridge Company? Introduction…

3 months ago

5 Simple Steps to Secure a Wealthy Retirement Before 40

Did you know that starting your retirement planning in India before your 40s can make…

3 months ago

This website uses cookies.