Market Summary 16/12/2022

વૈશ્વિક સેન્ટીમેન્ટ પાછળ બજારમાં આગળ વધતી વેચવાલી
નિફ્ટીએ 16300નું સ્તર ગુમાવ્યું
વોલેટિલિટી ઈન્ડેક્સ 2.5 ટકા ઉછળી 14.07ની સપાટીએ
પીએસયૂ બેંક ઈન્ડેક્સ 3 ટકા તૂટ્યો
પીએસઈ, આઈટી, રિઅલ્ટી, ફાર્મામાં ઊંચી વેચવાલી
નિફ્ટીના 50માંથી પાંચ કાઉન્ટર્સ જ પોઝીટીવ રહ્યાં
બ્રોડ માર્કેટમાં પણ બ્રેડ્થ નરમ
ફર્ટિલાઝર્સ એન્ડ કેમિકલ્સમાં બીજા દિવસે 20 ટકાની સર્કિટ્સ

યુએસ શેરબજારની આગેવાનીમાં વૈશ્વિક બજારોમાં પણ વેચવાલી ફરી વળી છે. સપ્તાહના આખરી સત્રમાં ભારતીય બજાર પણ મંદીવાળાઓના હેમરિંગ પાછળ સતત બીજા દિવસે નરમાઈ સાથે બંધ રહ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 461.22 પોઈન્ટ્સ ગગડી 61337.81ની સપાટીએ જ્યારે નિફ્ટી 145.90 પોઈન્ટ્સ તૂટી 18269ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં વ્યાપક વેચવાલી પાછળ બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. નિફ્ટીમાં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી માત્ર પાંચ કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે અન્ય 45 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ સેન્ટિમેન્ટ ખરડાતાં વેચવાલી જોવા મળી હતી. જેની પાછળ બ્રેડ્થ નેગેટિવ જળવાય હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2.5 ટકા ઉછળી 14.07ની સપાટીએ બંધ રહ્યો હતો.
ગુરુવારે યુએસ બજારોમાં વેચવાલી ફરી વળી હતી. જેની પાછળ ડાઉ જોન્સે 764 પોઈન્ટ્સનો ઘટાડો નોંધાવ્યો હતો. નાસ્ડેક પણ 360 પોઈન્ટ્સ સાથે 3.2 ટકા ગગડ્યો હતો. જેની પાછળ એશિયન બજારો ગેપ-ડાઉન ઓપનીંગ સાથે નેગેટિવ ટ્રેડ સૂચવતાં હતાં. જાપાનનું માર્કેટ 2 ટકા સાથે તૂટવામાં અગ્રણી હતું. આ સિવાય તાઈવાન, સિંગાપુર પર એક ટકાથી વધુ ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે ચીન અને કોરિયા સાધારણ નરમ બંધ રહ્યાં હતાં. જ્યારે હોંગ કોંગ બજાર પોઝીટીવ બંધ જોવા મળ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના બંધની સરખામણીમાં લગભગ 100 પોઈન્ટ્સ ગેપ-ડાઉન ઓપનીંગ બાદ એક તબક્કે પોઝીટીવ જોવા મળ્યો હતો. જોકે ત્યાંથી ફરી વેચવાલી નીકળી હતી અને નિફ્ટી 18255નું તળિયું બનાવી તેની નજીક જ બંધ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર્સનું પ્રિમીયમ ઉછળી 61 પોઈન્ટ્સ પર જોવા મળ્યું હતું. નિફ્ટીને સપોર્ટ કરવામાં તાતા મોટર્સ, એચડીએફસી બેંક, એચયૂએલ, તાતા સ્ટીલ અને જેએસડબલ્યુ સ્ટીલનો સમાવેશ થતો હતો. જ્યારે બીજી બાજુ ડો. રેડ્ડીઝ લેબ્સ 3.6 ટકા સાથે ઘટાડામાં ટોચ પર હતો. આ ઉપરાંત એમએન્ડએમ, અદાણી પોર્ટ્સ, એશિયન પેઈન્ટ્સ, બીપીસીએલ, એસબીઆઈ, ટીસીએસ 2 ટકાથી વધુનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો પીએસયૂ બેંક્સમાં આખરે પ્રોફિટ બુકિંગ શરૂ થયું હતું અને પીએસયૂ બેંક નિફ્ટી ઈન્ડેક્સ 3 ટકા સાથે ઘટવામાં ટોચ પર હતો. પીએસયૂ બેંક્સમાં એકમાત્ર યૂકો બેંક 2.25 ટકાના સુધારે રૂ. 36.40 પર બંધ જોવા મળ્યો હતો. જ્યારે યુનિયન બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, પંજાબ એન્ડ સિઁધ બેંક, પીએનબી, આઈઓબી, બેંક ઓફ ઈન્ડિયા અને કેનેરા બેંક 3 ટકાથી વધુનો ઘટાડો દર્શાવતાં હતાં. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 1.4 ટકા પટકાયો હતો. જેમાં ડો. રેડ્ડીઝ લેબ્સ ઉપરાંત લ્યુપિન 3 ટકા, બાયોકોન 1.6 ટકા, સિપ્લા 1.2 ટકાનો ઘટાડો દર્શાવતાં હતાં. નિફ્ટી આઈટી 1.33 ટકા સાથે 29 હજારની નીચે ઉતરી ગયો હતો. આઈટી કાઉન્ટર્સમાં એમ્ફેસિસ 2.5 ટકા તૂટ્યો હતો. આ ઉપરાંત એલએન્ડટી ટેક્નોલોજી, વિપ્રો, એચસીએલ ટેક્નોલોજી, ઈન્ફોસિસ પણ એક ટકાથી વધુ ગગડ્યાં હતાં. નિફ્ટી રિઅલ્ટી 1.5 ટકા પટકાયો હતો. જેમાં પ્રેસ્ટીજ એસ્ટેટ, સોભા, ઓબેરોય રિઅલ્ટી, ડીએલએફ, ગોદરેજ પ્રોપર્ટી, બ્રિગેડ એન્ટરપ્રાઈઝ સહિતના કાઉન્ટર્સ 1થી 5 ટકા સુધીનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. બેંકનિફ્ટી પણ બે બાજુની વધઘટ બાદ 0.64 ટકા નરમાઈ સાથે બંધ રહ્યો હતો. પ્રાઈવેટ બેંકિંગમાં બંધન બેંક 1.5 ટકા તૂટ્યો હતો. આ ઉપરાંત ફેડરલ બેંક, કોટક બેંક, આઈડીએફસી બેંક, ઈન્ડસઈન્ડ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને એક્સિસ બેંક પણ નેગેટિવ જોવા મળી રહ્યાં હતાં. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં બલરામપુર ચીની 2.15 ટકા સુધારા સાથે ટોચ પર જોવા મળતો હતો. આ ઉપરાંત કોફોર્જ, કોલગેટ, પીવીઆર, જીએસપીસી, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ, અબોટ ઈન્ડિયા, ચંબલ ફર્ટિસાઈઝર્સ પણ પોઝીટીવ જોવા મળતાં હતાં. બીજી બાજુ પોલીકેબનો શેર 8 ટકા સાથે ગગડ્યો હતો. આ ઉપરાંત પીએનબી, ગ્લેનમાર્ક, ઈન્ડિયા સિમેન્ટ્સ, યુનાઈટેડ સ્પિરિટ્સ, ભેલ, સિટી યુનિયન બેંક, ભારત ઈલેક્ટ્રીકમાં 4 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવવામાં ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સનો શેર ટોચ પર હતો. સતત બીજા દિવસે તે 20 ટકાની સર્કિટમાં બંધ જોવા મળ્યો હતો. તે રૂ. 44.75ના સુધારે રૂ. 268.55 પર બંધ જળવાયો હતો. આ ઉપરાંત રેમન્ડ, કલ્યાણ જ્વેલર્સ, મહિન્દ્રા સીઆઈઈ, એજિસ લોજિસ્ટીક્સ, આરએચઆઈ મેગ્નેસાઈસે પણ તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી. બીજી બાજુ મેટ્રોપોલીસ 2 ટકા ગગડી વાર્ષિક તળિયા પર પહોંચ્યો હતો. આ ઉપરાંત લૌરસ લેબ્સ, પોલીપ્લેક્સ કોર્પ, ઓરોબિંદો ફાર્મા અને એસઆઈએસ પણ તેમની 52-સપ્તાહની બોટમ દર્શાવી રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં બીએસઈ ખાતે 3662 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2107 ઘટીને બંધ રહ્યાં હતાં. જ્યારે 1420 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. 125 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ નોંધાવી હતી. જ્યારે 37 કાઉન્ટર્સ 52-સપ્તાહના તળિયે ટ્રેડ થયાં હતાં.

ચીની આયાત પર અંકુશ માટેના ઉપાયો નવા બજેટમાં રજૂ થવાની શક્યતાં
ચીનથી સીધાં કે આડકતરી રીતે ભારતમાં પ્રવેશતાં ફિનિશ્ડ ગુડ્ઝની આયાત પર નિયંત્રણ લાગુ પડી શકે

કેન્દ્રિય બજેટ 2023-24માં સરકકાર ચીન પરની આયાત નિર્ભરતામાં ઘટાડો કરે તેવી શક્યતાં છે. જે માટે સરકાર ટેરિફ તથા નોન-ટેરિફ, બંને પ્રકારના ઉપાયો હાથ ધરશે. ચીન ખાતેથી માલ-સામાન અને રો-મટિરિયલ્સની આયાત કરવાનું ભારત ચાલુ રાખી શકે છે પરંતુ ફિનિશ્ડ ગુડ્ઝના પ્રવેશ પર અંકુશ લાગુ પાડી શકે છે એમ સરકારી વર્તુળોને ટાંકી એક અહેવાલ જણાવે છે.
અહેવાલમાં નોંધ્યા મુજબ ચીનમાં ઉત્પાદિત ફિનિશ્ડ ગુડ્ઝના દેશમાં સીધા કે આડકતરા પ્રવેશ પર લગભગ નિયંત્રણ લાદવામાં આવશે. હાલમાં ચીનમાં બનેલી ઘણી પ્રોડક્ટ્સ અન્ય દેશ મારફતે ભારતાં પ્રવેશી રહી છે. ભારત અને ચીનના સૈન્ય વચ્ચે લદાખ ખાતે 20-મહિના લાંબા ઘર્ષણને ધ્યાનમાં રાખીને ચીન સાથે એગ્રીમેન્ટ્સના અમલીકરણના ચુસ્ત પાલન પર ભાર આપવાના ભાગરૂપે આમ બની રહ્યું છે. ખાસ કરીને 9 ડિસેમ્બરે અરુણાચલ પ્રદેશમાં બંને દેશોના સૈન્ય વચ્ચે થયેલી મૂઠભેડ બાદ આ વિચારણાને વેગ મળ્યો છે. સરકાર કસ્ટમ ડ્યુટીને લઈના પુનર્ગઠનને લઈને મહત્વના પગલાં હાથ ધરે તેવી અપેક્ષા છે એમ જાણકાર વર્તુળનું કહેવું છે. સ્થાનિક કંપનીઓએ 100થી વધુ ચાઈનીઝ પ્રોડક્ટ્સની આયાતને લઈને વાંધો ઉઠાવ્યો છે. જેમાં સોલાર સેલ્સ, વિનાઈલ ટાઈલ્સ, સેક્કેરિન, એલ્યુમિનિયમ ફોઈલ અને ફાર્મા ફોર્મેશન્સ જેવારે ઓફ્લોક્સેસિનનો સમાવેશ થાય છે. હાલમાં આ બાબત યોગ્ય પગલા લેવા માટે પરિક્ષણ હેઠળ છે. એવી અપેક્ષા છે કે બજેટમાં આ મુદ્દે ઉપાયો જાહેર કરવામાં આવશે એમ અધિકારી જણાવે છે. ગયા મહિને ચીન ખાતેથી આયાતમાં ઘટાડો નોંધાયો હતો. વાણિજ્ય મંત્રાલયના આંકડા મુજબ ઓક્ટોબરમાં ભારત ખાતે ચીનની આયાત 9.73 ટકા ગગડી 7.85 અબજ ડોલર પર રહી હતી. જે ઓક્ટોબર 2021માં 8.7 અબજ ડોલર પર હતી. ચીનની આયાતને ઘટાડવામાં પ્રોડક્શન-લિંક્ડ ઈન્સેન્ટીવ(પીએલઆઈ) સ્કીમ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

2023માં નાના-મધ્યમ કદના IPOનો પ્રવેશ ચાલુ રહેશે
જોકે સતત બીજા વર્ષે મોટા લિસ્ટીંગ્સનો અભાવ જોવા મળી શકે છે
2022માં માત્ર બે કંપનીઓએ આઈપીઓ મારફતે 50 કરોડ ડોલરથી વધુ રકમ ઊભી કરી

આગામી કેલેન્ડરમાં દેશમાં નાનાથી લઈ મધ્યમ કદના આઈપીઓ બજારમાં પ્રવેશવાનું ચાલુ રાખે તેવી અપેક્ષા છે. જોકે છેલ્લાં બે વર્ષોમાં કેટલીક અગ્રણી ટેક્નોલોજી કંપનીઓના આઈપીઓએ ગંભીર નિષ્ફળતા દર્શાવતાં મોટા આઈપીઓના પ્રવેશની શક્યતાં નીચી છે. કેમકે રોકાણકારો આવા આઈપીઓથી દૂર રહેવાનું પસંદ કરે તેવી શક્યતાં ઊંચી છે.
2021ના આખરી ક્વાર્ટરમાં શેરબજારમાં લિસ્ટ થયેલાં દેશના અગ્રણી સ્ટાર્ટ-અપ્સના નબળા લિસ્ટીંગમાં રોકાણકારોએ કરોડો ડોલરનું નુકસાન ઊઠાવવાનું બન્યું છે. અતિશય ઊંચા ભાવે ઓફરિંગ તથા વૈશ્વિક સ્તરે રેટ વૃદ્ધિ પાછળ ટેક્નોલોજીની માગ ઘટવાથી રોકાણકારોએ મોટા પ્રમાણમાં નાણા ગુમાવવાનુ બન્યું હતું. ગયા મહિને લોક-ઈન પિરિયડ્સ પૂરો થવાથી કેટલાંક મોટા ઈન્વેસ્ટર્સ તરફથી વેચવાલી પાછળ ભાવ ઓર ગગડ્યાં હતાં. આમ રોકાણકારો માટે ખોટ વિના એક્ઝિટની શક્યતાં રહી નથી. આ સ્થિતિમાં ઈન્વેસ્ટર્સ 2023માં આઈપીઓ સબસ્ક્રાઈબ કરતાં અગાઉ ખૂબ જ પસંદગી જાળવે તેવી શક્યતાં છે. વૈશ્વિક સ્તરે મંદીની શક્યતાં વચ્ચે ગ્રોથ સ્ટોક્સ માટેની શક્યતાં આમ પણ ઓછી થઈ છે. આમ અન્ય સેક્ટર્સમાં નાના ડિલ્સ તરફ ટ્રેડર્સનું ધ્યાન ખેંચાય શકે છે. હાલના તબક્કે માર્કેટ રેગ્યુલેટર સેબી પાસે હાથ પર બે ડઝન આઈપીઓ એપ્લિકેશન્સ જોવા મળી રહી છે. જેમાં સોફ્ટબેંક ગ્રૂપ સપોર્ટેડ ઓયો હોટેલ્સ અને તાતા પ્લે લિ.નો સમાવેશ થાય છે. એક ઈન્વેસ્ટમેન્ટ બેંકરના જણાવ્યા મુજબ સેકન્ડરી માર્કેટમાં દિશાહિનતા પાછળ 2023માં આઈપીઓ મારફતે ફંડ ઊભી કરવાની કામગીરી ચાલુ વર્ષની સરખામણીમાં નીચી જોવા મળી શકે છે. જોકે નાના અને મધ્યમ કદની કંપનીઓ ફંડ મેળવવા માટે બજારમાં પ્રવેશવાનું જાળવી રાખશે. 2022માં પણ બજારમાં નાના કદના લિસ્ટીંગ્સનું પ્રભુત્વ જળવાયું હતું. 2021ની સરખામણીમાં આઈપીઓ મારફતે ઊભી કરવામાં આવેલી રકમમાં 59 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો તેમ છતાં આઈપીઓ સાથે પ્રવેશેલી કંપનીઓની સંખ્યા 10 ટકા ઊંચી નોંધાઈ હતી. 2021માં 25 અબજ ડોલરથી વધુ નાણા ઊભા થયાં હતાં. જેની સામે 2022માં 6.9 અબજ ડોલર જ હજુ સુધી ઊભા થયાં છે. જે આઈપીઓનું સરેરાશ કદ 2021ની સરખામણીમાં ખૂબ નાનું જળવાયું હોવાનું દર્શાવે છે. આમાં પણ સરકાર તરફથી લાવવામાં આવેલા એલઆઈસીના રૂ. 21 હજાર કરોડના મેગા આઈપીઓને બાકાત કરીએ તો ડીલ સાઈઝ ખૂબ જ નાની જોવા મળી રહી છે. ચાલુ વર્ષે માત્ર બે કંપનીઓ એલઆઈસી અને ડેલ્હિવેરીએ 50 કરોડ ડોલરથી વધુની રકમ ઊભી કરી હતી. જેમાં એલઆઈસીએ 2.7 અબજ ડોલર જ્યારે ડેલ્હીવેરીએ 68.4 કરોડ ડોલર મેળવ્યાં હતાં. ગયા વર્ષે 11થી વધુ કંપનીઓએ 50 કરોડથી વધુની રકમ ઊભી કરી હતી. જેમાં પેટીએમ, નાયકા, ઝોમેટો જેવા સ્ટાર્ટ-અપ્સનો સમાવેશ થતો હતો.

વૈશ્વિક મેન્યૂફેક્ચરર્સને ભારત તરફ આકર્ષવાનો વ્યૂહ ઘડવા નાણાપ્રધાનનું સૂચન
સરકારે વિદેશી રોકાણને આકર્ષવા માટે નિયમોમાં રાહત સાથે અનેક સુવિધાઓ ઊભી કરી આપી છે

કેન્દ્રિય નાણાપ્રધાન નિર્મલા સીતારામને પશ્ચિમી દેશોમાં આર્થિક મંદીના ડર વચ્ચે ભારતીય ઉદ્યોગને વિકસિત દેશોમાં સક્રિય ઉત્પાદકો ભારતને એક પ્રોડક્શન અથવા સોર્સિંગ હબ તરીકે જોઈ શકે તે માટે સ્ટ્રેટેજીસ ઘડી કાઢવા માટે જણાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ભારતે દેશમાં વિદેશી રોકાણને આકર્ષવા માટે નિયમોમાં ઘણી બાંધછોડ કરી છે તેમજ અનેક સુવિધા પૂરી પાડી છે. સાથે દેશમાં કો-લોકેટ થવા ઈચ્છતી કંપનીઓ સાથે પણ તે સક્રિયપણે કામ કરી રહી છે.
સીતારામને ઉદ્યોગને સંબોધીને કહ્યું હતું કે વૈશ્વિક દેશોમાં લાંબા સમયથી જોવા મળતી મંદી માટે તમે તમારી જાતને જેટલી વધુ તૈયાર કરો તે સાથે ત્યાંના ઉત્પાદકોને ભારતમાં લાવવા માટે આકર્ષવા માટેનો વ્યૂહ ઘડવા માટે પણ વર્તમાન સમય શ્રેષ્ઠ છે. તેઓ ભલે ત્યાં મુખ્યાલય ધરાવતાં હોય તો પણે તેઓ માટે અહીંથી ઘણી વસ્તુઓ સોર્સ કરવાનું વિચારવું ઉપયોગી બની શકે છે. ઓછામાં ઓછું નજીકમાં આવેલા દેશો માટે આમ કરવું સરળ છે એમ એક ઈવેન્ટમાં સીતારામને જણાવ્યં હતું. તેણીના જણાવ્યા પ્રમાણે લાંબા સમયથી જેનો ડર રાખવામાં આવી રહ્યો છે તે મંદીને કારણે ભારતીય બિઝનેસિસની નિકાસને અસર થવાની શક્યતાં છે તેટલું જ નહિ પરંતુ તેને કારણે ત્યાંના અનેક રોકાણો માટ અલગ સ્થળે જઈને તેમની કામગીરી ચાલુ રાખવાની તક પણ ઊભી થશે. તેમણે ઉદ્યોગોને સ્ટાર્ટ-અપ્સના ઈનોવેશન્સ પર નજર નાખી તેને સ્કેલ અપ કરવાના વિકલ્પો શોધવા જણાવ્યું હતું. તેમના મતે ભારત મેન્યૂફેક્ચરિંગ પર ફોકસ ચાલુ રાખવા સાથે સર્વિસિસ ક્ષેત્રે નવા એરિયા પણ શોધતું રહેશે.

ભારતના દેખાવના ફંડામેન્ટલ્સ માટે આર્થિક સુધારા ચાવીરૂપઃ એન ચંદ્રશેખરન

આગામી દસકાઓ કે જેમાં દેશની આર્થિક વૃદ્ધિ માટે મોટી તકો રહેવાની છે તેમાં ભારતના દેખાવના ફંડામેન્ટલ્સને મજબૂત બનાવવા માટે આર્થિક સુધારાઓ મુખ્ય પીલર બની રહેશે એમ તાતા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને જણાવ્યું હતું. ફિક્કીના વાર્ષિક કન્વેન્શનને સંબોધતાં તેમણે જણાવ્યું હતું કે સ્વતંત્રતાના 100મા વર્ષે દેશ 25-30 ટ્રિલિયન ડોલર ઈકોનોમી બનવા માટેનું વિચારી શકે છે પરંતુ ભવિષ્યમાં થનારા લાભો અનૌપચારિક ક્ષેત્રના કામદારો, મજૂરો અને મહિલાઓ સહિત સહુ સુધી પહોંચાડવાં ખૂબ મહત્વનું છે.
ચંદ્રશેખરને જણાવ્યું હતું કે સરકારે મહામારી પહેલાં તેમજ પાછળથી કેટલાંક સુધારાં હાથ ધર્યાં છે જેણે 2047માં ભારત માટેના નવા વિઝનને લઈને મજબૂત પાયો નાંખ્યો છે. આગામી કેટલાંક દાયકાઓની વાત કરીએ તો ભારત મજબૂત વૃદ્ધિની તકો રજૂ કરે છે. સાથે ભારતે છેલ્લાં કેટલાંક વર્ષોમાં હાથ ધરેલા સુધારાઓની શક્યતાંઓને યાદ રાખવી મહત્વની છે. મહામારી અગાઉ સરકારે જીએસટી, ઈન્સોલ્વન્સી એન્ડ બેન્ક્ર્ટ્રપ્સી કોડ(આઈબીસી), ઈન્ફ્લેશન ટાર્ગેટિંગ ફ્રેમવર્ક લોંચ કર્યાં હતાં. જ્યારે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો અને બેંકિંગ સેક્ટરની બેલેન્સ શીટને લઈ સુધારા પર ધ્યાન આપ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે મહામારી બાદ દેશમાં માળખાકીય સુધારાઓની ગતિ વધુ ઝડપી બની છે. જેમાં લેબલ રિફોર્મ્સ, પીએમ ગતિ શક્તિ અને નેશનલ એસેટ મોનેટાઈઝેશન પ્લાન, મેન્યૂફેક્ચરિંગ માટે પ્રોડક્શન લિંક ઈન્સેન્ટિવ સ્કિમ, નાના બિઝનેસિસ માટે ઊંચી ઈન્વેસ્ટમેન્ટ લિમિટ્સ, પાવર સેક્ટર રિફોર્મ્સ અને આક્રમક ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ્સનો તેમણે ઉલ્લેખ કર્યો હતો. તેમના મતે આર્થિક સુધારાની તકો અને કદ ઘણું ઝડપી બન્યું છે અને તે ઉત્પાદક્તામાં સુધારો આણશે તથા ગ્રોથ અને કેપિટલ એક્યૂમ્યૂલેશનને જાળવી રાખશે.

2023 માટે નોમુરાનો 19030નો નિફ્ટી ટાર્ગેટ
ગ્લોબલ બ્રોકરેજ કંપની નોમુરાએ 2023માં બેન્ચમાર્ક નિફ્ટી માટે 19030નો ટાર્ગેટ મૂક્યો છે. ભારતીય શેરબજારના હરિફોની સરખામણીમાં ઊંચા આઉટપર્ફોર્મન્સ તથા ઊંચા વેલ્યૂએશનને જોતાં ટાર્ગેટ વર્તમાન સ્તરેથી મર્યાદિત રિટર્ન સૂચવી રહ્યો છે. શુક્રવારના બંધ ભાવેથી તે 4 ટકા રિટર્નની શક્યતાં દર્શાવી રહ્યો છે. બ્રોકરેજના જણાવ્યા મુજબ નિફ્ટીના વર્તમાન વેલ્યૂએશન્સ કોવિડ અગાઉના સ્તર કરતાં ઊંચા જોવા મળી રહ્યાં છે. જ્યારે ઐતિહાસિક રીતે સરેરાશ 40 ટકાની સરખામણીમાં તે 70 ટકા પ્રિમીયમ સૂચવે છે. કંપનીએ નવા કેલેન્ડરમાં તેની ટોપ પિક્સ તરીકે એસબીઆઈ, એક્સિસ બેંક, એલએન્ડટી, હિંદુસ્તાન યુનિલીવર અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું સૂચન કર્યું છે. તેના મતે વૈશ્વિક સ્તરે મંદીની અસર ભારત પર પણ જોવા મળશે અને સ્થાનિક અર્થતંત્ર તેમાંથી બાકાત રહી શકશે નહિ.
સરકાર ઝડપી રેઝોલ્યુશન માટે IBC નિયમોમાં ફેરફાર કરશે
સ્ટ્રેસ્ડ એસેટ્સ માટેની રેઝોલ્યુશન પ્રક્રિયા ઝડપી બને તે માટે સરકાર ઈન્સોલ્વન્સી એન્ડ બેક્સ્ટ્રપ્સી(IBC) નિયમોમાં ફેરફાર માટે વિચારણા ચલાવી રહી હોવાનું સરકારી વર્તુળો જણાવે છે. ખાસ કરીને તે ઈન્ટર-ક્રેડિટર વિવાદોના ઉકેલ સંબંધી હશે એમ તેઓ ઉમેરે છે. અનેક કેસિસમાં ક્રેડિટર્સ વચ્ચે વિવાદને કારણે રેઝોલ્યુશન પ્રક્રિયામાં મોટો વિલંબ જોવા મળ્યો છે. આઈબીસીમાં સુધારો આગામી બજેટ સત્રમાં રજૂ કરવામાં આવશે એમ તેઓનું કહેવું છે. ઈન્સોલ્વન્સી કમિટિ આગામી સપ્તાહે પ્રસ્તાવને આખરી ઓપ આપવા માટે મળશે. જ્યારબાદ વિવિધ સ્ટેકહોલ્ડર્સ સાથે ઔપચારિક ચર્ચા-વિચારણા શરૂ કરવામાં આવશે. સરકારી ડેટા મુજબ 31 ઓક્ટોબરના રોજ 12,871 બેન્ક્ર્ટ્પ્સી રેઝોલ્યુશનના કેસિસ પેન્ડિંગ હતાં. જે 31 ડિસેમ્બર 2021ના રોજ જોવા મળતાં 13,211ની સરખામણાં 400થી વધુ કેસિસનો ઘટાડો દર્શાવતાં હતાં.

કોર્પોરેટ હેડલાઈન્સ

ઓઈલ માર્કેટિંગ કંપનીઝઃ પીએસયૂ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ નાણા વર્ષ 2022-23ના પ્રથમ છ મહિના દરમિયાન રૂ. 27,276 કરોડની કુલ ખોટ દર્શાવી છે. ગયા વર્ષે સમાનગાળામાં તેમણે રૂ. 28,360 કરોડનો નફો નોંધાવ્યો હતો. સરકાર તરફથી ફ્યુઅરના રિટેલ ભાવોને સ્થિર જાળવી રાખવાને કારણે આમ બન્યું છે.
ઝી એન્ટરપ્રાઈઝઃ આઈડીબીઆઈ બેંકે મિડિયા કંપની ઝી એન્ટરટેઈનમેન્ટ સામે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં ઈન્સોલ્વન્સી પ્રક્રિયા માટેની અરજી કરી છે. મિડિયા કંપની પાસેથી રૂ. 149.69 કરોડની રિકવરી માટે બેંકે આમ કર્યું છે. જોકે ઝી આ રકમને લઈને ઈન્કાર કરી રહી છે. અગાઉ એસ્સેલ જૂથની કંપની સિટી નેટવર્ક્સ સામે એચડીએફસીએ રૂ. 296 કરોડની રિકવરી માટે એનસીએલટીમાં અરજી કરી હતી.
બેંક ઓફ બરોડાઃ પીએસયૂ બેંકે તેની પેટાકંપની નૈનિતાલ બેંકમાં વ્યૂહાત્મક ભાગીદાર લાવવાના ભાગરૂપે બહુમતી હિસ્સો વેચવાનો નિર્ણય લીધો છે. હાલમાં નૈનિતાલ બેંકમાં બીઓબી 98.57 ટકા હિસ્સો ધરાવે છે. બેંકે 1974માં આરબીઆઈના નિર્દેશને આધારે 100 વર્ષ જૂની નૈનિતાલ બેંકનો વહીવટ સંભાળ્યો હતો
એચપીસીએલઃ સરકારી ઓઈલ માર્કેટિંગ કંપની તેના ઓઈલ રિફાઈનીંગ અને ફ્યુઅલ માર્કેટિંગ ઓપરેશન્સ માટે સ્થાનિક અથવા તો વિદેશી બજારમાંથી રૂ. 10 હજાર કરોડનું ડેટ ઊભું કરશે. કંપનીના બોર્ડે ગુરુવારે સિક્યોર્ડ અથવા અનસિક્યોર્ડ રિડિમેબલ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ મારફતે ફંડ ઉભું કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.
ફ્લિપકાર્ટ/એમેઝોનઃ સેન્ટ્રલ કન્ઝ્યૂમર પ્રોટેક્શન ઓથોરિટીએ ઈ-કોમર્સ પ્લેયર્સ ફ્લિપકાર્ટ અને એમેઝોન પાસે તેના ઓનલાઈન પ્લેટફોર્મ પર એસિડ વેચાણને લઈને એક્સપ્લેનેશન માંગ્યું છે. કંપનોને આગામી સાત દિવસોમાં તેની રજૂઆત કરવાનો સમય આપવામાં આવ્યો છે.
રિલાયન્સ કેપિટલઃ એલઆઈસીએ એડીએજી જૂથની રિલાયન્સ કેપિટલમાં તેના રૂ. 3400 કરોડ ડેટના આર્સિલને વેચાણને પરત ખેંચી લીધું છે. કંપનીએ રિઝોલ્યુશન એપ્લિકેન્ટ્સ તરફથી કરવામાં આવેલા બીડીંગની સરખામણીમાં એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની તરફથી કરવામાં આવેલી ઓફર નીચી હોવાની ચિંતાને કારણે આમ કર્યું છે.
પીવીઆર/આઈનોક્સઃ એનસીએલટીની મુંબઈ બેંચે પીવીઆર-આઈનોક્સ મર્જરને લઈને આખરી સુનાવણી માટે 12 જાન્યુઆરીની તારીખ નિર્ધારિત કરી છે. અગાઉ તે 15 ડિસેમ્બરે આખરી નિર્ણય લેવાની હતી. જોકે આમ બન્યું નહોતું. લગભગ તમામ રેગ્યુલેટરી ઓથોરિટીએ એનસીએલટીને તેમના રિપોર્ટ્સ ફાઈલ કરી દીધાં છે. બે કંપનીઓએ પ્રસ્તાવિત મર્જર માટે એનસીએલટીની મંજૂરી માગી હતી.
આર્સેલર મિત્તલઃ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાએ દેશમાં 1600થી વધુ યુવાનોને ડિજિટલ સ્કિલ ટ્રેનિંગ આપવા માટે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSDC) સાથે સમજૂતી એમઓયુ કર્યાં છે. શરૂમાં ગુજરાત સહિત ચાર રાજ્યોને લાભ મળશે.
એસજેવીએનઃ પીએસયૂ હાઈડ્રોપાવર ઉત્પાદકની સબસિડિયરી એસજેવીએન ગ્રીન એનર્જી સાથે આઈઆરઈડીએએ બિકાનેરમાં 1000 મેગાવોટ સોલાર પ્રોજેક્ટ માટે રૂ. 4450 કરોડનો લોન પેક્ટ સાઈન કર્યો છે.
એચડીએફસી એએમસીઃ ટોચની એએમસી કંપનીમાં લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ વધુ 2.02 ટકા હિસ્સો ખરીદી તેના કુલ હોલ્ડિંગને 9 ટકા ઉપર લઈ ગઈ છે. કંપની અગાઉ સાત ટકા આસપાસ હિસ્સો ધરાવતી હતી.
વિપ્રોઃ મઝદા મોટર્સ લોજિસ્ટીક્સ યુરોપે આગામી પાંચ વર્ષોમાં એપ્લિકેશન ટ્રાન્સફોર્મેશન માટે આઈટી સર્વિસિસ કંપની વિપ્રોની પસંદગી કરી છે. વિપ્રોને યુરોપમાંથી આ મલ્ટી-મિલિયન ડોલરનું ડીલ મળ્યું છે.
પેટ્રોનેટઃ કંપની ઓડિસ્સાના ગોપાલપુર પોર્ટ ખાતે રૂ. 2306 કરોડના ખર્ચે ફ્લોટીંગ એનએનજી રિસિપ્ટ ફેસિલિટીની સ્થાપના કરશે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage