Categories: Market TipsNEWS

Market Summary 16 August 2022

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ સમરી


તેજીવાળાઓનું પ્રભુત્વ જળવાતાં શેરબજારમાં આગેકૂચ જારી
નિફ્ટીએ 17800ની સપાટી પાર કરી
ઓટો, એનર્જી, એફએમસીજી અને પીએસઈમાં મજબૂતી
ટાઈટન નીચે ખૂલ્યાં બાદ લગભગ એક ટકા સુધારા સાથે બંધ
અદાણી એન્ટરપ્રાઈઝનો શેર રૂ. 3 હજારની નજીક
અદાણી ટ્રાન્સમિશને રૂ. 4 લાખ કરોડનું માર્કેટ-કેપ દર્શાવ્યું
હોટેલ, ટાયર, ઈન્શ્યોરન્સ અને રિટેલ કંપનીઓમાં લેવાલી
બ્રોડ માર્કેટમાં પણ નોંધપાત્ર ખરીદીએ બ્રેડ્થ પોઝીટીવ
314 કાઉન્ટર્સમાં અપર સર્કિટ્સ જ્યારે 218માં લોઅર સર્કિટ્સ

ભારતીય શેરબજારમાં તેજીવાળાઓની મજબૂત પકડ યથાવત રહેતાં શેરબજારમાં સુધારો આગળ વધ્યો હતો. બેન્ચમાર્ક્સ સૂચકાંકો તેમની ચાર મહિનાની નવી ટોચ પર પહોંચ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 379 પોઈન્ટ્સ ઊંચકાઈ 59842ની સપાટીએ જ્યારે નિફ્ટી 131 પોઈન્ટસ મજબૂતી સાથે 59923ના સ્તરે બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં ભારે ખરીદી પાછળ નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી 42 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે માત્ર આંઠ કાઉન્ટર્સ જ નરમાઈ સૂચવતાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ ખરીદી જળવાતાં બીએસઈ ખાતે માર્કેટ-બ્રેડ્થ પોઝીટીવ રહી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ 0.40 ટકા સુધારા સાથે 17.68ના સ્તરે ફ્લેટ જોવા મળ્યો હતો.
વૈશ્વિક બજારોમાં મિશ્ર માહોલ વચ્ચે સ્થાનિક બજારે ગેપ-અપ ઓપનીંગ બાદ વધુ મજબૂતી દર્શાવી હતી. નિફ્ટી ઈન્ટ્રા-ડે 18839ની ટોચ બનાવી લગભગ 60 પોઈન્ટસની સાંકડી રેંજમાં અથડાતો રહ્યો હતો અને દિવસની આખરમાં ફરી ટોચ દર્શાવી તેની નજીક જ બંધ રહ્યો હતો. નિફ્ટીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સહિત તમામ હેવીવેઈટ્સ તરફથી સપોર્ટ સાંપડ્યો હતો. આ સિવાય બીજી હરોળના કાઉન્ટર્સે પણ નોંધપાત્ર સપોર્ટ દર્શાવ્યો હતો. જેમાં એચડીએફસી લાઈફ 5 ટકા સુધારે બંધ રહ્યો હતો. અદાણી પોર્ટ્સ, આઈશર મોટર્સ, બીપીસીએલ, મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ, એમએન્ડએમ, અશિયન પેઈન્ટ્સ, ટાટા કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સ અને હીરો મોટોકોર્પ જેવા શેર્સ 2 ટકાથી વધુ સુધારો સૂચવી રહ્યાં હતાં. બીજી બાજુ ગ્રાસિમ, હિંદાલ્કો, એસબીઆઈ, ભારતી એરટેલ અને જેએસડબલ્યુ સ્ટીલ જેવા કાઉન્ટર્સમાં 1-2 ટકા સુધીની નરમાઈ જોવા મળી હતી. સેક્ટરલ સૂચકાંકોની વાત કરીએ તો ઓટોમોબાઈલે ઈન્ડેક્સને મજબૂત સપોર્ટ પૂરો પાડ્યો હતો. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ ઈન્ટ્રા-ડે 13262ની સર્વોચ્ચ સપાટી દર્શાવી 2.52 ટકા સુધારે 13250ની સપાટીએ બંધ રહ્યો હતો. ઈન્ડેક્સને ટાયર, બેટરી સહિતના શેર્સ તરફથી નોંધપાત્ર ટેકો સાંપડ્યો હતો. એમઆરએફ ટાયર 4.6 ટકા ઉછળી રૂ. 86971 પર બંધ રહ્યો હતો. આ ઉપરાંત બોશ, આઈશર મોટર્સ, મારુતિ સુઝુકી, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, ટીવીએસ મોટર, ટાટા મોટર્સ, એમએન્ડએમમાં પણ 2 ટકાથી વધુનો સુધારો જોવા મળતો હતો. આઈશર મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ટીવીએસ મોટરના શેર્સે તેમની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ અને ભારત ફોર્જને બાદ કરતાં તમામ ઓટો શેર્સ તેજીમાં જોડાયાં હતાં. નિફ્ટી એફએમસીજી પણ બ્રોડ પાર્ટિસપેશન પાછળ 1.2 ટકા ઉછાળે તેની સર્વોચ્ચ સપાટી નજીક બંધ આપવામાં સફળ રહ્યો હતો. બેન્ચમાર્ક્સના મેમ્બર્સમાં યુનાઈટેડ સ્પિરિટ્સ 3 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત ગોદરેજ કન્ઝ્યૂમર, ટાટા કન્ઝ્યૂમર, એચયૂએલ, ઈમામી, જ્યુબિલિઅન્ટ ફૂડ, વરુણ બેવરેજીસ, બ્રિટાનિયામાં એક ટકાથી વધુની મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી એનર્જી 1.1 ટકા સુધારે બંધ રહ્યો હતો. જેને ઓઈલ પીએસયૂ તરફથી મુખ્ય સપોર્ટ સાંપડ્યો હતો. જેમાં એચપીસીએલ, બીપીસીએલ, ગેઈલ અને આઈઓસી મુખ્ય હતાં. અદાણી ગ્રીન એનર્જી પણ ટકા સુધારો દર્શાવતો હતો. આ ઉપરાંત ટાટા પાવર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ઓએનજીસી પણ પોઝીટીવ જોવા મળતાં હતાં. નિફ્ટી પીએસઈ પણ ઓઈલ પીએસયૂની પાછળ 1.1 ટકા મજબૂતી દર્શાવતો હતો. એક પીએસઈ કાઉન્ટર કોન્કોર મહત્વનો બ્રેકઆઉટ દર્શાવી રહ્યું છે અને નવી ટોચ દર્શાવવા તૈયાર જણાય છે. તે 2.7 ટકા સુધારે રૂ. 719 પર બંધ રહ્યો હતો. બેંકિંગ સેક્ટર પોઝીટીવ ટકી રહ્યું હતું પરંતુ તે ઈન્ટ્રા-ડે ટોચ પરથી ધીમે-ધીમે ઘસાતું રહ્યું હતું. ટૂંકા સમયગાળામાં તે કોન્સોલિડેશન દર્શાવે તેવી શક્યતાં ઊંચી છે. બેંક નિફ્ટી 0.51 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જેમાં બંધન બેંકનો શેર 3.4 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવતો હતો. જ્યારે એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક 1.4 ટકા, એચડીએફસી બેંક 1.2 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. બેંક ઓફ બરોડા, એસબીઆઈ અને ફેડરલ બેંક નરમાઈ દર્શાવતાં હતાં. નિફ્ટી ફાર્મા પણ 0.54 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જેમાં ઝાયડસ લાઈફ 3 ટકા વૃદ્ધિ સાથે ટોચ પર હતો. આ ઉપરાંત ટોરેન્ટ ફાર્મા 2.2 ટકા, બાયોકોન 2 ટકા, ડો. રેડ્ડીઝ લેબ્સ એખ ટકા સુધારો દર્શાવતાં હતાં. ઓરોબિંદો ફાર્મા અને આલ્કેમ લેબ નરમાઈ દર્શાવતાં હતાં. નિફ્ટી રિઅલ્ટી 2 ટકાનો ઉછાળો દર્શાવતો હતો. જેનું મુખ્ય કારણ ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટીમાં 16 ટકાનો તીવ્ર ઉછાળો હતો. રાકેશ ઝૂનઝૂનવાલાનું હોલ્ડિંગ ધરાવતી કંપનીમાં ઈન્ડિયાબુલ્સે સૌથી શ્રેષ્ઠ સુધારો દર્શાવ્યો હતો. આ ઉપરાંત ફિનિક્સ મિલ્સ, સોભા ડેવલપર્સ, હેમિસ્ફિયર, ઓબેરોય રિઅલ્ટીમાં પણ સુધારો જોવા મળી રહ્યો હતો. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં એચડીએફસી એએમસી 12 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત એસ્કોર્ટ્સ 10 ટકા, હનીવેલ ઓટોમેશ 7 ટકા, એપોલો ટાયર્સ 6 ટકા, મધરસન સુમી 5 ટકા અને આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ 5 ટકા સુધારો દર્શાવતાં હતાં. બીજી બાજુ મૂથૂત ફાઈનાન્સ 12 ટકાથી વધુ ગગડ્યો હતો. જ્યારે મણ્ણાપુરમ ફાઈ 3.5 ટકા, મેટ્રોપોલીસ હેલ્થ 2.4 ટકા અને ઝી એન્ટરટેઈનમેન્ટ 1.7 ટકા ઘટાડો દર્શાવતાં હતાં. બીએસઈ ખાતે માર્કેટ બ્રેડ્થ જોઈએ તો 3680 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1961 પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1560 ઘટાડો દર્શાવતાં હતાં. 168 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 43 કાઉન્ટર્સે વર્ષનું તળિયું બનાવ્યું હતું. 314 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 218 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ જોવા મળતાં હતાં.

SBIએ MCLRમાં 20 બેસીસી પોઈન્ટ્સની વૃદ્ધી કરી
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેઝ્ડ લેન્ડિંગ રેટ્સ(એમસીએલઆર)માં 15 ઓગસ્ટથી અમલી બને તે રીતે 20 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ કરી છે. બેંકે તમામ મુદત માટેની લોન્સ માટે રેટ વધાર્યાં છે. આરબીઆઈએ ચાલુ મહિને રેટ સમીક્ષા વખતે રેપો રેટમાં 50 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ કર્યાં બાદ બેંકે રેટમાં વૃદ્ધિ કરી છે. નવા એમસીએલઆર બાદ બેંકના એક મહિના તેમજ ત્રણ મહિના માટેના એમસીએલઆર 7.35 ટકા પર જોવા મળે છે. જ્યારે છ મહિના માટેનો રેટ 7.65 ટકા પર જોવા મળે છે. એક વર્ષ માટેનો રેટ 7.70 ટકા અને બે વર્ષ માટેનો રેટ 7.90 ટકા જ્યારે ત્રણ વર્ષ માટેનો રેટ 8 ટકા પર હોવાનું બેંકની વેબસાઈટ દર્શાવે છે. બેંકે તેના એક્સટર્નલ બેન્ચમાર્ક-બેઝ્ડ લેન્ડિંગ રેટ અને રેપો-લિંક્ડ લેન્ડિંગ રેટમાં પણ 15 ઓગસ્ટથી 50 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ કરી છે.

બ્રેન્ટ ક્રૂડ વાયદો ફેબ્રુઆરી પછીના નવા તળિયે
વૈશ્વિક અર્થતંત્રમાં મંદીના ડર પાછળ ક્રૂડના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. બ્રેન્ટ ક્રૂડ વાયદો મંગળવારે 93 ડોલર નીચે ઉતરી ગયો હતો. જે 21 ફેબ્રુઆરી પછીનું તળિયું હતું. ચીન ખાતે સોમવારે નબળા ડેટા બાદ ક્રૂડમાં નરમાઈ જોવા મળી રહી છે. ચીનની સેન્ટ્રલ બેંકે દેશમાં માગ વધે તે માટે લેંડિંગ રેટ્સમાં ઘટાડો કર્યો હતો. બૈજિંગની ઝીરો કોવિડ પોલિસીને કારણે ફેકટરી અને રિટેલ એક્ટિવિટીમાં અસાધારણ ઘટાડાને પગલે ચીનની મધ્યસ્થ બેંકે વૈશ્વિક સમકક્ષોથી વિરુધ્ધ રેટ ઘટાડવાની ફરજ પડી હતી. સપ્ટેમ્બરમાં ફેડ પણ 75 બેસીસ રેટ વૃદ્ધિ કરશે તેવો ડર ફરીથી સતાવી રહ્યો છે. જેને કારણે કોમોડિટીઝના ભાવમાં અન્ડરટોન નરમ બન્યો છે.


વિશ્વ બજારમાં ઉછાળા પાછળ કોટન ફરી સર્વોચ્ચ સપાટી ભણી
છેલ્લાં 10 દિવસોમાં ખાંડીએ વધુ રૂ. 6-8 હજારની વૃદ્ધિ પાછળ ભાવ રૂ. 1 લાખ નજીક
USDAએ યુએસ ખાતે કોટનના પાકમાં તીવ્ર ઘટાડા પાછળ ન્યૂ યોર્ક ડિસેમ્બર વાયદામાં ત્રણ સત્રોથી ઉપલી સર્કિટ
સ્થાનિક બજારમાં ક્વોલિટી માલોના અભાવે ભાવમાં ઘટાડાની નહિવત શક્યતાં

કોટનના વૈશ્વિક ભાવમાં તીવ્ર ઉછાળા પાછળ સ્થાનિક બજારમાં પણ ભાવ તેની સર્વોચ્ચ સપાટી નજીક પહોંચ્યાં છે. મંગળવારે હાજર બજારમાં ક્વોલિટી મુજબ રૂ. 95 હજારથી રૂ. 98 હજાર પ્રતિ ખાંડીના ભાવ બોલાઈ રહ્યાં હતાં. જે જૂનમાં જોવા મળેલી રૂ. 1 લાખથી રૂ. 1.05 લાખની સર્વોચ્ચ ભાવ રેંજથી સહેજ છેટા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે કોટનનો સપ્લાય ટાઈટ બનવાની સંભાવના પાછળ કોમોડિટીમાં મજબૂતી ટકે રહેવાની શક્યતાં વર્તુળો જોઈ રહ્યાં છે.
જુલાઈ મધ્યમાં હાજર ભાવ ગગડીને રૂ. 82-84 હજારની સપાટી પર પહોંચી ગયા હતા. જોકે ત્યાંથી તેમાં ઝડપથી સુધારો જોવા મળ્યો છે. ખાસ કરીને ઓક્ટોબર-નવેમ્બર ડિલિવરીના ભાવ એક તબક્કે રૂ. 62 હજાર પર ટ્રેડ થયા હતા. જે હાલમાં રૂ. 75-77 હજાર પર બોલાય રહ્યાં છે. યુએસ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટે યુએસ ખાતે નવા પાકને લઈને અંદાજમાં તીવ્ર ઘટાડો કરતા કોટનના ભાવમાં ઝડપી સુધારો જોવા મળ્યો છે. ગયા મહિને તેણે યુએસ ખાતે 1.55 કરોડ ગાંસડી કોટન પાકનો અંદાજ બાંધ્યો હતો. જે ઘટાડીને 1.25 કરોડ ગાંસડી કર્યો છે. ઉપરાંત તેણે ચાલુ સિઝનની આખરમાં કોટનના ગ્લોબલ એન્ડિંગ સ્ટોકમાં પણ નોઁધપાત્ર ઘટાડો કર્યો છે. જેને કારણે માર્કેટમાં ભાવ એકદમ ઉચકાઈ ગયા છે. ન્યૂ યોર્ક ખાતે ડિસેમ્બર ડિલીવરી વાયદો મંગળવારે સતત બીજા દિવસે સર્કિટમાં જોવા મળી રહ્યો હતો. તેણે 119.19 સેન્ટની ટોચ દર્શાવી હતી. જૂનમાં 155.93 સેન્ટની ટોચ દર્શાવી તે 82.54 સેન્ટ પર ઊઁધા માથે પટકાયો હતો. જોકે ત્યાંથી તીવ્ર બાઉન્સ સૂચવી રહ્યો છે. તેની પાછળ ભારતીય બજારમાં પણ કોટનના ભાવમાં મજબૂતી જોવા મળી છે. જોકે ભારતીય કોટન હજુ પણ વૈશ્વિક બજારની સરખામણીમાં 10 સેન્ટ્સ જેટલું ઊંચું પ્રિમીયમ ધરાવતું હોવાનું વર્તુળો જણાવે છે. સ્થાનિક બજારમા કોટન બે મહિના અગાઉ રૂ. 1.05 લાખ પ્રતિ ખાંડીની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયું હતું. ખેડૂતોને પણ કપાસના રૂ. 2900-3000 પ્રતિ મણ સુધીના ભાવ ઉપજ્યાં હતાં. જોકે ત્યારબાદ ભાવમાં કરેક્શન નોંધાયું હતું. તાજેતરના સુધારા બાદ તે લગભગ દૂર થયું છે. કોટન વર્તુળોના મતે વૈશ્વિક પાકને લઈ જોવા મળી રહેલી ચિંતા પાછળ ભાવ ટોચની નજીક જળવાયેલા રહેશે. એકવાર નવો માલ બજારમાં પ્રવેશશે એટલે સ્થાનિક ભાવ ઘટવાતરફી બનશે.
અત્યાર સુધી ખરિફ પાકની સ્થિતિ સારી છે. ખાસ કરીને ગુજરાતમાં તો કપાસની પ્રગતિ ઘણી સારી છે. જોકે ખેડૂતોને અતિવૃષ્ટિનો ડર સતાવી રહ્યો છે. છેલ્લી કેટલીક ખરિફમાં સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં ભારે વરસાદને કારણે કપાસનો પાક તેના શરૂઆતી અંદાજોની સરખામણીમાં 20 ટકા જેટલો નીચો જોવા મળ્યો છે. જો આ વખતે આમ ના બને તો ગુજરાતમાં એક કરોડ ગાંસડીથી ઊંચો પાક જોવા મળશે તે નિશ્ચિત છે. જ્યારે દેશમાં 3.8 કરોડ ગાંસડી સુધીના પાકની અપેક્ષા છે. જુલાઈમાં મહારાષ્ટ્રમાં કેટલાંક સ્થળે કોટનને નુકસાન થવાથી ત્યાં પાક પર અસર પડી શકે છે.



ગોલ્ડ ETFsમાં જુલાઈમાં કુલ ઈનફ્લો રૂ. 96 લાખના વિક્રમી તળિયે
જુલાઈ દરમિયાન ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સમાં રૂ. 456.75 કરોડનો નેટ આઉટફ્લો જોવા મળ્યો
જૂનમાં ગોલ્ડ ઈટીએફ્સમાં ગ્રોસ ઈનફ્લો રૂ. 252 કરોડ પર રહ્યો હતો

ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ(ઈટીએફ્સ)માં જુલાઈ દરમિયાન કુલ ઈનફ્લો માત્ર રૂ. 96 લાખ સાથે નવા તળિયા પર જોવા મળ્યો હતો. જે સાથે જ છેલ્લાં પાંચ મહિનામાં પેસિવ ફંડ કેટેગરીએ પ્રથમવાર નેટ આઉટફ્લો નોંધાવ્યો હતો. જૂન મહિના દરમિયાન ગોલ્ડ ઈટીએફ્સમાં ગ્રોસ ઈનફ્લો રૂ. 252 કરોડ પર જોવા મળ્યો હતો.
જુલાઈમાં રોકાણકારોએ ગોલ્ડ ઈટીએફ્સમાંથી રૂ. 457.71 કરોડનું વેચાણ દર્શાવ્યું હતું. જેને કારણે ચોખ્ખો આઉટફ્લો રૂ. 456.75 કરોડનો રહ્યો હતો. જૂન દરમિયાન ગોલ્ડ ઈટીએફ્સમાં રૂ. 135 કરોડનો નેટ ઈનફ્લો જોવા મળ્યો હતો. જ્યારે કુલ ઈનફ્લો રૂ. 252 કરોડનો હતો. આમ આઉટફ્લો રૂ. 117 કરોડ પર હતો. અગાઉ ફેબ્રુઆરીમાં ગોલ્ડ ઈટીએફ્સમાં રૂ. 248 કરોડનો નેટ આઉટફ્લો જોવા મળ્યો હતો. તે વખતે રૂ. 244 કરોડનું કુલ વેચાણ જોવા મળ્યું હતું. જ્યારે આઉટફ્લો રૂ. 493 કરોડ પર હોવાનું એમ્ફીનો ડેટા સૂચવે છે. હાલમાં દેશના સ્ટોક એક્સચેન્જિસ પર કુલ 11 ગોલ્ડ ઈટીએફ્સમાં ટ્રેડિંગ થઈ રહ્યું છે.
મે મહિનામાં માર્કેટ રેગ્યુલેટર સેબીએ જુલાઈથી અમલી બને તે રીતે ઈટીએફ્સમાં રૂ. 25 કરોડથી વધુના મૂલ્યના ટ્રેડિંગ માટે એસેટ મેનેજમેન્ટ કંપનીઓ સાથે સીધા ડિલીંગ માટેની છૂટ આપવાનો નિર્ણય લીધો હતો. આનાથી નીચી રકમના ટ્રેડ ફરજિયાત સ્ટોક એક્સચેન્જિસ પર જ કરવાના રહે છે. જોકે અન્ય ભાગીદારો તરફથી રજૂઆતને કારણે રેગ્યુલેટરે આ નિર્ણયના અમલને નવેમ્બર સુધી મુલત્વી રાખ્યો હતો. ચાલુ કેલેન્ડરમાં ગોલ્ડના ભાવ ઊંચી વોલેટિલિટી દર્શાવી રહ્યાં છે. ફેબ્રુઆરીમાં રશિયા-યૂક્રેન યુધ્ધ પાછળ ગોલ્ડના ભાવ 2070 ડોલર પ્રતિ ટ્રૌય ઔંસની સપાટીને સ્પર્શ કરી જુલાઈમાં 1670 ડોલર સુધી ગગડ્યું હતું. તાજેતરમાં તે 1800 ડોલરને પાર કરી ફરી તેની નીચે ટ્રેડ દર્શાવી રહ્યાં છે. કેલેન્ડરની વાત કરીએતો તે 1.5 ટકા ઘટાડે નેગેટિવ ટેરિટરીમાં જોવા મળી રહ્યાં છે. સપ્ટેમ્બરમાં પણ ફેડ 75 બેસીસ પોઈન્ટ્સ રેટ વૃદ્ધિ કરે તેવી શક્યતાં પાછળ ગોલ્ડમાં નજીકના ગાળામાં નરમાઈ ટકી રહેવાની સંભાવના એનાલિસ્ટ્સ વ્યક્ત કરી રહ્યાં છે.



કોર્પોરેટ હેડલાઈન્સ

એપોલો હોસ્પિટલ્સઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 317 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 213.3 કરોડની સરખામણીમાં 45 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 3875 કરોડ પરથી સાધારણ ઘટી રૂ. 3795 કરોડ રહી હતી.
તિલકનગરઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 1 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 0.3 કરોડની સરખામણીમાં 233 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 324 કરોડ પરથી 48 ટકા ઉછળી રૂ. 480 કરોડ રહી હતી.
કેએસબી પંપઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 47.4 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 27.2 કરોડની સરખામણીમાં 54 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 303 કરોડ પરથી 48 ટકા વધી રૂ. 448 કરોડ રહી હતી.
જીએઈએલઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 114.6 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 113.8 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 1025 કરોડ પરથી 24.2 ટકા વધી રૂ. 1273 કરોડ રહી હતી.
સંદુરઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 33.6 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 148.8 કરોડની સરખામણીમાં 77.4 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 475 કરોડ પરથી 37 ટકા વધી રૂ. 652 કરોડ રહી હતી.
સ્ટર્લિંગ વિલ્સનઃ પ્રમોટર શાપોરજી પાલોનજી એન્ડ કંપની ઓફર ફોર સેલ મારફતે 23.7 લાખ શેર્સ અથવા 1.25 ટકા હિસ્સાનું વેચાણ કરશે.
એસ્ટર ડીએમઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 68.5 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 44.5 કરોડની સરખામણીમાં 54 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 2371.6 કરોડ પરથી 12.3 ટકા વધી રૂ. 2662 કરોડ રહી હતી.
કોવાઈ મેડિકલઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 23.8 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 35.5 કરોડની સરખામણીમાં 33 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 238.3 કરોડ પરથી 1.7 ટકા વધી રૂ. 234.4 કરોડ રહી હતી.
હિંદુસ્તાન ગ્લાસઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 137 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 67.5 કરોડની સરખામણીમાં 49.4 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 425 કરોડ પરથી 49.4 ટકા વધી રૂ. 635 કરોડ રહી હતી.

Rushit Parmar

Recent Posts

Rubicon Research IPO: Apply for Short-Term Gains?

Unlocking an Upcoming Investment Opportunity: Rubicon Research IPO Rubicon Research is making headlines with its…

3 weeks ago

Canara Robeco IPO: Apply for Short-Term Gains or Avoid?

Unlocking the Canara Robeco Asset Management Company IPO: A Guide for Every Investor Did you…

3 weeks ago

Tata Turmoil: 5 Secrets to Protect Your Wallet Now

Imagine you’re at a big family gathering and suddenly, your relatives start arguing about who…

3 weeks ago

Shlokka Dyes IPO Verdict: Apply for Short-Term Gains?

Shlokka Dyes IPO: Is It Worth Your Investment? Did you know that Shlokka Dyes is…

4 weeks ago

LG India IPO Verdict: Apply for Listing Gains Today!

LG India IPO: Should You Buy a Piece of Your TV and Fridge Company? Introduction…

4 weeks ago

5 Simple Steps to Secure a Wealthy Retirement Before 40

Did you know that starting your retirement planning in India before your 40s can make…

4 weeks ago

This website uses cookies.