બ્લોગ કન્ટેન્ટ
ફેડના આક્રમક વલણ સામે શેરબજારો પાણી-પાણી
નિફ્ટી 15400નું સ્તર તોડી 12-મહિનાના તળિયે પહોંચ્યો
વૈશ્વિક બજારોમાં પણ સેન્ટીમેન્ટ વધુ ખરડાયું
ઈન્ડિયા વિક્સ 3.21 ટકા ઉછળી 22.86ના સ્તરે
નિફ્ટી સ્મોલ-કેપ ઈન્ડેક્સમાં 3.42 ટકાનો તીવ્ર ઘટાડો
મોટાભાગના સેક્ટરલ સૂચકાંકોમાં 2 ટકાથી વધુ ઘટાડો
બ્રોડ માર્કેટમાં ચાર શેર્સમાં ઘટાડા સામે એકમાં ખરીદી નોંધાઈ
યુએસ ફેડ તરફથી આક્રમક રેટ વૃદ્ધિના વલણ પાછળ વૈશ્વિક અર્થતંત્રના વૃદ્ધિ દરમાં નોંધપાત્ર ઘટાડાની શક્યતા પાછળ શેરબજારો પાણી-પાણી જોવા મળ્યાં હતાં. બુધવારે રાતે 75 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ બાદ નાસ્ડેકમાં 2.5 ટકાના સુધારા છતાં એશિયન અને યુરોપિયન બજારો ગુરુવારે એક ટકાથી 3 ટકા સુધીનો ઘટાડો દર્શાવતાં હતાં. ભારતીય બેન્ચમાર્ક્સ પણ 2 ટકાથી વધુ ઘટાડા સાથે તેમના વાર્ષિક તળિયા પર જોવા મળ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 1046 પોઈન્ટ્સ ગગડી 51496ના સ્તરે જ્યારે નિફ્ટી 332 પોઈન્ટ્સ ઘટી 15361ના સ્તરે બંધ રહ્યાં હતાં. સેન્સેક્સ તેની દિવસની ટોચ પરથી 1646 પોઈન્ટ્સ જેટલો જ્યારે નિફ્ટી લગભગ 550 પોઈન્ટ્સ જેટલો ગગડ્યો હતો. નિફ્ટીના 50 ઘટક કાઉન્ટર્સમાંથી 47 નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે માત્ર 3 જ પોઝીટીવ બંધ જોવા મળ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 3.21 ટકા ઉછાળે 22.86ના સ્તરે બંધ રહ્યો હતો. બ્રોડ માર્કેટમાં વેચવાલી ખૂબ જ વ્યાપક જોવા મળી હતી. જેમાં બીએસઈ ખાતે ચારથી વધુ શેર્સમાં ઘટાડા સામે એક શેરમાં મજબૂતી જોવા મળી હતી.
યુએસ ફેડ તરફથી અપેક્ષિત 75 બેસીસ પોઈન્ટ્સની રેટ વૃદ્ધિ બાદ ત્યાંના બજારોમાં બાઉન્સ જોવા મળ્યો હતો. નાસ્ડેક 2.5 ટકા સુધારા સાથે 11 હજારની સપાટી પાર કરી બંધ જોવા મળ્યો હતો. જેની પાછળ એશિયન બજારો પણ મિશ્ર ટ્રેન્ડ દર્શાવતાં હતાં. ભારતીય બજારે પણ ગેપ-અપ ઓપનીંગ નોંધાવ્યું હતું. નિફ્ટી અગાઉના 15692ના બંધ સામે 15832ના સ્તરે ખૂલ્યો હતો અને વધુ સુધરી 15863ની સપાટી પર ટ્રેડ થયો હતો. જોકે ત્યારબાદ વેચવાલી પાછળ તે સતત ગગડતો રહ્યો હતો અને 15335ના વાર્ષિક તળિયા પર ટ્રેડ થયો હતો અને તેની નજીક જ બંધ રહ્યો હતો. માર્કેટમાં વેચવાલી પાછળનું મુખ્ય કારણ ફેડ તરફથી યુએસના આર્થિક વૃદ્ધિ દરમાં અગાઉના અંદાજમાં 100 બેસીસ પોઈન્ટ્સના ઘટાડાની વ્યક્ત કરતાં આવેલી શક્યતા હતું. અર્થશાસ્ત્રીઓના મતે ફેડની રેટ વૃદ્ધિ સાધારણ મંદીનો સંકેત આપે છે. જે બજારોમાં વેચવાલીનું વધુ દબાણ લાવી શકે છે. માર્કેટમાં ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે ગુરુવારના ઘટાડા સાથે માર્કેટ ટૂંકાગાળામાં ઓવરસોલ્ડ ઝોનમાં છે. જેની પાછળ શોર્ટ-ટર્મમાં એક બાઉન્સ સંભવ છે. જોકે નિફ્ટીને નીચામાં 15100નો સપોર્ટ છે. જ્યાંથી તે 200 પોઈન્ટ્સ ઉપર ટ્રેડ દર્શાવી રહ્યો છે. શોર્ટ સેલર્સને તેઓ 15800ના સ્ટોપલોસ સાથે પોઝીશન જાળવવા સૂચન કરે છે. જ્યારે લોંગ ટ્રેડ માટે ઉતાવળ નહિ કરવાની સલાહ આપે છે. એકવાર નિફ્ટી 15800-16000ની સપાટી પાર કરે ત્યારબાદ જ લોંગ ટ્રેડ હાથ ધરવો જોઈએ એમ એનાલિસ્ટ જણાવે છે.
ગુરુવારની વેચવાલીમાં તમામ સેક્ટરલ સૂચકાંકો 2 ટકાથી વધુનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. જેમાં બેંક નિફ્ટી 2.2 ટકા, ઓટો ઈન્ડેક્સ 2.3 ટકા, આઈટી 2.4 ટકા, ફાર્મા 1.6 ટકા, રિઅલ્ટી 2.8 ટકા, એનર્જી 2 ટકા અને મેટલ 5.24 ટકાનો તીવ્ર ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. એકમાત્ર એફએમસીજી ઈન્ડેક્સ 0.6 ટકાનો સાધારણ ઘટાડો સૂચવતો હતો. નિફ્ટી કાઉન્ટર્સમાં ટાટા સ્ટીલ 6 ટકા સાથે સૌથી ખરાબ દેખાવ દર્શાવી રહ્યો હતો. જ્યારે હિંદાલ્કો 6 ટકા, કોલ ઈન્ડિયા 5 ટકા, ઓએનજીસી 5 ટકા, ટાટા મોટર્સ 5 ટકા, ટેક મહિન્દ્રા 4 ટકા અને ભારતી એરટેલ પણ4 ટકા ઘટાડો સૂચવતાં હતાં. એફએમસીજી કાઉન્ટર્સ નેસ્લે, બ્રિટાનિયા અને એચયૂએલ ગ્રીન ઝોનમાં બંધ જોવા મળતાં હતાં. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં સ્ટ્રાઈડ્સ ફાર્મા 9.5 ટકા સાથે સૌથી ખરાબ દર્શાવતો હતો. જ્યારે વેદાંત 8.2 ટકા, આરબીએલ બેંક 8 ટકા, ડેલ્ટા કોર્પ 7 ટકા, ચંબલ ફર્ટિ 6.45 ટકા, ગ્રેન્યૂલ્સ ઈન્ડિયા 6 ટકા, જિંદાલ સ્ટીલ 6 ટકાનો ઘટાડો દર્શાવતાં હતાં. બ્રોડ માર્કેટમાં ચાલુ વર્ષની સૌથી ખરાબ માર્કેટ-બ્રેડ્થ જોવા મળી હતી. બીએસઈ ખાતે 3474 ટ્રેડેડ કાઉન્ટર્સમાઁથી 2754 કાઉન્ટર્સ નેગેટિવ બંધ જોવા મળ્યાં હતાં. જ્યારે માત્ર 620 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. 60 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ નોંધાવી હતી. જ્યારે 317 કાઉન્ટર્સ તેમના વાર્ષિક તળિયા પર બંધ રહ્યાં હતાં. 9 કાઉન્ટર્સ અપર સર્કિટમાં જ્યારે 4 કાઉન્ટર નીચલી સર્કિટ દર્શાવી રહ્યાં હતાં. એનએસઈનો સ્મોલ-કેપ ઈન્ડેક્સ 3.5 ટકાના ઘટાડે 7196ના સ્તરે બંધ રહ્યો હતો. જે તેના 12047ની સર્વોચ્ચ સપાટી સામે લગભગ 5 હજાર પોઈન્ટ્સનો ઘટાડો સૂચવી રહ્યો હતો.
બેંક સાથે મર્જર પહેલાં HDFC ચાર સ્ટ્રેસ્ડ એકાઉન્ડ્સનું વેચાણ કરશે
એચડીએફસી બેંક સાથે મર્જર અગાઉ મોર્ગેજ ફાઈનાન્સર એચડીએફસી લિમિટેડ તેના ચાર મોટા સ્ટ્રેસ્ડ એકાઉન્ટ્સના વેચાણના આખરી તબક્કામાં હોવાનું જાણવા મળે છે. વર્તુળોના જણાવ્યા મુજબ કંપની એસેટ્સ કેર એન્ડ રિકન્સ્ટ્રક્શન એન્ટરપ્રાઈઝ(એસીઆરઈ)ને આ એસેટ્સ વેચશે. આ ચાર ડિસ્ટ્રેસ્ડ એકાઉન્ટ્સમાં સુભાષ ચંદ્ર પ્રમોટેડ સિટી નેટવર્ક્સનો સમાવેશ થાય છે. એસીઆરઈએ એચડીએફસીના રૂ. 577 કરોડના ચાર કોર્પોરેટ એકાઉન્ટ્સ પોર્ટફોલિયો ખરીદવા માટે રૂ. 270 કરોડની અપફ્રન્ટ ચૂકવણી કરી છે. સિટી નેટવર્ક્સ ચાર એકાઉન્ટ્સમાં સૌથી મોટું એકાઉન્ટ છે. જે રૂ. 198.5 કરોડની સૌથી ઊંચી લોન ધરાવે છે. અન્ય ત્રણ એકાઉન્ટ્સમાં એમઈપી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર્સ, હોટેલ હોરાઈઝન અને સ્ટર્લિંગ અર્બન ડેવલપમેન્ટનો સમાવેશ થાય છે. જેમાં એમઈપી રૂ. 125 કરોડની પ્રિન્સિપલ લોન ધરાવે છે. જ્યારે હોટેલ હોરાઈઝન રૂ. 163 કરોડ અને સ્ટર્લિંગ અર્બન રૂ. 90 કરોડની લોન ધરાવે છે.
જેપી મોર્ગને રિલાયન્સ માટે રૂ. 3170નો ટાર્ગેટ આપ્યો
ગ્લોબલ બ્રોકરેજ ફર્મ જેપી મોર્ગને હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ માટેના તેના રેટિંગને અપગ્રેડ કરી ‘ઓવરવેઈટ’ બનાવવા સાથે એક વર્ષમાં શેરના ભાવનો રૂ. 3170નો ટાર્ગેટ આપ્યો છે. જે વર્તમાન બજારભાવથી લગભગ 21 ટકા વૃદ્ધિની શક્યતાં દર્શાવે છે. બ્રોકરેજના જણાવ્યા મુજબ મજબૂત રિફાઈનીંગ માર્જિન અને ગેસ પ્રાઈસ જોતાં આરઆઈએલ પોઝીટીવ અર્નિંગ્સ રિવિઝન સાઈકલ ધરાવતી ભારતની કેટલીક લાર્જ કંપનીઓમાંની એક છે. એક રિપોર્ટમાં બ્રોકરેજ નોંધે છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના નોન-એનર્જી બિઝનેસના વેલ્યૂએશન્સ પણ સતત જળવાયેલા છે. અગાઉ વિદેશી બ્રોકરેજ મોર્ગન સ્ટેનલીએ પણ રિલાયન્સ માટેના તેના રેટિંગને અપગ્રેડ કર્યું હતું. જેની પાછળ કંપનીના માર્કેટ-કેપમાં 50 અબજ ડોલર સુધીનો સુધારો નોંધાયો હતો.
ફેડ રેટ વૃદ્ધિ પાછળ ક્રૂડ, બેઝ મેટલ્સમાં સાર્વત્રિક ઘટાડો
યુએસ ફેડ રિઝર્વે બેઝ રેટમાં 75 બેસીસ પોઈન્ટ્સની તીવ્ર વૃદ્ધિ દર્શાવતાં ક્રૂડ સહિતની કોમોડિટીઝના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બ્રેન્ટ ક્રૂડ વાયદો 1.5 ટકા જેટલો ગગડી 117 ડોલર નીચે ટ્રેડ થયો હતો. અગાઉના દિવસે 118.94 ડોલરના સ્તરે બંધ રહેલો વાયદો બીજા દિવસે પણ નરમ જોવા મળ્યો હતો. દિવસ દરમિયાન તેણે 120 ડોલરની ટોચ દર્શાવી હતી. ભારતીય કોમેક્સ ખાતે ક્રૂડના ભાવ 2.8 ટકાનો ઘટાડો દર્શાવતાં હતાં. એમસીએક્સ જૂન વાયદો રૂ. 255 ગગડી રૂ. 8893ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ઝીંક વાયદો 2 ટકા, કોપર 1.5 ટકા અને નીકલમાં એક ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો હતો. કિંમતી ધાતુઓમાં ગોલ્ડ અને સિલ્વર પ્રમાણમાં સાધારણ ઘટાડો સૂચવતાં હતાં. જ્યારે નેચરલ ગેસમાં 1 ટકાથી વધુની મજબૂતી જોવા મળતી હતી.
કોર્પોરેટ FD રેટ્સમાં સતત વૃદ્ધિ પાછળ બેંક્સની સરખામણીમાં 3 ટકા સુધી ઊંચી ઓફર
એચડીએફસી, બજાજ ફાઈનાન્સ અને પીએનબી હાઉસિંગ ફાઈનાન્સે ડિપોઝીટ રેટ્સમાં ત્રીજી વાર વૃદ્ધિ કરી
રેટમાં હજુ વૃદ્ધિની શક્યતાં પાછળ રોકાણકારોએ હજુ પણ ટૂંકાગાળાની એફડીમાં જ નાણા પાર્ક કરવા જોઈએ
અગ્રણી ફાઈનાન્સ કંપનીઓએ તેમની ટર્મ ડિપોઝીટ્સના રેટમાં વૃદ્ધિની શરૂઆત કરી દીધી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ઈન્ફલેશનમાં વૃદ્ધિને કારણે આગામી મહિનાઓમાં ટાઈટર મોનેટરી પોલિસીના સંકેતો આપ્યાં બાદ કંપનીઓએ તેમના એફડી રેટ્સમાં એકથી વધુ વાર વૃદ્ધિ દર્શાવી છે. જેમાં એચડીએફસી, બજાજ ફાઈનાન્સ અને પીએનબી હાઉસિંગ ફાઈનાન્સનો સમાવેશ થાય છે. આ કંપનીઓએ વિવિધ મુદત માટેના તેમના એફડી રેટ્સમાં 10-25 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ દર્શાવી છે. જોકે એનાલિસ્ટ્સના મતે રોકાણકારોએ તેમના નાણા લાંબાગાળાની મુદત માટે પાર્ક કરતાં અગાઉ હજુ કેટલોક સમય રાહ જોવી જોઈએ.
અગ્રણી સિક્યોરિટી કંપનીના ડિરેક્ટરના જણાવ્યા મુજબ કંપનીઓએ તેમના ડિપોઝીટ રેટ્સમાં એકથી વધુ વાર વૃદ્ધિ કરી હોવા છતાં તેમણે કરેલી વૃદ્ધિનું કદ હજુ ઘણું નાનુ છે. તેમણે વિવિધ સમયગાળા માટે 10-25 બેસીસ પોઈન્ટ્સની રેટ વૃદ્ધિ દર્શાવી છે. તેમણે બજારની ડેપ્થને માપવાના ઈરાદે વિવિધ મેચ્યોરિટી માટે રેટ વૃદ્ધિ કરી છે. તેઓ જોવા માગે છે કે તેઓ આ વૃદ્ધિ મારફતે કેટલા નાણા ઉઘરાવી શકે છે. એચડીએફસી લિમિટેડ અને બજાજ ફાઈનાન્સે છેલ્લાં બે મહિનામાં તેમના ડિપોઝીટ રેટ્સમાં ત્રીજી વાર વૃદ્ધિ કરી છે. જેમાં એચડીએફસીએ 15 જૂનથી અમલી બને તે રીતે 12-26 મહિના માટેની ડિપોઝીટ્સમાં 20 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ દર્શાવી છે. જ્યારે 36-120 મહિનાઓ માટેની એફડીમાં 10 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ જ કરી છે. બજાજ ફાઈનાન્સે 1-5 વર્ષ માટેની મુદત માટે ડિપોઝીટ રેટ્સમાં 25 બેસીસ પોઈન્ટ્સ વૃદ્ધિ દર્શાવી છે. જ્યારે પીએનબી હાઉસિંગ ફાઈનાન્સે વિવિધ મુદત માટે તેના રેટ્સમાં 10 બેસીસ પોઈન્ટ્સનો વધારો નોંધાવ્યો છે. ફાઈનાન્સ કંપનીઓની ફિક્સ્ડ ડિપોઝીટ્સ સામાન્યરીતે નાના રોકાણકારોમાં ખાસ્સી લોકપ્રિય હોય છે. ખાસ કરીને નિવૃત્ત કર્મચારીઓમાં કે જેઓ સરળ પ્રોડક્ટ્સમાં રોકાણ મારફતે રેગ્યુલર ઈન્કમની અપેક્ષા રાખતાં હોય છે. જે રિટેલ રોકાણકારો છેલ્લાં કેટલાંક દિવસોમાં ઈક્વિટી રિટર્ન્સ પર દબાણનો અનુભવ કરી રહ્યાં છે તેમના માટે પણ એફડીના રેટમાં વૃદ્ધિ આકર્ષક બની શકે છે. આ કંપનીઓ બેંકિંગ કંપનીઓ કરતાં 175-300 બેસીસ પોઈન્ટ્સ ઊંચા રેટ્સ ઓફર કરી રહી છે.
જેમકે બજાજ ફાઈનાન્સના 44-મહિનાની મુદત માટેની ડિપોઝીટ પર 7.35 ટકા ઈન્ટરેસ્ટ રેટ મળી રહ્યું છે. જેની સામે એચડીએફસી બેંક 3-5 વર્ષ માટેની એફડી પર 5.6 ટકા વ્યાજ ચૂકવે છે. આમ ઈન્વેસ્ટરને બેંક ડિપોઝીટ્સ કરતાં 175 પોઈન્ટ્સનો ઊંચો સ્પ્રેડ મળી રહ્યો છે. નીચું ક્રેડિટ રેટિંગ ધરાવતી ફાઈનાન્સ કંપનીઓ વધુ ઊંચા ડિપોઝીટ્સ રેટ ઓફર કરે છે. આરબીઆઈ દ્વારા રેટ વૃદ્ધિની ઘટના હજુ સમાપ્ત નહિ થઈ હોવાને ધ્યાનમાં રાખતાં રોકાણકારોએ તેમના તમામ નાણા લાંબા ગાળાની મેચ્યોરિટીમાં પાર્ક કરવાની ઉતાવળ ના કરવી જોઈએ. મની એડવાઈઝર્સના મતે આગામી 6-9 મહિના દરમિયાન વધુ રેટ વૃદ્ધિની શક્યતાં જોતાં ફિક્સ્ડ ડિપોઝીટ ઈન્વેસ્ટર્સે લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ, એમ બંને પ્રકારની એફડીમાં રોકાણ કરવું જોઈએ. તેમના મતે ઈન્વેસ્ટર્સ તેમના 60 ટકા નાણાને 12-18 મહિનાના ટૂંકાગાળા માટે રોકી શકે છે. જ્યારે 40 ટકા નાણા 36-60 મહિનાની મુદત માટે રોકી શકે છે. એનાલિસ્ટ્સના મતે રિટેલ ઈન્વેસ્ટર્સ એનબીએફસીની ઊંચો દર આપતી લાંબા ગાળાની ડિપોઝીટ્સ જ્યારે બેંક્સની મધ્યમ વ્યાજ દર ચૂકવતી ટૂંકાગાળાની ડિપોઝીટ્સ પર પસંદગી ઉતારી શકે છે. જોકે તેઓ રોકાણકારોને વિવિધ કંપનીઓની ટ્રિપલ એ રેટેડ ડિપોઝીટ્સમાં જ રોકાણ જાળવવા સ્પષ્ટપણે સૂચવે છે.
2022ના પ્રથમ પાંચ મહિનામાં 24 અબજ ડોલરનું PE રોકાણ
ગયા વર્ષે સમાનગાળામાં 19 અબજ ડોલરના સોદા નોંધાયા હતા
ઈન્ફ્લેશન અને જીઓ-પોલિટિકલ જઓખમો વચ્ચે ઈન્વેસ્ટમેન્ટ પ્રવૃત્તિમાં જોવા મળી રહેલા ઘટાડા વચ્ચે પ્રાઈવેટ ઈક્વિટી તેમજ વેન્ચર કેપિટાલિસ્ટ તરફથી થતાં સોદાઓનું મૂલ્ય વાર્ષિક ધોરણે 5 અબજ ડોલરની વૃદ્ધિ દર્શાવે છે. કેલેન્ડર 2021માં જાન્યુઆરીથી મે મહિના સુધીના શરૂઆતી પાંચ મહિનાઓ દરમિયાન 19 અબજ ડોલરના કુલ 775 ડિલ્સ સામે ચાલુ કેલેન્ડરમાં સમાનગાળામાં 24 અબજ ડોલરના મૂલ્યના 630 ડીલ્સ થઈ ચૂક્યાં છે.
બેઈન અને ઈન્ડિયન વેન્ચર એન્ડ અલ્ટરનેટ કેપિટલ એસોસિએશનના રિપોર્ટ મુજબ ફંડ્સ તેમની ચેક સાઈઝનું વિસ્તરણ કરીને ફેરફારોના સ્વીકાર માટે તેમની સ્ટ્રેટેજી બદલી રહ્યાં છે. તેઓ ઊંડી ટાર્ગેટ રિલેશનશિપ્સમાં રોકાણ કરી રહ્યાં છે અને વેલ્યૂ-ક્રિએશન કેપેબિલિટીઝ વધારી રહ્યાં છે. ખાસ કરીને પોર્ટફોલિયો ટીમ્સની રચના કરીને આમ કરી રહ્યાં છે. છેલ્લાં એક ક્વાર્ટરમાં ભારતીય સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમે વેલ્યૂએશન્સમાં નોંધપાત્ર ઘટાડો અનુભવ્યો છે. તેમ છતાં સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમનું આકર્ષણ ઘટ્યું નથી. ઘણા સ્ટાટઅપ્સે કર્મચારીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો કરવાનો બન્યો છે. તેમજ તેમના વેલ્યૂએશન ઘટતાં તેઓ પૂરતું ફંડ ઊભું કરી નથી શક્યાં. જોકે આ બધા વચ્ચે પીઈ ફંડ્સ તરફથી ઉત્સાહમાં કોઈ ઓટ નથી આવી.
ઈન્ડિયા પ્રાઈવેટ ઈક્વિટી રિપોર્ટ 2022ના જણાવ્યા મુજબ ફુગાવાને લઈને જોવા મળતાં તણાવ, જીઓપોલિટીકલ અનિશ્ચિતતાઓ અને સપ્લાય ચેઈન અવરોધોને કારણે 2022 માટે ફંડીંગ આઉટલૂક મધ્યમસરનું જળવાય રહેવાની અપેક્ષા છે. તે 2021ની જેમ ઊંચી ડિલ કામગીરી અને એક્ઝિટ્સ દર્શાવે તેવી શક્યતાં નથી. એક પીઢ નિરીક્ષકના મતે ફંડીંગ ખર્ચ વધ્યો છે અને વેલ્યૂએશન્સમાં કેટલોક ઘટાડો નોંધાઈ શકે છે. જે સ્થિતિમાં આપણે ઘટાડાતરફી ટ્રેન્ડ જોઈ શકીએ છીએ. જે નીચા ફંડ રેઈઝીંગ તરફ લઈ જઈ શકે છે અથવા તો અલગ સ્ટ્રક્ચર ઊભું કરી શકે છે. જેથી કંપનીની ઈમેજ પર પ્રતિકૂળ અસર ના પડે. જોકે આમ થશે કે નહિ તે અંગે આગાહી કરવી અઘરી છે એમ તેઓ ઉમેરે છે. જોકે ફંડીંગ રાઉન્ડ્સ પાછા ઠેલાઈ શકે છે અથવા રદ થઈ શકે છે એમ તેઓનું કહેવું છે. કેટલાંક પરંપરાગત ફંડ્સ બાયઆઉટ તકો તરફ નજર દોડાવી રહ્યાં છે. છેલ્લાં ત્રણ વર્ષોમાં આવા ફંડ્સમાં બ્લેકસ્ટોન, બેરિંગ, કાર્લાઈલ, એડવેન્ટ, જીઆઈસી અને કેકેઆરે એક અબજ ડોલરથી ઊંચા મૂલ્ય ધરાવતાં બાયઆઉટ્સ કર્યાં છે. બાયઆઉટ્સ વધુ આકર્ષક હોય છે કેમકે તે પીઈ ફંડ્સને હાઈ-વેલ્યૂ ડીલ્સમાં વેલ્યૂ ક્રિએશન માટે ઊંચો અંકુશ પૂરો પાડે છે. આગામી સમયગાળામાં ભારતીય બજારમાં આ પ્રકારના કેટલીક વધુ ડિફરેન્શિએટેડ ફંડ સ્ટ્રેટેજિસ જોવા મળી શકે છે. કેમકે વધુને વધુ રોકાણકારો આકર્ષાઈ રહ્યાં છે એમ રિપોર્ટ જણાવે છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
આઈઆરબી ઈન્ફ્રાઃ કંપનીએ યુપી ખાતે મેરઠ-બદૌન એક્સપ્રેસવે પ્રા. લિ.ના રૂ. 6538 કરોડના પ્રોજેક્ટ માટે ફાઈનાન્સિયલ ક્લોઝર મેળવ્યું હોવાનું જણાવ્યું છે. ગંગા એક્સપ્રેસ વે ગ્રૂપ વન એ બિલ્ડ, ઓપરેટ એન્ડ ટ્રાન્સફર મોડ હેઠળ બનનારો ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ છે.
શ્રીરામ ગ્રૂપઃ આરબીઆઈએ શ્રીરામ ગ્રૂપના ફાઈનાન્સિયલ સર્વિસિઝ બિઝનેસની મર્જર યોજનાને મંજૂરી આપી છે. રેગ્યુલેટરી ફાઈલીંગમાં શ્રીરામ ટ્રાન્સપોર્ટે જણાવ્યું હતુ કે 15 જૂને આરબીઆઈએ તેને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ ઈસ્યુ કર્યું છે. આ જાહેરાત બાદ શ્રીરામ સિટી યુનિટન ફાઈનાન્સના શેરમાં ગુરુવારે ઘટાડો નોંધાયો હતો.
યસ બેંકઃ બેંક નાણા વર્ષ 2022-23માં રૂ. 5 હજાર કરોડની રિકવરીનો ટાર્ગેટ ધરાવે છે. બેંકે તેના રિટેલ અને એમએસએમઈ એડવાન્સિસ મિક્સમાં પણ વધુ સુધારો કર્યો છે. જ્યારે કાસા રેશિયો 35 ટકાના દરે રહેવાની ટાર્ગેટ બાંધ્યો છે. એક સમયે પ્રાઈવેટ સેક્ટર બેંકમાં એસબીઆઈ બહુમતી હિસ્સો ધરાવે છે.
જ્યોતિ લેબ્સઃ નાલંદા ઈન્ડિયા ઈક્વિટી ફંડે ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શન્સ મારફતે એફએમસીજી કંપનીના 6.55 લાખ શેર્સની ખરીદી કરી છે.
એનબીસીસીઃ પીએસયૂ કન્સ્ટ્રક્શન કંપનીએ મે 2022 દરમિયાન કુલ રૂ. 330.35 કરોડના મૂલ્યનો બિઝનેસ મેળવ્યો છે.
તાતા પાવરઃ કંપનીએ વાઈબ્રન્ટ એનર્જી માટે 66 મેગાવોટનો ઈપીસી પ્રોજેક્ટ કાર્યાન્વિત કર્યો છે.
ઓએનજીસીઃ પીએસયૂ અપસ્ટ્રીમ કંપની માટે ફિચ રેટિંગ્સે કંપનીના રેટિંગ આઉટલૂકને નેગેટિવમાંથી સ્ટેબલ બનાવ્યું છે.
એક્સિસ બેંકઃ ફિચ રેટિંગ્સે બેંકના રેટિંગ આઉટલૂકમાં સુધારો કર્યો છે. તેણે બેંકના લોંગ-ટર્મ ઈસ્યૂઅર ડિફોલ્ટ રેટિંગ્સને નેગેટિવમાંથી સ્ટેબલ બનાવ્યું છે.
કેબીસી ગ્લોબલઃ કંપનીમાં બે અલગ-અલગ કંપનીઓએ શેર્સ ખરીદ્યાં છે. જેમાં ઈ વેસ્ટ રિસાઈકલીંગે 1.3 કરોડ શેર્સ જ્યારે વેલ્થ 4 યુ હોસ્પિટાલિટી કન્સલ્ટન્સીએ 1.32 શેર્સની ખરીદી કરી છે.
ઉષા માર્ટિનઃ પ્રમોટર કંપનીઓ પીટરહાઉસ ઈન્વેસ્ટમેન્ટ્સ લિ. અને પીએસીસે કંપનીના 63 હજાર ઈક્વિટી શેર્સનું વેચાણ કર્યું છે.
રામા સ્ટીલ ટ્યુબ્સઃ નોમુરા સિંગાપુરે ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શન્સ મારફતે મેટલ કંપનીમાં એક લાખ શેર્સની ખરીદી કરી છે.
યૂપીએલઃ પેસ્ટીસાઈડ્ઝ કંપની યૂપીએલે તેની સબસિડિયરી યુએસસીએલ મારફતે કુડોસ કેમિની રૂ. 40 કરોડમાં ખરીદી કરી છે.
એસબીઆઈઃ દેશમાં ટોચના લેન્ડરે 15 જૂનથી અમલી બને તે રીતે લઘુત્તમ હોમ લોન ઈન્ટરેસ્ટ રેટને 7.55 ટકા કર્યાં છે. તેણે તાજેતરમાં ડિપોઝીટ રેટ્સમાં પણ વૃદ્ધિ નોંધાવી હતી.
Market Summary 16 June 2022
June 16, 2022