Categories: Market TipsNEWS

Market Summary 17 August 2022

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ સમરી


સેન્સેક્સે ફરી 60 હજારની સપાટી પરત મેળવી
નિફ્ટી 17900નું લેવલ કૂદાવી ગયો
વૈશ્વિક બજારોમાં સુસ્તી વચ્ચે ભારતીય બજારમાં અપટ્રેન્ડ યથાવત
આઈટી, બેંકિંગ અને એફએમસીજીમાં જોવા મળેલી મજબૂતી
નિફ્ટી એફએમસીજીએ સર્વોચ્ચ સપાટી દર્શાવી
બજાજ ટ્વિન્સ છ મહિનાની ટોચ પર પહોંચ્યાં
અદાણી જૂથના ચાર કાઉન્ટર્સે વિક્રમી સપાટી દર્શાવી
અદાણી એન્ટરપ્રાઈઝ રૂ. 3 હજાર કૂદાવી ગયો
બ્રોડ માર્કેટમાં મજબૂતી પાછળ માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ

ભારતીય બજાર મંદીવાળાઓને મચક આપી રહ્યું નથી. જુલાઈ પછી ઓગસ્ટ પણ અવિરત તેજીનો મહિનો બની રહ્યો છે. જેની પાછળ બેન્ચમાર્ક્સ એપ્રિલ પછીની ટોચ પર ટ્રેડ દર્શાવી રહ્યાં છે. બીએસઈ સેન્સેક્સે બુધવારે એપ્રિલના પ્રથમ સપ્તાહ બાદ પ્રથમવાર 60 હજારની સપાટી પર ટ્રેડ નોંધાવ્યો હતો. તે 418 પોઈન્ટ્સના સુધારે 60260ના સપાટીએ જ્યારે નિફ્ટી 101 પોઈન્ટ્સ મજબૂતીએ 17926ની સપાટી પર બંધ રહ્યો હતો. નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી 34 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 16 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ નોંધપાત્ર ખરીદી પાછળ માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ જણાતી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ સતત બીજા દિવસે ફ્લેટ જોવા મળ્યો હતો.
બુધવારે વૈશ્વિક બજારોમાં કોઈ ખાસ વધ-ઘટ વચ્ચે ભારતીય બજારે તેજીનો ક્રમ જાળવ્યો હતો. બેન્ચમાર્ક નિફ્ટી ગેપ-અપ ઓપનીંગ બાદ અવિરત સુધારા તરફી બની રહ્યો હતો અને કામકાજની આખરમાં તે 179666ની ટોચ પર ટ્રેડ દર્શાવ્યા બાદ લગભગ તેની નજીક જ બંધ આપવામાં સફળ રહ્યો હતો. આમ મંગળવારે 17800ની સપાટી પાર કર્યાં બાદ બીજા દિવસે તેણે 17900 પણ કૂદાવ્યું હતું. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે હવે ઈન્ડેક્સને 18000-18100ની રેંજમાં અવરોધ નડે તેવી સંભાવના છે. આમ આગામી એકાદ-બે ટ્રેડિંગ સત્રો મહત્વના બની રહેશે. બુધવારે કેશ નિફ્ટી સામે ઓગસ્ટ ફ્યુચર્સ 21 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 17965ના સ્તરે બંધ રહ્યો હતો. આમ છેલ્લાં કેટલાંક સત્રોથી તેણે સતત પ્રિમીયમ પર ટ્રેડ જાળવી રાખ્યું છે. નિફ્ટી 18000ના સ્તરને કૂદાવશે તો શોર્ટ સેલર્સમાં પોઝીશન કાપવા માટે પેનિક જોવા મળે તેવી સંભાવના છે. જેની પાછળ બેન્ચમાર્ક તેની ઓક્ટોબર 2021ની 18600ની ટોચ નજીક ઝડપથી ગતિ દર્શાવી પણ શકે છે. વૈશ્વિક બજારોમાં પણ નેગેટિવ સેન્ટીમેન્ટનો અભાવ છે અને તેથી ભારતીય બજારમાં તેજીવાળાઓને ચિંતાનું કોઈ કારણ નથી જણાતું. ઉપરાંત વર્તમાન તેજીમાં લગભગ તમામ સેક્ટર્સ પાર્ટિસપેટ કરી રહ્યાં છે. જેને કારણે બ્રોડ બેઝ્ડ તેજી જોવા મળી છે. બુધવારે ઓટોમોબાઈલે થાક ખાધો હતો તો આઈટી, મેટલ, એફએમસીજીએ સપોર્ટ પૂરો પાડ્યો હતો. આઈટી કાઉન્ટર્સ તેમના મહત્વના ટેકનિકલ અવરોધોને પાર કરી ચૂક્યાં છે અને બાઉન્સ માટે તૈયાર હોવાનું એનાલિસ્ટ્સ જણાવે છે. નિફ્ટી આઈટીએ 1.16 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવતો હતો. સાથે તે 30 હજારની સપાટી કૂદાવી ગયો હતો. આઈટી કાઉન્ટર્સમાં એલએન્ડટી ટેક્નોલોજી 4.42 ટકા, ટેક મહિન્દ્રા 2.5 ટકા, એચસીએલ ટેક 2.4 ટકા, એમ્ફેસિસ 2.2 ટકા, કોફોર્જ 1.8 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી એફએમસીજીએ 43276ની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. બેન્ચમાર્કને સપોર્ટ કરવામાં જ્યુબિલિઅન્ટ ફૂડ 3.7 ટકા સાથે ટોચ પર હતો. આ સિવાય ટાટા કન્ઝ્યૂમર 1.8 ટકા, એચયૂએલ 1.52 ટકા, ડાબર ઈન્ડિયા એક ટકાનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી મેટલ પણ 0.5 ટકા સુધારા સાથે પોઝીટીવ બંધ દર્શાવતો હતો. જેમાં નાલ્કો 4 ટકા સુધારા સાથે ટોચ પર હતો. આ ઉપરાંત હિંદાલ્કો, વેદાંત, અદાણી એન્ટરપ્રાઈઝ પણ નોંધપાત્ર સુધારો દર્શાવી રહ્યાં હતાં. અદાણી એન્ટરપ્રાઈઝનો શેર રૂ. 3000ની સપાટી કૂદાવી ગયો. નિફ્ટી એનર્જીમાં અડધા ટકાથી વધુનો સુધારો જોવા મળતો હતો. જેમાં એચપીસીએલ 3.5 ટકા, બીપીસીએલ 2.1 ટકા, એનટીપીસી 1.7 ટકા સાથે સુધારો દર્શાવવામાં ટોચ પર હતાં. હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પણ અડધા ટકા સુધારા સાથે બીજા દિવસે પોઝીટીવ જોવા મળ્યો હતો. નિફ્ટી મિડિયા ઈન્ડેક્સ 1.5 ટકા સાથે નોંધપાત્ર સુધારો સૂચવતો હતો. જેમાં ઝી એન્ટરટેઈનમેન્ટ 6.1 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ સિવાય ટીવી ટુડે નેટવર્ક અને નેટવર્ક18 પણ નોંધપાત્ર સુધારો દર્શાવતાં હતાં. જોકે બીજી બાજુ જાગરણપ્રકાશનમાં 7 ટકાનો ઊંચો ઘટાડો જોવા મળ્યો હતો. બેંક નિફ્ટી 0.6 ટકા સુધારા સાથે તાજેતરની નવી ટોચ પર બંધ જોવા મળ્યો હતો. જોકે બેંકિંગમાં પણ પીએસયૂ બેંક્સમાં વધુ મજબૂતી જોવા મળી હતી અને નિફ્ટી પીએસયૂ બેંક 2.26 ટકા ઉછળી બંધ જોવા મળ્યો હતો. પીએસયૂ બેંકિંગ શેર્સમાં બેંક ઓફ બરોડા 4.2 ટકા સુધારા સાથે ટોચ પર હતો. આ સિવાય પંજાબ એન્ડ સિંધ બેંક 3.33 ટકા, બેંક ઓફ મહારાષ્ટ્ર 3.2 ટકા, બેંક ઓફ ઈન્ડિયા 3 ટકા, કેનેરા બેંક 3 ટકા, પીએનબી 2.7 ટકા અને આઈઓબી 2 ટકાનો સુધારો દર્શાવતાં હતાં. નિફ્ટી ઓટોમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગના સંકેતો મળ્યાં હતાં. ઈન્ડેક્સ 13336ની સર્વોચ્ચ ટોચ દર્શાવી 0.5 ટકા ઘટાડે 13194 પર બંધ રહ્યો હતો. ભારત ફોર્જ, એમએન્ડએમ, અશોક લેલેન્ડ, ટાટા મોટર્સ અને ટીવીએસ મોટર્સ સહિતના કાઉન્ટર્સ નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જોકે હીરો મોટોકોર્પમાં 3.4 ટકા અને આઈશર મોટર્સમાં 1.8 ટકાનો નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં કેટલાંક કાઉન્ટર્સમાં ભારે લેવાલી જોવા મળી હતી. જેમકે ટ્રેન્ટ 4.6 ટકા, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ 4.6 ટકા, એસબીઆઈ કાર્ડ્સ 4.1 ટકા, એપોલો ટાયર્સ 4 ટકા, ફર્સ્ટસોર્સ સોલ્યુશન્સ 4 ટકા અને બર્ગર પેઈન્ટ્સ 3.7 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. બીજી બાજુ પીવીઆર 2.4 ટકા, કોરોમંડલ ઈન્ટરનેશનલ 2 ટકા, ભારત ફોર્જ 2 ટકા આઈજીએલ 2 ટકા અને કોન્કોર 2 ટકા ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. 52-સપ્તાહની ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં ટ્રેન્ટ, દેવયાની ઈન્ટરનેશનલ, બેંક ઓફ બરોડા, એપોલો ટાયર્સ, એસકેએફ ઈન્ડિયા, આઈશર મોટર્સ, લક્ષ્મી મશીન્સ અને સીજી પાવરનો સમાવેશ થતો હતો.


એરટેલે 5G સ્પેક્ટ્રમ પેટે સમયથી વહેલાં રૂ. 8312નું ચૂકવણું કર્યું
દેશમાં બીજા ક્રમના ટેલિકોમ ઓપરેટર એરટેલે 5જી સ્પેક્ટ્રમ પેટે ચૂકવવાના થતાં નાણાનું સમય કરતાં વહેલું ચૂકવણું કર્યું છે. કંપનીએ ટેલિકોમ ડિપાર્ટમેન્ટને રૂ. 8312.40 કરોડ ચૂકવ્યાં છે. જેથી ભાવિ ઈન્વેસ્ટમેન્ટ માટે કેશને ફ્રી કરી શકાય એમ તેણે જણાવ્યું છે. તાજેતરમાં યોજાયેલા 5જી સ્પેક્ટ્રમ ઓક્શનમાં કંપનીએ વિવિધ બેન્ડ્સના 19867 મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમની રૂ. 43084 કરોડના ભાવે ખરીદી કરી હતી. જેમાં 3.5 GHz, 26 GHz અને કેટલાંક નીચા તથા મધ્યમ બેન્ડ્સના સ્પેક્ટ્રમનો સમાવેશ થતો હતો. કંપની ચાલુ મહિને કમર્સિયલ 5જી સર્વિસિઝ રોલઆઉટ કરવાનું વિચારી રહી છે. ડોટના નિયમો મુજબ કંપનીઓ પાસે તેમના નાણાને 20 સરખા હપ્તાઓમાં ચૂકવવાનો વિકલ્પ હોય છે. જોકે એરટેલે ચાર વર્ષોમાં અપફ્રન્ટ નાણા ચૂકવવાનો વિકલ્પ અપનાવ્યો છે. ગયા વર્ષે એરટેલે તેણે પાછી ઠેલેલી રૂ. 24334 કરોડની જવાબદારીઓને પણ સમયથી વહેલા ચૂકવી દીધી હતી.

ડોલર સામે રૂપિયામાં 29 પૈસાનો ઉછાળો
વૈશ્વિક ક્રૂડના ભાવમાં ઘટાડા તથા ઈક્વિટી માર્કેટ્સમાં મજબૂતી પાછળ ડોલર સામે સ્થાનિક ચલણના ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. બુધવારે રૂપિયો કામકાજની શરૂઆતમાં 79.32ના સ્તરે મજબૂત ઓપનીંગ બાદ ઈન્ટ્રા-ડે 79.26ની ટોચ પર જ્યારે 79.48ના તળિયા પર ટ્રેડ થયો હતો. જોકે કામકાજની આખરમાં તે 29 પૈસા સુધારે 79.45 પર બંધ રહ્યો હતો. ક્રૂડના ભાવમાં ઘટાડાને કારણે સ્થાનિક ચલણને રાહત મળી હતી. ફોરેક્સ ડિલર્સના મતે વિદેશી સંસ્થાકિય રોકાણકારો તરફથી નેટ ઈનફ્લોને કારણે પણ સેન્ટિમેન્ટ મજબૂત જોવા મળી રહ્યું છે. વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સમાં મજબૂતી વચ્ચે રૂપિયાએ સુધારો નોંધાવ્યો હતો. બ્રેન્ટ ક્રૂડ દિવસ દરમિયાન 92 ડોલર આસપાસ છ મહિનાથી વધુના તળિયા પર ટ્રેડ દર્શાવી રહ્યું હતું. કોમોડિટી એનાલિસ્ટ્સ વર્ષની આખર સુધીમાં તે 70 ડોલરનું સ્તર દર્શાવે તેવી શક્યતાં વ્યક્ત કરી રહ્યાં છે. જે ભારતીય અર્થતંત્ર માટે વરદાનરૂપ બની શકે છે.

SBI બજાજ હિંદ સુગર્સને NCLTમાં લઈ ગઈ
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ બજાજ હિંદુસ્તાન સુગર લિ. સામે કોર્પોરેટ ઈન્સોલ્વન્સી રેઝોલ્યુશન પ્રોસેસ(સીઆઈઆરપી) શરૂ કરી છે. તેણે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની અલ્હાબાદ બેન્ચ સમક્ષ આ પ્રક્રિયા આદરી છે. દેશમાં સૌથી મોટા લેન્ડરની આગેવાનીમાં 12 બેંક્સનું કોન્સોર્ટિયમ બજાજ હિંદ સુગરમાં રૂ. 4762 કરોડનું એક્સપોઝર ધરાવે છે. જૂન 2022માં લેન્ડરે બજાજ હિંદ સુગરમાં તેના એક્સપોઝરને નોન-પર્ફોર્મિંગ એસેટ તરીકે વર્ગીકૃત કરી હતી. કંપનીએ લોનના હપ્તામાં તથા ઓપ્શનલી કન્વર્ટિબલ ડિબેન્ચર્સ પરના કૂપર રેટ ઈન્ટરેસ્ટને ચૂકવવામાં વિલંબ કરતાં બેંકે આમ કરવું પડ્યું હતું. કુલ એક્સપોઝરમાં ત્રણ પીએસયૂ બેંક્સ રૂ. 500 કરોડથી વધુની લોન ધરાવે છે. જેમાં એસબીઆઈ રૂ. 1192 કરોડ, પીએનબી રૂ. 1082 કરોડ અને ઈન્ડિયન બેંક રૂ. 507 કરોડનો સમાવેશ થાય છે.



બ્રિટન ખાતે ઈન્ફ્લેશન 10.1 ટકાની 40-વર્ષોની ટોચ પર

બ્રિટનનું કન્ઝ્યૂમર પ્રાઈસિસ ઈન્ફ્લેશનશ(CPI) 10.1 ટકા સાથે 40-વર્ષોની ટોચ પર પહોંચ્યું છે. બુધવારે જાહેર કરવામાં આવેલા ડેટા મુજબ ખાદ્ય પદાર્થોના ભાવમાં ઉછાળો એ સીપીઆઈની વૃદ્ધિ માટે સૌથી મોટું કારણ હતું. બ્રિટનની ઓફિસ ઓફ નેશનલ સ્ટેટેસ્ટિક્સ(ઓએનએસ)ના જણાવ્યા મુજબ આવશ્યક ફૂડ આઈટમ્સ માટેનું વાર્ષિક ઈન્ફ્લેશન જૂનમાં 9.8 ટકા પરથી ઉછળી જુલાઈમાં 12.7 ટકા પર પહોંચ્યું હતું. બ્રેડ, મિલ્ક, ચીઝ અને એગ્સના ભાવોમાં વૃદ્ધિ પાછળ તેમાં ઉછાળો નોંધાયો હતો. અગાઉ એનર્જિ બિલ્સમાં તીવ્ર વૃદ્ધિ પાછળ બ્રિટન સહિત યુરોપમાં કોસ્ટ-ઓફ-લિવીંગમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. બુધવારના ડેટા બાદ અર્થશાસ્ત્રીઓ માને છે કે બેંક ઓફ ઈંગ્લેન્ડ રેટ વૃદ્ધિને લઈને તેનું આક્રમક વલણ જાળવી રાખશે. તાજેતરમાં બેંક ઓફ ઈંગ્લેન્ડ તથા યુરોપિયન કમિશન બેંક, બંને તરફથી ઊંચી રેટ વૃદ્ધિ જોવા મળી છે. બ્રિટનમાં ઊંચા ઈન્ફ્લેશન પાછળ યુરોપિયન શેરબજારો નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. જર્મનીનો ડેક્સ 1.3 ટકા જ્યારે ફ્રાન્સનો કેક 0.7 ટકા ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યાં હતાં.



કેન્દ્રિય પુલમાં ખાદ્યાન્ન જથ્થો પાંચ વર્ષોના તળિયે
ઘઉંના નીચા પ્રોક્યોરમેન્ટ પાછળ જથ્થો 2017થી નીચેના લેવલે

ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(FCI) પાસે ઘઉં અને ચોખાનો જથ્થો છેલ્લાં પાંચ વર્ષોના તળિયા પર જોવા મળી રહ્યો છે. ચાલુ રવિ માર્કેટિંગમાં ઘઉંની નીચી ખરીદીને કારણે આમ બન્યું છે. ચોખાનો જથ્થો હજુ સુધી 2020ના સ્તરની ઉપર છે પરંતુ જો નવી ખરિફમાં ઉત્પાદન નીચું રહેવા પાછળ પ્રોક્યોરમેન્ટ ઓછું થશે તો તે પણ ઝડપથી ઘટાડો દર્શાવે તેવી શક્યતાં છે. ડાંગરનું વાવેતર ગયા સપ્તાહની આખર સુધીમાં વાર્ષિક ધોરણે 12 ટકા ઘટાડો દર્શાવતું હતું.
તાજા ડેટા મુજબ 1 ઓગસ્ટના રોજ સેન્ટ્રલ પુલમાં ઘઉં અને ચોખાનો જથ્થો 545.97 લાખ ટન પર હતો. જે અગાઉ 2017માં જોવા મળતાં 499.77 લાખ ટન પછીનો સૌથી નીચો છે. ચોખાની વાત કરીએ તો કુલ જથ્થો 279.52 લાખ ટન પર છે. જે અગાઉ 2020માં 253.40 લાખ ટનની નીચી સપાટી પર હતો. એક વર્ષ અગાઉની સરખામણીમાં હાલમાં ચોખાનો જથ્થો 11.4 લાખ ટનનો ઘટાડો દર્શાવે છે. 1 ઓગસ્ટ 2021ના રોજ ઘઉંનો જથ્થો 266.45 લાખ ટન પર હતો. અગાઉ 2008માં તે 243.80 લાખ ટનના તળિયા પર જોવા મળતો હતો. અનમિલ્ડ પેડી સ્ટોક 1 ઓગસ્ટના રોજ 194.57 લાખ ટન પર હતો. જે 2020માં 145.63 લાખ ટન પર હતો એમ ડેટા સૂચવે છે. ઘઉંનું પ્રોક્યોરમેન્ટ નીચું રહેવાથી જથ્થો ઘટ્યો છે. નવી ખરિફ માર્કેટિંગ સિઝનમાં ડાંગરના નીચા ઉત્પાદનને કારણે સરકાર પાસે ફરીથી પ્રોક્યોરમેન્ટ માટે દબાણ ઊભું થઈ શકે છે એમ વર્તુળો જણાવે છે. કેમકે પ્રાઈવેટ ટ્રેડર્સે જે રીતે એપ્રિલ-મેમાં જે રીતે ઘઉંની ખરીદીમાં ઊંચી સક્રિયતા દાખવી હતી. તેવું જ ચોખાની ખરીદીમાં પણ તેઓ કરી શકે છે. જોકે સરકારે જણાવ્યું છે કે ઈન્ટર-મિનિસ્ટરિઅલ ગ્રૂપ ચોખાના જથ્થા પર ચાંપતી દેખ-રેખ ધરાવે છે અને દેશમાંથી નોન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ જેવું આત્યંતિક પગલું ભરતાં અગાઉ તેમણે કેટલોક વધુ સમય રાહ જોવાનો નિર્ણય લીધો છે.

એરંડા, ડાંગરના વાવેતરમાં વેગ સાથે 91 ટકા વિસ્તારમાં ખરિફ વાવણી સંપન્ન
સોમવાર સુધીમાં રાજ્યમાં કુલ ખરિફ વાવેતર વિસ્તાર 78.88 લાખ હેકટરે પહોંચ્યોં
ગઈ સિઝનની સરખામણીમાં 4 હજાર હેકટરની વૃદ્ધિ નોંધાઈ
ડાંગરનું વાવેતર 8 લાખ હેકટરને પાર નીકળી ગયું, એરંડાએ 4 લાખ હેકટરનો આંક વટાવ્યો
ત્રણ વર્ષના સરેરાશ 86.32 લાખ હેકટર સામે હજુ 7.44 લાખ હેકટર વિસ્તારમાં વાવેતર બાકી

ચાલુ ખરિફના આખરી પડાવમાં ગુજરાતમાં વાવેતર 91 ટકા વિસ્તારને પાર કરી ગયું છે. સોમવાર સુધીમાં રાજ્યમાં 78.88 લાખ હેકટર વિસ્તારમાં વાવેતર જોવા મળતું હતું. જે ગઈ સિઝનમાં સમાનગાળામાં 78.74 લાખ હેકટરની સરખામણીમાં 4 હજાર હેકટરની વૃદ્ધિ દર્શાવે છે. ગયા એક સપ્તાહમાં વાવેતર વિસ્તારમાં 2.02 લાખ હેકટરનો ઉમેરો થયો હતો. જ્યારે છેલ્લાં ત્રણ વર્ષોના 86.32 લાખ હેકટરના સરેરાશ વિસ્તાર સામે હજુ 7.44 લાખ હેકટર વિસ્તારમાં વાવણી કાર્ય બાકી છે. ઓગસ્ટ મહિનામાં સામાન્યરીતે ડાંગર, એરંડા, ઘાસચારા અને શોર્ટ સ્ટેપલ કપાસનું વાવેતર થતું હોય છે.
ગયા સપ્તાહમાં વાવેતર પ્રગતિ પર નજર નાખીએ તો એરંડાના વાવેતરમાં 1.11 લાખ હેકટર વિસ્તારનો નોંધપાત્ર ઉમેરો જોવા મળ્યો હતો અને તે 4.17 લાખ હેકટરે પહોંચ્યું હતું. અગાઉના સપ્તાહે તે 3.06 લાખ હેકટર પર જોવા મળતું હતું. ગયા વર્ષે સમાનગાળાની સરખામણીમાં એરંડાનું વાવેતર ચાલુ વર્ષે 89 હજાર હેકટર વિસ્તારની વૃદ્ધિ દર્શાવે છે. કોમોડિટીના ભાવ આકર્ષક હોવા ઉપરાંત એરંડા બેલ્ટમાં વ્યાપક વરસાદને કારણે ખેડૂતોએ તેના વાવેતર પર પસંદગી ઉતારી છે. રાજ્યમાં છેલ્લાં ત્રણ વર્ષોમાં સરેરાશ 6.77 લાખ હેકટર વિસ્તારમાં એરંડાનું વાવેતર જોવા મળ્યું હતું. આમ હજુ પણ 2.60 લાખ હેકટર વિસ્તારમાં એરંડાનું વાવેતર જોવા મળી શકે છે. ખેડૂતોમાં એરંડાના વાવેતરને લઈને જોશને જોતાં તે 7 લાખ હેકટરની સપાટી પાર કરી જાય તેવી શક્યતાં પણ છે. ડાંગરનું વાવેતર પણ તેના સામાન્ય વિસ્તાર કરતાં ઊંચું જોવા મળી રહ્યું છે. ગયા સપ્તાહે વધુ 42 હજાર હેકટરની વૃદ્ધિ સાથે ડાંગરનું વાવેતર 8.34 લાખ હેકટરે પહોંચ્યું છે. જે ગઈ સિઝનમાં સમાનગાળામાં 7.90 લાખ હેકટરની સરખામણીમાં 44 હજાર હેકટર ઊંચું છે. છેલ્લાં ત્રણ વર્ષોની 8.35 લાખ હેકટરની સરેરાશને જોતાં વાવેતર 100 ટકા વિસ્તારમાં પૂર્ણ થઈ ચૂક્યું છે. જોકે આગામી બે સપ્તાહમાં વધુ 50 હજાર હેકટર વિસ્તારમાં વૃદ્ધિ જોવા મળી શકે છે.
ચોમાસુ ઘાસચારાના વાવેતરમાં પણ ગયા સપ્તાહે 79 હજાર હેકટરની વૃદ્ધિ જોવા મળી હતી અને તે 9.11 લાખ હેકટરે પહોંચ્યું હતું. જો કે ગઈ સિઝનમાં સમાનગાળામાં 9.66 લાખ હેકટર સામે તે 55 હજાર હેકટરનો ઘટાડો દર્શાવે છે. આ જ રીતે શાકભાજીનું વાવેતર પણ ગઈ સિઝનમાં 2.35 લાખ હેકટર સામે ચાલુ સિઝનમાં 2.18 લાખ હેકટર સાથે 17 હજાર હેકટરનો ઘટાડો નોંધાવી રહ્યું છે. વાવેતરમાં ઘટાડો દર્શાવતાં કેટલાંક અન્ય પાકોમાં મકાઈ, તુવેર અને અડદનો સમાવેશ થાય છે. તુવેર અને અડદના વાવેતરમાં નોંધપાત્ર ઘટાડા પાછળ ખરિફ કઠોળનો વાવેતર વિસ્તાર 3.91 લાખ હેકટરમાં જ જોવા મળે છે. જે ગઈ સિઝનમાં સમાનગાળામાં 4.90 લાખ હેકટર પર હતો. આમ કઠોળ પાકોમાં 99 હજાર હેકટરનો જંગી ઘટાડો જોવા મળી રહ્યો છે. મકાઈનું વાવેતર પણ 6 હજાર હેકટરનો સામાન્ય ઘટાડો દર્શાવી રહ્યું છે. જ્યારે બાજરીનું વાવેતર 1.64 લાખ હેકટર સામે 19 હજાર હેકટર વૃદ્ધિ સાથે 1.83 લાખ હેકટરમાં જોવા મળે છે.
મુખ્ય ખરિફ પાકો જેવાકે કપાસ અને મગફળીનું વાવેતર સંપન્ન થઈ ચૂક્યું છે. જોકે કપાસમાં હજુ શોર્ટ સ્ટેપલનું વાવેતર બાકી છે અને તેથી તેના વાવેતર વિસ્તારમાં ઉમેરો થશે. ગયા સપ્તાહે 11 હજાર હેકટર વૃદ્ધિ સાથે તે 25.37 લાખ હેકટરે પહોંચ્યું હતું. જે વાર્ષિક ધોરણે 2.88 લાખ હેકટરની વૃદ્ધિ દર્શાવે છે. મગફળીનું વાવેતર 7 હજાર હેકટરના ઉમેરા સાથે 17 લાખ હેકટરે જોવા મળ્યું હતું. જે ગઈ સિઝનના 19 લાખ હેકટર સામે 2 લાખ હેકટરનો ઘટાડો દર્શાવે છે.

ટોચના ખરિફ પાકોની વાવેતર સ્થિતિ(વિસ્તાર લાખ હેકટરમાં)
પાક ખરિફ 2022 ખરિફ 2021
કપાસ 25.37 22.49
મગફળી 17.00 19.01
ડાંગર 8.34 7.90
એરંડા 4.17 3.28
કઠોળ 3.91 4.90
ઘાસચારો 9.11 9.66
શાકભાજી 2.18 2.35
સોયાબિન 2.20 2.24
બાજરી 1.83 1.64
મકાઈ 2.87 2.93
તુવેર 2.08 2.24
કુલ 78.88 78.84



કોર્પોરેટ હેડલાઈન્સ

સીઈએસસીઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 297 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 280 કરોડની સરખામણીમાં 6 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 3216 કરોડ પરથી 30 ટકા ઉછળી રૂ. 4102 કરોડ રહી હતી.
એમએન્ડએમઃ લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ યુટિલિટી વેહીકલ ઉત્પાદકમાં તેના હિસ્સાને 6.2 ટકા પરથી ઘટાડી 4.2 ટકા કર્યો છે.
પતંજલીઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 241.3 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 173.5 કરોડની સરખામણીમાં 39 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 5266 કરોડ પરથી 37 ટકા ઉછળી રૂ. 7211 કરોડ રહી હતી.
ઓર્ચિડ ફાર્માઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 15 કરોડની ખોટ દર્શાવી છે. ગયા વર્ષે સમાનગાળામાં કંપનીએ રૂ. 31 કરોડની ખોટ નોંધાવી હતી. કંપનીની આવક રૂ. 92.3 કરોડ સામે 42 ટકા વધી રૂ. 131 કરોડ રહી હતી.
એન્ડ્યૂરન્સઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 103.3 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 96.5 કરોડની સરખામણીમાં 7 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 1693.6 કરોડ પરથી 25 ટકા ઉછળી રૂ. 2114 કરોડ રહી હતી.
અબોટઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 206 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 196 કરોડની સરખામણીમાં 5.1 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 1218 કરોડ પરથી 7 ટકા ઉછળી રૂ. 1304 કરોડ રહી હતી.
તિરુપતિ ફોર્જઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં વાર્ષિક 395 ટકા વૃદ્ધિ સાથે રૂ. 3.08 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 62 લાખ હતો. કંપનીની આવક રૂ. 13.05 કરોડથી વધી રૂ. 26.05 કરોડ રહી છે. કંપની કાર્બન સ્ટીલના ફોર્જ્ડ ફ્લેંજ, ફોર્જ્ડ ઘટકોના ઉત્પાદનમાં સક્રિય છે. તે 90 ટકાથી વધુ ઉત્પાદન નિકાસ કરે છે.
મેક્સ હેલ્થકેરઃ સિંગાપુરની જીઆઈસી અને ફાઈનાન્સિયલ સર્વિસિસ કંપની કેપિટલ ગ્રૂપે મેક્સ હોસ્પિટલ ચેઈન હેલ્થકેર ઈન્સ્ટીટ્યુટમાં 26.8 ટકા હિસ્સો ખરીદ્યો છે.
સિંગર ઈન્ડિયાઃ રેર એન્ટરપ્રાઈઝિસે કંપનીમાં બ્લોક ડિલ મારફતે રૂ. 53.50 પ્રતિ શેરના ભાવે 42.5 લાખ શેર્સની ખરીદી કરી છે.
રેડિકોઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 62 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 61 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 598 કરોડ સામે 27 ટકા વધી રૂ. 757.4 કરોડ પર જોવા મળી હતી.
ટ્રાઈડન્ટઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 129 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 207 કરોડની સરખામણીમાં 38 ટકા ઘટાડો દર્શાવે છે. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 1482 કરોડ સામે 13.3 ટકા વધી રૂ. 1679 કરોડ પર જોવા મળી હતી.
ગુજરાત આલ્કલીઝઃ મેરિડિયન કેમ બોન્ડે કેમિકલ કંપનીમાં વધુ 5.35 લાખ શેર્સની ખરીદી કરી છે.
એન્ટની વેસ્ટઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 23.2 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 16.8 કરોડની સરખામણીમાં 38 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 145.4 કરોડ પરથી 62 ટકા ઉછળી રૂ. 235 કરોડ રહી હતી.

Rushit Parmar

Recent Posts

Go Digit General Insurance Limited IPO : Important Dates

Go Digit General Insurance Limited IPO is set to launch on 15 May, 2024. The…

4 days ago

Indian Emulsifier Limited IPO : Company Information

Indian Emulsifier Limited IPO is set to launch on 10 May, 2024. The company was…

4 days ago

Quest Laboratories Limited IPO : Company Details

Quest Laboratories Limited IPO is set to launch on 10 May, 2024. The company was…

4 days ago

Veritaas Advertising Limited IPO : Important Updates

Veritaas Advertising Limited IPO is set to launch on 10 May, 2024. The company was…

5 days ago

Mandeep Auto Industries Limited IPO : Key Highlights

Mandeep Auto Industries Limited IPO is set to launch on 10 May, 2024. The company…

5 days ago

Premier Roadlines Limited IPO : Company Information

Premier Roadlines Limited IPO is set to launch on 10 May, 2024. The company was…

1 week ago

This website uses cookies.