બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
તેજીવાળાઓ નરમ પડતાં બજાર કોન્સોલિડેશનના મૂડમાં
વોલેટિલિટી ઈન્ડેક્સ 2 ટકા ઘટાડે 22.29ના સ્તરે
ફાર્મા અને એફએમસીજી સિવાય તમામ ક્ષેત્રોમાં નરમાઈ
વૈશ્વિક બજારોમાં પણ દિશાહિન ટ્રેન્ડ
બ્રોડ માર્કેટમાં મજબૂતી પાછળ એડવાન્સ-ડિક્લાઈન રેશિયો પોઝીટીવ
એલઆઈસીમાં બીજા દિવસે ફ્લેટ ટ્રેડ
વૈશ્વિક બજારમાં સુસ્તી તથા સ્થાનિક સ્તરે તેજીવાળાઓના વિરામ પાછળ બુધવારે શેરબજાર બે બાજુની વધ-ઘટ વચ્ચે સાધારણ નરમાઈ સાથે બંધ રહ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 110 પોઈન્ટ્સના ઘટાડે 54209ના સ્તરે જ્યારે નિફ્ટી 19 પોઈન્ટ્સના સાધારણ ઘસારે 16240ના સ્તરે બંધ રહ્યાં હતાં. સેન્સેક્સ તેની ઈન્ટ્રા-ડે ટોચ પરથી 655 પોઈન્ટ્સ જેટલો ગગડ્યો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2 ટકા ઘટાડા સાથે 22.29ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીના 50 ઘટક કાઉન્ટર્સમાંથી 26 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 24માં નરમાઈ જોવા મળી હતી. આમ બજારમાં એક પ્રકારે સંતુલિત અભિગમ જોવા મળી રહ્યો હતો. બ્રોડ માર્કેટમાં જોકે ખરીદી જળવાઈ હતી અને તેની પાછળ માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળતી હતી.
સપ્તાહના ત્રીજા સત્ર દરમિયાન બજારમાં કામકાજની શરૂઆત ગેપ-અપ જોવા મળી હતી. જોકે બપોર બાદ બજાર અચાનક ગગડ્યું હતું અને નેગેટિવ ઝોનમાં જ બંધ રહ્યું હતું. નિફ્ટી 16300ના સ્તર પર ટકવામાં નિષ્ફળ રહ્યો હતો. માર્કેટને ફાર્મા અને એફએમસીજી, આ બે ક્ષેત્રો તરફથી જ સપોર્ટ સાંપડ્યો હતો. જે સિવાય અન્ય તમામ ક્ષેત્રો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. જેમાં નિફ્ટી પીએસઈ 1.7 ટકા સાથે સૌથી ખરાબ દેખાવ દર્શાવતો હતો. એ સિવાય નિફ્ટી મેટલ, ઓટો, આઈટી, રિઅલ્ટી, એનર્જી, મિડિયા, ઈન્ફ્રા અને બેંક પણ નરમાઈ સાથે બંધ રહ્યાં હતાં. નિફ્ટી એફએમસીજી 1.25 ટકા સાથે જ્યારે નિફ્ટી ફાર્મા 1.06 ટકા સાથે પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. એફએમસીજી ક્ષેત્રે મેરિકો 4 ટકા સાથે, ટાટા કન્ઝ્યૂમર 3 ટકા, એચયૂએલ 2 ટકા અને કોલગેટ 2 ટકા સુધારા સાથે બંધ રહ્યાં હતાં. જ્યારે ફાર્મા સેગમેન્ટમાં ઓરોબિંદો ફાર્મા 4.5 ટકા, બાયોકોન 2.2 ટકા, સિપ્લા 2 ટકા અને ડિવિઝ લેબ 1.5 ટકા સુધારા સાથે બંધ જોવા મળ્યાં હતાં. આનાથી ઊલટું પીએસઈ કાઉન્ટર્સમાં આઈઓસી 5 ટકા સાથે સૌથી વધુ ઘટાડો દર્શાવતો હતો. વિક્રમી આવક તેમજ બોનસ શેરની જાહેરાત બાદ ઓઈલ માર્કેટિંગ જાયન્ટનો શેર ગગડ્યો હતો. એચપીસીએલનો શેર પણ 4.8 ટકા જ્યારે બીપીસીએલનો શેર 3 ટકા જેટલો ગગડ્યો હતો. આ ઉપરાંત પાવર ગ્રીડ કોર્પોરેશન 4.5 ટકા, એનએચપીસી 2.6 ટકા, આઈઆરસીટીસી 1.7 ટકાનો ઘટાડો દર્શાવતાં હતાં. પીએસયૂ બેંક ક્ષેત્રે કેનેરા બેંક 3 ટકા ઘટાડે ફરી રૂ. 200ની નીચે ઉતરી ગયો હતો. આ ઉપરાંત બેંક ઓફ બરોડા, એસબીઆઈ, પીએનબી, યુનિયન બેંક અને બેંક ઓફ ઈન્ડિયા પણ નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. રિઅલ્ટી કાઉન્ટર્સમાં પ્રેસ્ટીજ એસ્ટેટ 4.7 ટકા, ગોદરેજ પ્રોપર્ટીઝ 4 ટકા, શોભા ડેવલપર્સ 3.7 ટકા અને ડીએલએફ 3 ટકાનો ઘટાડો દર્શાવતાં હતાં. બીજી બાજુ ફિનિક્સ મિલમાં 4.2 ટકાનો સુધારો નોંધાયો હતો.
નિફ્ટી ડેરિવેટિવ્સ કાઉન્ટર્સમાં એમસીએક્સ ઈન્ડિયા 6.54 ટકા સાથે સૌથી સારો દેખાવ દર્શાવતો હતો. આ સિવાય ગ્રેન્યૂલ્સ ઈન્ડિયા 5 ટકા, પેટ્રોનેટ એલએનજી 5 ટકા, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ 4.3 ટકા, બોશ 4.1 ટકા, પર્સિસ્ટન્ટ 3.53 ટકા અને ગુજરાત ગેસ 3.2 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે બીજી બાજુ મેટ્રોપોલિસ હેલ્થમાં 9 ટકાનું ગાબડું જોવા મળ્યું હતું. ડો. લાલ પેથલેબ્સ પણ 6 ટકા તૂટ્યો હતો. આ સિવાય ડેલ્ટા કોર્પો 6 ટકા, બંધન બેંક 3 ટકા, એયૂ સ્મોલ બેંક 2.5 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં સતત ત્રીજા દિવસે મજબૂતી જોવા મળી હતી. અલબત્ત, છેલ્લાં બે સપ્તાહોની સરખામણીમાં તે ઓછી તીવ્રતા દર્શાવતી હતી. બીએસઈ ખાતે કુલ 3466 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1866 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ રહ્યાં હતાં. જ્યારે 1479 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળતાં હતાં. આમ સમગ્રતયા માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ હતી. 59 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 34 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું નોંધાવ્યું હતું.
સ્ટીલના ભાવમાં પ્રતિ ટન 100 ડોલરનો ઘટાડો
વૈશ્વિક સ્ટીલના ભાવમાં ત્રણેક સપ્તાહમાં 100 ડોલરનો ઘટાડો જોવા મળ્યો છે. ચીન ખાતે સતત લોકડાઉનને કારણે મંદીના ડર પાછળ સ્ટીલના ભાવમાં કરેક્શન જોવાયું છે. ભારતમાં હોટ રોલ્ડ કોઈલ્સના ભાવ મે મહિનામાં 900 ડોલર પ્રતિ ટન જેટલાં જોવા મળી રહ્યાં છે. જે એપ્રિલ મહિનામાં 1000-1010 ડોલર પર પહોંચ્યાં હતાં. ચીનમાં સમાનગાળામાં ભાવ 820 ડોલર પ્રતિ ટન પરથી ગગડી 720 ડોલર પર જોવા મળ્યાં છે. જ્યારે જાપાનમાં તે 970 ડોલર પ્રતિ ટન પરથી ઘટી 956 ડોલર પ્રતિ ટન પર બોલાય છે. જોકે ભારત માટે સૌથી મોટા નિકાસ બજાર એવા વિયેટનામ ખાતે ટ્રેન્ડ અલગ જોવા મળે છે. જ્યાં સ્ટીલના ભાવ માસિક ધોરણે 2 ટકા અથવા તો 20 ડોલર પ્રતિ ટન જેટલા વધી 950 ડોલર પર જોવા મળે છે. એપ્રિલમાં તે 930 ડોલર પર બોલાતાં હતાં. ભારતમાં રિબારના ભાવ મેમાં ઘટી 916 ડોલર પર જોવા મળ્યાં હતાં. જે એપ્રિલમાં 970 ડોલર પર હતાં.
2021માં થયેલી ટેકનિલ ખામીના મુદ્દે સમાધાન માટે NSEની વિનંતી
દેશમાં સૌથી મોટા સ્ટોક એક્સચેન્જ એનએસઈએ 2021માં ટેકનિકલ ખામીને કારણે પ્લેટફોર્મ ખાતે અટકી પડેલા ટ્રેડિંગના મુદ્દે સમાધાન માટે માર્કેટ રેગ્યુલેટર સેબી સમક્ષ રજૂઆત કરી હોવાનું જાણવા મળે છે. ટેકનિકલ સમસ્યાને કારણે એનએસઈ ખાતે ચાર કલાક સુધી ટ્રેડિંગ ઠપ્પ રહ્યું હતું. એનએસઈએ સેબીમાં આ મુદ્દાના ઉકેલ માટે એક કન્સેન્ટ અરજી ફાઈલ કરી છે એમ તેઓ જણાવે છે. 24 ફેબ્રુઆરી 2021ના રોજ એનએસઈ ખાતે ઈક્વિટી અને ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં ટ્રેડિંગ અટવાઈ પડ્યું હતું. એનએસઈની સબસિડિયરી એનએસઈ ક્લિઅરિંગ લિ.એ પણ સેબીમાં સમાન પ્રકારની કન્સેન્ટ અરજી દાખલ કરી હોવાનું વર્તુળો જણાવે છે. સિક્યૂરિટી માર્કેટના નિયમોના ભંગ બદલ તપાસનો સામનો કરી રહેલી કંપની સેબી સાથે કન્સેન્ટના માર્ગનો ઉપયોગ કરી મુદ્દાને સેટલ કરી શકે છે. જેમાં તે કશું પણ ખોટું કર્યું છે તેનો સ્વીકાર કે અસ્વિકાર કર્યા વિના માત્ર ફી ચૂકવીને કેસનું સમાધાન કરી શકે છે.
પતંજલિ આયૂર્વેદના ફૂડ બિઝનેસની રૂચી સોયા રૂ. 690માં ખરીદશે
રૂચી સોયા ઈન્ડસ્ટ્રીઝે પતંજલિ આયૂર્વેદના ફૂડ બિઝનેસને રૂ. 690 કરોડમાં ખરીદવાની જાહેરાત કરી છે. એક અગ્રણી એફએમસીજી કંપની તરીકે ઊભરવાના ઉદ્દેશને ધ્યાનમાં રાખી કંપનીએ આ નિર્ણય લીધો છે. કંપનીની જાહેરાત બાદ રૂચી સોયાનો શેર 10 ટકા ઉછળી રૂ. 1188ના સ્તરે બંધ રહ્યો હતો. પતંજલિ આયૂર્વેદના ફૂડ બિઝનેસમાં 21 પ્રોડ્ક્ટ્સનો સમાવેશ થાય છે. જેમાં ઘી, મધ, મસાલા, જ્યુસિસ અને આટાનો સમાવેશ થાય છે. રૂ. 690ની ખરીદીમાં ફૂડ બિઝનેસિસની તમામ ફિક્સ્ડ એસેટ્સ અને વેચાણ આધારે કરન્ટ એસેટ્સનો સમાવેશ થાય છે. પતંજલી આયૂર્વેદના બોર્ડે પણ તેમના ફૂડ બિઝનેસને રૂચી સોયા ઈન્ડસ્ટ્રીઝને 9 મેથી અસરમાં આવે તે રીતે વેચાણની મંજૂરી આપી છે.
તાતા કન્ઝ્યૂમર પાંચ બ્રાન્ડ્સ ખરીદવાની તૈયારી સાથે શોપીંગ મૂડમાં
કંપની બેવરેજિસ સહિતના સેગમેન્ટમાં નવી બ્રાન્ડ્સ ખરીદી શકે
તાતા જૂથની કન્ઝ્યૂમર કંપની ટાટા કન્ઝ્યૂમર પ્રોડ્ક્ટ્સ મોટાપાયે ખરીદીની તૈયારીમાં હોવાનું જાણવા મળે છે. મળતી માહિતી મુજબ ટાટા કન્ઝ્યૂમર પાંચ બ્રાન્ડ્સ ખરીદવા માટે ચર્ચા ચલાવી રહી છે. આમ કરીને કંપની કન્ઝ્યૂમર ગુડ્ઝ સેગમેન્ટમાં તેની હાજરી મજબૂત બનાવવા ઈચ્છે છે.
ટાટા કન્ઝ્યૂમરના સીઈઓએ જણાવ્યા મુજબ કંપની ટેટલી બ્રાન્ડ હેઠળ ચા અને એઈટ ઓ’ક્લોક કોફીનું વેચાણ કરે છે. જોકે હવે તે અન્ય કંપનીઓ સાથે ગંભીરતાથી જોડાવાનો પ્રયાસ કરી રહી છે. જોકે તેમણે એ નથી જણાવ્યું કે તેઓ કઈ બ્રાન્ડ્સ ખરીદવા માટે વિચારણા ચલાવી રહ્યાં છે અને હાલમાં વાતચીત કયા સ્તર પર થઈ રહી છે. ટાટા કન્ઝ્યૂમર પ્રોડ્ક્ટસની રચના 2020માં થઈ હતી. તેણે બોટલબંધ પાણીની કંપની નરિશકો બેવરેજિસ તથા અનાજ બ્રાન્ડ સાઉલફૂલ જેવી કંપનીઓમાં હિસ્સો ખરીદીને પોતાના પોર્ટફોલિયોનો વિસ્તાર કર્યો હતો. કંપનીને નવી ખરીદી બાદ મુકેશ અંબાણીની રિલાયન્સ રિટેલ તેમજ એફએમસીજી અગ્રણી હિંદુસ્તાન યુનિલીવર સાથે તીવ્ર સ્પર્ધાનો સામનો કરવાનો બની શકે છે. આગામી સમયગાળામાં રિલાયન્સ ડઝનથી પણ વધુ કિરાણા અને નોન-ફૂડ બ્રાન્ડ્સની ખરીદી કરી શે છે. રિલાયન્સનું ટાર્ગેટ 6.5 અબજ ડોલરના કન્ઝ્યૂમર ગુડ્ઝ બિઝનેસનું છે. કંપનીએ છેલ્લાં બે વર્ષોમાં ઘણી રિટેલ બ્રાન્ડ્સની ખરીદી પણ કરી છે.
વૈશ્વિક તથા સ્થાનિક સ્તરે ફુગાવો વધુ રહ્યો છે તેવા સમયે ટાટા જૂથ વિસ્તરણ કરવા જઈ રહ્યું છે. ઊંચી મોંઘવારીને કારણે કંપનીઓની પરેશાની વધી છે. રશિયા-યૂક્રેન યુધ્ધ, કૃષિ પેદાશોની નિકાસ પર પ્રતિબંધ અને સપ્લાય ચેનમાં અવરોધોને કારણે ઈનપુટ ખર્ચ પર ભારણ વધ્યું છે. જેને કારણે કંપનીઓની વર્કિંગ કેપિટલની જરૂરિયાત તથા વ્યાજ ખર્ચમાં ફરી વૃદ્ધિ જોવા મળી રહી છે. આ સ્થિતિમાં નવી ખરીદી પાછળ ખર્ચ પણ ઊંચો રહેશે.
RIL બ્રિટિશ મેડિલ રિટેલ ચેન બુટ્સ માટે બીડ કરશે
10 અબજ ડોલર સુધીની સંભાવના ધરાવતું આ ડીલ કંપનીને યુરોપ માર્કેટમાં મજબૂત હાજરી પૂરી પાડશે
મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ બ્રિટિશ મેડિકલ રિટેલ ચેઈન બુટ્સ યૂકે માટે ચાલુ મહિનાની આખર સુધીમાં બીડ કરે તેવી શક્યતાં છે. આ ટ્રાન્ઝેક્શન ઉપરમાં 10 અબજ ડોલર જેટલું મોટું હોઈ શકે છે. આ ખરીદી રિલાયન્સ દ્વારા સૌપ્રથમ બીગ ટિકિટ ઈન્વેસ્ટમેન્ટ હશે. આ અગાઉ કંપનીએ અમેરિકન શેલ ગેસ ઉદ્યોગ ક્ષેત્રે કેટલીક ખરીદી દર્શાવી હતી. કંપની માટે બીડ ભરવાની ડેડલાઈન સોમવારે હતી. જોકે બીડર્સ દ્વારા વિનંતી કરવામાં આવતાં તેને લંબાવવામાં આવી હોવાનું બેન્કરે જણાવ્યું હતું.
બેંકર્સના જણાવ્યા મુજબ યૂકે સ્થિત બિલિયોનર અને યૂકેના રિટેલ એએસડીએ જૂથના માલિક ઈસ્સા બ્રધર્સ તથા બ્રિટિશ પ્રાઈવેટ ઈક્વિટી કંપની ટીડીઆર કેપિટલ પણ બુટ્સ યૂકેની ખરીદીની સ્પર્ધામાં છે. તેમજ તેઓ આગલી હરોળમાં હોવાનું માનવામાં આવે છે. આ ટ્રાન્ઝેક્શન માટે બ્રિટીશ સરકારમાં ઊંચા પ્રમાણમાં રાજકીય વગની જરૂરિયાત રહેશે અને ઈસ્સા બ્રધર્સ સ્થાનિક સરકાર પર મોટો પ્રભાવ ધરાવે છે એમ બેંકર ઉમેરે છે. જોકે અંબાણી અને એપોલો પણ આક્રમ બીડીંગ માટે આયોજન કરી રહ્યાં છે એમ બેંકરનું કહેવું છે. ઈસ્સા બ્રધર્સે ઓક્ટોબર 2020માં વોલમાર્ટ પાસેથી 6.8 અબજ પાઉન્ડ્સમાં એએસડીએ જૂથની ખરીદી કરી હતી.
રિલાયન્સના પ્રવક્તાએ જોકે આ અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો હતો. બેંકર્સના જણાવ્યા મુજબ રિલાયન્સની વિદેશ સ્થિત સબસિડિયરીએ અમેરિકન પ્રાઈવેટ ઈવિટી જાયન્ટ એપોલો ગ્લોબલ મેનેજમેન્ટ સાથે આ ટ્રાન્ઝેક્શનને ફંડ કરવા માટે જોડાણ કર્યું છે. તેમજ તે વિદેશી બેંક્સ પાસેથી ફંડ્સ ઊભું કરવા માટેની વાતચીત ચલાવી રહ્યું છે. જો મુકેશ અંબાણી આ સ્પર્ધામાં વિજેતા બનશે તો તેમને યુરોપિયન રિટેલ માર્કેટમાં 2200 સ્ટોર્સ સાથે મહત્વની હાજરી મળશે. કંપનીએ અગાઉ ઓનલાઈન ડ્રગ સેલર નેટમેડ્સની ભારતમાં ખરીદી કરી છે. બુટ્સની ખરીદી તેમને નેટમેડ્સના વિદેશમાં લોંચિંગ માટે સહાયતા કરશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જાન્યુઆરી 2017 બાદ અત્યાર સુધીમાં વિવિધ સેક્ટરમાં 10થી વધુ એક્વિઝીશન્સ કરી ચૂક્યું છે. જેમાં સાવન મિડિયા, આરઈસી સોલાર હોલ્ડિંગ્સ, પાઈપલાઈન ઈન્ફ્રા, હાથવે કેબલ, ડેન નેટવર્ક્સ, સ્ટર્લિંગ એન્ડ વિલ્સન રિન્યૂએબલ એનર્જી, સિન્ટેક્સ ઈન્ડસ્ટ્રીઝ અને ઈન્ડિવિડ્યૂઅલ લર્નિંગનો સમાવેશ થાય છે.
બે વર્ષોમાં AIFsની એસેટ બમણી થઈ રૂ. 6.41 લાખ કરોડે પહોંચી
માર્ચ 2020માં ઓલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સનું કુલ એયૂએમ રૂ. 3.7 લાખ કરોડ પર હતું
પોર્ટફોલિયોમાં વિવિધતા અને ઉંચા રિસ્ક-એડજસ્ટેડ રિટર્ન માટે સમૃદ્ધ વ્યક્તિઓ અને ફેમિલિ ઓફિસિસે પરંપરાગત રોકાણના સાધનોથી બીજી તરફ નજર દોડાવતાં છેલ્લાં બે વર્ષમાં ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ (એઆઇએફ)ની એસેટ લગભગ બમણી થઇ ગઇ છે. માર્ચ, 2022 સુધીમાં કુલ એઆઇએફ એસેટ વધીને રૂ. 6.41 લાખ કરોડ થઇ છે, જે માર્ચ, 2020માં રૂ. 3.70 લાખ કરોડ હતી. એઆઇએફ મ્યુચ્યુઅલ ફંડ જેવાં જ છે, જે ભારત અને વિદેશના ખાનગી રોકાણકારો પાસે ભંડોળ એકત્ર કરીને નિર્ધારિત રોકાણ નીતિ મૂજબ રોકે છે. એઆઇએફમાં રોકાણની લઘુત્તમ મર્યાદા રૂ. 1 કરોડ છે.
એઆઇએફ હેઠળ ઉપલબ્ધ રોકાણના વિવિધ વ્યૂહને જોતાં આ પ્રોડક્ટ્સ હાઇ નેટ-વર્થ ઇન્ડિવિડ્યુઅલ (એચએનઆઇ) વચ્ચે ખૂબલ લોકપ્રિય થઇ છે. વધુમાં તેમાંથી ઘણી વ્યૂહરચના જાહેર બજારો સાથે ખૂબજ ઓછો સંબંધ ધરાવતી હોય છે, જેના પરિણામે તે રોકાણનું પસંદગીનું સાધન બને છે.
એઆઇએફમાં મુખ્યત્વે ત્રણ કેટેગરી છે – કેટેગરી 1 એઆઇએફ વેન્ચર કેપિટલ ફંડ્સ (એન્જલ ફંડ્સ સહિત), સોશિયલ ઇમ્પેક્ટ ફંડ્સ, એસએમઇ (સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ) ફંડ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ્સમાં રોકાણ કરે છે. કેટેગરી 2 ફંડ્સમાં રિયલ એસ્ટેટ ફંડ્સ, પ્રાઇવેટ ઇક્વિટી ફંડ્સ, ડિસ્ટ્રેસ્ડ એસેટ ફંડ્સ, સ્ટ્રક્ચર્ડ ક્રેડિટ અને વેન્ચર ડેટ ફંડ્સ સામેલ છે. કેટેગરી 2 એઆઇએફ લોંગ-શોર્ટ, આર્બિટ્રેજ, ફિક્સ્ડ ઇન્કમ અને ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગમાં રોકાણ કરે છે. કુલ એઆઇએફ એસેટમાં કેટેગરી 2 એઆઇએફ 80 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. આ કેટેગરી હેઠળ એસેટ માર્ચ 2022 સુધીમાં રૂ. 5.2 લાખ કરોડ હતી, જે વાર્ષિક ધોરણે 46 ટકાથી પણ વધુ છે.
LIC ઓપન ઓફર મારફતે અંબુજા, ACCમાંથી બહાર નીકળી શકે
વીમા જાયન્ટને બંને સિમેન્ટ કંપનીઓના હિસ્સા વેચાણમાંથી રૂ. 7 હજાર કરોડ ઉપજશે
અંબુજા સિમેન્ટ્સ અને એસીસીમાં રૂ. 7,000 કરોડના મૂલ્યના શેર્સ ધરાવતી લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એલઆઇસી) અદાણી ફેમિલિ દ્વારા લોંચ થનારી ઓપન ઓફર દ્વારા તેના શેર્સનું વેચાણ કરે તેવી શક્યતા છે. અદાણી ફેમિલિએ અંદાજે રૂ. 81,400 કરોડમાં અંબુજા સિમેન્ટ્સ હસ્તગત કર્યું છે. અદાણી અંબુજાના પ્રતિ શેર રૂ. 375 અને એસીસીના પ્રતિ શેર રૂ. 2,300 ઉપર ઓપન ઓફર કરી રહ્યું છે. જોકે, ઓપન ઓફરની તારીખો હજૂ જાહેર કરાઇ નથી.
ઉલ્લેખનીય છે કે એલઆઇસીએ ભુતકાળમાં અંબુજા અને એસીસી શેર્સમાંથી જંગી લાભ પ્રાપ્ત કર્યો છે. જૂન 2006 સુધીમાં અંબુજા સિમેન્ટ્સમાં એલઆઇસીનો હિસ્સો 8.9 ટકા સાથે રૂ. 1,243 કરોડ હતો. હાલમાં તે અંબુજામાં 6.3 ટકા સાથે રૂ. 4,487 કરોડનો હિસ્સો ધરાવે છે. જૂન 2006 સુધીમાં કોર્પોરેશનનો એસીસીમાં રૂ. 1,603 કરોડના મૂલ્યનો 10.2 ટકા હિસ્સો હતો, જે હાલમાં રૂ. 2,359 કરોડ સાથે 5.7 ટકા છે. જાણકારોના કહેવા અનુસાર અદાણી દ્વારા લોંચ થનારી રૂ. 31,140 કરોડની બે ઓપન ઓફરની સફળતા બંન્ને કંપનીઓના શેરના ભાવ ઉપર આધારિત રહેશે. જો માર્કેટ પ્રાઇઝ ઓફર પ્રાઇઝ કરતાં વધુ હશે તો નાના અને લઘુમતી શેરધારકો શેર્સ ઓફર કરશે નહીં અને ઓપન ઓફર નિષ્ફળ થઇ જશે. જોકે, એલઆઇસી બંન્ને કંપનીઓમાંથી શેર્સનું વેચાણ કરી શકે છે તથા નફો લઇને તેમાંથી બહાર નીકળી શકે છે. બેંકર્સ અને સંસ્થાકીય રોકાણકારો વચ્ચે હાલમાં ચર્ચા ચાલી રહી છે તથા આખરી નિર્ણય ટૂંક સમયમાં આવશે.
કોર્પોરેટ હેડલાઈન્સ
ઈન્ડોકો રેમેડિઝઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 40.5 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 25 કરોડની સરખામણીમાં 62 ટકા વૃદ્ધિ દર્શાવે છએ. કંપનીની આવક 34.1 ટકા ઉછળી રૂ. 409.1 કરોડ પર રહી હતી. જે ગયા વર્ષે રૂ. 305 કરોડ પર હતી.
મિંડા કોર્પોરેશનઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 75.9 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 54.6 કરોડની સરખામણીમાં 39 ટકા વૃદ્ધિ દર્શાવે છએ. કંપનીની આવક 19.4 ટકા ઉછળી રૂ. 948 કરોડ પર રહી હતી. જે ગયા વર્ષે રૂ. 794 કરોડ પર હતી.
સેફાયરઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 26.5 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 13.8 કરોડનો નફો દર્શાવ્યો હતો. કંપનીની આવક રૂ. 340 કરોડની સરખામણીમાં વધીને રૂ. 496.8 કરોડ પર રહી હતી.
જ્યુબિલિઅન્ટ ઈન્ગ્રિવાઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં 26 ટકા વૃદ્ધિ સાથે રૂ. 68.6 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 54.36 કરોડનો નફો દર્શાવ્યો હતો. કંપનીની આવક રૂ. 684 કરોડની સરખામણીમાં 89 ટકા વધી રૂ. 1296 કરોડ પર રહી હતી.
ભારતી એરટેલઃ બીજા ક્રમની એરટેલ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 2007.9 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 829.60 કરોડ પર હતો. કંપનીની આવક રૂ. 29687 કરોડ પરથી વધી રૂ. 31500 કરોડ રહી હતી.
આઈઆરબી ઈન્ફ્રાઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં 79 ટકા વૃદ્ધિ સાથે રૂ. 174.5 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 97.46 કરોડનો નફો દર્શાવ્યો હતો. કંપનીની આવક રૂ. 1606 કરોડની સરખામણીમાં 11 ટકા ઘટી રૂ. 1434 કરોડ પર રહી હતી.
ડીએલએફઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં 15 ટકા ઘટાડે રૂ. 405.5 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 477.4 કરોડનો નફો દર્શાવ્યો હતો. કંપનીની આવક રૂ. 1712 કરોડની સરખામણીમાં 10 ટકા ગગડી રૂ. 1547 કરોડ પર રહી હતી.
પીઆઈ ઈન્ડસ્ટ્રીઝઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 204.4 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 179.8 કરોડનો નફો દર્શાવ્યો હતો. કંપનીની આવક રૂ. 1197 કરોડની સરખામણીમાં 17 ટકા વધીને રૂ. 1395 કરોડ પર રહી હતી.
સેઈલઃ જાહેર ક્ષેત્રની સ્ટીલ કંપની અને આરઆઈએનએલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેઈન્સ માટે વ્હીલ્સનું ઉત્પાદન કરશે.
Market Summary 18 May 2022
May 18, 2022
