Categories: Market TipsNEWS

Market Summary 2 Dec 2021

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ સમરી



બુલ્સ મક્કમ રહેતાં શોર્ટ કવરિંગ પાછળ બીજા દિવસે ઉછાળો જોવાયો

સેન્સેક્સ 777 પોઈન્ટ્સ જ્યારે નિફ્ટી 235 પોઈન્ટ્સ સુધારા સાથે બંધ રહ્યાં

બ્રોડ માર્કેટમાં તેજી પાછળ બીએસઈ ખાતે બે શેર્સથી વધુમા સુધારા સામે એક શેરમાં ઘટાડો

વૈશ્વિક બજારોમાં મિશ્ર વલણ, એશિયામાં જાપાન-ચીન સિવાય મજબૂતી, યુરોપમાં નરમાઈ

બે ટ્રેડિંગ સત્રોમાં નિફ્ટીમાં માર્કેટ વેલ્થમાં રૂ. 4.19 લાખ કરોડની વૃદ્ધિ



ભારતીય શેરબજારમાં શોર્ટ કવરિંગ પાછળ સેન્ટિમેન્ટમાં બદલાવ જોવા મળ્યો છે. ગુરુવારે મોટાભાગના ટ્રેડર્સની અપેક્ષાથી વિરુદ્ધ નિફ્ટી 234.75 પોઈન્ટ્સના સુધારા સાથે 17200-17300ની રેંજના અવરોધ ઝોનને પાર કરી 17401.65ના સ્તરે બંધ રહ્યો હતો. બેન્ચમાર્ક સેન્સેક્સ 776.50 પોઈન્ટ્સ ઉછળી 58461.29 પર બંધ રહ્યો હતો. માર્કેટમાં બ્રોડ બેઝ તેજી જોવા મળી હતી. જેની પાછળ બેથી વધુ શેર્સમાં સુધારા સામે એક શેરમાં ઘટાડો જોવા મળતો હતો. વોલેટિલિટિ ઈન્ડેક્સ વધુ 7 ટકા ગગડી 18.08ના સ્તરે બંધ રહ્યો હતો. છેલ્લાં બે માર્કેટ સત્રોમાં રોકાણકારોની વેલ્થમાં રૂ. 4.19 લાખ કરોડની વૃદ્ધિ નોંધાઈ છે.

યુએસ બજારમાં બુધવારે સતત બીજા દિવસે ઘટાડા વચ્ચે એશિયન બજારોમાં મિશ્ર કામકાજ જોવા મળતું હતું. જેની વચ્ચે ભારતીય બજારમાં કામકાજની શરૂઆત ગેપ-અપ જોવા મળી હતી. પોઝીટીવ ઓપનીંગ બાદ મોટાભાગનો સમય બજાર રેંજ બાઉન્ડ જોવા મળ્યું હતું. જેમાં સેન્સેક્સ 400-500 પોઈન્ટ્સ વચ્ચે અથડાયેલો રહ્યો હતો. જોકે બપોર બાદ ઓચિંતા શોર્ટ કવરિંગ પાછળ માર્કેટમાં સુધારાનો નવો દોર જોવા મળ્યો હતો અને સેન્સેક્સ 58514ની ટોચ દર્શાવી 58461ના સ્તરે બંધ રહ્યો હતો. જે છેલ્લાં ચાર ટ્રેડિંગ સત્રોનું ટોચનું સ્તર હતું. નિફ્ટી દિવસના 17149.30ના તળિયાથી સુધરતો રહી 17420ની ટોચ બનાવી 17400ની સપાટી પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. આમ સપ્તાહના આખરી દિવસે જો વૈશ્વિક બજારોનો સાથ મળશે તો શોર્ટ કવરિંગ પાછળ નિફ્ટી વધુ સુધારો દર્શાવે તેમ એનાલિસ્ટ્સનું માનવું છે. તેમના મતે બેન્ચમાર્ક 17600ના સ્તરને પાર કરવાનો પ્રયાસ કરી શકે છે. જે તેના માટે હવેનો મહત્વનો અવરોધ છે. જો આ સ્તર પાર થશે તો નિફ્ટી માટે 18 હજાર સુધીનો માર્ગ મોકળો થશે.

ગુરુવારે નિફ્ટીના 50માંથી માત્ર ત્રણ કાઉન્ટર્સ નેગેટિવ બંધ રહ્યાં હતાં. જેમાં સિપ્લા, આઈસીઆઈસીઆઈ બેંક અને એક્સિસ બેંક મુખ્ય હતાં. જ્યારે અદાણી પોર્ટ્સ, એચડીએફસી, પાવરગ્રીડ કોર્પોરેશન, સન ફાર્મા, ટાટા સ્ટીલ, બીપીસીએલ અને ટેક મહિન્દ્રા સુધરવામાં ટોચ પર હતાં. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં સૌથી સારો સુધારો દર્શાવવામાં જીએમઆર ઈન્ફ્રા ટોચ પર હતો. એ સિવાય પર્સિસ્ટન્ટ સિસ્ટમ, એસઆરએફ, એમસીએક્સ ઈન્ડિયા, પીવીઆર અને માઈન્ડટ્રીએ પણ 3 ટકાથી વધુનો સુધારો નોંધાવ્યો હતો.

સેક્ટરલ સૂચકાંકોમાં આઈટી, મેટલ, એફએમસીજી, એનર્જીમાં એક ટકાથી 2 ટકા સુધીનો સુધારો જોવા મળી રહ્યો હતો. નિફ્ટી મિડિયા પણ 1.55 ટકાની વૃદ્ધિ દર્શાવતો હતો. એકમાત્ર નિફ્ટી ઓઈલગેસ 4.2 ટકાનો ઘટાડો દર્શાવતો હતો. લગભગ સપ્તાહ બાદ બજારમાં માર્કેટ બ્રેડ્થ ઘણી મજબૂત જળવાય હતી. બીએસઈ ખાતે 3400 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2185 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1065 કાઉન્ટર્સ તેમના અગાઉના બંધ સામે નેગેટિવ બંધ રહ્યાં હતાં. 150 કાઉન્ટર્સ સ્થિરતાં દર્શાવતાં હતાં. 437 કાઉન્ટર્સે અપર સર્કિટ્સમાં બંધ આપ્યું હતું. જ્યારે 209 કાઉન્ટર્સ નીચલી સર્કિટમાં બંધ રહ્યાં હતાં. નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 1.15 ટકા સુધારા સાથે જ્યારે નિફ્ટી સ્મોલ-કેપ ઈન્ડેક્સ 0.61 ટકા સુધરી બંધ જોવા મળ્યો હતો. સ્મોલ-કેપ સેગમેન્ટમાં સુધારો દર્શાવનારા અગ્રણી કાઉન્ટર્સમાં સેન્ચૂરી(8.37 ટકા), સીડીએસએલ(6.62 ટકા), આઈઆરબી ઈન્ફ્રા(4.99 ટકા), કેપલીન લેબ્સ(4.87 ટકા), બ્લ્યૂસ્ટાર(4.41 ટકા) અને ગોડફ્રે ફિલિપ્સ(4.33 ટકા)નો સમાવેશ થાય છે.



મારુતિ જાન્યુઆરીથી વિવિધ મોડેલ્સના ભાવમાં વધારો કરશે

દેશમાં સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી આગામી જાન્યુઆરી મહિનાથી તેના વાહનોના ભાવમાં વૃદ્ધિ કરશે. કંપનીએ ગુરુવારે આ અંગે જણાવ્યું હતું. ઈનપુટ કોસ્ટમાં વૃદ્ધિને સરભર કરવા માટે કંપની તેને ગ્રાહકો પર પસાર કરશે. ભાવમાં વૃદ્ધિ વિવિધ મોડલ્સમાં ભિન્ન રહેળે એમ તેણે વધુ વિગતો આપ્યા વિના જણાવ્યું હતું. કંપનીએ એક રેગ્યુલેટરી ફાઈલીંગમાં જણાવ્યું હતું કે છેલ્લાં એક વર્ષમાં કંપનીના વેહીકલ ઉત્પાદન ખર્ચમાં વૃદ્ધિ જોવા મળી છે. આ વધારાના ખર્ચને ભાવ વૃદ્ધિ કરી ગ્રાહકો પર પસાર કરવું જરૂરી બન્યું છે. કંપનીએ જાન્યુઆરી 2022થી ભાવ વધારો કરવા માટેનું આયોજન કર્યું છે. જે વિવિધ મોડેલ્સ માટે અલગ-અલગ હશે.


SBIએ ખેડૂતોને કો-લેન્ડિંગ માટે અદાણી કેપિટલ સાથે હાથ મિલાવ્યાં

દેશમાં ટોચની બેંક એસબીઆઈએ અદાણી જૂથની એનબીએફસી પાંખ અદાણી કેપિટલ પ્રાઈવેટ લિ. સાથે ખેડૂતોને કો-લેંડિંગની સુવિધા પૂરી પાડવા માટે ભાગીદારી કરી છે. આ ગોઠવણ હેઠળ દેશના ખેડૂતોને ટ્રેકટર અને ફાર્મ ઈક્વિપમેન્ટ્સ માટે ધિરાણ પૂરું પાડવામાં આવશે. આ ભાગીદારીને કારણે એસબીઆઈ દેશના અંતરિયાળ વિસ્તારોમાં ખેડૂત ગ્રાહકોને ફાર્મ મિકેનાઈઝેશન અપનાવવા માટે ટાર્ગેટ કરી શકશે. એસબીઆઈ એકથી વધુ એનબીએફસી સાથે મળીને ફાર્મ મિકેનાઈઝેશન, વેરહાઉસ રિસિટ ફાઈનાન્સ, ફાર્મર પ્રોડ્યૂસ ઓર્ગેનાઈઝેશન્સ વગેરે માટે ફાઈનાન્સિંગ કરવા સક્રિયપણે વિચારી રહી છે. અદાણી કેપિટલના એમડી અને સીઈઓના જણાવ્યા મુજબ કંપનીનો હેતુ દેશમાં નાના સાહસિકોને ક્રેડિટ પ્રાપ્ય કરાવાનો છે.


જેટ એરવેઝ વિમાન કંપનીઓને 12 અબજ ડોલરનો ઓર્ડર કરશે

એરલાઈન કંપની જેટ એરવેઝ વિમાન ઉત્પાદક કંપનીઓ બોઈંગ અને એરબસ એસઈને 12 અબજ ડોલરના મૂલ્યનો ઓર્ડર આપવા માટે ચર્ચા-વિચારણા કરી રહી હોવાનું જાણવા મળે છે. એરલાઈન કંપનીના નવા માલિકોના જણાવ્યા મુજબ કંપની ઓછામાં ઓછા 100 નેરોબોડી એરક્રાફ્ટની ખરીદી કરી શકે છે. કંપનીના નવા માલિકોમાં યુએઈ સ્થિત બિઝનેસમેન મુરારી લાલ જાલન અને યુકે સ્થિત ઈન્વેસ્ટમેન્ટ કંપની કાલરોક કેપિટલનો સમાવેશ થાય છે. ગ્રૂપ ઈક્વિટી અને ડેટ મારફતે છ મહિનામાં 20 કરોડ ડોલરનું રોકાણ કરવા જઈ રહ્યું છે. જેટ સહિત વિમાન કંપનીઓએ પણ આ મુદ્દે કોઈ ટિપ્પણી નહોતી કરી.




રિન્યૂ પાવર સાથે ભાગીદારીમાં ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્રે પ્રવેશવા લાર્સન તૈયાર

ભારતમાં 2030 સુધીમાં ગ્રીન હાઈડ્રોજનની માગ વધીને વાર્ષિક 20 લાખ ટન પર પહોંચવાનો અંદાજ


દેશમાં અગ્રણી કોન્ગ્લોમેરટ લાર્સન એન્ડ ટુબ્રો પણ ઊભરતાં ગ્રીન હાઈડ્રોજન બિઝનેસ ક્ષેત્રે પ્રવેશવા જઈ રહ્યું છે. આ માટે તેણે રિન્યૂ પાવર કંપની સાથે ભાગીદારી કરી છે. બંને કંપનીઓએ ગુરુવારે એક કરાર સાઈન કર્યો હતો. જે હેઠળ તેઓ દેશમાં ગ્રીન હોઈડ્રોજન પ્રોજેક્ટ્સને ડેવલપ કરવા સાથે તેની માલિકી ધરાવતાં હશે અને ઓપરેટ પણ કરશે.

લાર્સન એન્ડ ટુબ્રોના ચીફ એક્ઝિક્યૂટીવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર એસ એન સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે એલએન્ડટી માટે ગ્રીન એનર્જી પોર્ટફોલિયો બનાવવાની દિશામાં રિન્યૂ પાવર સાથેની ભાગીદારી મહત્વનું સીમાચિહ્ન છે. તે એક પ્રકારની સિનર્જિ ઊભી કરશે અને ઈપીસી પ્રોજેક્ટ્સના ડિઝાઈનીંગ, એક્ઝિક્યૂટીંગ અને ડીલિવરીમાં લાર્સનની કૂનેહ જ્યારે રિન્યૂ પાવરની રિન્યૂએબલ એનર્જી પ્રોજેક્ટ્સ વિકસાવવામાં નિપુણતાને જોડશે. એક અંદાજ મુજબ ભારતમાં ગ્રીન હાઈડ્રોજનની માગમાં આગામી દાયકામાં તીવ્ર વૃદ્ધિ જોવા મળશે. 2030 સુધીમાં દેશમાં તેની માગ 20 લાખ ટન પ્રતિ વર્ષ પર પહોંચે તેવી અપેક્ષા છે. જે માટે 60 અબજ ડોલરના રોકાણની જરૂરિયાત રહેશે. ગ્રીન હાઈડ્રોજનનો ઉપયોગ રિફાઈનરીઝ, ફર્ટિલાઈઝર્સ અને સિટિ ગેસ ગ્રીડ્સમાં જોવા મળશે.

ગ્રીન હાઈડ્રોજન એ શુધ્ધ એનર્જિના સ્રોત માટે તબદિલીનું એક મહત્વનું ચાલકબળ બની રહેશે. આ ભાગીદારી ભારતીય રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે નવા બેન્ચમાર્ક્સ સ્થાપશે એમ રિન્યૂના ચેરમેન અને સીઈઓ સુમંત સિંહાએ જણાવ્યું હતું. જોકે આ નવી પાર્ટનરશીપમાં કોનો કેટલો હિસ્સો હશે તે અંગે રેશિયો આપવામાંથી બંને દૂર રહ્યાં હતાં. રિન્યૂ એનર્જિ ગ્લોબલ પીએલસીની પેટાકંપની રિન્યૂ પાવર હાલમાં ભારતમાં 5 ગીગાવોટથી વધુ સક્રિય ક્ષમતા ધરાવતાં એક માત્ર વિન્ડ એનર્જી કંપની છે. ઓગસ્ટ મહિનામાં તેણે એલએન્ડટીના 99 મેગાવોટના હાઈડ્રો પાવર પ્રોજેક્ટની ખરીદી કરી હાઈડ્રો એનર્જી સેગમેન્ટમાં પ્રવેશ કર્યો હતો. અગાઉ દેશમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જામનગર ખાતે રૂ. 60 હજાર કરોડના ખર્ચે ગીગા કોમ્પ્લેક્સ સ્થાપવાની જાહેરાત કરી ચૂક્યાં છે.




બજાજ ઓટો નવેમ્બરમાં હીરો મોટોકોર્પને પાછળ રાખી ટોચની બાઈક કંપની બની

પૂણે સ્થિત કંપનીના ગયા મહિને 3,37,962 યુનિટ્સનું વેચાણ સામે હીરો મોટોકોર્પે 3,29,185 યુનિટ્સનું વેચાણ કર્યું


વિશ્વમાં સૌથી મોટા ટુ-વ્હીલર માર્કેટમાં જોવા મળી રહેલા ઢાંચાકિય ફેરફાર વચ્ચે કેટલાંક મહત્વના સમીકરણ બદલાઈ રહ્યાં છે. જેમાં દેશની બે ટોચની મોટરસાઈકલ ઉત્પાદક કંપનીઓના ક્રમમાં પણ ફેરફાર જોવા મળ્યો છે. છેલ્લાં અનેક વર્ષોથી દેશમાં બાઈકના વેચાણમાં ટોચના ક્રમે જોવા મળતી હીરો મોટોકોર્પને નવેમ્બર મહિનામાં બજાજ ઓટોએ પાછળ રાખી દીધી છે. પૂણે સ્થિત બજાજ ઓટોએ નવેમ્બર મહિનામાં સ્થાનિક બજાર તથા નિકાસ સહિત કુલ 3,37,962 યુનિટ્સ મોટરસાઈકલ્સનું વેચાણ નોંધાવ્યું હતું. જેની સામે હીરો મોટોકોર્પનું વેચાણ 3,29,185 યુનિટ્સનું રહ્યું હતું.

જો સ્થાનિક બજારમાં વેચાણની વાત કરીએ તો હજુ પણ હીરો મોટોકોર્પ ટોચની કંપની છે. જોકે કુલ મોટરસાઈકલ વેચાણની વાત કરીએ તો રાજીવ બજાજની આગેવાની હેઠળની કંપનીએ તેની કટ્ટર હરિફ કંપનીને પાછળ રાખી દીધી હતી. નવેમ્બર મહિનામાં હીરો મોટોકોર્પે સ્થાનિક બજારમાં કુલ 3,08,654 યુનિટ્સ બાઈક્સનું વેચાણ કર્યું હતું. જેની સામે બજાજે 1,44,953 યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું હતું. જોકે નિકાસ બજારમાં બજાજનો દેખાવ સારો રહેતાં તેણે નવેમ્બરમાં કુલ બાઈક વેચાણમાં હીરો મોટોકોર્પને પાછળ રાખી દીધી હતી. આ અગાઉ એપ્રિલ અને મે 2020માં કોવિડ લોકડાઉનના સમયે બજાજે હીરો મોટોકોર્પ કરતાં વધુ બાઈક્સનું વેચાણ કર્યું હતું. તે વખતે સ્થાનિક ઉત્પાદન અને વેચાણ પર અસર પડી હતી. જોકે નાના પ્રમાણમાં નિકાસ કામગીરી જળવાય હતી. નવેમ્બરમાં દેશમાં સૌથી મોટા મોટરસાઈકલ ઉત્પાદક હીરો મોટોકોર્પે કુલ ઉત્પાદનના 57 ટકા હિસ્સાને નિકાસ કર્યો હતો. જેને કારણે સ્થાનિક બજારમાં તેના 23 ટકા વેચાણ ઘટાડાને સરભર કરવામાં સહાયતા મળી હતી. બીજી બાજુ સ્થાનિક બજાર પર વધુ પડતા અવલંબન તેમજ ઘરેલુ બજારમાં ઘણા વર્ષો બાદ જોવા મળી રહેલી મંદીને કારણે હીરો મોટોકોર્પના નવેમ્બર વેચાણમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. હીરોનું મોટરસાઈકલ અને સ્કૂટરનું વેચાણ 39.2 ટકા તૂટી 3,49,393 યુનિટ્સ રહ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 5,75,957 યુનિટ્સ પર હતું. ડિલર્સના અંદાજ મુજબ હીરો મોટોકોર્પ પાસે 45-60 દિવસનો અનસોલ્ડ સ્ટોક પડ્યો છે. અન્ય ટુ-વ્હીલર્સ ઉત્પાદક કંપનીઓએ પણ નવેમ્બરમાં તેમના વેચાણમાં ઘટાડો નોંધાવ્યો હતો. જેમાં ટીવીએસ મોટર, હોન્ડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર્સ ઈન્ડિયા તથા રોયલ એનફિલ્ડનો સમાવેશ થાય છે. જોકે નિકાસ બજારમાં તેમના સારા દેખાવને કારણે સ્થાનિક વેચાણને સરભર કરવામાં કેટલેક અંશે સફળતા મળી હતી. ટીવીએસ મોટરનું વેચામ 29 ટકા ગગડી 1.75 લાખ યુનિટ્સ પર રહ્યું હતું.



રિલાયન્સ પાવર ઈન્ટરેસ્ટ પેમેન્ટમાં નાદાર બની

કંપની કુલ રૂ. 1194 કરોડનું ઋણ ધરાવે છે

એડીએજી જૂથની કંપની આઈડીબીઆઈ અને ડીબીએસને નાણા ચૂકવવામાં હાથ અધ્ધર કર્યાં



અનિલ ધીરુભાઈ અંબાણી જૂથ(એડીએજી)ની કંપની રિલાયન્સ પાવર ડીબીએસ બેંક અને આઈડીબીઆઈ બેંકને અનુક્રમે રૂ. 1.17 કરોડ અને રૂ. 44 લાખના ઈન્ટરેસ્ટ પેમેન્ટમાં નાદાર બની છે. કંપનીએ 30 ઓક્ટોબરે ઉપરોક્ત બેંક્સને આ ચૂકવણી કરવાની થતી હતી. બીએસઈને એક ફાઈલીંગમાં એડીએજી જૂથની કંપનીએ આ માહિતી આપતાં જણાવ્યું હતું કે તે યસ બેંક, આઈડીબીઆઈ બેંક અને ડીબીએસ સાથે ટર્મલોન્સ અને વર્કિંગ કેપિટલ માટેની ગોઠવણ ધરાવે છે. ગુરુવારે આરપાવરનો શેર જોકે 3.16 ટકા સુધારા સાથે રૂ. 13.05ની સપાટી પર બંધ જોવા મળ્યો હતો. યસ બેંકમાં કંપનીના એક્સપોઝરને લઈને 26 ડિસેમ્બર 2021 સુધી ‘જૈસેથે’ સ્થિતિ લાગુ પડે છે. આઈડીબીઆઈ બેંકની વર્કિંગ કેપિટલ સુવિધા અને કુલ મુદલ રૂ. 42 કરોડ જેટલી છે. આ એક સિક્યોર્ડ ક્રેડિટ છે અને તેના પર વાર્ષિક 12.5 ટકાના દરે વ્યાજ લાગુ પડે છે. ડીબીએસની રૂ. 113 કરોડની ટર્મ લોન પણ સિક્યોર્ડ પ્રકારની છે અને તે આંઠ વર્ષની મુદત ધરાવે છે. તેના પર 13 ટકાના દરે વ્યાજ લાગુ પડે છે. કંપની વિવિધ બેંક્સ અને ફાઈનાન્સિયસ ઈન્સ્ટિટ્યુશન્સ તરફથી રૂ. 1194 કરોડનું કુલ આઉટસ્ટેન્ડિંગ બોરોઈંગ ધરાવે છે. જેમાં લોન્સ પર એકત્ર થયેલા ઈન્ટરેસ્ટ્સની રકમનો સમાવેશ પણ થાય છે. જ્યારે લિસ્ટેડ કંપનીનું શોર્ટ-ટર્મ અને લોંગ-ટર્મ ડેટ મળીને કુલ રૂ. 1440 કરોડનું દેવું બેસે છે. કંપની કોલ, ગેસ, હાઈડ્રો અને રિન્યૂએબલ એનર્જિ મળીને કુલ 5945 મેગાવોટ્સનો પોર્ટફોલિયો ધરાવે છે. 30 નવેમ્બરે રેટિંગ એજન્સી ઈકરાએ આરપાવરના ડિબેન્ચર્સના લોંગ અને શોર્ટ ટર્મ લોન્સ માટેનું રેટિંગ ‘ડી’ હોવાનું જણાવ્યું હતું.

Rushit Parmar

Recent Posts

Rubicon Research IPO: Apply for Short-Term Gains?

Unlocking an Upcoming Investment Opportunity: Rubicon Research IPO Rubicon Research is making headlines with its…

2 weeks ago

Canara Robeco IPO: Apply for Short-Term Gains or Avoid?

Unlocking the Canara Robeco Asset Management Company IPO: A Guide for Every Investor Did you…

2 weeks ago

Tata Turmoil: 5 Secrets to Protect Your Wallet Now

Imagine you’re at a big family gathering and suddenly, your relatives start arguing about who…

2 weeks ago

Shlokka Dyes IPO Verdict: Apply for Short-Term Gains?

Shlokka Dyes IPO: Is It Worth Your Investment? Did you know that Shlokka Dyes is…

2 weeks ago

LG India IPO Verdict: Apply for Listing Gains Today!

LG India IPO: Should You Buy a Piece of Your TV and Fridge Company? Introduction…

2 weeks ago

5 Simple Steps to Secure a Wealthy Retirement Before 40

Did you know that starting your retirement planning in India before your 40s can make…

2 weeks ago

This website uses cookies.