Market Summary 2 May 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી


ઈન્ટ્રા-ડે લોથી સુધારા છતાં નેગેટિવ બંધ દર્શાવતું બજાર
સેન્સેક્સ દિવસના તળિયાથી 600 પોઈન્ટ્સ સુધર્યો
વૈશ્વિક બજારોમાં પણ નરમ ટ્રેન્ડ
વોલેટિલિટી ઈન્ડેક્સ 4.5 ટકા ઉછળી 20.28ના સ્તરે
આઈટી, ઓટો અને મીડ-કેપ્સમાં વેચવાલી
એફએમસીજી, મેટલ અને પીએસઈમાં ધીમી લેવાલી

સતત ત્રીજા સપ્તાહે ભારતીય બજારે નરમાઈ સાથે શરૂઆત દર્શાવી હતી. વૈશ્વિક બજારોમાં મજબૂતીના અભાવ તેમજ બોન્ડ યિલ્ડ્સમાં મજબૂતીને પગલે ઈક્વિટીઝમાં અન્ડરટોન નરમ જળવાયો હતો. જોકે ભારતીય બજાર ઈન્ટ્રા-ડે તળિયાથી નોંધપાત્ર પરત ફર્યું હોવા છતાં આખરે નેગેટિવ બંધ રહ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 85 પોઈન્ટ્સના ઘટાડે 56976ની સપાટીએ જ્યારે નિફ્ટી 33 પોઈન્ટ્સ ઘટી 17069ની સપાટી પર બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 4.43 ટકા ઉછળી 20.28ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીના 50 ઘટક કાઉન્ટર્સમાંથી 20 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 30 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ ભારે વેચવાલી જોવા મળી હતી અને બે શેર્સમાં ઘટાડા સામે એક શેરમાં ખરીદીનો ટ્રેન્ડ હતો.
સોમવારે એશિયન બજારોમાં ચીન, હોંગ કોંગ, તાઈવાન અને સિંગાપુર સહિતના અગ્રણી બજારો બંધ હતાં. જ્યારે જે ચાલુ હતાં તેમાં મિશ્ર ટ્રેન્ડ જોવા મળતો હતો. જેમકે કોરિયા અને જાપાન નરમાઈ દર્શાવતાં હતાં. બપોરે યુરોપિયન બજારો 1.5 ટકા સુધી ઘટાડો સૂચવતાં હતાં. જેમાં ફ્રાન્સનું બજાર સૌથી ખરાબ દેખાવ દર્શાવતું હતું. ગયા શુક્રવારે યુએસ ખાતે નાસ્ડેક 4.2 ટકાના તીવ્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. આમ નવા સપ્તાહે નેગેટિવ ઓપનીંગની શક્યતાં પ્રબળ હતી. જોકે ભારતીય બજારમાં ઈન્ટ્રા-ડે ધોરણે મજબૂત સુધારો જોવા મળ્યો હતો. બેન્ચમાર્ક નિફ્ટી 16917ના તળિયા પરથી સુધરી 17092ની ટોચ પર ટ્રેડ થયો હતો.
સેક્ટરલ દેખાવની વાત કરીએ તો આઈટી ક્ષેત્રે વેચવાલી નીકળી હતી. નિફ્ટી આઈટી 1.53 ટકા ગગડી 31138ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટી ઓટો પણ 1.26 ટકા ઘટાડે 10938ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી એનર્જી સાધારણ નરમાઈ સૂચવતો હતો. બીજી બાજુ નિફ્ટી મેટલ, નિફ્ટી એફએમસીજી, નિફ્ટી પીએસઈ, નિફ્ટી રિઅલ્ટી પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી મેટલમાં સુધારાનું કારણ કોલ ઈન્ડિયા 2.63 ટકા અને ટાટા સ્ટીલ 1.9 ટકાનો સુધારો હતો. નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સમાં વરુણ બેવરેજીસ, આઈટીસી, નેસ્લે અને જ્યુબિલિઅન્ટ ફૂડ મહત્વનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી બેંક 0.21 ટકાના સુધારા સાથે બંધ રહ્યો હતો. નિફ્ટી કાઉન્ટર્સમાં ઈન્ડસઈન્ડ બેંક 4 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવતો હતો. આ ઉપરાંત પાવર ગ્રીડ કોર્પો, એચડીએફસી, આઈટીસી, એચડીએફસી બેંક, શ્રી સિમેન્ટ્સ, બીપીસીએલ, યૂપીએલ જેવા કાઉન્ટર્સ એક ટકાથી વધુ સુધારો નોંધાવી રહ્યાં હતાં. બીજી બાજુ ઘટાડો દર્શાવવામાં એપોલો હોસ્પિટલ 3.36 ટકા સાથે ટોચ પર હતો. આઈશર મોટર્સ 3 ટકા, ટાઈટન કંપની 3 ટકા, બજાજ ઓટો 3 ટકા, વિપ્રો 2.7 ટકા, ઓએનજીસી 2.6 ટકા અને ટેક મહિન્દ્રા 2.2 ટકાનો ઘટાડો દર્શાવતાં હતાં. ડેરિવેટિવ્સ કાઉન્ટર્સમાં તાતા કેમિકલ્સ 10 ટકા, કેન ફિન હોમ્સ 8.5 ટકા, ઝી એન્ટરટેઈનમેન્ટ 3 ટકા, એલઆઈસી હાઉસિંગ ફઆઈ. 3 ટકા, ગુજરાત ગેસ 3 ટકા અને ગોદરેજ પ્રોપર્ટીઝ 2.7 ટકા સુધીનો સુધારો દર્શાવતાં હતાં. જ્યારે ડિક્સોન ટેક્નોલોજી 9 ટકા, આરતી ઈન્ડસ્ટ્રીઝ 4.5 ટકા, મેટ્રોપોલિસ 4.5 ટકા, ડો. લાલ પેથલેબ્સ 4.21 ટકા, એસ્ટ્રાલ 4 ટકા સુધીનો ઘટાડો દર્શાવતાં હતાં. બ્રોડ માર્કેટમાં ભારે વેચવાલી જોવા મળી હતી. બીએસઈ ખાતે 3644 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2238 ઘટાડો દર્શાવતાં હતાં. જ્યારે 1235 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. 120 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 45 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું નોંધાવ્યું હતું.


HDFCનો પ્રોફિટ 16 ટકા ઉછળી રૂ. 3700 કરોડ પર પહોંચ્યો
દેશમાં ટોચની મોર્ગેજ ફાઈનાન્સર એચડીએફસીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 3700 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 3180 કરોડના નફા સામે 16 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીએ માર્ચ ક્વાર્ટર માટે રૂ. 4601 કરોડની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ દર્શાવી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 4027 કરોડ પર હતી. જે 14 ટકાનો વૃદ્ધિ દર સૂચવે છે. કંપનીના મેનેજમેન્ટે પ્રતિ શેર રૂ. 30ના ડિવિડન્ડની જાહેરાત પણ કરી હતી. એક્સચેન્જ ફાઈલીંગમાં કંપનીએ જણાવ્યું હતું કે હાઉસિંગ ક્ષેત્રે વેચાણમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. તેમજ નવા પ્રોજેક્ટનું લોંચિંગ વધી રહ્યું છે. જે સમગ્ર સેક્ટર માટે લાભદાયી બની રહેશે. 31 માર્ચ 2022ની આખરમાં કંપનીનું કુલ એયૂએમ રૂ. 6.53 લાખ કરોડ પર જોવા મળતું હતું. જે એક વર્ષ અગાઉ રૂ. 5.69 લાખ કરોડ પર હતું.
વૈશ્વિક ક્રૂડના ભાવમાં 3 ટકાનો ઘટાડો
ઉઘડતાં સપ્તાહે ક્રૂડના ભાવમાં નરમાઈ જોવા મળી હતી. બ્રેન્ટ ક્રૂડ વાયદો 3 ટકા જેટલો ગગડી 104 ડોલર નીચે ઉતરી ગયો હતો. ગયા સપ્તાહે 107.14 ડોલરના બંધ ભાવ સામે તે 106.42 ડોલરના સ્તરે ખૂલી 103.59 ડોલરના તળિયા પર ટ્રેડ થયો હતો. ચીન ખાતે કોવિડ લોકડાઉનને કારણે માગમાં ઘટાડાના ડરે ક્રૂડના ભાવ ઘટી રહ્યાં છે. વૈશ્વિક બજારોમાં ટાઈટ સપ્લાય વચ્ચે પણ ક્રૂડના ભાવમાં સુધારાની શક્યતાં નથી જોવાતી. જોકે બે બાજુની વધ-ઘટ જોવા મળી રહી છે. બ્રેન્ટ વાયદો નીચેમાં 100 ડોલર અને ઉપરમાં 110-113 ડોલરની રેંજમાં અથડાય રહ્યો છે.
ડોલર ઈન્ડેક્સમાં મજબૂતી પાછળ સોનુ ગગડ્યું
વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સ અડધા ટકા મજબૂતી સાથે 103.55ની સપાટી પર પહોંચતાં સોમવારે ગોલ્ડમાં પોણા બે ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. કોમેક્સ ગોલ્ડ વાયદો 1876 ડોલરના તાજેતરના તળિયા પર ટ્રેડ થયો હતો. ગયા સપ્તાહે 1911.70 ડોલરના બંધ ભાવ સામે તે 1896.70 ડોલરના સ્તરે ખૂલી સતત ઘટતો રહ્યો હતો અને ગયા સપ્તાહના તળિયાની નીચે ઉતરી ગયો હતો. આમ બે સપ્તાહમાં તેણે બીજી વાર 1900 ડોલરના મહત્વના સાયકોલોજિકલ સપોર્ટને તોડ્યો હતો. એમસીએક્સ ખાતે ગોલ્ડ જૂન વાયદો રૂ. 760ના ઘટાડે રૂ. 51 હજારની સપાટી નીચે ઉતરી ગયો હતો. ગોલ્ડ માર્ચ મહિનામાં 2082 ડોલરની વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારબાદ તે બે બાજુની વધ-ઘટ દર્શાવી રહ્યો છે. ચાંદીના ભાવમાં પણ દોઢ ટકાનો ઘટાડો જોવા મળતો હતો. સિલ્વર મે વાયદો રૂ. 906ના ઘટાડે રૂ. 62650ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. બેઝ મેટલ્સમાં પણ એલ્યુમિનિયમમાં 3.6 ટકાનો તીવ્ર ઘટાડો નોંધાયો હતો.

હોલ્સિમ મોરેશિયસ ટેક્સ સંધિ હેઠળ ટેક્સમાં રાહત માગી શકે

અંબુજા સિમેન્ટ્સમાં 63 ટકા હિસ્સો ધરાવતા મોરેશિયસ સ્થિત હોલ્ડરઇન્ડ ઇન્વેસ્ટમેન્ટ્સ આગામી સપ્તાહોમાં ભારતીય કંપનીમાંથી તેનો હિસ્સો વેચશે ત્યારે ભારત અને મોરેશિયસ વચ્ચે ટેક્સ સંધિ મૂજબ કેપિટલ ગેઇનમાંથી રાહત પ્રાપ્ત કરી શકે છે.
હાલમાં હોલ્સિમ સંખ્યાબંધ ભારતીય ટેક્સ નિષ્ણાંતો સાથે ચર્ચા કરી રહ્યું છે, જેથી સુનિશ્ચિત કરી શકાય કે અંબુજા સિમેન્ટ્સ કોઇપણ પ્રકારના ટેક્સ વિવાદમાં ન સપડાય. ટેક્સ નિષ્ણાંતોનું માનવું છે કે હોલ્સિમનો ભારતીય કંપનીમાં હિસ્સો 1 એપ્રિલ, 2017 પહેલાં ખરીદવામાં આવ્યો હતો અને સંધિ મૂજબ એપ્રિલ 2017 પહેલાંની હોલ્ડિંગ અને રોકાણ ઉપર ટેક્સ રાહતો પ્રાપ્ત કરી શકાય છે. ઝુરિચ સ્થિત સિમેન્ટક્ષેત્રની અગ્રણી કંપની હરાજીમાં 6 અબજ યુએસ ડોલરમાં તેનો ભારતીય બિઝનેસનું વેચાણ કરે તેવી શક્યતા છે, જેમાં ભારતના અગ્રણી સમૂહો જેમકે અદાણી, જેએસડબલ્યુ અને આદિત્ય બિરલા ગ્રૂપ ભાગ લેશે તેવી સંભાવના છે. તેમાંથી પ્રાપ્ત થયેલી રકમનો ઉપયોગ હોલ્સિમ દેવુ ઘટાડવા માટે કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે ખરીદદારે અંબુજા સિમેન્ટ્સ અને તેની લિસ્ટેડ પેટા કંપની એસીસી માટે ઓપન ઓફર કરવા માટે 4 બિલિયન યુએસ ડોલરનું વધારાનું રોકાણ કરવું પડશે. ગયા શુક્રવારના બંધ ભાવે મૂજબ અંબુજામાં હિસ્સાનું મૂલ્ય રૂ. 46,517 કરોડ થવા પામે છે. મહત્વપૂર્ણ છે કે સરહદ પાર વેચાણ ઉપર ટેક્સની અસરો વિવિધ પરિબળો આધારિત હોય છે, જેમાં હોલ્ડિંગના માળખા અને ટ્રાન્ઝેક્શનના માળખા વગેરે સામેલ છે. જો મોરેશિયસ સ્થિત કંપની તેનો હિસ્સો ભારતીય હોલ્ડિંગ્સમાંથી વેચે તો તે ભારત અને મોરેશિયસ વચ્ચે ટેક્સ સંધિ મૂજબ ટેક્સમાં રાહતો પ્રાપ્ત કરી શકે તેમ છે. વર્ષ 1990માં ભારતનું ફોરેન એક્સચેન્જ ખૂબજ નીચા સ્તરે સ્પર્શી ગયું હતું ત્યારે વિદેશી રોકાણને આકર્ષવા માટે ભારત અને મોરેશિયસ વચ્ચે સંધિ થઇ હતી.

ઇ-સ્કૂટર્સના વેચાણમાં એપ્રિલમાં ઘટાડાતરફી ટ્રેન્ડ
છેલ્લામાં મહિનાઓમાં ઈવીના વેચાણમાં વૃદ્ધિ બાદ જોવા મળેલો એક ટકાનો માસિક ઘટાડો

ઇલેક્ટ્રિક સ્કૂટર્સના વેચાણમાં માસિક ધોરણે સતત વૃદ્ધિ જોવા મળ્યાં બાદ હવે તેની ગતિ ધીમી પડી રહી છે. આઠ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર કંપનીઓનું કુલ વેચાણ એપ્રિલમાં 1 ટકા જેટલું સાધારણ ઘટીને 43,061 નોંધાયા છે. યુક્રેન-રશિયા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધને કારણે ચીપની સર્જાયેલી અછત તથા તાજેતરમાં ઇવીમાં આગ લાગવાની ઘટનાઓને કારણે સ્કૂટર ઉત્પાદકો તેમના સ્કૂટરને પાછા ખેંચી રહ્યાં છે.
છેલ્લાં ઘણા સમયથી વેચાણમાં સતત વધારા બાદ સાધારણ પીછેહઠને ધ્યાનમાં લેવી જરૂરી છે. કંપનીઓ દ્વારા વેચાયેલા સ્કૂટર્સનું રજીસ્ટ્રેશન ફેબ્રુઆરીની તુલનામાં માર્ચમાં 58 ટકા વધ્યું છે તથા ફેબ્રુઆરી અને માર્ચમાં 15 ટકા વધ્યું છે. આ માર્કેટમાં સૌથી મોટી કંપનીઓ પૈકીની એક હીરો ઇલેક્ટ્રિકના વેચાણમાં સૌથી મોટો ઘટાડો થયો છે. તેના સ્કૂટર્સનું રજીસ્ટ્રેશન માર્ચના 13,029થી ઘટીને એપ્રિલમાં 6,570 થયું છે.
બેંગ્લોર સ્થિત એથર એનર્જીના રજીસ્ટ્રેશન એપ્રિલમાં 3,000ના સ્તરને પાર કરી શક્યાં નથી, જ્યારે બીજી તરફ બીજી નાની કંપનીઓના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પુર એનર્જીનું વેચાણ માર્ચની તુલનામાં એપ્રિલમાં 15 ટકા, રિવોલ્ટનું 12 ટકા અને બેનલિંગ ઇન્ડિયાનું 19 ટકા વેચાણ ઘટ્યું છે. આ આંકડા કોન્સોલિડેશનની શરૂઆત હોઇ શકે તેવું જાણકારોનું માનવું છે. મહત્વપૂર્ણ છે કે કુલ વેચાણની સરખામણીમાં રજીસ્ટ્રેશનના આંકડા નીચા હોઇ શકે છે કારણકે વેચાયેલા સ્કૂટરનું રજીસ્ટ્રેશન થવામાં વિલંબ થઇ શકે છે.

પાંચ MFs LIC IPOમાં રૂ. 150-1000 કરોડ સુધી રોકશે
વિદેશી સંસ્થાઓમાં જીઆઈસી, બીએનપી પારિબા અને નોર્વેની સેન્ટ્રલ બેંક પણ ઈસ્યુમાં ભાગ લેશે

ઓછામાં ઓછા પાંચ સ્થાનિક મ્યુચ્યુલ ફંડ્સ એલઆઈસીના મેગા આઈપીઓમાં રૂ. 150-1000 કરોડ સુધીનું રોકાણ કરે તેવી શક્યતાં છે. આ ફંડ ગૃહોમાં એસબીઆઈ, આદિત્ય બિરલા, આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ, એચડીએફસી અને કોટકનો સમાવેશ થતો હશે. તેમણે એલઆઈસીના આરંભિક ભરણામાં રૂ. 1000 કરોડ સુધીની રકમના રોકાણનો વાયદો કર્યો હોવાનું જાણવા મળે છે.
જીવન વીમા જાયન્ટ 70 લાખ રિટેલ એપ્લિકેશન્સનો અંદાજ રાખે છે. જે ગયા નાણાકિય વર્ષ દરમિયાન પ્રાઈમરી માર્કેટ ઈસ્યુઓમાં મેળવવામાં આવેલી સરેરાશ રિટેલ એપ્લિકેશન્સના કદ કરતાં પાંચ ગણા કરતાં વધુ હશે એમ જાણકાર વર્તુળો જણાવે છે. ભારતીય સંસ્થા ઉપરાંત સિંગાપુરની જીઆઈસી, નોર્ગેસ બેંક, નોર્વેની સેન્ટ્રલ બેંક અને બીએનપી પારિબાએ એલઆઈસીના શેર વેચાણમાં ભાગ લેવા સહમતિ દર્શાવી હોવાનું પણ જાણવા મળે છે. વર્તુળોના જણાવ્યા મુજબ આ તમામ રોકાણકારો એન્કર અને મેઈન બુક્સ, બંનેમાં રોકાણકાર તરીકે ભાગ લઈ શકે છે. રિટેલ રોકાણકાર તરફથી અંદાજવામાં આવી રહેલી અરજીઓ આગામી બુધવારે ઈસ્યુ ખૂલશે ત્યારે તેમના તરફથી કેટલ ઉન્માદ છે તેનો ખ્યાલ આપશે. આનો અર્થ છે કે ધનવાન વ્યક્તિગત રોકાણકારો સહિત રિટેલ બીડ્સ વાસ્તવિક ઓફર કદ કરતાં બમણી જોવા મળશે. તે રૂ. 8603-9068 કરોડની વચ્ચે રહેવાની શક્યતાં છે. રિટેલ સબસ્ક્રિપ્શનમાં 50 ટકા હિસ્સો પશ્ચિમ ભારતમાંથી જોવા મળે તેવી અપેક્ષા છે. જેમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે એમ ઈન્વેસ્ટમેન્ટ બેંકરના એક એક્ઝીક્યૂટીવ જણાવે છે. તેમણે દેશભરમાં આઈપીઓને લઈને રોડશોમાં ભાગ લીધો હતો. એલઆઈસીના આઈપીઓના ઈન્વેસ્ટમેન્ટ બેંકર્સમાં આઈસીઆઈસીઆઈ સિક્યૂરિટીઝ, જેએમ ફાઈનાન્સિયલ અને કોટકનો સમાવેશ થાય છે. એલઆઈસીએ રિટેલ રોકાણકારોને આકર્ષવા માટે યોજેલા રોડશો સોમવારે સમાપ્ત થશે.
દરમિયાનમાં ગ્રે-માર્કેટમાં એલઆઈસીના શેરનું પ્રિમીયમ વધીને રૂ. 70 આસપાસ બોલાઈ રહ્યું છે. જે સૂચવે છે કે સરકારે આકર્ષક વેલ્યૂએશન નિર્ધારિત કર્યાં બાદ કંપનીના શેરમાં સટોડિયાઓ મોટો રસ લઈ રહ્યાં છે. જે રિટેલ રોકાણકારો તરફથી જંગી પાર્ટિસિપેશનનો સંકેત આપે છે.


એપ્રિલમાં મારુતિ, હ્યુન્ડાઈનું વેચાણ ઘટ્યું, ટાટા મોટર્સનું વધ્યું
ઈલેટ્રોનિક કોમ્પોનેન્ટ્સની શોર્ટેજને કારણે ઉત્પાદનમાં અવરોધ યથાવત
દેશમાં બે અગ્રણી કાર ઉત્પાદક કંપનીઓ મારુતિ સુઝુકી અને હ્યુન્ડાઈ મોટરના વેચાણમાં એપ્રિલમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. બંને કંપનીઓએ સેમીકંડક્ટર્સની અછતને કારણે વાર્ષિક ધોરણે વેચાણમાં 10 ટકા ઘટાડો દર્શાવ્યો હતો.
મારુતુ સુઝુકીએ એપ્રિલ મહિનામાં 1,21,995 યુનિટ્સ વાહનોનું વેચાણ કર્યું હતું. જે ગયા વર્ષે એપ્રિલમાં 1,35,879 યુનિટ્સની સરખામણીમાં 14 હજાર યુનિટ્સથી વધુનો ઘટાડો સૂચવે છે. કંપનીએ જણાવ્યા મુજબ ઈલેક્ટ્રોનિક કોમ્પોનેન્ટ્સની તંગીની વેહીકલના ઉત્પાદન પર સાધારણ અસર પડી હતી. ખાસ કરીને સ્થાનિક બજાર માટેના મોડેલ્સ પર. હ્યુન્ડાઈ મોટરનું વેચાણ પણ એપ્રિલમાં ગયા વર્ષે 49002 યુનિટ્સ પરથી ગગડી 44401 યુનિટ્સ પર રહ્યું હતું. જોકે તેની નિકાસમાં વાર્ષિક ધોરણે 20 ટકા વૃદ્ધિ જોવા મળી હતી અને તેણે ગયા મહિને 12200 યુનિટ્સ નિકાસ કર્યાં હતાં. એમજી મોટર ઈન્ડિયાએ એપ્રિલમાં 22 ટકા ઘટાડા સાથે 2008 યુનિટ્સનું વેચાણ દર્શાવ્યું હતું. બીજી બાજુ ભારતીય ઓટો કંપની તાતા મોટર્સના એપ્રિલ વેચાણમાં 66 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. કંપનીએ ગયા વર્ષે 25095 યુનિટ્સની સરખામણીમાં ચાલુ વર્ષે 41587 યુનિટ્સનું વેચાણ દર્શાવ્યું હતું. ટોયોટા કિર્લોસ્કર મોટરે પણ એપ્રિલમાં 57 ટકા વેચાણ વૃદ્ધિ દર્શાવી હતી. કંપનીએ ગયા વર્ષે 9600 યુનિટ્સ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં 15085 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. દરમિયાનમાં ટુ-વ્હીલર્સ કંપનીઓએ 10 મહિનામાં પ્રથમવાર એપ્રિલમાં વેચાણમાં પોઝીટીવ વૃદ્ધિ દર્શાવી હતી. હીરો મોટોકોર્પે 16 ટકા વૃદ્ધિ સાથે 3,98,490 યુનિટ્સ વાહનોનું વેચાણ નોંધાવ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 3,42,614 યુનિટ્સ પર હતું.


કોર્પોરેટ હેડલાઈન્સ

એસબીઆઈ કાર્ડ્સઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 580.86 કરોડનો નફો નોંધાવ્યો હતો. જે વાર્ષિક ધોરણે ત્રણ ગણો નફો સૂચવે છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 175.42 કરોડનો નફો રળ્યો હતો. કંપનીની કુલ આવક રૂ. 2468.14 કરોડની સરખામણીમાં રૂ. 3016.10 કરોડ પર પહોંચી હતી.
મેક્રોટેક ડેવલપર્સઃ કંપની ભારતમાં વેરહાઉસિંગ અને ઈન્ડસ્ટ્રીઅલ પાર્ક્સના ડેવલપમેન્ટ માટે એક અબજ ડોલરથી વધુ રોકાણ કરવા પ્લેટફોર્મ ઊભું કરવા માટે બે વૈશ્વિક રોકાણકારો સાથે ચર્ચા-વિચારણાના આખરી તબક્કામાં છે.
તાતા કેમિકલ્સઃ તાતા કેમિકલ્સે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 470.24 કરોડનો નફો દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 15 ગણાથી વધુ વૃદ્ધિ સૂચવે છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 29.26 કરોડનો નફો નોંધાવ્યો હતો. કંપનીની આવક પણ વાર્ષિક ધોરણે રૂ. 2636 કરોડ પરથી વધી રૂ. 3481 કરોડ પર રહી હતી.
ઈન્ડસઈન્ડ બેંકઃ પ્રાઈવેટ બેંકે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1400 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 926.22 કરોડની સરખામણીમાં 51 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક 6.1 ટકા વૃદ્ધિ સાથે રૂ. 9764.91 કરોડ પર રહી હતી. જે ગયા વર્ષે રૂ. 9199.71 કરોડ પર હતી.
આઈડીએફસી ફર્સ્ટ બેંકઃ ખાનગી ક્ષેત્રની બેંકે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 343 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 128 કરોડની સરખામણીમાં બમણી વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની કુલ આવક રૂ. 4811.18 કરોડ પરથી વધી રૂ. 5384.88 કરોડ પર જોવા મળી હતી.
એલન કરિયરઃ ઉદય શંકર અને જેમ્સ મર્ડોકના બોધી ટ્રી સિસ્ટમ્સે કોટા હેડ ક્વાર્ટર ધરાવતી એલન કરિયર ઇન્સ્ટિટ્યૂટમાં હિસ્સો ખરીદવા માટે કરાર કર્યાં છે. બોધી ટ્રી એલનમાં આશરે રૂ. 4,500 કરોડનું રોકાણ કરશે.
સોનાટા સોફ્ટવેરઃ આઈટી કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં 21.5 ટકા વૃદ્ધિ સાથે રૂ. 100.90 કરોડનો નફો દર્શાવ્યો છે.
એલએન્ડટી ફાઈનાન્સઃ કંપનીએ રૂ. 341.35 કરોડનો નફો નોંધાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 28.3 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage