Market Summary 20/04/2023

શેરબજારમાં રેંજ બાઉન્ડ ટ્રેડ વચ્ચે જોવા મળતી સાવચેતી
નિફ્ટીમાં 17600ની સપાટી મહત્વનો સપોર્ટ
વોલેટિલિટી ઈન્ડેક્સ 1.8 ટકા ગગડી 11.94ના સ્તરે
બેંક, ઓટો, એનર્જીમાં પોઝીટીવ ટ્રેન્ડ
ફાર્મા, આઈટી, મેટલ, રિઅલ્ટીમાં નરમાઈ
બ્રોડ માર્કેટમાં બ્રેડ્થ મજબૂત
બજાજ ઓટો, આઈટીસી, જીએમઆર એરપોર્ટ્સ નવી ટોચે
મેરિકો, ઓરિએન્ટ ઈલેક્ટ્રીકમાં નવું બોટમ

શેરબજારમાં સુસ્તીનો માહોલ લંબાઈ ગયો છે. સતત ત્રીજા સત્રમાં સ્થાનિક બેન્ચમાર્ક્સમાં રેંજ બાઉન્ડ ટ્રેડ જોવા મળ્યો હતો. જોકે, ત્રણ સત્રના નેગેટિવ બંધને તોડી ગુરુવારે તેમણે પોઝીટીવ બંધ દર્શાવ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 65 પોઈન્ટ્સ સુધારા સાથે 59632ની સપાટીએ જ્યારે નિફ્ટી 6 પોઈન્ટ્સની સાધારણ મજબૂતી સાથે 17624ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં ધીમી લેવાલી વચ્ચે બ્રેડ્થ ન્યૂટ્રલ જોવા મળી હતી. નિફ્ટી-50ના 50 કાઉન્ટર્સમાંથી 26 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 24 કાઉન્ટર્સે નેગેટિવ બંધ આપ્યું હતું. બ્રોડ માર્કેટની વાત કરીએ તો બીએસઈ ખાતે કુલ 3631 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1833 પોઝીટીવ જોવા મળ્યાં હતાં. જ્યારે 1670 નેગેટિવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 105 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 28 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ 1.8 ટકા ગગડી 11.94ના સ્તરે બંધ રહ્યો હતો.
ગુરુવારે ભારતીય બજારે ગેપ-અપ શરૂઆત દર્શાવી હતી. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉ 17619ના બંધ સામે 17639ની સપાટી પર ખૂલી ઉપરમાં 17684ની ટોચ દર્શાવી 17584નું ઈન્ટ્રા-ડે તળિયું દર્શાવી 17600 પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. જે સૂચવે છે કે 17600 પર મજબૂત સપોર્ટ રહેલો છે. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 31 પોઈન્ટ્સ પ્રિમીયમે 17655ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળેલા 26 પોઈન્ટ્સના પ્રિમીયમની સરખામણીમાં વૃદ્ધિ દર્શાવે છે. જેનો અર્થ એવો કરી શકાય કે માર્કેટમાં લોંગ પોઝીશનમાં વૃદ્ધિ નોંધાઈ છે. જે બજાર માટે પોઝીટીવ સંકેત છે. ગુરુવારે નિફ્ટીને સપોર્ટ કરનારા મહત્વના કાઉન્ટર્સમાં તાતા મોટર્સ, એનટીપીસી, એશિયન પેઈન્ટ્સ, અદાણી પોર્ટ્સ, બજાજ ઓટો, એચડીએફસી લાઈફ, ભારતી એરટેલ, એસબીઆઈ, ટેક મહિન્દ્રા અને એપોલો હોસ્પિટલ મુખ્ય હતાં. બીજી બાજુ, ડેવિઝ લેબ્સ, એચયૂએલ, આઈશર મોટર્સ, ડો. રેડ્ડીઝ લેબ્સ, જેએસડબલ્યુ સ્ટીલ, સિપ્લા, બ્રિટાનિયા, સન ફાર્મા અને હિંદાલ્કોમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો બેંકિંગ, ઓટો, એનર્જીમાં પોઝીટીવ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. જ્યારે ફાર્મા, આઈટી, મેટલ, રિઅલ્ટી નરમાઈ દર્શાવતાં હતાં. નિફ્ટી બેં 0.27 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જેમાં બંધન બેંક 1.7 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત, એસબીઆઈ, ઈન્ડસઈન્ડ બેંક, ફેડરલ બેંક, એચડીએફસી બેંક, બેંક ઓફ બરોડા, આઈસીઆઈસીઆઈ બેંક, એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક પોઝીટીવ જોવા મળતાં હતાં. જોકે, પીએસયૂ બેંક્સમાં નરમાઈ જોવા મળી હતી અને નિફ્ટી પીએસયૂ બેંક રેડિશ બંધ દર્શાવતો હતો. જેમાં ઈન્ડિયન બેંક 4.25 ટકા સાથે ઘટવામાં ટોચ પર હતો. આ ઉપરાંત, પંજાબ એન્ડ સિંધ બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, બેંક ઓફ ઈન્ડિયા, આઈઓબી, યૂકો બેંકમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 0.23 ટકા સુધારો દર્શાવી રહ્યો હતો. જેમાં સુધારો દર્શાવનાર મુખ્ય કાઉન્ટર્સમાં તાતા મોટર્સ, બજાજ ઓટો, ભારત ફોર્જ, બાલક્રિષ્ણા ઈન્ડસ્ટ્રીઝ, અશોક લેલેન્ડ, એમઆરએફ, મારુતિ સુઝુકી, બોશ જેવા કાઉન્ટર્સનો સમાવેશ થતો હતો. નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ પણ પોઝીટીવ બંધ દર્શાવતો હતો. જેમાં એનટીપીસી, તાતા પાવર, એચપીસીએલ, બીપીસીએલ અને ગેઈલ મુખ્ય સુધારો દર્શાવતાં હતાં. જોકે ફાર્મા કાઉન્ટર્સમાં તીવ્ર વેચવાલી પાછળ નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 1.1 ટકા ગગડ્યો હતો. જેમાં ઘટાડો દર્શાવનાર મુખ્ય કાઉન્ટર્સમાં ડિવિઝ લેબ્સ, ઓરોબિંદો ફાર્મા, ડો. રેડ્ડીઝ લેબ્સ, સિપ્લા, સન ફાર્મા, ઝાયડસ લાઈફ, લ્યુપિન અને ટોરેન્ટ ફાર્માનો સમાવેશ થાય છે. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ પણ 0.4 ટકા ઘટાડો સૂચવતો હતો. જેમાં ઘટવામાં નાલ્કો, એનએમડીસી, જેએસડબલ્યુ સ્ટીલ, હિંદાલ્કો, વેદાંત, અદાણી એન્ટરપ્રાઈઝિસનો સમાવેશ થાય છે.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટમાં ક્યુમિન્સ ઈન્ડિયા 4 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત સિટિ યુનિયન બેંક, તાતા કોમ્યુનિકેશન, પેજ ઈન્ડસ્ટ્રીઝ, હનીવેલ ઓટો, ટ્રેન્ટ, આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ, કન્ટેનલ કોર્પોરેશન, યુનાઈટેડ બ્રૂઅરિઝ, બાટા ઈન્ડિયામાં સારો સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ ઘટાડો દર્શાવનારા કાઉન્ટર્સમાં ડિવિઝ લેબ્સ, ટીવીએસ મોટર, દાલમિયા ભારત, જેકે સિમેન્ટ, મેટ્રોપોલીસ, કોફોર્જ, એલએન્ડટી ટેક્નોલોજી, શ્રી સિમેન્ટ્સ, ઈન્ડિયા સિમેન્ટ્સ, ચંબલ ફર્ટિલાઈઝર્સ, ડીએલએફ, લૌરસ લેબ્સનો સમાવેશ થાય છે.

ITCએ પ્રથમવાર રૂ. 5 લાખ કરોડના M-Cap દર્શાવ્યું
2023માં શેરમાં અત્યાર સુધીમાં 21 ટકાનો ઉછાળો નોંધાયો

આઈટીસીએ ગુરુવારે પ્રથમવાર રૂ. 5 લાખ કરોડનું માર્કેટ-કેપ દર્શાવ્યું હતું. જોકે, શેર ઈન્ટ્રા-ડે રૂ. 5 લાખ કરોડનું માર્કેટ-કેપ દર્શાવ્યાં બાદ તેની પર ટકી શક્યો નહોતો અને બંધ ભાવે તેનું માર્કેટ-કેપ રૂ. 4.97 લાખ કરોડ જોવા મળતું હતું. શેર ઈન્ટ્રા-ડે ધોરણે રૂ. 402.60ની ટોચ પર ટ્રેડ થયો હતો. બે સત્રો અગાઉ તેણે રૂ. 402ની ટોચ બનાવી હતી.
કંપનીનો શેર જ્યારે રૂ. 402.6ની ટોચ પર ટ્રેડ થયો હતો ત્યારે તેનું માર્કેટ-કેપ રૂ. 5.003 લાખ કરોડની સર્વોચ્ચ સપાટીએ જોવા મળ્યું હતું અને તે દેશમાં ટોચની આઁઠ કંપનીઓમાં પ્રવેશ્યો હતો. ઈન્ટ્રા-ડે ધોરણે તે એક ટકાથી વધુ મજબૂતી દર્શાવી રહ્યો હતો. જ્યારે તેની સરખામણીમાં બીએસઈ સેન્સેક્સ 0.37 ટકા સુધારે 59,790ની સપાટી પર ટ્રેડ થતો હતો. કેલેન્ડર 2023માં અત્યાર સુધીમાં આઈટીસીના શેરે 21 ટકાનું રિટર્ન દર્શાવ્યું છે. જેની સરખામણીમાં બીએસઈ સેન્સેક્સ 2.2 ટકા સુધારો સૂચવે છે. આઈટીસી દેશમાં અગ્રણી ડાયવર્સિફાઈડ કંપની છે. જે સિગારેટ્સ ઉપરાંત એફએમસીજી, હોટેલ્સ અને પેપરમાં સક્રિય છે. માગમાં અનિશ્ચિતતા અને સતત ઊંચા સ્તરે જોવા મળતી મોંઘવારી છતાં છેલ્લાં કેટલાંક ક્વાર્ટર્સથી કંપનીએ મજબૂત દેખાવ દર્શાવ્યો છે. જેની પાછળ કંપનીના મુખ્ય એવા સિગારેટ બિઝનેસમાં સારી રિકવરી જવાબદાર છે. જ્યારે નોન-સિગારેટ બિઝનેસ એવા એફએમસીજીમાં દ્વિઅંકી વૃદ્ધિ દરનો સમાવેશ થાય છે. જ્યારે હોટેલ, પેપરબોર્ડ, પેપર અને પેકેજિંગમાં ઝડપી વૃદ્ધિનો સમાવેશ થાય છે. વિદેશી રોકાણકારો તરફથી સતત ત્રીજા ક્વાર્ટર દરમિયાન આઈટીસીમાં હિસ્સો વધતો જોવા મળ્યો હતો. માર્ચ 2023ની આખરમાં આઈટીસીમાં એફઆઈઆઈનો હિસ્સો વધી 12.87 ટકા પર પહોંચ્યો હતો. જે ડિસેમ્બર 2022 ક્વાર્ટરની આખરમાં 12.51 ટકા પર હતો. સપ્ટેમ્બર 2022 ક્વાર્ટરની આખરમાં આઈટીસીમાં એફઆઈઆઈ હિસ્સો 12.25 ટકા પર જોવા મળતો હતો. અગ્રણી બ્રોકરેજના જણાવ્યા મુજબ નજીકના સમયમાં ભાવ વૃદ્ધિની શક્યતાં નહિ હોવાથી આઈટીસીના સિગારેટ બિઝનેસમાં વોલ્યુમ ગ્રોથ મજબૂત જળવાય રહેવાની શક્યતાં છે. ઉપરાંત, સરકાર તરફથી ગેરકાયદે સિગારેટ પર વધી રહેલા નિયંત્રણને કારણે પણ કંપનીનું વેચાણ સારુ રહેશે. એફએમસીજી બિઝનેસમાં પણ કંપનીનો મજબૂત દેખાવ જોવા મળી રહ્યો છે. જ્યારે હોટેલ બિઝનેસ, પીપીપી બિઝનેસ દ્વિઅંકી રેવન્યૂ અને પ્રોફિટ દર દર્શાવી રહ્યો છે. માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો સિગારેટ બિઝનેસ 10-13 ટકા વોલ્યુમ ગ્રોથ જ્યારે હોટેલ સેગમેન્ટ 78 ટકા વૃદ્ધિ દર્શાવે તેવો અંદાજ છે.

અન્ય FMCG કાઉન્ટર્સમાં નરમાઈ

એકબાજુ આઈટીસીમાં સતત મજબૂતી જોવા મળી રહી છે ત્યારે બીજી બાજુ અન્ય અગ્રણી એફએમસીજી કાઉન્ટર્સ નરમાઈ દર્શાવી રહ્યાં છે. ગુરુવારે નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ 0.4 ટકા નરમાઈ દર્શાવતો હતો. જેમાં વરુણ બેવરેજીસ 4 ટકાથી વધુ ઘટાડો સૂચવતો હતો. જ્યારે હિંદુસ્તાન યુનિલીવર 1.54 ટકા નરમાઈ સાથે રૂ. 2500ની નીચે ઉતરી ગયો હતો. બ્રિટાનિયા અને નેસ્લેના શેર્સ પણ અનુક્રમે એક-એક ટકા આસપાસ ઘટાડો સૂચવતાં હતાં. જ્યારે ઈમામી પણ ડાઉન હતો. મેરિકો ઈન્ડસ્ટ્રીઝના શેરે 52-સપ્તાહનું તળિયું નોઁધાવ્યું હતું.

અદાણી જૂથ શેર્સમાં MFના રોકાણમાં ઘટાડો યથાવત
દેશના મ્યુચ્યુલ ફંડ ઉદ્યોગનું કુલ 182 અબજ ડોલરના રોકાણમાંથી અદાણી જૂથમાં માત્ર 0.9 ટકા હિસ્સાનું રોકાણ
ડિસેમ્બર 2022ની આખરમાં જૂથ કંપનીઓમાં મ્યુચ્યુલ ફંડ હોલ્ડિંગ 2 ટકા પર જોવા મળતું હતું

દેશના મની મેનેજર્સ તરફથી અદાણી જૂથ શેર્સમાં વેચવાલી જળવાય છે. જે જૂથમાં ગવર્નન્સને લઈને ચિંતા યથાવત હોવાનું સૂચવે છે. માર્ચ ક્વાર્ટરમાં અદાણી જૂથ શેર્સમાં ઐતિહાસિક મૂડીધોવાણ જોવા મળ્યું હતું. જોકે, જૂથ શેર્સને લઈને રોકાણકારોમાં ચિંતા હજુ પણ જોવા મળી રહી છે.
અગ્રણી સમાચાર સંસ્થાએ તૈયાર કરેલા ડેટા મુજબ મ્યુચ્યુલ ફંડ ઉદ્યોગ માર્ચ મહિનાની આખરમાં કુલ 182 અબજ ડોલરના એસેટ અન્ડર મેનેજમેન્ટમાંથી માત્ર 0.9 ટકા હિસ્સો અદાણી જૂથ કંપનીઓમાં ધરાવે છે. જે 31 ડિસેમ્બર 2022ના ક્વાર્ટરની આખરમાં 2 ટકા પર જોવા મળતો હતો. છેલ્લાં ત્રણ મહિના દરમિયાન ભારે દબાણમાંથી પસાર થયેલું અદાણી જૂથ એક તબક્કે માર્કેટ-કેપમાં 153 અબજ ડોલરનું ધોવાણ દર્શાવતું હતું. જાન્યુઆરીની આખરમાં યુએસ શોર્ટ સેલર હિંડેનબર્ગના અહેવાલ પછી જૂથ શેર્સમાં તીવ્ર વેચવાલી જોવા મળી હતી અને જોતજોતામાં તેઓ 70-80 ટકા ધોવાણ દર્શાવી રહ્યાં હતાં. જોકે, અદાણી જૂથે તેની સામે કરવામાં આવેલા તમામ આક્ષેપોને નકારી કાઢ્યાં હતાં. જોકે, કંપનીએ ત્યારબાદ ગ્રોથ માટેની કેટલીક યોજનાઓ બંધ રાખવાની ફરજ પડી હતી. તેમજ કંપનીના પ્રમોટર્સે કેટલી શેર-સમર્થિત લોન્સની પરત ચૂકવણી કરી હતી. ભારતીય ફંડ્સ તરફથી માર્ચ ક્વાર્ટરમાં અદાણી જૂથ શેર્સમાં ઘટાડો નોંધાયો હતો ત્યારે વિદેશી સંસ્થાકિય રોકાણકારોએ સમાનગાળામાં જૂથ શેર્સમાં ખરીદી દર્શાવી હતી. જેમાં મિરાઈ એસેટ ઈન્વેસ્ટમેન્ટ મેનેજર્સ પ્રા. અને એચએસબીસી એસેટ મેનેજમેન્ટ ઈન્ડિયા, આ બંને ફંડ્સે અદાણી જૂથ શેર્સમાં ખરીદી દર્શાવી હતી. જોકે, બંને સંસ્થાઓએ મળીને અદાણી જૂથ કંપનીઓમાં 7 લાખથી ઓછા શેર્સની ખરીદી કરી હતી એમ એક ફંડનો ડેટા સૂચવે છે. જો ઐતિહાસિક ડેટાનું એનાલિસીસ કરીએ તો જણાય છે કે 2021માં સ્થાનિક ફંડ મેનેજર્સ કોર્પોરેટ ગવર્નન્સની સમસ્યા દર્શાવતી કંપનીઓમાં વિદેશી રોકાણકારો અને વ્યક્તિગત રોકાણકારોની સરખામણીમાં નાનો હિસ્સો ધરાવતાં હતાં.

2022-23માં NFO મારફતે ફંડમાં 43 ટકા ઘટાડો નોંધાયો
અગાઉના વર્ષે એનએફઓ મારફતે ઊભા કરાયેલા રૂ. 1.08 લાખ કરોડ સામે ગયા વર્ષે રૂ. 62,274 કરોડ ઊભા કરાયાં

મ્યુચ્યુલ ફંડ ઉદ્યોગ તરફથી ન્યૂ ફંડ ઓફરિંગ્સ પર પણ બજારની મંદીની અસર પડી છે. ગયા નાણા વર્ષ 2022-23માં એમએફ ઉદ્યોગે ન્યૂ ફંડ ઓફર્સ(એનએફઓ) મારફતે રૂ. 62,274 કરોડની રકમ ઊભી કરી હતી. જે અગાઉના વર્ષ 2021-22માં એનએફઓ મારફતે ઊભા કરાયેલા રૂ. 1.08 લાખ કરોડ સામે 43 ટકાનો તીવ્ર ઘટાડો દર્શાવે છે. આમ બનવાનું મુખ્ય કારણ માર્કેટ રેગ્યુલેટર તરફથી ત્રણ મહિના માટે એનએફઓ પર મૂકવામાં આવેલો પ્રતિબંધ મુખ્ય કારણભૂત હોવાનું વર્તુળો જણાવે છે. આ ઉપરાંત બજારમાં વોલેટિલિટીને કારણે પણ ઈક્વિટી એનએફઓ પર દબાણ જોવા મળ્યું હોવાનું તેઓ ઉમેરે છે. જેને કારણે માર્ચ 2022 ક્વાર્ટરમાં રૂ. 55,783 કરોડ સામે માર્ચ 2023 ક્વાર્ટરમાં ફંડ રેઈઝીંગ 47 ટકા ગગડી રૂ. 29,593 કરોડ પર જોવા મળ્યું હતું. આમ, વર્ષના તમામ ક્વાર્ટર્સ દરમિયાન અગાઉના વર્ષની સરખામણીમાં નીચું ફંડ ઊભું થયું હતું.
હાઈબ્રીડ એનએફઓની સ્થિતિ પણ સમાન જોવા મળતી હતી. 2021-22માં હાઈબ્રિડ ફંડ્સ મારફતે રૂ. 21860 કરોડ ઊભા કરવામાં આવ્યાં હતાં. જેની સરખામણીમાં 2022-23માં માત્ર 4600 કરોડ ઊભા થયાં હતાં. આમ 79 ટકાનો તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. રોકાણકારોમાં સૌથી પ્રિય એવા આર્બિટ્રેડ ફંડ્સમાંથી પણ રોકાણકારોનો રસ ઉડી જવાથી ત્યાં પણ નવા ફંડ્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. જોકે બીજી બાજુ અનેક ટાર્ગેટ મેચ્યોરિટી ફંડ્સનો લોંચિંગને કારણે ડેટ ફંડ્સના એનએફઓમાં વૃદ્ધિ જોવા મળી હતી. તેમણે રૂ. 18,710 કરોડનું ફંડ ઊઘરાવ્યું હતું. જે અગાઉના વર્ષે રૂ. 10,114 કરોડ પર હતું.

સોની સાથે મર્જર માટે ઝીએ ક્રેડિટર્સ સાથે શરૂ કરેલી સેટલમેન્ટ મંત્રણા
મિડિયા કંપની માટે સોની સાથે મર્જર સાકાર કરવા ડેટની પુનઃચૂકવણી મહત્વની બાબત

ઝી એન્ટરપ્રાઈઝિસે સોની જૂથ સાથે મર્જરને સાકાર કરવા માટે તેના ક્રેડિટર્સ સાથે ડેટ પુનઃચૂકવણીના મુદ્દે સેટલમેન્ટ માટે ચર્ચા-વિચારણા શરૂ કરી હોવાનું જાણકાર વર્તુળોનું કહેવું છે. વર્તુળોના જણાવ્યા મુજબ સોની સાથે મર્જર પછી 10 અબજ ડોલરનું મૂલ્ય ધરાવતી મિડિયા જાયન્ટ બનશે.
ભારતીય ટેલિવિઝન નેટવર્કે ઈન્સોલ્વન્સી કોર્ટમાં જનાર તેના ક્રેડિટર્સમાંથી એક આઈડીબીઆઈ બેંકને રૂ. 149 કરોડ(1.81 કરોડ ડોલર)ની લોન પરત ચૂકવવાની ઓફર કરી છે. તેણે તબક્કાવાર રીતે આ લોન પરત કરશે તેમ જણાવ્યું હોવાનું વર્તુળો જણાવે છે. આ સિવાય ઝીના સ્થાપકો એક્સિસ બેંક, જેસી ફ્લાવર્સ એન્ડ કંપનીના એસેટ રિકન્સ્ટ્રક્શન યુનિટ સાથે પણ અલગથી મંત્રણા ચલાવી રહ્યાં છે. આ સંસ્થાઓનું નિયંત્રણ ધરાવતી કંપનીઓને મિડિયા કંપનીએ 40-40 કરોડ ડોલર ચૂકવવાના થાય છે. જો ઝીએ સોની સાથે મર્જર કરવું હોય તો આ રિપેમેન્ટ મહત્વનું બની રહે છે. મર્જર પછી બનનારી કંપની 140 કરોડ લોકોથી વધુની વસ્તી ધરાવતાં દેશમાં સૌથી ઊંચી વ્યૂઅરશીપ ધરાવવા સાથે સૌથી વધુ પ્રાઈસિંગ પાવર ધરાવતી હશે. બંનેના મર્જરથી તૈયાર થનાર કંપનીમાં સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઈન્ડિયા પ્રા. અડધાથી વધુ હિસ્સો ધરાવતી હશે. જ્યારે ઝીના પ્રમોટર્સ 3.99 ટકા હિસ્સો ધરાવતાં હશે. જ્યારે બાકીનો હિસ્સો પબ્લિક શેરધારકો પાસે રહેશે. કંપનીના કેટલાંક ક્રેડિટર્સ અને તેના ફાઉન્ડર્સે રિપેમેન્ટ્સની માગણી સાથે બેન્ક્રપ્ટ્સી કોર્ટનો સંપર્ક સાધ્યો હતો. ગયા મહિને જ કંપનીએ તેના ક્રેડિટર્સમાંના એક ઈન્ડસઈન્ડ બેંકને બાકી નીકળતી ચૂકવણાની રકમ પરત કરી હતી. જ્યારબાદ લેન્ડરે ઝીના સોની સાથેના મર્જર સામે કોઈ વાંધો નહિ હોવાનું સંમતિપત્ર આપવા તૈયારી દર્શાવી છે એમ ઝીએ ફાઈલીંગમાં જણાવ્યું હતું. એક્સિસ બેંકના પ્રવક્તાએ આ અંગે કશું કહેવાનો ઈન્કાર કર્યો હતો. આઈડીબીઆઈ બેંક અને જેસી ફ્લાવર્સ તરફથી પણ કોઈ પ્રતિભાવ પાઠવવામાં આવ્યો નહોતો. દરમિયાનમાં, ઝીમાં સૌથી ઊંચો હિસ્સો ધરાવતાં એટલાન્ટા સ્થિત ઈન્વેસ્ટર ઈન્વેસ્કો ડેવલપીંગ માર્કેટ્સ ફંડે ગયા સપ્તાહે તેના સમગ્ર હિસ્સાનું વેચાણ કરી એક્ઝિટ લીધી હતી. ભારતના એન્ટી-ટ્રસ્ટ રેગ્યુલેટરે ગયા ઓક્ટોબરમાં સોળ મહિના જૂના મર્જર એગ્રીમેન્ટને મંજૂરી આપી હતી.

NBFCનો એજ્યૂકેશન લોન પોર્ટફોલિયો 35-40 ટકા વૃદ્ધિ દર્શાવે તેવી શક્યતાઃ ક્રિસિલ
રેટિંગ એજન્સની અંદાજ મુજબ એજ્યૂકેશન પોર્ટફોલિયોનું કદ રૂ. 35000 કરોડ પર પહોંચશે

નોન-બેંકિંગ ફાઈનાન્સિયલ કંપનીઝ(એનબીએફસી)નો એજ્યૂકેશન લોન પોર્ટફોલિયો નવા નાણા વર્ષ 2023-24 દરમિયાન 35-40 ટકા દરે વૃદ્ધિ દર્શાવે તેવી શક્યતાં છે. એનબીએફસી સ્પેશ્યલાઈઝ્ડ બિઝનેસ મોડેલ્સ તૈયાર કર્યાં છે. જેને જોતાં તેઓ ઊંચો ગ્રોથ દર્શાવી શકે છે. સાથે વિદેશમાં ભણવા જનારા સ્ટુડન્ટ્સની સંખ્યામાં સતત વૃદ્ધિ પણ તેમને માટે સહાયરૂપ બનશે એમ ક્રિસિલે તૈયાર કરેલો એક રિપોર્ટ જણાવે છે.
રેટિંગ એજન્સીના રિપોર્ટમાં જણાવ્યા મુજબ વિદેશમાં અભ્યાસાર્થે જતાં વિદ્યાર્થીઓની નાણાકિય જરૂરિયાતોને પૂરી કરવા માટે એનબીએફસી સારુ મોડેલ ધરાવે છે. તેઓ વિદેશી યુનિવર્સિટીઝ માટે ઈન્સ્ટિટ્યુટ મુજબ તથા કોર્સ-મુજબ પર્યાપ્ત રિસ્ક ક્લાસિફિકેશન અને સ્ટ્રક્ચર્ડ લોન રિપેમેન્ટ ધરાવે છે. રિપોર્ટ મુજબ 2022-23માં ગ્રોથ થોડો ધીમો પડ્યો હતો, તેમ છતાં એસેટ અન્ડર મેનેજમેન્ટની રીતે જોઈએ તો 2021-22માં રૂ. 13000 કરોડ પરથી એયૂએમ વધીને 2022-23માં રૂ. 25000 કરોડ એટલેકે બમણું બન્યું હતું. ક્રિસિલ રિપોર્ટમાં જણાવ્યા મુજબ કોવિડ પાછળ ઈન્ટરનેશનલ ટ્રાવેલ અટકી પડતાં 2020-21માં ગ્રોથ ફ્લેટ જોવા મળ્યો હતો. વર્ષ દરમિયાન વિદેશમાં પ્રવાસ કરતાં સ્ટુડન્ટ્સની સંખ્યા ઘટીને 2.6 લાખ નીચે ઉતરી ગઈ હતી. જોકે, મહામારીની અસર ઓસરતાં 2021-22માં વિદેશ પ્રવાસ કરતાં સ્ટુડન્ટ્સની સંખ્યા વધી 4.5 લાખ અને 2022-23માં 7.5 લાખ પર પહોંચી હતી. દેશમાં કુલ એજ્યૂકેશન લોનનો 90 ટકા હિસ્સો વિદેશમાં અભ્યાસાર્થે જતાં સ્ટુડન્ટ્સ તરફથી લેવામાં આવે છે. જ્યારે બાકીનો હિસ્સો ભારત સ્થિત અભ્યાસક્રમો માટે હોય છે. એનબીએફસના એજ્યૂકેશન એયૂએમનો અડધાથી વધુ હિસ્સો યુએસ યુનિવર્સિટિઝમાં ચાલતાં અભ્યાસક્રમોનો જોવા મળે છે. જ્યાર પછીના ક્રમે 20-25 ટકા હિસ્સા સાથે કેનેડા બીજા ક્રમે આવે છે.

કોર્પોરેટ હેડલાઈન્સ

તાતા કોમ્યુનિકેશન્સઃ તાતા જૂથની કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 326 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 365 કરોડની સરખામણીમાં 11 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીએ ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 4263 કરોડ સરખામણીમાં ચાલુ વર્ષે 7.2 ટકા વૃદ્ધિ સાથે રૂ. 4,569 કરોડની આવક નોંધાવી છે.
તાતા મોટર્સઃ કંપનીની માલિકીની જેગુઆર લેન્ડ રોવર આગામી પાંચ વર્ષોમાં ઈલેક્ટ્રીક વેહીકલ્સમાં મોટા પાયે રોકાણ કરશે. કંપની ઈવી ડ્રાઈવ પાછળ 15 અબજ પાઉન્ડ્સ રોકશે. આ અહેવાલ પાછળ તાતા મોટર્સના શેરમાં 2 ટકાની મજબૂતી જોવા મળી હતી.
કેબલ કંપનીઝઃ દેશમાં કેબલ ઉત્પાદકો માટે બિઝનેસની મોટી તક ઊભી થઈ છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ નાણા વર્ષ 2024-25 સુધીમાં દેશભરમાં 10000 કિલોમીટરના ઓપ્ટીક ફાઈબર કેબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની જાહેરાત કરી છે.
માસ્ટેકઃ આઈટી સર્વિસિઝ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 72.6 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 64 કરોડની સરખામણીમાં 13.1 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક ત્રિમાસિક ધોરણે રૂ. 659 કરોડ પરથી 8 ટકા વૃદ્ધિ સાથે રૂ. 709.2 કરોડ પર જોવા મળી છે.
તાતા સન્સઃ વિસ્તારા અને એર ઈન્ડિયાના મર્જર માટે તાતા જૂથે કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાનો સંપર્ક કર્યો છે. સીસીઆઈ સમક્ષ તાતા સન્સ અને સિંગાપુર એરલાઈન્સે મર્જર માટે રજૂઆત કરી છે.
એચડીએફસીઃ મોર્ગેજ લેન્ડર એચડીએફસી એક વર્ષ દસ મહિના માટેના બોન્ડ્સના વેચાણ મારફતે રૂ. 7000 કરોડ ઊભા કરે તેવી શક્યતાં છે. જે ચાલુ નાણા વર્ષે તેનું પ્રથમ બોન્ડ વેચાણ હશે. આ ઉપરાંત, નેશનલ હાઉસિંગ બેંક તથા નાબાર્ડ પણ ત્રણ વર્ષ સુધીના બોન્ડ્સના વેચાણ મારફતે અનુક્રમે રૂ. 2000 કરોડ અને રૂ. 5000 કરોડ ઊભા કરશે એમ વર્તુળો જણાવે છે.
એનએમડીસી સ્ટીલઃ પીએસયૂ સ્ટીલ ઉત્પાદક કંપની તેના છત્તીસગઢ સ્ટીલ પ્લાન્ટને જૂન સુધીમાં કાર્યાન્વિત કરે તેવી શક્યતાં છે. કંપની શરૂમાં 2 લાખ ટનથી 3 લાખ ટન સુધીના ઉત્પાદનનો ટાર્ગેટ ધરાવે છે. કંપની તાજેતરમાં એનએમડીસીમાંથી અલગ પડી હતી.
બેંક ઓફ મહારાષ્ટ્રઃ જાહેર ક્ષેત્રની બેંકે નાણા વર્ષ 2023-24માં ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યુશ્નલ ઈન્વેસ્ટર્સને ઈસ્યુ મારફતે રૂ. 1000 કરોડ ઊભા કરવાની વિચારણા માટે 24 એપ્રિલે બોર્ડ મિટિંગ યોજી છે.
અદાણી પોર્ટ્સઃ અદાણી જૂથ કંપનીનું બોર્ડ તેની ડેટ સિક્યૂરિટીઝના આંશિક બાયબેકની વિચારણા માટે 22 એપ્રિલે મળશે. કંપની તરફથી પ્રથમવાર ડેટ સિક્યુરિટીઝનું બાયબેક કરવામાં આવશે એમ વર્તુળો જણાવે છે. રોકાણકારોનો વિશ્વાસ પરત મેળવવાના ભાગરૂપે આમ કરવામાં આવી રહ્યું છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage