Categories: Market Tips

Market Summary 20/09/2023

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

ફેડની બેઠક પૂર્વે શેરબજારોમાં સાવચેતીનો સૂર
નિફ્ટીએ 20 હજારની સપાટી ગુમાવી
વોલેટિલિટી ઈન્ડેક્સ 2.6 ટકા ગગડી 11.12ના સ્તરે
પીએસઈ સિવાય તમામ સેગમેન્ટ્સમાં નરમાઈ
બેંકિંગ, મેટલ, એફએમસીજીમાં વેચવાલીનું દબાણ
બ્લ્યૂ સ્ટાર, એસજેવીએન, વેરોક એન્જિ., પાવર ગ્રીડ નવી ટોચે
ઓરિએન્ટ ઈલેક્ટ્રીક નવા તળિયે

યુએસ ફેડ રિઝર્વ તરફથી બુધવારે રાતે મિટિંગની જાહેરાત અગાઉ શેરબજારોમાં વેચવાલી જોવા મળી હતી. એશિયન બજારોમાં સાધારણ નરમાઈ વચ્ચે ભારતીય બેન્ચમાર્ક્સ એક ટકાથી વધુ ઘટાડો સૂચવતાં હતાં. બીએસઈ સેન્સેક્સ 796 પોઈન્ટ્સ ગગડી 66800.84ની સપાટીએ જ્યારે નિફ્ટી 232 પોઈન્ટ્સ ગગડી 19901ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ વેચવાલી પાછળ માર્કેટ બ્રેડ્થ નરમ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3803 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2112 કાઉન્ટર્સ નરમાઈ દર્શાવતાં હતાં. જ્યારે 1549 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળ્યાં હતાં. 198 કાઉન્ટર્સે તેમની 52-સપ્તાહની ટોચ બનાવી હતી. જ્યારે 19 કાઉન્ટર્સે તેમનું વાર્ષિક તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ 2.6 ટકા ગગડી 11.12ના સ્તરે બંધ રહ્યો હતો.
યુએસ માર્કેટમાં નરમાઈ વચ્ચે બુધવારે એશિયન બજારો નેગેટિવ ટ્રેડ સૂચવતાં હતાં. જેને કારણે બેન્ચમાર્ક નિફ્ટીએ ગેપ-ડાઉન ઓપનીંગ સાથે 20 હજારની નીચે જ કામકાજની શરૂઆત કરી હતી. શરૂઆતી દોરમાં એકવાર 20051ની ઈન્ટ્રા-ડે ટોચ બનાવી બેન્ચમાર્ક દિવસ દરમિયાન સતત ઘટતો રહ્યો હતો. જ્યારે આખરી દોઢ કલાકમાં તે તળિયા નજીક જ પડ્યાં રહ્યાં પછી 19900નું લેવલ જાળવવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 71 પોઈન્ટ્સના પ્રિમીયમ સાથે 19972ની સપાટી પર બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 37 પોઈન્ટ્સના પ્રિમીયમ સામે નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે. જે ઘટાડે લોંગ પોઝીશનમાં ઉમેરાનો સંકેત છે. જો યુએસ ફેડ તરફથી કોઈ પોઝીટીવ સરપ્રાઈઝ જોવા મળશે તો ગુરુવારે માર્કેટ ગેપ-અપ ઓપનીંગ દર્શાવે તેવી પૂરી શક્યતાં છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે 19700ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવી શકાય છે. બેન્ચમાર્ક 20200 પર એક નવી ટોચ બનાવી શકે છે. જોકે, સમગ્રતયા માર્કેટમાં ઓક્ટોબરમાં ઘટાડો બેસે છે અને તેથી ઊંચા મથાળે પ્રોફિટ બુક કરતાં રહેવાનું એનાલિસ્ટ્સ સૂચવે છે.
બુધવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા ઘટકોમાં પાવર ગ્રીડ કોર્પોરેશન, કોલ ઈન્ડિયા, ઓએનજીસી, સન ફાર્મા, આઈશર મોટર્સ, એશિયન પેઈન્ટ્સ, એક્સિસ બેંક, એનટીપીસી અને આઈટીસીનો સમાવેશ થતો હતો. બીજી બાજુ એચડીએફસી બેંકમાં 4 ટકાનો તીવ્ર ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત જેએસડબલ્યુ સ્ટીલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, બીપીસીએલ, એસબીઆઈ લાઈફ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ડો. રેડ્ડીઝ લેબ્સ, એચડીએફસી લાઈફ, હીરો મોટોકોર્પ, મારુતિ સુઝુકી, તાતા સ્ટીલ, અદાણી પોર્ટ્સ અને બ્રિટાનિયામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો એકમાત્ર નિફ્ટી પીએસઈ પોઝીટીવ બંધ જોવા મળ્યો હતો. એ સિવાય અન્ય તમામ સેક્ટરલ સૂચકાંકો નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. નિફ્ટી પીએસઈને સપોર્ટ પૂરો પાડનારા કાઉન્ટર્સમાં એનએચપીસી, પાવર ગ્રીડ કોર્પોરેશન, આરઈસી, કોલ ઈન્ડિયા, કોન્કોર, ઓએનજીસી, એચપીસીએલ, હિંદુસ્તાન એરોનોટિક્સ, એનટીપીસી, ગેઈલનો સમાવેશ થતો હતો. જોકે, ભેલ, બીપીસીએલ, ભારત ઈલે., ઓઈલ ઈન્ડિયા, સેઈલ, આઈઆરસીટીસી, નાલ્કો, આઈઓસી, એનએમડીસીમાં ઘટાડો જોવા મળતો હતો. નિફ્ટી મેટલ 1.7 ટકા સાથે ઘટાડો દર્શાવવામાં ટોચ પર હતો. જેના ઘટકોમાં જેએસડબલ્યુ સ્ટીલ 3 ટકા આસપાસ ગગડ્યો હતો. આ ઉપરાંત વેદાંત, જિંદાલ સ્ટીલ, મોઈલ, તાતા સ્ટીલ, સેઈલ અ હિંદાલ્કોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી બેંક પણ 1.3 ટકા જેટલો ગગડ્યો હતો. જેના ઘટકોમાં એચડીએફસી બેંક, બેંક ઓફ બરોડા, ઈન્ડસઈન્ડ બેંક, બંધન બેંક, પીએનબી, કોટક મહિન્દ્રા અને એસબીઆઈમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી પીએસયૂ બેંક પણ એક ટકાથી વધુ ગગડ્યો હતો. જેમાં યૂકો બેંક, આઈઓબી, સેન્ટ્રલ બેંક, પંજાબ એન્ડ સિઁધ બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, બેંક ઓફ ઈન્ડિયામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ્સ પર નજર નાખીએ તો એયૂ સ્મોલ ફાઈ. બેંક 3.7 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત પોલીકેબ, એમએન્ડએમ ફાઈ. સર્વિસિઝ, ડો. લાલ પેથલેબ્સ, પાવર ગ્રીડ કોર્પો., એપોલો ટાયર્સ, આરઈસી, ગ્રેન્યૂલ્સ ઈન્ડિયા, આઈડીએફસી, હિંદ કોપર, કોલ ઈન્ડિયા, વોડફોન આઈડિયા અને કોન્કોરમાં સુધઆરો જોવા મળ્યો હતો. બીજી બાજુ, એચડીએફસી બેંક, જેકે સિમેન્ટ, ઝાયડસ લાઈફ, મણ્ણાપુરમ ફાઈ., જેએસડબલ્યુ સ્ટીલ, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ, આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ, મૂથૂત ફાઈનાન્સ, કોફોર્જ, ભેલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. કેટલાંક વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં બ્લ્યૂ સ્ટાર, એસજેવીએન, વેરોક એન્જિનીયર, અપાર ઈન્ડસ્ટ્રીઝ, પાવર ગ્રીડ કોર્પોરેશન, ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ, કોલ ઈન્ડિયા, બર્ગર પેઈન્ટ્સ, યૂનિયન બેંક, વેલસ્પન કોર્પ, ત્રિવેણી ટર્બાઈનનો સમાવેશ થતો હતો.

કુલ લોનના 34 ટકા લોન પર 10 ટકા કે ઊંચો વ્યાજ દર
8 ટકાથી નીચેના ઈન્ટરેસ્ટ રેટ ધરાવતી લોન્સના પ્રમાણમાં તીવ્ર ઘટાડો નોંધાયો
માર્ચ 2023માં 53 ટકા સામે 8 ટકાથી નીચા દરની લોનનું પ્રમાણ જૂન 2023માં 18 ટકા પર રહ્યું

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ મે 2022થી રેપો રેટમાં જાળવેલા સતત વધારા પછી દેશમાં 8 ટકાથી નીચેનો ઈન્ટરેસ્ટ રેટ ધરાવતી લોન્સના પ્રમાણમાં તીવ્ર ઘટાડો નોઁધાયો છે. માર્ચ 2022માં કુલ લોન્સમાં 8 ટકાથી નીચો વ્યાજ દર ધરાવતી લોન્સનું પ્રમાણ 53 ટકા જેટલું જોવા મળતું હતું. જે જૂન 2023માં ઘટીને 18 ટકા પર જોવા મળી રહ્યું છે એમ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનો રિપોર્ટ સૂચવે છે.
બીજી બાજુ 10 ટકા કે તેથી વધુ ઈન્ટરેસ્ટ રેટ ધરાવતી હોય તેવી લોન્સનું પ્રમાણ માર્ચ 2022થી જૂન 2023 સુધીના સમયગાળામાં 22 ટકા પરથી વધી 34 ટકા પર પહોંચ્યું છે. સમાનગાળામાં આરબીઆઈ તરફથી રેપો રેટમાં 250 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ કરવામાં આવી હતી. જેની પાછોતરી અસર હવે જોવા મળી રહી છે. સેન્ટ્રલ બેંક તરફથી રેપો રેટમાં વૃદ્ધિની પ્રતિક્રિયારૂપે દેશની 32 જેટલી બેંક્સે તેમના રેપો-લિંક્ડ એક્સટર્નલ બેન્ચમાર્ક-બેઝ્ડ લેન્ડિંગ રેટ્સમાં સુધારો કર્યો હતો. કેટલાંક કિસ્સામાં તેમણે રેટ વૃદ્ધિની સરખામણીમાં સહેજ ઊંચી વૃદ્ધિ પણ હાથ ધરી હતી. વધુમાં 7 ટકા કે તેથી વધુનું રિટર્ન આપતી ટર્મ ડિપોઝીટ્સનું પ્રમાણ પણ વધ્યું હતું. જેને કારણે ટર્મ ડિપોઝીટ્સની વૃદ્ધિમાં વેગ જોવા મળ્યો હતો જ્યારે સેવિંગ્સ ડિપોઝીટ્સમાં ઘટાડો નોંધાયો હતો. રિપોર્ટ સૂચવે છે કે મે 2022થી જૂલાઈ 2023ના સમયગાળા દરમિયાન રેટ ટ્રાન્સમિશનમાં જાહેર ક્ષેત્રની બેંક્સે નવી રૂપી ડિપોઝીટ્સ માટે વેઈટેડ અવરેજ ડોમેસ્ટીક ટર્મ ડિપોઝીટ રેટ(WADTDR)માં ઊંચી વૃદ્ધિ નોંધાવી હતી. જ્યારે નવી રૂપી લોન માટે વેઈટેડ એવરેજ લેન્ડિંગ રેટ્સ(WALR)માં પણ ઊંચી વૃદ્ધિ દર્શાવી હતી. બીજી બાજુ, પ્રાઈવેટ બેંકે સમાનગાળામાં આઉટસ્ટેન્ડિંગ ડિપોઝીટ્સમાં WADTDRમાં મોટી વૃદ્ધિ નોંધાવી હતી. મે 2022થી ઓગસ્ટ 2023 સુધીમાં શેડ્યૂલ્ડ કમર્સિયલ બેંક્સમાં 1-વર્ષ માટેની માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ-બેઝ્ડ લેન્ડિંગ રેટ્સ(MCLR)માં 155 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ જોવા મળી હતી. સમાનગાળામાં નવી અને હયાત રૂપી લોન્સ માટે WALRમાં 193 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ નોંધાઈ હતી. ડિપોઝીટ્સની વાત કરીએ તો સમાનગાળામાં નવી અને આઉટસ્ટેન્ડિંગ ડિપોઝીટ્સ માટે અનુક્રમે 232 બેસીસ પોઈન્ટ્સ અને 151 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ જોવા મળી હતી.

વૈશ્વિક અવરોધો વચ્ચે ઈક્વિટી FDI ઈનફ્લો 50 ટકા ઘટાડો
નેટ એફડીઆઈ ગયા વર્ષે એપ્રિલ-જુલાઈમાં 17.28 અબજ ડોલર સામે ચાલુ વર્ષે 5.7 અબજ ડોલર જોવા મળ્યું
એફડીઆઈ ઈન્વેસ્ટર્સે એપ્રિલ-જુલાઈ દરમિયાન 13.18 અબજ ડોલરનું ડિસઈન્વેસ્ટમેન્ટ દર્શાવ્યું

વૈશ્વિક આર્થિક રિકવરીમાં મંદીની અસર ઈક્વિટીમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ(FDI) પર જોવા મળી છે. ચાલુ નાણા વર્ષમાં એપ્રિલથી જુલાઈ દરમિયાન ઈક્વિટી એફડીઆઈ 13.9 અબજ ડોલર પર નોંધાયો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં 22.04 અબજ ડોલર પર જોવા મળ્યો હતો.
જો નેટ એફડીઆઈની વાત કરીએ તો એપ્રિલથી જુલાઈ 2022 દરમિયાન તે 17.28 અબજ ડોલર પર જોવા મળ્યો હતો. જે ચાલુ વર્ષે સમાનગાળામાં માત્ર 5.7 અબજ ડોલર પર નોંધાયો છે. નેટ આઉટફ્લોમાંથી નેટ ઈનફ્લોને બાદ કરતાં રહેતી રકમને નેટ એફડીઆઈ ગણવામાં આવે છે. આ માટેનું મુખ્ય કારણ ગ્રોસ એફડીઆઈમાં ઘટાડો હતું. એપ્રિલ-જુલાઈ 2023માં ભારતમાં ગ્રોસ એફડીઆઈ ઘટીને 22 અબજ ડોલર પર નોંધાયું હતું. જે એપ્રિલ-જુલાઈ 2022માં 29.6 અબજ ડોલર પર જોવા મળ્યું હતું એમ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનો ડેટા જણાવે છે.
આરબીઆઈના સપ્ટેમ્બર બુલેટીનમાં સ્ટેટ ઓફ ધ ઈકોનોમી આર્ટિકલમાં જણાવાયું છે કે ભારતમાં સીધું રોકાણ કરનારાઓ તરફથી ડિસઈન્વેસ્ટમેન્ટ્સમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી અને તે એપ્રિલ-જુલાઈ દરમિયાન 13.18 અબજ ડોલર પર નોંધાયું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 8.81 અબજ ડોલર પર જોવા મળતું હતું. એફડીઆઈ ઈક્વિટી ફ્લોનો 66 ટકા હિસ્સો મેન્યૂફેક્ચરિંગ, ફાઈનાન્સિયલ સર્વિસિઝ, બિઝનેસ સર્વિસિઝ, કોમ્પ્યુટર સર્વિસિઝ, ઈલેક્ટ્રીસિટી અને અન્ય એનર્જી સેક્ટર્સમાં જોવા મળ્યો હતો. દેશમાં એફડીઆઈના મુખ્ય સ્રોત દેશોમાં સિંગાપુર, જાપાન, નેધરલેન્ડ્સ, યુએસ અને મોરેશ્યસનો સમાવેશ થતો હતો. જેઓ કુલ એફડીઆઈ ફ્લોના 66 ટકાથી વધુ હિસ્સો ધરાવતાં હતાં એમ આરબીઆઈ રિપોર્ટ નોંધે છે.
કેટલાંક હાઈ-ફ્રિકવન્સી ઈન્ડિકેટર્સ ચાલુ કેલેન્ડરના ત્રીજા ક્વાર્ટરમાં વૈશ્વિક અર્થતંત્રમાં મોમેન્ટમ નરમ પડી રહ્યાંનું સૂચવી રહ્યાં છે. તેમજ વિવિધ ભૌગોલિક વિસ્તારોમાં ભિન્ન ટ્રેન્ડ જોવા મળી રહ્યાં છે. વૈશ્વિક અર્થતંત્રમાં સ્ટ્રક્ચરલ શિફ્ટને કારણે આઉટલૂક જટિલ જણાય છે. 2023માં અપેક્ષા કરતાં સારા દેખાવ પછી 2024માં વૈશ્વિક અર્થતંત્રને લઈ ચિંતા ઝળૂંબી રહી છે એમ રિપોર્ટનું કહેવું છે.

અદાણી ગ્રૂપ સાથે સંયુક્ત સાહસમાં ટોટલ 30 કરોડ ડોલર રોકશે
નવા સાહસમાં બંને કંપનીઓ 50:50 ટકા ભાગીદારી ધરાવતી હશે
ફ્રાન્સની ટોટલએનર્જીસ એસઈ અદાણી ગ્રૂપ સાથે નવા સંયુક્ત સાહસમાં 30 કરોડ ડોલરનું રોકાણ કરશે. કંપની આ રોકાણ રિન્યૂએબલ એનર્જી પ્રોજક્ટમાં કરશે એમ ભારતીય કોંગ્લોમેરટે બુધવારે એક્સચેન્જ ફાઈલીંગમાં જણાવ્યું હતું.
અદાણી જૂથની રિન્યૂએબલ એનર્જી પાંખ અદાણી ગ્રીન એનર્જીએ જણાવ્યું હતું કે ટોટલ અમારી સાથે 50:50 ટકા ભાગીદારીમાં નવુ સંયુક્ત સાહસ સ્થાપવા માટે 30 કરોડ ડોલરનું રોકાણ કરશે. આ રોકાણ ટોટલ તરફથી અથવા તેની સબસિડિયરી મારફતે કરવામાં આવશે. અદાણી ગ્રીન એનર્જી ટ્વેન્ટી થ્રી લિમિટેડ(AGE23L) 1050 MWac પોર્ટફોલિયો ધરાવતી હશે. જેમાં હાલમાં કાર્યરત ઉપરાંત પાઈપલાઈનમાં હોય તેવા પ્રોજેક્ટ્સનો સમાવેશ થતો હશે. જેમાં 300 MWac ક્ષમતા હાલમાં કાર્યરત છે. જ્યારે 500 MWac પોર્ટફોલિયો બાંધકામ હેઠળ છે. જ્યારે 250 MWac ડેવલપમેન્ટ હેઠળ છે. તે સોલાર અને વિન્ડ પાવર સાથેના હાઈબ્રિડ પ્રોજેક્ટ્સ છે એમ કંપની ઉમેરે છે.

OECDએ GDP ગ્રોથ રેટ અંદાજ સુધારી 6.3 ટકા કર્યો
એજન્સીએ ઈન્ફ્લેશનનો અંદાજ પણ 4.8 ટકા પરથી 5.3 ટકા કર્યો

ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ(OECD)એ ભારતના 2023-24 માટેના ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડક્ટ(જીડીપી)ના અંદાજને અપગ્રેડ કર્યો છે. અગાઉ તેણે ચાલુ વર્ષ માટે 6 ટકા આર્થિક વૃદ્ધિનો અંદાજ આપ્યો હતો. જે સુધારીને હવે 6.3 ટકા કર્યો છે.
ઓઈસીડીએ રજૂ કરેલા રિપોર્ટમાં નોંધ્યું છે કે જી20 ઈમર્જિંગ માર્કેટ અર્થતંત્રોમાં ભારતે મોટાભાગે પોઝીટીવ સરપ્રાઈઝિસ દર્શાવી છે. જેમાં સારા હવામાનને કારણે કૃષિ ક્ષેત્રના સારા દેખાવની ભૂમિકા પણ મહત્વની રહી છે એમ તેણે જણાવ્યું છે. તેના મતે 2023માં વૈશ્વિક અર્થતંત્ર 3 ટકાના દરે વૃદ્ધિ પામે તેવી શક્યતાં છે. જ્યારે 2024માં તેનો વૃદ્ધિ દર ઘટી 2.7 ટકાનો જોવા મળશે. ચીન ખાતે અપેક્ષાથી નબળી રિકવરી છતાં 2023-24માં પણ વૈશ્વિક વૃદ્ધિ દરનો મોટો હિસ્સો એશિયામાંથી જોવા મળશે એમ ઓઈસીડીનો રિપોર્ટ જણાવે છે.
ઓઈસીડીએ ભારત માટે ઈન્ફ્લેશનના અંદાજને પણ અપગ્રેડ કર્યો છે. અગાઉ જૂન મહિનામાં તેણે 2023-24 માટે 4.8 ટકા સીપીઆઈની ધારણા બાંધી હતી. જોકે તેને સુધારી 5.3 ટકા કરી છે. રિપોર્ટ નોંધે છે કે ફૂડ અને એનર્જીના ભાવોમાં ઘટાડાને કારણે 2023ના પ્રથમ છ મહિના દરમિયાન અનેક દેશોમાં રિટેલ ઈન્ફ્લેશનમાં ઘટાડો જોવા મળ્યો છે. જોકે, કોર ઈન્ફ્લેશનમાં નોંધપાત્ર ઘટાડો નથી નોંધાયો. આર્થિક ગ્રોથ સામે મુખ્ય જોખમ ઈન્ફ્લેશન અપેક્ષાથી લાંબો સમય સુધી ઊંચા સ્તરે જળવાય રહેવાનું છે. જેનો અર્થ એવો થાય છે કે વ્યાજ દરોમાં વધુ વૃદ્ધિ કરવી પડશે અને તે લાંબો સમય સુધી ઊંચા સ્તરે જોવા મળશે એમ રિપોર્ટ ઉમેરે છે. રિપોર્ટના મતે કેટલાંક મહત્વના અર્થતંત્રોમાં રેટમાં સાધારણ ઘટાડાની જગા રહેલી છે. જેમાં ભારત, ઈન્ડોનેશિયા, મેક્સિકો અને સાઉથ આફ્રિકાનો સમાવેશ થાય છે. દરમિયાનમાં, રિપોર્ટે 2024-25 માટે ભારતના જીડીપી વૃદ્ધિ દરને અગાઉના 7 ટકાના અંદાજ પરથી ઘટાડી 6 ટકા કર્યો છે. ઓઈસીડીએ મોનેટરી પોલિસીને લઈને સાવચેત અભિગમ દાખવવા જણાવ્યું છે. તેના મતે જ્યાં સુધી ફુગાવાનું દબાણ હળવું ના થાય ત્યાં સુધી રેટમાં કોઈ રાહત મળવાની શક્યતાં નથી. ઉપરાંત તેણે નાણાકિય નીતિને ભવિષ્યમાં ખર્ચ પર જોવા મળનારા દબાણને ધ્યાનમાં રાખી તૈયાર કરવા પર ભાર મૂક્યો છે.

મર્જર પછી નીચી બુક વેલ્યૂ, ઊંચા ખર્ચ પાછળ HDFC બેંકને ડાઉનગ્રેડ કરતી નોમુરા
વૈશ્વિક બ્રોકરેજ હાઉસે બેંકની એસેટ ક્વોલિટીને લઈને પણ વ્યક્ત કરેલી ચિંતા
સિટી અને જેફરિઝે એનપીએની ચિંતા વચ્ચે એચડીએફસી માટે ‘બાય’ રેટિંગ જાળવી રાખ્યું

વિદેશી બ્રોકિંગ હાઉસ નોમુરાએ દેશમાં સૌથી મોટી અને વિશ્વમાં છઠ્ઠા ક્રમની બેંકિંગ કંપની એચડીએફસીના રેટિંગને ડાઉનગ્રેડ કર્યું છે. તેણે અગાઉના ‘હોલ્ડ’ના રેટિંગને ઘટાડી ‘ન્યૂટ્રલ’ કર્યું છે. નોમુરાએ મર્જર પછીની એચડીએફસી બેંક માટે એનાલિસ્ટ્સ કોલ યોજ્યા પછી રેટિંગમાં ફેરફાર કર્યો છે. આ માટેના કારણોમાં એકાઉન્ટિંગ એડજસ્ટમેન્ટ્સ, સંયુક્ત કંપનીની બુકવેલ્યુમાં ઘટાડો જેવા પરિબળો જવાબદાર છે. મર્જર પછી એચડીએફસી બેંકની બુકવેલ્યૂ સ્ટેન્ડઅલોન બેંકની બુક વેલ્યુ કરતાં ઘટાડો દર્શાવે છે. જેણે કેટલાંક બ્રોકરેજિસને એચડીએફસી શેર માટેના તેમના ટાર્ગેટ્ ઘટાડો કરવા દબાણ કર્યું છે. કોઈપણ કંપનીની બુકવેલ્યુ તેની કુલ એસેટ્સમાંથી કુલ જવાબદારીઓને બાદ કરતાં વધતી રકમ હોય છે. નોમુરાના ડાઉનગ્રેડ પાછળ બુધવારે બેંકનો શેર 4 ટકાથી વધુ ગગડી રૂ. 1563.70ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે તેનું માર્કેટ-કેપ રૂ. 11,84,597 કરોડ પર જોવા મળ્યું હતું.
નોમુરાએ તેના રિપોર્ટમાં જણાવ્યું છે કે એચડીએફસી લિ. સાથે મર્જર પછી એચડીએફસી બેંકની બુક વેલ્યુમાં પ્રતિ શેર રૂ. 23નો ઘટાડો નોંધાયો છે. આમ થવા પાછળ મહ્દઅંશે IGAAP એકાઉન્ટિંગ એન્ડ પ્રોવિઝનીંગ હાર્મોનાઈઝેશન જવાબદાર રહ્યું છે. આ કારણથી જ નોમુરાએ એચડીએફસી બેંક માટેનો ટાર્ગેટ અગાઉના રૂ. 1920 પરથી ઘટાડી રૂ. 1800 કર્યો છે. વર્તમાન ટાર્ગેટ પ્રાઈસ 18 સપ્ટેમ્બરે બેંકના બંધ ભાવ સામે 10 ટકા સુધારાની શક્યતાં સૂચવતો હતો. નોમુરાએ વધુમાં નોંધ્યું છે કે બેંક આગામી બેથી ત્રણ ક્વાર્ટર્સ દરમિયાન નેટ ઈન્ટરેસ્ટ માર્જિન્સ(NIM)માં દબાણ અનુભવી શકે છે. બેંકે પ્રથમ ક્વાર્ટરમાં 2.7 ટકાના નિમ્સની સરખામણીમાં બીજા ક્વાર્ટરમાં 2 ટકાના નિમ્સ સાથે બુક ઓપન કરી હતી. આમ થવા પાછળનું કારણ મર્જર પછી બેલેન્સ શીટમાં જોવા મળેલી વધુ પડતી લિક્વિડીટી જવાબદાર હતી. આને કારણે નોમુરાએ 2023-24 માટે નેટ ઈન્ટરેસ્ટ માર્જિનમાં 25 બેસીસ પોઈન્ટ્સના ઘટાડાનો અંદાજ બાંધ્યો છે. જ્યારે 2024-25થી 2025-26 માટે તે 15-20 બેસીસ પોઈન્ટ્સ નિમ્સ ઘટાડાની ધારણા રાખી રહી છે. ઉપરાંત બ્રોકરેજે 2023-24 માટેના કોસ્ટ-ટુ-ઈન્કમ અંદાજને અગાઉના 36 ટકાથી વધારી 40 ટકા કર્યો છે. બ્રોકરેજે નોંધ્યું છે કે 2024-24 માટે અર્નિંગ્સ પ્રતિ શેર(ઈપીએસ)માં 9 ટકા ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે 2024-25 અને 2025-26 માટે ઈપીએસમાં 5 ટકાનો ઘટાડો કરાયો છે. 2023-24 માટે નોમુરાનો રિટર્ન ઓન એસેટ્સનો અંદાજ અગાઉના 1.9 ટકા સામે હવે 1.7 ટકા જોવા મળે છે. જે પછીના બે નાણા વર્ષો માટે સુધરીને 1.8 ટકા રહેવાનો અંદાજ છે.
જોકે અન્ય બ્રોકરેજ સિટીએ એચડીએફસી બેંક માટે ‘બાય’ રેટિંગ જાળવી રાખ્યું છે અને રૂ. 2110 પ્રતિ શેરના ટાર્ગેટ આપ્યો છે. તેણે નોઁધ્યું છે કે બેંકની નોન-ઈન્ડિવિડ્યૂઅલ એનપીએ(નોન-પર્ફોર્મિંગ એસેટ્સ) માર્ચમાં 3.7 ટકા પરથી પુનઃનિર્ધારિત કરાઈને 6.7 ટકા કરવામાં આવી છે. એનપીએમાં વૃદ્ધિ માટે કારણ એચડીએફસી બેંકની નેગેટિવ કોર્પોરેટ બુક જવાબદાર છે એમ તેણે ઉમેર્યું છે. જેફરીઝે પણ એચડીએફસી માટે ‘બાય’ રેટિંગ જાળવ્યું છે. જોકે તેણે પ્રાઈસ ટાર્ગેટ ઘટાડી રૂ. 2030 કર્યો છે. તેણે નોંધ્યું છે કે બેંકની નોન-પર્ફોર્મિંગ લોન્સનું પ્રમાણ ઊંચું છે. જે મર્જ્ડ એન્ટીટીનો મોટો હિસ્સો છે. એચડીએફસી બેંકનો શેર હાલમાં એક વર્ષ માટે બુક લેવ્યુના 2.5 ગણા પર ટ્રેડ દર્શાવી રહ્યો છે. જે નીચા લોન ગ્રોથ અને રિટર્ન ઓન એસેટ્સમાં નીચી વૃદ્ધિની શક્યતાં છતાં આઈસીઆઈસીઆઈ બેંકના સમકક્ષ છે.

પખવાડિયામાં સાત કંપનીઓ માર્કેટમાંથી રૂ. 10K ઊભા કરશે
સેકન્ડરી માર્કેટમાં તેજી ઉપરાંત કેટલાંક પ્રિમીયમ લિસ્ટીંગ્સ પાછળ રિટેલનો વધતો રસ

શેરબજાર બેન્ચમાર્ક્સ નવી ટોચ નજીક ટ્રેડ થઈ રહ્યાં છે ત્યારે પ્રાઈમરી માર્કેટમાં પ્રવેશવા માટે કંપનીઓ આતુર બની છે. છેલ્લાં બે મહિનામાં કેટલાંક હાઈ રિટર્ન લિસ્ટીંગ પાછળ રિટેલ રોકાણકારો બજારમાં પરત ફરવાને કારણે આઈપીઓ માર્કેટ ફરી ધમધમ્યું છે. આગામી પખવાડિયામાં સાત કંપનીઓ લગભગ રૂ. 10 હજાર કરોડની રકમ બજારમાંથી ઊભી કરવા તૈયાર થઈ છે.
મૂડી બજારમાં પ્રવેશવા તૈયાર કેટલાંક ટોચના નામોમાં સજ્જન જિંદાલ ફેમિલી ટ્રસ્ટ સમર્થિત જેએસડબલ્યુ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે. કંપની ફ્રેશ ઈક્વિટી મારફતે રૂ. 2800 કરોડની રકમ ઊભી કરે તેવી શક્યતાં છે. ટોચના ઈન્વેસ્ટમેન્ટ બેંકરના જણાવ્યા મુજબ આગામી બે સપ્તાહ આઈપીઓ માર્કેટ માટે ખૂબ વ્યસ્ત જણાય છે. કેમકે ટૂંકાગાળામાં સાત આઈપીઓ બજારમાં પ્રવેશી રહ્યાં છે. સાથે એસએમઈ પ્લેટફોર્મ પર તો નવા લિસ્ટીંગ્સમાં ઉમેરો ચાલુ જ છે. ચાલુ સપ્તાહે બજારમાં સાઈ સિલ્ક્સ કલામંદિર આઈપીઓ પ્રવેશ્યો છે. કંપની માર્કેટમાંથી રૂ. 1200 કરોડ ઊભા કરી રહી છે. જે જેએસડબલ્યુ ઈન્ફ્રા પછીનો બીજો મોટો આઈપીઓ છે. આ ઉપરાંત, મનોજ વૈભવ જેમ્સ રૂ. 270 કરોડ ઊભા કરવા બજારમાં પ્રવેશશે. દિલ્હી સ્થિત રિઅલ્ટી ડેવલપર રૂ. 730 કરોડના આઈપીઓ સાથે બુધવારે બજારમાં પ્રવેશ્યો હતો. જ્યારે યાત્રા ઓનલાઈન રૂ. 775 કરોડ ઊભા કરવા બજારમાં પ્રવેશી છે.
દરમિયાનમાં બુધવારે આર કે કાબેલનું 14 ટકા પ્રિમિયમ સાથે લિસ્ટીંગ જોવા મળ્યું હતું. શેર રૂ. 1035ના ઓફર ભાવ સામે ઉપરમાં રૂ. 1212.70ની ટોચ પર ટ્રેડ થઈ 15.75 ટકા પ્રિમીયમેરૂ. 1198.05ની સપાટીએ બંધ રહ્યો હતો. કંપનીનું માર્કેટ-કેપ રૂ. 13 હજાર કરોડથી ઊંચું જોવા મળ્યું હતું. કંપનીએ ઊંચા પ્રિમીયમે શેર્સ ઓફર કરવા છતાં લિસ્ટીંગ પોઝીટીવ જોવા મળતાં રિટેલ રોકાણકારોને લાભ સાથે એક્ઝિટ મળી હતી. આર કે કાબેલ દેશના શેરબજારમાં ઈસ્યુ બંધ થયા પછીના ત્રણ દિવસોમાં લિસ્ટીંગ કરાવનાર પ્રથમ કંપની બની હતી. સેબીએ 1 સપ્ટેમ્બરથી સ્વૈચ્છિકપણે કંપનીઓને આમ કરવા જણાવ્યું છે. જ્યારે 1 ડિસેમ્બરથી ત્રણ દિવસોમાં લિસ્ટીંગ કરાવવું ફરજિયાત બની રહેશે.

વૈશ્વિક દેવું 307 ટ્રિલીયન ડોલરની નવી ટોચે પહોંચ્યું
ડેટ-ટુ-જીડીપી રેશિયો બીજા ક્વાર્ટરમાં વધી 336 ટકાની સપાટીને સ્પર્શ્યો
યુએસ, જાપાન, બ્રિટન અને ફ્રાન્સને કારણે ડેટ રેશિયોમાં ઊંચી વૃદ્ધિ નોંધાઈ

ચાલુ કેલેન્ડરના બીજા ક્વાર્ટરમાં વિશ્વનું કુલ દેવું 307 ટ્રિલીયન ડોલરની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું હતું. વધતાં ઈન્ટરેસ્ટ રેટ્સ પાછળ બેંક ક્રેડિટમાં અવરોધ છતાં ડેટમાં વૃદ્ધિ જોવા મળી હતી. વૈશ્વિક દેવામાં વૃદ્ધિના બે મુખ્ય ચાલકબળો તરીકે યુએસ અને જાપાન જોવા મળે છે એમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ટરનેશનલ ફાઈનાન્સ(IIF)એ મંગળવારે જણાવ્યું હતું.
આઈઆઈએફના જણાવ્યા મુજબ 2023ના પ્રથમ છ મહિના દરમિયાન ડોલર સંદર્ભમાં વૈશ્વિક ડેટ 10 ટ્રિલીયન ડોલર જેટલું વધ્યું હતું. જ્યારે છેલ્લાં દસકામાં તે 100 ટ્રિલીયન ડોલરની વૃદ્ધિ દર્શાવતું હતું. તાજેતરમાં જોવા મળેલી વૃદ્ધિને કારણે ગ્લોબલ ડેટ-ટુ-જીડીપી રેશિયો સતત બીજા ક્વાર્ટર દરમિયાન વધીને 336 ટકાની સપાટીએ જોવા મળ્યો હતો. અગાઉ સતત સાત ક્વાર્ટર્સ સુધી ડેટ-ટુ-જીડીપી રેશિયોમાં ઘટાડો નોંધાયો હતો. ડેટ રેશિયોમાં વૃદ્ધિના બે મુખ્ય કારણોમાં ધીમો વૃદ્ધિ દર અને ભાવ વૃદ્ધિમાં ઘટાડાનો સમાવેશ થતો હતો. છેલ્લાં બે વર્ષોમાં ડેટ રેશિયોમાં ઘટાડા પાછળનું મુખ્ય કારણ ઈન્ફ્લેશનમાં તીવ્ર વૃદ્ધિ કારણભૂત હતી એમ આઈઆઈએફ જણાવે છે. તેણે ઉમેર્યું હતું કે વેતન અને ભાવો પરનું દબાણ ઓસરતાં ડેટ-ટુ-આઉટપુટ રેશિયો વર્ષાંત સુધીમાં 337 ટકાને પાર કરે તેવી અપેક્ષા છે.
વૈશ્વિક ડેટમાં વૃદ્ધિનો 80 ટકાથી વધુ હિસ્સો વિકસિત દેશો તરફથી જોવા મળ્યો હતો. જેમાં યુએસ, જાપાન, બ્રિટન અને ફ્રાન્સે સૌથી ઊંચી વૃદ્ધિ દર્શાવી હતી. ઈમર્જિંગ માર્કેટ્સમાં સૌથી ઊંચી વૃદ્ધિ ટોચના અર્થતંત્રો જેવાકે ચીન, ભારત અને બ્રાઝિલ તરફથી જોવા મળી હતી. ઊંચા રેટ્સ અને ઊંચા ડેટ લેવલ્સને કારણે સરકારનો વ્યાજ ખર્ચ ઊંચો જોવા મળ્યો હતો જેની પાછળ ડોમેસ્ટીક ડેટમાં વૃદ્ધિ ચાલુ રહેશે એમ આઈઆઈએફ ઉમેરે છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ ઈમર્જિંગ માર્કેટ્સ માટે હાઉસહોલ્ડ(પરિવાર) ડેટ-ટુ-જીડીપી રેશિયો હજુ પણ કોવિડ અગાઉના સ્તરથી ઊંચો જોવા મળી રહ્યો છે. જેમાં મોટો હિસ્સો ચીન, કોરિયા અને થાઈલેન્ડનો જોવા મળે છે. જ્યારે વિકસિત બજારો માટે આ રેશિયો ઘટીને ચાલુ વર્ષના પ્રથમ છ મહિનામાં બે દાયકાના તળિયે જોવા મળે છે.

કોર્પોરેટ હેડલાઈન્સ

ઈન્ફોસિસઃ આઈટી સર્વિસ જાયન્ટે એનવિડિયા સાથે જનરેટીવ આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે વ્યૂહાત્મક જોડાણને મજબૂત બનાવ્યું છે. સાથે તે એનવિડિયા સેન્ટર ઓફ એક્સલેન્સની સ્થાપના પણ કરશે. જ્યાં કંપની 50 હજાર કર્મચારીઓને ટ્રેનીંગ પૂરી પાડશે. જે ટ્રેનીંગ તેને વિવિધ ઉદ્યોગોને જનરેટીવ એઆઈ નિપુણતા પૂરી પાડવાની ક્ષમતા આપશે. અગાઉ એનવિડિયાએ ટીસીએસના 6 લાખ કર્મચારીઓને રિસ્કિલ કરવાની જાહેરાત કરી હતી.
બાયોકોન બાયોલોજિક્સઃ બાયોકોનની સબસિડિયરીએ બુધવારે યુરોપિન કમિશન પાસેથી ઓપ્ટાલ્મોલોજિકલ યુઝ માટે યેસાફિલના માર્કેટિંગ માટેની મંજૂરી મેળવી છે. યેસાફિલ એ એફ્લીબેર્સેપ્ટનું બાયોસિમિલર છે. જુલાઈમાં યુરોપિયન મેડિસિન્સની કમિટી ફોર મેડિસિનાલ પ્રોડક્ટ્સ ફોર હ્યુમન યુઝ તરફથી પોઝીટીવ ભલામણ પાછળ આ મંજૂરી મળી છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝઃ હેવીવેઈટ કંપની તરફથી કેજી-ડી6 જેવા કઠિન ક્ષેત્રોમાંથી ઉત્પાદિત નેચરલ ગેસના ભાવમાં આગામી મહિનેથી 14 ટકા ઘટાડાની શક્યતાં હોવાનું વર્તુળો જણાવે છે. 1 ઓક્ટોબરથી શરૂ થતાં છ મહિના માટે ડીપસી અને હાઈ-પ્રેશર, હાઈ-ટેમ્પરેચર વિસ્તારોમાંથી ઉત્પાદિત ગેસના ભાવ વર્તામન 12.12 ડોલર પ્રતિ એમબીટીયુ પરથી ઘટી 10.4 ડોલર પ્રતિ એમબીટીયુ જોવા મળે તેવી શક્યતાં છે. જેની પાછળ બુધવારે કંપનીના શેર પર દબાણ નોંધાયું હતું.
MI રિસર્ચઃ માર્કેટ રેગ્યુલેટર સેબીએ રિસર્ચ કંપની એમઆઈ રિસર્ચ પર રૂ. 35 લાખનો દંડ ફટકાર્યો છે. રેગ્યુલેટરે નિયમોના ભંગ બદલ આમ કર્યું છે. સેબી રજીસ્ટર્ડ એડવાઈઝરે તેની તપાસમાં જાણ્યું હતું કે કંપનીએ ગ્રાહકો પાસેથી અસાધારણ રીતે ઊંચી ફી વસૂલ કરી હતી. કંપનીએ 748 ક્લાયન્ટ્સ પાસેથી રિસર્ચ ફી પેટે રૂ. 1.95 કરોડ મેળવ્યાં હતાં. જે સેબીના નિયમોથી ઘણી વધારે હતી.
પ્રકાશ ઈન્ડસ્ટ્રીઝઃ સ્ટીલ કંપનીએ કેન્દ્રિય પર્યાવરણ વિભાગ તરફથી તેના છત્તીસગઢના ભાસ્કરપારા સ્થિત કમર્સિયલ કોલ માઈન પ્રોજેક્ટ માટે એન્વાર્યમેન્ટલ ક્લિઅરન્સ મેળવી લીધું છે. આ માઈનમાંથી કોલ સપ્લાય કંપનીના ઈન્ટિગ્રેટેડ સ્ટીલ ઓપરેશન્સને સ્થિરતા પૂરી પાડવા સિવાય નોંધપાત્ર કોસ્ટ કટીંગ પણ દર્શાવશે.
અશોક બિલ્ડકોનઃ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીએ મહારાષ્ટ્ર ઈલેક્ટ્રીસિટી બોર્ડ પાસેથી રૂ. 646 કરોડના મૂલ્યનો ઓર્ડર મેળવ્યો છે. કંપનીએ યવતમાલ, નાસિક, ઉરબાન, લાતુર અને ઓસ્માનાબાદ સર્કલ્સ માટે આ ઓર્ડર મેળવ્યો છે. આ ઓર્ડર ઈલેક્ટ્રીસિટી ડીસ્ટ્રીબ્યુશન ઈન્ફ્રાક્ટ્રક્ચરના ડેવલપમેન્ટ માટે મેળવવામાં આવ્યો છે.

dhairya@socialcoffee.in

Share
Published by
dhairya@socialcoffee.in
Tags: Market Tips

Recent Posts

Rubicon Research IPO: Apply for Short-Term Gains?

Unlocking an Upcoming Investment Opportunity: Rubicon Research IPO Rubicon Research is making headlines with its…

2 weeks ago

Canara Robeco IPO: Apply for Short-Term Gains or Avoid?

Unlocking the Canara Robeco Asset Management Company IPO: A Guide for Every Investor Did you…

2 weeks ago

Tata Turmoil: 5 Secrets to Protect Your Wallet Now

Imagine you’re at a big family gathering and suddenly, your relatives start arguing about who…

2 weeks ago

Shlokka Dyes IPO Verdict: Apply for Short-Term Gains?

Shlokka Dyes IPO: Is It Worth Your Investment? Did you know that Shlokka Dyes is…

2 weeks ago

LG India IPO Verdict: Apply for Listing Gains Today!

LG India IPO: Should You Buy a Piece of Your TV and Fridge Company? Introduction…

2 weeks ago

5 Simple Steps to Secure a Wealthy Retirement Before 40

Did you know that starting your retirement planning in India before your 40s can make…

2 weeks ago

This website uses cookies.