માર્કેટ સમરી
વૈશ્વિક મંદીની ચિંતા પાછળ સતત બીજા સત્રમાં વેચવાલીનું જોર
વોલેટિલિટી ઈન્ડેક્સ 4 ટકા ઉછળી 19.03ની સપાટીએ
નિફ્ટી મેટલમાં 3 ટકાનું જ્યારે ઓટો- આઈટીમાં 2-2 ટકાનું ગાબડું
બેંકિંગ અને ફાર્મામાં પણ વેચવાલી જળવાય
અદાણી પાવર વધુ 5 ટકા ઉછળ્યો
બ્રોડ માર્કેટમાં લેણ ખરતાં જાતે-જાતમાં ગાબડાં
ITC અને ટોરેન્ટ પાવરે નવી ટોચ દર્શાવી
બાયોકોન, સનોફી ઈન્ડિયા અને એલેમ્બિક ફાર્મા વાર્ષિક તળિયે
વૈશ્વિક બજારોમાં અન્ડરટોન નરમ
ચાલુ સપ્તાહે જેકસન હોલ જેવી મહત્વની ઈવેન્ટ અગાઉ વૈશ્વિક શેરબજારોમાં વેચવાલી જોવા મળી રહી છે. ભારતીય બજારમાં સતત બીજા ટ્રેડિંગ સત્રમાં લેણ ફૂંકાતા બેન્ચમાર્ક્સમાં એક ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. બીએસઈ સેન્સેક્સ 872 પોઈન્ટ્સ ગગડી 58774ની સપાટીએ જ્યારે નિફ્ટી 268 પોઈન્ટ્સના ઘટાડે 17491ના લેવલે બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં ભારે વેચવાલીને પગલે નિફ્ટી-50ના પચાસ કાઉન્ટર્સમાંથી માત્ર પાંચમાં સુધારો નોંધાયો હતો. જ્યારે 45 કાઉન્ટર્સ ઘટાડો દર્શાવતાં હતાં. આશ્ચર્યની વાત એ છે કે સુધારો દર્શાવનારા પાંચમાંથી એકપણ કાઉન્ટર એક ટકો મજબૂતી પણ નોંધાવી શક્યું નહોતું. બ્રોડ માર્કેટમાં પણ ગભરાટ જોવા મળ્યો હતો અને તેથી રિટેલર્સે પણ તેમની પોઝીશન છોડવાનું યોગ્ય માન્યું હતું. જેની પાછળ માર્કેટ બ્રેડ્થ નરમ જોવા મળી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ 4 ટકાથી વધુના સુધારે 19.03ની સપાટીએ બંધ રહ્યો હતો.
વિતેલા સપ્તાહે 18 હજારની નજીક પહોંચ્યાં બાદ બજારમાં વેચવાલી જોવા મળી હતી. જે નવા સપ્તાહે વધુ બળવાન બની હતી. સપ્તાહાંતે વૈશ્વિક બજારોમાં નરમાઈ પાછળ એશિયામાં ચીનને બાદ કરતાં અન્યત્ર ઘટાડો જોવા મળી રહ્યો હતો. જેની પાછળ ભારતીય બજાર પણ ગેપ-ડાઉન ઓપનીંગ બાદ દિવસ દરમિયાન સતત ઘસાતું રહ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી 17683ની સપાટીએ ઓપન થઈ 17467ના તળિયા સુધી ગગડ્યાં બાદ લગભગ તેની નજીક જ બંધ જોવા મળ્યો હતો. કામકાજની આખરમાં નિફ્ટી ફ્યુચર્સ કેશ નિફ્ટીની સામે 9 પોઈન્ટ્સના પ્રિમીયમે બંધ રહ્યો હતો. નિફ્ટીમાં પાંચ પોઝીટીવ બંધ દર્શાવનારા કાઉન્ટર્સમાં ટાટા કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સ 0.9 ટકા સાથે ટોચ પર હતો. જે ઉપરાંત આઈટીસી, કોલ ઈન્ડિયા, બ્રિટાનિયા અને નેસ્લે પણ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. બીજી બાજુ ટાટા સ્ટીલ, એશિયન પેઈન્ટ્સ, અદાણી પોર્ટ્સ, ટાટા મોટર્સ, જેએસડબલ્યુ સ્ટીલ, ડિવિઝ લેબ્સ અને યૂપીએલ ત્રણ ટકાથી વધુનો ઘટાડો સૂચવતાં હતાં. સેક્ટરલ સૂચકાંકોમાં મેટલ ઈન્ડેક્સ સૌથી વધુ દબાણ દર્શાવતો હતો. નિફ્ટી મેટલ 3 ટકા ઘટાડે બંધ જોવા મળ્યો હતો. જેમાં જિંદાલ સ્ટીલ 5.15 ટકા સાથે સૌથી ઊંચો ઘટાડો સૂચવતો હતો. આ ઉપરાંત સેઈલ, જેએસડબલ્યુ સ્ટીલ, એનએમડીસી, નાલ્કો, અદાણી એન્ટરપ્રાઈઝ, હિંદાલ્કો અને વેદાંતમાં 2 ટકાથી વધુની નરમાઈ જોવા મળી હતી. મેટલ બાદ ઓટો અને આઈટી તેમજ પીએસયૂ બેંકિંગમાં નોંધપાત્ર વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી ઓટો 1.94 ટકા ઘટાડે 12696ની સપાટીએ બંધ રહ્યો હતો. જેમાં અશોક લેલેન્ડ, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, ટાટા મોટર્સ, ટ્યૂબ ઈન્વેસ્ટમેન્ટ, અમરા રાજા બેટરીઝ, બાલક્રિષ્ણ ઈન્ડસ્ટ્રીઝ, એમઆરએફ, ટીવીએસ મોટર્સ અને હીરો મોટોકોર્પ જેવા કાઉન્ટર્સ 2 ટકાથી વધુ ધોવાણ સૂચવતાં હતાં. નિફ્ટી આઈટી 1.86 ટકા ગગડ્યો હતો. જેનું મુખ્ય કારણ મીડ-કેપ આઈટી કાઉન્ટર્સ હતાં. જેમાં કોફોર્જ લિ. 4.1 ટકા, માઈન્ડટ્રી 4 ટકા, એલએન્ડટી ઈન્ફોટેક 3.5 ટકા, વિપ્રો 2.9 ટકા અને ટેક મહિન્દ્રા 2.3 ટકા ઘટાડો સૂચવી રહ્યાં હતાં. નિફ્ટી ફાર્મા 1.65 ટકા ગગડ્યો હતો. જેના ઘટાડાની આગેવાની ડિવિઝ લેબોરેટીરીઝે લીધી હતી. શેર 3.13 ટકા તૂટ્યો હતો. જ્યારે ઓરોબિંદો ફાર્મા, સન ફાર્મા, ઝાયડસ લાઈફ, ટોરેન્ટ ફાર્મા, લ્યુપિન, બાયોકોન પણ નરમાઈ સૂચવતાં હતાં. બેંકિંગમાં સાર્વત્રિક વેચવાલીનું માહોલ હતું. પીએસયૂ અને પ્રાઈવેટ, બંને સેગમેન્ટમાં ઘટાડો નોઁધાયો હતો. જોકે પીએસયૂ બેંક્સમાં વેચવાલીની તીવ્રતા ઊંચી હતી. જેની પાછળ પીએસયૂ બેંક નિફ્ટી 2 ટકાથી વધુ ગગડ્યો હતો. જેમાં પીએનબી 2.9 ટકા સાથે ટોચ પર હતો. પ્રાઈવેટ બેંક્સમાં કોટક મહિન્દ્રા 2.4 ટકા, આઈડીએફસી ફર્સ્ટ બેંક 2.3 ટકા, આઈસીઆઈસીઆઈ બેંક 2 ટકા, એક્સિસ બેંક 2 ટકા, એસબીઆઈ 1.75 ટકા અને બેંક ઓફ બરોડા પણ 1.75 ટકા ઘટાડો સૂચવતો હતો. એફએમસીજી સેક્ટરમાં સ્થિરતા જોવા મળી હતી. જેમાં આઈટીસી અને બ્રિટાનિયા જેવા કાઉન્ટર્સ મજબૂત ટકી રહ્યાં હતાં. આઈટીસી છેલ્લાં ઘણા વર્ષોની ટોચ પર ટ્રેડ થઈ પોઝીટીવ બંધ રહ્યો હતો. કોલગેટ, બ્રિટાનિયા અને નેસ્લે પણ ગ્રીન ઝોનમાં જોવા મળતાં હતાં. જોકે વરુણ બેવરેજીસમાં 7 ટકા અને જ્યુબિલિઅન્ટ ફૂડમાં 5.35 ટકાનો ઘટાડો નોંધાયો હતો. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં સન ટીવી 2.9 ટકા સાથે સારો દેખાવ દર્શાવી રહ્યો હતો. આ સિવાય ડો. લાલ પેથલેબ, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ, નિપ્પોન, ભારત ઈલે., ડિક્સોન ટેક્નોલોજી, સિમેન્સ વગેરેમાં મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ એચપીસીએલ 6.5 ટકાનો તીવ્ર ઘટાડો દર્શાવતો હતો. જ્યારે ટ્રેન્ટ 6 ટકા, જ્યુબિલિઅન્ટ ફૂડ 5.35 ટકા, જીએનએફસ 5.3 ટકા, ચંબલ ફર્ટિલીઝર 5 ટકા અને ઈન્ફો એજ 4.7 ટકા ઘટાડો સૂચવતાં હતાં. એલ્ગી ઈક્વિપમેન્ટ્સ, ગ્રાઈન્ડવેલ નોર્ટો, ફિનિક્સ મિલ્સ, સોલાર ઈન્ડસ્ટ્રીઝે વાર્ષિક ટોચ દર્શાવી હતી. બીએસઈ ખાતે કુલ 3706 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2387 ઘટાડો દર્શાવતાં હતાં. જ્યારે માત્ર 1172માં જ સુધારો જોવા મળ્યો હતો. 146 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ નોંધાવી હતી. જ્યારે 46 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. 147 કાઉન્ટર્સ અગાઉના બંધ સ્તરે ફ્લેટ જોવા મળ્યાં હતાં.
NIFTY-50 કંપનીઓના વડાઓના વેતનમાં 2021-22માં 45 ટકાની તગડી વૃદ્ધિ
2020-21માં સરેરાશ રૂ. 16.41 કરોડ સામે 2021-22માં રૂ. 23.83 કરોડનું વેતન મેળવ્યું
HCL ટેક્નોલોજીના સી વિજયકુમારના વેતનમાં 100 ટકા અને સજ્જન જિંદાલના વેતનમાં 61.4 ટકાનો ઉછાળો નોંધાયો
IT ઉદ્યોગે 94 ટકા વૃદ્ધિ આપી જ્યારે ઓઈલ-ગેસ અને કન્ઝ્યૂમેબલ ફ્યુઅલ્સમાં માત્ર એક ટકા વધારો
નેશનલ સ્ટોક એક્સચેન્જના બેન્ચમાર્ક નિફ્ટી-50માં સમાવિષ્ટ કંપનીઓના વડાઓએ નાણાકિય વર્ષ 2021-22માં વાર્ષિક ધોરણે 45 ટકાની તગડી વેતન વૃદ્ધિ દર્શાવી હતી. આ કંપનીઓના વડાઓએ 2020-21માં સરેરાશ રૂ. 16.41 કરોડ સામે 2021-22માં રૂ. 23.83 કરોડનું વેતન મેળવ્યું હતું. જેમાં આઈટી કંપનીઓના મુખિયાઓએ સૌથી ઊંચી વેતન વૃદ્ધિ નોંધાવી હતી. જ્યારે ઓઈલ-ગેસ અને કન્ઝ્યૂમેબલ ફ્યુઅલ્સમાં માત્ર એક ટકાનો નજીવો સુધારો જોવા મળ્યો હતો.
બેન્ચમાર્કની 50 કંપનીઓના સીઈઓ અને એમડીના વેતન વૃદ્ધિનો અભ્યાસ સૂચવે છે કે એચસએલ ટેક્નોલોજી જેવી ટોચની આઈટી કંપનીના સીઈઓ સી વિજયકુમારે તેમના વેતનમાં 100 ટકા વૃદ્ધિ દર્શાવી હતી. તો સ્ટીલ કંપની જેએસડબલ્યુ સ્ટીલના સજ્જન જિંદાલના વેતનમાં 61.4 ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ સિવાય ટેક મહિન્દ્રાના સીપી ગુરનાનીનું વેતન 48.3 ટકા, લાર્સન એન્ડ ટુબ્રોના એસ એન સુબ્રમણ્યમનું વેતન 32.8 ટકા અને હિંદાલ્કો ઈન્ડસ્ટ્રીઝના સતીષ પાઈનું વેતન 21.9 ટકા વૃદ્ધિ દર્શાવતું હતું. જો ઉદ્યોગ મુજબ વેતન વૃદ્ધિ પર નજર નાખીએ તો ઈન્ફર્મેશન ટેક્નોલોજી સેક્ટરે 93.94 ટકા સાથે કંપનીના સીઈઓના વેતનમાં સૌથી ઊંચી વૃદ્ધિ નોંધાવી હતી. જ્યારબાદ મેટલ્સ એન્ડ માઈનીંગ(67 ટકા), ઓટોમોટીવ એન્ડ ઓટો કોમ્પોનેન્ટ્સ(51.32 ટકા), હેલ્થકેર(25.44 ટકા), કન્સ્ટ્રક્શન મટિરિયલ્સ(22.63 ટકા), ફાઈનાન્સિયલ સર્વિસિસ(18.53 ટકા) અને ફાસ્ટ મુવીંગ કન્ઝ્યૂમર ગુડ્ઝ(17.44 ટકા) વેતન વૃદ્ધિ દર્શાવતાં હતાં. જાહેર સાહસોની વાત કરીએ તો એનટીપીસીના ગુરદિપ સિંઘ રૂ. 1.37 કરોડ સાથે સૌથી ઊંચું વેતન દર્શાવતાં હતાં. જ્યારબા બીપીસીએલના એમડી અરુણ કુમાર સિંઘ (રૂ. 1.32 કરોડ), પાવર ગ્રીડના કે શ્રીકાંત(રૂ. 0.82 કરોડ), ઓએનજીસીના અલ્કા મિત્તલ(રૂ. 0.96 કરોડ) અને કોલ ઈન્ડિયાના પ્રમોદ અગ્રવાલ(રૂ. 0.52 કરોડ)નો સમાવેશ થાય છે.
કયા ઉદ્યોગે કેટલી વેતન વૃદ્ધિ આપી
ઉદ્યોગ ક્ષેત્ર વેતન વૃદ્ધિ(ટકામાં)
ઈન્ફર્મેશન ટેક્નોલોજી 93.94
મેટલ્સ એન્ડ માઈનીંગ 66.94
ઓટોમોબાઈલ 51.32
હેલ્થકેર 25.44
કન્સ્ટ્રક્શન મટિરિયલ્સ 22.63
ફાઈનાન્સિયલ સર્વિસિઝ 18.53
ફાસ્ટ મુવીંગ કન્ઝ્યૂમર ગુડ્ઝ 17.44
ઓઈલ-ગેસ અને કન્ઝ્યૂમેબલ ફ્યુઅલ્સમાં 0.93
કોટનનો ભાવ ફરી ખાંડીએ રૂ. 1 લાખ પર પહોંચ્યો
લગભગ અઢી મહિના બાદ કોટનના ભાવ ફરી રૂ. 1 લાખ પ્રતિ ખાંડીએ પહોંચ્યાં છે. વૈશ્વિક બજારમાં મજબૂતી અને સ્થાનિકમાં માલની તંગી પાછળ કોટનમાં ભાવ તેની સર્વોચ્ચ સપાટી પર પરત ફર્યાં છે. બજાર વર્તુળોના મતે માગના અભાવ વચ્ચે ભાવ મજબૂત ટકી રહ્યાં છે. જે સૂચવે છે કે નવી સિઝનમાં ભાવમાં ઝડપી ઘટાડાની શક્યતા નથી. નવેમ્બર-ડિસેમ્બર ડિલિવરી માલો પણ રૂ. 75 હજાર ઉપર ટ્રેડ થઈ રહ્યાં છે. બજારમાં 15 સપ્ટેમ્બર આસપાસ નવા માલ આવવાની ગણતરી છે. જ્યારબાદ ભાવ પર થોડું દબાણ ઊભું થઈ શકે છે.
ફ્યુચર રિટેલ પાસે ક્રેડિટર્સે રૂ. 21057 કરોડનો દાવો માંડ્યો
લગભગ 33 જેટલા ફાઈનાન્સિયલ ક્રેડિટર્સે ફ્યુચર રિટેલ પાસે રૂ. 21057 કરોડનો દાવો માંડ્યો છે. કોર્પોરેટ ઈન્સોલ્વન્સી રેઝોલ્યુશન પ્રોસેસમાંથી પસાર થઈ રહેલી કંપનીએ રજૂ કરેલો ડેટા આમ સૂચવે છે. કુલ ક્લેઈમ્સમાંથી રૂ. 17511.69 કરોડની રકમ ઈન્ટરિમ રેઝોલ્યુશન પ્રોફેશ્નલ(આઈઆરપી)એ વેરિફાઈ પણ કરી છે. જ્યારે રૂ. 3546 કરોડની રકમ હજુ વેરિફાઈ કરવાની બાકી હોવાનું કંપનીએ જણાવ્યું છે. યુએસ સ્થિત બેંક ઓફ ન્યૂ યોર્ક મેલોને રૂ. 4669 કરોડનો દાવો માંડ્યો છે. જેમાંથી રૂ. 4109 કરોડની ખરાઈ થઈ ચૂકી છે. સ્થાનિક પીએસયૂ બેંક્સ કુલ દાવાનો 60 ટકા હિસ્સો ધરાવે છે. જેમાં એસબીઆઈ, યુનિયન બેંક, બેંક ઓફ બરોડા, સેન્ટ્રલ બેંક, ઈન્ડિયન બેંક, પીએનબી, યૂરો બેંક, આઈઓબી મળીને રૂ. 12,755 કરોડનો દાવો ધરાવે છે. પ્રાઈવેટ બેંકર્સ એક્સિસ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંક અને યસ બેંક અનુક્રમે રૂ. 464.46 કરોડ, રૂ. 357.67 કરોડ, રૂ. 220.55 કરોડ અને રૂ. 148.70 કરોડની રકમ માગી રહ્યાં છે. એક્સિસ ટ્રસ્ટી સર્વિસિસે રૂ. 1266.28 કરોડનો દાવો માંડ્યો છે. જોકે હજુ સુધી તમામ રકમની ખરાઈ બાકી છે. બેંક્સ તરફથી કરવામાં આવેલા ક્લેમ્સના દાવા બાદ આઈઆરપી કમિટિ ઓફ ક્રેડિટર્સની રચના કરશે. જ્યારબાદ સંભવિત બીડર્સ પાસેથી એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ મંગાવશે.
SFBsને NBFCs સાથે કો-લેન્ડિંગની છૂટ મળવાની શક્યતાં
સ્મોલ ફાઈનાન્સ બેંક્સને કેટેગરી-1 લાયસન્સ માટે ઓથોરાઈઝ્ડ ડિલર તરીકેની યોગ્ય ઠેરવ્યાં બાદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તેમને નોન-બેંકિંગ ફાઈનાન્સ કંપનીઝ સાથે મળી કો-લેન્ડિંગ માટેની છૂટ આપે તેવી શક્યતાં છે. હાલમાં એસએફબીને અન્ય લેંડર સાથે કો-લેંડિંગ માટેની છૂટ નથી. માત્ર શેડ્યૂલ્ડ કમર્સિયલ બેંક્સ અને એનબીએફસી જ પ્રાયોરિટી સેક્ટર્સ જેવાકે એગ્રીકલ્ચર, એમએસએમઈ, એજ્યૂકેશન, હાઉસિંગમાં કો-લેન્ડિંગ કરવાની છૂટ ધરાવે છે. અત્યાર સુધી આરબીઆઈએ એસએફબીને માત્ર ડાયરેક્ટ લેડિંગની જ છૂટ આપી છે. જોકે ઉદ્યોગ તરફથી કો-લેન્ડિંગની છૂટ આપવા માટે કરવામાં આવેલી માગણીને તે માન્ય રાખે તેવી શક્યતાં છે.
દેશમાં ખરિફ વાવણીનો આંક 10 કરોડ હેકટરને પાર કરી ગયો
જોકે ગઈ સિઝનની સરખામણીમાં 27 લાખ હેકટર સાથે વાવેતર વિસ્તારમાં 2.5 ટકા ઘટાડો
ડાંગરનું વાવેતર ખરિફ 2021ની સરખામણીમાં 8 ટકા કરતાં વધુ નીચું
જોકે યુપી, બિહાર અને પશ્ચિમ બંગાળમાં સારા વરસાદે ડાંગરના પાછોતરા વાવેતરમાં વેગ
કપાસ અને જાડાં ધાન્યોના વાવેતરમાં વૃદ્ધિ નોંધાઈ
કઠાળના વાવેતરમાં 5 ટકાથી વધુનો ઘટાડો
ખરિફ વાવેતર સિઝન લગભગ પૂર્ણ થવા આવી છે ત્યારે કુલ વાવેતર 10 કરોડ હેકટરનો આંકડો વટાવી 10.12 કરોડ હેકટર પર જોવા મળે છે. જે ગઈ સિઝનમાં સમાનગાળામાં 10.39 હેકટરની સરખામણીમાં 37 ટકા અથવા તો 2.5 ટકાનો ઘટાડો સૂચવે છે. દેશમાં સરેરાશ 10.84 લાખ હેકટર ખરિફ વાવેતર વિસ્તારને જોતાં આગામી પખવાડિયામાં વાવેતરમાં વધુ 30-40 લાખ હેકટર વિસ્તાર ઉમેરાય તેવી શક્યતાં છે.
ચાલુ ચોમાસુ સિઝનમાં ડાંગરના વાવેતરમાં નોઁધપાત્ર ઘટાડાને કારણે કુલ વાવેતર વિસ્તાર પણ ખાધ દર્શાવી રહ્યો છે. ગયા શુક્રવાર સુધીમાં ડાંગરનું કુલ વાવેતર 3.43 કરોડ હેકટરમાં જોવા મળતું હતું. જે ગઈ સિઝનમાં સમાનગાળામાં 3.75 કરોડ હેકટરમાં નોંધાયું હતું. આમ ચાલુ વર્ષે 8.25 ટકા વાવેતર વિસ્તાર ઘટ્યો છે. સામાન્યરીતે મુખ્ય ખરિફ પાક ડાંગરનું વાવેતર 3.97 કરોડ હેકટરમાં જોવા મળે છે. જેની સરખામણીમાં વાવેતરમાં 10 ટકાથી વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લાં બે સપ્તાહમાં ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં ચોમાસુ રિવાઈવ થવાથી વ્યાપક વરસાદને કારણે ડાંગરના વાવેતર વિસ્તારમાં ઘટાડો અટક્યો છે. અગાઉના સપ્તાહે ડાંગરના વિસ્તારમાં વાર્ષિક ધોરણે 15 ટકા ઘટાડો જોવા મળતો હતો. બિહારમાં ડાંગરના વિસ્તારમાં 3.4 લાખ હેકટર, ઝારખંડમાં 1.14 લાખ હેકટર, પશ્ચિમ બંગાળમાં 6.3 લાખ હેકટર અને ઉત્તર પ્રદેશમાં 2.7 લાખ હેકટરનો ઘટાડો નોંધાયો છે. મુખ્ય ખરિફ ધાન્ય પાકનું વાવેતર ઘટવાને કારણે દેશમાં ચોખાનું ઉત્પાદન 1-1.5 કરોડ ટનનો ઘટાડો દર્સાવે તેવો ડર પણ જોવા મળી રહ્યો છે. ગઈ ખરિફમાં ભારતમાં 11.1 કરોડ ટન ચોખાનું ઉત્પાદન નોંધાયું હતું. કેટલાંક રાજ્યોમાં ખેડૂતો હવે ટૂંકાગાળાના પાકો જેવાકે કઠોળ અને જાડાં ધાન્યો તરફ વળ્યાં હોવાનું પણ જોવા મળે છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ 1 જૂનથી 21 ઓગસ્ટ સુધીમાં દેશમાં ચોમાસામાં સામાન્ય કરતાં 8 ટકા અધિક વરસાદ નોંધાયો છે. જોકે ડાંગર પકવતાં રાજ્યોની વાત કરીએ તો યુપીમાં 44 ટકાની તીવ્ર ખાધ જોવા મળી રહી છે. પશ્ચિમ બંગાળમાં 18 ટકા, ઝારખંડમાં 26 ટકા અને બિહારમાં 40 ટકાની ખાધ નોંધાઈ છે. દક્ષિણમાં ડાંગર પકવતાં મહત્વના રાજ્ય તેલંગાણામાં અધિક વરસાદને કારણે ડાંગરના પાકને નુકસાન જોવા મળ્યું છે. ડાંગરના વાવેતરમાં ઘટાડાને કારણે સરકાર કોમોડિટીની નિકાસ પર પ્રતિબંધ મૂકે તેવો ડર પણ વેપારીઓને સતાવી રહ્યો છે. સરકારે રવિ સિઝનમાં ઘઉંના ઉત્પાદનમાં તથા એફસીઆઈ તરફથી ખરીદીમાં ઘટાડાને કારણે મે મહિનામાં ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લાગુ પાડ્યો હતો. જોકે ઘઉંથી વિપરીત સરકારી પુલમાં ચોખાનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. ભારત વિશ્વમાં ચોખાનો બીજા ક્રમનો ઉત્પાદક અને ટોચનો નિકાસકાર છે. વૈશ્વિક ચોખાના વેપારમાં ભારત 40 ટકા હિસ્સો ધરાવે છે. 2021-22માં ભારતે 2.12 કરોડ ટન ચોખાની નિકાસ કરી હતી. જેમાંથી 39.4 લાખ ટન બાસમતી ચોખા હતાં.
અન્ય ખરિફ પાકો પર નજર નાખીએ તો ડાંગર ઉપરાંત કઠોળનું વાવેતર પણ ઘટાડો દર્શાવે છે. ગઈ સિઝનની સરખામણીમાં તે 5 ટકા નીચું 1.26 કરોડ હેકટરમાં જોવા મળે છે. જ્યારે જાડાં ધાન્યોનું વાવેતર 3.2 ટકા વધી 1.73 કરોડ હેકટરમાં નોંધાયું છે. મુખ્ય કમર્સિયલ ક્રોપ કપાસનું વાવેતર 6.61 ટકા વૃદ્ધિ સાથે 1.24 કરોડ હેકટરમાં શક્ય બન્યું છે. જ્યારે તેલિબિયાંનું વાવેતર લગભગ એક ટકા ઘટાડે 1.84 કરોડ હેકટરમાં જોવા મળે છે. જેમાં સોયાબિનનું વાવેતર વૃદ્ધિ દર્શાવે છે. જ્યારે મગફળી અને તલના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે.
દેશમાં મુખ્ય ખરિફ પાકોના વાવેતરનું ચિત્ર(કરોડ હેકટરમાં)
પાક સરેરાશ વાવેતર ખરિફ 2022 ખરિફ 2021 ઘટાડો(ટકામાં)
ડાંગર 3.97 3.43 3.75 -8.25
કઠોળ 1.40 1.26 1.37 -5.35
જાડાં ધાન્યો 1.86 1.73 1.67 3.17
તેલિબિયાં 1.84 1.84 1.86 -0.75
કપાસ 1.26 1.24 1.17 6.61
શેરડી 0.47 0.55 0.54 1.47
કુલ 10.84 10.12 10.39 -2.5
કોર્પોરેટ હેડલાઈન્સ
જેબીએમ ઓટોઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 865 કરોડની આવક દર્શાવી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 546 કરોડની સામે 58 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીનો નેટ પ્રોફિટ ગયા વર્ષે રૂ. 12 કરોડ સામે 108 ટકા ઉછળી રૂ. 25 કરોડ રહ્યો હતો.
સિયારામ સિલ્કઃ ટેક્સટાઈલ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 31 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 12 કરોડ સામે 1.5 ગણી વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 233 કરોડ સામે 71 ટકા ઉછળી રૂ. 399 કરોડ રહી હતી.
ગ્રેન્યૂલ્સ ઈન્ડિયાઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 127.6 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 120.2 કરોડ સામે 3 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 850 કરોડ સામે 20 ટકા ઉછળી રૂ. 1020 કરોડ રહી હતી.
સોભા ડેવલપર્સઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 13.7 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 10.8 કરોડ સામે 20 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 512.3 કરોડ સામે 15 ટકા ઉછળી રૂ. 582 કરોડ રહી હતી.
એમઆરએફઃ ટાયર કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 120 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 168 કરોડ સામે 29 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 4184 કરોડ સામે 36 ટકા વૃદ્ધિ સાથે રૂ. 5696 કરોડ રહી હતી.
ફેર કેમઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 27 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 22 કરોડ સામે 23 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 139 કરોડ સામે 62 ટકા ઉછળી રૂ. 225 કરોડ રહી હતી.
લક્સઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 50 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 63.7 કરોડ સામે 22 ટકાનો ઘટાડો સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 585 કરોડ સામે 17 ટકા ગગડી રૂ. 500 કરોડ રહી હતી.
એસ્ટ્રાઝેનેકાઃ કંપનીને ડીસીજીઆઈએ ઓલાપેરિબ ફિલ્મ-કોટેડ ટેબ્લેટ્સની આયાત કરવાની તથા માર્કેટિંગ કરવાની છૂટ આપી છે.
શિલ્પા મેડિકેરઃ ફાર્મા કંપનીએ તેના પ્રથમ બાયોસિમિલર એડાલીમુમાબ માટે ત્રણ હ્યુમન ક્લિનિકલ સ્ટડિઝનો તબક્કો સફળ રીતે પૂરો કર્યો છે.
સોના બીએલડબલ્યુઃ એસબીઆઈ મ્યુચ્યુલ ફંડે વિવિધ સ્કિમ્સ હેઠળ કંપનીના 1.494 કરોડ શેર્સ અથવા 2.55 ટકા હિસ્સો ખરીદ્યો છે.
જેએસડબલ્યુ સ્ટીલઃ સ્ટીલ કંપનીએ ભારતમાં સ્ક્રેપ શ્રેડિંગ ફેસિલિટિઝની સ્થાપના માટે નેશનલ સ્ટીલ હોલ્ડિંગ્સ સાથે 50:50ની ભાગીદારીમાં સંયુક્ત સાહસ માટે એગ્રીમેન્ટ કર્યાં છે.
Unlocking an Upcoming Investment Opportunity: Rubicon Research IPO Rubicon Research is making headlines with its…
Unlocking the Canara Robeco Asset Management Company IPO: A Guide for Every Investor Did you…
Imagine you’re at a big family gathering and suddenly, your relatives start arguing about who…
Shlokka Dyes IPO: Is It Worth Your Investment? Did you know that Shlokka Dyes is…
LG India IPO: Should You Buy a Piece of Your TV and Fridge Company? Introduction…
Did you know that starting your retirement planning in India before your 40s can make…
This website uses cookies.