બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
બ્રોડ બેઝ ખરીદી વચ્ચે બેન્ચમાર્ક્સમાં બીજા દિવસે મજબૂત મોમેન્ટમ
વૈશ્વિક બજારોની સરખામણીમાં ભારતીય બજારનું આઉટપર્ફોર્મન્સ
ફાર્મા, ઓટો, મેટલ, આઈટી, બેંકિંગ, રિઅલ્ટી સહિતના ક્ષેત્રોમાં જોવા મળેલી ખરીદી
બીએસઈ ખાતે બેથી વધુ શેર્સમાં સુધારા સામે એક શેર્સમાં ઘટાડો નોંધાયો
નિફ્ટી કાઉન્ટર્સમાં હિંદાલ્કો, ટાટા મોટર્સ, ડિવિઝ લેબ, બજાજ ફાઈનાન્સ સુધરવામાં મોખરે
શેરબજારમાં સતત બીજા દિવસે મજબૂત મોમેન્ટમ જોવા મળ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 612 પોઈન્ટ્સ અથવા એક ટકાથી વધુના સુધારે 56931 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 184 પોઈન્ટ્સ ઉછળી 16955 પર બંધ રહ્યો હતો. બંને બેન્ચમાર્ક્સ લગભગ તેમની દિવસની ટોચ નજીક જ બંધ આપવામાં સફળ રહ્યાં હતાં. માર્કેટમાં તેજીવાળાઓ ભારે સક્રિય જોવા મળ્યાં હતાં. જેને કારણે બજાર સમગ્ર દિવસ દરમિયાન પોઝીટીવ ઝોનમાં ટકેલું રહ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 5.5 ટકા ઘટી 16.58ની સપાટી પર જોવા મળ્યો હતો. છેલ્લાં બે દિવસમાં તેણે નોઁધપાત્ર ઘટાડો દર્શાવ્યો છે. નિફ્ટના 50માંથી માત્ર નવ કાઉન્ટર્સ નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે બાકીના 41માં સુધારો જોવા મળ્યો હતો.
યુએસ બજારમાં મંગળવારે મજબૂત બાઉન્સને કારણે અગ્રણી તમામ એશિયન બજારો ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યાં હતાં. જેની પાછળ ભારતીય બજારે કામગીરીની મજબૂત શરૂઆત દર્શાવી એક નાનો પોઝ લીધાં બાદ સુધરવાનું ચાલુ રાખ્યું હતું. જેને કારણે શોર્ટ સેલર્સે તેમની પોઝીશન કવર કરવા માટે દોટ લગાવી હતી અને બંધ થતાંના આખરી કલાકમાં બજારે ઝડપી સુધારો દર્શાવ્યો હતો. જોકે આમ છતાં નિફ્ટી 17 હજારનું સ્તર દર્શાવી શક્યો નહોતો. હજુ તે અવરોધથી થોડો છેટે જોવા મળી રહ્યો છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટીને 17200ના સ્તર આસપાસ અવરોધ નડી શકે છે. આમ આગામી ટ્રેડિંગ સત્રોમાં નિફ્ટી વધ-ઘટ વચ્ચે આ સપાટી સુધી જવાનો પ્રયાસ ચાલુ રાખે તેવી શક્યતાં છે. નીચામાં તેને સોમવારે દર્શાવેલું 16410નું તળિયું મહત્વનો સપોર્ટ છે. જેને સ્ટોપલોસ તરીકે જાળવી લોંગ પોઝીશન રાખી શકાય. કેલેન્ડરના આખરી દિવસો હોવાથી વિદેશી સંસ્થાકિય રોકાણકારો વેકેશન પર છે અને તેથી સ્થાનિક પંટર્સ બજાર સાથે મનમાની કરી શકે છે. જે સ્થિતિમાં તેઓ બજારને 17200 પર બંધ અપાવમાં સફળ રહી પણ શકે છે. આમ શોર્ટ સેલરે ચુસ્ત સ્ટોપલોસનું પાલન કરવાનું રહેશે.
વૈશ્વિક સ્તરે માર્કેટ્સ સ્થિરતા મેળવી રહ્યાં છે. ઓમિક્રોનને લઈને ગભરાટ ઘણો ખરો ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યો છે. યુએસ બજારમાં ડાઉ જોન્સ અને નાસ્ડેક, બંનેમાં ઝડપી બાઉન્સ જોવા મળ્યો છે અને બંને તેમના ગયા સપ્તાહની ટોચ પર જોવા મળી રહ્યાં છે. આમ વૈશ્વિક બજારો પણ વહેલા-મોડા તેમનું અનુકરણ કરશે. બુધવારે છેલ્લાં ઘણા દિવસોની સૌથી બ્રોડ બેઝ ખરીદી જોવા મળી હતી. બીએસઈ ખાતે 3447 કાઉન્ટર્સમાંથી 2419 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 928 કાઉન્ટર્સ નેગેટિવ બંધ જોવા મળ્યાં હતાં. 507 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. જ્યારે માત્ર 116 કાઉન્ટર્સ સેલર સર્કિટ્સમાં જોવા મળ્યાં હતાં. બીજી બાજુ 236 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ જ્યારે 19 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું દર્શાવ્યું હતું. જે સૂચવે છે કે બીજી અને ત્રીજી હરોળમાં રોકાણકારોને ફરી વેલ્યૂ જણાય રહી છે.
સેક્ટરલ દેખાવની વાત કરીએ તો લાંબા સમય બાદ ફાર્મા ઈન્ડેક્સ 2 ટકા સુધર્યો હતો. આ સિવાય મેટલ 1.8 ટકા, ઓટો 1.61 ટકા, બેંક 1.2 ટકા અને એનર્જી 1.2 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. રિઅલ્ટી ઈન્ડેક્સ 3 ટકા ઉછળ્યો હતો. જ્યારે મિડિયા ઈન્ડેક્સમાં 1.4 ટકાનો સુધારો જોવા મળ્યો હતો. નિફ્ટી સ્મોલ-કેપ ઈન્ડેક્સ 2.15 ટકા અને મીડ-કેપ ઈન્ડેક્સમાં 1.55 ટકાનો સુધારો નોંધાયો હતો.
સેન્સેક્સમાં RILનું વેઈટેજ વધશે, બેંક્સ-આઈટીનું ઘટશે
29 ડિસેમ્બરથી રિલાયન્સ ઈન્ડ.ને વેઈટેજ 0.68 ટકા વધી 12.5 ટકા થશે
જેને કારણે બંને એક્સચેન્જ મળી કંપનીમાં 24.5 કરોડ ડોલરનો ઈનફ્લો જોવા મળે તેવો અંદાજ
જ્યારે ઈન્ફોસિસ, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી અને ટીસીએસનું વેઈટેજ ઘટશે
ઓઈલ-ટુ-ટેલિકોમ્યુનિકેશન કોંગ્લોમેરટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં એડ-હોક બેસીસ પર વેઈટેજ વધે તેવી શક્યતાં છે. એક બ્રોકરેજના જણાવ્યા મુજબ 29 ડિસેમ્બરથી બેન્ચમાર્કમાં રિલાયન્સનું વેઈટેજ વધશે જેને કારણે કાઉન્ટર 7.5 કરોડ ડોલરનો અધિક ઈનફ્લો જોઈ શકે છે. હાલમાં સૌથી વધુ વેઈટેજ ધરાવતાં આરઆઈએલનું વેઈટેજ 0.68 ટકા વધી 12.5 ટકા પર રહેશે. હાલમાં તેનું વેઈટેજ 11.8 ટકા પર જોવા મળે છે. સેન્સેક્સની માફક નિફ્ટીમાં પણ 30 ડિસેમ્બરે વેઈટેજમાં રિબેલેન્સિંગ જોવા મળી શકે છે. જેને કારણે કાઉન્ટરમાં 17 કરોડ ડોલરનો ઈનફ્લો અંદાજિત છે. આમ સેન્સેક્સ અને નિફ્ટી, બંને બેન્ચમાર્ક્સ મળીને કાઉન્ટર 24.5 કરોડ ડોલરનો ઈનફ્લો મેળવે તેવી અપેક્ષા છે.
બીજી બાજુ રિબેલેન્સિંગના ભાગરૂપે ઈન્ફોસિસ, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી લિમિટેડ અને ટીસીએસ જેવા ટોચના અન્ય કાઉન્ટર્સના વેઈટેજમાં ઘટાડો જોવા મળશે. જેમાં આઈટી કંપનીઓ ઈન્ફોસિસ અને ટીસીએસના વેઈટેજમાં અનુક્રમે 0.08 અને 0.05 પીપીના ઘટાડાની શક્યતાં છે. જેને કારણે બંને કાઉન્ટર્સ અનુક્રમે 90 લાખ કરોડ અને 50 લાખ કરોડનો આઉટફ્લો જોઈ શકે છે. બેંકિંગ ક્ષેત્રે એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકના વેઈટેજમાં અનુક્રમે 0.08 પીપી અને 0.06 પીપીનો ઘટાડો જોવા મળે તેવી શક્યતાં છે. જેને કારણે બંને કાઉન્ટર્સ અનુક્રમે 80 લાખ કરોડ અને 70 લાખ કરોડનો આઉટફ્લો દર્શાવી શકે છે.
PE ઈન્વેસ્ટમેન્ટ 2021માં 70 અબજ ડોલરનો નવો વિક્રમ બનાવે તેવી શક્યતાં
જોકે સામે ચાલુ વર્ષે એક્ઝીટ પણ 32-36 અબજ ડોલરની ઊંચી સપાટીએ જોવા મળશે
દેશમાં કેલેન્ડર 2021માં પ્રાઈવેટ ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટ તથા વેન્ચર કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ 70 બજ ડોલરની સપાટી પાર કરી નવો વિક્રમ દર્શાવે તેવી શક્યતાં છે. જે ગયા કેલેન્ડરમાં જોવા મળેલા 62 અબજ ડોલરના પીઈ ઈન્વેસ્ટમેન્ટ્સની સરખામણીમાં 15 ટકા અથવા 8 અબજ ડોલરની વૃદ્ધિ દર્શાવતાં હશે. પૂરાં થવા જઈ રહેલા વર્ષ દરમિયાન લગભગ અડધો-અડધ રોકાણ કન્ઝ્યૂમર ટેક્નોલોજી(ઈ-કોમર્સ, એડટેક, ફિનટેક) તથા આઈટી સર્વિસિસ અને સાસમાં જોવા મળ્યું છે. આ ક્ષેત્રો આગામી બે-ત્રણ વર્ષો દરમિયાન પણ રોકાણ માટેનું આકર્ષણ જાળવી રાખે તેવી શક્યતાં જોવામાં આવી રહી છે.
વૈશ્વિક કન્સલ્ટન્સી કંપની બેઈન એન્ડ કંપનીએ જાહેર કરેલા એક રિપોર્ટમાં ગયા કેલેન્ડરમાં કુલ 62 અબજ ડોલરના કુલ પ્રાઈવેટ ઈક્વિટી અને વેન્ચર કેપિટલ સોદાઓ થયાં હતાં. જેમાંથી 26.5 અબજ ડોલરના સોદા તો માત્ર રિલાયન્સ જિઓ અને રિલાયન્સ રિટેલ સંબંધી હતાં. ચાલુ વર્ષે આ કદનું એક પણ ડીલ જોવા મળ્યું નથી. તેમ છતાં સમગ્રતયા નોંધપાત્ર ગ્રોથ જોવા મળ્યો છે. કંપનીનો અભ્યાસ સૂચવે છે કે 2021માં થયેલા કુલ સોદાઓમાંથી મૂલ્યની રીતે 20-25 ટકા હિસ્સો ટોચના છ ફંડ્સ ધરાવે છે. જેમાં બ્લેકસ્ટોન, કાર્લાઈલ, જીઆઈસી, એડવન્ટ, બેરિંગ અને ટાઈગર ગ્લોબલનો સમાવેશ થાય છે. એક અન્ય મહત્વની બાબત એ છે કે પીઈ ડિલ્સમાંથી એક્ઝિટવમાં પણ વૃદ્ધિ જોવા મળી છે. જે ઘણા વૈશ્વિક પ્રાઈવેટ ઈક્વિટી ઈન્વેસ્ટર્સ માટે એક ચિંતાનો વિષય છે. 2020માં 8.9 અબજ ડોલરની એક્ઝિટ જોવા મળી હતી. જેની સામે ચાલુ વર્ષે 26.7-35.6 અબજ ડોલરના મૂલ્યની એક્ઝિટ જોવા મળે તેવો અંદાજ છે. જે ગયા વર્ષની સરખામણીમાં ચાર ગણી હોવા સાથે લગભગ કેલેન્ડર 2018ની સમકક્ષ રહેશે. જે વખતે 26.3 અબજ ડોલરના રોકાણ સામે 32.9 અબજ ડોલરની એક્ઝિટ જોવા મળી હતી. 2018માં ફ્લિપકાર્ટમાં સોફ્ટબેંકનો હિસ્સો વોલમાર્ટે ખરીદ્યો હતો અને તેથી એક્ઝિટ વેલ્યૂ ખૂબ ઊંચી જોવા મળી હતી. 2021માં ચોથા ભાગની એક્ઝિટ કન્ઝ્યૂમર ટેક્નોલોજી કંપનીઓમાં નોંધાઈ છે. જેમાં ઝોમેટો, અર્બન કંપની અને ડ્રીમ11નો સમાવેશ થાય છે. જેમાં કેટલાક હિસ્સામાં આઈપીઓ મારફતે એક્ઝિટ લેવામાં આવી હતી. જોકે અર્બન કંપની અને ડ્રીમ11માં એક્ઝિટ આઈપીઓ મારફતે નહોતી.
ઝી એન્ટરટેઈનમેન્ટે સોની સાથેના મેગા મર્જર ડીલને આપેલી મંજૂરી
મર્જર બાદ બનનારી દેશની બીજા ક્રમની મિડિયા કંપનીની કુલ આવક રૂ. 14હજાર કરોડ રહેશે
મિડિયા કંપની ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝિસના બોર્ડે મંગળવારે દેશના સૌથી મોટા ડિલ્સમાંના એકને મંજૂરી આપતાં સોની પિક્ચર્સ ઈન્ડિયા(એસપીએનઆઈ) સાથેના તેના મર્જરને મંજૂરી આપી હતી. અગાઉ બંને કંપનીઓએ આ સૌથી મોટો મિડિયા ડિલની જાહેરાત કરી હતી. સંયુક્ત કંપનીની કુલ આવક રૂ. 14 હજાર કરોડ થશે અને તે દેશની બીજા નંબરની મિડિયા કંપની બનશે.
એસપીએનઆઈએ 83 અબજ ડોલરના સોની કોર્પની કેલિફોર્નિયા સ્થિત પાંખ સોની પિક્ચર્સ એન્ટરટેઈનમેન્ટ ઈન્કની અપ્રત્યક્ષ સબસિડિયરી છે. મર્જર બાદ તે સંયુક્ત કંપનીમાં 50.86 ટકા હિસ્સો ધરાવતી હતી. જ્યારે ઝી લિ.ના પ્રમોટર કંપનીમાં 3.99 ટકા હિસ્સો ધરાવતાં હશે. અન્ય ઝી શેરધારકો 45.15 ટકા હિસ્સો ધરાવતાં હશે. ઝી લિના વર્તમાન સીઈઓ અને એમડી પુનિત ગોએન્કા સંયુક્ત કંપનીનું નેતૃત્વ સંભાળશે. સંયુક્ત કંપનીના મોટાભાગના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની નિમણૂંક સોની કરશે. જેમાં એસપીએનઆઈના વર્તમાન મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ એનપી સિઁઘનો સમાવેશ થતો હશે.
ચાલુ વર્ષે શરૂમાં ઝીના સૌથી મોટા શેરધારક ઈન્વેસ્કોએ કંપનીના કોર્પોરેટ ગવર્નન્સને લઈને વાંધા ઊભા કર્યાં હતાં. તેણે 11 સપ્ટેમ્બરે ઝીને શેરધારકોની અસાધારણ સભા બોલાવવા જણાવ્યું હતું. જોકે 22 સપ્ટેમ્બરે ઝીના બોર્ડે કંપનીને સોની સાથે મર્જ કરવાની જાહેરાત કરી હતી.
નારાયણ મૂર્તિની કંપની સાથેના સંયુક્ત સાહસને એમેઝોન ખરીદશે
ઈ-કોમર્સ પ્લેયર એમેઝોન કેટામારન વેન્ચર્સ સાથેના તેના સંયુક્ત સાહસ પ્રિવન બિઝનેસ સર્વિસિસની ખરીદી કરશે. કેટામારસ એ ઈન્ફોસિસ કો-ફાઉન્ડર એનઆર નારાયણ મૂર્તિની કંપની છે. બંને ભાગીદારોએ ગયા ઓગસ્ટ મહિનામાં જાહેરાતમાં જણાવ્યું હતું કે મે 2022માં જ્યારે મુદત પૂરી થશે ત્યારે તેઓ સંયુક્ત સાહસને સમાપ્ત કરશે. એમેઝોનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તમામ કાયદાઓનું પાલન કરતાં પ્રિવનમાં કેટામારનના શેર હિસ્સાને તેમની કંપની ખરીદશે. સંયુક્ત સાહસનો બિઝનેસ વર્તમાન મેનેજમેન્ટની આગેવાનીમાં ચાલુ રહેશે. જ્યારે રેગ્યુલેટરી મંજુરી મળ્યાં બાદ પ્રિવન એન્ડ ક્લાઉડટેઈલ(પ્રિવનની માલિકીની કંપની)નું બોર્ડ નિયમોનું પાલન કરવા સાથે ટ્રાન્ઝેક્શનને પૂર્ણ કરશે. મૂર્તિ અને એમેઝોન ફાઉન્ડર જેફ બેઝોસ વચ્ચેના સંબંધ 2014થી છે. જે વખતે તેમણે પ્રિવનની સ્થાપના કરી હતી. જેમાં મૂર્તિ 49 ટકા જ્યારે એમેઝોન 51 ટકા હિસ્સો ધરાવે છે.
ઓટો કોમ્પોનેન્ટ સેક્ટરનું ટર્નઓવર 65 ટકા ઉછળી રૂ. 1.96 લાખ કરોડ
દેશમાં ઓટો કોમ્પોનેન્ટ્સ ઉત્પાદક ક્ષેત્રનું ટર્નઓવર 2021-22ના પ્રથમ છ મહિના દરમિયાન 65 ટકા ઉછળી રૂ. 1.96 લાખ કરોડ થયું હતું. નવાઈની વાત એ છે કે ઓટોમોબાઈલ ઉદ્યોગનો દેખાવ એટલો સારો નહોતો રહ્યો તેમ છતાં ઓટો પાર્ટ્સ બનાવતીકંપનીઓએ સારો દેખાવ જાળવ્યો હતો. ઓટોમોટીવ કોમ્પોનેન્ટ મેન્યૂફેક્ચરર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા(એક્મા)ના જણાવ્યા મુજબ ઓટોમોટીવ કોમ્પોનેન્ટ સેગમેન્ટનો સારો દેખાવ સૂચવે છે કે આગામી સમયગાળા દરમિયાન ઓટોમોબાઈલ ઉદ્યોગ ક્ષેત્રે માગમાં સુધારો જોવા મળશે. એક્માના જણાવ્યા મુજબ ઉદ્યોગના સારા દેખાવ પાછળનું કારણ ડિપ-લોકલાઈઝેશન ઉપરાંત સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલી પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ(પીએલઆઈ) સ્કીમ્સ છે. સાથે નિકાસમાં પણ 76 ટકાની ઊંચી વૃદ્ધિ જોવા મળી હતી અને તે રૂ. 68746 કરોડ પર રહી હતી. જોકે ચીપ અને સેમીકંડક્ટર્સ જેવા સાધનોની અછતને કારણે ઓટોમોબાઈલ ઉદ્યોગ હજુ ઉત્પાદનને પૂર્ણ ક્ષમતાએ શરૂ કરી શક્યો નથી. જેને કારણે રિકવરી પર અસર પડી છે.
Unlocking an Upcoming Investment Opportunity: Rubicon Research IPO Rubicon Research is making headlines with its…
Unlocking the Canara Robeco Asset Management Company IPO: A Guide for Every Investor Did you…
Imagine you’re at a big family gathering and suddenly, your relatives start arguing about who…
Shlokka Dyes IPO: Is It Worth Your Investment? Did you know that Shlokka Dyes is…
LG India IPO: Should You Buy a Piece of Your TV and Fridge Company? Introduction…
Did you know that starting your retirement planning in India before your 40s can make…
This website uses cookies.