બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
મેટલ શેર્સ પાછળ બજારમાં વધુ સુધારાને બ્રેક
સેન્સેક્સ ઈન્ટ્રા-ડે ટોચ પરથી 642 પોઈન્ટ્સ ઘટી બંધ આવ્યો
વૈશ્વિક બજારોમાં પણ બે બાજુની વધ-ઘટે સુસ્તીનું માહોલ
વોલેટિલિટી ઈન્ડેક્સ 1.3 ટકા સુધરી 23.39ના સ્તરે બંધ
મેટલ શેર્સમાં ભારે ગાબડાં જોવાયાં
બ્રોડ માર્કેટમાં પણ સેન્ટિમેન્ટ નરમ
સપ્તાહની શરૂઆતમાં ગેપ-અપ ઓપનીંગ બાદ મોટા ભાગનો સમય માર્કેટ પોઝીટીવ ઝોનમાં ટ્રેડ થયા બાદ આખરે નેગેટિવ બંધ જોવા મળ્યું હતું. માર્કેટને નેગેટિવ રાખવામાં મેટલ શેર્સની ભૂમિકા મહત્વની હતી. ઉપરાંત વૈશ્વિક બજારમાં સુસ્તીને કારણે પણ બજારને સપોર્ટ સાંપડ્યો નહોતો. જે વચ્ચે બીએસઈ સેન્સેક્સ 38 પોઈન્ટ્સના ઘટાડે 54289ના સ્તરે જ્યારે નિફ્ટી 51.5 પોઈન્ટ્સ ગગડી 16215ના સ્તરે બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1.3 ટકા સુધારે 23.39ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીના 50 ઘટક કાઉન્ટર્સમાંથી 28 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 22માં નરમાઈ જોવા મળી હતી. બ્રોડ માર્કેટમાં ભારે વેચવાલી નહોતી જોવા મળી તેમ છતાં માર્કેટ-બ્રેડ્થ નરમ રહી હતી.
ભારતીય બજારે સતત બીજા સપ્તાહે પોઝીટીવ શરૂઆત નોંધાવી હતી. તેમજ દિવસ દરમિયાન મોટાભાગનો સમય તે ગ્રીન જોવા મળ્યું હતું. જોકે બંધ થવાના બે કલાક અગાઉ બજારમાં એકદમ વેચવાલી જોવા મળી હતી અને તે રેડિશ બન્યું હતું. મેટલ, ફાર્મા, બેંકિંગ, પીએસઈ અને રિઅલ્ટીમાં નોંધપાત્ર વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 8 ટકાથી વધુ પટકાયો હતો. સરકારે સ્ટીલ નિકાસ પર ડ્યુટી લાગુ પાડતાં રોકાણકારો ઊંઘતા ઝડપાયા હતા અને લોંગ ટ્રેડર્સે જંગી નુકસાન સહન કરવાનું થયું હતું. બીજી બાજુ ફાર્મા અને જાહેર સાહસોમાં પણ વેચવાલી જોવા મળી હતી. ફાર્મા ઈન્ડેક્સ 1.35 ટકા ગગડ્યો હતો. જેમાં ડિવિઝ લેબોરેટરીનું મુખ્ય યોગદાન હતું. શેર 10 ટકાના તીવ્ર ઘટાડે બંધ રહ્યો હતો. જ્યારે લ્યુપિન 3 ટકા, ટોરેન્ટ ફાર્મા 2 ટકા અને સિપ્લા એક ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. બીજી બાજુ ઝાયડસ લાઈફ, સન ફાર્મા અને ડો. રેડ્ડીઝ પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ 1.6 ટકા ઘટાડે બંધ જોવા મળ્યો હતો. જેમાં એનએમડીસી 13 ટકા સાથે સૌથી ખરાબી સૂચવતો હતો. આ સિવાય સેઈલ 11 ટકા, ઓએનજીસી 4 ટકા, ભેલ 4 ટકા, નાલ્કો 3 ટકા અને ઓઈલ ઈન્ડિયા 3 ટકાનો ઘટાડો દર્શાવતાં હતાં. ઓટો અને આઈટી સેક્ટરે બજારને સપોર્ટ પૂરો પાડ્યો હતો. નિફ્ટી ઓટો 1.84 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જેમાં એમએન્ડએમ 4.22 ટકા, અશોક લેલેન્ડ 4.18 ટકા, મારુતિ 4 ટકા અને ભારત ફોર્જ 2.43 ટકા સુધારો દર્શાવતાં હતાં. બીજી બાજુ આઈટી ક્ષેત્રે એલએન્ડટી ઈન્ફોટેક 2.6 ટકા, એમ્ફેસિસ 2.5 ટકા, માઈન્ડટ્રી 2.5 ટકા અને કોફોર્જ 3 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. લાર્જ-કેપ્સ આઈટીમાં ખાસ સુધારો નહોતો જોવા મળ્યો.
બ્રોડ માર્કેટમાં બીએસઈ ખાતે કુલ 3555 ટ્રેડેડ શેર્સમાંથી 1452 પોઝીટીવ બંધ રહ્યાં હતાં. જ્યારે 1937 નેગેટિવ જોવા મળતાં હતાં. 91 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 60 કાઉન્ટર્સે તેમનું 52-સપ્તાહનું તળિયું નોંધાવ્યું હતું. 265 કાઉન્ટર્સ ઉપલી સર્કિટ્સમાં જ્યારે 264 કાઉન્ટર્સ નીચલી સર્કિટમાં બંધ રહ્યાં હતાં. નિફ્ટી ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં કોન્કોર 5 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવતો હતો. આ ઉપરાંત જીએનએફસી, ઈન્ડિયન હોટેલ્સ, શ્રીરામ ટ્રાન્સપોર્ટ, ઈન્ટરગ્લોબ એવિએશન, ગ્રેન્યૂલ્સ ઈન્ડિયા, હિંદુસ્તાન એરોનોટિક્સ, ડિક્સોન ટેક્નોલોજી વગેરે સુધારો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે ઘટાડો દર્શાવવામાં સ્ટીલ શેર્સ ઉપરાંત અમર રાજા બેટરીઝ, હિંદુસ્તાન કોપર, અલ્ટ્રાટેક સિમેન્ટ, લ્યુપિન, આઈડીએફસી, નવીન ફ્લોરિન, જીએસપીસી વગેરેનો સમાવેશ થતો હતો. વૈશ્વિક બજારોમાં એશિયન માર્કેટ્સ શરૂઆતમાં નરમાઈ સૂચવી રહ્યાં હતાં. જોકે પાછળથી તે ગ્રીન ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે યુરોપિયન બજારો પણ ફ્લેટ-ટુ-પોઝીટીવ ટ્રેડિંગ સૂચવી રહ્યાં હતાં. જોકે યુએસ માર્કેટ્સમાં હજુ પણ ઘટાડાની શક્યતા જોવાઈ રહી છે અને તેને કારણે વૈશ્વિક બજારોમાં સેન્ટિમેન્ટ પોઝીટીવ બનતાં વાર લાગશે એમ બજાર વર્તુળોનું માનવું છે.
સરકારની હિંદુસ્તાન ઝીંક, ITCના હિસ્સા વેચાણ માટે વિચારણા
ચાલુ નાણાકિય વર્ષના ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટને પહોંચી વળવા માટે સરકાર હિંદુસ્તાન ઝીંક અને આઈટીસીના હિસ્સા વેચાણ માટે વિચારણા કરી રહી હોવાનું જાણકાર વર્તુળ જણાવે છે. અગાઉ પવન હંસ, શીપીંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, આઈડીબીઆઈ બેંક અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનની સ્ટ્રેટેજિક વેચાણમાં વિલંબ બાદ સરકાર અન્ય વિકલ્પો માટેની વિચારણા ચલાવી રહી છે. કેન્દ્ર સરકાર હિંદુસ્તાન ઝીંકમાં 29.54 ટકા હિસ્સો ધરાવે છે. જેનું મૂલ્ય રૂ. 37 હજાર કરોડ જેટલું થવા જાય છે. જ્યારે આઈટીસીમાં તે 7.91 ટકા હિસ્સો ધરાવે છે. જેનું રૂ. 280ના ભાવે રૂ. 27 હજાર કરોડ જેટલું મૂલ્ય બેસે છે. હાલમાં ઓફર ફોર સેલ અને ડિસઈન્વેસ્ટમેન્ટના પ્રમાણને લઈને વિગતો તૈયાર થઈ રહી છે. સરકાર સપ્ટેમ્બર 2022 સુધી આ પ્રક્રિયાને પૂર્ણ કરવાનો ઈરાદો ધરાવે છે.
વોડાફોન આઈડિયા રૂ. 20 હજાર કરોડ ઊભા કરવાની નજીક
દેશમાં ત્રીજા ક્રમની ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર વોડાફોન આઈડિયા ટૂંક સમયમાં રૂ. 20 હજાર કરોડ ઊભા કરશે. જેમાંથી રૂ. 10 હજાર કરોડ ઈક્વિટી સ્વરૂપમાં હશે જ્યારે રૂ. 10 હજાર કરોડ બેંક્સ તરફથી ફ્રેશ લોન્સ તરીકે મેળવશે. સરકારે હાથ ધરેલા ટેલિકોમ સુધારાઓની અસરને કારણે કંપની નવેસરથી ફંડ્સ મેળવવાની ખૂબ નજીક હોવાનું કંપનીના સીઈઓ રવિન્દર ટક્કર માને છે. તેમણે જણાવ્યું હતું કે રોકાણકારોના મનમાં 8-10 ક્રાઈટેરિયા હતાં. જો તેનું પાલન કરવામાં આવશે તો અમે નવું ફંડ મેળવી શકીશું. અગાઉ અમે આ યાદીની પૂર્તિ માટે ક્યારેય આટલા નજીક નહોતાં. આમ આજે અમે કહી શકીએ છીએ કે અમે ટૂંકમાં જ ફંડ ઊભું કરવા અંગે જાહેરાત કરવા સક્ષમ છીએ. એપ્રિલમાં સરકારે રૂ. 16 હજાર કરોડની બેંક ગેરંટી પરત કરી હતી.
સ્પેશ્યાલિટી સ્ટીલ માટેની PLI સ્કીમ માટેની ડેડલાઈન લંબાવાશે
સરકાર સ્પેશ્યાલિટી સ્ટીલ માટેની પીએલઆઈ સ્કીમને ડેડલાઈનને ફરી એકવાર બે સપ્તાહ સુધી લંબાવે તેવી શક્યતાં હોવાનું સ્ટીલ મંત્રાલયના વર્તુળો જણાવે છે. સાથે કેટલીક શરતોમાં સુધારો કરવામાં આવે તેવી શક્યતાં પણ છે. જેથી પાર્ટિસિપેશનમાં વૃદ્ધિ જોવા મળે. અત્યાર સુધીમાં સ્કીમ હેઠળ 10 અરજીઓ જ મળી છે. તથા 58 રજિસ્ટ્રેશન્સ જોવા મળ્યાં છે. પીએલઆઈ સ્કીમ્સ બંધ થવાની મર્યાદા અગાઉ બે વાર વધારવામાં આવી ચૂકી છે. સ્પેશ્યાલિટી સ્ટીલ એ ડાઉન-સ્ટ્રીમ, વેલ્યૂ-એડેડ પ્રોડક્ટ છે. જેના વિવિધ વ્યૂહાત્મક ઉપયોગ રહેલા છે. ખાસ કરીને ડિફેન્સ, સ્પેસ, પાવર, ઓટોમોબાઈલ્સ અને સ્પેશ્યલાઈઝ્ડ કેપિટલ ગુડ્ઝ સેક્ટર્સમાં તેનો ઉપયોગ થાય છે.
સરકારે એક્સપોર્ટ ડ્યૂટી લાગુ પાડતાં સ્ટીલ શેર્સ ભાંગીને ભૂક્કો
નિફ્ટી મેટલ ઈન્ડેક્સમાં 8 ટકાનો માર્ચ 2020 પછીનો સૌથી મોટો કડાકો
વ્યક્તિગત સ્ટીલ શેર્સમાં 20 ટકાની સેલર સર્કિટ્સ સાથે 52-સપ્તાહના તળિયે પટકાયાં
સરકારે સ્ટીલની નિકાસ પર ઓચિંતી 15 ટકા એક્સપોર્ટ ડ્યુટી લાગુ પાડતાં ઉઘડતાં સપ્તાહે બ્રોડ માર્કેટમાં સ્થિરતા વચ્ચે સ્ટીલ શેર્સ ઊંધા માથે પટકાયાં હતાં. અનેક સ્ટીલ શેર્સ 20 ટકાની સેલર સર્કિટ્સમાં બંધ જોવા મળ્યાં હતાં. સ્ટીલ શેર્સે મળીને ઓછામાં ઓછું રૂ. 50 હજાર કરોડનું માર્કેટ-કેપ ધોવાણ નોંધાવ્યું હશે એમ બજાર નિરીક્ષકો માની રહ્યાં છે.
નિફ્ટી સ્ટીલ ઈન્ડેક્સે છેલ્લા બે વર્ષનો સૌથી મોટો ઘટાડો નોંધાવ્યો હતો અને તે 8 ટકાથી વધુ ગગડી 5700ના સ્તરેથી 5200ના સ્તર સુધી નીચે પટકાયો હતો. સ્ટીલ ક્ષેત્રે અગ્રણી ખેલાડીઓના શેર્સ પણ 18 ટકા જેટલા તૂટ્યાં હતાં. સરકારે હોટ રોલ્ડ કોઈલ્સ અને કોલ્ડ રોલ્ડ કોઈલ્સ સહિતની પ્રોડક્ટ્સની નિકાસ પર ડ્યુટી લાગુ પાડી હતી. તીવ્ર ઘટાડો દર્શાવનાર સ્ટીલ કાઉન્ટર્સમાં જિંદાલ સ્ટીલ એન્ડ પાવરનો શેર 18 ટકા તૂટ્યો હતો. જેએસડબલ્યુ સ્ટીલનો શેર 13 ટકા ગગડી તાજેતરના તળિયા પર પટકાયો હતો. જ્યારે તાતા જૂથનો તાતા સ્ટીલનો શેર 12 ટકા ગગડ્યો હતો અને રૂ. 1001 સુધી ગગડ્યો હતો. તેણે 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું. અનેક સ્ટીલ શેર્સે તેમનું વાર્ષિક તળિયું બનાવ્યું હતું. સરકારી ખનીજ ઉત્પાદક કંપની એનએમડીસીનો શેર 12 ટકા જેટલો તૂટ્યો હતો. કંપનીના શેરે ઓગસ્ટ 2020 પછીનો સૌથી મોટો ઘટાડો દર્શાવ્યો હતો. જ્યારે સરકારી સ્ટીલ ઉત્પાદક સેઈલનો શેર પણ 11 ટકા જેટલો ગગડી તેની ટોચના ભાવથી અડધા સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. સ્ટીલ શેર્સ ઉપરાંત એલ્યુમિનિયમ અગ્રણી જેવારે વેદાંત અને હિંદાલ્કોમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળતો હતો. વેદાંત 6 ટકા ડાઉન રહ્યો હતો. જ્યારે હિંદાલ્કો 5 ટકા ઘટાડે બંધ રહ્યો હતો. બીએસઈ મેટલ ઈન્ડેક્સ પણ 8 ટકા ઘટાડો દર્શાવતો હતો. અગ્રણી બ્રોકરેજ હાઉસે સ્ટીલ પેદાશો પર નિકાસ ડ્યુટી અંગે તૈયાર કરેલા એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે સ્ટીલ સેક્ટર માટે આ એક ખૂબ જ નેગેટિવ ડેવલપમેન્ટ છે. આ ઘટના બાદ સ્ટીલ શેર્સ માટે વ્યાપક ડિ-રેટિંગ જોવા મળશે. તેણે સ્ટીલ અને સ્ટેનલેસ સ્ટીલ કંપનીઓને ડાઉનગ્રેડ કરી હતી. જેમાં તાતા સ્ટીલ, જેએસપીએલ, જેએસડબલ્યુ સ્ટીલ, સેઈલનો સમાવેશ થાય છે. તેણે આ કંપનીઓ માટે ‘રિડ્યુસ’નું રેટિંગ આપ્યું હતું. જ્યારે એસએમઈએલ અને જિંદાલ સ્ટેનલેસ સ્ટીલ માટેનું રેટિંગ ‘હોલ્ડ’ પરથી ઘટાડી ‘બાય’ કર્યું હતું.
ઈન્ડિયન સ્ટીલ એસોસિએશનના જણાવ્યા મુજબ સ્ટીલની નિકાસ પર ડ્યુટી લાગુ પાડવાથી રોકાણકારોમાં નેગેટિવ સંકેત જશે અને સેક્ટરના ક્ષમતા વપરાશ પર પ્રતિકૂળ અસર પડશે. ભારત હાલમાં ઊભી થયેલી નિકાસ તકોને ગુમાવશે અને આ નિર્ણયને કારણે સમગ્રતયા આર્થિક કામગીરી પર અસર જોવા મળશે. રશિયા-યૂક્રેન વોર બાદ ભારતીય સ્ટીલ માટે યુરોપ અને પશ્ચિમ એશિયાના દેશોમાંથી માગમાં વૃદ્ધિ જોવા મળી હતી. જોકે હવે ત્યાં નિકાસ સ્પર્ધાત્મક્તા જળવાશે કે કેમ તે જોવાનું રહેશે.
સોમવારે મેટલ શેર્સનો દેખાવ
સ્ક્રિપ્સ 20 મેનો બંધ ભાવ(રૂ.) 23 મેનો બંધ ભાવ(રૂ.) ઘટાડો(ટકામાં)
નિફ્ટી મેટલ 5706.35 5241.60 -8.14
GPIL 387.50 310.00 -20.00
સારડા એનર્જી 1040.65 832.55 -20.00
JSL 153.40 126.05 -17.83
જિંદાલ સ્ટીલ 478.80 394.95 -17.51
જિંદાલ સ્ટીલ હિસ્સાર 291.75 246.90 -15.37
JSW STEEL 631.10 547.75 -13.21
તાતા STEEL 1170.60 1026.35 -12.32
NMDC 146.45 129.25 -11.74
સેઈલ 83.00 74.35 -10.42
સનફ્લેગ આર્યન 109.70 98.75 -9.98
બેંક્સની સર્ટિફિકેટ્સ ડિપોઝિટમાં MFsનું એક્સપોઝર સાડા ત્રણ ગણુ વધ્યું
ઓક્ટોબર 2020માં રૂ. 49 હજાર કરોડ પરથી એપ્રલની આખરમાં રૂ. 1.76 લાખ કરોડ પર પહોંચ્યું
મ્યુચ્યુઅલ ફંડ (એમએફ) ઇન્ડસ્ટ્રીનું બેંક સર્ટિફિકેટ્સ ઓફ ડિપોઝિટ (ડીસી)માં એક્સપોઝર ઓક્ટોબર મહિનાના રૂ. 48,576 કરોડથી વધીને ગત મહિનાના અંત સુધીમાં રૂ. 1.76 લાખ કરોડ પર પહોંચ્યું છે. ઇન્ડસ્ટ્રીના જાણકારોનું કહેવું છે કે બેંકોએ ક્રેડિટ અપટેકમાં વધારા વચ્ચે તાજેતરના કેટલાંક મહિનાઓમાં સીડી દ્વારા એકત્રિકરણમાં વધાર્યું છે. થાપણોમાં નીચી વૃદ્ધિની અપેક્ષા તથા ફુગાવાજન્ય દબાણ વચ્ચે ઋણ ખર્ચમાં વધારા જેવાં પરિબળોને કારણે બેંકો દ્વારા સીડી ઇશ્યૂ કરવાને વેગ મળ્યો છે.
ઉલ્લેખનીય છે કે વ્યાજદરની સાઇકલમાં બદલાવ થઇ રહ્યો છે. આ પરિસ્થિતિમાં લિક્વિડિટીમાં ઘટાડો થઇ રહ્યો છે. આ ઉપરાંત બેંકો તકનો લાભ લઇ રહી છે. તેમનું માનવું છે કે વ્યાજદરોમાં વધારો થઇ શકે છે. વધુમાં છેલ્લાં કેટલાંક મહિનાઓમાં ધિરાણ ઉપાડમાં વધારો થઇ રહ્યો છે તથા નિયમિત ડિપોઝિટની વૃદ્ધિ ધીમી પડી શકે છે. આ તમામ પરિબળોને કારણે સીડીમાં ફંડ્સ દ્વારા રોકાણનું પ્રમાણ વધી રહ્યું છે, તેવું જાણકારોનું માનવું છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ વ્યાજદરોમાં વધારો કરતાં ઘણાં ડેટ પેપર્સ ઉપરની ઉપજોને અસર થઇ છે. હાલમાં એક વર્ષ માટેના સીડીના દરો આશરે 5.6-5.7 ટકા વચ્ચે છે. ત્રણ મહિના પહેલાં સમાન સમયગાળા માટે આશરે 4.1-4.3 ટકા હતાં. છેલ્લાં ત્રણ મહિનાના સમયગાળામાં એમએફની કુલ હોલ્ડિંગ સીડીમાં વધીને રૂ. 1 લાખ કરોડને સ્પર્શી છે.
એંસી ટકા ભારતીય કોર્પોરેટ્સનો ESG સ્કોર નબળો
એક સ્ટડી મુજબ 586માંથી 464 કંપનીઓ વીક, બીલો એવરેજ અને ઈનએડિક્વેટમં સમાવિષ્ટ
ભારતીય ઉદ્યોગ જગતે એનવાયર્નમેન્ટ, સોશિયલ એન્ડ ગવર્નન્સ (ઇએસજી) ડિસ્ક્લોઝર સંદર્ભે હજૂ ઘણું કામ કરવાનું બાકી છે. ક્રિસિલ રિસર્ચ દ્વારા કરાયેલાં એક અભ્યાસ મૂજબ 586 ભારતીય કંપનીઓમાંથી 20 ટકા સ્ટ્રોંગ અને લીડરશીપ મેટ્રિક્સમાં હતી. આ દરમિયાન લગભગ 80 ટકા અથવા 464 કંપનીઓ વીક, બીલો એવરેજ અથવા ઇનએડિક્વેટમાં સમાવિષ્ટ હતી.
જોકે, તેમાં મહત્વપૂર્ણ બાબત એ છે કે મોટાભાગની કંપનીઓએ તેમના ઇએસજી સ્કોર્સમાં સુધારો હાંસલ કર્યો છે, જેમાં વિવિધ માપદંડો ઉપર વધુ સારા ડિસ્ક્લોઝર અને પ્રદર્શનમાં સુધારો જોવા મળ્યો છે.
ઇએસજી સંદર્ભે ઘણી કંપનીઓએ ટકાઉપણા પ્રત્યે સ્પષ્ટ કટીબદ્ધતા પ્રદર્શિત કરી છે તથા તેમણે નિયમિત ધોરણે ઉત્કૃષ્ટ પ્રદર્શન પણ નોંધાવ્યું છે. તેનાથી વિપરિત વીક અને બીલો એવરેજ કેટેગરીમાં સમાવિષ્ટ કંપનીઓનું ડિસ્ક્લોઝર નબળું રહ્યું છે તથા તેમની ઇએસજી રિસ્ક-મેનેજમેન્ટ પ્રેક્ટિસિસ અપૂર્તિ રહી છે. ભારતીય ઉદ્યોગ જગતમાં ટકાઉપણા પ્રત્યે નિર્ણય લેવાની પ્રક્રિયા ધીમી રહી છે. ભારતમાં ઇએસજી માટે તમામ હિસ્સેદારોએ સહયોગ કરીને અનુકૂળ માહોલની રચના કરવી ખૂબજ જરૂરી છે. આ ઉપરાંત ટૂંકાગાળાના લક્ષ્યાંકોને હાંસલ કરવા તેમજ અનુપાલનની જગ્યાએ મૂલ્ય સર્જન તથા માળખાકીય રીતે જોખમ ઘટાડવાના અભિગમથી માનસિકતામાં બદલાવ લાવી શકાશે.
પર્યાવરણીય માપદંડો પ્રત્યે કંપનીઓનું પ્રદર્શન સોશિયલ અને ગવર્નન્સની તુલનામાં નબળું રહ્યું છે. ભારતમાં પ્રત્યેક પાંચમાંથી માત્ર એક કંપનીએ તેમના સ્પોક 11 અને સ્કોપ 2 ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન નોંધાવ્યાં છે. સ્કોપ 3 ઉત્સર્જનનું ડિસ્ક્લોઝર ખૂબજ ખરાબ રહ્યું છે, જેમાં 586માંથી માત્ર 63 કંપનીઓએ તેમના ડેટા જાહેર કર્યાં છે.
સામાજિક પરિબળમાં જાહેરક્ષેત્રની કંપનીઓએ તુલનાત્મક દ્રષ્ટિએ સારું પ્રદર્શન કર્યું છે અને તેમનું સરેરાશ સ્કોર 55 રહ્યો છે, જેની સામે ખાનગી કંપનીઓનો સ્કોર 49 રહ્યો છે. બીજા ઘણાં માપદંડોમાં પણ સરકારી કંપનીઓની કામગીરી સારી રહી છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
જેટ એરવેઝઃ ડીજીસીએએ ઉડ્ડયન કંપનીને એર ઓપરેટર સર્ટિફિકેટ મંજૂર કર્યું છે. એરલાઈન હવે તેના ફ્લાઈટ ઓપરેશન્સ શરૂ કરી શકે છે.
મેટ્રોપોલીસ હેલ્થકેરઃ કંપનીએ જણાવ્યું છે કે તે 30 કરોડ ડોલર ખરીદવા ઈચ્છે છે. જે માટે તે નોંધપાત્ર લઘુમતી હિસ્સાનું વેચાણ કરીને એક સ્ટ્રેટેજિક પાર્ટનરને બોર્ડ પર લાવશે.
આઈજીએલઃ ઈન્દ્રપ્રસ્થ ગેસે દિલ્હી-એનસીઆર ખાતે સીએનજીના ભાવમાં વધુ એક વૃદ્ધિ કરી છે. હવેથી પ્રતિ કિગ્રા રૂ. 2ની વૃદ્ધિ સાથે રૂ. 75.61 પ્રતિ કિગ્રાનો ભાવ રહેશે.
વર્ધમાન ટેક્સટાઈલઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 320.6 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 254 કરોડની સરખામણીમાં 20 ટકાથી વધુ વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક રૂ. 1994 કરોડની સામે વધી રૂ. 2755 કરોડ પર રહી હતી.
પાવરગ્રીડ કોર્પોરેશનઃ પીએસયૂ ડિસકોમ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં 4156 કરોડનો નફો દર્શાવ્યો છે. જ્યારે કંપનીનો એબિટા રૂ. 9340 કરોડ પર રહ્યો છે. કંપનીના માર્જિન 87.4 ટકા રહ્યાં છે. જ્યારે તેની આવક રૂ. 10686 કરોડ પર રહી હતી.
એચપીસીએલઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 645.21 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 611 કરોડ પર હતો. કંપનીની આવક રૂ. 4180 કરોડ સામે વધી રૂ. 4098 કરોડ પર રહી હતી.
ફાઈઝર ઈન્ડિયાઃ ફાર્મા કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 125.8 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળાના રૂ. 100.6 કરોડની સરખામણીમાં 25 ટકા ઊંચો છે. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 534.8 કરોડ સામે 2.8 ટકા વધી રૂ. 549.7 કરોડ પર રહી હતી.
કોચીન શીપયાર્ડઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 274.61 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 236.21 કરોડની સરખામણીમાં 16 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની આવક રૂ. 1080 કરોડ સામે 12 ટકા વધી રૂ. 1212 કરોડ પર રહી હતી.
થર્મેક્સઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 102.5 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે રૂ. 107.3 કરોડની સરખામણીમાં 4.4 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીની આવક 26.5 ટકા ઉછળી રૂ. 1991.9 કરોડ પર રહી હતી.
જીઆઈપીસીએલઃ ગુજરાત સરકારના પીએસયૂએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 76.6 કરોડનો નફો નોંધાવ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 47.8 કરોડનો નફો દર્શાવ્યો હતો. કંપનીની આવક રૂ. 332 કરોડ સામે ઘટી રૂ. 292 કરોડ પર રહી હતી.
યસ બેંકેઃ બેંકે એઆરસી માટે પાર્ટનર પસંદ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. જે માટે તેણે એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ પણ મંગાવ્યાં છે.
Market Summary 23 May 2022
May 23, 2022
