Categories: Market TipsNEWS

Market Summary 24 Dec 2021

ક્રિસમસ વેકેશન પૂર્વે પ્રોફિટ બુકિંગ પાછળ માર્કેટમાં તેજી પર બ્રેક
જોકે નિફ્ટી 17000 અને સેન્સેક્સે 57 હજારનું સ્તર જાળવવામાં સફળ
નિફ્ટી આઈટીએ 0.98 ટકા સુધારા સાથે સર્વોચ્ચ સપાટી દર્શાવી
બ્રોડ માર્કેટમાં નરમાઈ પાછળ મીડ-કેપ ઈન્ડેક્સમાં 1.15 ટકાનો ઘટાડો
ડોલર સામે રૂપિયો 22 પૈસા સુધારા સાથે 75.02 પર બંધ રહ્યો, સપ્તાહ દરમિયાન 1.4 ટકાનો સુધારો
વૈશ્વિક બજારોમાં મિશ્ર ટ્રેન્ડ વચ્ચે ભારતીય બજારનું સપ્તાહાંતે અન્ડરપર્ફોર્મન્સ

શેરબજારમાં સતત ત્રણ દિવસના સુધારા બાદ ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. એકબાજુ દેશમાં ઓમિક્રોનના કેસિસમાં દૈનિક ધોરણે વૃદ્ધિ જોવા મળી રહી છે જ્યારે બીજી બાજુ આગામી સપ્તાહે મોટાભાગના વૈશ્વિક બજારોમાં ક્રિસમસની લાંબી રજાઓને કારણે ટ્રેડર્સે લોંગ પોઝીશન હળવી કરવાનું યોગ્ય માન્યું હતું. જેની પાછળ સેન્સેક્સ 191 પોઈન્ટ્સ ઘટી 57124 પર જ્યારે નિફ્ટી 68.85 પોઈન્ટ્સના ઘટાડે 17003.75 પર બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1.96 ટકાના સુધારે 16.14 પર બંધ રહ્યો હતો. નિફ્ટીના 50માંથી 39 કાઉન્ટર્સ નરમાઈ સાથે બંધ રહ્યાં હતાં. જે સૂચવે છે કે અન્ડરટોન નરમ પડ્યો છે અને આગામી સમયગાળામાં માર્કેટ સાઈડલાઈન રહેવા સાથે ઘટાડાતરફી ઝોક ધરાવી શકે છે.
ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટીમાં 16700નો સપોર્ટ મહત્વનો છે. જે ટકેલો રહે ત્યાં સુધી ઘટાડે ખરીદી કરવાનો વ્યૂહ અપનાવવો જોઈએ. જો આ સ્તર તૂટે તો વચગાળા માટે ટ્રેન્ડ રિવર્સલ જોવા મળી શકે છે. જે સ્થિતિમાં આગામી બજેટ સુધી માર્કેટ ઘટાડાતરફી રહી શકે છે. તેજી તરફી ચાલ માટે નિફ્ટીએ 17200ના સ્તરને પાર કરી ત્યાં ટકવું જરૂરી છે. એક પખવાડિયા પછી શરૂ થનારી પરિણામ સિઝનની પણ બજાર પર અસર જોવા મળશે. માર્કેટ એનાલિસ્ટ્સના મતે ઊંચા ઈન્ફ્લેશન પાછળ જે કંપનીઓ ભાવ વૃદ્ધિને ગ્રાહકો પર પસાર કરવામાં નિષ્ફળ રહી છે તેમના માર્જિનમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે અને તે બજારની ચાલને ખોરવી શકે છે. અલબત્ત, બીજા ક્વાર્ટરના પરિણામોમાં આ કારણ ઘણે અંશે ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યું હોવાનું પણ તેઓ માને છે.
શુક્રવારે એકમાત્ર આઈટી કાઉન્ટર્સમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી આઈટી 0.98 ટકા સુધારા સાથે તેની સર્વોચ્ચ ઊંચાઈ પર બંધ જોવા મળ્યો હતો. આઈટી કાઉન્ટર્સમાં કોફોર્જ 3.48 ટકા, એચસીએલ ટેક્નોલોજી 3.08 ટકા, ટેક મહિન્દ્રા 2.38 ટકા, એલએન્ડટી ઈન્ફોટેક 1.9 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. ઘટવા બાજુએ પીએસયૂ બેંક ઈન્ડેક્સ 1.94 ટકા સાથે સૌથી વધુ નરમાઈ સૂચવતો હતો. જેમાં કેનેરા બેંક 3.3 ટકા, યુનિયન બેંક 3.15 ટકા, પીએનબી 3 ટકા અને ઈન્ડિયન બેંક 2.8 ટકાનો ઘટાડો દર્શાવતાં હતાં. બીજી બાજુ ખાનગીકરણ માટે નક્કી કરવામાં આવેલી બેં પીએસયૂ બેંક સેન્ટ્રલ બેંક અને આઈઓબી અનુક્રમે 3.8 ટકા અને 3 ટકાના સુધારા સાથે બંધ રહી હતી. નિફ્ટી પીએસઈ 1.72 ટકા, નિફ્ટી રિઅલ્ટી 1.5 ટકા, નિફ્ટી એનર્જી 1.23 ટકાની નોંધપાત્ર નરમાઈ સૂચવતાં હતાં. નિફ્ટી કાઉન્ટર્સમાં ગ્રાસિમ, એનટીપીસી, એમએન્ડએમ, આઈશર મોટર્સ, આઈઓસી, એક્સિસ બેંક, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફિનસર્વમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે ટેક્નોલોજી કાઉન્ટર્સ સુધારો દર્શાવી રહ્યાં હતાં.
માર્કેટમાં બે દિવસ દરમિયાન બ્રોડ બેઝ ખરીદી બાદ શુક્રવારે સુસ્તી જોવા મળી હતી. અલબત્ત, લાર્જ-કેપ્સ જેટલી ખરાબ સ્થિતિ નહોતી જોવા મળતી. બીએસઈ ખાતે 3426 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1497 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1823માં ઘટાડો નોંધાયો હતો. જોકે 485 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે માત્ર 123 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. જ્યારે 293 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે માત્ર 18 કાઉન્ટર્સ વાર્ષિક તળિયું સૂચવી રહ્યાં હતાં.


બ્રોકર્સ દ્વારા ચલાવવામાં આવતાં બિનસત્તાવાર PMSમાં સેબીની તપાસ
નિયમોને બાજુ પર રાખીને મધ્યસ્થી દ્વારા ગ્રાહકોના નાણાના ગેરકાયદે મેનેજ કરવામાં આવતી હોવાની શંકા
સેબીની એઆઈ આધારિત સિસ્ટમમાં બ્રોકર્સના આઈપી એડ્રેસિસ પરથી મોટા સોદાઓ પકડાતાં બહાર આવેલું કૌભાંડ

માર્કેટ રેગ્યુલેટર સેબીએ કેટલાંક બ્રોકર્સ દ્વારા તેમના ગ્રાહકોને ગેરકાયદે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ(પીએમએસ) ઓફર કરવામાં આવી રહી હોવા અંગે તપાસ આદરી હોવાનું જાણકાર વર્તુળો જણાવી રહ્યાં છે. સેબીને શંકા છે કે બ્રોકર્સ નિર્ધારિત નિયમોને બાજુ પર રાખીને તેમના ગ્રાહકોના નાણાનું સંચાલન કરી રહ્યાં છે.
સામાન્યરીતે પીએમએસ પ્રોડક્ટ્સમાં ફંડ મેનેજર્સ તેમના હાઈ નેટવર્થ ક્લાયન્ટ્સના નાણાનું સંચાલન કરતાં હોય છે. જોકે આ પ્રકારની વ્યવસ્થામાં લઘુત્તમ રોકાણ ટિકિટ સાઈઝ રૂ. 50 લાખની રહેતી હોય છે. જોકે આ રકમ ઘણા રિટેલ ક્લાયન્ટ્સના ગજા બહારની હોવાથી પીએમએસ માટે સેબીનું લાયસન્સ નહિ ધરાવતાં કેટલાંક બ્રોકર્સ આનાથી ઘણી નાની રકમને મેનેજ કરવા માટે અનૌપચારિક એગ્રીમેન્ટ્સ કરતાં હોય છે. જ્યારે રેગ્યુલેટરની આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્ટ સિસ્ટમને કેટલાંક આઈપી એડ્રેસિસ મારફતે ઘણા બધા એકાઉન્ટ્સમાંથી ઓર્ડર એક્ઝિક્યૂટ કરવાનું માલૂમ પડતાં આ બાબત સેબીની જાણમાં આવી હોવાનું વર્તુળો જણાવે છે. એક કાયદેસર પીએમએસમાં બ્રોકર અને ક્લાયન્સ વચ્ચે એગ્રીમેન્ટ સાઈન કરવામાં આવતાં હોય છે જે હેઠળ ક્લાયન્ટ તેના વતી બ્રોકરને પોર્ટફોલિયો મેનેજ કરવાની સત્તા આપે છે. લઘુત્તમ ટિકિટ સાઈઝના નિયમને બાજુ પર રાખવા માટે કેટલાંક બ્રોકર્સ તેમના ક્લાયન્ટ્સના લોગીન ક્રેડેન્શિયલ્સને મળવી લેતાં હોય છે. જ્યાં સુધી ક્લાયન્ટે ડિસ્ક્રિશ્નરી પીએમએસ સાઈન ના કર્યું હોય ત્યાં સુધી બ્રોકર્સ પર ક્લાયન્ટના એકાઉન્ટનું સંચાલન કરવા પર સેબીનો નિયમ પ્રતિબંધ મૂકે છે. ક્લાયન્ટની મંજૂરી વિના સેબી પાસે રજિસ્ટ્રેશન નહિ ધરાવતી કંપનીઓ દ્વારા થઈ રહેલાં આ પ્રકારના સોદાઓને કારણે માર્કેટ રેગ્યુલેટર અકળામણ અનુભવી રહ્યો છે.
આ સમગ્ર તપાસને નજીકથી જોઈ રહેલાં વર્તુળ જણાવે છે કે સેબીની એઆઈ સિસ્ટમમાં પકડાયેલાં મોટાભાગના આઈપી એડ્રેસિસ ક્યાં તો બ્રોકર ઓફિસિસના છે અથવા તો તેમના કર્મચારીઓના પર્સનલ કમ્યુટર્સ સાથે જોડાયેલાં છે. આ ઘટના એ વાત સ્થાપિત કરે છે કે બ્રોકર્સ તેમના ક્લાયન્ટ્સના એકાઉન્ટ્સ ઓપરેટ કરી રહ્યાં છે અથવા તેમના વતી બજારમાં સોદા કરી રહ્યાં છે. આવા આઈપી એડ્રેસિસ દ્વારા ઓપરેટ કરવામાં આવતાં ડિમેટ એકાઉન્ટ્સ ટ્રેડિંગ વોલ્યુમમાં તીવ્ર વૃદ્ધિ દર્શાવી છે. આવા એક કેસમાં રોકાણકારે 2019માં ડિમેટ એકાઉન્ટ ખોલાવ્યું હતું અને માર્ચ 2021 સુધીમાં માત્ર ત્રણ વાર કામ કર્યું હતું. જોકે ત્યારબાદ દૈનિક ધોરણે આ એકાઉન્ટમાં 10-15 મોટા ટ્રેડ્સ જોવા મળી રહ્યાં છે. જે તમામ બ્રોકર્સના આઈપી એડ્રેસ પરથી થઈ રહ્યાં હોવાનું માલૂમ પડે છે. આ કિસ્સાઓ માર્કેટ પાર્ટિસિપન્ટ્સના હિતોથી વિરુધ્ધના હોવાનું સેબી સ્પષ્ટપણે માની રહી છે.


HSBCએ રૂ. 3200 કરોડમાં એલએન્ડટી ઈન્વેસ્ટમેન્ટને ખરીદ્યું
એચએસબીસી હોલ્ડિંગ્સની પેટાકંપની એચએસબીસી એસેટ મેનેજમેન્ટે એલએન્ડટી ફાઈનાન્સ હોલ્ડિંગ્સ પાસેથી એલએન્ડટી ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટની રૂ. 3187 કરોડ(42.5 કરોડ ડોલર)માં ખરીદી કરી છે. એલએન્ડટી ઈન્વેસ્ટમેન્ટ એ એલએન્ડટી મ્યુચ્યુલ ફંડની ઈન્વેસ્ટમેન્ટ મેનેજર કંપની છે. એચએસબીસીએ આંતરીક સ્રોતોમાંથી જ આ ખરીદીનો પ્રસ્તાવ મૂક્યો છે. આ ખરીદીને કારણે એચએસબીસીને ભારતમાં તેના એસેટ મેનેજમેન્ટ બિઝનેસને મજબૂત બનાવવામાં સહાયતા મળશે.

કોફી નિકાસ 2021માં 4 લાખ ટનની વિક્રમી સપાટીએ રહેવાની શક્યતાં
કેલેન્ડર 2021માં ભારતમાંથી કોફીની નિકાસ 4 લાખ ટનના વિક્રમી આંકને પાર કરે તેવી પૂરી શક્યતાં છે. 20 ડિસેમ્બર સુધીમાં દેશમાંથી 3.83 લાખ ટન કોફીની નિકાસ થઈ ચૂકી હોવાનું કોફી બોર્ડના આંકડા સૂચવે છે. જે ગયા વર્ષે કુલ 3.06 લાખ ટનની નિકાસની સરખામણીમાં 25 ટકા વધુ છે. ગયા વર્ષે કોવિડને કારણે માગ નીચી રહી હોવાથી ચાલુ વર્ષે કેરી ફોરવર્ડ કોન્ટ્રેક્ટ્સ પાછળ ઊંચી માગ જળવાય હોવાનું નિકાસકારો જણાવે છે. ભારતમાં ઊગેલી કોફી બિનની નિકાસ 2.94 લાખ ટન પર રહી હતી. જે ગયા વર્ષની 2.20 લાખ ટનની સામે 34 ટકા ઊંચી હતી. જ્યારે રિ-એક્સપોર્ટ્સ 11 ટકા વૃદ્ધિ સાથે 89,081 ટન પર રહી હતી. જે ગયા વર્ષે 80,125 ટન હતી. અગાઉ કેલેન્ડર 2017માં દેશમાંથી 3.78 લાખ ટન કોફીની વિક્રમી નિકાસ જોવા મળી હતી.

ડેટા પેટર્ન્સનું 48 ટકા પ્રિમીયમે લિસ્ટીંગ
ચાલુ કેલેન્ડરના આખરી લિસ્ટીંગમાં ડેટા પેટર્ન્સનો શેર 48 ટકા પ્રિમીયમ સાથે લિસ્ટ થયો હતો. કંપનીનો શેર રૂ. 585ના ઓફરભાવ સામે બીએસઈ ખાતે રૂ. 864ના સ્તરે લિસ્ટ થયો હતો. એનએસઈ ખાતે તે 46 ટકા પ્રિમીયમ સાથે રૂ. 856.05ની સપાટીએ લિસ્ટ થયો હતો. જોકે સેકન્ડરી માર્કેટમાં નરમાઈ પાછળ તે કામકાજના અંકે 29.06 ટકા સુધારા સાથે રૂ. 755ના સ્તરે બંધ રહ્યો હતો. કંપનીનું માર્કેટ-કેપ રૂ. 3917 કરોડ પર જોવા મળ્યું હતું. કંપનીનો શેર ઓપન ભાવની ઉપર જઈ શક્યો નહોતો અને દિવસ દરમિયાન ઘસાતો રહ્યો હતો. આઈપીઓ 119.62 ગણો છલકાયો હતો. જેમાં રિટેલ હિસ્સો 23.14 ગણો ભરાયો હતો. જ્યારે એચએનઆઈ હિસ્સો 254.22 ગણો છલકાયો હતો.
2021માં IPO મારફતે વિક્રમી રૂ. 1.20 લાખ કરોડ મેળવાયાં
ગયા કેલેન્ડરમાં ઊભા કરવામાં આવેલા રૂ. 26613 કરોડ સામે 4.5 ગણી વધુ રકમ એકત્ર થઈ
અગાઉ 2017માં પ્રાઈમરી માર્કેટમાંથી સૌથી વધુ રૂ. 68827 કરોડ ઊભાં કરવામાં આવ્યાં હતાં
રિટેલ તરફથી સરેરાશ અરજીઓની સંખ્યા 14.3 લાખ પર રહી હતી, જે 2020માં 12.7 લાખ પર હતી
કુલ 59 આઈપીઓમાંથી 36 આઈપીઓને 10 ગણાથી વધુ છલકાયાં હતાં જ્યારે 6 આઈપીઓ 100 ગણાથી વધુ છલકાયાં હતાં
ગ્લેનમાર્ક લાઈફના આઈપીઓએ 33.9 લાખ સાથે સૌથી વધુ રિટેલ અરજીઓ મેળવી હતી

સપ્તાહમાં પૂરું થવા જઈ રહેલું કેલેન્ડર ભારતીય મૂડીબજારના ઈતિહાસમાં આઈપીઓ મારફતે વિક્રમી ફંડ ઊભું કરનારું બની રહેશે. 2021માં પ્રાઈમરી બજાર મારફતે કુલ રૂ. 1.20 લાખ કરોડ મેળવવામાં આવ્યાં છે. જે ગયા કેલેન્ડરમાં ઊભાં કરવામાં આવેલા રૂ. 26613 કરોડની સરખામણીમાં સાડા ચાર ગણી વૃદ્ધિ દર્શાવે છે. જ્યારે અગાઉ કેલેન્ડર 2017માં જોવા મળેલા રૂ. 68827 કરોડના વિક્રમી ભરણા સામે 80 ટકાથી વધુ વૃદ્ધિ સૂચવે છે.
જો આઈપીઓ સહિત પબ્લિક ઈક્વિટી ફંડ રેઈઝીંગની વાત કરીએ તો 2021માં કુલ 2.02 લાખ કરોડ મેળવવામાં આવ્યાં છે. જેમાં આઈપીઓ ઉપરાંત ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશ્નલ પ્લેસમેન્ટ્સ, ફોલો-ઓન ઓફરિંગ્સ તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમન્ટ ટ્રસ્ટ્સ-રિઅલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સનો સમાવેશ પણ થાય છે. ગયા વર્ષે આ રકમ રૂ. 1.76 લાખ કરોડ પર હતી. આમ ચાલુ વર્ષે રૂ. 26 હજાર કરોડ વધુ રકમ ઊભી થઈ છે. ચાલુ વર્ષે આઈપીઓ મારફતે જંગી રકમ ઊભું થવા પાછળ ન્યૂ-એજ ટેક્નોલોજી સ્ટાર્ટ-અપ કંપનીઓનો બજારમાં પ્રવેશ છે. જેમાં ઝોમેટો, પેટીએમ અને નાયકા જેવી ત્રણ કંપનીઓએ જ બજારમાંથી લગભગ રૂ. 34 હજાર કરોડની રકમ ઊભી કરી હતી. આમાં પેટીએમ રોકાણકારોને રિટર્ન આપવામાં સદંતર નિષ્ફળ રહ્યું હતું અને તેણે ઘણી ફિનટેક કંપનીઓના માર્કેટ પ્રવેશ પર બ્રેક લગાવી હતી. સેકન્ડરી માર્કેટમાં જળવાયેલી તેજી પાછળ મજબૂત લિસ્ટીંગના કારણે પણ આઈપીઓમાં રિટેલ અને એચએનઆઈનો જંગી ધસારો જોવા મળ્યો હતો.
2021માં પ્રવેશેલા આઈપીઓનું સરેરાશ કદ રૂ. 1884 કરોડનું જોવા મળ્યું હતું. જેમાં પેટીએમની માલિક વન97 કોમ્યુનિકેશન્સનો આઈપીઓ રૂ. 18300 કરોડ સાથે સૌથી મોટું કદ ધરાવતો હતો. જે ભારતીય બજારમાં અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ હતો. કુલ 59 આઈપીઓ બજારમાં પ્રવેશ્યાં હતાં. જેમાંથી 36 આઈપીઓને જબરદસ્ત પ્રતિસાદ સાંપડ્યો હતો અને તેમનું ભરણું 10 ગણાથી વધુ છલકાયું હતું. 6 આઈપીઓ 100 ગણાથી વધુ છલકાયાં હતાં. જ્યારે આંઠ આઈપીઓ 3 ગણાથી વધુ ભરણુ દર્શાવતાં હતાં. જ્યારે બાકીના 15 આઈપીઓ એકથી 3 ગણુ ભરણુ સૂચવી રહ્યાં હતાં. રાકેશ ઝૂનઝૂનવાલા સમર્થિત સ્ટાર ઈન્શ્યોરન્સનો આઈપીઓ માત્ર 79 ટકા જ ભરાયો હતો અને તેણે ભરણાનું કદ ઘટાડવાની ફરજ પડી હતી.
રિટેલ રોકાણકારો તરફથી અસાધારણ પ્રતિભાવ જોવા મળ્યો હતો. રિટેલ તરફથી સરેરાશ અરજીઓની સંખ્યા 14.3 લાખ પર રહી હતી. જે 2020માં 12.7 લાખ પર હતી. જ્યારે 2019માં માત્ર 4.05 લાખ પર હતી. ગ્લેનમાર્ક લાઈફસાઈન્સના આઈપીઓએ 33.9 લાખ સાથે સૌથી વધુ રિટેલ અરજીઓ મેળવી હતી. જ્યારબાદ દેવયાની ઈન્ટરનેશનલ(32.6 લાખ) અને લેટન્ટ વ્યૂ(31.8 લાખ) અરજીઓ સાથે બીજા અને ત્રીજા ક્રમે જોવા મળતાં હતાં. રિટેલ રોકાણકારોએ અરજી કરેલા શેરનું પ્રમાણ આઈપીઓમાં મોબિલાઈઝેશનના 135 ટકા હતું. 2020માં આ રેશિયો 156 ટકા પર હતો. રિટેલને કુલ રૂ. 24292 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. જે કુલ આઈપીઓ મોબિલાઈઝેશનના માત્ર 20 ટકા હતી. 2020માં 32 ટકા ફાળવણીની સરખામણીમાં તે નોંધપાત્ર ઘટાડો સૂચવતી હતી.


ઈક્વિટી MFએ 2021માં 10 વર્ષમાં સૌથી વધુ રૂ. 46700 કરોડ ઊભા કર્યાં
કુલ 70માંથી 13 સ્કીમ્સે કુલ રકમના 75 ટકા રકમ મેળવી
ફંડ હાઉસિસે થિમેટિક, મલ્ટી-કેપ, ફ્લેક્સિ-કેપ, બેંકિંગ અને ઈન્ટરનેશનલ ફંડ્સ જેવી કેટેગરીઝમાં નવા ફંડ લોંચ કર્યાં
શેરબજારમાં તેજી તથા ઈક્વિટી સ્કીમ્સના મજબૂત દેખાવનો લાભ લઈને મ્યુચ્યુલ ફંડ ઉદ્યોગે ન્યૂ ફંડ ઓફર્સ(એનએફઓ) મારફતે કેલેન્ડર 2021માં રૂ. 46752.37 કરોડ ઊભાં કર્યાં હતાં. જે છેલ્લાં 10 વર્ષોમાં વાર્ષિક ધોરણે ઊભી થયેલી સૌથી મોટી રકમ છે. એક અભ્યાસ મુજબ કુલ 70 ઈક્વિટી સ્કીમ્સમાંથી 13 સ્કીમ્સે 75 ટકા જેટલી રકમ મેળવી હતી. ચાલુ વર્ષે બજારમાં પ્રવેશેલાં એનએફઓમાં બે એનએફઓ જેમણે સૌથી વધુ રકમ મેળવી હતી, તેમાં આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ ફ્લેક્સિકેપ ફંડ અને આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ બિઝનેસ સાઈકલ ફંડ ટોપ પર હતાં. આ બંને ઈક્વિટી સ્કીમ્સે અનુક્રમે રૂ. 9808 કરોડ અને રૂ. 4185 કરોડની રકમ ઊભી કરી હતી. 2020માં એનએફઓ મારફતે રૂ. 18758 કરોડ ઊભાં કરવામાં આવ્યાં હતાં.
એસેટ મેનેજમેન્ટ કંપનીઓએ વિવિધ કેટેગરીઝમાં નવી સ્કીમ્સ લોંચ કરીને બજારમાંથી મોટી રકમ એકત્ર કરી હતી. જેમાં થિમેટીક, મલ્ટી-કેપ, બેંકિંગ, ફ્લેક્સિ-કેપ અને ઈન્ટરનેશનલ ફંડ્સનો સમાવેશ થાય છે. ઈક્વિટી માર્કેટ્સમાં કેલેન્ડરની શરૂઆતથી ઓક્ટોબર મહિના સુધી સતત સુધારાને કારણે રોકાણકારોએ મ્યુચ્યુલ-ફંડ્સ તરફ પણ રોકાણ માટે નજર દોડાવી હતી. આ ઉપરાંત હયાત ઓપન-એન્ડેડ સ્કીમ્સમાં પણ ફ્લો ખૂબ સારો જળવાયો હતો. છેલ્લાં એક વર્ષમાં એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ 24.58 ટકાનો સુધારો દર્શાવે છે. જ્યારે બીએસઈ મીડ-કેપ અને બીએસઈ સ્મોલ-કેપ ઈન્ડેક્સ અનુક્રમે 42.84 ટકા અને 66.72 ટકાનું રિટર્ન સૂચવી રહ્યાં છે. બજારમાં મજબૂતીને કારણે કેટલીક ઈક્વિટી ફંડ કેટેગરીઝે એક વર્ષમાં 28-66 ટકાની રેંજમાં રિટર્ન દર્શાવ્યું છે.
મોર્નિંગ સ્ટાર ઈન્ડિયાના રિસર્ચ મેનેજરના જણાવ્યા અનુસાર કેટલાંક સ્થાપિત ફંડ હાઉસિસે તેમને ત્યાં જોવા મળતી પ્રોડક્ટ ગેપ્સને પૂરવા માટે નવા ફંડ્સ લોંચ કર્યાં હતાં. ઘણા રોકાણકારો જૂના ફંડ્સની સરખામણીમાં નવા ફંડ ઓફરિંગ્સને લઈને ઉત્તેજિત જોવા મળતાં હોય છે અને તેથી ઘણીવાર એનએફઓ મારફતે નોંધપાત્ર ફંડ ઊભું કરી શકાતું હોય છે. ઉપરાંત બજારમાં સ્થિતિ બદલાવાની સાથે નવા થીમ ઊભાં થતાં હોય છે અને તેથી ફંડ હાઉસે નવી પ્રોડક્ટ બનાવવી પડે છે. જેમ છેલ્લાં વર્ષોમાં ઈએસજી આધારિત ફંડ્સનું કારણ આ જ હતું. કોવિડ બાદ પણ નવા થીમ ઊભરશે. ગયા વર્ષે ફંડ હાઉસિસે એનએફઓ મારફતે માત્ર રૂ. 18758.48 કરોડ ઊભાં કર્યા હતાં. જોકે 2017માં તેમણે રૂ. 34048 કરોડ ઊભાં કર્યાં હતાં. જે છેલ્લાં 10 વર્ષોમાં 2021 પછી બીજા ક્રમે આવે છે.
જો વિવિધ સ્કીમ્સની વાત કરીએ તો 2021માં ઈન્ટરનેશનલ ફંડ્સ અને લાર્જ-કેપ કેટેગરીઝમાં 29 સ્કીમ્સ લોંચ કરવામાં આવી હતી. લાર્જ-કેપ્સમાં લોંચ કરવામાં આવેલી મોટાભાગની સ્કીમ્સ પેસિવ હતી. પરંપરાગત રીતે ભારતીય રોકાણકારો સ્થાનિક બજાર આધારિત સ્કીમ્સમાં જ રોકાણ ધરાવતાં હોય છે. જોકે પાછલાં કેટલાંક વર્ષોમાં તેમણે ગ્લોબલ ઈક્વિટીઝમાં પણ પોઝીશન લેવાનું શરૂ કર્યું છે અને તેથી ઈન્ટરનેશનલ ફંડ્સને સારી સફળતા જોવા મળી રહી છે. સેક્ટરલ ફંડ્સમાં ફાર્માસ્યુટીકલ અને ટેક્નોલોજી સ્પેસમાં ફંડ્સ રજૂ કર્યાં હતાં. જ્યારે થિમેટીક કેટેગરીમાં બિઝનેસ સાઈકલ થીમ આધારિત ફંડ્સ રજૂ થયાં હતાં. તાજેતરમાં આદિત્ય બિરલા સનલાઈફ બિઝનેસ સાઈકલ ફંડ્સે રૂ. 2200 કરોડ ઊભાં કર્યાં હતાં. ફંડે 117800થી વધુ અરજીઓ મેળવી હતી. આ કેટેગરીમાં તે સૌથી મોટું ફંડ બન્યું હતું.

Rushit Parmar

Recent Posts

HOAC Foods India Limited IPO (Hariom Atta & Spices IPO) : Key Info.

HOAC Foods India Limited IPO is set to launch on 16 May, 2024. The company…

16 hours ago

Rulka Electricals Limited IPO : Key Highlights

Rulka Electricals Limited IPO begins for subscription from 16 May, 2024

17 hours ago

Go Digit General Insurance Limited IPO : Important Dates

Go Digit General Insurance Limited IPO is set to launch on 15 May, 2024. The…

6 days ago

Indian Emulsifier Limited IPO : Company Information

Indian Emulsifier Limited IPO is set to launch on 10 May, 2024. The company was…

6 days ago

Quest Laboratories Limited IPO : Company Details

Quest Laboratories Limited IPO is set to launch on 10 May, 2024. The company was…

6 days ago

Veritaas Advertising Limited IPO : Important Updates

Veritaas Advertising Limited IPO is set to launch on 10 May, 2024. The company was…

1 week ago

This website uses cookies.