Market Summary 24 Feb 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

બાયર્સની ગેરહાજરી વચ્ચે માર્કેટ પાંચ મહિનાના તળિયે
વોલેટિલિટી ઈન્ડેક્સ 30 ટકા ઉછળી પોણા બે વર્ષોની ટોચ પર
નિફ્ટીના તમામ કાઉન્ટર્સ નેગેટિવ બંધ રહ્યાં
બેન્ચમાર્ક્સમાં બે વર્ષોનો સૌથી મોટો કડાકો બોલાયો
બીએસઈ ખાતે 100 શેર્સમાં ઘટાડા સામે 9 શેર્સમાં સુધારો જોવાયો
નિફ્ટીમાં વધુ 5-7 ટકા ઘટાડાની શક્યતાં વ્યક્ત કરતાં એનાલિસ્ટ

શેરબજારમાં ફેબ્રુઆરી મહિનો અત્યાર સુધી આફત બની રહ્યો છે. છેલ્લાં સાત સત્રોથી બેન્ચમાર્ક્સ સતત નેગેટિવ બંધ આપી રહ્યાં છે. ગુરુવારે તો યુક્રેન પર રશિયાના હુમલાને કારણે માર્ચ 2020 પછીનો સૌથી ખરાબ દિવસ જોવા મળ્યો હતો. દિવસ દરમિયાન બજાર સતત ઘસાતું રહ્યું હતું અને કામકાજના અંતે તળિયા પર બંધ જોવા મળ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 2702.15 પોઈન્ટ્સના કડાકા સાથે 54529.91ના સ્તરે જ્યારે નિફ્ટી 815.30ના ઘટાડે 16247.95ના સ્તરે બંધ રહ્યાં હતાં. બંને બેન્ચમાર્ક્સે સપ્ટેમ્બર 2021 પછીના તળિયા પર બંધ આપ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 30 ટકાથી વધુ ઉછળી 31.98ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીના તમામ 50 ઘટક કાઉન્ટર્સે નેગેટિવ બંધ આપ્યું હતું.
છેલ્લાં છ સપ્તાહથી સતત નેગેટિવ બંધ આપવા સાથે બજાર એક રેંજમાં ટ્રેડિંગ દર્શાવતું રહ્યું હતું અને માર્કેટ વર્તુળો કેટલોક વધુ સમય કોન્સોલિડેશનની અપેક્ષા રાખી રહ્યાં હતાં. જોકે જીઓ-પોલિટીકલ મોરચે રશિયાએ અપનાવેલા આક્રમક વલણને કારણે બજારની અપેક્ષાથી ઊલટું બજારમાં બ્રેકડાઉન જોવા મળ્યું હતું. છેલ્લી ત્રણ વખતથી 16800નો સપોર્ટ લઈ પરત ફરી જતાં નિફ્ટીએ આ સપોર્ટને તોડવા ઉપરાંત 22 ડિસેમ્બરે દર્શાવેલા 16410ના તળિયાના સપોર્ટને પણ તોડ્યો હતો અને નીચામાં 16203નું બોટમ બનાવ્યું હતું. નિફ્ટીએ તમામ મહત્વના સપોર્ટ તોડતાં ટેકનિકલ એનાલિસ્ટ્સ વધુ મંદીની શક્યતાં જોઈ રહ્યાં છે. તેમના માટે હવે નિફ્ટીમાં નજીકનો કોઈ સપોર્ટ નથી. જો જીઓપોલિટીકલ મોરચે કોઈ રાહત જોવા ના મળે તો બેન્ચમાર્ક વધુ 5-7 ટકા ઘટાડો દર્શાવી શકે છે. ટેકનિકલી નિફ્ટીમાં 15000નો સપોર્ટ રહેલો છે. એટલે વર્તમાન સ્તરેથી વધુ 1200 પોઈન્ટ્સના ઘટાડાની સંભાવના તેઓ વ્યક્ત કરી રહ્યાં છે. જોકે નજીકના સમયગાળામાં માર્કેટ ઓવરસોલ્ડ છે અને તેથી એક નાના પોઝીટીવ અહેવાલ પાછળ એક બાઉન્સ જોવા મળી શકે છે. જોકે ઉછાળે વેચવાનો વ્યૂહ રાખવાની સલાહ ટેકનિકલ એનાલિસ્ટ્સ કરી રહ્યાં છે. ભારતીય બજાર તેની 19 ઓક્ટોબરની ટોચથી 13 ટકા જેટલો ઘટાડો સૂચવી રહ્યું છે. જોકે એનાલિસ્ટ્સના મતે માર્ચ 2020માં 7500ના સ્તરેથી બેન્ચમાર્કે સતત સુધરતાં રહી 18600ની ટોચ દર્શાવી હતી. આ તીવ્ર સુધારાને જોતાં બજારમાં હજુ કરેક્શન ઘણું સામાન્ય કહી શકાય. જેને જોતાં વધુ ઘટાડો સંભવ છે.
ગુરુવારે વૈશ્વિક બજારોમાં પણ સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. જેમાં આર્થિક પ્રતિબંધો પાછળ રશિયન શેર માર્કેટ ખૂલતામાં જ 50 ટકા જેટલું ગગડ્યું હતું અને આખરે 30 ટકા ઘટાડે બંધ રહ્યું હતું. એશિયન તથા યુરોપના બજારોમાં 2-4 ટકા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો હતો. યુએસ માર્કેટ્સ પણ તેમના આંઠ મહિનાના તળિયા પર ટ્રેડ થઈ રહ્યાં હતાં. ડાઉ જોન્સ ફ્યુચર્સ 800 પોઈન્ટ્સથી વધુનો ઘટાડો સૂચવતો હતો. રશિયા-યૂક્રેન વચ્ચે ભીષણ જંગની શક્યતાં વચ્ચે વિદેશી રોકાણકારોની વેચવાલી ચાલુ રહેવા મળી શકે છે. જે સ્થિતિમાં બજારો આગામી ક્વાર્ટરમાં વધુ ઘટાડો દર્શાવે એમ વૈશ્વિક એનાલિસ્ટ્સ માની રહ્યાં છે.

રશિયન સ્ટોક માર્કેટમાં ઈન્ટ્રા-ડે 50 ટકાનું ગાબડું
યૂક્રેન પર આક્રમણના પગલે રશિયા પર લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધોને પગલે મોસ્કો શેરબજારનો બેન્ચમાર્ક આરટીએસ એક તબક્કે 50 ટકા ગબડ્યો હતો. જેને પગલે એક્સચેન્જ સત્તાવાળાઓએ એક તબક્કે કામકાજ બંધ રાખ્યું હતું. જોકે બે કલાક બાદ ફરીથી કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં ઈન્ડેક્સ તળિયાના સ્તરેથી બાઉન્સ થઈ 30.17 ટકાના એક દિવસીય ઘટાડે બંધ રહ્યો હતો. અન્ય વૈશ્વિક બેન્ચમાર્ક્સમાં ભારતીય બેન્ચમાર્ક્સ પણ 4.8 ટકા સાથે નોંધપાત્ર ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. જે ઉપરાંત યુરોપ અને એશિયન બજારોમાં પણ 2-4 ટકા સુધીનો ઘટાડો જોવા મળતો હતો. ચીનનો શાંઘોઈ કંપોઝીટ 1.7 ટકા ઘટાડો દર્શાવતો હતો. જ્યારે ડાઉ જોન્સ ફ્યુચર્સ 800 પોઈન્ટ્સનો ઘટાડો દર્શાવતો હતો. રશિયન બજારે એક દિવસમાં 259 અબજ ડોલરનું માર્કેટ-કેપ ધોવાણ નોંધાવ્યું હતું.

ગુરુવારે વૈશ્વિક બજારોનો દેખાવ
ઈન્ડાઈસીસ 23 ફેબ્રુ.નો બંધભાવ 24 ફેબ્રુ.નો બંધભાવ ઘટાડો(ટકામાં)
રશિયા RTS 1204.11 840.89 -30.17%
નિફ્ટી 50 17063.25 16240.7 -4.82%
BSE સેન્સેક્સ 57232.06 54523.52 -4.73%
ડેક્સ 14631.36 14105.43 -3.59%
CAC 40 6780.67 6539.1 -3.56%
હેંગ સેંગ 23660.28 22901.56 -3.21%
કોસ્પી 2719.53 2648.8 -2.60%
તાઈવાન 18055.73 17594.55 -2.55%
ફૂટ્સી 100 7498.18 7309.63 -2.51%
નિક્કાઈ 225 26449.61 25970.82 -1.81%
શાંઘાઈ કંપોઝીટ 3489.146 3429.96 -1.70%

કોમોડિટીઝમાં ભડકોઃ સોનું-ચાંદીમાં બે વર્ષનો, ક્રૂડમાં 13 વર્ષનો સૌથી મોટો ઉછાળો
ગોલ્ડ 65 ડોલર ઉછળી 18-મહિનાની ટોચ પર પહોંચ્યું
ચાંદી 5 ટકા ઉછળી રૂ. 68 હજારની સપાટી પર જોવા મળી
એમસીએક્સ ખાતે ક્રૂડ વાયદો 11 ટકા ઉછળી રૂ. 7617ની નવ વર્ષની ટોચ પર
નેચરલ ગેસ 7 ટકા ઉછળ્યો
એલ્યુમિનિયમે રૂ. 277.80ની સર્વોચ્ચ સપાટી દર્શાવી

યુક્રેન પર રશિયાના હુમલા બાદ કિંમતી ધાતુઓ અને બેઝ મેટલ્સના ભાવમાં તીવ્ર ઉછાળો નોંધાયો હતો. વૈશ્વિક બજારમાં ગોલ્ડ એક દિવસમાં 65 ડોલર ઉછળી 18-મહિનાની ટોચ પર ટ્રેડ થયું હતું. કોમેક્સ ખાતે સ્પોટ ગોલ્ડ 1974 ડોલરની સપ્ટેમ્બર 2020 પછીની ટોચ પર ટ્રેડ થયું હતું. જ્યારે એમસીએક્સ ખાતે સોનું 5 ટકા ઉછાળે રૂ. 52797ની ટોચ પર ટ્રેડ થયું હતું. તેણે એક દિવસમાં રૂ. 2400નો ઉછાળો નોંધાવ્યો હતો. સોના પાછળ ચાંદી પણ 5 ટકાથી વધુ ઉછળી રૂ. 68097ની છેલ્લાં ઘણા મહિનાઓની ટોચ પર જોવા મળી હતી. ક્રૂડના ભાવમાં ભડકો થયો હતો અને વૈશ્વિક બજારમાં બ્રેન્ટ વાયદો 9 ટકા ઉછળી 102.23 ડોલર પ્રતિ બેરલની સપ્ટેમ્બર 2014 પછીની ટોચ પર ટ્રેડ થયો હતો. ભારતીય બજારમાં તે રૂ. 7617ની નવ વર્ષની ટોચ પર જોવા મળ્યો હતો. અગાઉ તેણે ઓગસ્ટ 2013માં રૂ. 7784ની સર્વોચ્ચ સપાટી નોંધાવી હતી.
બજાર નિરીક્ષકોના મતે રશિયા કોમોડિટીઝનો અગ્રણી ઉત્પાદક દેશ છે અને તેથી યુધ્ધને કારણે તેના પર લાગેલા પ્રતિબંધોને જોતાં ગ્લોબલ કોમોડિટી સપ્લાય પર અસર થવાની ઊંચી શક્યતાં છે. જેના કારણે વિવિધ કોમોડિટીઝના ભાવમાં તીવ્ર વૃદ્ધિ જોવા મળી છે. ઓસ્ટ્રેલિયા અને ચીન પછી રશિયા સોનાનું વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઉત્પાદક છે અને વૈશ્વિક ખાણ ઉત્પાદનમાં લગભગ 10 ટકા હિસ્સો ધરાવે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ અનુસાર ગયા વર્ષે રશિયા પાસે કુલ 3,500 ટન સોનુ હતું. અન્ય કિંમતી ધાતુઓ પેલેડિયમ અને પ્લેટિનમના ઉત્પાદનમાં ટોચનો દેશ છે. તેણે ગયા વર્ષે પેલેડિયમના 2.6 મિલિયન ટ્રોય ઔંસ અથવા વૈશ્વિક ખાણ ઉત્પાદનના 40 ટકા અને પ્લેટિનમના 641,000 ઔંસ અથવા કુલ ખાણ ઉત્પાદનના લગભગ 10 ટકા ઉત્પાદન કર્યું હતું. ક્રૂડમાં તે સાઉદી અરેબિયા બાદ બીજા ક્રમનો નિકાસકાર દેશ છે. આ ઉપરાંત એલ્યુમિનિયમ, નીકલ અને કોપરમાં પણ રશિયા વૈશ્વિક ઉત્પાદનમાં મહત્વનો હિસ્સો ધરાવે છે. યુક્રેન પરના હુમલા બાદ યુએસ, યુરોપ, જાપાન અને કેનેડા સહિતના દેશોએ રશિયા પર વિવિધ આર્થિક પ્રતિબંધો લાગુ પાડ્યાં છે. જેને કારણે ક્રૂડ સહિતની કોમોડિટીઝના સપ્લાય પર અસર થવાની સંપૂર્ણ શક્યતાં છે એમ વર્તુળો જણાવે છે.

કોમોડિટીઝમાં 24 કલાકમાં વૃદ્ધિ
કોમોડિટી બુધવાર ગુરુવાર
કોમેક્સ સોનુ 1910 ડોલર 1975 ડોલર
એમસીએક્સ સોનુ રૂ. 50379 રૂ. 52700
ચાંદી રૂ. 64585 રૂ. 68097
બ્રેન્ટ ક્રૂડ 94 ડોલર 102.23 ડોલર
એમસીએક્સ ક્રૂડ રૂ. 6879 રૂ. 7617

બિટકોઈનમાં 9 ટકાનું ગાબડું
યુક્રેન પર રશિયાના હુમલા બાદ ક્રિપ્ટોકરન્સિઝના ભાવોમાં તીવ્ર વેચવાલી જોવા મળી છે. ગુરુવારે બિટકોઈનનો ભાવ 9 ટકાથી વધુ ઘટાડા સાથે 35 હજાર ડોલરની નીચે ઉતરી ગયો હતો. એક તબક્કે બિટકોઈન 34459 ડોલરના તળિયા પર ટ્રેડ થયો હતો. જ્યાંથી સાધારણ પરત ફરી 35100 ડોલરની સપાટી પર જોવા મળતો હતો. અન્ય નાની ક્રિપ્ટકરન્સિઝના ભાવમાં 20 ટકા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો હતો. બિટકોઈનનું માર્કેટ-કેપ ગગડીને 730 અબજ ડોલર આસપાસ જોવા મળ્યું હતું.

બ્રોડ માર્કેટ માટે બે વર્ષનો સૌથી ભયાનક દિવસ
12 માર્ચ 2020ના રોજ 0.08ની માર્કેટ-બ્રેડ્થ બાદ ગુરુવારે 0.09ની માર્કેટ-બ્રેડ્થ જોવા મળી
એનએસઈ-500 જૂથમાં સમાવિષ્ટ 490 કાઉન્ટર્સે નેગેટિવ બંધ દર્શાવ્યું
જૂથના 500માંથી 371 કાઉન્ટર્સે 10 ટકાથી વધુ ઘટાડો નોંધાવ્યો

શેરબજાર રોકાણકારો માટે ગુરુવારનો દિવસ છેલ્લાં બે વર્ષનો સૌથી ગોઝારો દિવસ બની રહ્યો હતો. બેન્ચમાર્ક્સમાં 5 ટકા ઘટાડા સામે વ્યક્તિગત કાઉન્ટર્સમાં 20 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. એનએસઈ-500 જૂથના શેર્સનો અભ્યાસ કરીએ તો 98 ટકા શેર્સ ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં 100 કાઉન્ટર્સમાંથી 91માં ઘટાડો જ્યારે માત્ર 9માં સુધારો જોવા મળ્યો હતો.
એનએસઈ-500 જૂથનો અભ્યાસ કરીએ તો જણાય છે કે ગુરુવારે એક બ્લડબાથ જોવા મળ્યો હતો. જૂથમાં સમાવિષ્ટ 500 જેટલા કાઉન્ટર્સમાંથી 490 તેમના અગાઉના બંધની સરખામણીમાં નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે માત્ર 10 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ આપવામાં સફળ રહ્યાં હતાં. નેગેટિવ બંધ આપનારા કાઉન્ટર્સમાંથી 371 કાઉન્ટર્સ તો 10 ટકાથી વધુનો ઘટાડો સૂચવી રહ્યાં હતાં. આમ 500માંથી 371 કાઉન્ટર્સ ટકાવારી સંદર્ભમાં દ્વિઅંકી ઘટાડો દર્શાવતાં હતાં. આ અગાઉ બજારમાં આટલી નેગેટિવ માર્કેટ-બ્રેડ્થ માર્ચ 2020માં જોવા મળી હતી. જે દરમિયાન 12 માર્ચે માત્ર 0.08 ટકાના તળિયા પર માર્કેટ-બ્રેડ્થ નોંધાઈ હતી. એટલેકે 100 કાઉન્ટર્સમાં નેગેટિવ બંધ સામે માત્ર 8 કાઉન્ટર્સમાં પોઝીટીવ બંધ જોવા મળ્યું હતું. ગુરુવારે આ રેશિયો 100માં ઘટાડા સામે 9માં સુધારાનો હતો. માર્કેટ એનાલિસ્ટ્સના મતે ફેબ્રુઆરી ડેરિવેટિવ્સ એક્સપાયરી સાથે એક સત્ર બાદ આગામી સપ્તાહથી નવી માર્જિન સિસ્ટમ લાગુ પડવાની હોવાથી માર્કેટમાં ભારે દબાણ જોવા મળ્યું હતું અને અનેક ક્વોલિટી કાઉન્ટર્સ પત્તાના મહેલની માફક કકડભૂસ થતાં જોવા મળ્યાં હતાં. એનએસઈ-500 જૂથમાં ઘણા ક્વોલિટી કાઉન્ટર્સનો સમાવેશ થાય છે અને તેમણે 19 ટકા સુધી એક દિવસીય ઘટાડો નોંધાવ્યો હતો. જેમાં ઈન્ડસટાવર 18.52 ટકા સાથે ટોચ પર હતો. કંપનીનો શેર રૂ. 251.65ના અગાઉના બંધ સામે ગુરુવારે કામકાજની આખરમાં રૂ. 205.05ના સ્તરે બંધ રહ્યો હતો. કંપનીમાં વોડાફોન તેનો હિસ્સો વેચવાના અહેવાલને કારણે પ્રતિકૂળ અસર જોવા મળી હતી. આ ઉપરાંત પીએસયૂ બેંક કંપની પીએનબીમાં 14 ટકાથી વધુનું ધોવાણ નોંધાયું હતું. શેરમાં સામાન્ય કામકાજની સરખામણીમાં ત્રણ ગણાથી વધુ કામકાજ સાથે મંદી જોવા મળી હતી. જે સૂચવે છે કે અગ્રણી રોકાણકારોનો માલ ફૂટ્યો હતો. આ ઉપરાંત રેઈન કોમોડિટીઝ(-14 ટકા), આઈસીઆઈએલ(-14 ટકા), એચઈજી(-14 ટકા), બેંક ઓફ ઈન્ડિયા(-13 ટકા), વોખાર્ડ ફાર્મા(-13 ટકા), આલોક ઈન્ડ.(-13 ટકા)નો ઘટાડો સૂચવી રહ્યાં હતાં. આમાંથી ઘણા કાઉન્ટર્સ તેમના વાર્ષિક તળિયા પર ટ્રેડ થયાં હતાં. માત્ર 10 કાઉન્ટર્સે પોઝીટવ બંધ દર્શાવ્યું હતું. જેમા ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ, ધાનૂકા અને એન્ડ્યૂરન્સનો સમાવેશ થતો હતો.

NSE-500ના અન્ડરપર્ફોર્મર્સ
સ્ક્રિપ્સ 23 ફેબ્રુ.નો બંધભાવ(રૂ.) 24 ફેબ્રુ.નો બંધભાવ(રૂ.) ઘટાડો(ટકામાં)
ઈન્ડસટાવર 251.65 205.05 -18.52
PNB 37.35 31.95 -14.46
રેઈન કોમોડિટીઝ 212.55 183.05 -13.88
ICIL 185.50 160.00 -13.75
HEG 1208.20 1044.80 -13.52
બેંક ઓફ ઈન્ડિયા 51.00 44.20 -13.33
વોખાર્ડ ફાર્મા 376.40 328.00 -12.86
આલોક ઈન્ડ. 25.05 21.90 -12.57
NFL 47.30 41.40 -12.47
બર્ગર કિંગ 108.95 95.50 -12.35
HFCL 72.15 63.5 -11.99
લોધા ડેવ. 1192.35 1050 -11.94
કરુર વૈશ્ય 49.05 43.25 -11.82
NBCC 39.3 34.7 -11.7

 

મૂડીઝે 2022 માટે GDP ગ્રોથમાં વૃદ્ધિ કરી
વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે ગુરુવારે કેલેન્ડર 2022 માટે ભારતના જીડીપી વૃદ્ધિ દરની આગાહીમાં વૃદ્ધી કરી તેને 9.5 ટકા કરી હતી. સાથે 1 એપ્રિલથી શરૂ થનારા 2022-23 નાણાકિય વર્ષ માટે જીડીપી વૃદ્ધિ દર 8.4 ટકા રહેશે તેમ જણાવ્યું હતું. ક્રૂડના ભાવમાં વૃદ્ધિ તથા વૈશ્વિક સ્તરે સપ્લાય ચેઈન ખોરવાવા છતાં મૂડીઝની ઈન્વેસ્ટર્સ સર્વિસે ભારત માટે ગ્રોથના અંદાજોમાં પોઝીટીવ સુધારો કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે 2020 અને 2021ના અનુક્રમે પ્રથમ અને બીજા કોવિડ વેવમાંથી અપેક્ષા કરતાં મજબૂત રિકવરી જોવા મળી હતી. જેને જોતાં કંપનીએ 2022 કેલેન્ડર માટેના અગાઉના 7 ટકા વૃદ્ધિ દરના અંદાજને સુધારી 9.5 ટકા કર્યો છે. જ્યારે 2023 કેલેન્ડર માટે તેને 5.5 ટકા કર્યો છે. જે નાણા વર્ષો 2022-23 માટે 8.4 ટકા અને 2023-24 માટે 6.5 ટકા વૃદ્ધિ દર સૂચવે છે.
કેડિલા હેલ્થકેર હવેથી ઝાયડસ લાઇફસાયન્સિસ તરીકે ઓળખાશે
ઝાયડસ ગ્રૂપે તેની લિસ્ટેડ કંપની કેડિલા હેલ્થકેર લિમિટેડની નવી ઓળખ ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડ કરી છે. કંપનીની નવી બ્રાન્ડ ઓળખ પર્પલ અને ટીલ કલર્સમાં બે હ્રદયોને જોડે છે, જે કાળજી અને પોષણ સાથે વિજ્ઞાન અને ઇનોવેશનની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. 70 વર્ષથી વધુ સમય સુધી આરોગ્ય ક્ષેત્રના સમૃદ્ધ વારસો ધરાવતું ગ્રૂપ ઇનોવેશન-સંચાલિત વૈશ્વિક લાઇફસાયન્સિસ કંપનીઓ પૈકીની એક છે. સંસ્થાના નવા વિઝનને રજૂ કરતાં ઝાયડસ લાઇફસાયન્સિસના ચેરમેન પંકજ પટેલે જણાવ્યું હતું કે, અમે વિજ્ઞાન અને ઇનોવેશન દ્વારા પેશન્ટ-કેન્દ્રિત સોલ્યુશન્સ પ્રદાન કરવાના અમારા પ્રયાસોમાં સતત વિકાસ અને પરિવર્તનમાં વિશ્વાસ રાખીએ છીએ.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage