Categories: Market TipsNEWS

Market Summary 24 Nov 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

નવેમ્બર એક્સપાયરી પૂર્વે માર્કેટમાં બે બાજુની વધ-ઘટ વચ્ચે નરમાઈ
નિફ્ટી 17601ની ટોચ બનાવી 17354 પર પટકાયા બાદ 17415 પર બંધ રહ્યો
ઈન્ફોસિસ, આઈટીસી, રિલાયન્સ, લાર્સન, એચડીએફસી અને અલ્ટ્રાટેક સિમેન્ટ જેવા કાઉન્ટર્સ પાછળ બેન્ચમાર્કમાં ઘટાડો
પબ્લિક સેન્ટર એન્ટરપ્રાઈઝિસમાં જોવા મળેલી ભારે લેવાલી વચ્ચે ઓએનજીસી, કોલ ઈન્ડિયા, બીપીસીએલ અને એનટીપીસીમાં મજબૂતી
જોકે બ્રોડ માર્કેટમાં ખરીદી વચ્ચે બીએસઈ ખાતે માર્કેટ-બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી
પેટીએમ, ફિનો પેમેન્ટ્સ બેંક, એસજેએસ એન્ટરપ્રાઈઝિસ જેવા તાજેતરના લિસ્ટીંગ્સમાં રિટેલ આઉટ થયા બાદ નીકળેલી લેવાલી
વૈશ્વિક બજારોમાં સુસ્તી વચ્ચે નવેમ્બર સિરિઝ એક્સપાયરીના એક દિવસ પૂર્વે બજારમાં ઊંચી વોલેટિલિટી જોવા મળી હતી. બુઘવારે સવારે ગેપ-અપ કામગીરી દર્શાવ્યા બાદ મોટાભાગનો સમય ગ્રીન ઝોનમાં ટ્રેડિંગ દર્શાવતું રહેલું બજાર એકાએક વેચવાલી પાછળ ગગડ્યું હતું અને નેગેટિવ બંધ રહ્યું હતું. બેન્ચમાર્ક સેન્સેક્સ 323.34 પોઈન્ટ્સના ઘટાડે 58340.99ના સ્તરે જ્યારે નિફ્ટી 88.30ના ઘટાડે 17415.05ના સ્તરે બંધ રહ્યાં હતાં. નિફ્ટીના 50 પ્રતિનિધિઓમાંથી 18માં સુધારો નોંધાયો હતો. જ્યારે 32 કાઉન્ટર્સ ઘટીને બંધ રહ્યાં હતાં. સેન્સેક્સે તેની દિવસની ટોચથી 825 પોઈન્ટ્સનો ઘટાડો દર્શાવ્યો હતો. માર્કેટમાં નરમાઈ વચ્ચે પણ ઈન્ડિયન વોલેટિલિટી ઈન્ડેક્સમાં 5 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો અને તે 17.09ના સ્તરે બંધ રહ્યો હતો. સામાન્યરીતે માર્કેટમાં નરમાઈ વખતે વીક્સમાં વૃદ્ધિનું વલણ જોવા મળતું હોય છે.
લાર્જ-કેપ્સમાં ઘટાડો દર્શાવનારા કાઉન્ટર્સમાં ઈન્ફોસિસ, આઈટીસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટાટા મોટર્સ, લાર્સન અને ટાટા સ્ટીલનો સમાવેશ થતો હતો. જ્યારે અદાણી પોર્ટ્સ, ઓએનજીસી, કોલ ઈન્ડિયા, બીપીસીએલ, એનટીપીસી જેવા કાઉન્ટર્સ સુધારો દર્શાવી રહ્યાં હતાં. ખાનગી બેંકિંગ ક્ષેત્રે કોટક બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકે પણ પોઝીટીવ ટ્રેડ નોંધાવ્યો હતો. જેની પાછળ નિફ્ટી પીએસઈ 0.75 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી મેટલ, નિફ્ટી પીએસયૂ બેંક, નિફ્ટી એનર્જી પણ સાધારણ સુધારા સાથે બંધ જોવા મળતાં હતાં. જોકે નિફ્ટી ઓટો અને નિફ્ટી આઈટી એક ટકાથી વધુ ઘટાડા સાથે બંધ રહ્યા હતાં. ઓટો કાઉન્ટર્સમાં આઈશર મોટર્સ, મારુતિ સુઝુકી, બોશ, બાલક્રિષ્ણા ઈન્ડ, ટીવીએસ મોટર, ટાટા મોટર્સ, એમએન્ડએમમાં એક ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. આઈટી કાઉન્ટર્સમાં માઈન્ડટ્રી, એલએન્ડટી ઈન્ફોટેક, એમ્ફેસિસ, ઈન્ફોસિસ અને ઓરેકલ ફાઈનાન્સિયલ સર્વિસિસ, ટેક મહિન્દ્રામાં એક ટકાથી વધુ ઘટાડો જોવા મળી રહ્યો હતો.
વૈશ્વિક બજારોમાં બુધવારે સુસ્તીનું માહોલ જોવા મળી રહ્યું હતું. સવારે એશિયામાં મોટાભાગના બજારો સાધારણ ઘટાડા સાથે ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે બપોરે અગ્રણી યુરોપ બજારોમાં નરમાઈ જોવા મળતી હતી. જેની અસર સાથે ગુરુવારે નવેમ્બર એક્સપાયરીને કારણે પણ બજારમાં ટ્રેડર્સની ઊંચી કામગીરી પાછળ વોલેટિલિટીની આશંકા હતી. ટેકનિકલી નિફ્ટીને 17600નો મજબૂત અવરોધ નડી રહ્યો છે અને તે ત્યાંથી જ પરત ફર્યો હતો. જ્યારે તેને 17200નો સપોર્ટ છે. બેન્ચમાર્ક જે બાજુ બ્રેકઆઉટ આપશે તે બાજુ ઝડપી સુધારો દર્શાવે તેવી શક્યતાં એનાલિસ્ટ્સ વ્યક્ત કરી રહ્યાં છે. જોકે સાથે ઈન્ટ્રા-ડે વોલેટિલિટીનો ટ્રેન્ડ હજુ કેટલાંક સત્રો સુધી જળવાય તેમ પણ તેઓ ઉમેરે છે.
બ્રોડ માર્કેટમાં જોકે પસંદગીન કાઉન્ટર્સમાં ખરીદી જોવા મળી રહી છે. બીએસઈ ખાતે 3430 ટ્રેડેડ કાઉન્ટર્સમાં 1956 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ રહ્યાં હતાં. જ્યારે 1334 કાઉન્ટર્સ નેગેટિવ ઝોનમાં જોવા મળ્યાં હતાં. નરમ બજારમાં 496 કાઉન્ટર્સે અપર સર્કિટ્સ દર્શાવી હતી. જ્યારે 151 કાઉન્ટર્સે નીચલી સર્કિટ્સ નોંધાવી હતી. છેલ્લાં સપ્તાહમાં લિસ્ટ થયેલા આઈપીઓ કાઉન્ટર્સમાં પણ ખરીદી જોવા મળી હતી. જેમાં પેટીએમ, ફિનો પેમેન્ટ બેંક, એસજેએસ એન્ટરપ્રાઈઝિસમાં સારી ખરીદી જોવા મળી હતી. પેટીએમ 17 ટકા ઉછળી બંધ રહ્યો હતો. જ્યારે ફિનો પેમેન્ટ્સ બેંક ઈન્ટ્રા-ડે 20 ટકા ઉછળ્યો હતો.


સંસ્થાકિય રોકાણકારોએ ચાલુ વર્ષે IPOsમાં વિક્રમી રોકાણ કર્યું
એફઆઈઆઈએ કેલેન્ડર 2020ની સરખામણીમાં 2021માં છ ગણા રોકાણ સાથે કુલ રૂ. 24477 કરોડ રોક્યાં
મ્યુચ્યુલ ફંડ્સે ગયા કેલેન્ડરની સરખામણીમાં ચાલુ વર્ષે ચાર ગણી વૃદ્ધિ સાથે રૂ. 12264 કરોડનું રોકાણ કર્યું
વિદેશી સંસ્થાકિય રોકાણકારો(એફપીઆઈ) અને મ્યુચ્યુલ ફંડ્સ(એમએફ્સ)એ કેલેન્ડર 2021માં અત્યાર સુધીમાં કોઈપણ કેલેન્ડરની સરખામણીમાં આરંભિક પબ્લિક ઓફર્સ(આઈપીઓ)માં સૌથી વધુ રોકાણ કર્યું છે. બંનેએ મળીને ચાલુ વર્ષે કુલ રૂ. 36750 કરોડની રકમ પ્રાઈમરી માર્કેટમાં ઠાલવી છે.
જો વિદેશી પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સની વાત કરીએ તો તેમણે કેલેન્ડર પૂરો થવાને એક મહિનો બાકી છે ત્યારે આઈપીઓમાં કુલ રૂ. 24,447 કરોડનું રોકાણ કર્યું છે. જે 2020માં તેમણે કરેલા રોકાણની સરખામણીમાં છ ગણુ છે. જ્યારે કેલેન્ડર 2019માં તેમના રોકાણની સામે નવ ગણુ રોકાણ સૂચવે છે. સ્થાનિક સંસ્થાઓએ પણ ચાલુ કેલેન્ડરમાં અત્યાર સુધીમાં રૂ. 12264 કરોડનું રોકાણ કર્યું છે. જે ગયા વર્ષે તેમના રોકાણની સામે ચાર ગણુ વધારે છે. જ્યારે 2019માં કરેલા રોકાણની સરખામણીમાં 10 ગણી વૃદ્ધિ દર્શાવે છે. જો એફઆઈઆઈ અને એમએફના 2020ના કુલ રોકાણની સાથે સરખામણી કરીએ તો તેમણે ચાલુ વર્ષે પાંચ ગણુ વધારે રોકાણ કર્યું છે. મ્યુચ્યુલ ફંડનું રોકાણ વિદેશી રોકાણકારોના રોકાણની સરખામણીમાં લગભગ અડધુ જોવા મળે છે.
સંસ્થાઓ તરફથી ઊંચું રોકાણ મેળવવામાં પેટીએમની માલિક કંપની વન97કોમ્યુનિકેશન્સ, ઝોમેટો અને એફએસએન ઈ-કોમર્સ વેન્ચર્સ(નાયકા) મુખ્ય છે. એફપીઆઈએ ભારતીય બજારમાં સૌથી મોટા આઈપીઓ પેટીએમમાં રૂ. 7185 કરોડનું રાકણ કર્યું હતું. જે સ્થાનિક મ્યુચ્યુલ ફંડે કરેલા રોકાણની સરખામણીમાં સાત ગણુ રોકાણ હતું. ઝોમેટોમાં એફપીઆઈએ રૂ. 2759 કરોડનું જ્યારે ઓનલાઈન બ્યૂટી રિટેલર નાયકામાં રૂ. 1570 કરોડનુ રોકાણ કર્યું હતું. આઈપીઓમાં ટોચના પાંચ એફપીઆઈ એન્કર ઈન્વેસ્ટર્સમાં સિંગાપુર સરકાર(રૂ. 1570 કરોડ), કેનેડા પેન્શન પ્લાન ઈન્વેસ્ટમેન્ટ બોર્ડ(રૂ. 1197 કરોડ), બ્લેકરોક ગ્લોબલ ફંડ્સ-વર્લ્ડ ટેક્નોલોજી ફંડ(રૂ. 868 કરોડ), મોર્ગન સ્ટેનલી એશિયા(સિંગાપુર) પીટીઈ-ઓડીઆઈ(રૂ. 648 કરોડ) અને નોમુરા ઈન્ડિયા ઈન્વેસ્ટમેન્ટ ફંડ મધર ફંડ(રૂ. 599 કરોડ)નો સમાવેશ થાય છે. જ્યારે ટોચના પાંચ એન્કર મ્યુચ્યુલ ફંડ્સમાં આદિત્ય બિરલા સન લાઈફ એમએફ(રૂ. 1619 કરોડ), એચડીએફસી એમએફ(રૂ. 1317 કરોડ), એસબીઆઈ એમએફ(રૂ. 1201 કરોડ), એક્સિસ એમએફ(રૂ. 1196 કરોડ) અને મિરાઈ એસેટ એમએફ(રૂ. 1178 કરોડ)નો સમાવેશ થાય છે. એન્કર ઈન્વેસ્ટર્સ તરીકે વિદેશી રોકાણકારોની સરખામણીમાં સ્થાનિક મ્યુચ્યુલ ફંડ્સે માત્ર બે જ વાર ઊંચું રોકાણ દર્શાવ્યું છે. એક તો 2018માં અને બીજું 2014માં. કેલેન્ડર 2018માં સ્થાનિક ફંડ્સનો હિસ્સો રૂ. 4045 કરોડ પર હતો જે 52 ટકા જેટલો હતો. જ્યારે 2014માં તે માત્ર રૂ. 265 કરોડની એન્કર બુક સાથે 63 ટકા પર હતો. જોકે 2009 લઈને અત્યાર સુધીમાં મોટાભાગના વર્ષોમાં એન્કર બુકનું ભરણું વિદેશી રોકાણકારોથી જ ભરાતું રહ્યું છે. છેલ્લા ચાર વર્ષોમાં સ્થાનિક ફંડ્સ તરફથી પાર્ટિસિપેશન વધ્યું છે. જેનું મુખ્ય કારણ ઈક્વિટી સ્કીમ્સમાં જોવા મળેલો ઊંચો ઈનફ્લો છે.
મસ્કે ટ્વિટર પોલમાં દર્શાવેલા હિસ્સામાંથી 50 ટકાથી વધુનું વેચાણ કર્યું
અત્યાર સુધીમાં મસ્કે કુલ 92 લાખ શેર્સ બજારમાં ઓફલોડ કરી 9.9 અબજ ડોલર મેળવ્યાં
જોકે 10 ટકા હિસ્સાના વેચાણ માટે તેણે વધુ 1.7 કરોડ શેર્સનું વેચાણ કરવાનું બની શકે છે

કેટલાંક દિવસોના વિરામ બાદ એલોન મસ્કે ફરી ટેસ્લા ઈન્કના શેર્સનું વેચાણ શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં તેમણે અગાઉ ટ્વિટમાં કરેલી વાયદાના 50 ટકાથી વધુ હિસ્સાનું વેચાણ કરી દીધું છે. મસ્કે જણાવ્યું હતું કે તે ઈલેક્ટ્રીક-કાર ઉત્પાદક કંપનીમાંથી તેમના 10 ટકા હિસ્સાનું વેચાણ કરશે.
મંગળવારે યુએસ સમય મુજબ કરેલા રેગ્યુલેટરી ફાઈલીંગ મુજબ બિલિયોનર મસ્કે 1.05 અબજ ડોલર મેળવવા માટે અધિક 9,34,091 શેર્સનું વેચાણ કર્યું હતું. તેમણે 21.5 લાખ સ્ટોક ઓપ્શન્સનું પણ વેચાણ કર્યું હતું. ડોક્યૂમેન્ટ્સમાં જણાવ્યા મુજબ મસ્કે ઓપ્શન્સનું વેચાણ તે ટ્રાન્ઝેક્શન સંબંધી ટેક્સને કવર કરવા માટે કર્યું હતું. તાજેતરના શેર વેચાણ બાદ મસ્કે ટ્વિટર પર તેમણે ટેસ્લાનો 10 ટકા હિસ્સો વેચવો જોઈએ કે કેમ તે સંબંધી હાથ ધરેલા એક સર્વેથી અત્યાર સુધીમાં કુલ 92 લાખ શેર્સ બજારમાં ઓફલોડ કર્યાં છે. જે મારફતે કુલ 9.9 અબજ ડોલરની રકમ મેળવી છે. વેચાણમાંથી મળનારી રકમનો એક હિસ્સો ટેક્સની ચૂકવણીમાં જવાનો છે. લઘુત્તમ 10 ટકાની મર્યાદાને પહોંચવા માટે મસ્કે હજુ પણ વધુ 1.7 કરોડ શેર્સ અથવા તો કંપનીના બાકી રહેલા શેર્સના 1.7 ટકા હિસ્સાનું વેચાણ કરવાનું રહેશે. જો તેની માલિકીના કુલ શેર્સમાં એક્સરસાઈઝ થઈ શકે તેવા ઓપ્શન્સને ગણનામાં લઈએ તો તેણે આનાથી પણ વધુ શેર્સનું વેચાણ કરવાનું બની શકે છે. મસ્કે ટ્વિટર પોલથી અત્યાર સુધીમાં લાખો ઓપ્શન્સ એક્સરસાઈઝ કર્યાં છે. જે તમામ તેની એક્સપાયરી ડેટથી એક વર્ષ કરતાં ઓછા સમયગાળો ધરાવે છે. સપ્ટેમ્બરમાં તેણે સ્ટોક ઓપ્શન્સના એક્સરસાઈઝ સંબંધી શેર્સના વ્યવસ્થિત વેચાણ માટે પ્રિ-એરેન્જ્ડ ટ્રેડિંગ પ્લાન પણ બનાવ્યો હતો એમ ફાઈલીંગ્સ દર્શાવે છે. જોકે 6 નવેમ્બરના ટ્વિટર પોલમાં આ પ્લાનને લઈને કોઈ ઉલ્લેખ કરવામાં નહોતો આવ્યો.
મસ્કના ટ્વિટર પોલ બાદ ટેસ્લાના શેર્સમાં શરૂઆતી 9.4 ટકાનો ઘટાડો નોંધાયો હતો. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ મુજબ મસ્ક 303.7 અબજ ડોલરની વેલ્થ સાથે વિશ્વમાં સૌથી ધનિક વ્યક્તિ છે. ચાલુ વર્ષે જ તેણે નેટ વર્થમાં 133.9 અબજ ડોલરનો ઉમેરો કર્યો છે. જે અન્યોની સરખામણીમાં ઊંચો છે. ટેસ્લાનો શેર વર્ષ દરમિયાન 57 ટકા ઉછળ્યો છે.


રાકેશ ઝૂનઝૂનવાલા પ્રમોટેડ સ્ટાર હેલ્થ રૂ. 7249 કરોડ ઊભા કરશે
દલાલ સ્ટ્રીટમાં જાણીતા રોકાણકાર રાકેશ ઝૂનઝૂનવાલા પ્રમોટેડ સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્શ્યોરન્સ કંપની પ્રાઈમરી માર્કેટમાં આઈપીઓ મારફતે રૂ. 7249 કરોડ ઊભા કરશે. જે ચાલુ વર્ષે ત્રીજી સૌથી મોટી ઓફર હશે. કંપની રૂ. 870-900ની રેંજમાં શેર ઓફર કરશે. કંપની નવેમ્બરની આખરમાં બજારમાં પ્રવેશશે. આઈપીઓમાં રૂ. 2 હજાર કરોડ ફ્રેશ ઈક્વિટી મારફતે મેળવવામાં આવશે. જ્યારે બાકીનો હિસ્સો 5.83 કરોડ શેર્સની ઓફર-ફોર-સેલમાંથી મેળવવામાં આવશે. જેમાં અન્ય પ્રમોટર્સ સેફકોર્પ ઈન્વેસ્ટમેન્ટ, કોણાર્ક ટ્રસ્ટ એન્ડ એમએમપીએલ ટ્રસ્ટનો સમાવેશ થશે.
લેટન્ટ વ્યૂનો શેર બીજા દિવસે 20 ટકાની સર્કિટમાં જોવા મળ્યો
મંગળવારે ઓફરભાવ સામે 169 ટકા પ્રિમીયમે લિસ્ટ થયેલો લેટન્ટ વ્યૂનો શેર બુધવારે બીજા દિવસે સુધરતો રહીને એક તબક્કે 20 ટકાની ઉપલી સર્કિટમાં રૂ. 586.50ના સ્તરે ફ્રિઝ થયો હતો. જોકે કામકાજની આખરમાં તે 19.68 ટકા સુધારા સાથે રૂ. 584.95ના સ્તરે બંધ રહ્યો હતો. આમ કંપનીનો શેર રૂ. 197ના ઓફરભાવ સામે રૂ. 388નો તીવ્ર સુધારો દર્શાવી રહ્યો હતો. આઈપીઓ 339 ગણો છલકાયો હતો.
ગોલ્ડમાં સપ્તાહમાં ટોચના સ્તરેથી રૂ. 2000નો ઘટાડો
વૈશ્વિક ગોલ્ડના ભાવમાં ઊંચા મથાળે તીવ્ર વેચવાલી પાછળ સ્થાનિક કોમેક્સ ખાતે સોનામાંથી સપ્તાહમાં રૂ. 2000 નીકળી ગયાં છે. એમસીએક્સ ખાતે 16 નવેમ્બરે રૂ. 49500ની સપાટી પર ટ્રેડ દર્શાવનાર ડિસેમ્બર વાયદો મંગળવારે રૂ. 47400 પર જોવા મળ્યો હતો. જ્યારે બુધવારે તે સાધારણ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યો હતો. વૈશ્વિક કોમેક્સ ખાતે પણ વાયદો 1870 ડોલરના સ્તરેથી ગગડી 1780 ડોલર પર પટકાયો હતો. આમ સોનામાં જોવા મળેલી તેજી અલ્પજીવી નીવડી હતી અને રોકાણકારોમાં નિરાશા સાંપડી હતી. વૈશ્વિક બજારમાં તેણે 1800 ડોલરનું મહત્વનું સાયકોલોજિકલ લેવલ તોડતાં હવે ફરીથી ગોલ્ડમાં ઘટાડાની શક્યતા ઊભી થઈ છે. ગોલ્ડમાં ઘટાડાનું મુખ્ય કારણ યુએસ ખાતે ફેડ દ્વારા રેટમાં અપેક્ષા કરતાં ઝડપી વૃદ્ધિ કરવામાં આવે તેવી અપેક્ષા છે. જેને કારણે ડોલર ઈન્ડેક્સ 16 મહિનાની ટોચ પર પહોંચ્યાં છે અને ટ્રેઝરી યિલ્ડ્સ પણ મજબૂતી દર્શાવી રહ્યાં છે.

Rushit Parmar

Recent Posts

Go Digit General Insurance Limited IPO : Important Dates

Go Digit General Insurance Limited IPO is set to launch on 15 May, 2024. The…

4 days ago

Indian Emulsifier Limited IPO : Company Information

Indian Emulsifier Limited IPO is set to launch on 10 May, 2024. The company was…

4 days ago

Quest Laboratories Limited IPO : Company Details

Quest Laboratories Limited IPO is set to launch on 10 May, 2024. The company was…

4 days ago

Veritaas Advertising Limited IPO : Important Updates

Veritaas Advertising Limited IPO is set to launch on 10 May, 2024. The company was…

5 days ago

Mandeep Auto Industries Limited IPO : Key Highlights

Mandeep Auto Industries Limited IPO is set to launch on 10 May, 2024. The company…

5 days ago

Premier Roadlines Limited IPO : Company Information

Premier Roadlines Limited IPO is set to launch on 10 May, 2024. The company was…

1 week ago

This website uses cookies.