Categories: Market Tips

Market Summary 26/07/2023

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

ફેડ બેઠક પૂર્વે બુલ્સ પરત ફરતાં શેરબજારમાં મંદી અટકી
નિફ્ટીએ 19750નો અવરોધ પાર કર્યો
વોલેટિલિટી ઈન્ડેક્સ 2 ટકા વધી 10.45ના સ્તરે
પીએસયૂ બેંક, એફએમસીજી, એનર્જી, રિઅલ્ટી, ફાર્મામાં મજબૂતી
માત્ર ઓટોમાં નરમાઈ
આરબીએલ બેંક, મોતીલાલ ઓસ્વાલ, કેસ્ટ્રોલ, કેઈસી નવી ટોચે

શેરબજારમાં તેજીવાળાઓ પરત ફરતાં ત્રણ સત્રો પછી મજબૂતી જોવા મળી હતી. યુએસ ફેડ બેઠક પૂર્વે વૈશ્વિક બજારોમાં મિશ્ર વલણ વચ્ચે ભારતીય બજારે આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 351.49 પોઈન્ટ્સ વૃદ્ધિ સાથે 66,707.20ની સપાટીએ જ્યારે નિફ્ટી 97.70 પોઈન્ટ્સ મજબૂતી સાથે 19,778.30ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ ખરીદી પાછળ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે 3696 ટ્રેડેટ કાઉન્ટર્સમાંથી 1906 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ જોવા મળ્યાં હતાં. જ્યારે 1630 કાઉન્ટર્સ નેગેટિવ જળવાયાં હતાં. 236 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ નોંધાવી હતી. જ્યારે 133 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું બનાવ્યું હતું. 9 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 8 કાઉન્ટર્સ લોઅર સર્કિટમાં બંધ જોવા મળ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2 ટકા વધી 10.45ના સ્તરે બંધ રહ્યો હતો.
બુધવારે બેન્ચમાર્ક નિફ્ટીએ ગેપ-અપ શરૂઆત દર્શાવી હતી અને સમગ્ર સત્ર દરમિયાન પોઝીટીવ ટ્રેડ દર્શાવતો જોવા મળ્યો હતો. નિફ્ટી અગાઉના 19680.60ના બંધ સામે 19733.35 પર ખૂલી ઉપરમાં 19825.60ની ઈન્ટ્રા-ડે ટોચ પર ટ્રેડ થયો હતો. જોકે, તે 19800ની સપાટી પર બંધ આપી શક્યો નહોતો. આમ છતાં, તેણે 19750ના અવરોધને પાર કર્યો હતો. જે ટેકનિકલી મજબૂતી સૂચવે છે. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 6 પોઈન્ટ્સ ડિસ્કાઉન્ટમાં 19772 પર બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 14 પોઈન્ટ્સના પ્રિમીયમમાં નોંધપાત્ર ઘટાડો સૂચવે છે. ગુરુવારે જુલાઈ સિરિઝ એક્સપાયરીને કારણે પોઝીશન રોલઓવર થવાના કારણે આમ બન્યું હોય શકે છે. જોકે, પ્રિમીયમનું ઘટવું સૂચવે છે કે લોંગ પોઝીશનમાં લિક્વિડેશન થયું છે અને તેથી બજારમાં ઊંચા મથાળે સાવચેતી રાખવાની જરૂર છે. ટેકનિકલ એનાલિસ્ટ્સ 19600ના સ્ટોપલોસે લોંગ પોઝીશન જાળવવા માટે જણાવે છે. જોકે, આ સ્તર તૂટશે તો માર્કેટમાં ઝડપી ઘટાડો સંભવ છે. બુધવારે નિફ્ટીને સપોર્ટ કરનારા મુખ્ય ઘટકોમાં લાર્સન, આઈટીસી, બ્રિટાનિયા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, સન ફાર્મા, એક્સિસ બેંક, સિપ્લા, ઈન્ફોસિસ, કોટક મહિન્દ્રા, એચડીએફસી લાઈફ અને યૂપીએલનો સમાવેશ થાય છે. બીજી બાજુ બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, એમએન્ડએમ, ટેક મહિન્દ્રા, એપોલો હોસ્પિટલ, ડિવિઝ લેબ્સ, એશિયન પેઈન્ટ્સ, ટાઈટન કંપની, એસબીઆઈ લાઈફમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો પીએસયૂ બેંક, એફએમસીજી, એનર્જી, રિઅલ્ટી, ફાર્મામાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે માત્ર ઓટોમાં નરમાઈ નીકળી હતી. નિફ્ટી પીએસયૂ બેંક 1.5 ટકા ઉછળી નવી ટોચ નજીક પહોંચ્યો હતો. જેમાં પીએનબી, યુનિયન બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, બેંક ઓફ ઈન્ડિયા, યૂકો બેંક, કેનેરા બેંક, જેકે બેંક અને એસબીઆઈનો સમાવેશ થતો હતો. નિફ્ટી એફએમસીજી પણ 1 ટકાથી વધુ મજબૂતી દર્શાવતો હતો. જેના મુખ્ય ઘટકોમાં ઈમામી, પીએન્ડજી, આઈટીસી, બ્રિટાનિયા, યુનાઈટેડ બ્રૂઅરિઝ, ડાબર ઈન્ડિયા, તાતા કન્ઝ્યૂમર, એચયૂએલ, ગોદરેજ કન્ઝ્યૂમર, વરુણ બેવરેજિસનો સમાવેશ થતો હતો. નિફ્ટી રીઅલ્ટી 1.2 ટકા સુધારા સાથે નવી ટોચ પર જોવા મળ્યો હતો. જેમાં સોભા, ઓબેરોય રિઅલ્ટી, ડીએલએફ, બ્રિગેડ એન્ટરપ્રાઈઝિસ, ગોદરેજ પ્રોપર્ટીઝ અને ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટીનો સમાવેશ થતો હતો. નિફ્ટી પીએસઈ પણ નવી ટોચ પર બંધ રહ્યો હતો. જેમાં ભેલ, ઓઈલ ઈન્ડિયા, પાવર ફાઈનાન્સ, આરઈસી, આઈઓસી, હિંદુસ્તાન એરોનોટીક્સ, એચપીસીએલ, એનટીપીસી અને કોલ ઈન્ડિયા મજબૂતી સૂચવતાં હતાં.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો વોડાફોન આઈડિયા 11 ટકા સાથે સુધારો દર્શાવવામાં ટોચ પર હતો. આ ઉપરાંત પિરામલ એન્ટરપ્રાઈઝિસ, આરબીએલ બેંક, ઈન્ડસ ટાવર્સ, બાલક્રિષ્ણા ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, પીએનબી, મણ્ણાપુરમ ફાઈ., તાતા કોમ, ડેલ્ટા કોર્પ, લાર્સન, પીવીઆર આઈનોક્સ, ગ્લેનમાર્ક, એસ્કોર્ટ્સ કુબોટા, કોરોમંડલ ઈન્ટરનેશનલમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળતો હતો. બીજી બાજુ, કેન ફિન હોમ્સ, ઈન્ટિલેક્ટ ડિઝાઈન, બજાજ ફાઈનાન્સ, સિન્જિન ઈન્ટરનેશનલ, જ્યુબિલિઅન્ટ ફૂડ, ઈન્ટરગ્લોબ એવિએશન, લૌરસ લેબ્સમાં નરમાઈ જોવા મળી હતી. કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં આરબીએલ બેંક, મોતીલાલ ઓસ્વાલ, કેસ્ટ્રોલ, કેઈસી ઈન્ટરનેશનલ, મણ્ણાપુરમ ફાઈ., ભેલ, ક્રેડિટએક્સેસ, લાર્સન, તાતા કોમ્યુનિકેશન, ગ્લેનમાર્ક, એસ્કોર્ટ્સ કુબોટા અને સીએસબી બેંકનો સમાવેશ થતો હતો.

કોર્પોરેટ રાઉન્ડ અપ

રિલાયન્સ સ્ટ્રેટેજિક ઈન્વેસ્ટમેન્ટ હવેથી જીઓ ફાઈનાન્સિયલ સર્વિસિસ બની
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે જણાવ્યું છે કે તેનામાંથી છૂટી પડેલી કંપન રિલાયન્સ સ્ટ્રેટેજિક ઈન્વેસ્ટમેન્ટ્સનું નામ 25 જુલાઈથી બદલીને જીઓ ફાઈનાન્સિયલ સર્વિસિસ થયું છે. કંપનીએ એક યાદીમાં જણાવ્યું હતું કે એનસીએલટીએ મંજૂરી આપેલી સ્કીમના ક્લોઝ 20 મુજબ કંપનીનું નવું નામ જીઓ ફાઈનાન્સિયલ સર્વિસિઝ રહેશે. 20 જુલાઈએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાંથી છૂટી પડેલી કંપનીનું વેલ્યૂએશન લગભગ 20 અબજ ડોલરનું જોવા મળ્યું હતું. આરઆઈએલના એક શેર સામે જીઓ ફાઈનાન્સિયલ સર્વિસિઝનો એક શેર મળ્યો હતો. કંપનીએ ગયા ઓક્ટોબરમાં ડિમર્જરની જાહેરાત કરી હતી. 20 અબજ ડોલરના મૂલ્ય સાથે જીઓ ફાઈનાન્સિયલ માર્કેટ-કેપની રીતે ટોચની 40 લિસ્ટેડ કંપનીઓમાં પ્રવેશી હતી.

LICએ બજાજ ઓટોમાં 2 ટકા શેર્સ વેચ્યાં
લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ બુધવારે જણાવ્યું હતું કે તેણે બજાજ ઓટોમાં ઓપન માર્કેટ વેચાણ મારફતે 2 ટકાથી સહેજ વધુ હિસ્સાનું વેચાણ કર્યું હતું. જે સાથે ટુ-વ્હીલર અગ્રણીમાં એલઆઈસીનો હિસ્સો 5.2 ટકા પરથી ઘટી 3.173 ટકા પર જોવા મળ્યો હતો. કંપનીએ તેની પાસેના કુલ 1,47,12,999 શેર્સમાંથી ચાર લાખથી વધુ શેર્સ વેચી 89,77,945 શેર્સ જાળવ્યાં હતાં એમ એલઆઈસીએ એક ફાઈલીંગમાં જણાવ્યું હતું. કંપનીએ રૂ. 4,772.18 પ્રતિ શેરના સરેરાશ ભાવે આ શેર્સનું વેચાણ કર્યું હતું. કંપનીએ 16 નવેમ્બર 2022થી 25 જુલાઈ 2023ના સમયગાળા દરમિયાન આ શેર્સ વેચ્યાં હતાં. દરમિયાનમાં ઓઈલ માર્કેટિંગ કંપની એચપીસીએલમાં એલઆઈસીનો હિસ્સો 4.901 ટકા પરથી વધી 5.013 ટકા પર જોવા મળ્યો છે. કંપની છેલ્લાં કેટલાંક સપ્તાહોમાં તેના પોર્ટફોલિયોનું ચર્નિંગ કરી રહી છે. જેમાં કેટલાંક કાઉન્ટર્સમાં હિસ્સો વેચી અન્ય કાઉન્ટર્સમાં નાણા રોકી રહી છે. એલઆઈસી દેશમાં સૌથી મોટો સંસ્થાકિય રોકાણકાર છે.

SBIએ PC જ્વેલર સામે ઈન્સોલ્વન્સી અરજી કરી
દેશમાં સૌથી મોટા લેન્ડર એસબીઆઈએ દિલ્હી સ્થિત એનસીએલટી સમક્ષ પીસી જ્વેલર્સ સામે ઈન્સોલ્વન્સી અરજી દાખલ કરી હતી. જે 26 જુલાઈએ એનસીએલટીની પ્રિન્સિપલ બેચ સમક્ષ સુનાવણી માટે આવી હતી. જેને વધુ સુનાવણી માટે ઓગસ્ટના પ્રથમ સપ્તાહ પર મુલત્વી રાખવામાં આવી હતી. પીસી જ્વેલર્સની મુશ્કેલી ફેબ્રુઆરી 2023માં શરુ થઈ હતી. જ્યારે બેંક્સે તેની પાસે લોન્સની પરત માગણી કરી હતી. કંપનીએ એક ફાઈલીંગમાં જણાવ્યું હતું કે તે બેંક્સ અને નાણા સંસ્થાઓને રૂ. 3466 કરોડની લોન ચૂકવવામાં નાદાર બની છે. જ્યારે પણ લોનધારક તેનું બોરોઈંગ ચૂકવવામાં નિષ્ફળ જાય છે ત્યારે બેંક્સ તેમણે આપેલી લોનની પરત માગણી કરતી હોય છે. 2021-22 માટેના વાર્ષિક અહેવાલમાં પીસી જ્વેલરે જણાવ્યું હતું કે તેણે 14 બેંક્સ પાસેથી નાણા લીધાં હતાં. જેમાં એસબીઆઈ, ઈન્ડિયન બેંક, યુનિયન બેંક અને પીએનબીનો સમાવેશ થાય છે. કંપની કુલ રૂ. 3,278 કરોડની લોન ધરાવતી હતી. જેમાં એસબીઆઈએ રૂ. 1060 કરોડ સાથે સૌથી વધુ રકમ લેવાની નીકળતી હતી. યુનિયન ઓફ ઈન્ડિયાએ રૂ. 530 કરોડ અને પીએનબીએ રૂ. 478 કરોડ લેવાના નીકળે છે.

જૂનમાં ક્રેડિટ કાર્ડ ખર્ચમાં 2.4 ટકા ઘટાડો નોંધાયો
મે મહિનામાં રૂ. 1.41 લાખ કરોડના વિક્રમી ક્રેડિટ કાર્ડ સ્પેન્ડિંગ સામે જૂનમાં 1.37 લાખ કરોડનો ખર્ચ

જૂનમાં ક્રેડિટ કાર્ડ ખર્ચમાં 2.4 ટકાનો ઘટાડો નોંધાયો હતો અને તે રૂ. 1.37 લાખ કરોડ પર જોવા મળ્યું હતું. મે મહિનામાં ક્રેડિટ કાર્ડ મારફતે રૂ. 1.41 લાખ કરોડનો વિક્રમી ખર્ચ નોંધાયો હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડેટા મુજબ જૂનમાં મોટાભાગના ક્રેડિટ કાર્ડ ઈસ્યુઅર્સે ખર્ચમાં ઘટાડો નોંધાવ્યો હતો. એકમાત્ર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા આમાંથી અપવાદ જોવા મળી હતી.
આરબીઆઈના ડેટા મુજબ જૂનમાં ક્રેડિટ કાર્ડ તરફથી થયેલો 64 ટકા ખર્ચ ઈ-કોમર્સ પેમેન્ટ્સ માટે હતો. જ્યારે 36 ટકા ક્રેડિટ કાર્ડ ખર્ચ પીઓએસ(પોઈન્ટ-ઓફ-સેલ) પર હતો. જે અગાઉના મહિના દરમિયાન પણ આ મુજબ જ હતો. દેશમાં ટોચના ચાર ક્રેડિટ કાર્ડ ઈસ્યુઅર્સમાં એકમાત્ર એસબીઆઈએ જ ક્રેડિટ કાર્ડ ખર્ચમાં 5 ટકા વૃદ્ધિ દર્શાવી હતી. જ્યારે એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને એક્સિસ બેંકે ક્રેડિટ કાર્ડ ખર્ચમાં 2-6 ટકા ઘટાડો નોંધાવ્યો હતો. જોકે, કુલ ખર્ચની રીતે એચડીએફસી બેંકે રૂ. 38,716 કરોડના ખર્ચ સાથે ટોચનું સ્થાન જાળવી રાખ્યું હતું. કેટલાંક અન્ય ક્રેડિટ કાર્ડ ઈસ્યુઅર્સ જેવાકે કોટક મહિન્દ્રા બેંક, આરબીએલ બેંક, યસ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક અને બેંક ઓફ બરોડાએ પણ ખર્ચ ઘટાડો અનુભવ્યો હતો. જૂનમાં જોકે, સતત 16મા મહિને ક્રેડિટ કાર્ડ મારફતે ખર્ચ રૂ. 1 લાખ કરોડની સપાટી પર જોવા મળ્યો હતો. 2022-23માં કુલ ક્રેડિટ કાર્ડ ખર્ચ રૂ. 14.3 લાખ કરોડ પર નોંધાયો હતો. જે વાર્ષિક ધોરણે 47 ટકા જેટલો ઊંચો હતો.
જૂનમાં નવા ક્રેડિટ કાર્ડની સંખ્યામાં 9.4 લાખનો ઉમેરો થયો હતો. જે એપ્રિલ અને મે દરમિયાન 12-12 લાખ પર જોવા મળતો હતો. આમ નવા કાર્ડ્સ ઈસ્યુઅન્સમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. જૂનમાં કુલ 8.9 કરોડ કાર્ડ ચલણમાં હતાં. જે માસિક ધોરણે એક ટકો વૃદ્ધિ દર્શાવતાં હતાં. જોકે, એપ્રિલ અને મેમાં તે 1.4 ટકા પર જોવા મળી હતી. 31 માર્ચની આખરમાં કુલ 8.5 કરોડ ક્રેડિટ કાર્ડ અસ્તિત્વમાં હતાં. જે 15.9 ટકા વૃદ્ધિ દર્શાવતાં હતાં. જૂનમાં એચડીએફસી બેંકે 2.28 લાખ ક્રેડિટ કાર્ડ્સનો ઉમેરો દર્શાવ્યો હતો. જ્યારે એસબીઆઈ(2.05 લાખ કરોડ), આઈસીઆઈસીઆઈ બેંક(1.23 લાખ) અને એક્સિસ બેંક(41019) કાર્ડ્સ ઉમેર્યાં હતાં. એક્સિસ બેંકે મેમાં 1.96 લાખ ક્રેડિટ કાર્ડ્સનો ઉમેરો કર્યો હતો. આમ જૂનમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો.

કતાર સોવરિન ફંડની RRVLમાં એક અબજ ડોલરના રોકાણની વિચારણા
રિલાયન્સ રિટેલ વેન્ચર્સમાં વેલ્યૂએશન 100 અબજ ડોલર પર, ટેલિકોમ યુનિટમાં પણ વેલ્યૂઅનલોકિંગની વિચારણા

કતાર સોવરિન વેલ્થ ફંડ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની રિટેલ બિઝનેસ હોલ્ડિંગ કંપનીમાં એક ટકા હિસ્સા માટે એક અબજ ડોલર સુધીના રોકાણ માટે મંત્રણા ચલાવી રહ્યું હોવાનું બેંકિંગ વર્તુળો જણાવે છે. કતાર ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી તરફથી રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિ(આરઆરવીએલ)માં 100 અબજ ડોલરના વેલ્યૂએશને ઈન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે એમ વર્તુળોનું કહેવું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તેની રિટેલ અને ટેલિકોમ પાંખમાં વેલ્યૂ અનલોકિંગ માટે વિચારી રહી છે. જેમાં તેમના અલગ લિસ્ટીંગનો તથા 2022માં આરઆરવીએલના 55 અબજ ડોલરના વેલ્યૂએશન પર તેમાં રોકાણ કરનારા રોકાણકારોને એક્ઝિટ ઓપ્શનનો સમાવેશ પણ થાય છે. આરઆઈએલના પ્રવક્તાના જણાવ્યા મુજબ કંપની વિવિધ તકોની ચકાસણી કરી રહી છે. અમે કોઈ માર્કેટ અટકળો પર ટિપ્પણી કરી શકીએ નહિ.
જેએમ ફાઈનાન્સિયલે તાજેતરમાં આરઆરવીએલનું 105 અબજ ડોલરનું વેલ્યૂએશન અંદાજ્યું હતું. તેણે નોંધ્યું હતું કે કંપનીનો એબિટા તેની સબસિડિયરી રિલાયન્સ રિટેલની સરખામણીમાં 2-4 ટકા ઊંચો છે. કેમકે રિલાયન્સ રિટેલ ઉપરાંત પણ તે કેટલીક અન્ય એસેટ્સ ધરાવે છે. અગાઉ જેએમ ફાઈનાન્સિયલે કરેલા આરઆરવીએલના 90-100 અબજ ડોલરના વેલ્યૂએશન કરતાં તે 5-10 ટકા ઊંચું જોવા મળે છે. આરઆઈએલે 2020માં આરઆરવીએલનો 10.52 ટકા હિસ્સો 55 અબજ ડોલરના વેલ્યૂએશને વેચ્યો હતો. જે રોકાણકારોમાં કેકેઆર એન્ડ કંપની અને સાઉદી અરેબિયાના પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ બોર્ડનો સમાવેશ થતો હતો. જૂન ક્વાર્ટરમાં રિલાયન્સ રિટેલે રૂ. 70 હજાર કરોડની રેવન્યૂ દર્શાવી હતી. જે વાર્ષિક ધોરણે 19.5 ટકા વૃદ્ધિ સૂચવતી હતી. ગ્રોસરી, કન્ઝ્યૂમર ઈલેક્ટ્રોનિક, ફેશન અને લાઈફસ્ટાઈલ પ્રોડક્ટ્સ પાછળ વેચાણમાં વૃદ્ધિ નોંધાઈ હતી. કંપનીનો એબિટા 34 ટકા ઉછળી રૂ. 5139 કરોડ જોવા મળ્યો હતો.

મહિન્દ્રા જૂથે RBL બેંકમાં 4 ટકા હિસ્સો ખરીદ્યો
બેંકના સ્ટ્રેટેજિક શેરધારક તરીકેની મંજૂરી મળશે તો 15-25 ટકા સુધીનો હિસ્સો ખરીદવા આતુર
બુધવારે આરબીએલનો શેર 7 ટકા ઉછળ્યો

ટોચના યુટિલિટી વેહીકલ ઉત્પાદક મહિન્દ્રા જૂથે પ્રાઈવેટ બેંક આરબીએલમાં 4 ટકા હિસ્સો ખરીદ્યો હોવાનું વર્તુળો જણાવે છે. તેણે બુધવારે ઓપન માર્કેટ ઓપરેશન મારફતે આમ કર્યું હતું. જોકે, બેંક તરફથી સત્તાવાર રીતે હજુ કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. બુધવારે આરબીએલ બેંકનો શેર 7.12 ટકા ઉછળી રૂ. 239.20ની સપાટીએ બંધ રહ્યો હતો.
વર્તુળોના જણાવ્યા મુજબ મહિન્દ્રા જૂથ આરબીએલ બેંકમાં સ્ટ્રેટેજિક શેરધારક બનવા માટે આતુર છે. જોકે, આ માટે બેંકના બોર્ડ તરફથી મંજૂરીની જરૂરિયાત રહે છે. જો બોર્ડ મંજૂરી આપશે તો તે બેંકમાં 15-25 ટકાની રેંજમાં હિસ્સો ખરીદશે. નામ નહિ આપવાની શરતે એક અન્ય વર્તુળ જણાવે છે કે મહિન્દ્રા જૂથ તેની ભિન્ન કંપનીઓ અને આરબીએલ બેંક વચ્ચે સિનર્જિસને લઈ ખૂબ ઉત્તેજિત જોવા મળે છે. આરબીઆઈના નિયમો મુજબ કોઈપણ ઈન્ડસ્ટ્રીઅલ હાઉસને બેંક્સમાં મહત્તમ 10 ટકા સુધીનો હિસ્સો ધરાવવા માટેની છૂટ છે. જોકે, તેઓ પ્રમોટર્સ તરીકે કામ કરી શકે નહી. જોકે, વર્તુળ જણાવે છે કે મહિન્દ્રા જૂથ આરબીઆઈના નિયમમાંથી મુક્તિની માગણી કરી શકે છે. એ વાત નોંધવી રહી કે આરબીઆઈએ ઔદ્યોગિક હાઉસને બેંકિંગ લાયસન્સ આપવા પર પણ પ્રતિબંધ લાગુ પાડ્યો છે. મહિન્દ્રા જૂથ તેની સબસિડિયરી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઈનાન્સિયલ સર્વિસિઝ મારફતે ફાઈનાન્સિયલ સેક્ટરમાં બેટ ધરાવે છે. આરબીએલ બેંક છેલ્લાં કેટલાંક વર્ષોથી લડખડાઈ રહી છે. વિશ્વવીર આહુજાના એમડી અને સીઈઓ તરીકેના કાર્યભારને આરબીઆઈએ નહિ લંબાવતાં તેમણે રાજીનામુ આપવું પડ્યું હતું. ડિસેમ્બર 2021માં આરબીઆઈએ તેના બે અધિકારીઓની પણ પ્રાઈવેટ બેંકના બોર્ડમાં નિમણૂંક કરી હતી. વિશ્વવીર આહુજાની ઓચિંતી વિદાય અને આરબીઆઈના પગલાએ પ્રાઈવેટ લેન્ડરની નાણાકિય મજબૂતી અને એસેટ ક્વોલિટીને લઈને ચિંતા ઊભી કરી હતી. રોકાણ સમુદાયના એક વર્તુળના જણાવ્યા મુજબ બેંક રેગ્યુલેટર આરબીએલ બેંક માટે લાંબા ગાળાનો ઉકેલ શોધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ગોપાલ જૈન અને શિવાકુમાર ગોપાલનની ઓગસ્ટ 2022માં આરબીએલ બેંકના નોન-એક્ઝિક્યૂટીવ ડિરેક્ટર્સ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. બેંકમાં બેરિંગ્સ એશિયા 10 ટકા હિસ્સો ધરાવે છે. ગાજા કેપિટલ, સીડીસી પણ બેંકના અન્ય રોકાણકારો છે. બેરિંગ્સ એશિયાના નેતૃત્વ હેઠળના કોન્સોર્ટિયમે આરબીએલમાં 2020માં રોકાણ કર્યું હતું.

યુએસ ફેડ ઈન્ટરેસ્ટ રેટને 22-વર્ષોની ટોચ પર લઈ જાય તેવી શક્યતા
બુધવારે રાતે મધ્યસ્થ બેંક વધુ 25-બેસીસ રેટ વૃદ્ધિ મારફતે રેટને 5.50 ટકાના નવ સપ્ટેમ્બર અગાઉના સ્તરે લઈ જઈ શકે

યુએસ ફેડ રિઝર્વ એક વધુ 25-બેસીસ પોઈન્ટ્સ રેટ વૃદ્ધિ માટે તૈયાર હોવાનું જણાય છે. જે સાથે બેન્ચમાર્ક રેટ 2001 પછીની ટોચ પર પહોંચશે. છેલ્લાં સવા વર્ષમાં ફેડ દસ વાર રેટ વૃદ્ધિ દર્શાવી ચૂકી છે. તાજેતરમાં ઈન્ફ્લેશનનો ડેટા અપેક્ષાથી નીચો જોવા મળ્યો હોવા છતાં ફેડ રેટમાં એક રાઉન્ડ વૃદ્ધિ દર્શાવ્યાં પછી જ વિરામની જાહેરાત કરે તેમ માનવામાં આવે છે. જોકે, અગાઉ 14 જૂને રેટમાં પોઝ જાળવ્યાં પછી ફેડે બે વધુ રેટ વૃદ્ધિ રાઉન્ડ્સની વાત કરી હતી. જેને બદલે એક રેટ વૃદ્ધિની શક્યતાં જ જોવાઈ રહી છે.
ઓક્સફોર્ડ ઈકોનોમિક્સના ચીફ યુએસ ઈકોનોમિસ્ટના જણાવ્યા મુજબ એફઓએમસી 25 બેસીસ પોઈન્ટ્સની રેટ વૃદ્ધિ દર્શાવે તેવી શક્યતાં છે. જોકે, તે વધુ રેટ વૃદ્ધિ તરફનું વલણ જાળવી રાખશે. બુધવારે રાતે થનારી રેટ વૃદ્ધિ છેલ્લાં દોઢ વર્ષમાં 11મી રેટ વૃદ્ધિ બની રહેશે એમ તેઓ માને છે. ફેડે માર્ચ 2022માં લાંબા સમયગાળા પછી રેટ વૃદ્ધિની શરૂઆત કરી હતી અને તેને 5.25-5.50ની 2008 પછીની ટોચ પર લાવી દીધાં હતાં. જોકે, હવે તે 22-વર્ષોની ટોચ દર્શાવે તેવી શક્યતાં છે. સીએમઈ ફેડવોચ અનુસાર બુધવારે રેટ વૃદ્ધિની 99 ટકા શક્યતાં છે.
ફેડ તરફથી સતત રેટ વૃદ્ધિ છતાં યુએસ ખાતે બેરોજગારી ઐતિહાસિક તળિયા પર જોવા મળે છે. સાથે ઈન્ફ્લેશન લેવલ ફેડના કમ્ફર્ટ લેવલથી ઘણું ઊંચું જળવાયું છે. ફેડના 2 ટકાથી નીચેના ટાર્ગેટ સામે જૂન મહિના માટેનો સીપીઆઈ ડેટા 3 ટકા પર જોવા મળ્યો હતો. રિટેલ કન્ઝ્યૂમર સ્પેન્ડિંગ પણ મજબૂત જોવા મળી રહ્યું છે અને તેથી બુધવારે રેટ વૃદ્ધિ પછી ફેડ એકાદ-બે સિરિઝ માટે પોઝ જાળવી શકે છે. જે દરમિયાન રેટ વૃદ્ધિની લેગ ઈફેક્ટ પાછળ ફુગાવામાં ઘટાડો જોવા નહિ મળે તો તે ફરી રેટ વૃદ્ધિ તરફ વળી શકે છે. જુલાઈ સિરિઝમાં વૃદ્ધિ પછી ફેડ સપ્ટેમ્બર બેઠકમાં ન્યૂટ્રલ જોવા મળી શકે છે. સીએમઈ ફેડવોચનો સર્વે સૂચવે છે કે માત્ર 20 ટકા લોકો જ સપ્ટેમ્બરમાં રેટ વૃદ્ધિની શક્યતાં જોઈ રહ્યાં છે. કેમકે તેઓ માને છે કે શ્રેણીબધ્ધ રેટ વૃદ્ધિની આગામી સમયગાળામાં પોઝીટીવ અસર જોવા મળશે. ફેડ એફઓઓમસીના સભ્યો જોકે હજુ પણ રેટ વૃદ્ધિનું સમર્થન કરી રહ્યાં છે. સતત ઊંચા ઈન્ફ્લેશનને જોતાં તેઓ હોકિશ વલણને છોડવા તૈયાર નથી.

વૈશ્વિક ઉડ્ડયન સેક્ટરમાં 20 વર્ષોમાં 23 લાખ નવા કર્મચારીઓની જરૂર પડશે
બોઈંગના એક અભ્યાસ મુજબ 6.49 લાખ પાયલોટ્સ, 6.9 લાખ ટેકનિશ્યન્સ અને 9.38 લાખ ક્રૂ મેમ્બર્સની માગ ઊભી થશે
ઈન્ટરનેશનલ એવિએશન સેક્ટરમાં 2042 સુધીમાં નવા 23 લાખ કર્મચારીઓની જરૂરિયાત ઊભી થશે એમ વિમાન ઉત્પાદક કંપની બોઈંગનો એક અભ્યાસ જણાવે છે. કમર્સિયલ ફ્લિટના વધતાં કાફલા અને ઊંચા ટ્રાવેલ ગ્રોથને ધ્યાનમાં રાખી તેણે આમ જણાવ્યું છે.
આગામી 20 વર્ષોમાં કમર્સિયલ વિમાનોની સંખ્યા બમણી બનશે અને તેને સપોર્ટ માટે 6.49 લાખ પાયલોટ્સની જરૂરિયાત ઊભી થશે. આ ઉપરાંત 6.9 લાખ ટેકનિશ્યન્સની અને 9.38 લાખ કેબિન ક્રૂ મેમ્બર્સની જરૂરિયાત પણ જોવા મળશે એમ યુએસ કંપનીએ ‘2023 પાયલોટ એન્ડ ટેકનિશ્યન્સ આઉટલૂક’ નામના રિપોર્ટમાં નોંધ્યું છે. બોઈંગ ગ્લોબલ સર્વિસિઝના કમર્સિયલ ટ્રેનીંગ સોલ્યુશન્સના વાઈસ પ્રેસિડેન્ટ ક્રિસ બ્રૂમના જણાવ્યા મુજબ ડોમેસ્ટીક એર ટ્રાવેલમાં સંપૂર્ણપણે રિકવરી અને ઈન્ટરનેશનલ ટ્રાફિક મહામારી પહેલાના લેવલની નજીક પહોંચતાં એવિએશન ક્ષેત્રે કર્મચારીઓની માગમાં વૃદ્ધિ જળવાયેલી રહેશે. દક્ષિણ એશિયામાં આગામી 20 વર્ષોમાં ફ્લાઈટ ઓપરેશન્સ માટે 37000 નવા પાયલોટ્સની જરૂર પડશે. તેમજ 38000 ટેકનિશ્યન્સ, 45000 કેબિન ક્રૂ મેમ્બર્સની જરૂર પણ ઊભી થશે. દક્ષિણપૂર્વ એશિયાને 58 હજાર નવા પાયલોટ્સ, 73000 ટેકનિશ્યન્સ અને 89000 કેબિન ક્રૂ સભ્યોની જરૂરિયાત રહેશે. ચીનને એકલાને 1.34 લાખ પાયલોટ્સ, 1.38 લાખ ટેકનિશ્યન્સ અને 1.61 લાખ કેબિન ક્રૂ મેમ્બર્સની જરૂરિયાત પડશે.
ભારતમાં ડોમેસ્ટીક એરલાઈન્સે 2023ના પ્રથમ છ મહિના દરમિયાન 33 ટકાના દરે પેસેન્જર ગ્રોથ દર્શાવ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં 5.72 કરોડ પેસેન્જર્સની સરખામણીમાં ચાલુ વર્ષે તેણે 7.6 કરોડ પેસેન્જર્સનું પરિવહન કર્યું છે એમ ઉડ્ડયન ડિરેક્ટર ડીજીસીએનો ડેટા જણાવે છે. ભારતીય એરલાઈન્સ કંપનીઓએ નવા વિમાનો માટે બોઈંગ અને એરબસ જેવા વિમાન ઉત્પાદકોને જંગી ઓર્ડર્સ આપ્યાં છે. તાતા જૂથની એર ઈન્ડિયાએ બોઈંગ અને એરબસને મળીને 470 વિમાનોનો ઓર્ડર આપ્યો છે. જ્યારે ઈન્ડિગોએ એરબસને 500 વિમાનોનો વિક્રમી ઓર્ડર આપ્યો છે.

નિકાસ પ્રતિબંધ પછી ચોખાના ભાવમાં ટને રૂ. 4000નો ઘટાડો
કેન્દ્ર સરકારે દેશમાંથી વ્હાઈટ રાઈસની નિકાસ પર પ્રતિબંધ મૂકતાં સ્થાનિક બજારમાં કોમોડિટીના ભાવમાં પ્રતિ ટન રૂ. 4000નો ઘટાડો નોઁધાયો છે અને તે રૂ. 32000 પરથી ઘટી રૂ. 28000 પર જોવા મળ્યાં છે. દેશમાંથી ચોખાની કુલ નિકાસમાં આ પ્રકારના ચોખા 40 ટકા હિસ્સો ધરાવે છે. રાઈટ એક્સપોર્ટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના જણાવ્યા મુજબ સરકારે 20 જુલાઈએ નોન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યાં પછી ચોખાના ભાવ તૂટ્યાં છે. સરકારના ચોખાની નિકાસ પરના નિર્ણય પાછળ વૈશ્વિક બજારમાં ચોખાના ભાવમાં મજબૂતી જોવા મળી હતી. ભારત વિશ્વમાં ચોખાના નિકાસ બજારમાં 60 ટકા સાથે સૌથી મોટો હિસ્સો ધરાવે છે. ચાલુ ખરિફ સિઝનમાં દેશમાં ડાંગરના વાવેતરમાં ઘટાડાને ધ્યાનમાં રાખી સરકારે ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો.

ટી બોર્ડ ઈ ઓક્શન યુઝર ફીમાં વૃદ્ધિ કરશે
સરકારી એજન્સી ટી બોર્ડ ઈ-ઓક્શનનો ઉપયોગ કરનારા સેલર્સ, બ્રોકર્સ અને બાયર્સ માટે ચાર્જિસમાં વૃદ્ધિ કરવાનો ઈરાદો ધરાવે છે. તેણે પ્રતિ કિગ્રા રેટ વધારી 33.33 પૈસા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જે સાથે કુલ રૂ. 1 પ્રતિ કિગ્રાનો રેટ થશે. હાલમાં ચાર્જિસ પ્રતિ કિગ્રા 2 પૈસાનો છે. જે લગભગ નહિવત છે. બોર્ડે તેને 2018-19માં અમલી બનાવ્યો હતો. સરકારે બોર્ડને ઈ-ઓક્શન વિકસાવવા માટેનો ખર્ચ ઘટાડી તેને આત્મનિર્ભર બનાવવા માટે જણાવ્યું હતું. બોર્ડે 24 જુલાઈએ તેના વિવિધ ભાગીદારોને એક સર્ક્યુલરમાં જણાવ્યું હતું કે તેને દૈનિક કામગીરી હાથ ધરવામાં પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં કાનૂની ખર્ચ સહિતની બાબતનો સમાવેશ થાય છે. આ સ્થિતિમાં ખર્ચની સમીક્ષા અનિવાર્ય બની છે.

કોર્પોરેટ હેડલાઈન્સ

ડો.રેડ્ડીઝ લેબ્સઃ ફાર્મા કંપનીએ જૂન ક્વાર્ટર માટે રૂ. 1402.5 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 1187.6 કરોડના નફાની સરખામણીમાં 18.1 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીએ ક્વાર્ટર દરમિયાન 7.2 કરોડ ડોલરનો વન-ટાઈમ લાભ મેળવ્યો હતો. કંપનીની આવક ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 5215.40 કરોડ પરથી 29.2 ટકા ઉછળી રૂ. 6,738.4 કરોડ પર જોવા મળી હતી. જ્યારે એબિટા રૂ. 1779 કરોડ સામે રૂ. 2137.2 કરોડ પર નોંધાયો હતો. એબિટા માર્જિન 34.1 ટકા પરથી ઘટી 31.7 ટકા પર રહ્યાં હતાં.
એક્સિસ બેંકઃ ત્રીજા ક્રમની પ્રાઈવેટ બેંકે જૂન ક્વાર્ટરમાં રૂ. 5790 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 4125 કરોડના નફાની સરખામણીમાં 40 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ વાર્ષિક ધોરણે 27 ટકા વધી રૂ. 11,959 કરોડ પર જોવા મળી હતી. જ્યારે નેટ ઈન્ટરેસ્ટ માર્જિન 50 બેસીસ પોઈન્ટ્સ વધી 4.10 ટકા પર રહ્યાં હતાં. બેંકની ગ્રોસ એનપીએ 2.76 ટકા પરથી ઘટી 1.96 ટકા પર રહી હતી. જ્યારે નેટ એનપીએ 0.64 ટકાથી ઘટી 0.41 ટકા રહી હતી.
ટેક મહિન્દ્રાઃ આઈટી કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 693 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 1147.5 કરોડના નફા સામે 38 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીની આવક ત્રિમાસિક ધોરણે 4 ટકા ઘટી રૂ. 13,159 કરોડ પર રહી હતી. અગાઉ વિપ્રો અને એચસીએલ ટેક્નોલોજીએ પણ આવકમાં ઘટાડો દર્શાવ્યો હતો. ટેક મહિન્દ્રાએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1125 કરોડનો નફો દર્શાવ્યો હતો. કંપનના એબિટ માર્જિન 4.4 ટકા ગગડી 6.8 ટકા પર જોવા મળ્યાં હતાં.
બજાજ ફાઈનાન્સઃ એનબીએફસીકંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 3,437 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 2,596 કરોડના નફા સામે 32 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીએ બ્રોકરેજિસના રૂ. 3,287 કરોડના અંદાજની સરખામણીમાં ઊંચો નફો દર્શાવ્યો હતો. કંપનીની ગ્રોસ એનપીએ ત્રિમાસિક ધોરણે 0.94 ટકાથી સુધરી 0.87 ટકા પર જોવા મળી હતી. જ્યારે ગયા જૂનમાં તે 1.25 ટકા પર હતી. નેટ એનપીએ વર્ષ અગાઉ 0.51 ટકા પરથી ઘટી 0.31 ટકા પર રહી હતી.
એચડીએફસી બેંકઃ ટોચની પ્રાઈવેટ બેંકે ઑન-ડીમાન્ડ કન્વિનિયેન્સ પ્લેટફૉર્મ સ્વિગી સાથે કૉ-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ લૉન્ચ કર્યું છે. આ કૉ-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ માસ્ટરકાર્ડના પેમેન્ટ નેટવર્ક પર હૉસ્ટ થશે. જે કાર્ડધારકોને સ્વિગી સહિતના ઓનલાઇન પ્લેટફૉર્મ પર રીવૉર્ડ્સ પૂરાં પાડશે.
પીએનબીઃ પીએસયૂ બેંકે જૂન ક્વાર્ટરમાં રૂ. 1255.41 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 308.44 કરોડ સામે 307 ટકા વૃદ્ધિ સૂચવે છે. બેંકની ગ્રોસ જીએનપીએ 11.2 ટકા પરથી ઘટી 7.73 ટકા પર જોવા મળી હતી. જ્યારે તેની નેટ એનપીએ 4.28 ટકા પરથી ઘટી 1.98 ટકા પર રહી હતી. બેંકની વ્યાજની આવક રૂ. 9504 કરોડ પર નોંધાઈ હતી. જે અગાઉના વર્ષે રૂ. 7543 કરોડ પર હતી.

dhairya@socialcoffee.in

Share
Published by
dhairya@socialcoffee.in
Tags: Market Tips

Recent Posts

Rubicon Research IPO: Apply for Short-Term Gains?

Unlocking an Upcoming Investment Opportunity: Rubicon Research IPO Rubicon Research is making headlines with its…

2 weeks ago

Canara Robeco IPO: Apply for Short-Term Gains or Avoid?

Unlocking the Canara Robeco Asset Management Company IPO: A Guide for Every Investor Did you…

2 weeks ago

Tata Turmoil: 5 Secrets to Protect Your Wallet Now

Imagine you’re at a big family gathering and suddenly, your relatives start arguing about who…

2 weeks ago

Shlokka Dyes IPO Verdict: Apply for Short-Term Gains?

Shlokka Dyes IPO: Is It Worth Your Investment? Did you know that Shlokka Dyes is…

2 weeks ago

LG India IPO Verdict: Apply for Listing Gains Today!

LG India IPO: Should You Buy a Piece of Your TV and Fridge Company? Introduction…

2 weeks ago

5 Simple Steps to Secure a Wealthy Retirement Before 40

Did you know that starting your retirement planning in India before your 40s can make…

2 weeks ago

This website uses cookies.