Market Summary 26 May 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

પોઝીટીવ નોંધ સાથે માર્કેટની મે સિરિઝને વિદાય
નિફ્ટીમાં 6 ટક ઘટાડા સાથે મે એક્સપાયરી સૌથી વોલેટાઈલ
વૈશ્વિક બજારોમાં મિશ્ર માહોલ વચ્ચે સ્થાનિકમાં મજબૂતી
વોલેટિલિટી ઈન્ડેક્સ 10 ટકા તૂટી 22.71ના સ્તરે
મેટલ, બેંકિંગ અને આઈટીમાં તરફથી સપોર્ટ
બ્રોડ માર્કેટને પણ સાંપડેલી રાહત
એલઆઈસીના શેરે રૂ. 801નું તળિયું દર્શાવ્યું
તેજીવાળાઓ મક્કમ રહેતાં મે ડેરિવેટિવ્સ સિરિઝે સુધારા સાથે બંધ આપ્યું હતું. કેલેન્ડર 2022ના પાંચ મહિનાઓમાં સૌથી વધુ વોલેટિલિટી દર્શાવનાર મે સિરિઝ દરમિયાન નિફ્ટીએ 6 ટકાનું નેગેટિવ રિટર્ન નોંધાવ્યું હતું. જોકે ગુરુવારે એક્સપાયરીના દિવસે તેણે તેજીવાળાઓને રાહત આપી હતી. કેમકે નિફ્ટી 16 હજારના સાયકોલોજિકલ લેવલને જાળવવામાં સફળ રહ્યો હતો. બે બાજુની વધ-ઘટને અંતે બીએસઈ સેન્સેક્સ 503 પોઈન્ટ્સના સુધારે 54252.5ની સપાટીએ જ્યારે નિફ્ટી 144 પોઈન્ટ્સના સુધારે 16170ની સપાટી પર બંધ રહ્યાં હતાં. ઈન્ટ્રા-ડે દરમિયાન સેન્સેસે 921 પોઈન્ટ્સની વિશાળ રેંજમાં વધ-ઘટ દર્શાવી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 10 ટકા ગગડી 22.71ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીના 50 ઘટક કાઉન્ટર્સમાંથી 37 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે માત્ર 13 ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ ધીમી ખરીદી નીકળી હતી અને બીએસઈ ખાતે માર્કેટ-બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી રહી હતી.
વૈશ્વિક બજારોમાં મિશ્ર માહોલ વચ્ચે ભારતીય બજારમાં કામકાજની શરૂઆત પોઝીટીવ જોવા મળી હતી. જોકે ત્યારબાદ બજાર નીચે સરી પડ્યું હતું અને એક તબક્કે નિફ્ટી 16 હજારની સપાટી તોડી 15904ના તળિયા પર ટ્રેડ થયો હતો. જોકે ત્યાંથી શોર્ટ કવરિંગ પાછળ સુધરીને 16204ની ટોચ પર ટ્રેડ થઈ દિવસની ટોપ નજીક જ બંધ આપવામાં સફળ રહ્યો હતો. માર્કેટને બેંકિંગ તરફથી મુખ્ય સપોર્ટ સાંપડ્યો હતો. જ્યારે મેટલ અને આઈટીએ પણ બજારને સપોર્ટ કર્યો હતો. નિફ્ટી જૂન સિરિઝ ફ્યુચર્સ સ્પોટ સામે 9 પોઈન્ટ્સ પ્રિમીયમમાં બંધ રહ્યો હતો. જે સૂચવે છે કે આગામી સત્રોમાં વધુ શોર્ટ કવરિંગની શક્યતાં પાછળ બજાર વધુ સુધારો દર્શાવી શકે છે. એનાલિસ્ટ્સના મતે લોંગ ટ્રેડર્સ 15800ના સ્ટોપલોસ સાથે તેમની પોઝીશન જાળવી શકે છે. જો નિફ્ટી 16400ના સ્તરને કૂદાવશે તો 16800 અને ત્યારબાદ 17100 સુધીનો ઝડપી સુધારો સંભવ છે. સામાન્યરીતે જૂન સિરિઝ બજાર માટે પોઝીટીવ સાબિત થતી હોય છે. હાલમાં બજારો તમામ નેગેટિવ ડિસ્કાઉન્ટ કરી ચૂક્યાં છે. આમ વધુ ઘટાડા માટેના કારણો બચતાં નથી. કોમોડિટીઝના ભાવમાં કરેક્શન શરૂ થઈ ચૂક્યું છે અને આગામી સમયગાળામાં ફુગાવામાં રાહતની શક્યતાં છે. જે સ્થિતિમાં ફેડ સહિતના સેન્ટ્રલ બેંકર્સ રેટ વૃદ્ધિમાં વિરામ દર્શાવી શકે છે. છેલ્લાં ચારેક સત્રોથી વૈશ્વિક ડોલર પણ કરેક્શન દર્શાવી રહ્યો છે. જેને કારણે ઈક્વિટીઝ અને કોમોડિટીઝને સપોર્ટ સાંપડ્યો છે.
સેક્ટરલ સૂચકાંકોમાં નિફ્ટી બેંક 2.2 ટકા સુધારા સાથે 35 હજારના સ્તરને પાર કરી 35095ના સ્તરે બંધ રહ્યો હતો. બેંક નિફ્ટીને પીએસયૂ બેંક્સ તરફથી મહત્વનો સપોર્ટ સાંપડ્યો હતો. જેમાં બેંક ઓફ બરોડા 5 ટકા સુધારો દર્શાવતી હતી. આ ઉપરાંત એસબીઆઈ, એચડીએફસી બેંક, બંધન બેંક, એક્સિસ બેંક, એયૂ સ્મોલ ફાઈનાન્સ, આઈસીઆઈસીઆઈ બેંક પણ 2 ટકાથી વધુ સુધારા સાથે બંધ રહ્યાં હતાં. નિફ્ટી મેટલ 2.7 ટકા સાથે સેક્ટરલ સૂચકાંકોમાં સૌથી સારો દેખાવ દર્શાવતો હત. જેની પાછળ સ્ટીલ શેર્સ મુખ્ય હતાં. ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, એનએમડીસી, સેઈલ, જિંદાલ સ્ટીલ અને વેલસ્પન કોર્પ 3 ટકાથી લઈ 5.3 ટકા સુધીનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. એપ્રિલમાં વૈશ્વિક સ્તરે સતત 10મા મહિને સ્ટીલનું ઉત્પાદન ઘટ્યું હતું. જ્યારે ભારતમાં તેણે 6 ટકાથી વધુ વૃદ્ધિ દર્શાવી હતી. આમ ભારતીય સ્ટીલ કંપનીઓના શેર્સમાં લેવાલી જોવા મળી હતી. આઈટી શેર્સમાં તીવ્ર ઘટાડા બાદ બાઉન્સ જોવા મળ્યું હતું. જેની પાછળ આઈટી ઈન્ડેક્સ 1.33 ટકા સુધર્યો હતો. જેમાં એમ્ફેસિસ 2.32 ટકા, વિપ્રો 1.91 ટકા, ટીસીએસ 1.9 ટા અને ટેક મહિન્દ્રા 1.7 ટકાન સુધારો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી એફએમસીજી અને નિફ્ટી એનર્જીમાં સાધારણ ઘટાડો જોવા મળતો હતો. જ્યારે નિફ્ટી રિઅલ્ટી અને નિફ્ટી મિડિયા એક ટકાથી વધુ સુધારો સૂચવતાં હતાં. બ્રોડ માર્કેટમાં પોઝીટીવ ટ્રેન્ડ નોંધાયો હતો. બીએસઈ ખાતે 3429 કાઉન્ટર્સમાંથી 1748 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જયારે 1552 નેગેટિવ બંધ જોવા મળ્યાં હતાં. 49 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ દર્શાવી હતી. જોકે સામે 246 કાઉન્ટર્સે તેમનું 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું.અદાણી વિલ્મેરના IPOનો 2022માં એશિયામાં શ્રેષ્ઠ દેખાવ
એશિયન બજારોમાં લિસ્ટ થયેલા 121 આઈપીઓમાં અદાણી વિલ્મેર અવ્વલ
અમદાવાદ સ્થિત અદાણી જૂથ કંપની અદાણી વિલ્મેરનો આઈપીઓ ચાલુ કેલેન્ડરમાં લિસ્ટ થયેલી એશિયન કંપનીઓમાં સૌથી સારો દેખાવકર્તા કંપની બની છે. ખાદ્યતેલ ક્ષેત્રે ઊંચો હિસ્સો ધરાવતી ફૂડ કંપનીના શેરે એશિયન શેરબજારોમાં લિસ્ટ થયેલા 121 જેટલા આઈપીઓની સરખામણીમાં ચઢિયાતો દેખાવ નોંધાવ્યો છે. અદાણી વિલ્મેર એ એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ ગૌતમ અદાણીના અદાણી જૂથ અને સિંગાપર સ્થિત વિલ્મેર ઈન્ટરનેશનલનું સંયુક્ત સાહસ છે.
એશિયન શેરબજારોમાં અત્યાર સુધીમાં લગભગ 10 કરોડ ડોલરના મૂલ્યની ઓફરિંગ્સ જવા મળી છે. જેમાંથી 66 ટકા કંપનીઓ ઓફર ભાવ સામે નેગેટિવ ટ્રેડિંગ દર્શાવી રહી છે. વૈશ્વિક સ્તરે રેટ વૃદ્ધિ અને યુક્રેન વોર પાછળ શેરબજારોના નબળા દેખાવને કારણે આમ બન્યું છે. જોકે અદાણી વિલ્મેરનો શેર તેના લિસ્ટીંગથી અત્યાર સુધીમાં ત્રણ ગણુ રિટર્ન દર્શાવી રહ્યું છે. જ્યારે બીજી અનેક નવપ્રવેશક કંપનીઓ નેગેટિવ રિટર્ન સૂચવી રહી છે. કંપનીએ જાન્યુઆરી આખરમાં રૂ. 230 પ્રતિ શેરના ભાવે આઈપીઓ કર્યો હતો. શેરનો ભાવ ઉપરમાં રૂ. 878ની ટોચ દર્શાવી ગુરુવારે 5 ટકાની સર્કિટમાં રૂ. 698ના ભાવે ટ્રેડ દર્શાવી રહ્યો હતો. જે ભાવે તેનું માર્કેટ-કેપ રૂ. 90724 કરોડ જેટલું થતું હતું.
કંપનીના રોકાણકારોમાં મોનેટરી ઓથોરિટી ઓફ સિંગાપુર અને નિપ્પોન લાઈફ ઈન્ડિયાનો સમાવેશ થાય છે. કંપની ફોર્ચ્યુન બ્રાન્ડનું ખાદ્યતેલ બનાવે છે. સાથે ઘઉંના લોટ, ચોખા, કઠોળ, સુગર અને અન્ય ફૂડ પ્રોડક્ટ્સનું ઉત્પાદન અને વેચાણ ધરાવે છે. કંપનીએ આઈપીઓમાંથી મળનારી આંશિ રકમનો ઉપયોગ ક્ષમતા વિસ્તરણ માટે કરવાની હતી. તેમજ વ્યૂહાત્મક ખરીદી પણ કરશે તેમ જણાવ્યું હતું. એશિયામાં સૌથી વ્યસ્ત ડીલમેકર્સ એવા અદાણી માટે મજબૂત દેખાવ સામાન્ય બાબત છે. જૂથ કોલથી લઈને ઈન્ફાસ્ટ્રક્ચર સંબંધી પ્રોજેક્ટ્સમાં ઝડપી વ્યાપ વધારી રહી છે. તેની અડધા ડઝનથી વધુ લિસ્ટેડ કંપનીઓને છેલ્લાં બે વર્ષોમાં શેરબજાર પર જબરદસ્ત રિટર્ન આપ્યું છે. જેની પાછળ ગૌતમ અદાણી ભારત અને એશિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિ બન્યાં છે. ગયા વર્ષે જૂથે કુલ 32 એક્વિઝીશન્સ કર્યાં હતાં. તાજેતરમાં જ અદાણી વિલ્મેરે ભારત માટે કોહિનૂર કૂકીંગ બ્રાન્ડ સહિત કેટલીક અન્ય બ્રાન્ડ્સની ખરીદીની જાહેરાત કરી છે.

ઈન્ફોસિસ CEO સલીલ પારેખની સેલરીમાં 88 ટકાની તગડી વૃદ્ધિ
પારેખનું વેતન રૂ. 42.50 કરોડ પરથી ઉછળી રૂ. 79.75 કરોડ પર પહોંચ્યું
અમદાવાદ
અગ્રણી આઈટી કંપની ઈન્ફોસિસે તેના સીઈઓ સલીલ પારેખના કોમ્પેન્સેશન પેકેજમાં તગડા સુધારા માટે ભલામણ કરી છે. નાણા વર્ષ 2021-22 માટેના કંપનીના વાર્ષિક અહેવાલમાં નોંધ્યા મુજબ કંપનીના બોર્ડે પારેખના જૂના વેતન રૂ. 42.50 કરોડમાં 88 ટકા વૃદ્ધિ સાથે રૂ. 79.75 કરોડની સેલરીનું સૂચન કર્યું છે. આ ફેરફાર તાજેતરમાં પારેખને ફરી પાંચ વર્ષ માટે કંપનીના સીઈઓ અને એમડી તરીકે પુનઃનિયુક્ત કરવાના ભાગરૂપે કરવામાં આવ્યાં છે.
નાણાકિય વર્ષ 2021-22 દરમિયાન પારેખે કુલ રૂ. 71.02 કરોડનું વળતર મેળવ્યું હતું. જે 43 ટકા વૃદ્ધિ સૂચવે છે. આ કોમ્પેન્સેશનમાં નિયંત્રિત સ્ટોક યુનિટ ઓપ્શન્સના રૂ. 52.33 કરોડનો સમાવેશ થતો હતો. નવા રેમ્યુનરેશનની રચનામાં પારેખનું પર્ફોર્મન્સ બેઝ વળતર અગાઉની 77 ટકા વૃદ્ધિ સામે 86 ટકા વૃદ્ધિ દર્શાવશે. ફિક્સ્ડ કોમ્પેન્સેશન 15 ટકાથી નીચું રહેશે. જેમાં ફિક્સ્ડ વેતનનો સમાવેશ થતો હશે. જે અગાઉના 15 ટકા સામે 10 ટકા હિસ્સો ધરાવતું હશે. જ્યારે ટાઈમ બેઝ્ડ સ્ટોક્સ અગાઉના 8 ટકા સામે 4 ટકા પર હશે. કંપનીના વાર્ષિક અહેવાલમાં સીઈઓના વેતનમાં ફેરફારની જરૂરિયાત માટે વિગતવાર છણાવટ કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે સલીલ એ કોઈ પ્રથમ સીઈઓ કે એમડી નથી. તેઓ એક વૈશ્વિક લિસ્ટીંગ ધરાવતી કંપનીના સીઈઓ છે. તેમની નિમણૂંકથી લઈ અત્યાર સુધી તેમણે સફળ રીતે બિઝનેસનું સંચાલન કર્યું છે. તેમનું વળતર આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક્સને ધ્યાનમાં રાખીને નિર્ધારિત થવું જોઈએ. રિપોર્ટમાં વધુ નોંધવામાં આવ્યું છે સલીલને નાણા વર્ષ 2022-23 માટે 2.21 લાખ પીએસયુ(રૂ. 34.75 કરોડ) ફાળવવામાં આવશે. જે તેમની નિમણૂંકના પ્રથમ વર્ષ દરમિયાન મંજૂર કરવામાં આવેલા 2,17,200 જેટલાં જ છે. જે તેમની નિમણૂંક બાદ શેરના ભાવમાં જોવા મળેલો સુધારો દર્શાવે છે. સલીલના નેતૃત્વમાં ઈન્ફોસિસના રોકાણકારોને કુલ 314 ટકાનું રિટર્ન મળ્યું છે. જે હરિફોમાં સૌથી ઊંચું છે. જ્યારે તેની સામે નિફ્ટીએ 77 ટકા જ્યારે એસએન્ડપી 500માં 117 ટકા રિટર્ન જોવા મળ્યું છે.

વૈશ્વિક મ્યુચ્યુલ ફંડ્સ ચાલુ વર્ષે 350 અબજ ડોલરનું વેચાણ કરી શકે
ગ્લોબલ બેંકર બાર્ક્લેઝે જણાવ્યા મુજબ વૈશ્વિક મ્યુચ્યુલ ફંડ્સ રાણકારો ચાલુ વર્ષે 350 અબજ ડોલરના મૂલ્યનું ઈક્વિટી વેચાણ દર્શાવી શકે છે. સેન્ટ્રલ બેંકર્સ દ્વારા મોનેટરી પોલિસી ટાઈટનીંગ અને મેક્રો ઈકોનોમિક ફેક્ટર્સમાં અનિશ્ચિતતા આ માટેના મુખ્ય કારણો હશે. બેંકના અહેવાલમાં જણાવ્યા અનુસાર અગાઉના સમયમાં શેરબજારમાં જોવા મળેલી વેચવાલીમાં મ્યુચ્યુલ ફંડ્સના એયૂએમના 2.6 ટકા જેટલો આઉટફ્લો નોંધાયો હતો. જેમકે 2008-09માં વૈશ્વિક નાણાકિય કટોકટી વખતે આમ બન્યું હતું. જ્યારે આ વખતે હજુ સુધી માત્ર 0.3 ટકા આઉટફ્લો નોંધાયો છે. જો તેને અગાઉના પ્રમાણ સાથે સરખાવીએ તો 350 અબજ ડોલરના મૂલ્યનો આઉટફ્લો જોવા મળી શકે છે.
વૈશ્વિક ઈએન્ડસી કંપનીઓમાં એલએન્ડટી બીજા ક્રમની સ્ટ્રોંગ બ્રાન્ડ બની
દેશમાં ઇપીસી પ્રોજેક્ટથી લઈ હાઇ-ટેક ઉત્પાદન અને સેવાઓમાં સંકળાયેલા ભારતીય મલ્ટીનેશનલ ગ્રૂપ લાર્સન એન્ડ ટૂબ્રોને ટોચની ગ્લોબલ બ્રાન્ડ વેલ્યુએશન કન્સલ્ટન્સી કંપની બ્રાન્ડ ફાઇનાન્સ દ્વારા 50 ગ્લોબલ એન્જિનીયરિંગ એન્ડ કન્સ્ટ્રક્શન (ઇએન્ડસી) કંપનીઓમાં ‘સેકન્ડ સ્ટ્રોંગેસ્ટ બ્રાન્ડ’ એટલે બીજી સૌથી મજબૂત બ્રાન્ડ તરીકે સ્થાન મળ્યું છે. એલએન્ડટીને લંડનની કન્સલ્ટન્સી દ્વારા એના ‘એન્જિનીયરિંગ એન્ડ કન્સ્ટ્રક્શન 50 – 2022’માં ‘થર્ડ ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ બ્રાન્ડ’ એટલે કે ત્રીજી સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ કરતી બ્રાન્ડ તરીકે પણ સ્થાન આપ્યું છે. એલએન્ડટી વિશ્વની સૌથી ઊંચું વેલ્યૂએશન ધરાવતી ઇએન્ડસી કંપનીઓમાં સ્થાન ધરાવતી એકમાત્ર ભારતીય કંપની છે. દુનિયાના 50 દેશોમાં કામગીરી સાથે એલએન્ડટીએ ગયા વર્ષે એની બ્રાન્ડ વેલ્યુમાં 44 ટકા વૃદ્ધિ નોંધાવી છે.
જાપાનીઝ લેન્ડર MUFG બેંક ગિફ્ટ સિટી ખાતે બ્રાન્ચ શરૂ કરશે
જાપાની ધિરાણકર્તા MUFG બેંક ફોરેન કરન્સી ડિનોમિનેટેડ બિઝનેસ માટે ગાંધીનગર સ્થિત ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સિટી ખાતે બ્રાન્ચ ખોલશે. જે ભારતમાં તેની છઠ્ઠી શાખા હશે. બેંક તેના સ્થાનિક તેમજ વૈશ્વિક ક્લાયન્ટ્સને સપોર્ટ પૂરો પાડશે. હાલમાં તે મુંબઈ, દિલ્હી, બેંગલૂરૂ, ચેન્નાઈ અને નીમરાના ખાતે હાજરી ધરાવે છે. ડિસેમ્બર 2021ની આખરમાં તે ભારતમાં રૂ. 15671.4 કરોડનો ફંડ બેઝ્ડ એક્સપોઝર ધરાવતી હતી. જ્યારે રૂ. 5169 કરોડનો નોન-ફંડ બેઝ્ડ એક્સપોઝર જોવા મળતું હતું. બેંકનો મૂડી પર્યાપ્તતા દર 21.13 ટકાના ઊંચા સ્તરે હતો.

IFSC ખાતે ફોરેક્સ ડેરિવેટિવ્સ ટ્રેડિંગમાં 170 ટકા ઉછાળો નોંધાયો
ગયા વર્ષે એપ્રિલમાં 10 અબજ ડોલર સામે ચાલુ વર્ષે સમાનગાળામાં 27 અબજ ડોલરના સોદા

ગિફ્ટ સિટી ખાતે કરન્સી ડેરિવેટિવ્સના ટ્રેડિંગમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી રહી છે. નોન-ડિલિવરેબલ ફોરવર્ડ્સ (એનડીએફ) માર્કેટમાં માસિક વોલ્યુમ 27 અબજ ડોલરના સ્તરે સ્પર્શ્યું છે. અહીં ઉપસ્થિતિ ધરાવતી ઘરેલુ અને વિદેશી બેંકો બંન્નેનું પાર્ટિસિપેશન વધતાં આમ બન્યું છે. તેમની પોઝીશન્સમાં તીવ્ર વૃદ્ધિ જોવા મળી રહી છે.
ગિફ્ટ સિટી ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર (આઇએફએસસી) ખાતે માસિક વોલ્યુમ કેશ માર્કેટના દૈનિક વોલ્યુમ જેટલું જ હોઇ શકે છે ત્યારે તેનાથી સેન્ટ્રલ બેંકને કરન્સી વોલેટાલિટી હળવી કરવામાં મદદ મળી છે તેમજ પ્રાદેશિક બેંકો આંતરરાષ્ટ્રીય રોકાણકારોની કામગીરીને કાઉન્ટર કરવાનો પણ પ્રયાસ કરી રહી છે. આઇએફએસસીમાં ઉપસ્થિતિ ધરાવતી કંપનીઓ સરહદપાર ફાઇનાન્સિયલ પ્રોડક્ટ્સ અને સર્વિસિસમાં ડીલ કરવાની મંજૂરી ધરાવે છે. 1 જૂન, 2020ની અસરથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ આઇએફએસસી-સ્થિત બેંકિંગ યુનિટ્સને નોન-ડિલિવરેબલ ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ્સ ઓફર કરવાની મંજૂરી આપી હતી કે જેમાં રૂપી સામેલ હોય. આ પહેલાં એનડીએફ માર્કેટની એક્સેસ ધરાવતા વિદેશીઓ જ ઓફશોર માર્કેટમાં આ કામગીરી કરી શકતા હતાં.
સ્થાનિક બેંકોને એનડીએફમાં ટ્રેડ કરવાની મંજૂરી આપવાથી ઘરેલુ રૂપી માર્કેટ અને નોન-ડિલિવરેબલ ફોરવર્ડ્સ માર્કેટ વચ્ચેના આર્બિટ્રેજને ઘટાડવામાં મદદ મળી છે. ગિફ્ટ સિટી એનડીએફ માર્કેટ મારફતે ઓફશોર લિક્વિડીટી ઓનશોર થઇ છે. તેનાથી સેન્ટ્રલ બેંકને એક્સચેન્જ રેટના જોખમનું વધુ સારી રીતે વ્યવસ્થાપન કરવામાં મદદ મળી છે. ઘરેલુ અને ભારત સ્થિત વિદેશી બેંકો (ગિફ્ટ સિટી ખાતે)ની ઉપસ્થિતિથી બિઝનેસ ગતિવિધીમાં નોંધપાત્ર વધારો થયો છે તથા એનડીએફ માર્કેટમાં ટ્રેડના વોલ્યુમ પણ વધ્યાં છે. આ વર્ષે એપ્રિલ મહિનામાં ગિફ્ટ આઇએફએસસીમાં બેંકો દ્વારા બુક કરાયેલી માસિક ડેરિવેટિવ્સ 27 અબજ ડોલરને સ્પર્શી છે, જે એક વર્ષ પહેલાં 10 અબજ ડોલર કરતાં પણ ઓછી હતી. એનડીએફ સહિત આઇએફએસસી સ્થિત બેંકિંગ યુનિટ્સ દ્વારા ડેરિવેટિવ્સ વોલ્યુમમાં વિશેષ વૃદ્ધિ થઇ છે, જેનું એક કારણ આ ટ્રાન્ઝેક્શન કરવા માટે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં બેંકોને મંજૂરી અપાઇ હતી. આ યુનિટ્સ દ્વારા એપ્રિલ 2022 સુધીમાં 249 અબજ ડોલર કરતાં પણ વધઉના મૂલ્યના ડેરિવેટિવ્સ ટ્રાન્ઝેક્શન કરાયા છે.

કોર્પોરેટ હેડલાઈન્સ
પાવર ફાઈનાન્સઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 4295 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 3906 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 18148 કરોડ સામે સાધારણ વધી રૂ. 18853 કરોડ પર રહી હતી.
કોલ ઈન્ડિયાઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 6690 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 5400 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 26700 કરોડ સામે 20 ટકા જેટલી વધી રૂ. 32710 કરોડ પર રહી હતી.
આસાહી ઈન્ડિયાઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 127.5 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 84 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 808 કરોડ સામે 10 ટકા વધી રૂ. 940 કરોડ પર રહી હતી.
જીએમએફ ફોડલરઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 39 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 38 કરોડ પર હતો. કંપનીની આવક 52 ટકા વધી ગયા વર્ષે રૂ. 459 કરોડ પરથી રૂ. 699 કરોડ પર જોવા મળી હતી. 2021-22 માટે આવક 154 ટકા વધી રૂ. 2541 કરોડ જ્યારે નફો 55 ટકા ઉછળી રૂ. 165 કરોડ રહ્યો હતો.
નુવોકો વિસ્ટાસઃ કંપનીએ ત્રિમાસિક ધોરણે 35 ટકા વૃદ્ધિ સાથે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 2930 કરોડની આવક નોંધાવી હતી. જ્યારે ત્રિમાસિક એબિટા 83 ટકા વધી રૂ. 440 કરોડ રહ્યો હતો. નાણા વર્ષ 2021-22 માટે એબિટા રૂ. 1539 કરોડ જ્યારે ચોખ્ખો નફો રૂ. 32 કરોડ પર જોવા મળ્યો હતો.
કોઈનડીસીએક્સઃ અગ્રણી ક્રિપ્ટો એક્સચેન્જે નવો ક્રિપ્ટો યિલ્ડ પ્રોગ્રામ ‘અર્ન’ લોંચ કર્યો છે. જે ક્લાયન્ટ્સને તેમની પેસિવ ક્રિપ્ટો એસેટ્સ પર વ્યાજ કમાવાની તક આપે છે. અર્ન હેઠળ ક્લાયન્ટ્સ લોક—ઈન અને ઉપાડ વિના યિલ્ડ જનરેટ કરી શકે છે.
એશિયન ગ્રેનિટોઃ કંપનીએ નાણા વર્ષ 2021-22માં વાર્ષિક ધોરણે 21 ટકા વૃદ્ધિ સાથે રૂ. 1564 કરોડનું વેચાણ નોંધાવ્યું હતું. જ્યારે નફો ગયા વર્ષના રૂ. 57.2 કરોડ સામે 61 ટકા વધી રૂ. 92 કરોડ જોવા મળ્યો હતો. કંપનીની નિકાસ વધી રૂ. 205 કરોડ પર રહી હતી. તેણે શેરદીઠ 0.7નું ડિવિડન્ડ ભલામણ કર્યું છે.
શેલ્બી હોસ્પિટલઃ કંપનીએ નાણા વર્ષ 2021-22માં 54 ટકા વૃદ્ધિ સાથે રૂ. 659.8 કરોડની આવક દર્શાવી હતી. હોસ્પિટલે 70 ટકા વૃદ્ધિ સાથે વર્ષ દરમિયાન કુલ 20240 ઓપરેશન્સ કર્યાં હતાં. જ્યારે બેડ ઓક્યૂપન્સી 31 ટકા વધી હતી. જ્યારે પેશન્ટ્સની સંખ્યામાં 41 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી.
સુંદરમ ફાઈનાન્સઃ એનબીએફસી કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 299 કરોડનો નફો નોંધાવ્યો છે. જે એનાલિસ્ટ્સના રૂ. 225 કરોડના અંદાજની સરખામણીમાં 43 ટકા જેટલો ઊંચો છે.
પોલીપ્લેક્સઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 304.4 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 205 કરોડની સામે 29 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1294 કરોડ સામે 46 ટકા જેટલી વધી રૂ. 1886 કરોડ પર રહી હતી.
વ્હર્લપુલઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 80 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 124 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1780 કરોડ સામે ઘટી રૂ. 1610 કરોડ પર રહી હતી.
પ્રાજ ઈન્ડસ્ટ્રીઝઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 57.6 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 52 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 567 કરોડ સામે 46 ટકા જેટલી વધી રૂ. 829 કરોડ પર રહી હતી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage