બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
તેજડિયા-મંદડિયા વચ્ચે જંગ જારી
મંગળવારે ફરી એકવાર બજારમાં કોઈ સ્પષ્ટ દિશાનો અભાવ જોવા મળી રહ્યો હતો. ફાર્મા કંપનીઓ પાછળ બજારમાં નરમાઈ જોવા મળી હતી. બજારમાં પેનિક નહોતું તેમ છતાં બજારનો રંગ લાલ જોવા મળતો હતો. મીડ-કેપ્સમાં સિલેક્ટિવ બાઈંગ હતું અને તેથી માર્કેટ બ્રેડ્થ ક્યાંય ખરાબ નહોતી. જોકે સવારના એક કલાકમાં જોવા મળેલી ટોચને મોટા ભાગના કાઉન્ટ્રર્સ દિવસ દરમિયાન પાર કરવામાં નિષ્ફળ રહ્યાં હતાં. બેન્ચમાર્ક નિફ્ટીએ 15700નું સ્તર જાળવી રાખ્યું હતું અને તે 78 પોઈન્ટ્સના ઘટાડે 15746ના સ્તરે બંધ રહ્યો હતો.
ફાર્મા કંપનીઓના માર્કેટ-કેપમાં એક દિવસમાં 4 અબજ ડોલરનું ધોવાણ
ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝની આગેવાનીમાં નિફ્ટી ફાર્મા દિવસ દરમિયાન 5 ટકાથી વધુ તૂટ્યો
યુએસ માર્કેટ રેગ્યુલેટરે ડો. રેડ્ડીઝ સામે વોરંટ ઈસ્યુ કરતાં કંપનીના માર્કેટ-કેપમાં રૂ. 9400 કરોડનું ધોવાણ
છેલ્લાં સવા વર્ષથી બજારમાં તેજીનું સુકાન કરી રહેલી ભારતીય ફાર્મા કંપનીઓ માટે મંગળવારનો દિવસ અણધાર્યો બની રહ્યો હતો. ભારતીય શેરબજાર પર માર્કેટ-કેપની રીતે ત્રીજા ક્રમે આવતી ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝની આગેવાનીમાં તમામ ફાર્મા કંપનીઓના શેર્સમાં વેચવાલી જોવા મળી હતી અને માર્કેટના સેન્ટિમેન્ટ પર પણ અસર જોવા મળી હતી. ડો. રેડ્ડીઝ લેબો.નો શેર 11 ટકા ઘટાડા સાથે બંધ રહ્યો હતો. કંપનીએ એક દિવસમાં રૂ. 9400 કરોડનું માર્કેટ-કેપ ધોવાણ દર્શાવ્યું હતું. જ્યારે અગ્રણી ભારતીય કંપનીઓએ રૂ. 29000 કરોડથી વધુ અથવા તો 4 અબજ ડોલરનું માર્કેટ-કેપ ધોવાણ દર્શાવ્યું હતું.
સવારે ડો.રેડ્ડીઝે તેના જૂન ક્વાર્ટરના પરિણામો રજૂ કર્યાં હતાં. જે અપેક્ષાથી ઊણા જોવા મળ્યાં હતાં. જોકે કંપનીએ પરિણામની સાથે જણાવ્યું હતું કે તેને યુએસ માર્કેટ રેગ્યુલેટર એસઈસી તરફથી સીઆઈએસ(કોમનવેલ્થ ઓફ ઈન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સ) સંબંધી ડોક્યૂમેન્ટ્સના પ્રોડક્ટશ માટે વોરંટ મળ્યું છે. કંપનીના આ જાહેરાત બાદ શેરનો ભાવ ઊંધા માથે પટકાયો હતો અને સોમવારે રૂ. 5411.25ના સ્તરે બંધ રહેલો શેર મંગળવારે રૂ. 4780 પર 12 ટકા જેટલો પટકાયો હતો. કામકાજના અંતે તે રૂ. 568ના ઘટાડે રૂ. 4843ના સ્તરે બંધ રહ્યો હતો. કંપનીએ એક દિવસમાં રૂ. 9396 કરોડનું માર્કેટ-કેપ ગુમાવ્યું હતું. માર્કેટ નિરીક્ષકોના મતે અગાઉ યુએસએફડીએ દ્વારા ફાર્મા કંપનીઓના પ્લાન્ટને લઈને આપવામાં આવતી નોટિસો પાછળ શેરના ભાવમાં મોટી વધ-ઘટ જોવા મળતી હતી. જોકે યુએસ માર્કેટ રેગ્યુલેટરે ફાર્મા કંપનીની માર્કેટિંગ પ્રેકટિસિસને લઈને કરેલી કાર્યવાહી પાછળ ફાર્મા શેર્સમાં પ્રથમવાર આટલો મોટો ઘટાડો જોવા મળ્યો છે. હાલમાં કંપની સામે તપાસ ચાલી રહી છે. આ એક ઘટનાએ સમગ્ર ભારતીય ફાર્મા ઉદ્યોગ ક્ષેત્રે ચિંતા સર્જી છે. ડો. રેડ્ડીઝ લેબો. ઉપરાંત લ્યુપિન(-5 ટકા), ઓરોબિંદો ફાર્મા(-5 ટકા), સિપ્લા(-4 ટકા), ડિલીઝ લેબ્સ(-3 ટકા), બાયોકોન(-2.6 ટકા), ટોરેન્ટ ફાર્મા(-2.5 ટકા)નો ઘટાડો દર્શાવતાં હતાં. જેમની પાછળ નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 4.33 ટકા જેટલો ગબડ્યો હતો. બેન્ચમાર્કે સોમવારે જ 14715ની તેની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. તમામ ફાર્મા કંપનીઓએ મળીને માર્કેટ-કેપમાં રૂ. 28624 કરોડનું ધોવાણ નોંધાવ્યું હતું અને અગ્રણી કંપનીઓનું કુલ માર્કેટ-કેપ રૂ. 7.77 લાખ કરોડ પરથી ઘટી રૂ. 7.49 લાખ કરોડ પર જોવા મળ્યું હતું. ભારતીય ફાર્મા કંપનીઓ યુએસ ખાતે જેનેરિક માર્કેટમાં નોંધપાત્ર હાજરી ધરાવે છે. એનાલિસ્ટ્સના મતે મંગળવારની ઘટના એક દિવસ પૂરતી ગણી શકાય. કેમકે હજુ સુધી ડો. રેડ્ડીઝ સામે કોઈ શિક્ષાત્મક પગલાં ભરવામાં નથી આવ્યાં જો કંપની સામેના આક્ષેપો સાચા પુરવાર થાય તો કોઈ પગલાં લેવાઈ શકે છે. જેમાં તેને બ્લેક લિસ્ટ કરવા સુધીની કાર્યવાહી સંભવ છે. હજુ સુધી કોઈપણ ભારતીય કંપની સામે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.
મંગળવારે ફાર્મા કંપનીઓનો દેખાવ
કંપની શેરમાં ઘટાડો(ટકામાં) માર્કેટ-કેપ ઘટાડો(રૂ. કરોડમાં)
ડો. રેડ્ડીઝ -10.4 -9396
લ્યુપિન -5.2 -2742
ઓરો ફાર્મા -5.0 -2769
સિપ્લા -3.9 -3021
ડિવિઝ લેબ -2.5 -3292
સન ફાર્મા -2.2 -3731
બાયોકોન -2.5 -1183
ટોરેન્ટ ફાર્મા -2.4 -1274
કેડિલા હેલ્થ -1.4 -839
માર્કેટ-કેપમાં કુલ ઘટાડો -28624
ચીન અને હોંગ કોંગના બજારમાં બીજા દિવસે કડાકો
યુએસ બજાર તેની સર્વોચ્ચ ટોચ પર ટ્રેડ દર્શાવી રહ્યું છે ત્યારે ચીન અને હોંગ કોંગના બજારોમાં સતત બીજા દિવસે તીવ્ર કડાકો નોંધાયો હતો. મંગળવારે હોંગ કોંગ સ્ટોક એક્સચેન્જનો બેન્ચમાર્ક હેંગ સેંગ 4.22 ટકાના ઘટાડે 25086ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે ચીનનો શાંઘાઈ કંપોઝીટ ઈન્ડેક્સ 2.49 ટકા ગગડી 3381.18ના સ્તરે બંધ રહ્યો હતો. સોમવારે પણ બંને બેન્ચમાર્ક્સમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. જેમાં હોંગ કોંગ બજાર 4 ટકાથી વધુ તૂટ્યું હતું. આમ બે દિવસમાં હેંગ સેંગમાં 9 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. ચીન ખાતે એજ્યૂકેશન તથા ટેક્નોલોજી ક્ષેત્રની કંપનીઓ પર સરકાર દ્વારા લેવામાં આવી રહેલાં સખત પગલાંને કારણે બજારોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે અને તેઓ તીવ્ર ઘટાડો દર્શાવી રહ્યાં છે.
ઈન્ડિગોએ જૂન ક્વાર્ટરમાં રૂ. 3174 કરોડની ખોટ દર્શાવી
ખાનગી ક્ષેત્રની અગ્રણી કંપની ઈન્ડિગોની માલિક ઈન્ટરગ્લોબ એવિએશને જૂન ક્વાર્ટરમાં ખોટમાં ઓર વૃદ્ધિ નોંધાવી છે. કંપનીની ખોટ ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 2849 કરોડની સામે ચાલુ વર્ષે વધીને રૂ. 3174 કરોડ થઈ છે. ગયા માર્ચ ક્વાર્ટરમાં તેણે રૂ. 1160 કરોડની ખોટ દર્શાવી હતી. કંપનીની કુલ આવક જૂન ક્વાર્ટરમાં 51.6 ટકા ઘટી રૂ. 3006.9 કરોડ જોવા મળી હતી. જે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 6223 કરોડ પર રહી હતી. આમ ત્રિમાસિક ધોરણે કામગીરીમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં કંપનીની આવક રૂ. 767 કરોડના સ્તરે જોવા મળી હતી. બજાર વર્તુળો કંપની જૂન ક્વાર્ટરમાં રૂ. 2500-2700 કરોડની રેંજમાં ખોટ દર્શાવે તેવી અપેક્ષા રાખી રહ્યાં હતાં.
એસબીઆઈ લાઈફનો શેર સર્વોચ્ચ સપાટીએ ટ્રેડ થયો
એસબીઆઈની પેટાકંપની એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સનો શેર 2.7 ટકા સુધારા સાથે રૂ. 1106ની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. જે ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 1.11 લાખ કરોડ પર જોવા મળતું હતું. કંપનીનો શેર ઈન્ટ્રા-ડે ધોરણે રૂ. 1113ની ટોચને સ્પર્શ્યો હતો. રૂ. 755ના વાર્ષિક તળિયા સામે તે નોંધપાત્ર સુધારો દર્શાવી રહ્યો છે. મંગળવારે કંપનીના કાઉન્ટરમાં બંને એક્સચેન્જિસ પર સામાન્ય કરતાં ત્રણ ગણુ કામકાજ નોંધાયું હતું.
ડોલર સામે રૂપિયામાં બીજા દિવસે નરમાઈ
નવા સપ્તાહના બીજા દિવસે પણ ડોલર સામે રૂપિયો નરમ જોવા મળ્યો હતો. ગ્રીનબેક સામે ભારતીય રૂપિયો 5 પૈસા ઘટાડે 74.47ના સ્તરે બંધ રહ્યો હતો. છેલ્લા એક પખવાડિયાથી રૂપિયો 74ના સ્તર નીચે ટ્રેડ થઈ રહ્યો છે. વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સ તેની છ મહિનાની ટોચ પર ટ્રેડ થઈ રહ્યો છે અને તેની પાછળ ઈમર્જિંગ માર્કેટ્સ ચલણ સામે તેમાં મજબૂતી જોવા મળી રહી છે. આગામી બે દિવસોમાં ફેડની એફઓએમસી બેઠક રેટ અંગે શું ટિપ્પણી કરે છે તેના પર ડોલર સહિત અન્ય એસેટ ક્લાસિસની ભાવિ ચાલનો આધાર રહેલો છે.
Unlocking an Upcoming Investment Opportunity: Rubicon Research IPO Rubicon Research is making headlines with its…
Unlocking the Canara Robeco Asset Management Company IPO: A Guide for Every Investor Did you…
Imagine you’re at a big family gathering and suddenly, your relatives start arguing about who…
Shlokka Dyes IPO: Is It Worth Your Investment? Did you know that Shlokka Dyes is…
LG India IPO: Should You Buy a Piece of Your TV and Fridge Company? Introduction…
Did you know that starting your retirement planning in India before your 40s can make…
This website uses cookies.