Market Summary 27 June 2022

માર્કેટ સમરી

બુલ્સ મક્કમ રહેતાં સતત ત્રીજા દિવસે બજાર ગ્રીન ઝોનમાં
વૈશ્વિક બજારોમાં પણ સાર્વત્રિક મજબૂતીનું માહોલ
નિફ્ટી 15800ના અવરોધને પાર કરવામાં સફળ
વોલેટિલિટી ઈન્ડેક્સ 2.2 ટકા વધુ 21ની સપાટીએ
આઈટી, પીએસઈ અને મેટલ તરફથી મુખ્ય સપોર્ટ
ઝોમેટો એક્વિઝિશનના અહેવાલ પાછળ 6 ટકા તૂટ્યો
બ્રોડ માર્કેટમાં ખરીદીનો દોર જળવાયો
વૈશ્વિક બજારોમાં મજબૂત અન્ડરટોન પાછળ ભારતીય શેરબજારે બીજા સપ્તાહે પોઝીટીવ શરૂઆત દર્શાવી હતી. જે સાથે તેજીની હેટ્રીક રચાઈ હતી અને ટ્રેડર્સના જીવમાં જીવ આવ્યો હતો. બીએસઈ સેન્સેક્સ 433 પોઈન્ટ્સ સુધરી 53161ની સપાટીએ જ્યારે નિફ્ટી 132 પોઈન્ટ્સના સુધારે 15832ની સપાટી પર બંધ રહ્યાં હતાં. નિફ્ટીના 50 ઘટક કાઉન્ટર્સમાંથી 40 પોઝીટીવ બંધ આવ્યાં હતાં. જ્યારે 10 નેગેટિવ જોવા મળ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ 2.19 ટકા સુધરી 21ના સ્તરે બંધ રહ્યો હતો. બે સપ્તાહ દરમિયાન બેન્મચાર્ક્સમાં 7 ટકાથી વધુ ઘટાડા બાદ છેલ્લાં ત્રણ સત્રોએ તેજીવાળાઓને નોંધપાત્ર રાહત પૂરી પાડી છે. બ્રોડ માર્કેટમાં પણ બાઈંગ જળવાયું છે. જેને કારણે રિટેલ તરફથી નાના પાયે ખરીદી શરૂ થઈ છે.
ગેપ-અપ ઓપનીંગની શરૂઆત બાદ દિવસ દરમિયાન સાંકડી રેંજમાં અથડાતાં રહેલા બેન્ચમાર્ક્સ આખરે એક ટકાથી સહેજ નીચા સુધારા સાથે બંધ જોવા મળ્યાં હતાં. નિફ્ટીએ જોકે 15800ના અવરોધને આસાનીથી પાર કર્યો હતો. નિફ્ટી જૂન ફ્યુચર્સ 6 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 15838ના સ્તરે બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન સ્પોટ અને ફ્યુચર્સ વચ્ચે ક્યારેક ડિસ્કાઉન્ટ તો ક્યારેક પ્રિમીયમની રમત ચાલતી રહી હતી. જોકે તેજીવાળા મક્કમ રહેતાં કેટલાંક શોર્ટસ કપાયાં હતાં અને તેને કારણે ફ્યુચર્સ પ્રિમિયમમાં બંધ જાળવી શક્યો હતો. એનાલિસ્ટ્સના મતે બજાર ત્રણ દિવસના સુધારા બાદ વિરામ લઈ શકે છે અને કોન્સોલિડેશનમાં જોવા મળી શકે છે. જોકે તેનો આધાર વૈશ્વિક બજારોની ચાલ પર રહેલો છે. યુએસ બજાર મજબૂત જોવા મળે છે અને જો તે સુધારો જાળવશે તો ભારત સહિત એશિયન બજારો પણ સુધારાતરફી ચાલ જાળવી રાખે તેવી શક્યતાં છે. નિફ્ટી માટે 15300-15400ની રેંજમાં સપોર્ટ છે. જેના સ્ટોપલોસે લોંગ ટ્રેડ્સ જાળવી રાખવાની સલાહ ટેકનિકલ એનાલિસ્ટ્સ કરી રહ્યાં છે. અનેક સેક્ટરલ સૂચકાંકો પણ બાઉન્સ દર્શાવી રહ્યાં છે અને તેથી તેજી ટકે તેવી શક્યતાં ઊંચી છે. સોમવારે બજારને સપોર્ટ આપવામાં આઈટી, પીએસઈ અને મેટલ સેક્ટર્સ મુખ્ય હતાં. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 2.05 ટકા સુધર્યો હતો. જેમાં માઈન્ડટ્રી 4.5 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. તે ઉપરાંત કોફોર્જ લિ. 4 ટકા, એમ્ફેસિસ 3.5 ટકા, એલએન્ડટી ઈન્ફોટેક 3.21 ટકા, એચસીએલ ટેક 2.7 ટકા અને ટેકમહિન્દ્રા 2.7 ટકા સુધારો સૂચવતાં હતાં. નિફ્ટી પીએસઈ 1.9 ટકા સુધારો દર્શાવી રહ્યો હતો. જેમાં એનએચપીસી 4 ટકા, એનએમડીસી 3.5 ટકા, કોલ ઈન્ડિયા 3 ટકા અને ઓએનજીસી 3 ટકા સાથે મુખ્ય યોગદાન દર્શાવતાં હતાં. મેટલ ઈન્ડેક્સ પણ 1.52 ટકા સુધારો દર્શાવી રહ્યો હતો. જેમાં સ્ટીલ શેર્સનું મહત્વનું યોગદાન હતું. વેલસ્પન કોર્પ 4.5 ટકા, રત્નમણિ મેટલ 4 ટકા, એનએમડીસી 3.5 ટકા, કોલ ઈન્ડિયા 3 ટકા, સેઈલ 3 ટકા, વેદાંત 3 ટકા અને હિંદાલ્કો 2.4 ટકા મજબૂતી દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી એફએમસીજી, રિઅલ્ટી, એનર્જીમાં એક ટકા આસપાસ સુધારો જોવા મળતો હતો. એનર્જી સેક્ટરમાં અદાણી ગ્રીન એનર્જી 3.23 ટકા અને બીપીસીએલ 2.4 ટકા સુધારો સૂચવતાં હતાં. રિઅલ્ટી શેર્સમાં સનટેક રિઅલ્ટી 4 ટકા, પ્રેસ્ટીજ એસ્ટેટ 2 ટકા અને હેમિસ્ફિઅર 1.6 ટકા સાથે સુધરવામાં અગ્રણી હતાં. બેંક નિફ્ટી 0.55 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેમાં આઈડીએફસી બેંક બીજા દિવસે 3.55 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. ઈન્ડસઈન્ડ બેંક 3.11 ટકા, ફેડરલ બેંક 2 ટકા, એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક 1.9 ટકા, એસબીઆઈ 1.53 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં સિટી યુનિયન બેંક 8 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવતો હતો. જ્યારે પર્સિસ્ટન્સ સિસ્ટમ 6 ટકા, ફર્સ્ટસોર્સ સોલ્યુશન્સ 5 ટકા, જીએનએફસી 4.5 ટકા, ગ્રેન્યૂલ્સ ઈન્ડિયા 4.44 ટકા સુધારો સૂચવતાં હતાં. આરબીએલ બેંક પણ 4 ટકા સુધારો દર્શાવી રહી હતી. આનાથી ઊલટું ઘટાડો દર્શાવવામાં એચડીએફસી એએમસી 3 ટકા સાથે ટોચ પર હતો. બાયોકોન 2 ટકા, ચોલા ઈન્વેસ્ટમેન્ટ 2 ટકા અને ઈન્ડસ ટાવર્સ પણ 2 ટકા ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં બે શેર્સથી વધુમાં સુધારા સામે એક શેરમાં નરમાઈ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3575 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2386 પોઝીટીવ બંધ રહ્યાં હતાં. જ્યારે માત્ર 1083 નેગેટિવ જોવા મળ્યાં હતાં. 75 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 48 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું નોંધાવ્યું હતું.

G7ના રશિયન ગોલ્ડ પર પ્રતિબંધ છતાં સોનામાં સાધારણ સુધારો
કોમેક્સ ગોલ્ડ વાયદો 8 ડોલર મજબૂતી સાથે 1838 ડોલર આસપાસ અથડાયો
રશિયાનું વાર્ષિક 300 ટનનું ગોલ્ડ ઉત્પાદન
વિશ્વમાં સૌથી વિકસિત જી-7 દેશો તરફથી રશિયા ખાતેથી ગોલ્ડની આયાત પર પ્રતિબંધ છતાં ગોલ્ડના ભાવમાં કોઈ મોટો સુધારો નોંધાયો નહોતો. કોમેક્સ ખાતે ગોલ્ડ વાયદો 8 ડોલર મજબૂતી સાથએ 1838 ડોલર આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. દિવસ દરમિયાન તે 1842 ડોલરની ટોચ પર જોવા મળ્યો હતો. યુએસ પ્રમુખ બાઈડને રશિયા ખાતેથી ગોલ્ડ નહિ ખરીદવા જી-7 દેશોના વડાઓને એક થવા અનુરોધ કર્યો હતો. જેની પ્રતિક્રિયામાં યુકે, જાપાન સહિતના દેશોએ રશિયન ગોલ્ડ ખરીદવા પર પ્રતિબંધ મૂક્યો હતો. કેલેન્ડર 2021માં રશિયા ખાતે 300 ટન ગોલ્ડ ઉત્પાદન જોવા મળ્યું હતું. આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા બાદ રશિયા ગોલ્ડનો અગ્રણી ઉત્પાદક દેશ છે. 2021માં રશિયાની નિકાસમાં ગોલ્ડનું 15.5 અબજ ડોલરનું યોગદાન હોવાનું યુકે સરકારનો ડેટા સૂચવે છે.
સપ્તાહાંતે પીળી ધાતુ માટે પોઝીટવ અહેવાલ પાછળ ધાતુના ભાવમાં મજબૂતી સાથે શરૂઆત જોવા મળી હતી. કોમેક્સ ખાતે ગોલ્ડ 10 ડોલર પ્રતિ ટ્રૌય ઔંસ સુધારા સાથે ખૂલ્યું હતું. જોકે તેમાં વધુ સુધારો જોવાયો નહોતો અને તેણે લગભગ 25 ટકા સુધારો ગુમાવ્યો હતો અને દિવસ દરમિયાન રેંજમાં ટ્રેડ દર્શાવતું રહ્યું હતું. કોમોડિટી એનાલિસ્ટ્સના મતે રશિયન ગોલ્ડ પર પ્રતિબંધને કારણે ભાવમાં જંગી ઉછાળાની શક્યતાં નથી. કેમકે આ માત્ર સિમ્બોલિક પ્રતિબંધ છે. વાસ્તવમાં ગોલ્ડ જેવી વિશેષ કોમોડિટીઝમાં આ પ્રકારનો પ્રતિબંધ અમલી બનાવી શકાય તેમ નથી. ઉપરાંત જી-7 દેશો ગોલ્ડની ખરીદીમાં ટોચનું સ્થાન ધરાવતાં નથી. વિશ્વમાં સોનાની સૌથી વધુ ખરીદી ચીન અને ભારત કરે છે. જી-7 દેશોમાં સેન્ટ્રલ બેંકર્સ પાસે મોટા જથ્થામાં ગોલ્ડ રિઝર્વ્સ છે અને તેથી તેઓ સરળતાથી તેને લિક્વિડ કરી શકે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ચીનમાં ગોલ્ડનું ઉત્પાદન વધ્યું છે અને તેથી ગોલ્ડમાં ડિમાન્ડ-સપ્લાયને લઈને કોઈ મોટા અવરોધો જોવા મળી રહ્યાં નથી. આ સ્થિતિમાં જી-7 દેશોનો નિર્ણય ગોલ્ડના ભાવમાં મોટી તેજીનું કારણ બને તેવી શક્યતાં નથી. ગોલ્ડના ભાવ હાલમાં તેમની ટોચથી 10 ટકા કરતાં વધુ ઘટાડો દર્શાવી રહ્યાં છે. યુએસ ફેડ સહિત સેન્ટ્રલ બેંકર્સ તરફથી આક્રમક રેટ વૃદ્ધિને કારણે ગોલ્ડ ઉંચા સ્તરે ટકવામાં નિષ્ફળ જઈ રહ્યું છે. તાજેતરમાં વૈશ્વિક કોમોડિટીઝના ભાવમાં ઘટાડાને કારણે પણ ઈન્ફ્લેશનને લઈને ડર ઓક્ટોબર બાદ ઓછો થવાની ગણતરી છે અને તેથી કિંમતી ધાતુઓમાં રોકાણકારોની ખરીદી ઘટી છે. ભારતે પણ કેલેન્ડર 2021માં ગોલ્ડ આયાતમાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવ્યાં બાદ 2022માં આયાતમાં ફરી ઘટાડો જોવા મળી રહ્યો છે. જેનું કારણ ગ્રામીણ જનતામાં વૈકલ્પિક એસેટ ક્લાસ તરફનો ઝૂકાવ છે. જ્યારે મિલેનિઅલ્સ ક્રિપ્ટો સહિતના એસેટ ક્લાલિસથી આકર્ષાયા છે.

મેટ્રો ઈન્ડિયાના યુનિટ માટે RIL, પ્રેમજીઈન્વેસ્ટ, સ્વીગી અને સીપી ગ્રૂપ બીડ સ્પર્ધામાં
જર્મન રિટેલર મેટ્રો એજીના ભારત સ્થિત કેશ-એન્ડ-કેરી બિઝનેસ માટે રિલાયન્સ રિટેલ, થાઈલેન્ડની કોંગ્લોમેરટ સીપી ગ્રૂપ, ફૂડ અને ગ્રોસરી ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગી સાથે પ્રેમજીઈન્વેસ્ટ બીડીંગ કરે તેવી શક્યતાં છે. જ્યારે ટાટા જૂથ અને પીઈ ફંડ બેઈન કેપિટલ હજુ 1-1.5 અબજ ડોલરની બાયઆઉટ તકને ચકાસી રહ્યાં હોવાનું વર્તુળો જણાવે છે. મેટ્રો ઈન્ડિયા માટે નોન-બાઈન્ડિંગ ઓફર્સ માટેનું સબમિશન ચાલુ સપ્તાહે થવાનું છે. ઈ-કોમર્સ પ્લેયર્સ ફ્લિપકાર્ટ અને એમેઝોન અગાઉથી જ સ્પર્ધાની બહાર નીકળી ગયા હતા. એકવાર નોન-બાઈન્ડિંગ ઓફર્સ મળશે ત્યારબાદ વિગતવાર ડ્યુ-ડિલિજન્સ પ્રક્રિયા શરૂ થશે. મે મહિનાની આખરમાં મેટ્રો ઈન્ડિયાએ જ્યારે ભારતીય બજારમાંથી એક્ઝિટનું મન બનાવ્યું ત્યારે લગભગ 10 જેટલા ખેલાડીઓ સ્પર્ધામાં હતાં. જોકે તેમાંથી લગભગ અડધા હાલમાં બહાર નીકળી ચૂક્યાં છે.
અદાણીએ કોપર પ્લાન્ટ માટે રૂ. 6071 કરોડનું ડેટ મેળવ્યું
અદાણી એન્ટરપ્રાઈઝની સબસિડિયરી કંપની કચ્છ કોપરે(કેસીએલ) મુંદ્રા ખાતે ગ્રીનફિલ્ડ કોપર રિફાઈનરીની સ્થાપના માટે રૂ. 6071 કરોડનું ડેટ મેળવ્યું હોવાનું જણાવ્યું છે. આ ફંડનો ઉપયોગ ગ્રીનફિલ્ડ પ્લાન્ટના પ્રથમ તબક્કામાં વાર્ષિક 5 લાખ ટન કોપર રિફાઈનીંગ ક્ષમતાની સ્થાપના માટે કરવામાં આવશે. પ્લાન્ટની કુલ ક્ષમતા બે તબક્કામાં મળી 10 લાખ ટનની રહેશે. આ લોન સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના નેતૃત્વમાં બનેલા કોન્સોર્ટિયમ દ્વારા આપવામાં આવી છે. જેમાં બેંક ઓફ બરોડા, કેનેરા બેંક, એક્ઝિમ બેંક, ઈન્ડિયન બેંક, પીએનબી અને બેંક ઓફ મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. હાલમાં પ્લાન્ટ ખાતે બાંધકામ ચાલી રહ્યું છે અને તે 2024ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં કામગીરી શરૂ કરે તેવી યોજના છે. આ પ્લાન્ટ વિશ્વમાં સૌથી મોટા કોપર રિફાઈનરી કોમ્પ્લેક્સમાંનો એક હશે.
Rcapની ઈન્સોલ્વન્સી સામે વધુ એક અવરોધ
રિલાયન્સ કેપિટલની ઈન્સોલ્વન્સી પ્રોસેસ સામે એક વધુ અવરોધ ઊભો થયો છે. જેમાં રિલાયન્સ જનરલ ઈન્શ્યોરન્સ(આરજીઆઈ)ના પ્લેજ્ડ શેર્સને એસેટ સેલ માટે ફ્રી કરવાનો ટ્રસ્ટીઓએ ઈન્કાર કર્યો હોવાનું જાણકાર વર્તુળોનું કહેવું છે. આરકેપ માટે નિર્ધારિત 30 જૂનની બિડ સબમિશન માટેની ડેડલાઈન નજીક આવી રહી છે ત્યારે એડમિનિસ્ટ્રટરે કોર્ટના દરવાજા ખખડાવવા પડી શકે છે એમ તેઓ ઉમેરે છે. રિલાયન્સ કેપિટલે સિક્યૂરિટી સામે ફંડ્સ ઊભું કરવા માટે 2018-29માં રિલાયન્સ જનરલ ઈન્શ્યોરન્સના શેર્સ પ્લેજ કર્યાં હતાં. આ માટે તેણે આઈડીબીઆઈ ટ્રસ્ટીશીપને એનસીડી ઈસ્યુ કર્યાં હતાં. જે મુજબ કંપની હાલમાં આરજીઆઈમાં 37 ટકા હિસ્સો ધરાવે છે. આરજીઆઈ રિલા. કેપિટલનો કમાઉ દિકરો છે. જેનું મૂલ્ય રૂ. 6 હજાર કરોડ આંકવામાં આવે છે.


NSE કો-લોકેશન કૌભાંડમાં મોટાપાયે હવાલાના ઉપયોગનો પર્દાફાશ
બ્રોકર્સે સ્થાનિક થર્ડ-પાર્ટી સર્વર્સનો ઉપયોગ કરી દુબઈ મારફતે વૈશ્વિક શેરબજારોમાં નાણા પહોંચાડ્યાં
નેશનલ સ્ટોક એક્સચેન્જ કો-લોકશન કૌભાંડની તપાસમાં સક્રિય વિવિધ એજન્સિઝના મતે હવાલા ઓપરેશન્સ માટે દુબઈનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તે મારફતે ચીન, યુએસ, યુકે અને પશ્ચિમ એશિયાના સ્ટોક એક્સચેન્જિસમાં ટ્રેડિંગ માટે નાણાને રવાના કરવામાં આવ્યાં હતાં.
તપાસમાં જાણવા મળ્યું છે કે બ્રોકર્સે એનએસઈ, એમસીએક્સ, બીએસઈ અને અન્ય વૈશ્વિક એક્સચેન્જિસ જેવાકે એસએચએફઈ ડાલિયાન(ચીન), સીએમઈ, આઈસીઈ અને સીએફડી(યુએસ), ડીજીસીએક્સ(પશ્ચિમ એશિયા) અને એલએમઈ અને સીએફડી(યૂરોપ) વચ્ચે ટ્રેડિંગ લિંક્સ સ્થાપવા માટે ગેરકાયદે માર્ગોનો ઉપયોગ કર્યો હતો. તેમનો હેતુ આ એક્સચેન્જિસ પર મોટી માત્રામાં ડેરિવેટિવ્સ ટ્રેડિંગ તથા આર્બિટ્રેડ ઓપોર્ચ્યુનિટિનો લાભ લઈ નફો અથવા નુકસાન ઊભું કરવાનો હતો. જે તેમને ભારતમાં ટેક્સમાંથી રાહત આપે એમ રિપોર્ટ જણાવે છે. વિદેશી પોર્ટફોલિયોઅથવા તો સંસ્થાકિય રોકાણ તરીકે સ્થાપિત ફોરેન પોર્ટફોલિયોના ભારતીય એક્સચેન્જિસ પર ટ્રેડિંગમાં ઉપયોગ ભારતમાં ગેરકાયદે ગણાય છે. તેમ છતાં તપાસ સૂચવે છે કે ભારતમાં થર્ડ-પાર્ટી સર્વર્સ મારફતે ટ્રેડ રાઉટ કરવામાં આવ્યાં હતાં. જેથી દેખીતી રીતે જોવા મળતાં ઈન્ટરનેશ પ્રોટોકોલ એડ્રેસિસ આ ડેટા સેન્ટર્સ સાથે જોડાયેલાં હતાં. ભારતીય ઈક્વિટી અને કોમોડિટી એક્સચેન્જિસ પર હાઈ ફ્રિકવન્સી ટ્રેડિંગ ધરાવતાં સંખ્યાબંધ ટ્રેડર્સ રહેલાં છે. જેઓ ભારતમાં સ્ટેપ-ડાઉન સબસિડિયરી ધરાવે છે. જેમની પેરન્ટ કંપનીઓ યુએસ, મોરેશ્યસ કે અન્ય ટેક્સ-ફ્રેન્ડલી દેશો સ્થિત છે. ભારતીય બ્રોકર્સ સાથે જોડાયેલી કંપનીઓ બ્રિટિશ વર્જિન આઈલેન્ડ્સમાં રજિસ્ટર્ડ હોવાનું પણ તપાસમાં જણાયું છે. કેટલાંક ટ્રેડર્સની તપાસ કરતાં એજન્સીઓને એમ પણ માલૂમ પડ્યું છે કે રૂ. 18 લાખના સેટ-અપ ખર્ચ સાથે દુબઈ અને મુંબઈ વચ્ચે પોઈન્ટ-ટુ-પોઈન્ટ લેટેન્સી(ટ્રેડિંગ સ્પીડ) 26 મિલિસેકન્ડ્સ જેટલી સૌથી નીચી જોવા મળે છે. જો ચીન અને મુંબઈ વચ્ચેની વાત કરીએ તો રૂ. 18 લાખ ખર્ચ્યાં બાદ 200 મિલિસેકન્ડ્સની લેટન્સી જોવા મળે છે. જ્યારે સિંગાપુર-મુંબઈ વચ્ચે રૂ. 22 લાખ ખર્ચીને 54 મિલિસેકન્ડ્સ, લંડન-મુંબઈ વચ્ચે રૂ. 20થી રૂ. 22 લાખમાં 109 મિલિસેકન્ડ્સ અને સીએમઈ-મુંબઈ વચ્ચે રૂ. 30 લાખના ખર્ચે 200 મિલિસેકન્ડ્રની સ્પીડ સ્થાપી શકાય છે. તપાસ સંસ્થાઓના રિપોર્ટ્સ મુજબ મોટાભાગના બ્રોકર્સે તેમની ઓફશોર કંપનીઓ દુબઈમાં સ્થાપી હતી. કેમકે તે લગભગ 20 જેટલાં ફ્રી ઝોન્સ ધરાવે છે. જેમાં દુબઈ મલ્ટી કોમોડિટીઝ સેન્ટર(ડીએમસીસી) સૌથી લોકપ્રિય છે.



SBIને ઓપરેશન સપોર્ટ પાંખ સ્થાપવા માટે RBIની મંજૂરી
દેશમાં અગ્રણી બેંકરે કોસ્ટ-ટુ-ઈન્કમ રેશિયોને ઘટાડવા માટે સબસિડિયરીનો પ્રસ્તાવ મૂક્યો હતો
દેશમાં સૌથી મોટા લેન્ડર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સૈધ્ધાંતિક રીતે ઓપરેશન્સ સપોર્ટ સબસિડિયરીની મંજૂરી આપી દીધી છે. એસબીઆઈએ તેના કોસ્ટ-ટુ-ઈન્કમ રેશિયોને ઘટાડવા માટે આ પ્રકારની વ્યવસ્થા માટે પ્રસ્તાવ મૂક્યો હતો. બેંકના ચેરમેનના જણાવ્યા અનુસાર બેંક રેગ્યુલેટરની મંજૂરી મળી જતાં કેટલાંક પ્રદેશોમાં એક પાયલોટ પ્રોજેક્ટ રન કરશે. જ્યારબાદ તેનું દેશવ્યાપી લોંચ કરવામાં આવશે.
એસબીઆઈના ચેરમેન દિનેશ કુમારે જણાવ્યું હતું કે તેઓ ઓપરેશન્સ સપોર્ટ સબસિડિયરીની સ્થાપના કરી રહ્યાં છે. જેનો હેતુ કોસ્ટ-ટુ-ઈન્કમ રેશિયોને નીચો લાવવાનો છે. નવી સબસિડિયરી બેંકને તેના ઊંચા ખર્ચ ધરાવતાં મેનપાવરને વધુ પ્રોડક્ટિવ સર્વિસિઝ માટે ઉપયોગમાં લેવામાં સહાયરૂપ બનશે. એસબીઆઈનો કોસ્ટ-ટુ-ઈન્કમ રેશિયો હાલમાં 53.3 ટકા જેટલો છે. જે 2018-19ની સરખામણીમાં 3.4 ટકા સુધારો સૂચવે છે. જો ટોચની ત્રણ ખાનગી બેંક્સ સાથે સરખામણી કરીએ તો એસબીઆઈનો આ રેશિયો ખૂબ ઊંચો છે. અગ્રણી ખાનગી બેંકિંગ કંપનીઓનો કોસ્ટ-ટુ-ઈન્કમ રેશિયો 35-40 ટકાની રેંજમાં છે. આમ સબસિડિયરિનો મુખ્ય હેતુ બેંકની કાર્યદક્ષતામાં વૃદ્ધિ કરવાનો છે. જે દેશની સૌથી મોટી બેંકને લાંબા ગાળે તેની નફાકારક્તામાં સુધારો કરવામાં સહાયરૂપ બનશે. એસબીઆઈનું નેટ ઈન્ટરેસ્ટ માર્જિન 3.15 ટકા પર ઊભું છે. જ્યારે ખાનગી બેંકિંગ કંપનીઓ માટે તે 4 ટકાની ઉપર જોવા મળે છે. બેંક ચેરમેનના જણાવ્યા મુજબ રૂટિન જોબ્સ સબસિડિયરી કંપની દ્વારા હાથ ધરવામાં આવશે. અમે માળખાને આખરી ઓપ આપી રહ્યાં છીએ પરંતુ તે ટેક્નોલોજી આધારિત વધુ હશે અને ઓછા માણસો ધરાવતી હશે. ટેક્નોલોજી લોકોને સપોર્ટ કરતી હશી. જોકે લોનની મંજૂરી જેવી મુખ્ય કામગીરી બેંક પાસે જ રહેશે એમ તેઓ ઉમેરે છે.



કોર્પોરેટ હેડલાઈન્સ

તાતા કન્ઝ્યૂમરઃ તાતા જૂથના ચેરમેન એન ચંદ્રશેખરે જણાવ્યું છે કે તેઓ કંપનીના ગ્રોથ માટે વિવિધ કેટેગરીઝમાં યોગ્ય એક્વિઝિશનની તક માટે રાહ જોઈ રહ્યાં છે. કંપનીની વાર્ષિક સાધારણ સભામાં બોલતાં તેમણે ઉમેર્યું હતું કે તેઓ પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં લેવરેજિંગ સાથે ડિસ્ટ્રીબ્યુશનના વિસ્તરણ અને પ્રોડક્ટ ઈનોવેશન તથા નવી કેટેગરીઝમાં પ્રવેશ પર ધ્યાન આપશે. સાથે ઓર્ગેનિક અને ઈનઓર્ગેનિક ગ્રોથ તકો પર ભાર મૂકશે.
ઉત્કર્ષ પ્લોટર્સઃ માર્કેટ રેગ્યુલેટર સેબીએ ઉત્કર્ષ પ્લોટર્સ એન્ડ મલ્ટી એગ્રો સોલ્યુશન્સ ઈન્ડિયાના રેસિડેન્શિયલ પ્રોપર્ટીઝ, પ્લોટ્સ અને એગ્રીકલ્ચર લેન્ડ પાર્સલને જપ્ત કર્યાં છે. સેબી નાદાર કંપની સાથે જોડાયેલી મહારાષ્ટ્રમાં ફેલાયેલી 23 જેટલી પ્રોપર્ટીઝનું 29 જુલાઈએ ઓક્શન કરશે અને રોકાણકારોની વેલ્થ રિકવરી કરશે.
ફ્યુચર એન્ટરપ્રાઈઝઃ ઋણના ભાર તળે દબાયેલી ફ્યુચર જૂથની કંપની ફરી એનસીડી પેટે રૂ. 4.1 કરોડના ઈન્ટરેસ્ટ પેમેન્ટમાં નિષ્ફળ ગઈ હોવાનું રેગ્યુલેટરી ફાઈલીંગમાં જણાવાયું છે. કંપનીએ 24 જૂનના રોજ આ વ્યાજ ચૂકવણું કરવાનું બનતું હતું. ગયા સપ્તાહે શરૂમાં પણ તે રૂ. 86 લાખ અને રૂ. 6.07 કરોડના ઈન્ટરેસ્ટ પેમેન્ટમાં નાદાર બની હતી.
ઈન્ફોસિસઃ ટોચની આઈટી સર્વિસ કંપનીના સીઈઓએ જણાવ્યું છે કે હાલમાં રશિયામાં તેઓ 100થી પણ ઓછા કર્મચારી ધરાવે છે અને કંપની તેમને રશિયાની બહાર ખસેડવાની પ્રક્રિયામાં છે. કંપની યુક્રેન-રશિયા સંઘર્ષ અટકે અને શાંતિ સ્થપાય તેમ ઈચ્છે છે એમ તેમણે જણાવ્યું હતું.
ડિશ ટીવીઃ ઝી જૂથની કંપનીના સીઈઓ જવાહર ગોએલે રાજીનામું આપ્યું હતું. ડાયરેક્ટ-ટુ-હોમ કંપનીની એક્સ્ટ્રાઓર્ડિનરી જનરલ મિટિંગમાં ગોયેલની પુનઃનિમણુંકને લઈને શેરધારકો તરફથી પૂરતી બહુમતી મળી શકી નહોતી અને તેથી જ તેમણે રાજીનામુ આપવાની ફરજ પડી હતી. જોકે તેઓ નોન-એક્ઝીક્યુટીવ ડિરેક્ટર તરીકે ચાલુ રહેશે.
ગુફીક બાયોસાયન્સિસઃ રેટિંગ એજન્સી ઈકરાએ કંપનીની બેંક ફેસિલિટિઝ માટે લોંગ-ટર્મ રેટિંગને અપગ્રેડ કરી બીબીબમાંથી બીબીબીપ્લસ કર્યું છે. જ્યારે આઉટલૂકને સ્ટેબલ બનાવ્યું છે.
એક્સિસ બેંકઃ આરબીઆઈએ રાજીવ આનંદની એક્સિસ બેંકના ડેપ્યૂટી મેનેજિંગ ડિરેક્ટર તરીકે પુનઃનિમણૂંકને મંજૂરી આપી છે.
રેપ્કો હોમઃ ઈન્વેસ્કો એમએફે તેના ઈન્વેસ્કો ઈન્ડિયા મલ્ટીકેપ ફંડ મારફતે હાઉસિંગ ફાઈનાન્સ કંપની રેપ્કોના 3,73,659 ઈક્વિટી શેર્સનું વેચાણ કર્યું છે.
જીઈ ટીએન્ડડી ઈન્ડિયાઃ રેટિંગ એજન્સી ઈકરાએ કંપનીના લોંગ-ટર્મ રેટિંગને ડાઉનગ્રેડ કર્યું છે.
વેલપ્સન કોર્પઃ કંપનીએ ભારત તથા યુએસ ખાતેથી ઓઈલ એન્ડ ગેસ અને વોટર સેક્ટર્સ તરફથી રૂ. 600 કરોડના મૂલ્યના ઓર્ડર્સ મેળવ્યાં છે.
ડો.રેડ્ડીઝ લેબોઃ અગ્રણી ફાર્મા કંપનીએ સ્થાનિક બજારમાં તેના હિસ્સામાં વૃદ્ધિ માટે એટોનફાર્માના ઈન્જેક્ટેબલપ્રોડક્ટ પોર્ટફોલિયોને 5 કરોડ ડોલરમાં ખરીદી લીધો છે.
એસઆઈએસઃ કંપનીનું બોર્ડ 29 જૂને કંપનીના ઈક્વિટી શેર્સના બાયબેકના પ્રસ્તાવ પર વિચારણા માટે મળશે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage