બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
નાણા વર્ષના આખરી સત્રની તેજી સાથે સમાપ્તિ, નિફ્ટી ટોચની નજીક બંધ રહ્યો
વોલેટિલિટી ઈન્ડેક્સ એક ટકો વધી 12.83ના સ્તરે બંધ
પીએસયૂ બેંક, મેટલ, ઓટો, પીએસઈ, ફાર્મામાં મજબૂતી
એકમાત્ર મિડિયા ઈન્ડેક્સમાં નરમાઈ
બ્રોડ માર્કેટમાં જોકે લોસ બુકિંગનો ક્રમ જળવાયો
સેન્ચૂરી, ગ્રાસિમ, કલ્યાણ જ્વેલર, ઈન્ડુસ ટાવર્સ નવી ટોચે
આલ્કિલ એમાઈન્સ, કેમ્પસ એક્ટિવ, અતુલ, ફાઈન ઓર્ગેનિક વર્ષના તળિયે
નાણા વર્ષ 2023-24ના આખરી ટ્રેડિંગ સત્રમાં શેરબજારમાં તેજી જોવા મળી હતી અને બેન્ચમાર્ક્સ તેમના ટોચના લેવલ્સ નજીક જોવા મળ્યાં હતાં. બેન્ચમાર્ક નિફ્ટી ઈન્ટ્રા-ડે 22500ની સપાટી પાર કરી ગયો હતો. જોકે, આખરી અવરમાં વેચવાલી પાછળ તે નવી ટોચ પર બંધ દર્શાવી શક્યો નહોતો. બેન્ચમાર્ક સેન્સેક્સ 655 પોઈન્ટ્સ ઉછળી 73651ની સપાટીએ જ્યારે નિફ્ટી 203 પોઈન્ટ્સ મજબૂતી સાથે 22327ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં લોસ હાર્વેસ્ટીંગ પાછળ બ્રેડ્થ નરમ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3938 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2042 કાઉન્ટર્સ નેગેટિવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1793 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. 137 કાઉન્ટર્સે તેમનું વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ નોંધાવ્યું હતું. જ્યારે 161 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ એક ટકો વધી 12.83ના સ્તરે બંધ રહ્યો હતો.
ગુરુવારે માર્ચ સિરિઝ એક્સપાયરીનો દિવસ હતો. એશિયન બજારોમાં ચીન અને હોંગ કોંગ મજબૂતી દર્શાવતાં હતાં. જ્યારે જાપાન, કોરિયા, તાઈવાન અને સિંગાપુરમાં નરમાઈ જોવા મળી હતી. જેની વચ્ચે ભારતીય બજાર ગેપ-અપ ઓપનીંગ સાથે ખૂલી સતત નવી ટોચ દર્શાવતું રહ્યું હતું. નિફ્ટી ઈન્ટ્રા-ડે 22516ની ટોચ દર્શાવી થોડો પાછો પડ્યો હતો. નિફ્ટી કેશ સામે એપ્રિલ ફ્યુચર 148 પોઈન્ટ્સના પ્રિમીયમ સાથે 22465ની સપાટી પર બંધ રહ્યો હતો. માર્કેટમાં લોંગ રોલઓવરમાં સાધારણ ઘટાડાના સંકેતો જોતાં આગામી સત્રોમાં સાવચેતી રાખવી જરૂરી છે. નિફ્ટીમાં 22 હજારના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવી શકાય.
નિફ્ટીને સપોર્ટ કરનારા મહત્વના સ્ટોક્સમાં બજાજ ફિનસર્વ, ગ્રાસિમ, હિરો મોટોકોર્પ, બજાજ ફાઈનાન્સ, આઈશર મોટર્સ, પાવર ગ્રીડ કોર્પોરેશન, ઓએનજીસી, અદાણી એન્ટરપ્રાઈઝ, સિપ્લા, ડિવિઝ લેબ્સ, નેસ્લે, એમએન્ડએમ, તાતા સ્ટીલ, એપોલો હોસ્પિટલ, ડિવિઝ લેબ્સ, એમએન્ડએમનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, શ્રીરામ ફાઈનાન્સ, એક્સિસ બેંક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટેક મહિન્દ્રા, બ્રિટાનિયા, એચસીએલ ટેક્નોલોજી, બજાજ ઓટોમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો નિફ્ટી પીએસયૂ બેંક 2.6 ટકા ઉછળ્યો હતો. જેના ઘટકોમાં પંજાબ એન્ડ સિંધ બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, આઈઓબી, યૂકો બેંક, સેન્ટ્રલ બેંક, ઈન્ડિયન બેંક, બેંક ઓફ ઈન્ડિયા, કેનેરા બેંક, એસબીઆઈ, જેકે બેંક, બેંક ઓફ બરોડા, યુનિયન બેંકમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. નિફ્ટીમેટલ ઈન્ડેક્સ 1.25 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં અદાણી એન્ટરપ્રાઈઝ, તાતા સ્ટીલ, જિંદાલ સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, એપીએલ એપોલોમાં ખરીદી જોવા મળી હતી. નિફ્ટી ફાર્મા 1.21 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં બાયોકોન, સિપ્લા, ડિવિઝ લેબ્સ, ડો. રેડ્ડીઝ લેબ્સ, ઓરોબિંદો ફાર્મા, ટોરેન્ટ ફાર્મા, લ્યુપિન, સન ફાર્મા, ઝાયડસ લાઈફમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી ઓટો પણ 1.3 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં હીરો મોટોકોર્પ, આઈશર મોટર્સ, એમએન્ડએમ, ભારત ફોર્જ, તાતા મોટર્સ, ટીવીએસ મોટર, અશોક લેલેન્ડ, એમઆરએફમાં મજબૂતી જોવા મળી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો બજાજ ફિનસર્વ 4 ટકા સાથે સૌથી વધુ મજબૂતી દર્શાવતો હતો. આ ઉપરાંત, ગ્રાસિમ, એલઆઈસી હાઉસિંગ, હીરો મોટોકોર્પ, બજાજ ફાઈનાન્સ, કેનેરા બેંક, બાયોકોન, આઈશર મોટર્સ, ઈપ્કા લેબ્સ, ઈન્ડુસ ટાવર્સ, એસબીઆઈ, પાવર ગ્રીડ કોર્પો., ઓએનજીસીમાં ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ, આઈડીએફસી ફર્સ્ટ, તાતા કેમિકલ્સ, ઓબેરોય રિઅલ્ટી, હિંદ કોપર, બિરલાસોફ્ટ, ઝી એન્ટરટેઈનમેન્ટ, પર્સિસ્ટન્ટ, એસબીઆઈ કાર્ડ, દિપક નાઈટ્રેટમાં ઘટાડો નોંધાયો હતો. કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં સેન્ચૂરી, ગ્રાસિમ, કલ્યાણ જ્વેલર, ઈન્ડુસ ટાવર્સ, એવેન્યૂ સુપરમાર્ટ, ઈન્ફો એજ, સિમેન્સ, લાર્સન, અદાણી પોર્ટ્સ, શેલે હોટેલ્સ, એબીબી ઈન્ડિયાનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, રાજેશ એક્સપોર્ટ્સ, ઝી એન્ટર., આલ્કિલ એમાઈન્સ, કેમ્પસ એક્ટિવ, ફાઈન ઓર્ગેનિક્સ, હેપિએસ્ટ માઈન્ડ્સ, અતુલે વાર્ષિક તળિયાં દર્શાવ્યાં હતાં.
નાણા વર્ષ 2023-24માં મીડ-સ્મોલ કેપ્સનું આઉટપર્ફોર્મન્સ, 2024-25માં લાર્જ-કેપ્સ પર પસંદગી
નાણા વર્ષ 2023-24માં શેરબજારમાં મીડ અને સ્મોલ-કેપ સેગમેન્ટે આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું હતું. જ્યારે 2024-25 માટે એનાલિસ્ટ્સ લાર્જ-કેપ્સ પર પસંદગી ઉતારી રહ્યાં છે. તેમના મતે બીજી અને ત્રીજી હરોળના કાઉન્ટર્સમાં ઊંચા વેલ્યૂએશન્સ જોતાં આગામી સમયગાળામા લાર્જ-કેપ્સમાં જ નવી પોઝીશન લેવી જોઈએ. ઉપરાંત, માર્કેટ રેગ્યુલેટર સેબી તરફથી પણ મીડ અને સ્મોલ-કેપ્સને લઈ ઉચ્ચારવામાં આવેલી ચેતવણી જોતાં તેઓ અન્ડરપર્ફોર્મન્સ દર્શાવી શકે છે.
2023-24માં ભારતીય બેન્ચમાર્ક નિફ્ટીએ 27 ટકાનું મજબૂત વળતર આપ્યું હતું. જ્યારે સેન્સેક્સે 23 ટકાથી ઊંચું રિટર્ન નોંધાવ્યું હતું. નિફ્ટી 16900થી વધી 22500 પર ટ્રેડ થયો હતો. જ્યારે સેન્સેક્સ 74 હજારની સપાટી પાર કરી ગયો હતો. માર્કેટ એક્સપર્ટ્સના મતે 2024માં લોકસભા ચૂંટણીઓને લઈ અનિશ્ચિતતા જોતાં લાર્જ-કેપ્સમાં તેજી જળવાય શકે છે. 2023-24માં રિઅલ્ટી સેક્ટરે સૌથી સારુ રિટર્ન આપ્યું હતું. નિફ્ટી રિઅલ્ટી 131 ટકા ઉછળ્યો હતો. જ્યારપછીના ક્રમે નિફ્ટી ડિફેન્સ, નિફ્ટી પીએસઈ, નિફ્ટી સીપીએસઈ અને નિફ્ટી પીએસયૂ બેંક સૂચકાંકો રહ્યાં હતાં.
એપ્રિલથી ફેબ્રુઆરીમાં નાણાકિય ખાધ વાર્ષિક અંદાજના 86.5 ટકા પર પહોંચી
એપ્રિલથી જાન્યુઆરી સુધીમાં રૂ. 11.03 લાખ કરોડ પરથી ખાધ વધી ફેબ્રુ. સુધીમાં રૂ. 15.01 લાખ પર પહોંચી
દેશની નાણાકિય ખાધમાં ફેબ્રુઆરી દરમિયાન તીવ્ર વૃદ્ધિ જોવા મળી છે. નાણાકિય વર્ષ 2023-24ના એપ્રિલથી જાન્યુઆરી સુધીના 10-મહિનાઓમાં રૂ. 11.03 લાખ કરોડની ખાધ સામે એપ્રિલથી ફેબ્રુઆરી દરમિયાન રૂ. 15.01 લાખ કરોડની ખાધ જોવા મળી હતી. આમ એક મહિનામાં ખાધમાં રૂ. 4 લાખ કરોડની તીવ્ર વૃદ્ધિ નોંધાઈ હતી એમ કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સનો ડેટા સૂચવે છે.
સરકારે 2023-24 માટે કુલ રૂ. 17.87 લાખ કરોડની ખાધનો અંદાજ મૂક્યો હતો. જોકે, પાછળથી તેને સુધારી રૂ. 17.35 લાખ કરોડ કરવામાં આવી હતી. આમ, ફેબ્રુઆરી સુધીમાં સરકારના અંદાજના 86.5 ટકા ખાધ જોવા મળી હતી.
ફેબ્રુઆરીમાં કોર સેક્ટરનો ગ્રોથ 6.7 ટકા પર નોંધાયો
જાન્યુઆરીમાં કોર સેક્ટરે 4.1 ટકા ગ્રોથ દર્શાવ્યો હતો
દેશના ટોચના આઁઠ ઔદ્યોગિક સેક્ટરે ફેબ્રુઆરીમાં 6.7 ટકાનો મજબૂત ગ્રોથ દર્શાવ્યો હોવાનું કેન્દ્રિય વાણિજ્ય અને ઉદ્યોગ વિભાગનો ડેટા સૂચવે છે. ફેબ્રુઆરી-2023માં તે 7.4 ટકા પર જોવા મળ્યો હતો. જ્યારે જાન્યુઆરી માટે કોર સેક્ટર્સનો ગ્રોથ રેટ સુધારી 4.1 ટકા કરવામાં આવ્યો હતો. એપ્રિલ-2023થી જાન્યુઆરી-2024 સુધીમાં કોર સેક્ટરનું આઉટપૂટ ઘટી 7.7 ટકા પર રહ્યું હતું. જે વર્ષ અગાઉ સમાનગાળામાં 8.2 ટકા પર જોવા મળતું હતું. ફર્ટિલાઈઝર સેક્ટરમાં ઉત્પાદન ગ્રોથ નેગેટિવ ઝોનમાં જળવાયો હતો. આંઠ કોર સેક્ટર દેશના ઈન્ડસ્ટ્રીઅલ પ્રોડક્શન ઈન્ડેક્સમાં 40.27 ટકાનું યોગદાન આપે છે. ફેબ્રુઆરીમાં આંઠ સેક્ટરનો વ્યક્તિગત દેખાવ નીચે મુજબ રહ્યો હતો.
• કોલ ઉત્પાદન 11.6 ટકા વધ્યું હતું. જે જાન્યુઆરીમાં 10.2 ટકા પર હતું.
• ક્રૂડ ઉત્પાદન 7.9 ટકા વૃદ્ધિ સૂચવતાં હતું. જે જાન્યુઆરીમાં 0.7 ટકા પર હતું.
• નેચરલ ગેસ ઉત્પાદન 11.3 ટકા વધ્યું હતું. જે જાન્યુઆરીમાં 5.5 ટકા પર હતું.
• રિફાઈનરી પ્રોડક્ટ્સનું ઉત્પાદન 2.6 ટકા વધ્યું હતું. જે જાન્યુઆરીમાં 4.3 ટકા ઘટાડો સૂચવતું હતું.
• ફર્ટિલાઈઝર ઉત્પાદન 9.5 ટકા ઘટ્યું હતું. જાન્યુઆરીમાં તે 0.6 ટકા ઘટ્યું હતું.
• સ્ટીલ ઉત્પાદન 7 ટકા વધ્યું હતું. જાન્યુઆરીમાં તે 7.6 ટકા વધ્યું હતું.
• સિમેન્ટ ઉત્પાદન 10.2 ટકા વધ્યું હતું. જાન્યુઆરીમાં તે 5.7 ટકા પર હતું.
• વીજ ઉત્પાદન 6.3 ટકા વધ્યું હતું. જે જાન્યુઆરીમાં 5.7 ટકા પર હતું.
Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…
Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…
Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…
Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…
Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…
Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…
This website uses cookies.