બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
બુલ્સના સપોર્ટથી શેરબજારમાં ઘટાડો અટક્યો
એશિયન બજારોમાં ચીન પાછળ મજબૂતી
ડોલર, બોન્ડ યિલ્ડ્સમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગના સંકેત
ઈન્ડિયા વિક્સ 2.6 ટકા ઉછળી 12.39ની સપાટીએ
જાહેર સાહસો, ઓટો, રિઅલ્ટી, ફાર્મા મજબૂત
આઈટી, એફએમસીજીમાં નરમાઈ
ઈન્ડિયાબુલ્સ, સોલાર ઈન્ડ., સુઝલોન, ફિનોલેક્સ નવી ટોચે
રાજેશ એક્સપોર્ટ્સ, પોલીપ્લેક્સ કોર્પ નવા તળિયે
તેજીવાળાઓ મક્કમ રહેવાથી શેરબજારમાં ઘટાડો અટક્યો હતો અને નિફ્ટી 19300ની સપાટી પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. વૈશ્વિક બજારોમાં મજબૂતીને કારણે પણ સ્થાનિક બજારને સપોર્ટ સાંપડ્યો હતો. બીએસઈ સેન્સેક્સ 110.09 પોઈન્ટ્સ સુધારે 64,996.60ની સપાટીએ જ્યારે નિફ્ટી 40.25 પોઈન્ટ્સ સુધરી 19,306.05ની સપાટીએ બંધ રહ્યાં હતાં. મીડ અને સ્મોલ-કેપ્સમાં પણ ખરીદી જોવા મળી હતી. જેની પાછળ બ્રેડ્થ પોઝીટીવ જળવાય હતી. બીએસઈ ખાતે કુલ 3907 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2066 પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1676 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. 228 કાઉન્ટર્સ તેમની વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ પર બંધ રહ્યાં હતાં. જ્યારે 37 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. 11 કાઉન્ટર્સ અપર સર્કિટમાં જ્યારે 4 કાઉન્ટર લોઅર સર્કિટમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ 2.6 ટકા ઉછળી 12.39ના સ્તરે બંધ રહ્યો હતો.
સોમવારે બેન્ચમાર્ક નિફ્ટી ગેપ-અપ ઓપનીંગ સાથે ખૂલ્યો હતો. અગાઉના 19266ના બંધ સામે 19238 પર ખૂલી ઉપરમાં 19367 પર ટ્રેડ થયો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 9 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 19314.55ની સપાટીએ બંધ રહ્યો હતો. જે છેલ્લાં સપ્તાહ દરમિયાન જોવા મળતાં ડિસ્કાઉન્ટ સામે પ્રિમીયમ સૂચવે છે. જેનો અર્થ ઘટાડે લોંગ પોઝીશનમાં ઉમેરો થયો છે. જે લોંગ પોઝીશનમાં ઊંચા રોલઓવરની શક્યતાં પણ દર્શાવે છે. ઓગસ્ટ એક્સપાયરીને જોતાં બજારમાં ઊંચી વધ-ઘટ સંભવ છે અને તેથી સ્ટોપલોસ સાથે જ નવી પોઝીશન લેવી જોઈએ. સોમવારે નિફ્ટીને સપોર્ટ આપનારા ઘટકોમાં પાવર ગ્રીડ કોર્પોરેશન, લાર્સન, એમએન્ડએમ, સિપ્લા, બીપીસીએલ, તાતા કન્ઝ્યૂમર્સ, એચડીએફસી બેંક, મારુતિ સુઝુકી, સન ફાર્મા, એપોલો હોસ્પિટલ, કોલ ઈન્ડિયા, એક્સિસ બેંક, તાતા સ્ટીલ, ઈન્ડસઈન્ડ બેંકનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, હિંદાલ્કો, નેસ્લે, એચસીએલ ટેક્નોલોજી, ટાઈટન કંપની, તાતા મોટર્સ, આઈટીસી, વિપ્રો, ટેક મહિન્દ્રામાં નરમાઈ જોવા મળી હતી. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો જાહેર સાહસો, ઓટો, રિઅલ્ટી, ફાર્મા મજબૂત જોવા મળતાં હતાં. જ્યારે આઈટી, એફએમસીજીમાં નરમાઈ જળવાય હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટમાં ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ 11 ટકા સાથે ઉછળવામાં ટોચ પર હતો. આ ઉપરાંત પિરામલ એન્ટરપ્રાઈઝ, ભેલ, ઈન્ડિયા સિમેન્ટ્સ, જીએનએફસી, ગ્લેનમાર્ક, વોડાફોન આઈડિયા, જિંદાલ સ્ટીલ, મણ્ણાપુરમ ફાઈનાન્સ, આઈઆરસીટીસી, પાવર ગ્રીડ કોર્પો., ભારત ફોર્જ, ઈન્ડસ ટાવર્સ, એનએમડીસી, તાતા કેમિકલ્સ, મેક્સ ફાઈનાન્સિયલ્સ, ગોદરેજ પ્રોપર્ટીઝ, ફેડરલ બેંક અને મૂથૂત ફાઈનાન્સમાં નોંધપાત્ર સુધારો સૂચવતાં હતાં. બીજી બાજુ, એમ્ફેસિસ, જીએમઆર એરપોર્ટ્સ, કોલગેટ, પર્સિસ્ટન્ટ, કોફોર્જ, તાતા કોમ, અદાણી એન્ટર., ડેલ્ટા કોર્પ, હિંદાલ્કો, યુનાઈટેડ સ્પિરિટ્સ, ઈન્ફો એજમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતો હતો. કેટલાંક વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં ઈન્ડિયાબુલ્સ, સોલાર ઈન્ડ., સુઝલોન, ફિનોલેક્સ નવી ટોચે જોવા મળતાં હતાં. જ્યારે રાજેશ એક્સપોર્ટ્સ, પોલીપ્લેક્સ કોર્પ નવા તળિયે પહોંચ્યાં હતાં.
રિલાયન્સે 10-વર્ષોમાં દેશમાં 150 અબજ ડોલરનું રોકાણ કર્યુઃ મુકેશ અંબાણી
કંપની જીઓ ટ્રુ5જી પ્રોગ્રામ લોંચ કરશે જે 5જી નેટવર્ક, એજ કમ્પ્યુટીંગ અને વિશાળ એપ્લિકેશન્સ અને સર્વિસિઝને જોડશે
RIL દેશમાં સૌથી મોટી બાયો-એનર્જી ઉત્પાદક બની, કંપનીએ 10-મહિનામાં યૂપીમાં બારાબાંકી ખાતે સીબીજી પ્લાન્ટ કાર્યાન્વિત કર્યો
નવલિસ્ટેડ JFS લાઈફ, જનરલ અને હેલ્થ ઈન્સ્યોરન્સ ઓફર કરશે
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે છેલ્લાં 10 વર્ષોમાં ભારતમાં કુલ મળી 150 અબજ ડોલરનું રોકાણ કર્યું હોવાનું મુકેશ કંપનીના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીએ સોમવારે કંપનીની 46મી વાર્ષિક સાધારણ સભાને સંબોધન કરતાં જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે નવા ઊભરી રહેલા ભારતના વિકાસ માટે રિલાયન્સ જૂથ અગ્રણી બની રહ્યું છે. અમે અશક્ય જણાતાં લક્ષ્યાંકો નિર્ધારિત કર્યાં છે અને તેમને હાંસલ પણ કર્યાં છે એમ અંબાણીએ ઉમેર્યું હતું.
કંપનીના રોકાણકારોમાં મુકેશ અંબાણી તરફથી કંપનીના રિટેલ અને ટેલિકોમ બિઝનેસિસના આઈપીઓને લઈને ઉત્સુક્તા જોવા મળતી હતી. ચાલુ વર્ષે ઓનલાઈન બની રહેલી ઈવેન્ટમાં અંબાણીએ વિડિયો મારફતે તેમનું પ્રવચન આપ્યું હતું. જે રીતે બર્કશાયર હાથવેના શેરધારકોને વર્ષમાં એકવાર ચેરમેન વોરેન બૂફેને સાંભળવા માટે આતુર હોય છે તેવી જ આતુરતા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની એજીએમમાં મુકેશ અંબાણીને સાંભળવા માટે પણ જોવા મળતી હોય છે. જેનું કારણ છેલ્લાં કેટલાંક વર્ષોમાં એજીએમમાં અંબાણી તરફથી કંપનીની ભાવિ યોજનાઓને લઈને કરવામાં આવી રહેલી મહત્વની જાહેરાતો કારણભૂત છે. ચાલુ વર્ષે, કંપનીની ગયા સપ્તાહે લિસ્ટ થયેલી જીઓ ફાઈનાન્સિયલ સર્વિસિઝને લઈને પણ અંબાણી શું બોલે છે તેને લઈને રોકાણકારોમાં ખાસ રોમાંચ જોવા મળતો હતો. તેમજ રિલાયન્સના રિન્યૂએબલ એનર્જી અને 5જી રોલઆઉટને લઈને નવેસરથી રોકાણની જાહેરાતમાં પણ રસ જોવાતો હતો.
અંબાણીએ એજીએમમાં જીઓ ટ્રુ5જી પ્રોગ્રામની જાહેરાત કરી હતી. જે તેના 5જી નેટવર્ક, એજ કમ્પ્યુટીંગ અને વિશાળ એપ્લિકેશન્સ અને સર્વિસિઝને જોડે છે. તેમણે જીઓ ટ્રુ5જી સ્યૂઈટનો ઉપયોગ કરીને ઉદ્યોગ ક્ષેત્રે ટ્રાન્સફોર્મેશન માટે જીઓ ટ્રૂપજી લેબની જાહેરાત પણ કરી હતી. જીઓ 5જી પ્લેટફોર્મ ઓન ડિમાન્ડ નેટવર્સ એક્ટિવેટ કરવા માટે કંપનીઓને કંટ્રોલ અને વિકલ્પો આપશે. સાથે તેઓ જીઓના મલ્ટી એજ-કમ્પ્યુટ લોકેશન્સ પર એપ્લિકેશન્સ મૂકી શકશે. અંબાણીના મતે તેઓ એવું ટ્રાન્સફોર્મેટીવ પ્લેટફોર્મ ઊભું કરી રહ્યાં છે જે ભારતીય એન્ટરપ્રાઈઝિસ અને ટેક્નોલોજી સ્ટાર્ટઅપ્સના ડિજિટલ વર્લ્ડ સાથેના ઈન્ટરેક્શનને બદલી નાખશે.
સૌથી મોટી બાયો-એનર્જી ઉત્પાદક
મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હાલમાં દેશમાં સ્વદેશી ટેક્નોલોજી આધારિત સૌથી મોટી બાયો-એનર્જી ઉત્પાદક છે. કંપનીએ 10 મહિનામાં ઉત્તર પ્રદેશમાં બારાબાંકી ખાતે કમર્સિયલ-સ્કેલ કોમ્પ્રેસ્ડ બાયોગેસ(સીબીજી) પ્લાન્ટ કાર્યાન્વિત કર્યો છે. જામનગર ખાતે સીજીબી માટે બે ડેમો યુનિટ્સની સ્થાપના પછી કંપનીએ બારાબાંકી ખાતે કમર્સિયલ-સ્કેલ સીજીબી પ્લાન્ટ કાર્યાન્વિત કર્યો છે. કંપની ટૂંકમાં જ દેશભરમાં 25 સીજીબી પ્લાન્ટ્સ બનાવશે એમ અંબાણીએ ઉમેર્યું હતું. કંપની આગામી પાંચ વર્ષોમાં 100 સીજીબી પ્લાન્ટ્સ સ્થાપવાનો ટાર્ગેટ ધરાવે છે. જેનાથી લગભગ 20 લાખ ટન કાર્બન એમિશન્સ દૂર કરવામાં સહાયતા મળશે.
JFS ઈન્શ્યોરન્સ સેક્ટરમાં પ્રવેશશે
તાજેતરમાં લિસ્ટ થયેલી જીઓ ફાઈનાન્સિયલ સર્વિસિઝ લાઈફ, જનરલ અને હેલ્થ ઈન્સ્યોરન્સ ઓફર કરશે એમ મુકેશ અંબાણીએ નોંધ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે જેએફએસ પ્રેડિક્ટિવ ડેટા એનાલિટીક્સનો ઉપયોગ કરીને પાર્ટનર્સ સાથે મળી એવી પ્રોડક્ટ્સ બનાવશે, જે ગ્રાહકોની જરૂરિયાત પૂર્ણ કરતી હોવા સાથે અજોડ હશે. સોમવારે જએફએસનો શેર 1.56 ટકા ઘટી રૂ. 211.15ની સપાટીએ બંધ રહ્યો હતો.
રિલાયન્સ AGMની મુખ્ય હાઈલાઈટ્સ
• 2022-23માં રિલાયન્સની નિકાસ 33.4 ટકા ઉછળી રૂ. 3.4 લાખ કરોડ રહી. જે ભારતની કુલ મર્ચેન્ડાઈઝ નિકાસના 8.4 ટકા પરથી વધી 9.3 ટકા જોવા મળી હતી.
• રિલાયન્સે દેશમાં કુલ 150 અબજ ડોલરનું સૌથી ઊંચું રોકાણ કર્યું છે.
• જીઓનો કુલ ગ્રાહક બેઝ 45 કરોડને પાર કરી ગયો. જે વાર્ષિક ધોરણે 20 ટકા વૃદ્ધિ સૂચવે છે. માસિક સરેરાશ વપરાશ 25 જીબી પાર કરી ગયો.
• જીઓની હાજરી દેશના 96 ટકા સેન્સસ ટાઉન્સમાં પહોંચી. ડિસેમ્બર સુધીમાં તે સર્વત્ર પહોંચશે. કંપની ભારતમાંથી ડિજીટલ ટેક પેટન્ટ્સ ફિલર્સમાંની એક બની.
• જીઓ એરફાઈબરને 19 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીથી લોંચ કરવામાં આવશે.
• રિલાયન્સ રિટેલે 2022-23માં કુલ 78 કરોડ ફૂટફોલ્સ નોંધાવ્યા. કંપનીના રજિસ્ટર્ડ કસ્ટમર્સની સંખ્યા 25 કરોડ પાર કરી ગઈ. રેવન્યૂનો 20 ટકા હિસ્સો ડિજીટલ વેચાણમાંથી નોઁધાયો.
• જીઓ ફાઈનાન્સિયલ સર્વિસિસ વૈશ્વિક ભાગીદાર સાથે મળી ઈન્શ્યોરન્સ સેક્ટરમાં પ્રવેશશે.
• કંપનીએ કેજી-ડી6 બ્લોકમાંથી ગેસ ઉત્પાદનને ફરીથી શરૂ કર્યું અને 2022-23માં પ્રતિ દિવસ 2 કરોડ મીટર્સ ગેસ ઉત્પાદન નોંધાવ્યું.
• કંપની ઉત્પાદનને વધારી 3 કરોડ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર્સ પ્રતિ દિવસ કરશે. જે દેશમાં કુલ ગેસ ઉત્પાદનના 30 ટકા જેટલું હશે અને વર્તમાન માગનું 15 ટકા હશે.
• કંપની 2030 સુધીમાં 100 ગીગાવોટ રિન્યૂએબલ એનર્જી જનરેશનની સ્થાપના કરશે.
2030 સુધીમાં 10 ટ્રિલીયન ડોલરનું અર્થતંત્ર વાસ્તવિક ટાર્ગેટઃ હાંસ પોલ
બોસ્ટન કન્સલ્ટીંગ ગ્રૂપના ગ્લોબલના ભૂતપૂર્વ ચેરમેનના જણાવ્યા મુજબ ભારત માટે 7-8 ટકાનો વૃદ્ઘિ દર જાળવવો બિલકુલ શક્ય છે
બિઝનેસ 20 સમીટના ભાગરૂપે ભારતની મુલાકાતે આવેલા બોસ્ટન કન્સલ્ટીંગ ગ્રૂપના ભૂતપૂર્વ ગ્લોબલ ચેરમેન હાંસ પોલ બર્કનરના જણાવ્યા મુજબ ભારત માટે 2030 સુધીમાં 10 ટ્રિલીયન ડોલરનું અર્થતંત્ર બનવાનો ટાર્ગેટ વાસ્તવિક જણાય છે. કેમકે ભારત માત્ર તાજેતરના વર્ષોમાં જ નોંધપાત્ર વૃદ્ધિ દર દર્શાવી રહ્યો છે તેવું નથી પરંતુ તે છેલ્લાં ઘણા વર્ષોથી ઊંચો વૃદ્ધિ દર જાળવી રહ્યો છે. 1990ના દાયકામાં પણ માત્ર કેટલાંક સમયગાળા માટે તેણે ધીમો વૃદ્ધિ દર નોઁધાવ્યો હતો એ સિવાય ભારતનો દેખાવ સારો જળવાયો છે. આમ વ્યવહારુ રીતે ભારત માટે 7-8 ટકા વૃદ્ધિ દર જાળવી રાખવો સંપૂર્ણપણે હાંસલ થઈ શકે તેમ છે એમ હાંસ ઉમેરે છે. તેઓ 2004થી 2012 સુધી વિશ્વમાં ટોચના ત્રણ મેનેજમેન્ટ કન્સલ્ટીંગ જૂથમાં આવતાં બોસ્ટનના ચેરમેન રહી ચૂક્યાં છે.
આર્થિક વૃદ્ધિ દરને ઝડપી બનાવવા માટેના પ્રાથમિક જરૂરિયાતોમાં તેમણે સ્થાનિક તેમજ વિદેશી મૂડીરોકાણ આકર્ષવા માટે વન-સ્ટોપ શોપને મહત્વની ગણાવી હતી. તેમના મતે ઘણા દેશો આ માટે વાત કરી રહ્યાં છે પરંતુ વાસ્તવમાં તે શક્ય બન્યું નથી. આ બાબત માત્ર ભારત પૂરતી સિમીત નથી. તે વૈશ્વિક ચિંતાનો વિષય છે. વિવિધ મંત્રાલયો, એજન્સિઝ અને રેગ્યુલેટર્સ પાસે મંજૂરી માગવા જવામાં મહિનાઓ અથવા વર્ષોનો સમય વિતી જાય છે. જે અનેક સમજૂતી કરારોને બિનઅસરકારક બનાવી દે છે. કંપનીઓ માટે મહત્તમ સબસિડીઝ કે નીચા ટેક્સ રેટ્સ કરતાં પણ સ્થિરતા વધુ મહત્વની હોય છે અને તેથી તેઓ વર્તમાન પરિસ્થિતિ ઓછામાં ઓછી આગામી પાંચથી દસ વર્ષો માટે જળવાય રહેશે તેની ખાતરી ઈચ્છતી હોય છે. જે તેમની રોકાણ યોજનાને સાકાર થવામાં સક્ષમ બનાવે છે. બીજી બાજુ લાંબી પ્રક્રિયાઓ તેમના માટે ચિંતાનો વિષય બની રહે છે.
ચાઈના પ્લસ વન અંગે હાંસે જણાવ્યું હતું કે હું આ શબ્દપ્રયોગ નહિ કરું કેમકે ભારત તેના આગવા સ્થાન સાથે વિકાસ માટેની મજબૂતી ધરાવે છે. વિશ્વભરમાં કંપનીઓ તેમની પ્રોડક્ટ્સ, માર્કેટસ અને ફેક્ટરીઝના સોર્સનું વૈવિધ્યીકરણ કરી રહી છે. માત્ર એક જ સ્રોત પર નિર્ભર રહેવું હવે શક્ય નથી જણાતું. ખાસ કરીને યુએસ-ચીન વચ્ચે વધતાં તણાવ પછી તે જોખમી બન્યું છે. યુએસ, યુરોપ, સાઉથ કોરિયા અને જાપાન સ્થિત બિઝનેસિસ તેમની સપ્લાય ચેઈન્સ પરનું જોખમ ઘટાડવા ઈચ્છે છે. જોકે, સેમીકંડક્ટર્સ, ઈલેક્ટ્રીક વેહીકલ્સ અને એરોસ્પેસ જેવા સેક્ટર્સમાં ડાયવર્સિફિકેશન માટે ઓછામાં ઓછો પાંચથી દસ વર્ષોનો સમય લાગતો હોય છે એમ તેઓ ઉમેરે છે. ભારત આ ટ્રેન્ડનો વાસ્તવમાં લાભ લઈ શકવા સાથે તેના નોંધપાત્ર કન્ઝમ્પ્શન માર્કેટનો લાભ લઈ શકે છે.
ક્લાયમેટ ચેન્જને લઈને ભારતની ભૂમિકા અંગે જણાવ્યું હતું કે ભારતે હજુ ઘણો વિકાસ કરવાનો બાકી છે અને તેથી એમિશનમાં વૃદ્ધિ જોવા મળશે. એમિશનની ચિંતાઓને લઈને વિકાસનો ભોગ ના આપી શકાય. વિકસિત દેશો એમિશન્સ અંગે પ્રયાસો કરવાના રહેશે. 2050થી 2100 દરમિયાન સમાનતા હાંસલ થાય તેવી શક્યતાં છે.
સેબીની તપાસમાં અદાણી કંપનીઓ તરફથી મોટી ક્ષતિઓની ઓછી સંભાવના
રિપોર્ટમાં માત્ર રિલેટેડ-પાર્ટી ટ્રાન્ઝેક્શન્સ સંબંધી નોન-ડિસ્ક્લોઝરનો આક્ષેપ સ્થાપિત થઈ શક્યો
હિંડેનબર્ગ તરફથી કરવામાં આવેલા અન્ય તમામ આક્ષેપો બેબુનિયાદ જણાયા
સુપ્રીમ કોર્ટના આદેશ પાછળ અદાણી જૂથ કંપનીઓ તરફથી સિક્યૂરિટીઝ નિયમોના ભંગ કરવામાં આવ્યાં છે કે નહિ તેની તપાસ કરી રહેલાં માર્કેટ રેગ્યુલેટર સેબીને કોઈ ખાસ ક્ષતિઓ જણાય નથી. પરિણામે, અદાણી જૂથ રેગ્યુલેશન સંબંધી કોઈ ગંભીર પગલાઓનો સામનો કરે તેવી ઓછી સંભાવના છે.
તપાસ રિપોર્ટ સાથે સંકળાયેલા વર્તુળોના જણાવ્યા મુજબ માર્કેટ રેગ્યુલેટર માત્ર એક ચાવીરૂપ આક્ષેપ સ્થાપિત કરી શક્યો છે. જે રિલેટેડ-પાર્ટી ટ્રાન્ઝેક્શન્સ સંબંધી નોન-ડિસ્ક્લોઝર સાથે સંકળાયેલો છે. આ કહેવાતા નિયમ ભંગ બદલ અદાણી ગ્રૂપે રૂ. 1 કરોડનો દંડ માટે જવાબદાર ઠેરવી શકાય છે. સેબી તરફથી તૈયાર કરવામાં આવેલા શરૂઆતી 150 પાનાના તપાસ રિપોર્ટમાં જૂથ પર કરવામાં આવેલા અન્ય ગંભીર આક્ષેપો જેવાકે કંપનીઓના શેર્સમાં ગેરરિતીઓ તેમજ કેટલીક જૂથ કંપનીઓમાં ઈન્સાઈડર-ટ્રેડિંગ નિયમોના સંભવિત ભંગને લઈને કોઈ પ્રતિકૂળ બાબતો જોવા મળી રહી નથી. અદાણી જૂથની સાત કંપનીઓમાં કહેવાની ભાવસંબંધી ગેરરિતીઓના મુદ્દે રેગ્યુલેટરે નોંધ્યું છે કે ભાવમાં વૃદ્ધિનું કારણ અદાણી કાઉન્ટર્સમાં પાંખા સપ્લાયને કારણે હતું. ખાસ કરીને 2020-2022 દરમિયાન કાઉન્ટર્સમાં સપ્લાય ઓછો જોવા મળ્યો હતો.
યુએસ સ્થિત શોર્ટ સેલર હિંડેનબર્ગે અદાણી જૂથ પર કરેલા વિવિધ આક્ષેપોને કારણે સેબીની તપાસ અસ્તિત્વમાં આવી હતી. હિંડેનબર્ગ રિપોર્ટ પાછળ અદાણી જૂથની માર્કેટ વેલ્થમાં 100 અબજ ડોલરથી વધુનું ધોવાણ નોંધાયું હતું. જૂથની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝિસના એફપીઓની પૂર્વસંધ્યાએ જ હિંડેનબર્ગે તેનો રિપોર્ટ જાહેર કર્યો હતો. જોકે, આ રિપોર્ટ વચ્ચે અદાણી એન્ટરપ્રાઈઝિસનો એફપીઓ સંપુર્ણપણે છલકાયો હતો પરંતુ રોકાણકારોના હિતમાં પ્રમોટરે એફપીઓને પરત ખેંચ્યો હતો. સેબી તરફથી 29 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટમાં ફાઈનલ રિપોર્ટ રજૂ કરવામાં આવે તેવી અપેક્ષા છે. રિપોર્ટમાં છ શોર્ટ સેલર્સનો ઉલ્લેખ કરવામાં આવે તેમજ તેમણે અદાણી જૂથ કંપનીઓમાં શોર્ટ સેલીંગ કરીને મેળવેલાં લાભનો ઉલ્લેખ કરાય તેવી શક્યતાં છે. જેમાં હિંડેનબર્ગ રિપોર્ટના પ્રગટ થવાના સમયે અદાણી ફ્લેગશિપમાં પણ 18 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી દરમિયાન શોર્ટ સેલીંગ કરનારાઓના ઉલ્લેખનો સમાવેશ થાય છે. અદાણી જૂથ તરફથી આ મુદ્દે કોઈપણ ટીપ્પણી કરવાનો ઈન્કાર કરવામાં આવ્યો હતો. તેમના કહેવા મુજબ હાલમાં આ બાબત ન્યાયાલયમાં છે. સેબીને મોકલવામાં આવેલા ઈમેલનો પણ કોઈ પ્રતિભાવ સાંપડ્યો નહોતો. સુપ્રીમ કોર્ટે સેબીને તેની તપાસ પૂરી કરવા અને રિપોર્ટ રજૂ કરવા માટે 14 ઓગસ્ટની મુદત આપી હતી. જોકે, માર્કેટ રેગ્યુલેટરે 14 ઓગસ્ટે 15-દિવસના એક્સટેન્શનની માગણી કરી હતી. ગયા શુક્રવારે સેબીએ સ્ટેટર રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં તપાસ દરમિયાન લીધેલાં પગલાઓની વિગતો આપી હતી. સ્ટેટસ રિપોર્ટમાં સેબીએ જણાવ્યું હતું કે તેણે ભિન્ન-ભિન્ન 24માંથી 22 તપાસો પૂરી કરી છે. તેણે લગભગ 35 કરોડ સ્ટોક ટ્રેડ્સનો ડેટા ચકાસ્યો હતો. તેમજ અદાણી જૂથની સાત કંપનીઓમાં ડિલીંગ્સને સંડોવતાં હજારો ડોક્યૂમેન્ટ્સની સ્ક્રૂટિની હાથ ધરી હતી.
સેબીના નવા ડિસ્ક્લોઝર્સ નિયમોની અસર 200થી વધુ FPI પર પડશે
કુલ 11 હજારથી વધુ FPIsમાંથી 2 ટકા એફપીઆઈ પર સેબીના નિયમોની અસર જોવા મળશે
આગામી નવેમ્બર મહિનાની શરૂઆતથી અમલમાં આવનારા સેબીએ નક્કી કરેલા નવા ડિસ્ક્લોઝર્સ નિયમોની અસર 200થી વધુ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ(એફપીઆઈ) પર પડશે. હાલમાં લગભગ 227 એફપીઆઈ એવા છે જેઓ એનએસઈ લિસ્ટેડ કંપનીઝમાં સિંગલ શેર કે સિંગલ ગ્રૂપમાં રોકાણ ધરાવે છે. તેમણએ 140થી વધુ કોર્પોરેટ્સમાં રૂ. 1.98 લાખ કરોડથી વધુનું રોકાણ કર્યું છે. આવા કોર્પોરેટ જૂથોમાં અદાણી, ઓપી જિંદાલ, જીએમઆર અને હિંદુજા જૂથનો સમાવેશ થાય છે. 227 એફપીઆઈમાંથી 122એ તેમનું રોકાણ ચોક્કસ કંપની અથવા ગ્રૂપમાં કર્યું છે એમ પ્રાઈમઈન્ફોબેઝડોટકોમનો ડેટા સૂચવે છે.
હિંડેનબર્ગ-અદાણી કેસ પછી તૈયાર કરવામાં આવેલા સેબીના નવા નિયમો મુજબ માત્ર એક જ ભારતીય કોર્પોરેટ જૂથમાં 50 ટકાથી વધુ રોકાણ ધરાવતી કંપનીએ 10 ટ્રેડિંગ સત્રોમાં તેમના હોલ્ડિંગ્સને ઘટાડવાનું રહેશે. ભારતીય ઈક્વિટીઝમાં રૂ. 25000 કરોડથી વધુનું એસેટ અન્ડર મેનેજમેન્ટ ધરાવનારને તેમ કરવા માટે 90 દિવસોનો સમય આપવામાં આવ છે. આમ કર્યાં પછી રોકાણકારોએ કોઈપણ પ્રકારની ઓવનરશીપ, આર્થિક હિત અથવા નિયંત્રણને લઈને વધારાનું ડિસ્ક્લોઝર્સ કરવાનું પણ રહે છે. જે એફપીઆઈ નિયમોનું પાલન નથી કરતાં તેઓ સમય જતાં તેમની માન્યતા ગુમાવે છે. હાલમાં દેશમાં કુલ 11 હજારથી વધુ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સમાંથી 2 ટકા એફપીઆઈ પર સેબીના નિયમોની અસર જોવા મળશે. એફપીઆઈ સાથે કામ કરતાં એક વ્યક્તિ જણાવે છે કે એક કોર્પોરેટ જૂથ અથવા કંપનીમાં કોન્સ્ન્ટ્રેટેડ પોર્ટફોલિયો એક અસાધારણ ઘટના જણાય છે. રેગ્યુલેટર્સ માર્કેટ સેફ્ટીને ધ્યાનમાં રાખી આવા પોર્ટફોલિયો પર નજર રાખી શકે છે. આમાં મહત્વની બાબત આવી એફપીઆઈ એફએટીએફ-કોમ્પ્લાયન્ટ દેશોમાં સ્થપાઈ છે કે કેમ જોવું મહત્વનું બની રહે છે એમ તેઓ જણાવે છે.
કેટલાંક ટોચના રોકાણકારોએ રિલાયન્સ રિટેલમાં રસ દર્શાવ્યો છેઃ અંબાણી
વર્તમાન વેલ્યૂએશને રિલાયન્સ રિટેલ દેશની ટોચની ચાર કંપનીઓમાં સમાવેશ પામે છે જ્યારે વૈશ્વિક સ્તરે ટોચની 10 રિટેલ કંપનીઓમાં હાજરી ધરાવે છે
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીએ કંપનીની 46મી વાર્ષિક સાધારણ સભામાં બોલતાં જણાવ્યું હતું કે રિલાયન્સ રિટેલમાં સ્ટ્રેટેજિક ઈન્વેસ્ટર્સ તરફથી ભારે રસ જોવા મળ્યો છે. અંબાણીએ જણાવ્યું હતું કે કેટલાંક ટોચના વૈશ્વિક સ્ટ્રેટેજીક અને ફાઈનાન્સિયલ ઈન્વેસ્ટર્સે રિલાયન્સ રિટેલમાં મજબૂત રસ દર્શાવ્યો છે. જેને વિશે ભવિષ્યમાં હું તમને અપડેટ કરતો રહીશ એમ તેમણે નોંધ્યું હતું.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં રિલાયન્સ રિટેલે મોટા અને પ્રતિષ્ઠિત વૈશ્વિક રોકાણકારો અને સોવરિન વેલ્થ ફંડ્સ તરફથી રોકાણ આકર્ષ્યું છે. જેમાં કતાર ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી એક તાજો રોકાણકાર છે. જેણે ગયા સપ્તાહે એક અબજ ડોલરમાં કંપનીમાં એક ટકા ઈક્વિટી ખરીદી છે. આ ઈન્વેસ્ટમેન્ટે રિલાયન્સ રિટેલને રૂ. 8.28 લાખ કરોડનું વેલ્યૂએશન આપ્યું છે. સપ્ટેમ્બર 2022માં ફંડ ઊભું કરતી વખતે રિલાયન્સ રિટેલનું વેલ્યૂએશન રૂ. 4.28 લાખ કરોડ હતું. છેલ્લાં ત્રણ વર્ષોમાં આ વેલ્યૂએશન બમણું બન્યું છે. જો આ વેલ્યૂએશન પર રિલાયન્સ રિટેલનું લિસ્ટીંગ થાય તો તે દેશની ટોચની ચાર કંપનીઓમાં સમાવેશ પામે જ્યારે વૈશ્વિક સ્તરે ટોચના 10 રિટેલ કંપનીઓમાં પ્રવેશે એમ અંબાણીએ જણાવ્યું હતું. રિલાયન્સ રિટેલે 2020માં વૈશ્વિક રોકાણકારો પાસેથી કુલ રૂ. 47,625 કરોડનું ફંડ મેળવ્યું હતું. જેમાં સાઉદી અરેબિયા, સિંગાપુર અને યુનાઈટેડ આરબ એમિરાટ્સના સોવરિન વેલ્થ ફંડ્સનો સમાવેશ થતો હતો. તેમજ જનરલ એટલાન્ટિક, કેકેઆર અને સિલ્વર લેક પાર્ટનર્સનો પણ તેમાં સમાવેશ થતો હતો.
રિલાયન્સ રિટેલમાં બે વર્ષમાં 10 અબજ ડોલર રોક્યાં
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની પેટાકંપની રિલાયન્સ રિટેલે બે વર્ષોમાં 10 અબજ ડોલર એટલેકે લગભગ રૂ. 82 હજાર કરોડનું રોકાણ કર્યું હતું એમ ઈશા અંબાણીએ રિલાયન્સની એજીએમમાં જણાવ્યું હતું. કંપનીના ડિજીટલ અને ન્યૂ કોમર્સ બિઝનેસિસે રુલ રેવન્યૂમાં રૂ. 50 હજાર કરોડનું યોગદાન આપ્યું હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. જે કુલ રેવન્યૂના લગભગ 20 ટકા જેટલી થવા જાય છે. 2022-23માં કંપનીએ વાર્ષિક ધોરણે 100 કરોડ ટ્રાન્ઝેક્શન્સનું સીમાચિહ્ન હાંસલ કર્યું હતું. કંપનીનો રજિસ્ટર્ડ કસ્ટમર બેઝ 24.9 કરોડ પર પહોંચ્યો હતો. જ્યારે તેણે 3300 નવા સ્ટોર્સ ઉમેર્યા હતાં. જે સાથે કુલ સ્ટોર્સની સંખ્યા વધી 18,040 પર પહોંચી હતી. જેનો કુલ એરિયા 6.56 કરોડ ચોરસ ફીટ જેટલો હોવાનું રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું.
ઈશા અંબાણીએ જણાવ્યું હતું કે તેમણે ભારતના 30 ટકા જેટલા લોકોને વેલ્યૂ ડિલિવર કરી હતી. જે સાથે કંપની વિશ્વમાં ટોચના 10 રિટેલર્સમાં સ્થાન ધરાવતી બની હતી. તેણીના જણાવ્યા મુજબ કંપની 4C પર આધારિત છે. જેમાં કોલોબોરેશન, કન્ઝ્યૂમર એન્ગેજમેન્ટ, ક્રિએટીવિટી અને કેરનો સમાવેશ થાય છે.
ગોલ્ડમાં અન્ડરટોન મજબૂત
વૈશ્વિક બજારમાં સપ્તાહની શરૂઆતમાં ગોલ્ડમાં મજબૂતી જોવા મળી હતી. ડોલર ઈન્ડેક્સમાં સ્થિરતા પાછળ યુએસ 30-વર્ષ માટેના બોન્ડ યિલ્ડ્સ નરમ જોવા મળતાં હતાં. જેની પાછળ ગોલ્ડ સાધારણ સુધાર દર્શાવતું હતું. જોકે ચાંદીમાં નરમાઈ જોવા મળતી હતી. કોમેક્સ ગોલ્ડ વાયદો 1943 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો હતો. સ્થાનિક બજારમાં સોનું રૂ. 100ની મજબૂતી સાથે રૂ. 58740ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યું હતું. જ્યારે ચાંદી વાયદો રૂ. 150ના ઘટાડે રૂ. 73,400 પર ટ્રેડ થતો જોવા મળતો હતો. ક્રૂડ સપ્ટેમ્બર વાયદો 1.8 ટકા મજબૂતી દર્શાવતો હતો. જ્યારે કોપર, ઝીંક અને લેડમાં પણ સુધારો જોવા મળતો હતો.
બેંક્સ અટકેલા રિઅલ્ટી પ્રોજેક્ટ્સને ફાઈનાન્સ કરી શકશે
RBIની મંજૂરી પછી બેંક્સ અટકી પડેલાં રિઅલ એસ્ટેટ પ્રોજેક્ટ્સને ફાઈનાન્સ કરી શકશે એમ કેન્દ્રિય નાણા વિભાગના સિનિયર અધિકારીએ જણાવ્યું હતું. તેમણે માહિતી આપતાં જણાવ્યું હતું કે SWAMIH(સ્પેશ્યલ વિન્ડો ફોર અફોર્ડેબલ એન્ડ મીડ-ઈન-કમ હાઉસિંગ) માટેનું ભંડોળ પણ હજુ પુરું વપરાવાનું બાકી છે. ઈન્ડિયન બેંક્સ એસોસિએશને વિવિધ અટકી પડેલા રિઅલ્ટી પ્રોજેક્ટ્સમાં રૂ. 4.08 લાખ કરોડના સ્ટ્રેસ્ડ મકાનોનો અંદાજ મૂક્યો છે. જેની સંખ્યા 4.12 લાખ જેટલી થવા જાય છે. આમાંથી 2.40 યુનિટ્સનો એનસીઆર પ્રદેશમાં જ આવેલાં છે. જો આમાંથી 75 ટકા યુનિટ્સનું સમાધાન મળી જાય તો હાઉસિંગ સેક્ટરમાં નવા ત્રણ લાખ યુનિટ્સનો ઉમેરો થઈ શકે તેમ છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
BPCL: જાહેર ક્ષેત્રની ઓઈલ માર્કેટિંગ કંપની આગામી પાંચ વર્ષોમાં રૂ. 1.5 લાખ કરોડનું રોકાણ કરશે એમ કંપનીના ચેરમેને જણાવ્યું છે. કંપની તેના ઓઈલ બિઝનેસ ઉપરાંત રિન્યૂએબલ એનર્જી પોર્ટફોલિયો વિસ્તરણ હાથ ધરશે. તે 2040 સુધીમાં નેટ-ઝીરોનો ધ્યેય ધરાવે છે એમ કંપનીની 70મી વાર્ષિક સાધારણ સભામાં તેણે જણાવ્યું હતું. બીપીસીએલ દેશમાં બીજા ક્રમની ઓઈલ માર્કેટિંગ કંપની છે. જે ઓઈલ ઉત્પાદન પણ કરે છે.
ગ્લેનમાર્કઃ ફાર્મા કંપનીએ યુએસ બજારમાં જેનેરિક હાયપરટેન્શન ડ્રગની 1200 બોટલ્સને પરત ખેંચી છે. ઊંચા બ્લડ પ્રેશરની સારવારમાં વપરાતી આ દવાને મેન્યૂફેક્ચરિંગ ઈસ્યુને કારણે પરત ખેંચવામાં આવી હોવાનું કંપની જણાવે છે. ન્યૂ જર્સી સ્થિત કંપનીની પાંકે ટ્રાન્ડોલ્પ્રિલ અને વેરાપમિલ હાઈડ્રોક્લોરાઈડની 1200 બોટલ્સ પરત ખેંચી હોવાનું યુએસ હેલ્થ રેગ્યુલેટરે જણાવ્યું હતું.
જેટ એરવેઝઃ નેશનલ કંપની લો એપલેટ ટ્રિબ્યુનલે જાલન-કાલરોક કોન્સોર્ટિયમને નાદાર જેટ એરવેઝના લેન્ડર્સને રૂ. 350 કરોડ ચૂકવવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. એનસીએલએટીની બેંચે કોન્સોર્ટિયમની અરજીને માન્ય રાખતાં સમયમર્યાદાને લંબાવી હતી. તેમણે 31 ઓગસ્ટ સુધીમાં રૂ. 100 કરોડ અને 30 સપ્ટેમ્બર સુધીમાં અન્ય રૂ. 100 કરોડ આપવાના થતાં હતાં.
જેકે લક્ષ્મી સિમેન્ટઃ કંપનીના શેરધારકોએ ઈન્ટર કોર્પોરેટ ટ્રાન્ઝેક્શન લિમીટને વધારી રૂ. 10000 કરોડ કરવાના પ્રસ્તાવને ફગાવી દીધો હતો. કંપનીની એજીએમમાં સ્પેશ્યલ રેઝોલ્યુશન મારફતે બોર્ડ તરફથી કંપનીઝ એક્ટ 2013ની 186મી સેક્શન હેઠળ આ મંજૂરી માગવામાં આવી હતી. જોકે, પ્રસ્તાવની તરફેણમાં માત્ર 71.10 ટકા વોટ્સ જ પડ્યાં હતાં.
તાતા સ્ટીલઃ પ્રાઈવેટ સેક્ટરની ટોચની સ્ટીલ ઉત્પાદક હાઈડ્રોજનના ઉપયોગને વધારવાનું વિચારી રહી છે. કંપનીએ જમશેદપુર પ્લાન્ટમાં પાયલોટ પ્રોજેક્ટને સફળ રીતે પૂર્ણ કર્યાં પછી આ નિર્ણય લીધો હોવાનું કંપનીના સીઈઓ અને એમડીએ જણાવ્યં હતું. કંપનીએ ઈ-બ્લાસ્ટ ફર્નેસમાં 40 ટકા ઈન્જેક્શન સિસ્ટમ્સનો ઉપયોગ કરી હાઈડ્રોજન ગેસ વાપરવાનું શરૂ કર્યું છે.
સેઈન્ટ ગોબેઈનઃ અગ્રણી ગ્લાસ ઉત્પાદક અને હાઉસિંગ સોલ્યુશન્સ બિઝનેસ પ્લેયરે ભારતીય બિઝનેસમાં આગામી 4-5 વર્ષોમાં રૂ. 8000 કરોડના રોકાણનો નિર્ણય લીધો છે. કંપની નવી ક્ષમતા વિસ્તરણ સાથે એક્વિઝિશન્સમાં આ નાણાનું રોકાણ કરશે. કંપનીએ તાજેતરમાં સ્ટોન વુલ ઉત્પાદક રોકવુલ ઈન્ડિયા અને ગ્લોસ વુલ મેકર ટ્વિગાની ખરીદી કરી હતી. તે હજુ વધુ એક્વિઝિશન્સ માટે વિચારી રહી છે.
બીઈએલઃ પીએસયૂ કંપનીએ જુલાઈ અને ઓગસ્ટ 2023માં કુલ રૂ. 3289 કરોડના ઓર્ડર્સ મેળવ્યાં છે. જેમાંથી કેટલાંક ઓર્ડર્સ ડિફેન્સ સેક્ટર્સ સાથે જોડાયેલાં છે. જ્યારે અન્ય ઓર્ડર્સ નોન-ડિફેન્સ પ્રકારના છે.
ઈન્ડિયન બેંકઃ પીએસયૂ બેંકના મેનેજમેન્ટે રૂ. 4000 કરોડ સુધીની રકમ એકત્ર કરવા માટે બેઠક બોલાવી છે. જે ઈક્વિટી કેપિટલમાં વૃદ્ધિ કરીને મેળવવામાં આવે તેવી શક્યતાં છે.