Categories: Market Tips

Market Summary 28/12/2023

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

માર્કેટમાં પાંચમા સત્રમાં તેજી સાથે બેન્ચમાર્ક્સ નવી ટોચે
સેન્સેક્સમાં 372 પોઈન્ટ્સ, નિફ્ટીમાં 124 પોઈન્ટ્સની વૃદ્ધિ
વોલેટિલિટી ઈન્ડેક્સ 3 ટકા ઘટી 15.14ના સ્તરે બંધ
પીએસઈ, ઓટો, એફએમસીજી, મેટલ, રિઅલ્ટીમાં મજબૂતી
બ્રોડ માર્કેટમાં ઊંચા મથાળે જોવા મળેલું દબાણ
હિંદ કોપર, હૂડકો, એચપીસીએલ, નાલ્કો નવી ટોચે

ભારતીય શેરબજારમાં સતત પાંચમા સત્રમાં તેજી જોવા મળી હતી. જે સાથે બેન્ચમાર્ક્સે વધુ એક ટોચ દર્શાવી હતી. બીએસઈ સેન્સેક્સ 372 પોઈન્ટ્સ મજબૂતી સાથે 72410ની સપાટીએ જ્યારે નિફ્ટી 124 પોઈન્ટ્સ સુધરી 21779ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં જોકે ઊંચા મથાળે દબાણના સંકેતો સાંપડ્યા હતા અને માર્કેટ બ્રેડ્થ સાધારણ નેગેટિવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3920 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1973 કાઉન્ટર્સ રેડ ઝોનમાં બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1815 કાઉન્ટર્સ ગ્રીન ઝોનમાં બંધ રહ્યાં હતાં. 357 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 21 કાઉન્ટર્સે તેમનું 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2.7 ટકા ગગડી 15.14ના સ્તરે બંધ રહ્યો હતો.
ગુરુવારે વૈશ્વિક બજારોમાં મજબૂતી પાછળ ભારતીય બજારે કામગારીની શરૂઆત પોઝીટીવ દર્શાવી હતી. એશિયન બજારોમાં હોંગ કોંગ માર્કેટ 2.5 ટકા ઉછળ્યું હતું. જ્યારે ચીન બજાર પણ એક ટકાથી વધુ મજબૂતી દર્શાવતું હતું. ઉપરાંત, કોરિયા, તાઈવાન, સિંગાપુરમાં પણ પોઝીટીવ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. જેની પાછળ બેન્ચમાર્ક નિફ્ટી ગેપ-અપ ઓપનીંગ પછી વધુ સુધારો સૂચવતો હતો. ઈન્ટ્રા-ડે ધોરણે તેણે 21801ની ટોચ નોંધાવી હતી અને તેની નજીક જ બંધ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે એક્સપાયર થયેલો ડિસેમ્બર ફ્યુચર 2 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 21781 પર બંધ રહ્યો હતો. જ્યારે જાન્યુઆરી ફ્યુચર 151 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 21930ની સપાટીએ બંધ જોવા મળતો હતો. અગાઉના સત્ર કરતાં પ્રિમીયમમાં ઘટાડો સૂચવે છે કે ઘણા શોર્ટ સેલર્સે તેમની પોઝીશન રોલઓવર કરવાનું માંડવાળ કર્યું હોય શકે છે. ટૂંકાગાળા માટે માર્કેટ ઓવરબોટ ઝોનમાં છે અને તેથી 2-3 ટકાના કરેક્શનની શક્યતાં નકારી શકાય નહિ. જે આગામી સપ્તાહે જોવા મળી શકે છે. વોલેટિલિટી ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, તે નવ મહિનાની ટોચ પર છે અને તેથી બજારમાં નવી પોઝીશનમાં સાવચેતી દાખવવી જરૂરી છે. ટેકનિકલી 21100નો મહત્વનો સપોર્ટ છે. જેના સ્ટોપલોસે લોંગ પોઝીશન જાળવી શકાય.
ગુરુવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા ઘટકોમાં કોલ ઈન્ડિયા મુખ્ય હતો. આ ઉપરાંત, એમએન્ડએમ, હીરો મોટોકોર્પ, એનટીપીસી, ડો.રેડ્ડીઝ લેબ્સ, બીપીસીએલ, પાવર ગ્રીડ કોર્પોરેશન, નેસ્લે, તાતા મોટર્સ, સિપ્લા, આઈટીસ, ભારતી એરટેલ, હિંદાલ્કો, ડિવિઝ લેબ્સ, તાતા કન્ઝ્યૂમર્સ, ઓએનજીસી, એપોલો હોસ્પિટલ, બ્રિટાનિયા, યૂપીએલમાં મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, અદાણી એન્ટરપ્રાઈઝ, લાર્સન, અદાણી પોર્ટ્સ, આઈશર મોટર્સ, એલટીઆઈમાઈન્ડટ્રી, વિપ્રો, ટીસીએસ, ઈન્ફોસિસમાં નરમાઈ જોવા મળી હતી. સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો પીએસઈ, ઓટો, એફએમસીજી, મેટલ, રિઅલ્ટી, પીએસયૂ બેંક્સમાં મજબૂતી જળવાય હતી. નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ 2.4 ટકા ઉછળી સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં એચપીસીએલ, નાલ્કો, સેઈલ, ભેલ, આઈઓસી, કોલ ઈન્ડિયા, ગેઈલ, એનએમડીસી, એનટીપીસી, બીપીસીએલ, કોન્કોર, પાવર ગ્રીડ કોર્પોરેશન, ઓએનજીસી, એનએચપીસી, ઓઈલ ઈન્ડિયામાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ એક ટકા ઉછળી નવી ટોચે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં નાલ્કો, સેઈલ, કોલ ઈન્ડિયા, એનએમડીસી, વેદાંતા, હિંદાલ્કો, મોઈલ, તાતા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, જિંદાલ સ્ટીલ, હિંદુસ્તાન ઝીંકમાં નોંધપાત્ર મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ 1.4 ટકા ઉછળી નવી ટોચે બંધ દર્શાવતો હતો. જેના ઘટકોમાં ઈમામી, કોલગેટ, યુનાઈટેડ બ્રૂઅરિઝ, મેરિકો, નેસ્લે, ડાબર, આઈટીસી, બ્રિટાનિયા, એચયૂએલમાં ભારે ખરીદી જોવા મળી હતી. નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ પણ 1.5 ટકા ઉછળ્યો હતો. જેની પાછળ ઓઈલ માર્કેટિંગ કંપનીઓમાં તેજી મુખ્ય કારણ હતી. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ એક ટકા સુધરી સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. જેના ઘટકોમાં ઓબેરોય રિઅલ્ટી, બ્રિગેડ એન્ટરપ્રાઈઝ, સનટેક રિઅલ્ટી, ડિએલએફમાં મજબૂત સુધારો નોંધાયો હતો. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સે પણ 1.2 ટકા મજબૂતી સાથે નવી ટોચ દર્શાવી હતી. જેના ઘટકોમાં લ્યુપિન, ડો. રેડ્ડીઝ લેબ્સ, ઓરોબિંદો ફાર્મા, સિપ્લા, ડિવિઝ લેબ્સ, આલ્કેમ લેબ અને સન ફાર્મમાં સુધારો જોવા મળતો હતો. નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ વધુ એક ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં પીએનબી, બેંક ઓફ ઈન્ડિયા, સેન્ટ્રલ બેંક, કેનેરા બેંક, ઈન્ડિયન બેંક, જેકે બેંક, એસબીઆઈ, બેંક ઓફ બરોડામાં મજબૂતી જોવા મળી હતી. એકમાત્ર નિફ્ટી આઈટીમાં નરમાઈ જોવા મળી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો હિંદુસ્તાન કોપર 15 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત, એચપીસીએલ, નાલ્કો, સેઈલ, ભેલ, આઈઓસી, આઈઈએક્સ, તાતા કોમ્યુનિકેશન, કોલ ઈન્ડિયા, ચંબલ ફર્ટિલાઈઝર્સ, જીએમઆર એરપોર્ટ્સ, લ્યુપિન, પીએનબી, એમઆરએફ, એલએન્ડટી ફાઈનાન્સ, કોલગેટ, એનએમડીસીમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ, ડેલ્ટા કોર્પ, કમિન્સ ઈન્ડિયા, બાયોકોન, એબીબી ઈન્ડિયા, બિરલાસોફ્ટ, વોડાફોન, ચોલા ઈન્વે., વોલ્ટાસ, દિપક નાઈટ્રેટ, દાલમિયા ભારત, લૌરસ લેબ્સ, એમએન્ડએમ ફાઈનાન્સિયલ, પીવીઆર આઈનોક્સ, અદાણી એન્ટરમાં નરમાઈ જોવા મળી હતી. કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં હિંદ કોપર, હૂડકો, એચપીસીએલ, નાલ્કો, સેઈલ, એન્જીનીયર્સ ઈન્ડિયા, જીએસએફસી, ભેલ, આઈઓસી, કેઈઆઈ ઈન્ડસ્ટ્રીઝ, જીએસપીસી, કોલ ઈન્ડિયા, ચંબલ ફર્ટિલાઈઝર્સ, લ્યુપિન, પીએનબી, એમઆરએફનો સમાવેશ થતો હતો.

વૈશ્વિક સ્તરે તંગ પુરવઠાથી ચોખામાં મહિને 7 ટકા વૃદ્ધિ
ભારતમાં પુરવઠાની સ્થિતિ સારી હોવા છતાં ભાવમાં મજબૂતી

વૈશ્વિક બજારમાં ચોખાના ભાવમાં મજબૂતીનો ક્રમ જળવાયો છે. પુરવઠાની સ્થિતિ તંગ બનતાં છેલ્લાં એક મહિનામાં ચોખાના ભાવ 7-8 ટકા વૃદ્ધિ સાથે 15-વર્ષોની ટોચ પર પહોંચ્યાં છે. ઊંચી માગ વચ્ચે માર્કેટિંગ સિઝન પૂરી થવા સાથે આવકો ઘટતાં ભાવ મજબૂત બન્યાં હોવાનું ટ્રેડર્સ અને એક્સપોર્ટર્સનું કહેવું છે.
નવી દિલ્હી સ્થિત નિકાસકારના જણાવ્યા મુજબ ચોખાના ભાવમાં વૃદ્ધિનું એક કારણ સિઝનની સમાપ્તિ છે. ભારતમાં જોકે પુરવઠાની સ્થિતિ સારી છે તેમ છતાં ભાવ મજબૂતી દર્શાવી રહ્યાં છે. વૈશ્વિક બજારમાં ચોખાનો ફિઝિકલ સપ્લાય નીચો છે. જ્યારે માગ ઊંચી છે. ભારત તરફથી સફેદ અને ટુકડા ચોખાની નિકાસ પર પ્રતિબંધને કારણે વૈશ્વિક બજારમાં ઓછામાં ઓછો 1.6 કરોડ ટન નીચો સપ્લાય જોવા મળી રહ્યો છે. જે વાર્ષિક વેપારનો લગભગ 33 ટકા જેટલો હિસ્સો છે એમ ટ્રેડ એનાલિસ્ટ એસ ચંદ્રશેખરન જણાવે છે. ઈન્ટરનેશનલ ગ્રેઈન્સ કાઉન્સિલના જણાવ્યા મુજબ કેલેન્ડર 2023માં થાઈલેન્ડ ખાતે ચોખાના ભાવમાં 39 ટકા અને વિયેટનામ ખાતે 44 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. સમાનગાળામાં ભારતમાં પારબોઈલ્સ ચોખાના ભાવમાં 40 ટકા વૃદ્ધિ જોવા મળી છે. દેશમાંથી નોન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં ભાવમાં વધારો નોંધાયો છે.
વૈશ્વિક બજારમાં ભારતીય તરફથી પારબોઈલ્ડ ચોખા માટે 525 ડોલર પ્રતિ ટન ફ્રી-ઓન-બોર્ડનો ભાવ બોલાતો હતો. જેના પર 20 ટકાની એક્સપોર્ટ ડ્યુટી લાગુ પડે છે. ભારતમાં નિકાસકારો રૂ. 25 ટકા તૂટેલાં પારબોઈલ્ડ ચોખા રૂ. 29000 પ્રતિ ટનના ભાવે મેળવે છે. જ્યારે 5 ટકા ટૂકડાની ખરીદી રૂ. 31000 પ્રતિ ટન પર કરે છે. થાઈ રાઈસ એક્સપોર્ટર્સ એસોસિએશનના મતે થાઈ પારબોઈલ્ડ 100 ટકા સોર્ટેક્સ્ડ ચોખા 650 ડોલર પ્રતિ ટન પર બોલાય છે. જ્યારે વિયેટનામ 663-667 ડોલર પ્રતિ ટન પર ચોખા ઓફર કરી રહ્યું છે. જ્યારે પારિસ્તાન 593-597 ડોલર પ્રતિ ટન સાથે સૌથી સ્પર્ધાત્મક જોવા મળે છે.

સરકારની ભાવને કાબૂમાં રાખવા નિયંત્રણોની વિચારણા

સરકાર તરફથી ચોખાના ભાવને અંકુશમાં રાખવા માટે મુક્ત બજાર ઓપરેશન્સમાં ચોખાના વેચાણ છતાં ભાવમાં મજબૂતી જળવાય રહેવાથી હવે તે સ્ટોક લિમિટ સહિતના પગલાઓ માટે વિચારી રહી હોવાનું વર્તુળો જણાવે છે. એફસીઆઈએ જૂન મહિનાથી સાપ્તાહિક ધોરણે ઓપન માર્કેટ ઓપરેશન્સ મારફતે ચાર લાખ ટનની ઓફરમાંથી 3.53 લાખ ટન ઘઉંનું વેચાણ કર્યું છે. જોકે, ચોખાનો ઉપાડ જોઈએ તેવો નથી રહ્યો. સરકાર તરફથી 1.93 લાખ ટનની ઓફર સામે માત્ર 10 હજાર ટન ચોખાની ઉપાડ જોવા મળ્યો છે. જ્યારે બીજી બાજુ ચોખાના ભાવ વધવાતરફી જળવાયાં છે. જે સરકારને સ્ટોક લિમિટ તથા ડિસ્કાઉન્ટેડ ભાવમાં રિટેલ વેચાણ જેવા અંકુશો માટે પ્રેરી રહ્યાં હોવાનું સરકારી વર્તુળોનું કહેવું છે. તેમના મતે સરકાર ક્યારેય આ પ્રકારના પગલાઓ હાથ ધરવા ઈચ્છતી નહોતી પરંતુ નાછૂટકે તેણે આમ કરવું પડશે.

RBIએ સરકારી જામીનગીરીઓના લેન્ડિંગ-બોરોઈંગની છૂટ આપી
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સરકારી જામીનગીરી(જી-સેક્સ) માર્કેટમાં ઊંડાણ અને લિક્વિડીટી વધારે તેવા પગલામાં જી-સેક્સના લેન્ડિંગ અને બોરોઈંગની છૂટ આપી છે. ભારત સરકારના બોન્ડ આગામી વર્ષે જૂન આખરમાં જેપી મોર્ગનના સરકારી બોન્ડ ઈન્ડેક્સમાં પ્રવેશવાના છે ત્યારે આ સેન્ટ્રલ બેંક તરફથી આ પગલું ભરવામાં આવ્યું છે. આરબીઆઈએ જણાવ્યા મુજબ ટ્રેઝરી બિલ્સ સિવાય સરકાર તરફથી ઈસ્યુ કરવામાં આવેલી સરકારી જામીનગીરીઓ ગવર્મેન્ટ સિક્યૂરિટી લેન્ડિંગ(જીએસએલ) ટ્રાન્ઝેક્શન હેઠળ લેન્ડિંગ અને બોરોઈંગ માટે યોગ્ય ગણાશે. રેપો ટ્રાન્ઝેક્શન હેઠળ મેળવવામાં આવેલી સિક્યૂરિટીઝ પણ જીએસએલ ટ્રાન્ઝેક્શન માટે યોગ્ય ગણાશે. ઉપરાંત, કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારો તરફથી જાહેર કરવામાં આવેલી સરકારી જામીનગીરીઓ જીએલએસ ટ્રાન્ઝેક્શન હેઠળ કોલેટરલ માટે પણ મૂકી શકાશે.

ચીન ખાતે આયર્ન ઓરની નિકાસમાં 400 ટકા ઉછાળો
એપ્રિલથી નવેમ્બર સુધીના આઁઠ મહિનામાં ચીન ખાતે 2.475 કરોડ ટન કાચી ધાતુની નિકાસ

ભારતીય આયર્ન ઓર માટે ચીન સૌથી મોટા ખરીદાર તરીકે ઊભર્યું છે. નાણા વર્ષ 2023-24ના શરૂઆતી આંઠ મહિનામાં ચીન ખાતે આયર્ન ઓરની નિકાસમાં 400 ટકાની તીવ્ર વૃદ્ધિ જોવા મળી છે. એપ્રિલથી નવેમ્બર સુધીમાં આયર્ન ઓરની નિકાસ 2.475 કરોડ ટન પર રહી હતી એમ સરકારી વર્તુળોનું કહેવું છે. જે છેલ્લાં ત્રણ વર્ષોમાં ચીન ખાતે સૌથી ઊંચી નિકાસ છે તેમજ 2019-20 પછીની બીજા ક્રમની નિકાસ છે.
આયર્ન ઓર એ સ્ટીલ ઉત્પાદન માટે મહત્વનું રો-મટિરિયલ્સ છે. જેની ચીન વર્ષોથી આયાત કરે છે. સંયોગ એ છે કે ભારત વૈશ્વિક બજારમાં હોટ રોલ્ડ કોઈલ્સ જેવી ફિનિશ્ડ સ્ટીલ ઓફરિંગ્સ માટે ચીન સાથે સ્પર્ધા કરી રહ્યું છે. ચાલુ નાણાકિય વર્ષ દરમિયાન ભારતની 95 ટકા આયર્ન ઓર નિકાસ ચીન ખાતે રવાના થઈ છે. જ્યારે નાના જથ્થામાં તે ઈન્ડોનેશિયા, મલેશિયા અને સાઉથ કોરિયા પણ ગઈ છે. દેશના સ્ટીલ ઉત્પાદકોએ દેશમાં વધી રહેલી સ્ટીલની આયાતને લઈ ચિંતા વ્યક્ત કરી છે. જે સ્થાનિક બજારના પરિમાણો પર પ્રતિકૂળ અસર કરી રહ્યાં છે. ભારત ત્રણ વર્ષના વલણને બદલી હવે સ્ટીલનો ચોખ્ખો આયાતકાર બન્યો છે. છેલ્લાં પાંચ વર્ષોમાં ચીન ખાતે નિકાસમાં તીવ્ર વૃદ્ધિ જોવા મળી છે. 2019-20ના આંઠ મહિનાઓમાં 1.815 કરોડ ટન અથવા કુલ શીપમેન્ટ્સના 76 ટકા પરથી 2020-21માં નિકાસ 3.519 કરોડ ટનના 92 ટકા પર પહોંચી હતી. જે આખરી આંકડાની રીતે સૌથી ઊંચી હતી. 2021-22માં શીપમેન્ટ્સ 90 ટકા ઘટી 1.723 કરોડ ટન પર રહ્યાં હતાં. ગયા નાણા વર્ષ દરમિયાન ભારત ખાતેથી સપ્લાય માત્ર 50 લાખ ટન પર જોવા મળ્યો હતો. જોકે, તે પણ કુલ 70 લાખ ટન નિકાસનો 72 ટકા જેટલો હતો. વર્તુળોના જણાવ્યા મુજબ ગયા વર્ષે નિકાસ ડ્યૂટી પાછળ દેશમાંથી નિકાસ ઘટી હતી. જ્યારે 2020-21માં વૈશ્વિક સ્તરે સ્ટીલની ઊંચી માગ પાછળ નિકાસ શ્રેષ્ઠ જોવા મળી હતી.
ચાલુ વર્ષે ચીનની માગ પાછળ આયર્ન ઓરના ભાવમાં સતત વૃદ્ધિ જળવાય છે. તેમાં ઓગસ્ટ મહિનાથી સારી તેજી જોવા મળી છે. ચીનની ઓસ્ટ્રેલિયા અને બ્રાઝિલ ખાતેથી ખરીદીમાં પણ વૃદ્ધિ જોવા મળી છે એમ વર્તુળો જણાવે છે.

બાટા ઈન્ડિયાને રૂ. 60 કરોડની સેલ્સ ટેક્સ નોટિસ

ફૂટવેર કંપની બાટા ઈન્ડિયાએ ચેન્નાઈ સ્થિત અન્ના સલાઈ એસેસમેન્ટ સર્કલના સ્ટેટ ટેક્સ ઓફિસર પાસેથી રૂ. 60.56 કરોડની રકમ માટે ટેક્સ નોટિસ મેળવી છે. કંપનીએ ગુરુવારે સ્ટોક એક્સચેન્જ ફાઈલીંગમાં જણાવ્યા મુજબ આ નોટિસ નાણા વર્ષ 2018-19 માટે 25 ડિસેમ્બરે ફાઈનલ ઓડિટ રિપોર્ટમાં ઉઠાવવામાં આવેલા કેટલાંક મુદ્દાઓ સંબંધી છે. જેમાં માસિક જીએસટી રિટર્ન્સમાં આઉટવર્ડ સપ્લાય્સ પર ટર્નઓવરમાં જોવા મળતાં તફાવત, મેળવાયેલી એક્સેસ ઈનપુટ ટેક્સ ક્રેડિટ અને ક્રેડિટ નોટ પર આઈટીસી રિવર્સલનો સમાવેશ થાય છે. કંપનીએ જણાવ્યું હતું કે તેણે શરૂઆતમાં 27 એપ્રિલ, 2023ના રોજ ઓડિટ નોટિસ મેળવી હતી અને તેને પ્રતિભાવમાં સંબંધિત ડોક્યૂમેન્ટ્સ રજૂ કર્યાં હતાં. બાટા ઈન્ડિયાને 10 જાન્યુઆરી, 2024ના રોજ વિવાદિત મુદ્દાઓ પર તેનો કેસ રજૂ કરવા માટે તથા વધુ માહિતી પૂરી પાડવા માટે પર્સનલ હિઅરીંગ માટે બોલાવવામાં આવી છે. કંપનીએ સત્તાવાળો સમક્ષ તેના બચાવ માટે પૂરતો વિશ્વાસ દર્શાવ્યો છે. બાટા ઈન્ડિયાના જણાવ્યા મુજબ કંપની તેની સામેના આક્ષેપોને બચાવવા માટે મજબૂત સ્થિતિમાં છે.

ઝોમેટોને રૂ. 402 કરોડના અનપેઈડ GST માટે શો કોઝ નોટિસ
ગુરુવારે ફૂડ ડિલિવરી કંપનીનો શેર 3 ટકા ઘટાડા સાથે ટ્રેડ દર્શાવતો હતો

ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટોએ પૂણે ઝોન યુનિટના જીએસટી ઈન્ટેલિજન્સના ડિરેક્ટોરેટ જનરલ પાસેથી રૂ. 401.7 કરોડ માટે શો કોઝ નોટિસ મેળવી હોવાનું કંપનીએ રેગ્યુલેટરી ફાઈલીંગમાં જણાવ્યું છે. આ નોટિસ કંપનીએ ગ્રાહકો પાસેથી મેળવેલા ડિલિવરી ચાર્જિસ પર ગુડ્સ એન્ડ સર્વિસિઝ ટેક્સના નોન-પેમેન્ટ બદલ પાઠવવામાં આવી છે.
કંપનીએ સ્ટોક એક્સચેન્જિસને ફાઈલીંગમાં જણાવ્યું હતું કે શો કોઝ નોટિસ કંપનીએ શા માટે કહેવાતી રૂ. 401.70 કરોડની ટેક્સ જવાબદારી નથી ચૂકવી તેનું કારણ જાણવા માગે છે. ઉપરોક્ત રકમમાં કંપનીએ નહિ ચૂકવેલી ટેક્સની રકમ પર વ્યાજ અને પેનલ્ટીનો સમાવેશ પણ થાય છે. કંપની પાસેથી 29 ઓક્ટોબર, 2019થી 31 માર્ચ, 2022ના સમયગાળા માટે ટેક્સની રકમ માગવામાં આવી છે. નોટિસમાં જણાવવામાં આવેલી રકમ કંપને ગ્રાહકો પાસેથી સંબંધિત સમયગાળા દરમિયાન મેળવેલા ડિલિવરી ચાર્જિસને આધારે નિર્ધારિત કરવામાં આવી છે. જોકે, ઝોમેટોનું કહેવું છે કે તે ડિલિવરી ચાર્જિસ પર કોઈ ટેક્સ ચૂકવવા માટે જવાબદાર નથી. કેમકે તેણે આ રકમ ડિલિવરી પાર્ટનર્સ વતી મેળવી છે. ઉપરાંત, પરસ્પર સહમતિથી થયેલા કોન્ટ્રેક્ટ્સની શરતો મુજબ ડિલિવરી પાર્ટનર્સે ગ્રાહકોને સર્વિસ પૂરી પાડી છે, નહિકે કંપનીએ એમ ઝોમેટોનું કહેવું છે. કંપની ઉમેરે છે કે તે શો કોઝ નોટિસનો યોગ્ય જવાબ આપશે.
એક જાન્યુઆરી, 2022થી ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ્સને રેસ્ટોરન્ટ્સ વતી જીએસટી કલેક્શન અને ડિપોઝીટ કરવા માટે જણાવવામાં આવ્યું છે. જોકે, ડિલિવરી ફીને લઈને કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી. સામાન્યરીતે, ડિલિવરી પાર્ટનર્સને તેમણે કરેલી ડિલિવરીને આધારે ફી ચૂકવવામાં આવે છે. ઝોમેટોના જણાવ્યા મુજબ વર્તમાન સ્તરે આ પ્રકારનો કોઈ આદેશ પસાર કરવામાં આવ્યો નથી અને ઉપર જણાવ્યા મુજબ મેરિટ પર મજબૂત કેસ બનતો નથી. ગુરુવારે ઝોમેટોનો શેર 3 ટકાથી વધુ ઘટાડા સાથે રૂ. 123 આસપાસ ટ્રેડ દર્શાવતો હતો.

બેંક્સની એસેટ ક્વોલિટી એક દાયકાની ટોચેઃ RBI
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ગ્રોસ એનપીએ ગગડીને 3.2 ટકાના સ્તરે જોવા મળી
એગ્રીકલ્ચર સેક્ટર માટે જીએનપીએ રેશિયો સૌથી ઊંચો જ્યારે રિટેલ લોન્સ માટે સૌથી નીચો
2022-23 માટે બેંક્સ તરફથી નોંધાયેલી છેતરપિંડીઓની ઘટનામાં ઘટાડો નોંધાયો હતો
2018-19થી બેંક્સની એસેટ ક્વોલિટીમાં શરૂ થયેલો સુધારો હજુ પણ યથાવત

ભારતીય બેંકિંગ કંપનીઓનો નોન-પર્ફોર્મિંગ એસેટ્સ(GNPA) રેશિયો ચાલુ નાણાકિય વર્ષના બીજા ક્વાર્ટરમાં સુધારો દર્શાવી રહ્યો છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં બેંકોની એસેટ ક્વોલિટી દસ-વર્ષોની ટોચ પર જોવા મળી હતી એમ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનો બુધવારે રજૂ થયેલો રિપોર્ટ સૂચવે છે.
સ્થાનિક બેંક્સની એસેટ ક્વોલિટીમાં સુધારાની શરૂઆત નાણા વર્ષ 2018-19થી થઈ હતી. જે 2023-24ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા દરમિયાન પણ ચાલુ થઈ છે. સપ્ટેમ્બર ક્વાર્ટરની આખરમાં બેંકોનો ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ રેશિયો ઘટીને 3.2 ટકા પર જોવા મળ્યો હતો. જે માર્ચ, 2023ની આખરમાં 3.9 ટકા પર હતો એમ આરબીઆઈનો ‘ટ્રેન્ડ એન્ડ પ્રોગ્રેસ ઓફ બેંકિંગ’ રિપોર્ટ જણાવે છે.
2022-23માં તમામ બેંક્સની કોન્સોલિડેટેડ બેલેન્સ શીટ 12.2 ટકા સાથે નવ વર્ષમાં સૌથી ઊંચું વિસ્તરણ સૂચવતી હતી. આ માટે રિટેલ અને સર્વિસ સેક્ટર્સને ક્રેડિટ મુખ્ય જવાબદાર પરિબળો હતાં. રિપોર્ટમાં જણાવ્યા મુજબ ઊંચી નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ અને નીચા પ્રોવિઝનીંગને કારણે 2022-23માં બેંકિંગ કંપનીઓના નેટ ઈન્ટરેસ્ટ માર્જિન(NIM) અને નફાકારક્તામાં વૃદ્ધિ જોવા મળી હતી. સેન્ટ્રલ બેંકના જણાવ્યા મુજબ ઊંચા કેપિટલ રેશિયો, સુધારેલી એસેટ ક્વોલિટી અને મજબૂત અર્નિંગ્સ ગ્રોથ પાછળ બેંકિંગ સિસ્ટમ અને નોન-બેંકિંગ ફાઈનાન્સિયલ કંપનીઝની સ્થિતિ મજબૂત જળવાય છે. આરબીઆઈના રિપોર્ટ મુજબ આને કારણે દ્વિઅંકી વૃદ્ધિ દર તથા સ્થાનિક આર્થિક પ્રવૃત્તિને સપોર્ટ મળી રહ્યો છે.
રિપોર્ટમાં નોંધ્યા મુજબ આ સુધારાને જાળવી રાખવા માટે વધુ સારી ગવર્નન્સ અને રિસ્ક મેનેજમેન્ટ પ્રેકટિસિસની જરૂરિયાત છે. તેમજ અધિક બફર ઊભો કરવાની પણ આવશ્યક્તા છે. એગ્રીકલ્ચર સેક્ટર માટે જીએનપીએ રેશિયો સૌથી ઊંચો જોવા મળ્યો હતો. જ્યારે રિટેલ લોન્સ માટે તે સૌથી નીચો જળવાયો હતો એમ રિપોર્ટ સૂચવે છે. 2022-23 માટે બેંક્સ તરફથી નોંધાયેલી છેતરપિંડીઓની ઘટનામાં ઘટાડો નોંધાયો હતો અને તે છ વર્ષોના તળિયે જોવા મળી હતી. જ્યારે ફ્રોડમાં સંડાવાયેલી સરેરાશ રકમ દાયકાના તળિયે જોવા મળી હતી એમ આરબીઆઈ જણાવે છે. 2022-23માં એનબીએફસીની બેલેન્સ શીટ્સ ઝડપી ગતિએ વૃદ્ધિ પામી હતી. જે દ્વિઅંકી ક્રેડિટ ગ્રોથ દર્શાવે છે. જોકે, સેક્ટરની સમગ્રતયા તંદુરસ્તી મજબૂત નથી જોવા મળી રહી અને તેથી કેટલીક ચિંતાઓ ઊભી હોવાનું જણાવી સેન્ટ્રલ બેંક સાવચેતી દર્શાવે છે. આરબીઆઈએ એનબીએફસીને તેમના ફંડરેઈઝીંગને બ્રોડ બેઝ બનાવવા માટે જણાવ્યું છે. જેથી બેંક્સ પરની તેમની નિર્ભરતામાં ઘટાડો જોવા મળે. તેમણે મજબૂત ગવર્નન્સ અને રિસ્ક મેનેજમેન્ટ પ્રેકટિસિસ પણ અપનાવવાની જરૂર છે. જેથી ઊંચા આર્થિક વૃદ્ધિ દરને સપોર્ટ કરી શકે.

નાની બચતો પરના વ્યાજ દર માર્ચ ક્વાર્ટરમાં વધવાની સંભાવના
સરકાર જાન્યુઆરી-માર્ચ, 2024 ક્વાર્ટર માટે શુક્રવારે રેટ સુધારો જાહેર કરી શકે

નાણા મંત્રાલય તરફથી જે આંકડાને આધારે નાની બચત પરના દરો નિર્ધારિત કરવામાં આવે છે તે સૂચવે છે કે નાની બચતો(સ્મોલ સેવિંગ્ઝ) પરના વ્યાજ દરોમાં જાન્યુઆરી-માર્ચ 2024 દરમિયાન સાધારણ વૃદ્ધિની સંભાવના જોવાઈ રહી છે. જે સતત છઠ્ઠા ક્વાર્ટર દરમિયાન રેટમાં વૃદ્ધિ હશે. સરકાર 29 ડિસેમ્બરે નવા કેલેન્ડરના પ્રથમ ક્વાર્ટર માટે સ્મોલ સેવિંગ્ઝ ઈન્ટરેસ્ટ રેટ્સની જાહેરાત કરે તેવી અપેક્ષા છે.
નાની બચત પરના વ્યાજ દર સરકારી જામીનગીરીઓ પર મળતાં માર્કેટ યિલ્ડ્સ સાથે જોડાયેલા હોય છે. સરકારી જામીનગીરીઓ પરના માર્કેટ યિલ્ડ્સમાં જ્યારે વૃદ્ધિ જોવા મળે છે ત્યારે સ્મોલ સેવિંગ્ઝ સ્કિમ્સ પરના ઈન્ટરેસ્ટ રેટ્સ પણ વધવાં જરૂરી છે. જાન્યુઆરી-માર્ચ 2024 માટે સ્મોલ સેવિંગ્ઝ રેટ્સના રેફરન્સ પિરિયડ એવા સપ્ટેમ્બર-નવેમ્બર 2023 દરમિયાન પાંચ-વર્ષ માટેના સરકારી બોન્ડ્સ 10 બેસીસ પોઈન્ટ્સ વધ્યાં હતાં. જ્યારે 10-વર્ષ માટેના યિલ્ડ્સ 15 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ દર્શાવતાં હતાં. જોકે, સરકાર હંમેશા તેણે નક્કી કરેલી ફોર્મ્યુલા મુજબ રેટ્સમાં ફેરફાર નથી કરતી. આરબીઆઈના તાજા મોનેટરી પોલિસી રિપોર્ટ મુજબ સૌથી લોકપ્રિય સ્મોલ સેવિંગ્ઝ એવાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ માટે ફોર્મ્યુલા-આધારિત ઈન્ટરેસ્ટ રેટ 7.51 ટકા હોવા જોઈએ. જોકે તે હાલમાં 7.1 ટકા પર જોવા મળે છે અને સાડા ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી તેમાં ફેરફાર કરવામાં આવ્યો નથી. સિનિયર સરકારી અધિકારીના જણાવયા મુજબ સરકાર જાણી જોઈને પીપીએફ પરના રેટમાં વૃદ્ધિ નથી કરી રહી. તે સ્કીમ તરફથી આપવામાં આવી રહેલા ટેક્સ બેનિફિટને કારણે આમ કરી રહી છે.
નાણા મંત્રાલયે 29 સપ્ટેમ્બરે પાંચ વર્ષ માટેની રિકરીંગ ડિપોઝીટ પરના વ્યાજ દરમાં 20 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ કરી હતી અને તેને ઓક્ટોબર-ડિસેમ્બર પિરિયડ માટે 6.7 ટકા કર્યાં હતાં. જ્યારે અન્ય સ્મોલ સેવિંગ ઈન્ટરેસ્ટ રેટ્સને સ્થિર જાળવ્યાં હતાં. અગાઉ નવ ક્વાર્ટર માટે સ્થિર જાળવ્યાં પછી સરકાર તરફથી તે સતત છઠ્ઠો રેટ સુધારો હતો. છેલ્લાં છ ક્વાર્ટર્સમાં સરકારે રેટ્સમાં 40-150 બેસીસ પોઈન્ટ્સની રેંજમાં વૃદ્ધિ કરી છે.

અદાણી જૂથે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે IHC સાથે કરેલું જોડાણ
અદાણી એન્ટરપ્રાઈસ અને IHCનું સંયુક્ત સાહસ 175 અબજ ડોલરની ડિજીટલ ઈકોનોમીમાં યોગદાન આપશે

અદાણી જૂથની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝની સબસિડિયરી અદાણી ગ્લોબલે નવા યુગની ટેક્નોલોજીસ સાથે ભારતની $175 બિલિયનની ડિજીટલ ઇકોનોમીને ટ્રાન્સફોર્મ કરવા યૂએઈની ઈન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની(IHC)ની પેટા કંપની સિરીયસ સાથે જોડાણ કર્યું છે. બંને કંપનીઓએ અબૂધાબીમાં સિરીયસ ડિજીટેક ઇન્ટરનેશનલ લિ. નામે સંયુક્ત સાહસનું નિર્માણ કરવા માટે કરાર કર્યા છે. આ સંયુક્ત સાહસ માં 51 ટકા હિસ્સો સિરીયસ અને 49 ટકા હિસ્સો અદાણીની માલિકીમાં રહેશે.
આ સાહસ અંતર્ગત સિરીયસની વૈશ્વિક ડીજીટલ ટ્રાન્સફોર્મેશન ઉપરની આવડત અને અદાણીની ભારતીય અર્થતંત્રમાં ડિજીટલાઇઝેશનની $175 બિલિયનની તકનું નેતૃત્વ કરવાની વ્યુહાત્મક દ્રષ્ટિનો સમન્વય થશે. 2030 સુધીમાં $1 ટ્રિલિયનનું બજાર બનવા તરફ ડીજીટલ તક ઝડપભેર આગળ વધી રહી છે. તેમાં આ સંયુક્ત સાહસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉદ્યોગોમાં ડીજીટલ પ્લેટફોર્મની ઈન્ટિગ્રેટેડ ઇકોસિસ્ટમમાં આર્ટીફિશ્યલ ઈન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ અને બ્લોક ચેઇન પ્રોડક્ટસનો વ્યાપ ચકાસશે અને ફિન્ટેક, હેલ્થટેક અને ગ્રીનટેક સહિતના ક્ષેત્ર સુધી વિસ્તારશે. અદાણી એન્ટરપ્રાઇઝીસના પ્રવક્તાએ બન્ને કંપનીઓ વચ્ચેના ભારતીય અર્થતંત્રના ડીજીટલ ટ્રાન્સફોર્મેશન માટે રચાયેલા સંયુક્ત સાહસને આવકારી આ ક્ષેત્રની તકોને ઝડપવા માટે જરુરી મંજૂરી અને વહિવટી પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ હાથ ધરવા અને આ દીશામાં પરિણામલક્ષી કાર્ય કરવા પ્રતિબધ્ધ છીએ એમ જણાવ્યું હતું.

કોર્પોરેટ હેડલાઈન્સ

એનએલસી ઈન્ડિયાઃ જાહેર ક્ષેત્રની માઈનીંગ અને ઈલેક્ટ્રિસિટી જનરેશન કંપની 1.4 મેગાવોટ રિન્યૂએબલ એનર્જી એસેટ્સના વેચાણ મારફતે રૂ. 5000 કરોડનું ભંડોળ ઊભું કરવાની અપેક્ષા રાખે છે. કંપની આગામી નાણાકિય વર્ષની આખર સુધીમાં આ કામગીરી પૂર્ણ થવાની આશા ધરાવે છે. આ 1.4 મેગાવોટમાંથી 50 મેગાવોટ સોલાર પ્લાન્ટ્સને એનએલસી ઈન્ડિયા રિન્યૂએબલ્સમાં ટ્રાન્સફર કરવામાં આવશે.
આઈડીએફસી ફર્સ્ટ બેંકઃ બેંક રેગ્યુલેટર આરબીઆઈએ એનબીએફસી કંપની આઈડીએફસીના તેની બેંકિંગ સબસિડિયરી આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં મર્જરને મંજૂરી આપી છે. આઈડીએફસી અને આઈડીએફસી ફર્સ્ટ બેંકના બોર્ડ્સે જુલાઈમાં જ આ રિવર્સ મર્જર માટે મંજૂરી આપી હતી. કંપોઝીટ સ્કીમ હેઠળ પહેલા આઈડીએફસી એફએચસીએલને આડીએફસી સાથે મર્જ કરાશે. જ્યારપછી આઈડીએફસીને બેંક સાથે મર્જ કરવામાં આવશે.
કન્સાઈ નેરોલોકઃ પેઈન્ટ કંપનીએ મુંબઈ ખાતેના તેના લેન્ડ પાર્સલને બિલ્ડીંગ સહિત વેચવાનો નિર્ણય લીધો છે. લોઅર પરેલ સ્થિત આ લેન્ડ-બિલ્ડીંગનું રનવાલ ડેવલપર્સને રૂ. 726 કરોડમાં વેચાણ કરવામાં આવશે. આ માટે કંપનીએ ડેવલપર્સની સબસિડીયરી સાથે સેલ એગ્રીમેન્ટ પણ કર્યો હોવાનું એક્સચેન્જ ફાઈલીંગમાં જણાવ્યું હતું.
વેદાંતાઃ કોમોડિટી કંપનીએ તેના બોન્ડધારકોને નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ પેટે ચૂકવવાના થતાં રૂ. 2500 કરોડનું ઈન્ટરેસ્ટ ચૂકવણું સફળતાપૂર્વક કર્યું હતું. આ અનલિસ્ટેડ રિડિમેબલ ડિબેન્ચર્સ પર 27 ડિસેમ્બરે ઈન્ટરેસ્ટ ચૂકવવાનું થતું હતું. રૂ. એક લાખની ફેસવેલ્યૂ ધરાવતાં આ ડિબેન્ચર્સ પર ત્રિમાસિક ધોરણે ઈન્ટરેસ્ટ ચૂકવવાનું રહે છે. તે માર્ચ 2025માં પાકે છે.
એલઆઈસીઃ લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ચેરમેને જણાવ્યું છે કે વીમા કંપનીઓને નવા એસેટ ક્લાસિસ જેવાકે સોવરિન ગોલ્ડ બોન્ડ્સ અને ઈક્વિટી ડેરિવેટીવ્ઝમાં રોકાણની છૂટ આપવી જોઈએ. આ પ્રોડક્ટ્સમાં લિક્વિડિટીમાં વૃદ્ધિના હેતુથી આમ કરવું જોઈએ એમ તેમનું કહેવું હતું. તેમણે ઈન્શ્યોરન્સને સેન્ટ્રલ રિપોઝીટરી ઓફ ઈન્ફર્મેશન ઓન લાર્જ ક્રેડિટ્સ(CRILC)ની એક્સેસ હોવી જોઈએ એમ પણ જણાવ્યું હતું.
ઓરોબિંદો ફાર્માઃ ફાર્મા કંપનીની સંપૂર્ણ માલિકીની પાંખ ઈયુગિઆ ફારમા સ્પેશ્યાલિટીઝે યુએસએફડીએ તરફથી જેનેરિક પોસાકોનાઝોલ ઈન્જેક્શનના ઉત્પાદન તથા માર્કેટિંગ માટે મંજૂરી મેળવી હોવાનું જણાવ્યું હતું. યુએસએફડીએ 300 એમજી/16.7 એમએલ સિંગલ-ડોઝ વાયલ માટે આ મંજૂરી આપી છે.
ઈન્ડસઈન્ડ બેંકઃ કમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાએ ઈન્ડ્સઈન્ડ બેંકની સબસિડીયરીઝ ઈન્ડ્સઈન્ડ ઈન્ટરનેશનલ હોલ્ડિંગ્સ, આઈઆઈએચએલ બીએફએસઆઈ(ઈન્ડિયા) અને આસિયા એન્ટરપ્રાઈઝિસ તરફથી એડીએજી જૂથની નાદાર કંપની રિલાયન્સ કેપિટલની ખરીદીના પ્રસ્તાવને મંજૂરી આપી છે.

dhairya@socialcoffee.in

Share
Published by
dhairya@socialcoffee.in
Tags: Market Tips

Recent Posts

Rubicon Research IPO: Apply for Short-Term Gains?

Unlocking an Upcoming Investment Opportunity: Rubicon Research IPO Rubicon Research is making headlines with its…

2 weeks ago

Canara Robeco IPO: Apply for Short-Term Gains or Avoid?

Unlocking the Canara Robeco Asset Management Company IPO: A Guide for Every Investor Did you…

2 weeks ago

Tata Turmoil: 5 Secrets to Protect Your Wallet Now

Imagine you’re at a big family gathering and suddenly, your relatives start arguing about who…

2 weeks ago

Shlokka Dyes IPO Verdict: Apply for Short-Term Gains?

Shlokka Dyes IPO: Is It Worth Your Investment? Did you know that Shlokka Dyes is…

2 weeks ago

LG India IPO Verdict: Apply for Listing Gains Today!

LG India IPO: Should You Buy a Piece of Your TV and Fridge Company? Introduction…

2 weeks ago

5 Simple Steps to Secure a Wealthy Retirement Before 40

Did you know that starting your retirement planning in India before your 40s can make…

2 weeks ago

This website uses cookies.