બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
વૈશ્વિક બજારોમાં નરમાઈ વચ્ચે ભારતીય બજારમાં જોવા મળેલું બાઉન્સ
નિફ્ટી સવારે ખૂલતામાં 16782.40નું તળિયું દર્શાવી 378 પોઈન્ટ્સ સુધરી 17160.70ની ટોચ પર જોવા મળ્યો
માર્કેટમાં પોઝીટીવ બંધ છતાં નિફ્ટી કાઉન્ટર્સમાં 50માંથી 32 કાઉન્ટર્સ ઘટી બંધ આવ્યાં
બ્રોડ માર્કેટમાં નરમાઈ યથાવત, બીએસઈ ખાતે 2435 કાઉન્ટર્સમાં નરમાઈ સામે માત્ર 965માં જોવા મળેલો સુધારો
લેટન્ટ વ્યૂ, ટાર્સન્સ પ્રોડક્ટ્સ સહિતના નવા લિસ્ટીંગ્સમાં જોવા મળેલી ભારે વેચવાલી
ભારતીય શેરબજારમાં સપ્તાહની શરૂઆત વોલેટાઈલ રહેવા સાથે પોઝીટીવ રહી હતી. કામકાજની શરૂઆતમાં એક ટકાથી વધુ ઘટાડો દર્શાવ્યાં બાદ બેન્ચમાર્ક પરત ફર્યાં હતાં અને ગ્રીન ઝોનમાં જ બંધ રહ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 153.43 પોઈન્ટ્સના સુધારા સાથે 57260.58ના સ્તરે જ્યારે નિફ્ટી 27.50 સુધરી 17053.95 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 16782.40ના દિવસના તળિયેથી 378 પોઈન્ટ્સ ઉછળી 17160.70ની ઈન્ટ્રા-ડે ટોચના સ્તરે ટ્રેડ થયો હતો. જોકે નિફ્ટીના 50માંથી 32 કાઉન્ટર્સ નેગેટિવ ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં.
સ્થાનિક બજારને મુખ્ય સપોર્ટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈટી કાઉન્ટર્સ અને અગ્રણી ખાનગી બેંક્સ તરફથી સાંપડ્યો હતો. રિલાયન્સ જીઓ દ્વારા પ્રિ-પેઈડ પ્લાન્સમાં 20 ટકા વૃદ્ધિના અહેવાલ પાછળ શેર મજબૂત ખૂલ્યો હતો અને એક ટકાથી વધુ સુધારા સાથે બંધ જોવા મળ્યો હતો. નિફ્ટી કાઉન્ટર્સમાં કોટક મહિન્દ્રા બેંક 2.82 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવતો હતો. આરબીઆઈએ પ્રમોટરને 26 ટકા સુધી હિસ્સો વધારવાની છૂટ આપતાં તેમજ નોન-પ્રમોટર કંપની એલઆઈસીને 10 ટકા સુધી હિસ્સો લઈ જવાની છૂટ આપતાં બેંકનો શેર સુધર્યો હતો. નિફ્ટી કાઉન્ટર્સમાં સુધારો દર્શાવતાં અન્ય કાઉન્ટર્સમાં એચસીએલ ટેક્નોલોજી, એચડીએફસી લાઈફ, ટીસીએસ, વિપ્રો, બજાજ ફાઈનાન્સ, ટાઈટન કંપનીનો સમાવેશ થતો હતો. જોકે બીજી બાજુ બીપીસીએલ, સન ફાર્મા, યુપીએલ, ઓએનજીસી, અદાણી પોર્ટ્સ, એનટીપીસી અને આઈઓસી જેવા કાઉન્ટર્સમાં 2 ટકાથી વધુનો ઘટાડો નોઁધાયો હતો. એનએસઈ એફએન્ડઓ કાઉન્ટર્સમાં ડો. લાલ પેથલેબ્સ 6.24 ટકા, ઈપ્કા લેબ 5.17 ટકા, વોડાફોન આઈડિયા 3.23 ટકા, ફાઈઝર 2.75 ટકાનો સુધારો દર્શાવતાં હતાં. જ્યારે ડેલ્ટા કોર્પ 6.82 ટકા, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ 6.35 ટકા, આઈઆરસીટીસી 5.74 ટકા, ગ્રેન્યૂલ્સ ઈન્ડિયા 5.69 ટકા, બંધન બેંક 4.88 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં.
ભારતીય બજારે ઉઘડતાં સપ્તાહે હરિફ ઈમર્જિંગ માર્કેટ્સની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું હતું. તમામ અગ્રણી એશિયન બજારો ઘટીને બંધ જોવા મળ્યાં હતાં. જેમાં જાપાનનો નિક્કાઈ ઈન્ડેક્સ 1.63 ટકાનો ઘટાડો દર્શાવતો હતો. જ્યારે સિંગાપુર બજાર 1.44 ટકા, હોંગ કોંગ 0.95 ટકા, કોસ્પી 0.92 ટકા અને તાઈવાન 0.24 ટકાનો ઘટાડો દર્શાવતાં હતાં. ચીન પણ 0.04 ટકાના સાધારણ ઘટાડે નેગેટિવ બંધ રહ્યું હતું.
બ્રોડ માર્કેટમાં સોમવારે વેચવાલી જળવાય હતી. બીએસઈ ખાતે 3575 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2435 કાઉન્ટર્સ નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે માત્ર 965 કાઉન્ટર્સમાં સુધારો નોંધાયો હતો. એટલે અઢી કાઉન્ટર્સમાં વેચવાલી સામે એક કાઉન્ટર્સમાં ખરીદી જળવાય હતી. લાંબા સમયબાદ અપર સર્કિટ્સ દર્શાવતાં શેર્સ કરતાં લોઅર સર્કિટ્સ દર્શાવતાં કાઉન્ટરનું પ્રમાણ ઊંચું રહ્યું હતું. 350 કાઉન્ટર્સમાં અપર સર્કિટ્સ જ્યારે 441 કાઉન્ટર્સમાં લોઅર સર્કિટ્સ જોવા મળી હતી. જોકે 242 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 41 કાઉન્ટર્સે તેમનું વાર્ષિક તળિયું દર્શાવ્યું હતું. એનએસઈ સ્મોલ-કેપ ઈન્ડેક્સ 2.61 ટકા જ્યારે મીડ-કેપ ઈન્ડેક્સ 1.35 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં.
RBIએ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલના બોર્ડને સુપરસીડ કર્યું
બેંક રેગ્યુલેટરે વિવિધ નાણાકિય જવાબદારીઓમાંથી નાદારી બદલ કંપનીના બોર્ડને રદ કરી એડમિનિસ્ટ્રેટર નિમ્યો
આરબીઆઈ ટૂંકમાં જ ઈન્સોલ્વન્લી એન્ડ બેંક્ટ્ર્પ્સી રુલ્સ 2019 હેઠળ કંપનીની રેઝોલ્યુશનની પ્રક્રિયા શરૂ કરશે
રિલાયન્સ કેપિટલના મતે કોર્ટના પ્રતિબંધને કારણે એસેટ મોનેટાઈઝેશન નહિ થઈ શકતાં રિપેમેન્ટ્સમાં વિલંબ
બેંક રેગ્યુલેટર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નાદારીનું કારણ આપીને રિલાયન્સ કેપિટલના બોર્ડને સુપરસીડ કર્યું છે. કંપની તેની વિવિધ પેમેન્ટ જવાબદારીઓની ચૂકવણીમાં નિષ્ફળ જવાથી આમ કર્યું હોવાનું આરબીઆઈએ જણાવ્યું છે.
આરબીઆઈએ એક નોંધમાં જણાવ્યું છે કે રિઝર્વ બેંક આજે રિલાયન્સ કેપિટલના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને સુપરસીડ કરે છે. આરસીએલ દ્વારા વિવિધ પેમેન્ટ ઓબ્લિગેશન્સને પૂરા કરવામાં નાદારીને પગલે તથા ગંભીર ગવર્નન્સ ઈસ્યુને કારણે આમ કરવામાં આવે છે. આરબીઆઈએ બેંક ઓફ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ એક્ઝૂક્યૂટીવ ડિરેક્ટર નાગેશ્વર રાવ વાયને રિલાયન્સ કેપિટલના કંપનીના એડમિનિસ્ટ્રેટર તરીકે નીમ્યાં છે. આરબીઆઈ ટૂંકમાં જ ઈન્સોલ્વન્લી એન્ડ બેંક્ટ્ર્પ્સી રુલ્સ 2019 હેઠળ કંપનીની રેઝોલ્યુશનની પ્રક્રિયા શરૂ કરશે. સાથે આરબીઆઈ એનસીએલટી મુંબઈને ઈન્સોલ્વન્સી રેઝોલ્યૂશન પ્રોફેશ્નલ તરે એડમિનિસ્ટ્રેટર નીમવા માટે અરજી કરશે એમ સેન્ટ્રલ બેંકે જણાવ્યું હતું.
રિલાયન્સ કેપિટલે 27 નવેમ્બરે 2020ના રોજ સ્ટોક એક્સચેન્જિસને જણાવ્યું હતું કે તે એચડીએફસી અને એક્સિસ બેંકને રૂ. 624 કરોડની લોન પરના ઈન્ટરેસ્ટ પેમેન્ટ્સમાં નાદાર બની હતી. તેણે 31 ઓક્ટોબરના રોજ વ્યાજ પેટે એચડીએફસીને રૂ. 4.77 કરોડ અને એક્સિસ બેંકને રૂ. 71 લાખ ચૂકવવાના થતાં હતાં. આરસીએલે એચડીએફસી બેંક પાસેથી 10.6 ટકાથી 13 ટકાની રેંજમાં એચડીએફસી પાસેથી છ મહિનાથી સાત વર્ષના સમયગાળા માટે જ્યારે એક્સિસ બેંક પાસેથી 8.25 ટકાના દરે 3-7 વર્ષની મુદત માટે લોન લીધી હતી.
સ્ટોક એક્સચેન્જને કરેલી સ્પષ્ટતામાં કંપનીએ જણાવ્યું હતું કે કંપની પર એસેટ્સ વેચાણ માટે કોર્ટના પ્રતિબંધને કારણે તે એસેટ મોનેટાઈઝેશન કરી શકી નહોતી અને તેને કારણે ડેટ સર્વિસિંગમાં વિલંબ થયો હતો. ત્યારબાદ એપ્રિલ 2021માં એક પત્રમાં કંપનીએ જણાવ્યું હતું કે તે 22 એપ્રિલના રોજ નીકળતાં નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સના ઈન્ટરેસ્ટ પેમેન્ટમાં નિષ્ફળ ગઈ છે. અગાઉ કંપનીએ જણાવ્યું હતું કે તે સમયબધ્ધ રીતે એસેટ મોનેટાઈઝેશન કરીને તેની જવાબદારીઓ પૂરી કરશે. કંપનીએ ગયા વર્ષે જણાવ્યું હતું કે ડિબેન્ચર હોલ્ડર્સ કમિટિએ કંપનીની કેટલીક સબસિડિયરીઝ તથા ઈન્વેસ્ટમેન્ટ્સ માટે એસેટ મોનેટાઈઝેશન માટે એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ(ઈઓઆઈ) મંગાવ્યાં હતાં. ઈઓઆઈ માટે ઈન્વિટેશન 31 ઓક્ટોબર 2020ના રોજ મંગાવાયાં હતાં. જેને કારણે કંપનીએ અનેક ઈઓઆઈ મેળવ્યાં હતાં. જોકે વિવિધ કોર્ટ્સમાં પેન્ડિંગ અનેક ફરિયાદોને કારણે લેન્ડર્સે શરૂ કરેલી વેચાણ પ્રક્રિયામાં વિલંબ થતો રહ્યો હતો. રિલાયન્સ કેપિટલના બોર્ડમાં અનિલ અંબાણી ઉપરાંત રાહુલ સરીન, છાયા વિરાણી, થોમસ મેથ્યૂ, એ એન સેથૂરામન અને ધનંજય તિવારીનો સમાવેશ થાય છે એમ કંપનીની વેબસાઈટ દર્શાવે છે.
5 ટકા ઘટાડા પાછળ ભારતીય બજારનું માર્કેટ-કેપ છઠ્ઠા પરથી સાતમા ક્રમે
છેલ્લાં બે સપ્તાહ દરમિયાન ભારતીય શેરબજારમાં તીવ્ર ઘટાડાને પગલે માર્કેટ-કેપિટલાઈઝેશનની રીતે ભારતનું વૈશ્વિક રેંકિંગ એક ક્રમ ઘટીને સાતમા સ્તરે પહોંચ્યું છે. અગાઉ ઓક્ટોબરની મધ્યમાં ભારતીય બજાર માર્કેટ-કેપની રીતે વિશ્વના ટોચના પાંચ બજારોની ક્લબમાં પ્રવેશવા માટે તૈયાર હતું. લગભગ બે એક મહિના અગાઉ તેણે ફ્રાન્સને પાછળ રાખ્યું હતું અને હાલમાં 3.58 અબજ ડોલરનું માર્કેટ-કેપ ધરાવતાં યુકેને તે પાછળ પાડવાની અણી પર પહોંચી ચૂક્યું હતું. જોકે બે સપ્તાહમાં જોવા મળેલા ઘટાડામાં આ શક્યતા પર પાણી ફરી વળ્યું છે અને હવે ફરીથી નોંધપાત્ર સુધારા બાદ આમ થઈ શકે છે. હાલમાં યુએસએ, ચીન, જાપાન, હોંગ કોંગ, યુકે અને ફ્રાન્સ બાદ ભારતીય બજાર 3.37 ટ્રિલિયન ડોલરના એમ-કેપ સાથે સાતમા ક્રમે જોવા મળે છે. ઓક્ટોબરમાં 3.56 ટ્રિલિયન ડોલર પરથી તે પટકાયું છે. જ્યારે ફ્રાન્સનું માર્કેટ-કેપ ઓક્ટોબરમાં 3.33 ટ્રિલિયન ડોલર પરથી સુધરી 3.40 ટ્રિલિયન ડોલર પર પહોંચ્યું છે. જ્યારે યુકેનું માર્કેટ-કેપ ઓક્ટોબરમાં 3.68 ટ્રિલિયન ડોલર પરથી ઘટીને 3.58 ટ્રિલિયન ડોલર પર જોવા મળી રહ્યું છે.
વિશ્વ બજારમાં ક્રૂડમાં 5 ટકાનો ઉછાળો
નવા સપ્તાહે ક્રૂડમાં તીવ્ર બાઉન્સ જોવા મળ્યું છે. વિશ્વ બજારમા બ્રેન્ટ ક્રૂડ વાયદો 5 ટકા ઉછળી 75 ડોલરની સપાટી પાર કરી ગયો હતો. ગયા સપ્તાહે તેણે નવા આફ્રિકન વેરિયન્ટના અહેવાલ પાછળ 10 ટકાનો તીવ્ર ઘટાડો દર્શાવ્યો હતો. જોકે સોમવારે નવા વેરિઅન્ટને લઈને જોવા મળતો ગભરાટ શમ્યો હતો અને અન્ય એસેટ ક્લાસિસની સાથે ક્રૂડમાં તીવ્ર બાઉન્સ નોંધાયું હતું. કોવિડના પ્રથમ રાઉન્ડ પાછળ વૈશ્વિક ક્રૂડના ભાવમાં ઐતિહાસિક કડાકો જોવા મળ્યો હતો. જેની પાછળ બ્રેન્ટ ક્રૂડ 80 ડોલરથી ગગડી 16 ડોલર પર ટ્રેડ થયું હતું.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે બ્રિટીશ ટેલિકોમમાં બહુમતી હિસ્સા માટે દર્શાવેલો રસ
જોકે રિલાયન્સે માધ્યમના અહેવાલને પાયાવિહોણો ગણાવી સ્પષ્ટ પણે આપેલો રદિયો
મુકેશ અંબાણીની કંપનીની ઓફરના અહેવાલે બ્રિટીશ ટેલિકોમના શેરમાં 9 ટકા ઉછાળો નોંધાયો
ભારતના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ બ્રિટિશ ટેલિકોમ ગ્રૂપ માટે બીડિંગ કરવાની ચકાસણી કરી રહી હોવાના અહેવાલ છે. જેને પગલે બ્રિટીશ ટેલિકોમનો શેર સોમવારે 9 ટકા જેટલો ઉછળ્યો હતો. ઓઈલ-ટુ-ટેલિકોમ કોંગ્લોમેરટ એવી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ બ્રિટીશ ટેલિકોમ પીએલસી માટે ઓફર કરશે એમ અગ્રણી આર્થિક અખબારે ડિલને નજીકથી જોઈ રહેલા વર્તુળોના અહેવાલથી નોંધ્યું હતું. જોકે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે આ અહેવાલને સ્પષ્ટપણે રદિયો આપ્યો હતો. કંપનીએ તેને માત્ર એક અફવા સાથે પાયોવિહોણો ગણાવ્યો હતો.
વર્તુળોના જણાવ્યા અનુસાર અબજોપતિ મુકેશ અંબાણી બીટી જૂથમાં હિસ્સો ખરીદવા માટે ઓફર કરી શકે છે. અથવા તો તેમાં બહુમતિ હિસ્સો કરીદવા માટેનો પ્રયાસ કરી શકે છે. માધ્યમના અહેવાલ મુજબ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ બીટીની ફાઈબર ઓપ્ટીક પાઁખ ઓપનરિચમાં ભાગીદારીનો પ્રસ્તાવ પણ મૂકી શકે છે તથા તેના વિસ્તરણ પ્લાન્સને ફંડીંગ પૂરું પાડી શકે છે. રિલાયન્સે જોકે આ અહેવાલને લઈને કોઈપણ ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો હતો. જ્યારે બીટીએ પણ આ અહેવાલ અંગે તત્કાળ કોઈ પ્રતિભાવ નહોતો પૂરો પાડ્યો.
વિશ્વમાં મોટા ટેલિકોમ માર્કેટ્સમાં અંબાણીની કંપની જીઓ ઈન્ફોકોમે 2016ની આખરમાં ફ્રી વોઈસ અને કટ-પ્રાઈસ ડેટા ઓફર કરી પ્રવેશ કર્યો હતો. અંબાણીના પ્રવેશે ભારતીય બજારમાં અનેક હરિફો પર માર્કેટમાંથી એક્ઝિટ માટે દબાણ ઊભું થયું હતું. જ્યારે બ્રિટનની વોડાફોનના સ્થાનિક યુનિટ વોડાફોન અને ભારતની આઇડિયાએ જીઓ સામે ટકી રહેવા માટે મર્જરનો માર્ગ અપનાવ્યો હતો. ગયા સપ્ટેમ્બર મહિનામાં ટી-મોબાઈલના ડચ યુનિટને ખરીદવાના રિલાયન્સને પ્રયાસને એપેસ અને વોરબર્ગ પિંકસના કોન્સોર્ટિયમે નિષ્ફળ બનાવ્યો હતો.
કોટક મહિન્દ્રા બેંકમાં હિસ્સો વધારવા માટે LICને RBIની છૂટ
બેંક રેગ્યુલેટરે ખાનગી બેંકમાં પ્રમોટર હિસ્સાને 26 ટકા સુધી તથા નોન-પ્રમોટર હિસ્સાને 10 ટકા સુધી વધારવાની ભલામણ સ્વીકારી
ખાનગી ક્ષેત્રની અગ્રણી બેકિંગ કંપની કોટક મહિન્દ્રા બેંકે સોમવારે જણાવ્યું હતું કે બેંક રેગ્યુલેટર આરબીઆઈએ સરકારની માલિકીની વીમા કંપની લાઈફ ઈન્શ્યોરન્સ ઈન્ડિયા(એલઆઈસી)ને બેંકમાં તેનો હિસ્સો વધારીને 9.99 ટકા સુધી લઈ જવા માટેની મંજૂરી આપી છે. આ મંજૂરીની માન્યતા એક વર્ષ માટેની હોવાનું પણ બેંકે જણાવ્યું હતું.
બેંકે જણાવ્યું હતું કે આરબીઆઈએ આપેલી મંજૂરી સેબી ઉપરાંત ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ 1999 તથા અન્ય કાનૂની જોગવાઈઓના પાલન સાથે જોડાયેલી હશે. ગયા સપ્તાહે આરબીઆઈએ તેના વર્કિંગ ગ્રૂપે કરેલી ભલામણોનો સ્વીકાર કર્યો હતો. જેમાં પ્રાઈવેટ બેંક્સના પ્રમોટર્સનો હિસ્સો વધારી 26 ટકા કરવા માટે તથા નોન-પ્રમોટર હિસ્સો વધારી 10 ટકા કરવા માટેની ભલામણોનો સ્વીકાર થતો હતો.
ગઈ 30 સપ્ટેમ્બરે કોટક મહિન્દ્રા બેંકમાં એલઆઈસીનો હિસ્સો 4.96 ટકા પર હતો. જ્યારે પ્રમોટર ઉદય કોટક અને તેમનો પરિવાર બેંકમાં 26 ટકા હિસ્સો ધરાવતાં હતાં. જ્યારે કેનેડા પેન્શન પ્લાન ઈન્વેસ્ટમેન્ટ બોર્ડ 6.37 ટકા સાથે મોટા ઈન્વેસ્ટર્સ હતાં. 2020માં બેંકના પ્રમોટર ઉદય કોટક આરબીઆઈના પ્રમોટર હિસ્સાને ઘટાડી 15 ટકા કરવાના નિર્ણયની વિરુધ્ધ કોર્ટમાં ગયા હતા. પાછળથી આરબીઆઈએ કોટકને તેમનો હિસ્સો 26 ટકા પર જાળવવાની છૂટ આપી હતી. 26 નવેમ્બરે આરબીઆઈએ ઈન્ડિયન પ્રાઈવેટ સેક્ટર બેંક્સ માટેની ઓવનરશીપ અને કોર્પોરેટ સ્ટ્રક્ચર પરની કમિટિની 33માંથી 21 ભલામણોનો સ્વીકાર કર્યો હતો. સ્વીકાર કરવામાં આવેલી ભલામણોમાં એક નિયમ 15 વર્ષના લાંબાગાળે પ્રમોટર્સના હિસ્સાને વર્તમાન 15 ટકા પરથી વધારી 26 ટકા કરવાનો સમાવેશ થતો હતો. આરબીઆઈના જણાવ્યા મુજબ જો પ્રમોટર પાંચ વર્ષના લોક-ઈન પિરિયડ બાદ કોઈપણ સમયે તેમનો હિસ્સો 26 ટકાથી ઘટાડવા ઈચ્છે તો તેમ કરી શકે છે.
Unlocking an Upcoming Investment Opportunity: Rubicon Research IPO Rubicon Research is making headlines with its…
Unlocking the Canara Robeco Asset Management Company IPO: A Guide for Every Investor Did you…
Imagine you’re at a big family gathering and suddenly, your relatives start arguing about who…
Shlokka Dyes IPO: Is It Worth Your Investment? Did you know that Shlokka Dyes is…
LG India IPO: Should You Buy a Piece of Your TV and Fridge Company? Introduction…
Did you know that starting your retirement planning in India before your 40s can make…
This website uses cookies.