Categories: Market TipsNEWS

Market Summary 29 September 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
નિફ્ટીએ 17600નો સપોર્ટ જાળવ્યો
સતત બીજા દિવસે બજારમાં નીચેના સ્તરેથી સુધારો જોવા મળ્યો હતો. જોકે બજારે બંધ તો નેગેટિવ જ દર્શાવ્યું હતું, પરંતુ નિફ્ટીમાં 17600નો સપોર્ટ જળવાયો હતો. જ્યાં સુધી આ સ્તર તૂટે નહિ ત્યાં સુધી બજારમાં સુધારાની ચાલ અકબંધ છે એમ ગણીને ચાલવું જોઈએ. નિફ્ટી 17600-18000ની રેંજમાં ટ્રેડ થઈ રહ્યો છે. તે જે બાજુ બ્રેકઆઉટ આપશે તે બાજુ ઝડપી ગતિ દર્શાવી શકે છે. નિફ્ટીને બુધવારે જાહેર સાહસો, મેટલ અને ફાર્મા તરફથી સપોર્ટ સાંપડ્યો હતો. આઈટીમાં ઘટાડો અટક્યો હતો. બેંકિંગ જોકે નરમ જોવા મળ્યું હતું. બ્રોડ માર્કેટમાં ખરીદી પાછળ નિફ્ટી મીડ-કેપ અને સ્મોલ-કેપ્સમાં સુધારો નોંધાયો હતો.
નિફ્ટી PSE ઈન્ડેક્સ વધુ 3 ટકા ઉછળ્યો
બુધવારે માર્કેટને સપોર્ટ પૂરો પાડવામાં જાહેર સાહસોનું મહત્વનું યોગદાન હતું. અગ્રણી મહારત્નોએ છેલ્લા કેટલાંક મહિનાઓનો સૌથી શ્રેષ્ઠ દેખાવ દર્શાવ્યો હતો. મોટાભાગના જાહેર સાહસોનો શેર તેમની ત્રણ કે પાંચ વર્ષોની ટોચ પર ટ્રેડ થતાં જોવા મળતાં હતાં. જ્યારે નિફ્ટી પીએસઈ 2.95 ટકા ઉછળી 4113.70ના સ્તરે બંધ રહ્યો હતો. ઈન્ડેક્સના ભાગરૂપ એવા ઓઈલ ઈન્ડિયાનો શેર 9.09 ટકા ઉછળી રૂ. 254.45ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે એનટીપીસીનો શેર 6.6 ટકા ઉછળી રૂ. 140.65ના સ્તરે બંધ રહ્યો હતો. પાંચ ટકાથી વધુ સુધારો દર્શાવનારા અન્ય કાઉન્ટર્સમાં કોલ ઈન્ડિયા(6.4 ટકા), નાલ્કો(6.1 ટકા) અને પાવર ગ્રીડ કોર્પોરેશન(6 ટકા)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભેલ(4 ટકા), સેઈલ(4 ટકા), આઈઓસી(3.7 ટકા), એનએચપીસી(3.5 ટકા), એચપીસીએલ(2.8 ટકા), આરઈસી(1.91 ટકા) અ ઓએનજીસી(2 ટકા)નો સુધારો દર્શાવતાં હતાં. માત્ર આઈઆરસીટીસી, ભારત ઈલેક્ટ્રીક, ગેઈલ અને હિંદુસ્તાન એરોનોટિક્સ ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં. બુધવારના ઉછાળા બાદ કોલ ઈન્ડિયાનો શેર ફરીથી માર્કેટ-કેપની રીતે ટોચના 50 શેર્સમાં પ્રવેશ્યો હતો.
જુલાઈ-સપ્ટેમ્બર દરમિયાન 7 શહેરોમાં મકાનોનું બમણું વેચાણ
ચાલુ વર્ષે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન દેશના સાત મહત્વના હાઉસિંગ માર્કેટ્સમાં મકાનોનું વેચાણ ગયા વર્ષના સમાનગાળાની સરખામણીમાં બમણું જોવા મળ્યું હોવાનું પ્રોપર્ટી કન્સલ્ટન્ટ કંપની એનારોકે જણાવ્યું છે. કંપની દિલ્હી એનસીઆર, મુંબઈ મેટ્રોપોલિટન રિજન, ચેન્નાઈ, કોલકોતા, બેંગલૂરુ, હૈદરાબાદ અને પૂણે જેવા સાત માર્કેટ્સ ટ્રેક કરે છે. જેમાં જુલાઈ-સપ્ટેમ્બરમાં 62800 યુનિટ્સનું વેચાણ જોવા મળ્યું હતું. જે વર્ષ અગાઉ સમાનગાળામાં 29520ના સ્તરે હતું. જ્યારે અગાઉના ક્વાર્ટરમાં 24560 યુનિટ્સ પર હતું. આ સાત શહેરોમાં હાઉસિંગના ભાવ 3 ટકા જેટલી વૃદ્ધિ દર્શાવતાં હતાં.
ટર્મ ઈન્શ્યોરન્સ પ્રિમિયમમાં 25-30 ટકા વૃદ્ધિની સંભાવના
દેશમાં સૌથી મોટા રિઈન્શ્યોરરે પ્યોર પ્રોટક્શન કવરના રેટ્સમાં તીવ્ર વધારો કર્યાં બાદ દેશમાં ટર્મ ઈન્શ્યોરન્સ પોલિસી પ્રિમીયમ્સમાં 25-30 ટકા સુધીની વૃદ્ધિની શક્યતા છે. ભારતીય ઈન્શ્યોરન્સ માર્કેટ માટે સૌથી મોટા રિઈન્શ્યોરર મ્યુનિક રીએ તેના પ્યોર પ્રોટેક્શન કવરના અન્ડરરાઈટિંગ પોર્ટફોલિયોસના પ્રિમીયમમાં 40 ટકા વૃદ્ધિ કરી છે. એક ખાનગી લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીના સિનિયર અધિકારીના જણાવ્યા અનુસાર વૈશ્વિક રિઈન્શ્યોરસે રેટ્સમાં વૃદ્ધિના તેના નિર્ણયને જણાવી દીધો છે. વર્તુળોના જણાવ્યા મુજબ તેણે 8-10 ઈન્શ્યોરન્સ કંપનીઓને તેના નિર્ણય અંગે જાણ કરી છે. નવા રેટ્સ ડિસેમ્બરથી અમલમાં આવશે.

પિરામલ ગ્રૂપે DHFLની રૂ. 34250 કરોડમાં ખરીદી પૂર્ણ કરી
નાદાર બનેલી ફાઈનાન્સિયલ સર્વિસિસ કંપનીનું આઈબીસી હેઠળ પ્રથમ સફળ રિઝોલ્યુશન
કંપનીના ક્રેડિટર્સ તેમના પેન્ડિંગ ડ્યૂસની લગભગ 46 ટકા રકમ મેળવી શકશે

પિરામલ એન્ટરપ્રાઈઝે બુધવારે જણાવ્યું હતું કે તેણે રૂ. 34250 કરોડની ચૂકવણી કરી દિવાન હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ(ડીએચએફએલ)ની ખરીદીનું કામ પૂર્ણ કર્યું છે. ઈન્સોલ્વન્સી એન્ડ બેન્ક્ટ્રપ્સી કોડ(આઈબીસી) હેઠળ નાદાર બનેલી ફાઈનાન્સિયલ સર્વિસિસ કંપની માટે સફળતાપૂર્વક ઉકેલ આવ્યો હોય તેવો આ પ્રથમ કિસ્સો છે.
ડીએચએફએલની ખરીદી માટે પિરામલ ગ્રૂપે કુલ રૂ. 34250 કરોડની ચૂકવણી કરી હતી. જેમાં રૂ. 14700 કરોડ કેશ કોમ્પોનેન્ટનો સમાવેશ થતો હતો. જ્યારે રૂ. 19550 કરોડના ડેટ સાધનો(10-વર્ષ માટેના એનસીડી જેના પર અર્ધવાર્ષિક દરે 6.75 ટકાનું વ્યાજ ચૂકવવામાં આવશે) પણ સામેલ હતા. એક્સચેન્જિસને એક નિવેદનમાં પિરામલ એન્ટરપ્રાઈઝિસે જણાવ્યું હતું કે ડીએચએફએલના ધિરાણકર્તાઓ આ રેઝોલ્યુશનથી રૂ. 38000 કરોડ રિકવરી કરી શકશે. જેમાં રૂ. 34350 કરોડની રકમ પિરામલ એન્ટરપ્રાઈઝિસે ચૂકવી હશે. જ્યારે રૂ. 3800 કરોડ ડીએચએફએલના કેશ બેલેન્સમાંથી આવશે. ડીએચએફએલ કુલ 70 હજાર ક્રેડિટર્સ ધરાવતું હતું. આ સફળ રેઝોલ્યુશન બાદ મોટાભાગના ક્રેડિટર્સ તેમના પેન્ડિંગ ડ્યૂસની લગભગ 46 ટકા રકમ મેળવી શકશે.
એનસીએલટીમાં રેઝોલ્યૂશન પ્લાન હેઠળ પિરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઈનાન્સ લિ.નું ડીએચએફએલ સાથે મર્જર થશે. બંનેના મર્જરથી બનનારી સંયુક્ત કંપનીની 100 ટકા માલિકી પિરામલ એન્ટરપ્રાઈઝિસ પાસે રહેશે. સંયુક્ત કંપની 301 શાખાઓ અને 2338 કર્મચારીઓ ધરાવતી હશે. તેમજ તે 24 રાજ્યોમાં દસ લાખ લાઈફટાઈમ ગ્રાહકોને સેવા પૂરી પાડતી હશે. જે તેને દેશમાં અફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરતી અગ્રણી હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓમાં પ્રવેશ આપશે. ડીએચએફએલની ખરીદી પિરામલને તેમની રિટેલ બુક પાંચ ગણી કરવામાં સહાયતા કરશે સાથે તે સમગ્ર લોન બુકના વૈવિધ્યીકરણમાં સહાયરૂપ બનશે. જે મારફતે તે 50:50નું ઈચ્છીત રિટેલ અને હોલસેલ મિક્સ હાંસલ કરી શકશે.
પિરામલ એન્ટરપ્રાઈઝે જણાવ્યું હતું કે આ સોદાને કારણે વેઈટેડ એવરેજ બોરોઈંગ કોસ્ટમાં અંદાજે 130 બેસીસ પોઈન્ટ્સનો ઘટાડો જોવા મળશે. સાથે તે અમારા ફાઈનાન્સિયલ સર્વિસિઝ બિઝનેસના એસેટ લાયેબિલિટી મેનેજમેન્ટ(એએલએમ) પ્રોફાઈલમાં વધુ સુધારો નોંધાવશે. ટ્રાન્ઝેક્શનના કારણે ફાઈનાન્સિયલ સર્વિસિઝ બિઝનેસમાં ઈક્વિટી યુટીલાઈઝેશનમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળશે એમ પિરામલ એન્ટરપ્રાઈઝે ઉમેર્યું હતું. કંપની હવેથી યુઝ્ડ કાર્સ અને ટુ-વ્હીલર્સ લોન્સ, એજ્યૂકેશન લોન્સ, સ્મોલ બિલ્ડર ફાઈનાન્સ, અનસિક્યોર્ડ બિઝનેસ લોન્સ, પર્સનલ લોન્સ અને લોન અગેઈન્સ્ટ સિક્યૂરિટીઝ આપવા માટે વિચારી રહી છે.

NARCL રૂ. 64000 કરોડ સુધીની બેડ લોન રિકવરી કરે તેવી અપેક્ષા
નવરચિત બેડ બેંક 25 ટકા રિકવરીના અંદાજ પર રૂ. 50 હજાર કરોડની લઘુત્તમ રિકવરી તો દર્શાવશે જ
બેડ બેંક બુક વેલ્યૂના 18 ટકા કિંમતે બેડ લોન ખરીદશે, જ્યારે બેંકને 15 ટકા કેશ અને 85 ટકા જામીનગીરીના સ્વરૂપમાં ચૂકવશે
સરકાર તરફથી તાજેતરમાં રચવામાં આવેલી નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની(NARCL) કુલ રૂ. 2 લાખ કરોડની બેડ લોન્સમાંથી રિઝોલ્યુશન મારફતે રૂ. 50000 કરોડથી રૂ. 64000 કરોડ સુધીની રિકવરી નોંધાવે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. NARCLના પોર્ટફોલિયો માટેની વિવિધ રિકવરી સંભાવનાઓમાંથી 25 ટકા રિકવરી અંદાજ લેખે તે રૂ. 50 હજાર કરોડ મેળવે તેમ આંતરિક અભ્યાસ જણાવે છે. જ્યારે બીજી બાજુ જો 32 ટકાના સૌથી ઊંચા રિકવરી રેટ્સને ગણનામાં લઈએ તો NARCL રૂ. 64 હજાર સુધીની રકમ પરત મેળવી શકે છે એમ વર્તુળો જણાવે છે.
સત્તાવાર વર્તુળોના જણાવ્યા અનુસાર બેડ લોન્સના રિઝોલ્યુશનમાંથી રિકવરીનો આધાર તેના ખરીદારોએ બેડ લોન્સની ખરીદી વખતે મૂકેલા વેલ્યૂએશન પર રહેલો છે. એટલેકે બીડીંગની રકમ મહત્વની બની રહેશે. બેડ બેંક તરીકે ઓળખાતી NARCL બેંકિંગ સંસ્થાઓ પાસેથી રૂ. 2 લાખ કરોડની બેડ લોન્સને 18 ટકા કિંમતે ખરીદશે. એટલેકે તે રૂ. 36000માં બેડ લોનની ખરીદી કરશે. આમાંથી રૂ. 36000 કરોડની 15 ટકા રકમ NARCL બેંકિંગ સંસ્થાઓને રોકડમાં ચૂકવશે. જ્યારે બાકીની રકમ 85 ટકા રકમ કેન્દ્ર સરકારની ગેરંટી ધરાવતી સિક્યૂરિટી રિસિપ્ટ્સ દ્વારા ચૂકવવામાં આવશે. ખરીદ ખર્ચ કરતાં રિકવરીમાં જોવા મળતાં સુધારાને લેન્ડર્સમાં વહેંચવામાં આવશે. NARCL અને એસેટ મેનેજમેન્ટ કંપની ઈન્ડિયન ડેટ રેઝોલ્યુશન કંપની(IDRCL) જો પ્રથમ વર્ષે જ એનપીએનો ઉકેલ લાવશે તો તેમને ખરીદ કિંમત અને રિકવરી રકમ વચ્ચેના ગાળાનો 15 ટકા હિસ્સો મળશે. આમાંનો 70 ટકા હિસ્સો NARCL પાસે જશે જ્યારે બાકીના 30 ટકા IDRCLને મળશે.
બેડ લોનના ખરીદ ખર્ચ 18 ટકાથી ઉપરની રિકવરીમાંથી NARCL અને IDRCLને બીજા વર્ષે 10 ટકા રકમ મળશે. જ્યારે ત્રીજા અને ચોથા વર્ષે અનુક્રમે 8 ટકા મળશે. જ્યારે પાંચમા વર્ષે 4 ટકા મળશે. શરૂઆતી વર્ષોમાં ઊંચી ફી નિર્ધારિત કરવામાં આવી છે. જેનું મુખ્ય કારણ બેડ લોન્સના ઝડપી ઉકેલને ઈન્સેન્ટિવાઈઝ કરવાનું છે એમ વર્તુળો જણાવે છે. NARCL બેડ લોન્સના ઉકેલમાંથી મળનારી ટ્રસ્ટીશીપ ફીને લઈને આખરી નિર્ણય લેવામાં છે. વાર્ષિક ધોરણે તેને 0.8 ટકાના દરે નિર્ધારિત કરવામાં આવી છે. પાંચ વર્ષોમાં બેડ બેંક ટ્રસ્ટીશીપ ફી તરીકે રૂ. 1090 કરોડ મેળવે તેવો અંદાજ છે. IDRCL માટે મેનેજમેન્ટ ફી 0.20 ટકા રહેવાનો અંદાજ છે. આમ રૂ. 2 લાખ કરોડની બેડ લોન્સમાંથી તે રૂ. 270 કરોડ જેટલી રહેશે.

રૂ. 2 લાખ કરોડની NPA રિકવરીનો અંદાજ
રિકવરી(ટકામાં) રકમ(રૂ. કરોડમાં)
32 64000
30 60000
28 56000
27 54000
25 50000

Rushit Parmar

Recent Posts

Sai Swami Metals & Alloys Limited IPO : Key Dates

Sai Swami Metals & Alloys Limited IPO is set to launch on 30 April, 2024.…

3 days ago

Amkay Products Limited IPO : Important Updates

Amkay Products Limited IPO is set to launch on 30 April, 2024. The company initiated…

6 days ago

Storage Technologies & Automation Ltd IPO (Racks & Rollers IPO) : Key Info.

Storage Technologies & Automation Ltd IPO (Racks & Rollers IPO) is set to launch on…

6 days ago

Shivam Chemicals Limited IPO : Key Dates

Shivam Chemicals Limited IPO is set to launch on 23 April, 2024. The company initiated…

1 week ago

Varyaa Creations Limited IPO : Company Information

Varyaa Creations Limited IPO is set to launch on 22 April, 2024. The company initiated…

1 week ago

JNK India Limited IPO : Key Updates

JNK India Limited IPO is set to launch on 23 April, 2024. The company initiated…

1 week ago

This website uses cookies.