Categories: Market TipsNEWS

Market Summary 3 November 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી


વૈશ્વિક મંદી વચ્ચે ભારતીય બજારનું આઉટપર્ફોર્ન્સ
ફેડ રેટ વૃદ્ધિ પાછળ યુએસ-એશિયા-યુરોપમાં સાર્વત્રિક મંદી
હોંગ કોંગ માર્કેટમાં 3 ટકા ગાબડું, યુરોપમા 1 ટકાથી વધુ નરમાઈ
નિફ્ટી સતત ચોથા દિવસે 18K પર બંધ રહ્યો
વોલેટિલિટી ઈન્ડેક્સ 4.3 ટકા ગગડી 15.94ની સપાટીએ
બેંકિંગ, એફએમસીજી, ફાર્મામાં પોઝીટીવ ટોન
આઈટી, મેટલ, એનર્જીમાં વેચવાલી
બ્રોડ માર્કેટમાં સતત ચોથા સત્રમાં સુસ્તી
રાઈટ્સ, રેઈલ વિકાસ, ફેડરલ બેંક વાર્ષિક ટોચે ટ્રેડ થયાં
સિમ્ફની, મોતીલાલ ઓસ્વાલે 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું


યુએસ ફેડ રિઝર્વે અપેક્ષા મુજબ જ સતત ચોથીવાર 75 બેસીસ પોઈન્ટ્સ રેટ વૃદ્ધિ દર્શાવ્યાં બાદ વૈશ્વિક બજારમાં નરમાઈ જોવા મળી હતી. જોકે ભારતીય બજારે હરિફ બજારોમાં વેચવાલીને નજર અંદાજ કરી રેંજ બાઉન્ડ ટ્રેડ વચ્ચે લગભગ ફ્લેટ બંધ દર્શાવ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 70 પોઈન્ટ્સ ગગડી 60836ની સપાટીએ જ્યારે નિફ્ટી 30 પોઈન્ટ્સ ઘટાડે 18053 પર બંધ રહ્યાં હતાં. નિફ્ટી કાઉન્ટર્સમાં બ્રેડ્થ ફિફ્ટી-ફિફ્ટી જોવા મળી હતી. એટલેકે બેન્ચમાર્કમાં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 25 પોઝીટીવ જોવા મળ્યાં હતાં. જ્યારે 25 કાઉન્ટર્સ નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. લાર્જ-કેપ્સમાં બ્રેડ્થ સાધારણ પોઝીટીવ જોવા મળી હતી. જોકે માહોલ સુસ્ત હતો. સતત ચોથા દિવસે બ્રોડ માર્કેટ નિરસ જોવા મળતું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ 4.32 ટકા ગગડી 15.94ની સપાટીએ બંધ રહ્યો હતો.
બુધવારે રાતે અપેક્ષા મુજબ જ ફેડ રિઝર્વે 75 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ કરી હતી. સાથે ફેડ ચેરમેન જેરોમ પોવેલે આગામી બેઠકમાં તે રેટ વૃદ્ધિ ઘીમી કરી શકે છે તેવો સંકેત આપ્યો હતો. જેની પાછળ શરૂઆતમાં ડોલર ઈન્ડેક્સ ગગડ્યો હતો અને ડાઉ જોન્સ તથા નાસ્ડેકમાં સુધારો જોવા મળ્યો હતો. જોકે પાછળથી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે હજુ સુધી ફુગાવામાં ઘટાડાના કોઈ સંકેતો નહિ હોવાથી ફેડ માટે ફુગાવો પ્રથમ ફોકસ છે તે વાત દોહરાવતાં ડોલર ઈન્ડેક્સમાં તીવ્ર બાઉન્સ જોવા મળ્યું હતું. જ્યારે ડાઉ જોન્સ તેની 33 હજારની ટોચ પરથી 900 પોઈન્ટ્સ જેટલો ગગડ્યો હતો અને આખરે 300થી વધુ પોઈન્ટ્સ નેગેટિવ બંધ જોવા મળ્યો હતો. જેની પાછળ એશિયન બજારોમાં વેચવાલી નીકળી હતી. બે ટ્રેડિંગ સત્રોથી તીવ્ર બાઉન્સ દર્શાવનાર હોંગ કોંગ માર્કેટ 3 ટકાથી વધુ ઘટાડા સાથે બંધ રહ્યું હતું. આ ઉપરાંત ચીન, કોરિયા, તાઈવાન, સિંગાપુર અને જાપાન બજારો પણ નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. જેની પાછળ ભારતીય બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 18083ના બંધ સામે 17968ની સપાટીએ ખૂલી ઉપરમાં 18106.30ની ટોચ દર્શાવી ફરીથી ગગડ્યો હતો. જોકે બંધ થતાં સુધી તે ધીમો સુધારો દર્શાવતો રહ્યો હતો અને આખરે સાધારણ ઘટાડે બંધ રહ્યો હતો. આમ વૈશ્વિક બજારોની સરખામણીમાં તેણે આઉટપર્ફોર્મન્સ જાળવી રાખ્યું હતું. બપોરે યૂરોપિયન બજારો પણ એક ટકાથી વધુ નરમ હોવા છતાં ભારતીય બજારે તેની અવગણના કરી હતી. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે 17850ના સ્ટોપલોસ સાથે ટ્રેડર્સે લોંગ પોઝીશન જાળવવી જોઈએ. જ્યારે ઉપરમાં 18300નું સ્તર પાર થાય તો માર્કેટ 18600ની સર્વોચ્ચ ટોચ સુધી સુધારો દર્શાવી શકે છે. નિફ્ટી કેશની સરખામણીમાં ફ્યુચર્સ 68 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 18121ની સપાટી પર બંધ રહ્યો હતો. જે સૂચવે છે કે હાલમાં ટ્રેડર્સ ઊંચી લોંગ પોઝીશન ધરાવે છે.
ગુરુવારે માર્કેટને સપોર્ટ પૂરો પાડવામાં બેંકિંગ, એફએમસીજી અને ફાર્માનો સમાવેશ થતો હતો. અલબત્ત, તેઓ કોઈ મોટા સુધારા સાથે બંધ નહોતા રહ્યાં પરંતુ તેઓ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. બેંકનિફ્ટી 0.4 ટકા સુધારા સાથે 41298ની સપાટીએ બંધ રહ્યો હતો. તે દિવસ દરમિયાન મોટેભાગે ગ્રીન ઝોનમાં ટ્રેડ દર્શાવતો જોવા મળ્યો હતો. પ્રાઈવેટ સાથે પીએસયૂ બેંક્સમાં પણ ખરીદી જોવા મળી હતી. જેમાં પીએનબી 5.2 ટકા સાથે બંધ રહ્યો હતો. જ્યારે પ્રાઈવેટ બેંક્સમાં આઈડીએફસી ફર્સ્ટ બેંક 3.4 ટકા, ફેડરલ બેંક 3 ટકા, ઈન્ડસઈન્ડ બેંક એક ટકા સુધારો સૂચવતાં હતાં. પીએસયૂ બેંક્સમાં એસબીઆઈ 2 ટકા સુધારા સાથે સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. તેણે ઈન્ટ્રા-ડે રૂ. 587ની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. બીજી બાજુ કોટક બેંક, એચડીએફસી બેંક અને એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક નરમ ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી એફએમસીજી 0.3 ટકા સુધારા સાથે બંધ જોવા મળ્યો હતો. જેમાં મુખ્ય યોગદાન વરુણ બેવરેજીસ અને એચયૂએલનું હતું. વરુણ બેવરેજીસનો શેર 5.5 ટકા ઉછળી રૂ. 1189ની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. એચયૂએલનો શેર પણ 1.11 ટકા ઉછળી રૂ. 2546.35ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો. બીજી બાજુ કોલગેટ, જ્યુબિલિઅન્ટ ફૂડ, ડાબર ઈન્ડિયા, પીએન્ડજી, યુનાઈટેડ બ્રૂઅરિઝ, ટાટા કન્ઝ્યૂમર અને ઈમામીમાં ઘટાડો જોવા મળ્યો હતો. સિગારેટ અગ્રણી આઈટીસીનો શેર પણ ઈન્ટ્રા-ડે સર્વોચ્ચ ટોચ બનાવી નરમ બંધ રહ્યો હતો. ફાર્મા ઈન્ડેક્સ 0.02 ટકાના સાધારણ સુધારે બંધ જોવા મળ્યો હતો. તે બે બાજુની ઊંચી વધ-ઘટ બાદ કામકાજની આખરમાં ઝડપી બાઉન્સ થયો હતો. ફાર્મા કાઉન્ટર્સમાં બાયોકોન 4.2 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત ડો. રેડ્ડીઝ લેબ્સ, લ્યુપિન, ઝાયડસ લાઈફ, સિપ્લા, ઓરોબિંદો ફાર્મા પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. બીજી બાજુ સન ફાર્મા, આલ્કેમ લેબ અને ટોરેન્ટ ફાર્મા નેગેટિવ બંધ જોવા મળ્યાં હતાં. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ 0.6 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેમાં ફિનિક્સ મિલ્સ 5.4 ટકા સાથે સૌથી સારો સુધારો સૂચવતો હતો. આ ઉપરાંત ઓબેરોય રિઅલ્ટી 1.6 ટકા અને ગોદરેજ પ્રોપર્ટી એક ટકા મજબૂતી દર્શાવી રહ્યાં હતાં. જોકે પ્રેસ્ટીજ એસ્ટેટ, સનટેક રિઅલ્ટી, હેમિસ્ફીઅર, બ્રિગેડ એન્ટરપ્રાઈઝ, સોભા ડેવલપર્સ અને ડીએલએફ નરમાઈ સૂચવતાં હતાં. નિફ્ટી આઈટી 1.2 ટકા સાથે સૌથી ખરાબ દેખાવ દર્શાવી રહ્યો હતો. જેમાં ટેક મહિન્દ્રા 3 ટકા તૂટ્યો હતો. જે ઉપરાંત એમ્ફેસિસ 2.3 ટકા, ઈન્ફોસિસ 1.4 ટકા, વિપ્રો 1.4 ટકા, કોફોર્જ 1.2 ટકા, ટીસીએસ એક ટકા ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં. એકમાત્ર એલએન્ડટી ટેક્નોલોજી ગ્રીન ઝોનમાં બંધ દર્શાવતો હતો. નિફ્ટી ઓટો 0.4 ટકા ઘટાડો સૂચવતો હતો. જેમાં બાલક્રિષ્ણ ઈન્ડસ્ટ્રીઝ 3 ટકા સાથે સૌથી ખરાબ જોવા મળ્યો હતો. આ ઉપરાંત આઈશર મોટર્સ, તાતા મોટર્સ, એમએન્ડએમ, અશોક લેલેન્ડ, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ પણ નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. બીજી બાજુ ટીવીએસ મોટર, અમર રાજા બેટરીઝ, ભારત ફોર્જ અને બજાજ ઓટો એક ટકાથી વધુ સુધારા સાથે બંધ જોવા મળ્યાં હતાં. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 0.11 ટકાના સાધારણ ઘટાડે બંધ રહ્યો હતો. જેમાં હિંદાલ્કો 2.6 ટકા સાથે ઘટવામાં ટોચ પર હતો. આ ઉપરાંત નાલ્કો એક ટકો, હિંદુસ્તાન ઝીંક પણ ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. વેદાંત, એનએમડીસી, સેઈલ અને તાતા સ્ટીલ પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. નિફ્ટી કન્ઝ્યૂમર ડ્યૂરેબલ અડધા ટકા નરમાઈ સાથે બંધ રહ્યો હતો. જેમાં વોલ્ટાસ 5.3 ટકા સાથે તીવ્ર ઘટાડો સૂચવતો હતો. આ ઉપરાંત રિલેક્સો ફૂટવેર, ટીટીકે પ્રેસ્ટીજ, વી-ગાર્ડ, વ્હર્લપુલ, બાટા ઈન્ડિયા, ઓરિએન્ટ ઈલેક્ટ્રીક જેવા કાઉન્ટર્સમાં એકથી લઈ 5 ટકા સુધીનો ઘટાડો જોવા મળતો હતો.
એનએસઈ ડેરિવેટિવ્સ કાઉન્ટર્સમાં એમએન્ડએમ ફાઈનાન્સિયલ 14 ટકા જેટલો ઉછળ્યો હતો. આ ઉપરાંત પિરામલ એન્ટરપ્રાઈઝ, એલએન્ડટી ફાઈનાન્સ, દાલમિયા ભારત, આઈડીએફસી, કેન ફિન હોમ્સ, શ્રીરામ ટ્રાન્સપોર્ટ, ભારત ઈલે., શ્રી સિમેન્ટ્સ, ચોલા ઈન્વેસ્ટમેન્ટ, બર્ગર પેઈન્ટ્સ, મેરિકોમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ પાવર ગ્રીડ કોર્પો, પોલીકેબ, મેટ્રોપોલીસ, ઈપ્કા લેબ, એચપીસીએલમાં 2 ટકાથી વધુની નરમાઈ જોવા મળી હતી.


એક મહિનામાં PSU બેંક શેર્સે 33 ટકાનું તગડું રિટર્ન દર્શાવ્યું
ઓકટોબરમાં બેંક ઓફ ઈન્ડિયાના શેરે સૌથી સારો દેખાવ દર્શાવ્યો
નિફ્ટીમાં 6 ટકા સુધારા સાથે પીએસયૂ બેંક ઈન્ડેક્સ 17 ટકા સુધર્યો
લાંબા સમયથી શેરબજાર રોકાણકારોનું ધ્યાન ગુમાવી ચૂકેલા જાહેર ક્ષેત્રના બેંક શેર્સમાં છેલ્લો એક મહિનો અસાધારણ તેજીનો બની રહ્યો છે. ઓક્ટોબર મહિનામાં પીએસયૂ બેંક શેર્સે 33 ટકાનું તીવ્ર વળતર દર્શાવ્યું છે. બે બાજુની વધ-ઘટ વચ્ચે અથડાતાં રહેલાં મહિના દરમિયાન તમામ પીએસયૂ બેંક શેર્સ તેજીમાં જોડાયા હતાં.
સપ્ટેમ્બર ક્વાર્ટર માટે અપેક્ષાથી સારા પરિણામો પાછળ પીએસયૂ બેંક શેર્સમાં રોકાણકારોની ભારે લેવાલી જોવા મળી છે. જેની પાછળ સપ્ટેમ્બરના બંધ ભાવથી ગણીએ તો બુધવાર સુધીમાં તેમણે તગડું રિટર્ન નોંધાવ્યું છે. અભ્યાસમાં લીધેલા સમયગાળામાં બેન્ચમાર્ક નિફ્ટી 6 ટકા જેટલો સુધર્યો છે. જ્યારે પીએસયૂ બેંક ઈન્ડેક્સ તેનાથી ત્રણ ગણુ 17 ટકા રિટર્ન સૂચવે છે. આમ તે સ્પષ્ટપણે આઉટપર્ફોર્મર બની રહ્યો છે. વ્યક્તિગત પીએસયૂ બેંક્સના દેખાવની વાત કરીએ તો બેંક ઓફ ઈન્ડિયાનો શેર અન્ય હરિફ બેંક્સ કરતાં આઉટપર્ફોર્મર બની રહ્યો છે. બેંકે ગુરુવારે સપ્ટેમ્બર ક્વાર્ટર માટેના પરિણામ જાહેર કર્યાં હતાં. જેની પાછળ બેંક શેર 5 ટકા ઉછળી રૂ. 64ની સપાટીએ બંધ રહ્યો હતો. સપ્ટેમ્બર મહિનાની આખરમાં જોવા મળતાં રૂ. 48.2ના બંધ ભાવ પરથી તે 33 ટકા જેટલી વૃદ્ધિ દર્શાવતો હતો. એનએસઈ ખાતે કાઉન્ટરમાં 4.5 કરોડથી વધુ શેર્સના જંગી કામકાજ જોવા મળ્યાં હતાં. બીજા ક્વાર્ટરના પરિણામ પાછળ તીવ્ર ઉછાળો દર્શાવનાર અન્ય પીએસયૂ બેંક કાઉન્ટર્સમાં કેનેરા બેંકનો સમાવેશ થાય છે. ચોથા ક્રમની પીએસયૂ બેંકનો શેર ઓક્ટોબરમાં 29 ટકા જેટલું રિટર્ન દર્શાવી રહ્યો હતો. શેરનો ભાવ સપ્ટેમ્બરની આખરમાં રૂ. 228.75ની સપાટી પરથી ઉછળી ગુરુવારે રૂ. 295.2ની સપાટી પર બંધ રહ્યો હતો. તીવ્ર સુધારો દર્શાવનારી કેટલીક અન્ય પીએસયૂ બેંક્સમાં ઈન્ડિયન બેંક(29 ટકા)યૂકો બેંક(21 ટકા), યુનિયન બેંક(20 ટકા), મહારાષ્ટ્ર બેંક(19 ટકા), પીએનબી(13 ટકા), બેંક ઓફ બરોડા(12 ટકા) અને આઈઓબી(11 ટકા)નો સમાવેશ થાય છે. ગુરુવારે યૂકો બેંકે પણ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં નેટ પ્રોફિટમાં 100 ટકાથી વધુ વૃદ્ધિ દર્શાવતાં શેરનો ભાવ 8 ટકા જેટલો ઉછળ્યો હતો. આ ઉપરાંત આઈઓબી, યુનિયન બેંક અને સેન્ટ્રલ બેંકના શેર્સ પણ નોંધપાત્ર સુધારો દર્શાવતાં હતાં. પીએસયૂ બેંક અગ્રણી એસબીઆઈનો શેર 2 ટકાથી વધુના સુધારે તેની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. એનાલિસ્ટ્સના મતે કેલેન્ડર પીએસયૂ બેંક્સ છેલ્લાં સાત વર્ષો દરમિયાન જોવા મળી રહેલી NPAની સમસ્યામાંથી બહાર આવી છે. હાલમાં તેમની બેલેન્સ શીટ ખૂબ જ મજબૂત જોવા મળી રહી છે. જેને જોતાં આગામી ક્વાર્ટર્સમાં તેઓ ફરીથી ઊંચી વૃદ્ધિના માર્ગે જોવા મળી શકે છે. તેમના મતે કેલેન્ડર 2023 પીએસયૂ બેંક્સનું બની રહેવાની પૂરી શક્યતાં છે. ઘટાડે પીએસયૂ બેંકિંગ શેર્સમાં ખરીદી કરવાનું સૂચન પણ તેઓ તરફથી કરવામાં આવે છે. એ વાત નોંધવી રહી કે એસબીઆઈ સિવાયના પીએસયૂ બેંક શેર્સ હાલમાં તેમની સર્વોચ્ચ સપાટી સામે પાંચ ગણાથી પણ નીચા ભાવે ટ્રેડ થઈ રહ્યાં છે. તેમણે કેલેન્ડર 2011ની સાલમાં તેમની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. જ્યારબાદ 2019 સુધી તેઓ સતત ઘટાડો દર્શાવતાં રહ્યાં હતાં.


બેંકનું નામ સપ્ટેમ્બરનો બંધ બજારભાવ(રૂ.) ફેરફાર(ટકામાં)
નિફ્ટી 17094 18047 6
PSU બેંક ઈન્ડેક્સ 2995 3500 17
બેંક ઓફ ઈન્ડિયા 48.2 64.2 33
કેનેરા બેંક 228.75 295.2 29
ઈન્ડિયન બેંક 196.85 253.4 29
યૂકો બેંક 11.9 14.4 21
યુનિયન બેંક 44.65 53.8 20
મહારાષ્ટ્ર બેંક 17.8 21.15 19
PNB 36.55 41.45 13
બેંક ઓફ બરોડા 132.4 148.45 12
IOB 17.5 19.4 11
SBI 530.6 584.15 10
પંજાબ એન્ડ સિંધ બેંક 15.65 17.15 10
IDBI 41.25 44.55 8
સેન્ટ્રલ બેંક 20.1 21.65 8



દેશમાં પીગ આયર્નની આયાતમાં 84 ટકા હિસ્સો રશિયાનો
ભારતમાં પીગ આયર્નના સૌથી મોટા નિકાસકાર તરીકે રશિયા ઊભરી આવ્યો છે. એપ્રિલથી સપ્ટેમ્બર 2022ના છ મહિના દરમિયાન ભારતમાં કુલ પીગ આયર્ન આયાતનો 85 ટકા હિસ્સો રશિયા ખાતેથી આવ્યો છે. સ્ટીલ બનાવવા માટે પીગ આયર્ન મુખ્ય કાચી સામગ્રી છે. સ્ટીલ મંત્રાલયના આંકડા મુજબ 2022-23ના પ્રથમ છ મહિના દરમિયાન રશિયા ખાતેથી 26600 ટન પીગ આયર્ન આયાત થયું હતું. જે સમાનગાળામાં દેશમાં આયાત થયેલા કુલ 31700 ટન પીગ આયર્નના 84 ટકા જેટલો હતો. મુલ્યની રીતે જોઈએ તો આયાત રૂ. 100 કરોડ જેટલી થતી હતી. ગયા સપ્ટેમ્બરમાં રો મટિરિયલ ઈમ્પોર્ટમાં તીવ્ર વૃદ્ધિ જોવા મળી હતી. વાર્ષિક ધોરણે તે 3386 ટકા ઉછળી 27500 ટન પર રહી હતી. જેનો મોટાભાગનો હિસ્સો રશિયા ખાતેથી આવ્યો હતો એમ વેપાર વર્તુળો જણાવે છે.
એર કેરિયર્સ 2.5 અબજ ડોલરની ખોટ દર્શાવે તેવી શક્યતાં
વૈશ્વિક અવરોધો વચ્ચે ભારતીય એરલાઈન્સ કંપનીઓ જંગી ખોટ દર્શાવે તેવી શક્યતાં જોવાઈ રહી છે. એવિએશન કન્સલ્ટન્સી કંપની કાપા ઈન્ડિયાએ સુધારેલા અંદાજ મુજબ ચાલુ નાણા વર્ષમાં ભારતીય ઉડ્ડયન કંપનીઓ 2.5 અબજ ડોલરની ખોટ નોંધાવી શકે છે. અગાઉ તેણે 1.4-1.7 અબજ ડોલરની ખોટનો અંદાજ બાંધ્યો હતો. નો-ફ્રિલ્સ કેરિટલ ઈન્ડિગો, સ્પાઈસ જેટ અને ગોફર્સ્ટ 0.9-1 અબજ ડોલરની ખોટ દર્શાવે જ્યારે ફૂલ-સર્વિસ કેરિયર વિસ્ટારા અને એર ઈન્ડિયા 1.5 અબજ ડોલર સુધીની ખોટ દર્શાવે તેવી શક્યતાં છે. ચાલુ નાણા વર્ષ મળીને છેલ્લાં ત્રણ નાણા વર્ષોમાં ભારતીય કેરિયર્સની ખોટ 10 અબજ ડોલર થવાનો અંદાજ છે.



કોર્પોરેટ હેડલાઈન્સ
દાલમિયા ભારતઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 2971 કરોડનું વેચાણ દર્શાવ્યું હતું. જે વાર્ષિક ધોરણે 15 ટકા વૃદ્ધિ સૂચવતું હતું. કંપનીનો નફો ગયા સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 204 કરોડ સામે 77 ટકા ગગડી રૂ. 46 કરોડ રહ્યો હતો.
જિંદાલ સ્ટેનલેસ સ્ટીલઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 5442 કરોડનું વેચાણ નોંધાવ્યં હતું. જે ગયા વર્ષના રૂ. 4815 કરોડની સરખામણીમાં 13 ટકા ઊંચું હતું. કંપનીનો નફો ગયા વર્ષના રૂ. 363 કરોડની સામે 48 ટકા ગગડી રૂ. 189 કરોડ પર રહ્યો હતો.
કજરિયા સિરામિક્સઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 69.86 કરોડનો નફો નોંધાવ્યો હતો. જે રૂ. 93.54 કરોડના અંદાજ સામે નીચો હતો. કંપનીની આવક વાર્ષિક ધોરણે 11 ટકા ઉછળી રૂ. 108 કરોડ જોવા મળી હતી.
ટીસીઆઈઃ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ સપ્ટેમ્બર ક્વાર્ટરમા રૂ. 1658 કરોડની આવક દર્શાવી છે. જે વાર્ષિક 23 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીનો એબિટા રૂ. 186 કરોડ સામે રૂ. 214 કરોડ રહ્યો છે. જ્યારે નેટ પ્રોફિટ ગયા વર્ષના રૂ. 117 કરોડ સામે 14 ટકા વધી રૂ. 134 કરોડ પર જોવા મળ્યો છે.
એમએન્ડએમ ફાઈનાન્સિયલઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 448 કરોડનો નફો દર્શાવ્યો હતો. જે વાર્ષિક ધોરણે 56 ટકા ઘટાડો સૂચવતો હતો. કંપનીની આવક ગયા વર્ષે સમાનગાળાની સરખામણીમાં 3.2 ટકા ઉછળી રૂ. 2590 કરોડ પર રહી હતી.
પીએનજી હાઈજીનઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 154 કરોડનો નફો નોંધાવ્યો હતો. જે વાર્ષિક ધોરણે 29 ટકા ઘટાડો સૂચવતો હતો. કંપનીની આવક ગયા વર્ષની સરખામણીમાં 2 ટકા ઘટાડા સાથે રૂ. 1040 કરોડ પર જોવા મળી હતી.
રિલેક્સો ફૂટવેરઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 669.5 કરોડનું નેટ સેલ્સ દર્શાવ્યું છે. જે વાર્ષિક ધોરણે રૂ. 714.43 કરોડની સરખામણીમાં 6.27 ટકાનો ઘટાડો સૂચવે છે. કંપનીનો નેટ પ્રોફિટ ગયા વર્ષના રૂ. 68.69 કરોડ સામે 67 ટકા ગગડી રૂ. 22.40 કરોડ રહ્યો હતો.
પીટીસી ઈન્ડિયાઃ વિસ્ડમટ્રી ઈન્ડિયા એક્સ-સ્ટેટ-ઓઉન્ડ એન્ટરપ્રાઈઝિસ ફંડે પીટીસી ઈન્ડિયાના 15,87,756 ઈક્વિટી શેર્સને ઓપન માર્કેટમાં ઓફલોડ કર્યાં છે.
કોગ્નિઝન્ટઃ વૈશ્વિક અગ્રણી આઈટી કંપનીએ કેલેન્ડર 2022 માટેના ગાઈડન્સમાં ઘટાડો કર્યો છે. તેણે અગાઉ આપેલા 19.7-19.9 અબજ ડોલરના ગાઈડન્સ સામે હવે 19.3 અબજ ડોલરનું ગાઈડન્સ આપ્યું છે.
આઈએફબી એગ્રોઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 21 કરોડનો એબિટા દર્શાવ્યો છે. જે ગયા વર્ષના રૂ. 24 કરોડની સરખામણીમાં 12 ટકા નીચો છે. કંપનીની રેવન્યૂ ગયા વર્ષની રૂ. 664 કરોડની સામે ચાલુ વર્ષે રૂ. 483 કરોડ પર રહી હતી.
એસપી એપરલ્સઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 38 કરોડનો એબિટા દર્શાવ્યો હતો. જે ગયા વર્ષે રૂ. 40 કરોડની સરખામણીમાં 7.3 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 222 કરોડ સામે 38 ટકા ઉછળી રૂ. 306 કરોડ પર રહ્યો હતો.
વેદાંતાઃ વેદાંતા રિસોર્સિઝ લિમિટેડના લોંગ-ટર્મ કોર્પોરેટ ફેમિલી રેટિંગને મૂડીઝે ડાઉનગ્રેડ કર્યું છે. રેટિંગ એજન્સીએ અગાઉના બી2માંથી તેને ઘટાડી હવે બી3 કર્યું છે.
ફોર્જિંગ કંપનીઝઃ નોર્થ અમેરિકા ખાતે ઓક્ટોબર મહિનામાં ક્લાસ 8 ટ્રક ઓર્ડર્સ 42500 યુનિટ્સ પર જોવા મળ્યાં હતાં. જે ભારત ફોર્જ, આરકે ફોર્જ અને મધરસન જેવી કંપનીઓ માટે ન્યૂટ્રલ બાબત છે.
જેકે પેપરઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 1723 કરોડનું સર્વોચ્ચ ટર્નઓવર હાંસલ કર્યું હતું. કંપનીનો નફો 174 ટકા ઉછળી રૂ. 324 કરોડ પર રહ્યો હતો.
ત્રિવેણી ટર્બાઈનઃ કંપની રૂ. 190 કરોડના મૂલ્યના શેર્સ બાયબેક કરશે. કંપની ટેન્ડર રૂટ મારફતે રૂ. 350 પ્રતિ શેરના ભાવે આ બાયબેક કરશે.
રેલ વિકાસ નિગમઃ લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ કંપનીમાંના તેના હિસ્સામાંથી 2.02 ટકા ઈક્વિટીને ઓફલોડ કરી હતી.

Rushit Parmar

Recent Posts

Go Digit General Insurance Limited IPO : Important Dates

Go Digit General Insurance Limited IPO is set to launch on 15 May, 2024. The…

4 days ago

Indian Emulsifier Limited IPO : Company Information

Indian Emulsifier Limited IPO is set to launch on 10 May, 2024. The company was…

4 days ago

Quest Laboratories Limited IPO : Company Details

Quest Laboratories Limited IPO is set to launch on 10 May, 2024. The company was…

4 days ago

Veritaas Advertising Limited IPO : Important Updates

Veritaas Advertising Limited IPO is set to launch on 10 May, 2024. The company was…

6 days ago

Mandeep Auto Industries Limited IPO : Key Highlights

Mandeep Auto Industries Limited IPO is set to launch on 10 May, 2024. The company…

6 days ago

Premier Roadlines Limited IPO : Company Information

Premier Roadlines Limited IPO is set to launch on 10 May, 2024. The company was…

1 week ago

This website uses cookies.