બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
ઊંચા મથાળે વેચવાલીના દબાણે માર્કેટમાં ફ્લેટ બંધ
નિફ્ટી 19400 પર ટ્રેડ થઈ પરત ફર્યો
વોલેટિલિટી ઈન્ડેક્સ 3.5 ટકા ગગડી 11.80ના સ્તરે
મેટલ, આઈટી, ઓટો, એફએમસીજી, રિઅલ્ટીમાં મજબૂતી
બેંકિંગ, એનર્જીમાં નરમાઈ
સ્મોલ-કેપ્સમાં ખરીદીનું જોર યથાવત
એસ્કોર્ટ્સ, પ્રેસ્ટીજ એસ્ટેટ, ઈન્ડિયન હોટેલ્સ નવી ટોચે
શેરબજારમાં સતત ત્રીજા સત્રમાં સુધારો જોવા મળ્યો હતો. જોકે ઈન્ટ્રા-ડે ટોચ પરથી બજારે તેનો સુધારો ગુમાવ્યો હતો અને તે સાધારણ પોઝીટીવ બંધ દર્શાવવામાં સફળ રહ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 11.43 પોઈન્ટ્સ સુધરી 65087.25ની સપાટીએ જ્યારે નિફ્ટી-50 4.80 પોઈન્ટ્સ સુધારે 19347.45ની સપાટીએ બંધ રહ્યાં હતાં. મીડ અને સ્મોલ-કેપ્સમાં મજબૂતી અકબંધ જોવા મળી હતી. જેની પાછળ બીએસઈ ખાતે કુલ 3790 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2302 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ રહ્યાં હતાં. જ્યારે 1343 કાઉન્ટર્સ નેગેટિવ બંધ સૂચવતાં હતાં. 247 કાઉન્ટર્સે તેમની વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યારે 37 કાઉન્ટર્સ 52-સપ્તાહના તળિયે ટ્રેડ થયાં હતાં. 11 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 5 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. વોલેટેલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 3.5 ટકા ગગડી 11.80ના સ્તરે બંધ રહ્યો હતો.
બુધવારે ભારતીય બજારની શરૂઆત પોઝીટીવ જોવા મળી હતી. બેન્ચમાર્ક નિફ્ટી તેના અગાઉના 19343ના બંધ સામે 19433ની સપાટીએ ખૂલી ઉપરમાં 19453ની ટોચ પર ટ્રેડ થઈ લગભગ બપોર સુધી સ્થિર ટ્રેડ દર્શાવતો હતો. જોકે આખરી દોઢ કલાકમાં ઊંચા મથાળે વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું અને તેણે તમામ સુધારો ગુમાવ્યો હતો. જેની પાછળ ફ્લેટ બંધ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 7 પોઈન્ટ્સ ડિસ્કાઉન્ટમાં 19340 પર બંધ રહ્યો હતો. આમ, લોંગ પોઝીશનમાં કોઈ ખાસ રોલઓવરના સંકેતો નથી. માર્કેટ સાંકડી રેંજમાં ટ્રેડ જાળવી રાખે તેવી શક્યતાં છે. ગુરુવારે ઓગસ્ટ એક્સપાયરીને જોતાં બજાર ઈન્ટ્રા-ડે બે બાજુની વધ-ઘટ દર્શાવી શકે છે. અલબત્ત, તેના માટે 19400નો નજીકનો અવરોધ જોવા મળી રહ્યો છે. જે પાર થશે તો શોર્ટ કવરિંગ નીકળી શકે છે. ટેકનિકલ એનાલિસ્ટ્સ હજુ પણ બજારમાં ઘટાડાની શક્યતાં જોઈ રહ્યાં છે. જોકે, વૈશ્વિક બજારમાં મજબૂતી જોતાં સ્થાનિક બજારને સપોર્ટ મળતો રહેશે. બુધવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા ઘટકોમાં તાતા સ્ટીલ, મારુત સુઝુકી, આઈશર મોટર્સ, એમએન્ડએમ, ઈન્ફોસિસ, તાતા કન્ઝ્યૂમર્સ, એચસીએલ ટેક્નોલોજી, અલ્ટ્રાટેક સિમેન્ટ, એલટીઆઈ માઈન્ડટ્રી, આઈટીસી, નેસ્લે, જેએસડબલ્યુ સ્ટીલનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, પાવર ગ્રીડ કોર્પોરેશન, બીપીસીએલ, એસબીઆઈ, ડો. રેડ્ડીઝ લેબ્સ, હીરો મોટોકોર્પ, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, ડીવીઝ લેબ્સ, અદાણી પોર્ટ્સ, ઈન્ડસઈન્ડ બેંક, કોલ ઈન્ડિયા, કોટક મહિન્દ્રા બેંક, બજાજ ફાઈનાન્સમાં ઘટાડો જોવા મળતો હતો. મેટલ, સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો આઈટી, ઓટો, એફએમસીજી, રિઅલ્ટીમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ લગભગ એક ટકા મજબૂતી સાથે તાજેતરની ટોચ પર બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં વેલસ્પન કોર્પ, સેઈલ, તાતા સ્ટીલ, મોઈલ, નાલ્કો, હિંદુસ્તાન ઝીંક, રત્નમણિ મેટલ જેવા કાઉન્ટર્સ મજબૂતી દર્શાવતાં હતાં. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 0.8 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં એમ્ફેસિસ 2.4 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત, પર્સિસ્ટન્ટ, કોફોર્જ, ઈન્ફોસિસ, એચસીએલ ટેક્નોલોજી, એલએન્ડટી ટેક્નોલોજી, એલટીઆઈમાઈન્ડટ્રી, ટીસીએસ પણ પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ 1.42 ટકા ઉછળ્યો હતો. જેને સપોર્ટ આપવામાં પ્રેસ્ટીજ એસ્ટેટ, ઓબેરોય રિઅલ્ટી, ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી, ડીએલએફ, ફિનિક્સ મિલ્સ, ગોદરેજ પ્રોપર્ટીઝ, સનટેક રિઅલ્ટી મુખ્ય હતાં. નિફ્ટી બેંક ઈન્ડેક્સ જોકે 0.6 ટકા ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જેમાં બંધન બેંક, એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, ફેડરલ બેંક, કોટક મહિન્દ્રા બેંક, એયૂ સ્મોલ ફાઈ. બેંક નરમાઈ દર્શાવી રહ્યાં હતાં.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો એસ્કોર્ટ્સ કુબોટામાં તેજી જળવાય હતી અને કાઉન્ટર 7 ટકા ઉછળી નવી ટોચ પર બંધ રહ્યું હતું. આ ઉપરાંત ઈન્ડિયન હોટેલ્સ, જ્યુબિલિઅન્ટ ફૂડ, ભેલ, સેઈલ, આરબીએલ બેંક, જેકે સિમેન્ટ, આદિત્ય બિરલા ફેશન, ઈન્ફો એજ, ટીવીએસ મોટર, ઓબેરોય રિઅલ્ટી, લૌરસ લેબ્સ નોંધપાત્ર સુધારો સૂચવતાં હતાં. બીજી બાજુ એચપીસીએલ, બંધન બેંક, ઈન્ડિયા સિમેન્ટ્સ, પાવર ગ્રીડ કોર્પોરેશન, બીપીસીએલ, જીએમઆર એરપોર્ટ્સ, એસબીઆઈ, ડો. રેડ્ડીઝ લેબ્સ, આઈઓસી, ઈન્ડિગોમાં નરમાઈ જોવા મળતી હતી. કેટલાંક વાર્ષિક અથવા સર્વોચ્ચ સપાટી દર્શાવનાર કાઉન્ટર્સમાં એસ્કોર્ટ્સ, પ્રેસ્ટીજ એસ્ટેટ, ઈન્ડિયન હોટેલ્સ, બીએસઈ, રાઈટ્સ, સુઝલોન એનર્જી, મહિન્દ્રા લાઈફ, ઈઆઈએચ, ભેલ, શેલેત હોટેલ્સ, હૂડકો, કેએસબી પંપ્સ, ટીવીએસ મોટરનો સમાવેશ થતો હતો.
જીઓ ઈન્શ્યોરન્સ બિઝનેસ માટે CEOની શોધમાં રિલાયન્સ
લાઈફ, હેલ્થ અને જનરલ ઈન્શ્યોરન્સ સેગમેન્ટ્સમાં ટોચની ટેલેન્ટ મેળવવાના પ્રયાસો
જીઓ ફાઈનાન્સિયલ સર્વિસિઝના નવરચિત ઈન્શ્યોરન્સ બિઝનેસ માટે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ વૈશ્વિક અને સ્થાનિક હેડ હંટર્સ સાથે ચર્ચા-વિચારણા કરી રહી છે એમ જાણકાર વર્તુળો જણાવે છે. રિલાયન્સના અધિકારોએ આ માટે તાજેતરના સપ્તાહોમાં લાઈફ, હેલ્થ અને જનરલ ઈન્શ્યોરન્સ સેગમેન્ટ્સમાં ટોચની ટેલેન્ટ માટે કેટલીક કંપનીઓ સાથે મુલાકાત કરી હોવાનું પણ નામ નહિ આપવાની શરતે વર્તુળો જણાવે છે. રિલાયન્સના પ્રતિનિધિઓ સાથે વાત કરનારાઓમાં કોર્ન ફેરી અને સ્પેન્સર સ્ટુઅર્ટ ઈન્ક શરૂઆતી કંપની હતી એમ તેઓ ઉમેરે છે.
જીઓ ફાઈનાન્સિયલ તેના ઈન્શ્યોરન્સ યુનિટ માટે ચીફ એક્ઝીક્યુટીવની શોધ ચલાવી રહી છે. કંપની આગામી વર્ષે શરૂઆત પહેલાં સીઈઓની નિમણૂંક ઈચ્છી રહી છે એમ વર્તુળો જણાવે છે. કોર્ન ફેરી અને રિલાયન્સના અધિકારીઓએ કોઈ ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો હતો. જ્યારે સ્પેન્સર સ્ટુઅર્ટનો સંપર્ક કરી શકાયો નહોતો. ગયા સોમવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની એજીએમમાં ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે જીઓ ફાઈનાન્સિયલ ભારતના ઈન્શ્યોરન્સ બિઝનેસમાં ક્રાંતિ આણશે. જીઓ ફાઈનાન્સિયલનું ગયા સપ્તાહે શેરબજાર પર લિસ્ટીંગ થયું હતું. જે દેશમાં 33મા ક્રમનું મૂલ્ય ધરાવતી કંપની બની હતી. જીઓ ફાઈનાન્સિયલ હાલમાં ઈન્શ્યોરન્સ બિઝનેસ માટે ઓર્ગેનાઈઝેશ્નલ સ્ટ્રક્ચર વિકસાવવાની પ્રક્રિયામાં છે. જેમાં પ્રથમ સીઈઓની ભૂમિકા ખૂબ મહત્વની બની રહેશે એમ વર્તુળો જણાવે છે.
સરકાર ચાર મહિનાઓમાં 100 મિનરલ બ્લોક્સની હરાજી શરૂ કરશે
ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશન માટે જરૂરી ફ્યુઅલ જેવાકે લિથીયમ ઉપરાંત નીકલ, કોબાલ્ટ અને પ્લેટીનમ જેવા મિનર્સનો સમાવેશ
ભારત સરકાર આગામી ચાર મહિનાઓમાં લગભગ 100 જેટલાં ક્રિટીકલ મિનરલ બ્લોક્સ માટે હરાજીની પ્રક્રિયાની શરૂઆત માટે તૈયારી કરી રહી છે. ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશન માટે જરૂરી બળતણની જરૂરિયાત પૂર્ણ કરવા માટે સ્થાનિક સપ્લાયને સુરક્ષિત બનાવવા માટે સરકાર આમ કરશે. આ બ્લોક્સમાં નીકલ, લિથીયમ, કોબાલ્ટ અને પ્લેટીનમ સાથે રેર અર્થ્સ મટિરિયલ્સનો સમાવેશ થાય છે એમ માઈન્સ સેક્રેટરી વિવેક ભારદ્વાજે જણાવ્યું હતું.
હરાજી માટે લીગલ ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવી ચૂક્યું છે અને બ્લોક્સની ઓળખ થઈ ચૂકી છે એમ તેઓ જણાવે છે. ડિસેમ્બર સુધીમાં બીડ માટે ટેન્ડર મંગાવવામાં આવે તેવી અપેક્ષા છે. જ્યારે તેના ત્રણ મહિના પછી ઓક્શન્સની શરૂઆત થઈ જશે એમ તેઓ ઉમેરે છે. વિશ્વમાં પોતાને મહત્વના બેટરી અને ઈલેક્ટ્રીક વેહીકલ્સ મેન્યૂફેક્ચરિંગ હબ તરીકે સ્થાપિત કરવાની મહત્વાકાંક્ષાને ધ્યાનમાં રાખી ભારત ક્રિટીકલ મિનરલ્સની સુરક્ષાની ખાતરી મેળવવા ઈચ્છે છે. હાલમાં ભારત લિથિયમ, કોબાલ્ટ અને નીકલ જેવી ખનીજોનું સ્થાનિક સ્તરે ઉત્પાદન કરી રહ્યું નથી.
વૈશ્વિક તથા સ્થાનિક માઈનર્સને પ્રક્રિયામાં ભાગ લેવા માટે રાહત આપવાના ભાગરૂપે સરકાર એક્સપ્લોરેશન માટેનો અડધો ખર્ચ પરત કરવાનું વિચારી રહી છે એમ પણ સચિવ જણાવે છે. કંપનીઓને માઈન્સને કાર્યાન્વિત કરતાં ઓછામાં ઓછો ત્રણ વર્ષનો સમય લાગી શકે છે એમ તેમનું કહેવું છે. ભારત સરકારે ગયા મહિને લિથીયમ જેવા કેટલાંક ક્રિટિકલ મિનર્સના એક્સપ્લોરેશનને વેગ આપવા માટે ગયા મહિને માઈનીંગ નિયમોમાં ફેરફાર કર્યાં હતાં. આ સુધારાઓ તાજેતરમાં જમ્મુ અને કાશ્મીર તથા કર્ણાટકમાં મળેલા લિથીયમ બ્લોક્સની હરાજી માટે મહત્વના બની રહેશે. કેટલીક જાહેર ક્ષેત્રની કંપનીઓ આ પ્રકારની એસેટ્સ માટે વિશ્વભરમાં ધ્યાન દોડાવી રહી છે. જ્યારે કોલ ઈન્ડિયા અને એનટીપીસી જેવા હેવીવેઈટ્સ આ ખનીજોના ઉત્પાદન માટે વિચારી રહ્યાં છે. ભારત સરકારના ત્રણ સાહસોના બનેલા ખનીજ વિદેશ ઈન્ડિયાની રચના વિદેશમાં ક્રિટિકલ મિનરલની ખરીદી માટે ખરવામાં આવી છે. જેમાં મુખ્યત્વે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ અમેરિકાનો સમાવેશ થાય છે.
HDFC BANK-HDFCના મર્જરથી NBFCને રૂ. 1.5 લાખ કરોડની લિમિટની ગિફ્ટ
નોમુરાના મતે મોર્ગેજ ફાઈનાન્સર એચડીએફસીના મર્જરથી બજાજ ફાઈનાન્સ, જીઓ ફાઈનાન્સિયલ સહિતને મોટો લાભ મળશે
એચડીએફસી બેંકમાં હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઈનાન્સ કોર્પોરેશન(એચડીએફસી)ના મર્જરને કારણે નોન-બેંકિંગ ફાઈનાન્સિયલ કંપનીઝ(એનબીએફસી) તેમજ હાઉસિંગ ફાઈનાન્સિયર્સ માટે હવે રૂ. 1.5 લાખ કરોડની બેંક લિમિટ પ્રાપ્ય છે એમ એનાલિસ્ટ્સ જણાવે છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નિર્ધારિત કરેલી મર્યાદા મુજબ સિંગલ એનબીએફસીમાં બેંક્સ 20 ટકાથી વધુ ટિયર વન કેપિટલનું એક્સપોઝર ધરાવી શકે નહિ. જ્યારે એક એનબીએફસી ગ્રૂપમાં તે 25 ટકાથી વધુ એક્સપોઝર રાખી શકે નહિ. 31 માર્ચ, 2023ના રોજ એચડીએફસી લિમિટેડનું કુલ બોરોઈંગ 69.14 અબજ ડોલર પર જોવા મળતું હતું. આમાંથી બેંક્સ તરફથી 23 ટકા ટર્મ લોન્સનો સમાવેશ થતો હતો. જે લગભગ 15.9 અબજ ડોલર અથવા તો રૂ. 1.5 લાખ કરોડ જેટલી થવા જાય છે. એચડીએફસી બેંકમાં મર્જર પછી એચડીએફસી લિમિટેડનું આ એક્સપોઝર હવે એનબીએફસી/એચએફસી ક્લાસિફિકેશનમાંથી દૂર થયું છે એમ એનાલિસ્ટ્સ જણાવે છે. આનો અર્થ એવો નથી જ થતો કે કોસ્ટ ઓફ ફંડ્સમાં ઘટાડો જોવા મળશે પરંતુ એનબીએફસી બેંક્સ પાસેથી તેટલાં જ દરે હવે નોંધપાત્ર પ્રમાણમાં મોટી રકમ ઊભી કરી શકશે.
આનો લાભ સમગ્ર સેક્ટરને મળશે પરંતુ વિદેશી બ્રોકિંગ કંપની નોમુરાના મતે બજાજ ફાઈનાન્સ અને તેની હાઉસિંગ ફાઈનાન્સ સબસિડિયરી બજાજ હાઉસિંગ ફાઈનાન્સ માટે આ મોટી પોઝીટીવ બાબત છે. બજાજ ફાઈનાન્સ વૈવિધ્યીકરણ ધરાવતી લાયેબિલિટી ફ્રેન્સાઈઝ ધરાવે છે. જે તેના AAA રેટિંગ સાથે મજબૂત ટ્રેક રેકર્ડ ધરાવે છે. જે છેલ્લાં ઘણા વર્ષોમાં તે મોટી બેંક્સ સાથે ફંડીંગ કોસ્ટના ગેપને ઘટાડવામાં સહાયરૂપ બની છે એમ નોમુરાના એનાલિસ્ટ્સે તેમની તાજી નોંધમાં જણાવ્યું છે. વરિષ્ઠ બેંકિંગ એનાલિસ્ટ્સના જણાવ્યા મુજબ જે એનબીએફસી મજબૂત ટ્રેક રેકર્ડ ધરાવે છે તેમને ફંડ્સ સરળતાથી મળી રહેશે. જેમાં જીઓ ફાઈનાન્સિયલ સર્વિસિઝ કે ચોલામંડલમ ફાઈનાન્સ જેવી એનબીએફસી તેમની ઓઉનરશીપને કારણે બેંક્સ પાસેથી નાણા મેળવી શકશે એમ તેઓ જણાવે છે. જો કશું પણ ખોટું થાય તો બેંકને કોઈની ખાતરી જરૂરી બની રહે છે. બેંક્સ તરફથી પ્રાઈવેટ ઈક્વિટીને ખાસ ભરોસાપાત્ર જામીનદાર તરીકે ગણવામાં નથી આવતો. તેઓ મજબૂત પ્રમોટર્સ ઈચ્છતાં હોય છે એમ તેઓ ઉમેરે છે. હાલમાં બજાજ ફાઈનાન્સની લાયેબિલિટી મિક્સમાં 30 ટકા હિસ્સો બેંક્સનો છે. ચોલામંડલમમાં 49 ટકા અને શ્રીરામ ફાઈનાન્સમાં 24 ટકા બેંક્સનો હિસ્સો છે. દરમિયાનમાં ચોલામંડલમ માટે 15 ટકા હિસ્સો એનસીડીનો છે જ્યારે શ્રીરામ ફાઈનાન્સ માટે 17.7 ટકા અને બજાજ ફાઈનાન્સ માટે 35 ટકાનો હિસ્સો છે. એક્સિસ કેપિટલની એક ધારણા મુજબ 2023-24માં ટોચના ઈન્ટરેસ્ટ રેટ્સ જોવા મળશે અને તેથી એનબીએફસીના નેટ ઈન્ટરેસ્ટ માર્જિન્સ સ્થિરતા દર્શાવે તેવી અપેક્ષા છે. આરબીઆઈએ છેલ્લાં 15 મહિનામાં રેટ વૃદ્ધિ દર્શાવી હતી. જેની પાછળ એનબીએફસીનો ફંડીંગ ખર્ચ વધ્યો હતો.
BSEએ બેંકેક્સની એક્સપાયરીને શુક્રવાર પરથી સોમવારે ફેરવી
નવી ગોઠવણ 16 ઓક્ટોબરથી અમલી બનશે
બીએસઈએ બેંકેક્સ ડેરીવેટિવ્સ કોન્ટ્રેક્ટ્સની એક્સપાયરીને શુક્રવારથી ખસેડી સોમવારે કરવાનો નિર્ણય લીધો છે. એસએન્ડપી બીએસઈ બેંકેક્સ ડેરિવેટીવ્સ કોન્ટ્રેક્ટ્સની એક્સપાયરી 16 ઓક્ટોબરથી અમલમાં આવશે એમ બોમ્બે સ્ટોક એક્સચેન્જે એક સર્ક્યુલરમાં જણાવ્યું હતું. હાલમાં બેંકેક્સ દર સપ્તાહના શુક્રવારે એક્સપાયર થાય છે. દરમિયાનમાં સેન્સેક્સ ડેરિવેટીવ્સ કોન્ટ્રેક્ટ્સની એક્સપાયરીને શુક્રવાર પરથી ખસેડવામાં નથી આવી.
જો એક્સપાયરીના દિવસે રજાના કારણે ટ્રેડિંગ બંધ હશે તો તે અગાઉના દિવસે યોજાશે એમ એક્સચેન્જે સ્પષ્ટતામાં જણાવ્યું હતું. એક્સચેન્જે ઉમેર્યું હતું કે બેંકેક્સની એક્સપાયરી બદલવાનો નિર્ણય વિવિધ માર્કેટ પાર્ટિસિપન્ટ્સ પાસેથી મેળવેલા પ્રતિભાવને આધારે લેવામાં આવ્યો છે. હાલમાં એનએસઈનો નિફ્ટી બેંક કોન્ટ્રેક્ટ્સ ગુરુવારે એક્સપાયર થાય છે. જોકે 6 સપ્ટેમ્બરથી તે બુધવારે એક્સપાયર થશે. જોકે, બેંક નિફ્ટીના માસિક એફએન્ડઓ કોન્ટ્રેક્ટ્સ મહિનાના છેલ્લાં ગુરુવારે એક્સપાયરી જાળવી રાખશે. બીએસઈએ 15 મેથી તેના ડેરિવેટીવ્સ સેગમેન્ટને રિવાઈવ કર્યું છે. જ્યારપછી વોલ્યુમમાં સ્થિર વૃદ્ધિ જોવા મળી છે
SAT તરફથી પુનિત ગોએન્કાને વચગાળાની રાહતનો ઈન્કાર
સિક્યૂરિટીઝ એપલેટ ટ્રિબ્યુનલ(સેટ)એ ઝી એન્ટરટેઈનમેન્ટના ભૂતપૂર્વ સીઈઓ પુનિત ગોએન્કાને સેબી કેસમાં વચગાળાની રાહત આપવાનો ઈન્કાર કર્યો છે. ટ્રિબ્યુનલે સેબીને આ બાબતે તેનો પ્રતિભાવ પાઠવવા માટે 4 સપ્ટેમ્બર સુધીનો સમયગાળો આપ્યો છે. તેણે 8 સપ્ટેમ્બરે હવેની સુનાવણી યોજી છે.
જૂનમાં માર્કેટ રેગ્યુલેટરે એસ્સેલ જૂથ ચેરમેન સુભાષ ચંદ્ર અને તે વખતે ઝીના સીઈઓ પુનિત ગોએન્કાને કોઈપણ લિસ્ટેડ કંપની કે તેની સબસિડિયરીઝમાં કોઈપણ ડિરેક્ટોરિયલ કે ચાવીરૂપ મેનેજરીઅલ હોદ્દો ધારણ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. ચંદ્રા અને તેમના પુત્ર ગોએન્કા તરફથી લિસ્ટેડ કંપનીના મહત્વના હોદ્દા વખતે તેમના લાભમાં કંપનીના નાણાનું ગબન કરવાનું જણાતાં સેબીએ આ પ્રકારનો આદેશ કર્યો હતો. જોકે, ચાલુ મહિનાની શરૂમાં માર્કેટ રેગ્યુલેટર એક વધુ આદેશ બહાર પાડ્યો હતો અને ગોએન્કા તેમજ ચંદ્રાને ચાર ઝી જૂથની કંપનીઓના બોર્ડરૂમ્સમાં હાજરી પર પ્રતિબંધ મૂક્યો હતો. જેમાં ઝી એન્ટરટેઈનમેન્ટ, ઝી મિડિયા કોર્પોરેશન, ઝી મિડિયા કોર્પ અને ઝી આકાશ ન્યૂઝનો સમાવેશ થાય છે. રેગ્યુલેટરના જણાવ્યા મુજબ ચંદ્રા કે ગોએન્કા મર્જર પછી બનનારી કોઈપણ કંપનીમાં ડિરેક્ટર્સ રહી શકે નહિ. જેને કારણે ઝી અને સોનીના મર્જર પછી ગોએન્કાની ડિરેક્ટરશીપ પર અસર પડી હતી. સેબીના ઓર્ડરમાં સેબી ચેરમેન માધવી પુરી બૂચે નોંધ્યું હતું કે ઝી લિ.ના એમડી અને સીઈઓ તરીકે પુનિત ગોએન્કાએ નિયમોનો ભંગ કર્યો હતો.
જૂન ક્વાર્ટરમાં 43 શહેરોમાં હાઉસિંગના ભાવ વધ્યાઃ NHB
નેશનલ હાઉસિંગ બેંકના જણાવ્યા મુજબ સાત શહેરોમાં જોકે રેસિડેન્શિયલ પ્રોપર્ટીઝના ભાવ ઘટ્યાં
ચાલુ નાણા વર્ષ 2023-24માં દેશના 43 શહેરોમાં રેસિડેન્શિયલ યુનિટ્સના ભાવમાં વૃદ્ધિ જોવા મળી છે. જ્યારે સાત શહેરોમાં મકાનોના ભાવ ઘટ્યાં હોવાનું નેશનલ હાઉસિંગ બેંક(એનએચબી) જણાવે છે. એનએચબી તરફથી રજૂ થતાં હાઉસિંગ પ્રાઈસ ઈન્ડેક્સમાં હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ માટેના રેગ્યુલેટરે જણાવ્યું છે કે હોમ લોનના દરો હજુ પણ મહામારી અગાઉના સમયગાળા કરતાં નીચા જોવા મળી રહ્યાં છે. જેને કારણે હજુ પણ સમગ્રતયા મકાનોના ભાવ પોસાય તેવા જોવા મળી રહ્યાં છે.
દેશમાં આંઠ મુખ્ય રેસિડેન્શિયલ માર્કેટ્સમાં અમદાવાદમાં એપ્રિલ-જૂન દરમિયાન મકાનોના ભાવમાં 9.1 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. જ્યારે બેંગલૂરૂંમાં 8.9 ટકા અને કોલકોતામાં 7.8 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. આ સિવાય ચેન્નાઈ(1.1 ટકા), દિલ્હી(0.8 ટકા), હૈદરાબાદ(6.9 ટકા), મુંબઈ(2.9 ટકા) અને પૂણે(6.1 ટકા)માં હાઉસિંગ પ્રાઈસ ઈન્ડેક્સ(એચપીઆઈ)ના આધારે વાર્ષિક ધોરણે ઈન્ડેક્સમાં વૃદ્ધિ જોવા મળી હતી.
50-શહેરોમાં રેસિડેન્શિયલ પ્રોપર્ટીઝના ભાવોને આધારે એચપીઆઈની ગણતરી કરવામાં આવે છે. જે માટે બેંક્સ અને હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ તરફથી ભાવ મેળવવામાં આવે છે. જૂન ક્વાર્ટરમાં એચપીઆઈમાં વાર્ષિક ધોરણે 4.8 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. જે ગયા વર્ષે સાત ટકા પર જોવા મળી હતી. ત્રિમાસિક ધોરણે જોઈએ તો જૂન ક્વાર્ટરમાં એચપીઆઈમાં 0.7 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. જે અગાઉના ક્વાર્ટરમાં 1.3 ટકા પર જોવા મળી હતી.
બિટકોઈન ETF ટૂંકમાં જ અસ્તિત્વમાં આવે તેવી શક્યતાં
યુએસ માર્કેટ રેગ્યુલેટર SECના ઈન્કારને કોર્ટે અમાન્ય રાખતાં સ્પોટ બિટકોઈન ઈટીએફ્સ અસ્તિત્વમાં આવશે
ટોચના ફંડ મેનેજર્સ બ્લેકરોક, ઈન્વેસ્કો, ફિડેલિટી, ગ્રેસ્કેલે બિટકોઈન ઈટીએફ્સમાં દર્શાવેલો ઊંડો રસ
એક્સચેન્જ ટ્રેડેડ ઈન્ડેક્સ, ગોલ્ડ અને સિલ્વર ફંડ્સ પછી હવે બિટકોઈન આધારિત એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ પણ ટૂંકમાં અસ્તિત્વમાં આવે તેવી શક્યતાં ઊભી થઈ છે. યુએસ સ્થિત ફંડ મેનેજર ગ્રેસ્કેલ અને યુએસ માર્કેટ રેગ્યુલેટર SEC વચ્ચે આ મુદ્દે કોર્ટે ગ્રેસ્કેલની તરફેણ કરતાં ક્રિપ્ટોકરન્સી બેઝ્ડ ઈટીએફ્સ માટે માર્ગ મોકળો થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જે સ્પોટ બિટકોઈન ઈટીએફ્સ હશે અને ટૂંકમાં જ અસ્તિત્વમાં આવશે.
અત્યાર સુધી યુએસ માર્કેટ રેગ્યુલેટર બિટકોઈન ઈટીએફ્સ માટેની અરજીઓને ફગાવતું હતું. તેની દલીલ એવી હતી કે અન્ડરલાઈંગ એસેટ ક્લાસ(બિટકોઈન) ખૂબ જ વોલેટાઈલ નેચરનો છે અને તેથી આવી પ્રોડક્ટ્સ યોગ્ય નથી. જોકે, તાજેતરમાં યુએસ કોર્ટ્સે એસઈસીની સામે ગ્રેસ્કેલની તરફેણ કરી છે. તેમજ બ્લેકરોકે આ માટે ફાઈલીંગ પણ કર્યું છે. જેની પાછળ બિટકોઈન ઈટીએફ્સની શક્યતાં વધી ગઈ છે. યુએસ સ્થિત ટોચના ફંડ મેનેજર્સ બ્લેકરોક, ઈન્વેસ્કો, ફિડેલિટી, ગ્રેસ્કેલે બિટકોઈન ઈટીએફ્સમાં ઊંચો રસ દર્શાવ્યો છે. તેમના મતે બિટકોઈનમાં સીધા રોકાણ કરવા કરતાં બિટકોઈન ઈટીએફ્સમાં રોકાણ કરવું વધુ સુરક્ષિત છે. કેમકે બિટકોઈન ભલે ઊંચી વોલેટિલિટી સૂચવતો હોય પરંતુ બિટકોઈન ઈટીએફ્સ એટલી ચંચળતા નહિ દર્શાવતાં હોય. તેમજ, ઈટીએફ્સ શરૂ થવાથી બિટકોઈન રોકાણકારોનો વર્ગ બહોળો બનશે અને એસેટ ક્લાસ વધુ મેચ્યોર બનતો જોવા મળશે.
બિટકોઈન ઈટીએફ્સ શું છે?
ઈટીએફ્સ એટલે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એ આપણે જાણીએ છીએ. સામાન્યરીતે આ પ્રકારની પ્રોડક્ટ્સ ચોક્કસ ઈન્ડેક્સ, સેક્ટર, કોમોડિટી કે અન્ય એસેટને ટ્રેક કરતી હોય છે. બિટકોઈન ઈટીએફ્સ પણ આ જ રીતે બિટકોઈનને ટ્રેક કરતું હશે. જે સ્ટોક એક્સચેન્જિસ પર ટ્રેડ થતું હશે. તે બિટકોઈન સંબંધી એસેટ્સનો એક પુલ હશે. જે ઈટીએફ્સ તરીકે ટ્રેડ થશે અને બ્રોકરેજિસ તરફથી ઓફર કરવામાં આવશે. ઈટીએફ્સનો હેતુ એવા રિટેલ રોકાણકારોને ક્રિપ્ટોકરન્સિઝમાં રોકાણની તક આપવાનો છે જેઓ આવી કરન્સિઝમાં સીધું રોકાણ કરવામાં જોખમ જોઈ રહ્યાં છે. જે રોકાણકારો ક્રિપ્ટોમાં રોકાણ કરવા ઈચ્છે છે તેમણે હાલમાં ક્રિપ્ટો એક્સચેન્જિસ પર જઈ વોલેટ બનાવી તેમાં ક્રિપ્ટો જાળવવાના રહે છે. જેના બદલે ઈટીએફ્સ સ્ટોક એક્સચેન્જિસ પર પ્રાપ્ય હશે. જેની વિશ્વસનીયતા ઘણી ઊંચી હોવાથી ત્યાં રોકાણકાર સરળતાથી રોકાણ કરી શકશે.
હાઈલાઈટ્સઃ
• ફંડ મેનેજર્સ બિટકોઈન ઈટીએફ્સ શરૂ કરવા માટે ભારે પ્રયાસો કરી રહ્યાં છે. તેઓ ક્રિપ્ટોકરન્સિઝમાં સીધા રોકાણ કરતાં ઈટીએફ્સને વધુ સુરક્ષિત વિકલ્પ ગણાવે છે
• યુએસ કોર્ટ્સે ફંડ મેનેજર ગ્રેસ્કેલની યુએસ એસઈસી સામેના કેસમાં તરફેણ કરતાં સ્પોટ બિટકોઈન ઈટીએફ્સ શરૂ થઈ શકે છે
કોર્પોરેટ હેડલાઈન્સ
તાતા મોટર્સ/મહિન્દ્રાઃ ભારતીય ઓટો ઉત્પાદકો તાતા મોટર્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ સરકારની પ્રોડક્શન-લિંક્ડ ઈન્સેન્ટિવ સ્કિમ હેઠળ પેઆઉટ્સ મેળવવા માટેની યોગ્યતા દર્શાવતાં મહત્વના માપદંડ એવા ડોમેસ્ટીક વેલ્યૂ સર્ટીફિકેટ્સ મેળવ્યાં છે. 2020માં લોંચ કરાયેલી પીએલઆઈ સ્કિમ્સ 14 સેક્ટર્સને આવરી લે છે. જૂન સુધીમાં ઓટો પીએલઆઈ હેઠળ કલ રૂ. 10755 કરોડનું રોકાણ થયું છે.
ટીટાગઢ રેલ સિસ્ટમ્સઃ અગાઉ ટીટાગઢ વેગન્સ તરીકે જાણીતી કંપનીએ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન તરફથી અમદાવાદ મેટ્રો રેલ ફેઝ-2ના કામકાજ માટે રૂ. 350 કરોડનો ઓર્ડર મેળવ્યો છે. જેમાં 30 સ્ટાન્ડર્ડ ગૌજ કાર્સની ડીઝાઈન, ઉત્પાદન, સપ્લાય, ટેસ્ટીંગ અને કમિશ્નીંગનો સમાવેશ થાય છે. કંપનીએ 70 સપ્તાહમાં પ્રોટોટાઈપ મેટ્રો કાર બનાવવાની રહેશે અને 94 સપ્તાહમાં ડિલિવર કરવાની રહેશે.
સ્ટ્રાઈડ્સ ફાર્માઃ ફાર્મા કંપનીએ 200 એમજી-એમએલ સ્ટ્રેન્ટના ઓરલ સસ્પેન્શન માટેના જેનેરિક માઈકોફેનોલેટ મોફેટિલ માટે યુએસએફડીએની મંજૂરી મેળવી લીધી છે. જેનો ઉપયોગ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટના દર્દીઓમાં કરવામાં આવે છે. આ પ્રોડક્ટ રોશ પાલો અલ્ટોની લિસ્ટેડ ડ્રગ સેલસેપ્ટની સમકક્ષ છે.
ઓએનજીસીઃ પીએસયૂ હાઈડ્રોકાર્બન જાયન્ટે જણાવ્યું છે કે નેટ ઝીરો ટાર્ગેટ્સ માટે તે 2038 સુધીમાં રૂ. 2 લાખ કરોડનું રોકાણ કરશે. કંપની ગ્રીન એમોનિયા, હાઈડ્રોજન, સોલાર અને અન્ય ઉપાયોમાં આ રોકાણ કરશે. કંપની 2030 સુધીમાં તેના રિન્યૂએબલ પોર્ટફોલિયોને 10 ગીગાવોટ પર લઈ જવા તરફ આગળ વધી રહી છે.
જેએસડબલ્યુ ગ્રૂપઃ સ્ટીલ ક્ષેત્રે જોડાયેલું જૂથ ફોર્ડ મોટરના ચેન્નાઈ સ્થિત બંધ પડેલા પ્લાન્ટને ખરીદવા માટેની મંત્રણાના આખરી તબક્કામાં પહોંચી ગયું હોવાનું જાણવા મળે છે. 350 એકર્સમાં ફેલાયેલી ફોર્ડની ફેક્ટરી વાર્ષિક 2 લાખ વાહનો તથા 3.4 લાખ એન્જિન્સની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. પ્લાન્ટ જુલાઈ 2022થી બંધ હાલાતમાં છે. ફોર્ડે સપ્ટેમ્બર 2021માં ભારતીય બિઝનેસ બંધ કરવાનો નિર્ણય લીધો હતો.
ટ્રાઈજિન ટેકઃ કંપીએ ડિજિયલ ઈન્ડિયા કોર્પોરેશન પાસેથી લોકોસ પ્રોજેક્ટ માટે ટેકનિકલ મેનપાવર પૂરો પાડવા માટે રૂ. 100 કરોડના મૂલ્યનો ઓર્ડર મેળવ્યો છે.