બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
શેરબજારમાં ત્રણ સત્રોની મજબૂતી પર બ્રેક વાગી
નિફ્ટી ફરી 19300ની નીચે ઉતરી ગયો
એશિયન બજારોમાં સાર્વત્રિક નરમાઈ જોવા મળી
વોલેટિલિટી ઈન્ડેક્સ 2.2 ટકા મજબૂતી સાથે 12.06ના સ્તરે
આઈટી, રિઅલ્ટી સિવાય અન્યત્ર ઘટાડો નોંધાયો
એનસીસી, બીએસઈ, લક્ષ્મી મશીન, ઝેનસાર ટેક નવી ટોચે
TCNS ક્લોધીંગ, વેંદાત નવી નીચી સપાટીએ
ભારતીય શેરબજાર શરૂઆતી ત્રણ સપ્તાહોમાં ગ્રીન ઝોનમાં બંધ દર્શાવ્યાં પછી ગુરુવારે રેડ ઝોનમાં સરી પડ્યું હતું. એશિયન બજારોમાં પણ નરમાઈ હોવાથી સ્થાનિક બજારને ખાસ સપોર્ટ સાંપડ્યો નહોતો. બીએસઈ સેન્સેક્સ 256 પોઈન્ટ્સ ગગડી 64831.41ની સપાટીએ જ્યારે નિફ્ટી 94 પોઈન્ટ્સ ગગડી 19254ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં નરમાઈ વચ્ચે મીડ અને સ્મોલ-કેપ્સમાં મજબૂતી જળવાયેલી રહી હતી. જેને કારણે બ્રેડ્થ પોઝીટીવ જોવા મળતી હતી. બીએસઈ ખાતે કુલ 3768 કાઉન્ટર્સમાંથી 1837 પોઝીટીવ જોવા મળતાં હતાં. જ્યારે 1784 કાઉન્ટર્સ નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. 250 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ બનાવી હતી. જ્યારે 22 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. 10 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 6 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2.2 ટકા મજબૂતી સાથે 12.06ના સ્તરે બંધ રહ્યો હતો.
ગુરુવારે ભારતીય બજારે શરૂઆત પોઝીટીવ દર્શાવી હતી. જોકે, તે ગ્રીન ઝોનમાં ટકી શક્યું નહોતું અને ધીમે-ધીમે ઘસારાતરફી બની રહ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 19347.45ના બંધ સામે 19375.55ની સપાટી પર ઓપન થઈ ઉપરમાં 19388.20ની ટોચ બનાવી 19,223.65ના ઈન્ટ્રા-ડે લો પર ટ્રેડ થયો હતો અને તેની નજીક જ બંધ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર ફ્લેટ 19254 પર બંધ રહ્યો હતો. જે માર્કેટમાં શોર્ટ કે લોંગ, કોઈપણ પ્રકારની પોઝીશનમાં ખાસ વૃદ્ધિ નહિ થઈ હોવાનું સૂચવે છે. જોકે, માર્કેટટ ફરી 19300ની નીચે બંધ રહેતાં ટેકનિકલ એનાલિસ્ટ્સ ઘટાડાતરફી ટ્રેન્ડ જોઈ રહ્યાં છે. તેમના મતે નિફ્ટી વધુ ઘટાડે 18800 સુધી નીચે ઉતરી શકે છે. જ્યારે ઉપરમાં 19400-19500ની રેંજમાં અવરોધ જોવા મળે છે. જે પાર થશે તો બેન્ચમાર્ક 20 હજાર તરફ સરકી શકે છે. ગુરુવારે નિફ્ટીને સપોર્ટ કરનારા કાઉન્ટર્સમાં મારુતિ સુઝુકી મુખ્ય હતો. શેર 2 ટકાથી વધુ ઉછળી પ્રથમવાર રૂ. 10 હજાર પર બંધ દર્શાવવામાં સફળ રહ્યો હતો. આ ઉપરાંત સિપ્લા, એચડીએફસી લાઈફ, ટાઈટન કંપની, હિંદાલ્કો, તાતા સ્ટીલ, કોલ ઈન્ડિયા, ટેક મહિન્દ્રા, એલટીઆઈમાઈન્ડટ્રી, અલ્ટ્રાટેક સિમેન્ટ, વિપ્રોમાં પણ મજબૂતી જોવા મળતી હતી. બીજી બાજુ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, બીપીસીએલ, અદાણી પોર્ટ્સ, આઈશર મોટર્સ, બ્રિટાનિયા, તાતા કન્ઝઅયૂમર, યૂપીએલ, બજાજ ફાઈનાન્સ, બજાજ ઓટો, એપોલો હોસ્પિટલ, હીરો મોટોકોર્પ, એશિયન પેઈન્ટ્સ, ડિવિઝ લેબ્સ, એચયૂએલ, પાવર ગ્રીડ કોર્પોરેશનમાં નરમાઈ જોવા મળતી હતી.
સેક્ટરલ દેખાવની વાત કરીએ તો આઈટી, રિઅલ્ટી સિવાય અન્ય તમામ સેક્ટર્સમાં ઘટાડો નોંધાયો હતો. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 0.2 ટકા પોઝીટીવ બંધ દર્શાવતો હતો. જેના ઘટકોમાં પર્સિસ્ટન્ટ સિસ્ટમ, કોફોર્જ, એમ્ફેસિસ, એલએન્ડટી ટેક્નોલોજી, ટેક મહિન્દ્રા પોઝીટીવ બંધ રહ્યાં હતાં. નિફ્ટી રિઅલ્ટી 0.65 ટકા સુધારા સાથે બંધ જોવા મળ્યો હતો. જેના ઘટકોમાં પ્રેસ્ટીજ એસ્ટેટ 5.5 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત ફિનિક્સ મિલ્સ, ડીએલએફ, ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી, સોભા પણ મજબૂત બંધ સૂચવતાં હતાં. બીજી બાજુ એફએમસીજી, એનર્જી, પીએસયૂ બેંકિંગ્સમાં નોંધપાત્ર નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી પીએસૂય બેંકસ 1.3 ટકા ઘટાડે બંધ રહ્યો હતો. જેમાં બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઈન્ડિયા, કેનેરા બેંક, સેન્ટ્રલ બેંક, યૂકો બેંક, યુનિયન બેંક, એસબીઆઈ, પંજાબ એન્ડ સિંધ બેક તથા આઈઓબીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતો હતો. એકમાત્ર જેકે બેંક 5 ટકાથી વધુ સુધારો સૂચવી રહ્યો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટમાં મણ્ણાપુર ફાઈનાન્સ 3.83 ટકા મજબૂતી સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત એમસીએક્સ ઈન્ડિયા, પર્સિસ્ટન્ટ, બિરલાસોફ્ટ, કોફોર્જ, એમ્ફેસિસ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, જીએમઆર એરપોર્ટ્સ, હિંદ કોપર, શ્રીરામ ફાઈનાન્સ, હેવેલ્સ ઈન્ડિયા, ભેલ, મારુતિ સુઝુકી, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ડિયામાર્ટ, સિપ્લા, ઓએફએસએસ, વોલ્ટાસ, પોલીકેબ અને જિંદાલ સ્ટીલમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ, ટોરેન્ટ ફાર્મા લગભગ 6 ટકાનો ઘટાડો સૂચવતો હતો. કંપનીના પ્રમોટર્સ તરફથી હિસ્સાના વેચાણના અહેવાલે ઘટાડો જોવા મળ્યો હતો. આ ઉપરાંત પાવર ફાઈનાન્સ, અદાણી એન્ટરપ્રાઈઝ, એચપીસીએલ, અંબુજા સિમેન્ટ્સ, બીપીસીએલ, અદાણી પોર્ટ્સ, એસ્કોર્ટ્સ કુબોટા, બેંક ઓફ બરોડામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં એનસીસી, બીએસઈ, લક્ષ્મી મશીન, ઝેનસાર ટેક, કલ્યાણ જ્વેલર્સ, પ્રેસ્ટીજ એસ્ટેટ, સીજી પાવર, ફિનોલેક્સ ઈન્ડનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, TCNS ક્લોધીંગ, વેંદાત નવી નીચી સપાટીએ ટ્રેડ થયાં હતાં.
UBSએ ક્રેડિટ સ્વીસના ટેકઓવર પછી 29 અબજ ડોલરનો નફો નોંધાવ્યો
ટોચની સ્વીસ બેંક યુબીએસે હરિફ ક્રેડિટ સ્વીસના ટેકઓવર પછી જૂન ક્વાર્ટર માટે 29 અબજ ડોલરનો વિક્રમી નફો દર્શાવ્યો છે. આ ડીલ જૂનમાં જ પૂરું થયું હોવાથી પરિણામમાં ક્રેડિટ સ્વીસની એક મહિનાની અર્નિંગ્સને જ સમાવવેમાં આવી હતી. યુબીએસે ગુરુવારે જૂન ક્વાર્ટર માટેના પરિણામ જાહેર કર્યાં હતાં. જેમાં 28.88 અબજ ડોલરનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. યૂબીએસે માર્ચમાં ક્રેડિટ સ્વીસને ખરીદી માત્ર 3.4 અબજ ડોલરમાં કરી હતી. ક્રેડિટ સ્વીસને નાદાર બનતી બચાવવા સ્વિટ્ઝર્લેન્ડ સરકારના કહેવાથી યૂબીએસે આ ખરીદી કરવાની બની હતી. યૂબીએસે જણાવ્યું હતું કે પરિણામ મુખ્યત્વે ક્રેડિટ સ્વીસની ખરીદી પર 28.93 અબજ ડોલરની નેગેટિવ ગુડવીલ દર્શાવે છે.
ઓગસ્ટમાં રશિયાથી ક્રૂડ આયાત સાત મહિનાના તળિયા પર નોંધાઈ
માસિક ધોરણે રશિયન ક્રૂડ આયાતમાં 24 ટકાનો તીવ્ર ઘટાડો જોવા મળ્યો
ભારતીય રિફાઈનર્સે ઈરાક ખાતેથી ખરીદીમાં પણ 8 ટકા ઘટાડો નોઁધાવ્યો
ઓગસ્ટમાં ભારતની રશિયન ઓઈલની ખરીદી સાત મહિનાના તળિયા પર જોવા મળી હતી. ચોમાસાને કારણે સ્થાનિક બજારમાં માગ ઘટવાના કારણે આમ બન્યું હતું. તેમજ રિફાઈનર્સ તરફથી રૂટિન મેન્ટેનન્સ પણ આયાત ઘટાડા પાછળનું એક કારણ હતું.
વિશ્વમાં ત્રીજા ક્રમના ક્રૂડ વપરાશકાર ભારતની આયાત ઓગસ્ટમાં સતત ત્રીજા મહિને ઘટી 15.7 લાખ બેરલ્સ પર રહી હતી. જે માસિક ધોરણે 24 ટકાનો તીવ્ર ઘટાડો દર્શાવતી હતી. જાન્યુઆરી 2023 પછીની સૌથી નીચી રશિયન ક્રૂડ આયાત જોવા મળી હતી એમ ડેટા ઈન્ટેલિજન્સ કંપની કેપ્લર જણાવે છે. જોકે, રશિયા ઉપરાંત દેશ માટે મહત્વના ક્રૂડ સપ્લાયર ઈરાક ખાતેથી પણ ક્રૂડની આયાતમાં ઘટાડો નોંધાયો હતો. ઓગસ્ટમાં ઈરાક ખાતેથી ક્રૂડ આયાત માસિક ધોરણે 10 ટકા ગગડી 8.48 લાખ બેરલ્સ પર જોવા મળી હતી. જોકે, આમાંનો કેટલોક ઘટાડો સાઉદી અરેબિયા ખાતેથી ક્રૂડની આયાતમાં વૃદ્ધિ મારફતે સરભર થયો હતો. સાઉદી ખાતેથી ક્રૂડ આયાત 63 ટકા ઉછળી 8.52 લાખ બેરલ્સ પર જોવા મળી હતી. ભારત ખાતે રશિયાની આયાતમાં ગયા વર્ષથી સતત વૃદ્ધિ જોવા મળી રહી છે. મેમાં તે પ્રતિ દિવસ 21.5 લાખ બેરલ્સની ટોચ પર પહોંચી હતી. રિફાઈનર્સે ઊંચું ડિસ્કાઉન્ટ ધરાવતાં રશિયન ક્રૂડની આયાત વધારતાં આમ બન્યું હતું. દૈનિક ધોરણે 3.01 બેરલ્સની ક્ષમતા ધરાવતી મેંગ્લોર રિફાઈનરી એન્ડ પેટ્રોકેમિકલ્સે તેની આયાતમાં 66 ટકા જેટલો ઘટાડો કર્યો હતો. જ્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ખરીદી ઘટીને 11 લાખ બેરલ્સ પ્રતિ દિવસ પર રહી હતી. જે સામાન્યરીતે 12થી 13 લાખ બેરલ્સ પ્રતિ દિવસ જોવા મળતી હતી. સપ્ટેમ્બરમાં કંપનીએ ક્રૂડ ડિસ્ટીલેશન યુનિટને બંધ કરવાનું વિચાર્યું હોવાથી આમ બન્યું હોવાનું કેપ્લરનું કહેવું છે.
ઓગસ્ટમાં ભારતની સમગ્રતયા ક્રૂડ આયાત માસિક ધોરણે 7 ટકા ઘટાડો દર્શાવતી હતી અને 43.5 લાખ બેરલ્સ પ્રતિ દિવસ પર રહી હતી. જોકે, તેમાં ઓક્ટોબરથી વૃદ્ધિ જોવા મળે તેવી શક્યતાં છે. કેમકે ચોથા ક્વાર્ટરમાં ક્રૂડની માગ ઊંચકાતી હોય છે તેમજ તે વખતે કોઈ મોટાપાયે મેન્ટેનન્સની કામગીરી પણ જોવા મળતી હોતી નથી એમ વર્તુળોનું કહેવું છે.
અદાણી જૂથે શેર્સમાં મેનિપ્યૂલેશનના આક્ષેપોને ફગાવ્યાં
જૂથે સોરોસ-સમર્થિત હિતો તરફથી હિંડેનબર્ગના પાયાવિહોણા જૂના આક્ષેપોને વિદેશી મીડિયાના એક વર્ગનો ઉપયોગ કરી ફરીથી દોહરાવ્યા હોવાનું જણાવ્યું
અદાણી જૂથે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટીંગ પ્રોજેક્ટ(OCCRP) તરફથી અદાણી જૂથના લિસ્ટેડ શેર્સમાં મોરેશ્યસ સ્થિત પારિવારિક ભાગીદારો તરફથી સંચાલિત ગુપ્ત ઈન્વેસ્ટમેન્ટ ફંડ્સ મારફતે કરોડો ડોલરનું રોકાણ કર્યું હોવાના આક્ષેપને ફગાવ્યો હતો. જૂથે કેટલાંક ઈન્વેસ્ટીગેટીવ જર્નાલિસ્ટ્સના જૂથે કરેલા આક્ષેપોને હિંડેનબર્ગ તરફથી કરવામાં આવેલા પાયાવિહોણા આક્ષેપોનું પુનરાવર્તન ગણાવ્યું હતું. તેમજ સોરોસ જેવા ભારત-વિરોધી માનસિક્તા ધરાવતાં રોકાણકારના ફંડિંગ સમર્થન ધરાવતાં હિતોએ આમ કર્યું હોવાનું જણાવ્યું હતું. બિલિયોનર ગૌતમ અદાણીના જૂથે જાન્યુઆરીમાં યુએસ શોર્ટ સેલર હિંડેનબર્ગ તરફથી કરાયેલા આક્ષેપોને પણ ફગાવ્યાં હતાં.
આક્ષેપઃ અદાણી જૂથના શેર્સમાં પરિવારના નજીકના મિત્રો તરફથી રોકાણ કરવામાં આવ્યું.
અદાણી જૂથનો જવાબઃ અદાણી જૂથે આ આક્ષેપને ફગાવ્યો છે અને તેને ‘’રિસાઈકલ્ડ એલીગેશન્સ’’ ગણાવ્યાં છે. જૂથે તેના જવાબમાં નોંધ્યું છે કે આ આક્ષેપો એક દાયકા અગાઉ સંબંધિત એજન્સીની તપાસ પછી બંધ થઈ ગયેલા કેસો આધારિત છે. જેમાં ડિરેક્ટર ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સ(DRI) તરફથી ઓવર ઈન્વોસઈસિંગ, વિદેશમાં ફંડ્સ ટ્રાન્સફર, રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્સન્સ અને એફપીઆઈ મારફતે રોકાણોના આક્ષપોની તપાસ કરી તેને ખોટાં હોવાનું જણાવ્યું હતું. સ્વતંત્ર ઓથોરિટી અને એપેલેટ ટ્રિબ્યુનલ, બંનેએ જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારનું ઓવર-વેલ્યૂએશન નથી થયું તેમજ ટ્રાન્ઝેક્શન્સ નિયમો મુજબના જ હતાં. આ અંગે માર્ચ 2023માં સુપ્રીમ કોર્ટે પણ અદાણી જૂથની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો. આમ સ્પષ્ટ થાય છે કે કોઈ ઓવર-વેલ્યૂએશન નહી હોવાથી ફંડ્સ ટ્રાન્સફર કરવાનો કોઈ સવાલ જ ઊભો નથી થતો એમ અદાણી જૂથે નોંધ્યું છે. એ વાત પણ ઉલ્લેખનીય છે કે અત્રે એ ઉલ્લેખનીય છે કે, આ ફોરેન પોર્ટફોલિઓ ઇન્વેસ્ટમેન્ટ(FPIs) પહેલેથી જ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) ની તપાસનો ભાગ છે. નામદાર સર્વોચ્ચ અદાલત દ્વારા નિયુક્ત થયેલી નિષ્ણાત સમિતિના નોંધ્યા મુજબ લઘુત્તમ પબ્લિક શેરહોલ્ડિંગ (એમપીએસ)ની આવશ્યકતાઓનો ભંગ અથવા શેરના ભાવમાં હેરફેરનો કોઈ પુરાવો મળ્યો નથી.
આક્ષેપઃ જૂથ તરફથી ડિસ્ક્લોઝર્સ નિયમોનો ભંગ કરાયો છે.
અદાણી જૂથનો જવાબઃ અદાણી જૂથના મતે સોરોસ સમર્થિત શોર્ટ સેલર્સ ફરી એકવાર ખોટા આક્ષેપો કરી શેર્સમાં ઘટાડો લાવી નફો રળી લેવા માગે છે. હાલમાં આ શોર્ટ સેલર્સની પણ વિવિધ સત્તાવાળાઓ દ્વારા તપાસ ચાલી રહી છે. જ્યારે સુપ્રીમ કોર્ટ અને સેબી પણ કેસની તપાસ કરી રહ્યાં છે. અમે કાયદાની યોગ્ય પ્રક્રિયામાં ભરોસો ધરાવીએ છીએ. અમારા ડિસ્ક્લોઝર્સની ગુણવત્તા અને કોર્પોરેટ ગવર્નન્સના ધોરણો પર વિશ્વાસ રાખીએ છીએ. વધુમાં આ સમાચાર અહેવાલોના પ્રકાશનનો સમય શંકાસ્પદ, તરકટી અને બદઇરાદા પ્રેરીત છે જેને અમે સંપૂર્ણ રીતે નકારીએ છીએ.
અદાણી જૂથ કંપનીઓના M-Capમાં રૂ. 35 હજાર કરોડથી વધુનો ઘટાડો
અદાણી જૂથની લિસ્ટેડ કંપનીઓના શેર્સમાં ગુરુવારે રૂ. 35 હજાર કરોડથી વધુનો ઘટાડો જોવા મળતો હતો. જૂથની સિમેન્ટ કંપની એસીસી સિવાય અન્ય તમામ નવ-જૂથ કંપનીઓના શેર્સ ઘટાડો દર્શાવતાં હતાં. જેની પાછળ જૂથ કંપનીઓનું કુલ માર્કેટ-કેપ રૂ. 10.85 લાખ કરોડ પરથી ગગડી રૂ. 10.49 લાખ કરોડ આસપાસ નોંધાયું હતું. જૂથ કંપનીઓના શેર્સ 2-4 ટકાની રેંજમાં ઘટાડો સૂચવતાં હતાં.
ગુરુવારે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટીંગ પ્રોજેક્ટ(OCCRP)ના રિપોર્ટ પાછળ શેરબજારમાં અદાણી જૂથ શેર્સે પ્રતિક્રિયા દર્શાવી હતી. જોકે, અદાણી જૂથે આ રિપોર્ટના આક્ષેપોને ફગાવતાં શેર્સ તેમના શરૂઆતી ઘટાડાને કેટલેક અંશે પચાવી બાઉન્સ થયાં હતાં. જોકે, તેઓ સંપૂર્ણપણે ગ્રીન ઝોનમાં પરત નહોતો ફર્યાં. અદાણી જૂથે આક્ષેપોને બેબુનિયાદ અને બદઈરાદાપૂર્વકના ગણાવી તેને ફગાવ્યાં હતાં. જૂથે આ પ્રયાસ જ્યોર્જ સોરોસ પ્રેરિત હોવાનો આક્ષેપ કર્યો હતો
જૂથ કંપનીઓમાં ફ્લેગશિપ અદાણી એન્ટરપ્રાઈઝનો શેર 3.73 ટકા ગગડી રૂ. 2500ની નીચે ઉતરી ગયો હતો. જ્યારે અદાણી પોર્ટ્સનો શેર 3.24 ટકા ઘટાડો સૂચવતો હતો. અદાણી ગ્રીનમાં 4.31 ટકા, અદાણી એનર્જી 3.53 ટકા, અદાણી ટોટલ 2.55 ટકા, અદાણી વિલ્મર 2.56 ટકા, અદાણી પાવર 2.16 ટકાનો ઘટાડો દર્શાવતાં હતાં. આ ઉપરાંત અંબુજા સિમેન્ટ 3.52 ટકા અને એનડીટીવી 2.19 ટકા ઘટાડો સૂચવી રહ્યાં હતાં. એકમાત્ર એસીસીનો શેર 0.26 ટકા સુધારા સાથે બંધ જોવા મળ્યો હતો.
જીઓ ફાઈ. સર્વિસિઝને 1 સપ્ટે.થી BSE સૂચકાંકોમાંથી દૂર કરાશે
જોકે એનએસઈ સૂચકાંકોને લઈને હજુ કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાંથી છૂટી પડેલી જીઓ ફાઈનાન્સિયલ સર્વિસિઝ(જેએફએસ)ને બીએસઈ સૂચકાંકોમાંથી 1 સપ્ટેમ્બરના રોજ દૂર કરવામાં આવશે. જેમાં સેન્સેક્સનો સમાવેશ પણ થતો હશે એમ બોમ્બે સ્ટોક એક્સચેન્જે ગુરુવારે જણાવ્યું હતું. શુક્રવારે સવારે ટ્રેડિંગની શરૂઆત અગાઉ જીઓ ફાઈનાન્સિયલ સર્વિસિઝને એસએન્ડપી બીએસઈ સૂચકાંકોમાંથી દૂર કરવામાં આવશે એમ બીએસઈએ એક નોટિસમાં જણાવ્યું હતું. અગાઉ જેએફએસને 23 ઓગસ્ટે દૂર કરવાનું નિર્ધારિત હતું. જોકે કંપનીનો શેર તે વખતે સતત બે સત્રોમાં લોઅર સર્કિટ્સમાં બંધ રહેતાં આમ થઈ શક્યું નહોતું. 31 ઓગસ્ટે જેએફએસનો શેર સતત ત્રીજા સત્રમાં પોઝીટીવ જોવા મળ્યો હતો અને 5 ટકાની અપર સર્કિટમાં બંધ રહ્યો હતો. ગુરુવારે કામકાજની આખરમાં બીએસઈ ખાતે તે રૂ. 242.50ની સપાટીએ બંધ રહ્યો હતો. ટોચના બ્રોકરેજના મતે સેન્સેક્સમાં જેએફએસનું વેઈટ 1.1 ટકા જેટલું હતું. કાઉન્ટરમાં પેસિવ ફંડ્સ તરફથી 6 કરોડ શેર્સનું વેચાણ નોંધાયું હોવાનું તેણે જણાવ્યું હતું. જોકે, તેમનું વેચાણ ગયા સપ્તાહે જ લગભગ પૂર્ણ થઈ ચૂક્યું હતું અને તેને કારણે ચાલુ સપ્તાહે શેર સતત પોઝીટીવ બંધ દર્શાવતો જોવા મળ્યો હતો. જોકે, જ્યાં સુધી જેએફએસનો શેર સતત બે સત્રો દરમિયાન અપર કે લોઅર સર્કિટ્સમાં બંધ આપવાનું વલણ નહિ છોડે ત્યાં સુધી તેને નિફ્ટી સૂચકાંકોમાંથી દૂર નહિ કરાય એમ બ્રોકરેજનું કહેવું છે.
સિપ્લામાં હિસ્સો ખરીદવા ટોરેન્ટ ફાર્મા પ્રમોટર્સ 20 ટકા હિસ્સો વેચે તેવી શક્યતાં
ટોરેન્ટ જૂથનું પ્રમોટર મહેતા પરિવાર કંપનીમાં 71.25 ટકાનો બહુમતી હિસ્સો ધરાવે છે
હિસ્સા વેચાણના અહેવાલ પાછળ ટોરેન્ટ ફાર્માના શેરમાં 5.74 ટકાનો ઘટાડો નોંધાયો
દેશમાં બીજા ક્રમની ફાર્મા કંપની સિપ્લાના પ્રમોટર હમીદ પરિવારનો હિસ્સો ખરીદવા માટે અમદાવાદ સ્થિત ટોરેન્ટ ફાર્માના પ્રમોટર્સ પોતાની કંપનીમાં કેટલાંક હિસ્સાનું વેચાણ કરે તેમ વર્તુળો જણાવી રહ્યાં છે. જોકે, હજુ સુધી આ પ્રકારના અહેવાલને કોઈ સત્તાવાર સમર્થન મળ્યું નથી. ગુરુવારે શેરમાર્કેટ ટ્રેડિંગ ચાલુ હતું ત્યારે આ પ્રકારની ખબર વહેતી થઈ હતી. જેની પાછળ ટોરેન્ટ ફાર્માનો શેર 5.74 ટકા ઘટાડે રૂ. 1843.50ની સપાટીએ બંધ રહ્યો હતો. બીજી બાજુ, સિપ્લામાં પ્રમોટર હિસ્સાની ખરીદીમાં રસ વધી રહ્યો હોવા પાછળ શેર 1.74 ટકા ઉછળી રૂ. 1257.60ની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો.
આમ તો છેલ્લાં એક મહિનાથી સિપ્લા પ્રમોટર હમીદ પરિવારનો હિસ્સો ખરીદવા માટે વિવિધ ખરીદારોના નામ ચર્ચાઈ રહ્યાં છે. જેમાં સૌપ્રથમ યુએસ સ્થિત બે પીઈ કંપનીઓ બ્લેકસ્ટોન અને બેરિંગ પીઈ એશિયા-ઈક્યૂટીના નામ બહાર આવ્યાં હતાં. જ્યારે ગયા સપ્તાહે તેમાં સ્થાનિક ફાર્મા જાયન્ટ ટોરેન્ટ ફાર્માનું નામ પણ જોડાયું હતું. છેલ્લાં વર્ષોમાં ઈનઓર્ગેનિક વિકલ્પો અપનાવીને વૃદ્ધિના માર્ગે ઝડપથી આગળ વધી રહેલાં ટોરેન્ટ ફાર્માના પ્રમોટર્સ માટે સિપ્લાની ખરીદી સ્થાનિક બજારમાં વ્યૂહાત્મક પગલું બની શકે છે. બે ટોચની ફાર્મા કંપનીઓની સિનર્જી ભેગી થાય તો ભવિષ્યમાં ટોરેન્ટ એક વૈશ્વિક ફાર્મા જાયન્ટ તરફ ઝડપથી આગેકૂચ કરી શકે છે એમ ફાર્મા એનાલિસ્ટ્સ માની રહ્યાં છે. સિપ્લામાં હિસ્સા ખરીદી માટે ટોરેન્ટ જૂથે જેપી મોર્ગન જેવા મજબૂત સલાહકારને પણ નીમ્યો છે અને તેઓ પ્રાઈવેટ ઈક્વિટી ફંડ્સ સાથે કોન્સોર્ટિયમ સ્થાપીને ખરીદી માટે વિચારી રહ્યાં છે એમ વર્તુળો જણાવે છે. આ અંગે કેટલાંક સંભવિત ભાગીદારો સાથે પ્રાથમિક સ્તરની વાતચીત થઈ ચૂકી છે અને ટૂંકમાં મંત્રણા પછીના તબક્કામાં પ્રવેશશે. જોકે, આ અંગે કોઈપણ કંપની તરફથી સમર્થન સાંપડ્યું નથી. અગાઉ સિપ્લા પ્રમોટર હમીદ પરિવાર આ પ્રકારના અહેવાલોને રદિયો આપી ચૂક્યો છે. જોકે, માર્કેટમાં સિપ્લાના શેરમાં છેલ્લાં દોઢેક મહિનામાં જોવા મળી રહેલી તેજી આ બાબતને આડકતરું સમર્થન આપી રહી છે. જો ટોરેન્ટ ફાર્મા સિપ્લામાં પ્રમોટર્સનો હિસ્સો ખરીદવામાં સફળ રહેશે તો તે ભારતીય ફાર્મા સેક્ટરમાં સૌથી મોટું એક્વિઝીશન હશે. તેમજ સ્થાનિક ફાર્મા સેક્ટરમાં કોન્સોલિડેશનની દિશામાં એક શરૂઆત તરીકે પણ જોવામાં આવશે. ટોરેન્ટ ફાર્મા છેલ્લાં વર્ષોમાં આ પ્રકારના એક્વિઝિશન્સની બાબતમાં આક્રમક જોવા મળી રહી છે.
ટોરેન્ટ અને સિપ્લાનું મર્જર જાયન્ટ ફાર્મા કંપનીનું સર્જન કરી શકે
દેશમાં માર્કેટ-વેલ્થની રીતે ટોચની પાંચ ફાર્મા કંપનીઓમાં સમાવેશ પામતી બે કંપનીઓના મર્જરથી બીજા ક્રમની સૌથી મોટી ફાર્મા કંપનીનું સર્જન થઈ શકે છે. ગુરુવારે સિપ્લાનું માર્કેટ-કેપ પ્રથમવાર રૂ. 1 લાખ કરોડને પાર કરી રૂ. 1.01 લાખ કરોડ પર જોવા મળ્યું હતું. જ્યારે ટોરેન્ટ ફાર્માનું માર્કેટ-કેપ રૂ. 62,358 કરોડ પર નોંધાયું હતું. આમ, બંને કંપનીઓનું મળીને કુલ રૂ. 1.63 લાખ કરોડથી વધુનું માર્કેટ-કેપ જોવા મળતું હતું. જ્યારે દિલીપ સંઘવીના નેતૃત્વ હેઠળની સન ફાર્મા રૂ. 2.67 લાખ કરોડના માર્કેટ-કેપ સાથે સૌથી ઊંચું વેલ્યૂએશન ધરાવે છે. આ ઉપરાંત ડિવિઝ લેબ્સ રૂ. 95 હજાર કરોડનું તથા ડો. રેડ્ડીઝ લેબ્સ રૂ. 93 હજાર કરોડનું નોંધપાત્ર માર્કેટ-કેપ સૂચવે છે. સિપ્લા પ્રમોટરનો હિસ્સો ખરીદવામાં ટોરેન્ટનો મહેતા પરિવાર સફળ રહેશે તો તેઓ બીજા ક્રમની ફાર્મા કંપનીના માલિક બની રહેશે.
JC ફ્લાવર્સ, યસ બેંક ARC અને સુભાષ ચંદ્રે રૂ. 6500 કરોડના ડેટ વિવાદને ઉકેલ્યો
એગ્રીમેન્ટ મુજબ જેસી ફ્લાવર્સ ડેટમાં 75 ટકા ઘટાડો સ્વીકારશે જ્યારે ચંદ્રા જેસી ફ્લાવર્સને રૂ. 1500 કરોડ ચૂકવી પરિવારની એસેટ્સ પરત મેળવશે
યસ બેંકની એસેટ રિકન્સ્ટ્રક્શન પાંખ, જેસી ફ્લાવર્સ એઆરસી અને ઝી જૂથના સુભાષ ચંદ્ર વચ્ચે રૂ. 6500 કરોડના ડેટના વિવાદને લઈ સેટલમેન્ટ થયું છે. ત્રણેય વચ્ચે સમાધાનના કરાર મુજબ જેસી ફ્લાવર્સ ડેટમાં 75 ટકા ઘટાડાનો સ્વીકાર કરશે. જે ચંદ્રાને જેસી ફ્લાવરને રૂ. 1500 કરોડ ચૂકવવા માટેનો માર્ગ મોકળો કરશે. આમ કરી તેઓ પરિવારની સંપત્તિ પર અંકુશ પરત મેળવશે. જેમાં ડિશ ટીવી, ઝી લર્ન અને સેન્ટ્રલ દિલ્હી સ્થિત બંગલા સહિત ત્રણ પ્રોપર્ટીઝનો સમાવેશ થાય છે એમ વર્તુળો જણાવે છે.
વર્તુળોના જણાવ્યા મુજબ સમાધાનની શરતો મુજબ 30 દિવસોની અંદર જ શરૂઆતી 15 ટકા રકમ જમા કરાવવાની રહેશે. જ્યારે બાકીની 85 ટકા રકમ પછીના છ મહિના દરમિયાન ચૂકવવાની રહેશે. એ વાત નોંધવાની રહેશે કે જેસી ફ્લાવર્સ એઆરસીએ યસ બેંક પાસેથી ડિસ્કાઉન્ટેડ રેટમાં આ એસેટ ખરીદી હતી. તેણે યસ બેંકના રૂ. 48000 કરોડના નોન-પર્ફોર્મિંગ એસેટ્સ પોર્ટફોલિયોને ડિસેમ્બર 2022માં રૂ. 11183 કરોડથી સહેજ વધુ રકમ ચૂકવીને ખરીદ્યો હતો. એસ્સેલ જૂથની સબસિડિયરી ઝી લર્ને અગાઉ એક્સચેન્જિસને જેસી ફ્લાવર્સ એઆરસી સાથે આ મુદ્દે સમાધાનના સંકેતો આપ્યાં હતાં. જ્યાં સુધી એસ્સેલ જૂથ કંપનીઓ કરાર મુજબ સમગ્ર નાણાની ચૂકવણી નહિ કરે ત્યાં સુધી જેસી ફ્લાવર્સ એઆરસી ડિશ ટીવીમાં તેનો 25 ટકા હિસ્સો જાળવશે.
JSW જૂથની EV માટે ચાઈનીઝ કાર ઉત્પાદક લીપમોટર સાથે મંત્રણા
જેએસડબલ્યુ સિંગલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી ત્રણ મીડ-સાઈઝ સ્પોર્ટ-યુટિલિટી વેહીકલ્સ બનાવે તેવી શક્યતાં
સ્ટીલથી એનર્જી સુધીના બિઝનેસિસમાં સક્રિય જેએસડબલ્યુ જૂથ ભારતમાં ઈલેક્ટ્રીક વેહીકલ્સ બનાવવા માટેના ટેક્નોલોજી લાયસન્સ માટે ચાઈનીઝ ઓટો ઉત્પાદક લીપમોટર સાથે શરૂઆતી વાતચીત ચલાવી રહ્યું હોવાનું જાણકાર વર્તુળોનું કહેવું છે. ટેક્નોલોજી લાયસન્સિંગ એગ્રીમેન્ટ હેઠળ જેએસડબલ્યુ પોતાના બ્રાન્ડ નામ હેઠળ ભારતમાં ઈવી બનાવવા માટે લીપમોટર્સના પ્લેટફોર્મનો ઉપયોગ કરશે એમ વર્તુળો જણાવે છે. જૂથ તરફથી ઝડપી વૃદ્ધિ દર્શાવી રહેલા સેગમેન્ટમાં પ્રવેશ માટેનો આ બીજા પ્રયાસ છે.
વર્તુળોના મતે જેએસડબલ્યુ ઓછામાં ઓછા ત્રણ મીડ-સાઈઝ સ્પોર્ટ-યુટિલિટી વેહીકલ્સ(એસયૂવી) માટે સિંગલ પ્લેટફોર્મનો ઉપયોગ કરશે. સાથે લીપમોટર્સ ભારતીય કંપની માટે કાર્સનું એન્જીનીયરીંગ પણ કરશે એમ તેઓ ઉમેરે છે. જોકે, ઉત્પાદનની શરૂઆત ક્યારે થશે તે અંગે વર્તુળો કશું જણાવતાં નથી. જેએસડબલ્યુ જૂથ ચીનને એસએઆઈસી મોટર કોર્પ પાસેથી એમજી મોટર ઈન્ડિયામાં હિસ્સો ખરીદવા માટે મંત્રણા ચલાવી રહ્યું છે. કંપની તેના ઈવી પ્રવેશને વેગ આપવાના ભાગરૂપે આમ કરી રહ્યું છે. જોકે હાલમાં મંત્રણાઓ ધીમી પડી હોવાનું વર્તુળોનું કહેવું છે. ભારતનું ઈવી માર્કેટ ઘણું નાનુ છે. 2022-23માં કુલ કાર્સના વેચાણમાં ઈવી કાર્સનું વેચાણ 2 ટકાથી પણ નીચું જોવા મળ્યું હતું. જેમાં તાતા મોટર્સનું પ્રભુત્વ જોવા મળે છે. જોકે, ઈવી કાર્સનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. સરકાર 2030 સુધીમાં કુલ વાહનોમાં ઈવી વેચાણનો હિસ્સો 30 ટકા સુધી લઈ જવા માગે છે.
ચાલુ કેલેન્ડરમાં ડેટ માર્કેટમાં FPI ઈનફ્લો વર્ષની ટોચે
વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો(એફપીઆઈ)એ ભારતીય ડેટ માર્કેટમાં ચાલુ કેલેન્ડર 2023માં છ વર્ષનો સૌથી ઊંચો ડેટ માર્કેટ ઈનફ્લો દર્શાવ્યો છે. ચાલુ વર્ષે જૂન મહિનામાં એફપીઆઈએ ડેટ સિક્યૂરિટીઝમાં સૌથી ઊંચો રૂ. 10,325 કરોડનો ઈનફ્લો નોંધાવ્યો હતો. માર્કેટમાં અનિશ્ચિતતાને કારણે જુલાઈમાં ઈનફ્લો સાધારણ નરમ જોવા મળ્યો હતો. જોકે, ઓગસ્ટમાં ઈનફ્લો માસિક ધોરણે લગભગ બમણો નોંધાયો હતો. જેનું કારણ ઈન્ડરનેશનલ બોન્ડ ઈન્ડાઈસિસમાં ભારતના સમાવેશને લઈને આશાવાદ હતો.
ઓગસ્ટમાં તેમણે રૂ. 6067 કરોડનું ડેટ રોકાણ કર્યું હતું. જે જુલાઈમાં માત્ર રૂ. 3113 કરોડ પર હતું એમ એનએસડીએલનો ડેટા સૂચવે છે. માર્ચ મહિના સિવાય 2023ના તમામ મહિના દરમિયાન એફપીઆઈએ ડેટ સિક્યૂરિટીઝમાં પોઝીટીવ રોકાણ નોંધાવ્યું છે. આઈસીઆઈસીઆઈ સિક્યૂરિટીઝના પ્રાઈમરી ડીલરશીપના ઈવીપીના જણાવ્યા મુજબ ભારત સરકારની જામીનગીરીઓના વૈશ્વિક બોન્ડ સૂચકાંકોમાં સમાવેશની શક્યતાંને જોતાં કેટલોક આશાવાદ જોવા મળી રહ્યો છે. ઉપરાંત વિદેશી રોકાણકારોને ડાયવર્સિફિકેશનની જરૂરિયાત પણ ભારતીય ડેટ પ્રોડક્ટ્સમાં રોકાણ માટે પ્રેરી રહી છે. તેઓ એશિયા અને ઈમર્જિંગ માર્કેટ્સમાં વૈવિવ્યીકરણ ઈચ્છી રહ્યાં છે અને તેને કારણે ઈનફ્લો ઊંચો જોવા મળ્યો છે. અન્યથા બજારનો દેખાવ કોઈ ખાસ આકર્ષક નથી રહ્યો. તેમના મતે ડોલરમાં નરમાઈ જોવા મળે કે રૂપિયામાં મજબૂતી જોવા મળે તેવા કોઈ સંકેતો હાલમાં નથી જણાતાં. વૈશ્વિક સૂચકાંકોમાં ભારતીય બોન્ડ્સનો સમાવેશ એક પોઝીટીવ પરિબળ છે. જે ઘણે અંશે ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યું છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
ગિફ્ટ નિફ્ટીઃ એનએસઈની સબસિડિયરી એનએસઈ ઈન્ટરનેશનલ એક્સચેન્જ ખાતે ટ્રેડ થતાં ગિફ્ટ નિફ્ટીમાં વિક્રમી વોલ્યુમ જોવા મળ્યું હતું. મંગળવારે એક જ દિવસમાં ગિફ્ટ નિફ્ટીમાં 12.98 અબજ ડોલરનું વોલ્યુમ નોંધાયું હતું. જે કુલ 3.36 લાખ કોન્ટ્રેક્ટ્સનું વોલ્યુમ સૂચવે છે. જ્યારે ગિફ્ટ નિફ્ટીમાં ઓપન ઈન્ટરેસ્ટ 3.08 લાખ કોન્ટ્રેક્ટ્સ સાથે 11.93 અબજ ડોલર પર જોવા મળ્યું હતું.
એનટીપીસીઃ કમ્પિટીશન કમિશન ઓફ ઈન્ડિયાએ પીએસયૂ વીજ ઉત્પાદક પર રૂ. 40 લાખની પેનલ્ટી લાગુ પાડી છે. એનટીપીસી તરફથી રત્નાગીરી ગેસ એન્ડ પાવરમાં 35.47 ટકાની હિસ્સા ખરીદીને શરૂ કર્યાં પહેલાં જાહેરનામુ નહિ આપવા બદલ સીસીઆઈએ આમ કર્યું છે. સરકારી એજન્સીએ એનટીપીસીને પેનલ્ટીની ચૂકવણી માટે 40 દિવસોની મુદત આપી છે.
તાતા સ્ટીલઃ દેશમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક કંપનીના એમડી અને સીઈઓએ જણાવ્યું છે કે તેઓ ચાલુ નાણા વર્ષમાં ડેટમાં 1 અબજ ડોલરનો ઘટાડો કરશે. સાથે તેઓ સ્થાનિક ઉત્પાદન ક્ષમતાનું વિસ્તરણ પણ કરશે. જૂન ક્વાર્ટરની આખરમાં તાતા સ્ટીલનું કુલ ડેટ રૂ. 71 હજાર કરોડ પર જોવા મળતું હતું. ત્રિમાસિક ધોરણે કંપનીના ડેટમાં રૂ. 3600 કરોડની વૃદ્ધિ નોંધાઈ હતી.
એલએન્ડટીઃ દેશમાં ટોચની એન્જીનીયરીંગ કોંગ્લોમેરટ તેના હાઈડ્રોજન પ્લાન માટે ‘એસેટ હેવી’ મોડેલ અપનાવશે. કંપની બિલ્ડ-ઓઉન-ઓપરેટ તકોને ટાર્ગેટ કરશે એમ તેણે જણાવ્યું છે. જે અત્યાર સુધીમાં તેના ‘એસેટ લાઈટ’ મોડેલ પોલિસીમાં મોટું શિફ્ટ દર્શાવે છે. કંપનીએ તેના વ્યૂહમાં ફેરફાર કરવા પાછળ બે કારણો આપ્યાં છે.
સ્પંદના સ્ફૂર્તિઃ મેક્સ લાઈફ ઈન્શ્યોરન્સ અને કોટક મહિન્દ્રા લાઈફ ઈન્શ્યોરન્સે માઈક્રો ફાઈનાન્સિંગ કંપનીમાં તેમનો હિસ્સો વધાર્યો છે. બંને કંપનીઓએ મળીને સ્પંદના સ્ફૂર્તિમાં ઓપન માર્કેટ ઓપરેશન્સ મારફતે 3.2 ટકા હિસ્સો ખરીદ્યો છે.
શક્તિ પંપ્સઃ એનકે સિક્યૂરિટીઝ રિસર્સ, ક્યૂઈ સિક્યૂરિટીઝ અને ગ્રેવિટોન રિસર્ચ કેપિટલે કંપનીમાં અનુક્રમે 1.56 લાખ શેર્સ, 1.08 લાખ શેર્સ અને 2.03 લાખ શેર્સનું વેચાણ કર્યું છે.
રામકૃષ્ણ ફોર્જિંગ્સઃ કંપનીએ સાઉથ અમેરિકા ખાતેથી 82.5 કરોડ ડોલરના મૂલ્યનો મોટો ઓર્ડર મેળવ્યો છે. જે હેઠળ કંપનીએ આગામી પાંચ વર્ષો માટે ફ્રન્ટ અને રેર એક્સ કોમ્પોનેન્ટ્સનો સપ્લાય પૂરો પાડવાનો રહેશે. આ ઓર્ડરનું કુલ મૂલ્ય રૂ. 73.65 કરોડ જેટલું થાય છે. કંપની તેના સાઉથ અમેરિકાની કામગીરીને મોટાપાયે વિસ્તારશે.
કેઆરબીએલઃ કંપનીની ટેન્ડર રૂટ મારફતે 65 લાખ શેર્સની બાયબેક ઓફર ગુરુવારે શરૂ થઈ હતી.