બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
વૈશ્વિક સ્તરે મિશ્ર માહોલ વચ્ચે તેજીમાં વિરામ
નિફ્ટી 16500ના સ્તરને જાળવવામાં સફળ
મંદીમાં પણ નિફ્ટીના 50માંથી 28 કાઉન્ટર્સમાં સુધારો
યુરોપ બજારોમાં જોવા મળેલી વેચવાલી
વોલેટિલિટી ઈન્ડેક્સ 2.5 ટકા સુધરી 20.47ના સ્તરે
એનર્જી, બેંકિંગ અને ફાર્મામાં નરમાઈ
બ્રોડ માર્કેટમાં પણ માહોલ ઠંડો
સ્થાનિક શેરબજારમાં જીડીપી ડેટા રજૂ થતાં પહેલા નરમાઈ જોવા મળી હતી. મંગળવારે માર્ચ ક્વાર્ટર માટેના આર્થિક વૃદ્ધિ દરનો ડેટા જાહેર થવાનો હતો. જે અગાઉ બજારમાં ત્રણ દિવસથી જોવા મળતી તેજીએ વિરામ લીધો હતો. બેન્ચમાર્ક સેન્સેક્સ 359 પોઈન્ટ્સ ગગડી 55566ની સપાટીએ જ્યારે નિફ્ટી 77 પોઈન્ટ્સના ઘટાડે 16584.5ના સ્તરે બંધ જોવા મળ્યાં હતાં. જોકે નિફ્ટીના 50 ઘટક કાઉન્ટર્સમાંથી 28 એટલેકે બહુમતી કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 22 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળતાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2.5 ટકા સુધરી 20.47ની સપાટી પર જોવા મળ્યો હતો. બ્રોડ માર્કેટમાં બે દિવસથી જોવા મળતી લેવાલી અટકી હતી. જોકે બીએસઈ ખાતે માર્કેટ-બ્રેડ્થ સાધારણ પોઝીટીવ જોવા મળી રહી હતી.
યુએસ બજારોમાં મંગળવારે રજા વચ્ચે વૈશ્વિક બજારોમાં મિશ્ર ટ્રેન્ડ જોવા મળી રહ્યો હતો. એશિયન ખાતે ચીન, હોંગ કોંગ, કોરિયા અને તાઈવાન પોઝીટીવ ટ્રેન્ડ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે જાપાન અને સિંગાપુર નરમાઈ સૂચવતાં હતાં. યુરોપિય યુનિયન ખાતે ફુગાવો તેમની સર્વોચ્ચ સપાટી પર જોવા મળતાં યુરોપના બજારો પણ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યાં હતાં. તેઓ એક ટકા સુધીનો ઘટાડો દર્શાવતાં હતાં. આમ ભારતીય બજારને ક્યાંયથી સમર્થન મળે તેમ નહોતું. છેલ્લાં ત્રણેક સત્રોમાં ઝડપી સુધારાને કારણે સ્થાનિક બજાર થોડું ઓવરબોટ પણ હતું. તેમજ માર્ચ ક્વાર્ટરના જીડીપી ડેટા બજાર બંધ થયા બાદ રજૂ થવાના હોવાથી ટ્રેડર્સે વેઈટ એન્ડ વોચની નીતિ અપનાવી હતી. માર્કેટ નિરિક્ષકોના મતે સોમવારે ઘણા ખરા રિસ્કી શોર્ટ્સ પણ કવર થઈ ચૂક્યાં હતાં. આમ બજારમાં એક નાના કરેક્શન અને કોન્સોલિડેશનની શક્યતાં હતી. જોકે નિફ્ટીએ 16500નું સ્તર જાળવી રાખ્યું છે. જે નજીકમાં મહત્વનો સપોર્ટ છે. આ સ્તર પર બેન્ચમાર્ક જળવાશે ત્યાં સુધી કોઈ મોટા ઘટાડાની શક્યતાં નથી. વધ-ઘટે જૂન મહિનામાં જ બેન્ચમાર્ક 17 હજારનું સ્તર દર્શાવે તો નવાઈ નહિ તેમ તેઓ જણાવે છે. ટ્રેડર્સને 16400ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવવાની સલાહ તેઓ આપે છે.
સપ્તાહના બીજા દિવસે બજારમાં મેટલ અને ઓટો સુધારો દર્શાવવામાં ટોચ પર હતાં. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 2 ટકા જેટલો સુધર્યો હતો. ચીને કોવિડ નિયંત્રણો હળવા કરવાની જાહેરાત કરતાં મેટલ શેર્સમાં ખરીદી નીકળી હતી. જેમાં એપીએલ એપોલો 6 ટકા, રત્નમણિ મેટલ 5 ટકા, કોલ ઈન્ડિયા 3 ટકા, વેલસ્પન કોર્પ 3 ટકા અને વેદાંત 2.5 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. એકમાત્ર જિંદાલ સ્ટીલ એન્ડ પાવર 2.4 ટકા ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ઓટો ઈન્ડેક્સ લગભગ એક ટકા મજબૂતી સૂચવતો હતો. જેમાં એમએન્ડએમ વધુ 3.6 ટકા ઉછળી રૂ. 1000ની સપાટી પાર કરી રૂ. 1034 પર બંધ રહ્યો હતો. આ ઉપરાંત એમઆરએફ 3 ટકા સુધારો દર્શાવતો હતો. ભારત ફોર્જ અને બાલક્રિષ્ણ ઈન્ડસ્ટ્રીઝ પણ 2 ટકાથી વધુ મજબૂતી સૂચવતાં હતાં. નિફ્ટી રિઅલ્ટીમાં 2 ટકા મજબૂતી સાથે સુધારો ટક્યો હતો. જેમાં ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી 5 ટકા, સનટેક રિઅલ્ટી 5 ટકા અને પ્રેસ્ટીજ એસ્ટેટ 4 ટકા સુધારો સૂચવતાં હતાં. જોકે બેંકિંગ, એનર્જી અને ફાર્મામાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી બેંક બજાર બંધ થવાના અડધા કલાકમાં કડડભૂસ કરતો ગબડ્યો હતો. જેમાં એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક 3.5 ટકા, કોટક બેંક 3 ટકા, ફેડર બેંક 1.5 ટકા અને એસબીઆઈ 1.4 ટકા ઘટાડો દર્શાવતાં હતાં. ફાર્મા ઈન્ડેક્સમાં અડધા ટકાનો ઘટાડો નોંધાયો હતો. જેમાં સન ફાર્મા ખરાબ પરિણામો પાછળ 3.12 ટકા જેટલો તૂટ્યો હતો.
બ્રોડ માર્કેટની વાત કરીએ તો બીએસઈ ખાતે 3477 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1764 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1589 નેગેટિવ બંધ જોવા મળી રહ્યાં હતાં. 73 કાઉન્ટર્સ વાર્ષિક ટોચ સૂચવતાં હતાં. જ્યારે 55માં વાર્ષિક તળિયું જોવા મળ્યું હતું. 11 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 4 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 0.13 ટકાના સાધારણ ઘટાડે જ્યારે નિફ્ટી સ્મોલ-કેપ 1.24 ટકા સુધારા સાથે બંધ જોવા મળ્યાં હતાં.
ચાલુ કેલેન્ડરમાં 40 ટકા IPOએ રોકાણકારોને નિરાશ કર્યાં
હરિઓમ પાઈપનું 47 ટકા સાથે સર્વોચ્ચ લિસ્ટીંગ રિટર્ન જ્યારે રેન્બો પેપરમાં 17 ટકાની લિસ્ટીંગ ડે ખોટ
કેલેન્ડર વર્ષ 20022માં પ્રાઈમરી માર્કેટનો દેખાવ અપેક્ષિત નથી રહ્યો. 2021માં અનેક આઈપીઓમાં ઊંચા લિસ્ટીંગ લાભને કારણે 2022માં પણ રિટેલ વર્ગ તરફથી પાર્ટિસિપેશન જોવા મળ્યું છે. જોકે અત્યાર સુધીમાં બજારમાં પ્રવેશેલા ડઝનથી વધુ આઈપીઓમાં 40 ટકામાં રોકાણકારોએ લિસ્ટીંગ દિવસે તેમજ ત્યારબાદ પણ નાણા ગુમાવવાનું બન્યું છે. જેની અસર વર્ષના બાકીના સમયમાં આવનારા બીજા આઇપીઓ ઉપર પણ જોવા મળે તેવી શક્યતાં છે. આ વર્ષે મેઈન બોર્ડ પર 15 કંપનીઓ લિસ્ટ થઇ છે, જેમાંથી 6 ઇશ્યૂ તેના ઓફર ભાવથી નીચે બંધ આવ્યાં છે. જોકે, ગત વર્ષના સમાન સમયગાળાની સાથે તેની તુલના કરવામાં આવે તો આ ટ્રેન્ડમાં કોઇ ખાસ ફેરફાર જોવા મળતો નથી. વર્ષ 221ના પ્રથમ પાંચ મહિનામાં લિસ્ટ થયેલી 16 કંપનીઓમાંથી પાંચ કંપનીઓનું લિસ્ટિંગ નબળું રહ્યું હતું.
જોકે, આ વર્ષે લિસ્ટ થયેલી 15 કંપનીઓએ લિસ્ટિંગના દિવસે સરેરાશ 8 ટકા વળતર આપ્યું છે, જે ગત વર્ષની 16 કંપનીઓના 25 ટકાથી ઓછું છે. જાણકારોનું માનવું છે કે સેકન્ડરી માર્કેટમાં નબળાઇ તથા ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (એફપીઆઇ) દ્વારા સતત વેચવાલીને કારણે આઇપીઓ સબસ્ક્રિપ્શન ઉપર તથા લિસ્ટિંગ પર્ફોર્મન્સ બંન્ને ઉપર અસર જોવા મળી છે. બેંચમાર્ક નિફ્ટી50 ઇન્ડેક્સનું પ્રદર્શન નબળું રહ્યું છે. આઇપીઓ માર્કેટના પ્રદર્શન માટે પણ અર્થતંત્રની સ્થિતિ સ્થિર હોવી આવશ્યક છે. માર્કેટમાં જબરદસ્ત તેજી હોવી જરૂરી નથી, પરંતુ વોલેટાલિટીને કારણે આઇપીઓ અને વેલ્યુએશનને અસર થઇ શકે છે. સામાન્ય રીતે આઇપીઓની કિંમત તેના લિસ્ટેડ પિઅર્સ સાથે સંકળાયેલી હોય છે. તેનાથી સ્ટોક માર્કેટમાં પ્રવેશતી કંપનીઓ માટે પડકાર સર્જાય છે.
યુરોઝોનમાં મે દરમિયાન ફુગાવો 8.1 ટકાના વિક્રમી સ્તરે
યુરો ઝોન તરીકે ગણાતાં 19 દેશોના સમૂહે વિક્રમી ઈન્ફ્લેશન નોંધાવ્યું છે. યુરોપિયન યુનિયન સ્ટેટેસ્ટીક્સ એજન્સી યુરોસ્ટેટ તરફથી રજૂ કરવામાં આવેલા લેટેસ્ટ ડેટામાં મે મહિના માટેનો ફુગાવાનો દર 8.1 ટકાના વિક્રમી સ્તરે જોવા મળ્યો હતો. રશિયા-યૂક્રેન યુધ્ધને કારણે એનર્જિ ખર્ચમાં જોવા મળેલી વૃદ્ધિને કારણે નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી એમ સત્તાવાળાઓએ જણાવ્યું હતું. અગાઉના બે મહિના દરમિયાન તે 7.4 ટકાના સૌથી ઊંચા સ્તરે પહોંચ્યો હતો. એનર્જીના ભાવોમાં 39.2 ટકાનો વિક્રમી ઉછાળો નોંધાયો હતો. જેણે યુરો ઝોનના 34.3 કરોડ લોકોના જીવન પર ગંભીર અસર કરી હતી. અગાઉ યુરોઝોનમાં 1997માં આ સ્તર આસપાસ ઈન્ફ્લેશન રેટ જોવા મળ્યો હતો. ફુડ પ્રાઈસિસમાં 7.5 ટકા જ્યારે ગુડ્સ પ્રાઈસમાં 4.2 ટકા અને સર્વિસિસમાં 3.5 ટકાની ભાવ વૃદ્ધિ નોંધાઈ હતી.
સ્થાનિક ક્રૂડ ઉત્પાદન ઘટીને 28-વર્ષોના તળિયા પર પહોંચ્યું
નાણા વર્ષ 2021-22માં દેશમાં ક્રૂડ ઓઈલ ઉત્પાદન ઘટીને 2.84 કરોડ ટનના સ્તરે પહોંચ્યું હતું. જે નાણા વર્ષ 1994-95માં જોવા મળેલા 3.22 કરોડ ટનની સરખામણીમાં 11.8 ટકાનો ઘટાડો સૂચવે છે. નાણા વર્ષ 2014-15થી ભારતમાં ક્રૂડ ઉત્પાદનમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે એમ સત્તાવાર ડેટા સૂચવે છે. જોકે બીજી બાજુ દેશમાં ક્રૂડની માગમાં સતત વૃદ્ધિ જોવા મળી છે. પરિણામે 2021-22માં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની આયાત 1994-95માં 2.73 કરોડ ટનની સરખામણીમાં 676.5 ટકા ઉછળી 21.2 કરોડ ટન પર જોવા મળી હતી. સ્થાનિક ક્રૂડ ઉત્પાદન અને આયાત વચ્ચેનો ગાળો તીવ્ર ઉછાળે 18.36 ટન પર પહોંચ્યો હતો. જે 1994-95માં માત્ર 49 લાખ ટન પર હતો. કોવિડને કારણે છેલ્લાં બે નાણા વર્ષોમાં આયાતમાં ઘટાડા છતાં ઉત્પાદન અને આયાત વચ્ચેનો ગાળો વધતો જોવા મળ્યો છે.
બ્રેન્ટ ક્રૂડ વાયદાએ 123 ડોલરની સપાટી કૂદાવી
યૂરોપિયન યુનિયને રશિયન આયાત ઘટાડતાં ક્રૂડના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. બ્રેન્ટ ક્રૂડ 123 ડોલર પ્રતિ બેરલની સપાટી કૂદાવી બે મહિનાની ટોચ પર ટ્રેડ દર્શાવી રહ્યાં છે. એકબાજુ યુક્રેન વોર ચાલુ છે જ્યારે બીજી બાજુ ઘણા દેશો કોવિડ લોકડાઉન ઉઠાવી રહ્યાં છે. જેને કારણે કોમોડિટીની માગ પરત ફરી રહી છે. આમ ઓઈલના ભાવ ઊંચકાઈ રહ્યાં છે. યુરોપના દેશોમાં રશિયન એનર્જી આયાતને લઈને મતભેદો વચ્ચે આયાતમાં ઘટાડો કરવાને લઈને સમજૂતી સધાઈ રહી છે. જેને કારણે વૈશ્વિક બજારમાં સપ્લાય વધુ ટાઈટ થવાની શક્યતાં જોવામાં આવી રહી છે. રશિયા ઈયૂને 27 ટકા ક્રૂડ અને 40 ટકા ગેસ જરૂરિયાત પૂરી પાડે છે.
સ્થાનિક ફંડ્સે મેમાં રૂ. 33 હજાર કરોડથી વધુ રોકાણનો વિક્રમ રચ્યો
એફઆઈઆઈ તરફથી રૂ. 35 હજાર કરોડની વેચવાલી સામે બજારને મહત્વનો સપોર્ટ પૂરો પાડ્યો
અગાઉ માર્ચ 2020માં 30 હજાર કરોડનું સૌથી વધુ રોકાણ નોંધાવ્યું હતું
એપ્રિલ 2022 આખરમાં સ્થાનિક ફંડ્સનું કુલ ઈક્વિટી એયૂએમ રૂ. 20.37 લાખ કરોડના વિક્રમી સ્તરે
એકબાજુ વિદેશી સંસ્થાઓ ભારતીય બજારમાં સતત વેચવાલ જોવા મળી રહી છે ત્યારે બીજી બાજુ સ્થાનિક મ્યુચ્યુલ ફંડ્સ તરફથી શેરબજારમાં સતત ઈનફ્લો વધી રહ્યો છે. મે મહિનામાં એક ટ્રેડિંગ સત્ર બાકી હતું ત્યાં સુધીમાં સ્થાનિક ફંડ્સ તરફથી રૂ. 32836 કરોડનો ઈનફ્લો માર્કેટમાં પ્રવેશી ચૂક્યો છે. જે અત્યાર સુધીમાં કોઈપણ મહિના દરમિયાન તેમના તરફથી વિક્રમી રોકાણ દર્શાવે છે. આ અગાઉ તેમણે માર્ચ 2020માં કોવિડને કારણે માર્કેટમાં જબરદસ્ત વેચવાલી વખતે રૂ. 30286 કરોડનું વિક્રમી રોકાણ નોંધાવ્યું હતું. આમ જૂનો રેકોર્ડ લગભગ બે વર્ષ બાદ તૂટ્યો છે.
મ્યુચ્યુલ ફંડ્સ તરફથી માર્કેટમાં ગ્રોસ બાય-ટુ-સેલ્સ રેશિયો મે મહિનામાં વધીને 1.36 ટકા પર જોવા મળ્યો હતો. જે ઓક્ટોબર 2018માં તેમણે દર્શાવેલા રેશિયો પછીનો સૌથી ઊંચો છે. માસિક ઈન્વેસ્ટમેન્ટ રિડીંગમાં સ્થાનિક ફંડ્સના ઈક્વિટી સંબંધી એક્સપોઝરને ઈક્વિટી ફંડ્સ, બેલેન્સ્ડ ફંડ્સ, આર્બિટ્રેડ ફંડ્સ, ઈન્ડેક્સ ફંડ્સ અને ઈટીએફ્સ તરીકે ગણવામાં આવે છે. એ વાત નોંધપાત્ર છે કે સ્થાનિક ફંડ્સે સતત 14મા મહિને ઈક્વિટીઝમાં ખરીદી દર્શાવી છે. જે તેમના તરફથી જોવા મળેલી સૌથી લાંબી ખરીદી છે. છેલ્લા 12 મહિના દરમિયાન તેમણે કુલ રૂ. 2.25 લાખ કરોડ(30 અબજ ડોલર)ની ખરીદી કરી છે. જે ભારતીય બજાર તરફથી ગયા વર્ષે હજુ પણ 6.6 ટકા પોઝીટીવ રિટર્ન દર્શાવવાનું મુખ્ય કારણ છે. બીજી બાજુ વિદેશી સંસ્થાકિય રોકાણકારોએ ભારતીય બજારમાં સમાનગાળામાં રૂ. 1.85 લાખ કરોડ(24.3 અબજ ડોલર)ની ચોખ્ખી વેચવાલી દર્શાવી છે. ભારતીય બજારમાં અત્યાર સુધીના સૌથી ઊંચા ઈનફ્લો સાથે સ્થાનિક ફંડ્સની એસેટ અન્ડર મેનેજમેન્ટમાં પણ તીવ્ર વૃદ્ધિ જોવા મળી છે. લોકલ ફંડ્સનું કુલ એયૂએમ એપ્રિલ 2022ની આખરમાં રૂ. 20.37 લાખ કરોડ(ઈક્વિટી એયૂએમ) પર જોવા મળતું હતું. જે કુલ સંસ્થાકિય એયૂએમમાં 17.12 ટકા હિસ્સો દર્શાવતું હતું એમ એનએસડીએલનો ડેટા સૂચવે છે. લોકલ ફંડ્સના સતત વધતાં રોકાણને કારણે એપ્રિલમાં સ્થાનિક સંસ્થાઓનું કુલ એયૂએમ વિદેશી સંસ્થાઓના ઈક્વિટી એયૂએમના 84.30 ટકાના સ્તરે પહોંચ્યું હતું. વર્ષ અગાઉ આ રેશિયો 74.30 ટકા પર હતો. આમ એક વર્ષમાં ઊંચા ભાવ પર રેશિયોમાં 10 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી.
FPIs તરફથી મે મહિનામાં 4.6 અબજ ડોલરનો આઉટફ્લો
વિદેશી સંસ્થાકિય રોકાણકારોએ મે મહિનામાં તેમની વેચવાલી જાળવતાં કુલ 4.6 અબજ ડોલર(રૂ. 35 હજાર કરોડ)નું વેચાણ દર્શાવ્યું છે. ઈમર્જિંગ માર્કેટ્સમાં આ તેમનું સૌથી ઊંચું વેચાણ છે. વધતાં ઈન્ટરેસ્ટ રેટ્સ, ડોલરમાં મજબૂતી અને યુએસ અર્થતંત્રમાં મંદીની ડર પાછળ તેઓ સતત વેચવાલ જોવા મળે છે. તેમના ઈનફ્લોમાં સેકન્ડરી તેમજ પ્રાઈમરી માર્કેટ ફ્લોને ગણનામાં લેવામાં આવ્યો છે. માર્ચ 2020માં રૂ. 57 હજાર કરોડના વેચાણ બાદ મે મહિનામાં તેમણે રૂ. 41 હજાર કરોડનું સેકન્ડરી માર્કેટમાં સૌથી ઊંચું વેચાણ દર્શાવ્યું હતું. મે મહિનામાં તેમના વેચાણ બાદ સેકન્ડરી માર્કેટમાંથી તેમનો કુલ આઉટફ્લો વધીને રૂ. 1.73 લાખ કરોડ પર પહોંચ્યો છે. એફપીઆઈએ 2021માં સેકન્ડરી માર્કેટમાં રૂ. 54542 કરોડની વેચવાલી નોંધાવી હતી. જ્યારે પ્રાઈમરી માર્કેટમાં રૂ. 80310 કરોડની ખરીદી કરી હતી.
વિદેશી રોકાણકારોનો મે મહિનામાં ઈમર્જિંગ માર્કેટમાં આઉટફ્લો
દેશ મેમાં આઉટફ્લો(અબજ ડોલરમાં)
ભારત 4.6
બ્રાઝિલ 2.0
જાપાન 2.0
તાઈવાન 1.72
તૂર્કી 1.61
સાઉથ કોરિયા 1.04
ઈન્ડોનેશિયા 0.89
ફિલિપિન્સ 0.34
મલેશિયા 0.08
કોર્પોરેટ હેડલાઈન્સ
સન ફાર્માઃ અગ્રણી ફાર્મા કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 2277 કરોડની ખોટ નોંધાવી છે. કંપનીએ એનાલિસ્ટ્સના રૂ. 1719 કરોડના નફાના અંદાજ સામે ખોટ દર્શાવી હતી. જેને કારણે શેરના ભાવમાં 3 ટકાથી વધુ ઘટાડો નોંધાયો હતો. કંપનીની આવક રૂ. 9634 કરોડની સામે રૂ. 9447 કરોડ પર રહી હતી.
આઈઆરસીટીસીઃ રેલ્વેની માલિકીની કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 690.9 કરોડની આવક નોંધાવી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 338.7 કરોડ પર હતી. કંપનીનો નફો રૂ. 106.6 કરોડ પરથી ઉછળી રૂ. 216.6 કરોડ પર રહ્યો હતો.
એસવીપી ગ્લોબલ ટેક્સટાઈલ્સઃ ટોચની ટેક્સટાઈલ કંપનીએ નાણા વર્ષ 2021-22માં રૂ. 1778 કરોડની આવક દર્શાવી છે. જે વાર્ષિક ધોરણે 25 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીનો એબિટા 30 ટકા સુધરી રૂ. 303.6 કરોડ પર રહ્યો હતો. જ્યારે ચોખ્ખો નફો 187 ટકા ઉછળી રૂ. 71.2 કરોડ પર જોવા મળ્યો હતો. કંપનીની ઈપીએસ રૂ. 5.67 પર રહી હતી.
ઓરોબિંદો ફાર્માઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 576 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 577 કરોડ પર હતો. કંપનીની આવક રૂ. 5961 કરોડ પરથી વધી રૂ. 5809 કરોડ પર જોવા મળી હતી.
જૈન ઈરિગેશનઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 279 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 49 કરોડ પર હતો. કંપનીની આવક રૂ. 1793.8 કરોડ પરથી વધી રૂ. 2983.6 કરોડ પર જોવા મળી હતી.
રેડિકો ખેતાનઃ કંપની માર્ચ ક્વાર્ટરમાં રૂ. 50.1 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 73.5 કરોડ પર હતો. કંપનીની આવક રૂ. 2946.4 કરોડ પરથી વધી રૂ. 3224.4 કરોડ પર રહી હતી.
લક્સ ઈન્ડસ્ટ્રીઝઃ કંપની માર્ચ ક્વાર્ટરમાં રૂ. 73.1 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 73.5 કરોડની સામે 19 ટકા ઘટાડો દર્શાવે છે. કંપનીની આવક રૂ. 601 કરોડ પરથી સાધારણ ઘટી રૂ. 593 કરોડ પર રહી હતી.
જેએસપીએલઃ જિંદાલ સ્ટીલ એન્ડ પાવરે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 2207 કરોડનો નફો નોંધાવ્યો છે. જે રૂ. 1964 કરોડની અપેક્ષાથી ઊંચો છે. કંપનીની આવક રૂ. 10593 કરોડ સે રૂ. 14340 કરોડ રહી હતી.
આરવીએનએલઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 378 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 381 કરોડ પર હતો. કંપનીની આવક રૂ. 5578 કરોડ પરથી વધી રૂ. 6438 કરોડ પર જોવા મળી હતી.
Market Summary 31 May 2022
May 31, 2022
