માર્કેટ સમરી
નિફ્ટી 500 પોઈન્ટ્સની વધ-ઘટ બાદ એક ટકા ઘટાડા સાથે બંધ
તેજીવાળાઓ ભારતીય બજારને પરત લાવવામાં નિષ્ફળ રહ્યાં હતાં. વૈશ્વિક બજારો પાછળ 250 પોઈન્ટ્સનું ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવ્યાં બાદ બપોર સુધી તેજીવાળાઓએ મજબૂત પ્રયાસો કરી નિફ્ટીને 15202ના સ્તર પર પહોંચાડ્યો હતો. તે તેના અગાઉના બંધ સામે માત્ર 43 પોઈન્ટ્સનો ઘટાડો દર્શાવતો હતો. જોકે બપોરબાદ યુરોપ બજારો નરમાઈ સાથે ખૂલતાં મંદીવાળાઓ મજબૂત બન્યાં હતાં અને બજાર પર તેમનું પ્રભુત્વ જમાવ્યું હતું. આખરે નિફ્ટી એક ટકો ઘટી 15081 પર બંધ રહ્યો હતો. આમ નિફ્ટી માટે શુક્રવાર મહત્વનો બની રહેશે. તેણે 15000 જાળવી રાખતાં તેજીવાળાઓને કોઈ મોટી ચિંતા નથી.
પાવર શેર્સમાં જળવાયેલો તેજીનો દોર
વીજ કંપનીઓમાં રોકાણકારોની ખરીદી જળવાય છે. ગુરુવારે જાણીતી પાવર કંપનીઓ સહિત નાની-મોટી તમામ કંપનીઓના શેર્સમાં સુધારો જોવા મળ્યો હતો. લાંબા સમયથી અન્ડરપર્ફોર્મર રહ્યાં બાદ પાવર ક્ષેત્રના શેર્સમાં જીવ આવ્યો છે. મોટાભાગના પાવર શેર્સ તેમની ટોચ પર ટ્રેડ થઈ રહ્યાં છે. જેમાં ટોરેન્ટ પાવરનો શેર દિવસ દરમિયાન રૂ. 429ની સર્વોચ્ચ ટોચ દર્શાવી 2.34 ટકાના સુધારે રૂ. 414 પર બંધ આવ્યો હતો. ટાટા પાવરનો શેર 3.9 ટકા સુધરી રૂ. 114ની ઘણા વર્ષોની ટોચ દર્શાવી રૂ. 109.35 પર બંધ રહ્યો હતો. એનએચપીસીનો શેર 4.64 ટકા સુધરી રૂ. 25.95ની સપાટી પર બંધ જોવા મળ્યો હતો. જ્યારે અદાણી પાવરનો શેર 10 ટકાની ઉપલી સર્કિટમાં રૂ. 71.40 પર બંધ રહ્યો હતો.
એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંકનો શેર નવી ટોચે
ચારેક વર્ષ અગાઉ શેરબજાર પર લિસ્ટ થનારી એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંકનો શેર છેલ્લા કેટલાંક સપ્તાહોથી નવી ટોચ દર્શાવી રહ્યો છે. ગુરુવારે બેંકનો શેર અગાઉના રૂ. 1199ના બંધ ભાવ સામે રૂ. 1290ની ટોચ દર્શાવી 6 ટકા વૃદ્ધિ સાથે રૂ. 1275 પર બંધ રહ્યો હતો. જે ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 39 હજાર કરોડને પાર કરી ગયું હતું. કંપનીનો શેર માર્ચ 2020માં રૂ. 366.20ના તળિયેથી સતત સુધરતો રહ્યો છે અને હાલમાં ત્રણ ગણાથી વધુ વૃદ્ધિ નોંધાવી ચૂક્યો છે.
કેમિકલ્સ ઉત્પાદક કંપનીઓના શેર્સમાં લેવાલી ચાલુ
સ્પેશ્યાલિટી કેમિકલ્સ તેમજ કોમોડિટી કેમિકલ્સ કંપનીઓના શેર્સમાં છેલ્લા કેટલાક સત્રોથી જોવા મળતી તેજી યથાવત છે. ગુરુવારે અનેક કંપનીઓના ભાવ તેમની સર્વોચ્ચ સપાટી પર પહોંચ્યાં હતાં. જેમાં બાસ્ફ ઈન્ડિયાનો શેર 4 ટકા ઉછળી રૂ. 2314 પર જોવા મળ્યો હતો. કેમલીન ફાઈન સાયન્સિઝનો શેર 7 ટકા છળી રૂ. 155ની ટોચ પર બાલાયો હતો. જ્યારે દિપક નાઈટ્રેટના શેરે રૂ. 1692ની ટોચ દર્શાવી હતી. તેમજ ડીસીએમ શ્રીરામનો શેર 3 ટકા ઉછળી રૂ. 562 પર ટ્રેડ થયો હતો. નવીન ફ્લોરિન અને નોસિલના શેર્સે તેમની નવી ટોચ દર્શાવી હતી. જ્યારે ઈન્ડિયા ગ્લાયકોલનો શેર 5.3 ટકા ઉછળી રૂ. 566 પર બંધ રહ્યો હતો.
સુગર શેર્સમાં ભારે લેવાલીએ 11 ટકા સુધીનો ઉછાળો
ઈથેનોલમાં ઊંચા રિઅલાઈઝેશન પાછળ સુગર શેર્સમાં વ્યાપક લેવાલી
ચાલુ સુગર વર્ષમાં ભારતીય સુગર ઉત્પાદકોને વિવિધ સ્તરે જોવા મળી રહેલાં લાભ પાછળ લિસ્ટેડ સુગર કંપનીઓના શેર્સમાં ભારે લેવાલી જોવા મળી છે. ગુરુવારે બજાર નરમ ટ્રેડ થતું હતું ત્યારે સુગર કંપનીઓના શેર્સ 11 ટકા સુધારા સાથે બંધ આવ્યાં હતાં. જેમાં કેટલાક શેર્સે તેમની 2017માં દર્શાવેલી ટોચની સપાટીને પાર કરી હતી.
સુગર કંપનીઓ માટે એક સારા વર્ષ બાદ બીજું સારુ વર્ષ આવતાં લાંબો સમય લાગી જાય છે. કેમકે તેમના માટે એકથી વધુ પરિબળો મહત્વના બની રહે છે. જેમાં સરકાર દ્વારા શેરડી માટે નક્કી કરવામાં આવતાં માર્કેટિંગ ભાવથી લઈન નિકાસ ક્વોટા વગેરેનો સમાવેશ થાય છે. અગાઉ 2016-17માં સુગર શેર્સમાં જબરદસ્ત તેજી જોવા મળી હતી અને તે વખતે તેમણે કેલેન્ડર 2005માં દર્શાવેલા ટોચના ભાવોને પાછળ રાખ્યાં હતાં. જોકે તેજી અલ્પજીવી નીવડતાં સુગર શેર્સ ફરીથી ઊંધા માથે પટકાયાં હતા અને બે વર્ષ સુધી શાંત પડ્યાં રહ્યાં હતાં. જોકે છેલ્લાં કેટલાક મહિનાઓથી ફરી તેમનું ભાવિ સુધરી રહ્યું છે અને રોકાણકારોએ સુગર શેર્સમા રસ લેવાનું શરૂ કર્યું છે. જે માટે મુખ્ય કારણોમાં સરકાર દ્વારા ઈથેનોલના મિશ્રણમાં વૃદ્ધિ ઉપરાંત કંપનીઓને ઈથેનોલના રિઅલાઈઝેશનમાં 50 ટકા જેટલી કરી આપવામાં આવેલી વૃદ્ધિ છે. જેના કારણે સુગર કંપનીઓની બેલેન્સ શીટ્સમાં નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે. બજાર વર્તુળોના મતે સુગર કંપનીઓના બિઝનેસ મોડેલમાં સ્થિરતા આવી રહી છે અને તેથી કોમોડિટી ગણાતાં આ ક્ષેત્રથી દૂર રહેનારા રોકાણકારો પણ તેની તરફ નજર દોડાવી રહ્યાં છે. જેને કારણે શેર્સમાં ખરીદી જોવા મળે છે. ગુરુવારે રાણા સુગર્સ(10 ટકા), ધરણી સુગર(9.52 ટકા), બલરામપુર ચીની(8.14 ટકા), કેએમ સુગર(5.26 ટકા)નો સુધારો દર્શાવતાં હતાં. આમાં બલરામપુર ચીનીનો શેર તેના 2017ની ટોચને પાર કરી ગયો હતો.
સુગર શેર્સનો ગુરુવારે દેખાવ
કંપની વૃદ્ધિ(%)
રાણા સુગર્સ 10.5
ધરણી સુગર 9.52
બલરામપુર ચીની 8.14
કેએમ સુગર 5.26
સિંભાલી સુગર 4.76
ઈઆઈડી પેરી 2.86
દ્વારકેશ સુગર 2.26
અવધ સુગર 2.23
ધામપુર સુગર 2.2
સોનું 10-મહિનાના તળિયા પર, બેઝ મેટલ્સમાં ભારે વેચવાલી
એમસીએક્સ ખાતે સોનુ કોવિડ અગાઉના 1 મે 2020ના સ્તર પર આવી ગયું
વૈશ્વિક રોકાણકારો રિસ્ક-ઓન મોડમાં આવતાં સોનામાં ઘટેલા સ્તરે પણ વેચાણનું દબાણ
ગુરુવારે એમસીએક્સ ખાતે કોપર અને નિકલમાં 6 ટકાથી વધુની વેચવાલી, નીકલમાં પાંચ સત્રોમાં 20 ટકાથી વધુનો કડાકો
સોનાના ભાવમાં કોવિડ મહામારીને કારણે ઊભું થયેલું પ્રિમીયમ ધોવાઈ ગયું છે. ગુરુવારે એમસીએક્સ ખાતે સોનાનો ભાવ રૂ. 44560ના 10 મહિનાના તળિયા પર ટ્રેડ થયો હતો. એટલેકે કોવિડ લોકડાઉનને કારણે મે-2020ની શરૂઆતમાં જે ભાવથી સોનામાં તેજી શરૂ થઈ હતી, ત્યાં ભાવ પરત ફર્યાં છે. આટલું જ નહિ, બેઝ મેટલ્સના ભાવમાં પણ ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ પાછળ તીવ્ર કડાકો જોવા મળ્યો છે. ગુરુવારે કોપર-નીકલ જેવી ધાતુઓના ભાવ 6 ટકાથી વધુ તૂટ્યાં હતાં. જ્યારે નીકલ પાંચ સત્રો અગાઉની તેની 10 વર્ષની ટોચ પરથી 20 ટકાથી વધુ ઘટાડો નોંધાવી રહ્યું છે.
સોનામાં તેજીના વળતાં પાણી થયાં છે. હાલમાં સ્થાનિક તેમજ વૈશ્વિક બજારમાં સોનુ મહત્વના સપોર્ટ પર ટ્રેડ દર્શાવી રહ્યું છે. જો તે આ સપોર્ટ તૂટશે તો ઓર ખરાબી જોવા મળશે એમ એનાલિસ્ટ્સ ઉમેરે છે. વૈશ્વિક બજારમાં સોનું અંતિમ બે સત્રોથી 1700-1720 ડોલર પ્રતિ ટ્રૌય ઔંસની રેંજમાં ટ્રેડ દર્શાવી રહ્યું છે. જે 4 જૂન 2020 પછીનું તેનું સૌથી નીચું સ્તર છે. તે એક મહત્વના સાયકોલોજિકલ સપોર્ટ છે. જે તૂટતાં સોનું 1700 ડોલરની નીચે ઉતરી જશે અને કોવિડ અગાઉનું સ્તર દર્શાવી શકે છે. સ્થાનિક બજારની વાત કરીએ તો એમસીએક્સ ખાતે સોનુ કોવિડને કારણે સોનામાં તેજી શરૂ થઈ તે અગાઉના સ્તર પર પરત આવી ગયું છે. 1 મે 2020ના રોજ તે રૂ. 44600 પર ટ્રેડ થતું હતું. છેલ્લા બે સત્રોથી તે આ સ્તર પર જ ટ્રેડ થઈ રહ્યું છે. આ લખાય છે ત્યારે એમસીએક્સ ખાતે એપ્રિલ ગોલ્ડ વાયદો રૂ. 44792 પર ટ્રેડ થઈ રહ્યો છે. સવારે તેણે રૂ. 44560નું તળિયું દર્શાવ્યુ હતું. એનાલિસ્ટ્સના મતે રૂ. 44500નો સપોર્ટ ખૂબ મહત્વનો છે. જે તૂટશે તો સોનુ રૂ. 43000 તથા રૂ. 42000ના લેવલ્સ દર્શાવી શકે છે. યુએસ-ચીન ટ્રેડ વોર પાછળ 2019માં સોનામાં જોવા મળેલા ઉછાળા વખતે તે આ સ્તરેથી ઘણીવાર પરત ફર્યું હતું. જ્યારે માર્ચ 2020માં કોવિડ લોકડાઉન બાદ એપ્રિલમાં તમામ એસેટ ક્લાસિસની સાથે સોનુ ગગડ્યું હતું. જોકે મે મહિનાની શરૂમાં તેણે આ સ્તર પાર કર્યાં બાદ જુલાઈ આખર સુધીમાં રૂ. 56000 સુધીની ઝડપી તેજી દર્શાવી હતી. આમ એમસીએક્સ ખાતે સોનામાંથી કોવિડ પ્રિમીયમ દૂર થઈ ચૂક્યું છે એમ એનાલિસ્ટ જણાવે છે. જેનું મુખ્ય કારણ રોકાણકારોમાંથી કોવિડને લઈને દૂર થયેલો ગભરાટ છે. વિવિધ દેશોમાં વેક્સિનેશન પ્રક્રિયા ઝડપી બની રહી છે. સાથે સિસ્ટમમાં પુષ્કળ લિક્વિડીટી છે. જે ઈક્વિટીઝ જેવા જોખમી એસેટ ક્લાસિસ તરફ પરત વળી રહી છે. જેની અસર બુલિયન પર પડી રહી છે.
આર્થિક રિકવરીને કારણે બેઝ મેટલ્સ અને ક્રૂડના ભાવમાં છેલ્લા ઘણા સપ્તાહોમાં સતત સુધારા બાદ ઊંચા સ્તરે પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. ડોલર ઈન્ડેક્સમાં વૃદ્ધિની અસર પણ તેના પર પડી છે. ગુરુવારે ડોલર ઈન્ડેક્સ 91.17ની સપાટી પર ટ્રેડ થતો હતો. તે બે મહિના અગાઉના 89.16ના એપ્રિલ 2018 પછીના તળિયાથી નોંધપાત્ર બાઉન્સ દર્શાવી રહ્યો છે. આમ ડોલરમાં મંદીની શક્યતા જોનારાઓ ખોટાં ઠરી રહ્યાં છે. ગુરુવારે એમસીએક્સ ખાતે ક્રૂડ પણ એક ટકાથી વધુનો ઘટાડો દર્શાવતું હતું. જ્યારે ઝીંક(3 ટકા), એલ્યુમિનિયમ(2 ટકા), નેચરલ ગેસ(2 ટકા)નો ઘટાડો નોંધાવતાં હતાં.
Unlocking an Upcoming Investment Opportunity: Rubicon Research IPO Rubicon Research is making headlines with its…
Unlocking the Canara Robeco Asset Management Company IPO: A Guide for Every Investor Did you…
Imagine you’re at a big family gathering and suddenly, your relatives start arguing about who…
Shlokka Dyes IPO: Is It Worth Your Investment? Did you know that Shlokka Dyes is…
LG India IPO: Should You Buy a Piece of Your TV and Fridge Company? Introduction…
Did you know that starting your retirement planning in India before your 40s can make…
This website uses cookies.