Categories: Market TipsNEWS

Market Summary 4 May 2022

માર્કેટ સમરી


RBIની ઓચિંતી રેટ વૃદ્ધિ પાછળ બજાર પછડાયું
ફેડ રેટ વૃદ્ધિ પહેલાં જ સ્થાનિક બેંક રેગ્યુલેટરે આપેલો આંચકો
વોલેટિલિટી ઈન્ડેક્સ 8 ટકા ઉછળી 21.87ના સ્તરે
નિફ્ટી બેંક, ઓટોમાં 2.5 ટકાનો તીવ્ર ઘટાડો
એકમાત્ર નિફ્ટી પીએસઈએ પોઝીટીવ બંધ આપ્યું
વૈશ્વિક બજારોમાં પણ ફેડ બેઠક પહેલા નરમ અન્ડરટોન
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તરફથી ઓચિંતી રેટ વૃદ્ધિ પાછળ ભારતીય શેરબજારમાં વેચવાલી ફરી વળી હતી. બુધવારે બપોરે 2 વાગે આરબીઆઈ ગવર્નરે યુટ્યુબ મારફતે યોજેલી કોન્ફરન્સમાં રેપો રેટમાં 40 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિની જાહેરાત કર્યાં બાદ બેન્ચમાર્ક્સ કડડભૂસ કરતાં પડ્યાં હતાં. જેમાં બીએસઈ સેન્સેક્સ 1307 પોઈન્ટ્સના ઘટાડે 55669ની સપાટીએ જ્યારે નિફ્ટી 391 પોઈન્ટ્સ ગગડી 16678ના સ્તરે બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 8 ટકા ઉછળી 21.87ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીના 50 ઘટક કાઉન્ટર્સમાંથી 45 નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 5માં સુધારો જોવા મળતો હતો.
બુધવારે રાતે યુએસ ફેડ દ્વારા તેના બેન્ચમાર્ક રેટમાં 50 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિની જાહેરાત કરવામાં આવે તે અગાઉ જ આરબીઆઈ ચેરમેને આકસ્મિક બેઠકમાં રેપો રેટ 40 બેસીસ પોઈન્ટ્સ વધારી 4.4 ટકા કર્યાં હતાં. સાથે તેમણે સીઆરઆરમાં પણ 50 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ કરી હતી. જેને કારણે રૂ. 80 હજાર કરોડથી વધુની લિક્વિડીટી બજારમાંથી શોષાશે તેવી શક્યતાં વ્યક્ત કરવામાં આવી રહી છે. એનાલિસ્ટ્સના મતે આરબીઆઈએ કરેલી રેટ વૃદ્ધિ આયોજિત બેઠક વિનાની હતી પરંતુ તે આંચકારૂપ નહોતી જ. કેમકે હવેની શેડ્યૂલ્ડ બેઠકમાં તેના માટે રેટ વૃદ્ધિ સિવાય કોઈ છૂટકો નહોતો. કેમકે વૈશ્વિક સ્તરે તમામ અગ્રણી સેન્ટ્રલ બેંકર્સ આક્રમક રેટ વૃદ્ધિ કરી રહ્યાં છે. માર્કેટ એનિસ્ટ્સના મતે બુધવારનો ઘટાડો એક ક્ષણિક પ્રતિક્રિયા હોય તેમ જણાય છે અને વર્તમાન સ્તરેથી બજારમાં બાઉન્સની શક્યતાં છે. કેમકે માર્કેટ ટૂંકાગાળા માટે ઓવરસોલ્ડ સ્થિતિમાં છે. ટેકનિકલી નિફ્ટી માટે 16400-16600ની રેંજમાં સપોર્ટ છે. જો આ સ્તર તૂટશે તો તે 16 હજાર સુધી ગગડી શકે છે. જ્યારે 17000 પર ફરી બંધ દર્શાવશે તો આગામી સમયગાળામાં તે વધુ સુધારો નોંધાવે તેવી શક્યતાં છે.
એનએસઈ ખાતે સેક્ટરલ દેખાવ જોઈએ તો નિફ્ટી પીએસઈને બાદ કરતાં અન્ય તમામ સેક્ટરલ સૂચકાંકો નરમાઈ દર્શાવતાં હતાં. જેમાં નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 3 ટકાથી વધુ તૂટ્યો હતો. જ્યારે નિફ્ટી ઓટો 2.54 ટકા, નિફ્ટી બેંક 2.49 ટકા, નિફ્ટી ફાર્મા 2.61 ટકા, નિફ્ટી રિઅલ્ટી 3.27 ટકા અને નિફ્ટી એનર્જી 1.3 ટકા ઘટાડો સૂચવતાં હતાં. જ્યારે ઓએનજીસીમાં 3.8 ટકા સુધારો, પાવર ગ્રીડ કોર્પોરેશનમાં 2.61 ટકા સુધારા પાછળ નિફ્ટી પીએસઈ પોઝીટીવ બંધ રહ્યો હતો. નિફ્ટીના સુધારો દર્શાવનાર પાંચ કાઉન્ટર્સમાં ઓએનજીસી ઉપરાંત બ્રિટાનિયા, પાવર ગ્રીડ કોર્પોરેશન, એનટીપીસી, કોટક મહિન્દ્રા બેંકનો સમાવેશ થતો હતો. જ્યારે બીજી બાજુ એપોલો હોસ્પિટલ 7 ટકા, અદાણી પોર્ટ્સ 5 ટકા, હિંદાલ્કો 4.7 ટકા, બજાજા ફાઈનાન્સ 4.3 ટકાનો ઘટાડો દર્શાવતાં હતાં.
બ્રોડ માર્કેટમાં પણ ભારે વેચવાલી જોવા મળી હતી અને છેલ્લાં ઘણા સપ્તાહની સૌથી નીચી માર્કેટ-બ્રેડ્થ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3475 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2548 નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 826 પોઝીટીવ બંધ નોંધાવ્યું હતું. આમ ત્રણ શેર્સમાં ઘટાડા સામે એક શેરમાં સુધારો જોવા મળ્યો હતો. 103 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ જ્યારે 48 કાઉન્ટર્સે તેમનું વાર્ષિક તળિયું નોંધાવ્યું હતું. એનએસઈ ડેરિવિટીવ્સ કાઉન્ટર્સમાં રેઈન ઈન્ડસ્ટ્રીઝ 5 ટકા, પેટ્રોનેટ એલએનજી 2.7 ટકા, ગુજરાત ગેસ 1.3 ટકા સુધારો દર્શાવતાં હતાં. જ્યારે વોલ્ટાસ 7 ટકા, ઈન્ફો એજ 7 ટકા, એલેમ્બિક ફાર્મા 7 ટકા અને શ્રીરામ ટ્રાન્સપોર્ટ 7 ટકાનો તીવ્ર ઘટાડો સૂચવતાં હતાં.


કોટક બેંકનો નફો 50 ટકા ઉછળી રૂ. 3892 કરોડ થયો
પ્રાઈવેટ સેક્ટર બેંક કોટક મહિન્દ્રા બેંકે માર્ચ ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 50 ટકા પ્રોફિટ વૃદ્ધિ દર્શાવી હતી. જેની પાછળ બેંકનો નફો ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 2589 કરોડ સામે ચાલુ વર્ષે રૂ. 3892 કરોડ થયો હતો. સમગ્ર 2021-22 દરમિયાન બેંકનો નફો 21 ટકા વૃદ્ધિ સાથે રૂ. 12089 કરોડ પર જોવા મળ્યો હતો. સ્ટેન્ડઅલોન બેસીસ પર બેંકનો નફો 65 ટકા ઉછળી રૂ. 2767 કરોડ રહ્યો હતો. તેણે કોવિડ સંબંધી રૂ. 453 કરોડના પ્રોવિઝન્સ પરત ખેંચ્યાં હતાં. વર્ષ અગાઉ તેણે સ્ટેન્ડઅલોન બેસીસ પર રૂ. 1682 કરોડનો નફો નોંધાવ્યો હતો. કંપનીની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ 18 ટકા ઉછળી રૂ. 4521 કરોડ રહી હતી. તેણે 21 ટકા લોન વૃદ્ધિ દર્શાવી હતી. નેટ ઈન્ટરેસ્ટ માર્જિન 4.78 ટકા પર રહ્યાં હતાં.
LIC, સરકાર અને રિટેલ ઈન્વેસ્ટર્સે માર્ચ ક્વાર્ટરમાં ઈક્વિટી રોકાણ વધાર્યું
દેશમાં સૌથી મોટા સંસ્થાકિય રોકાણકાર એવા લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશને માર્ચ ક્વાર્ટર દરમિયાન લિસ્ટેડ કંપનીઓમાં તેના હિસ્સામાં વૃદ્ધિ નોંધાવી હતી. ડિસેમ્બર 2021 ક્વાર્ટરમાં શેરબજાર પર લિસ્ટેડ કંપનીઓમાં 3.67 ટકા હિસ્સો ધરાવતી એલઆઈસીનો હિસ્સો માર્ચ 2022 ક્વાર્ટરના અંતે વધીને 3.83 ટકા પર જોવા મળ્યો હતો. જેનું કુલ મૂલ્ય રૂ. 9.89 લાખ કરોડ જેટલું થતું હતું. જે અગાઉના ક્વાર્ટરની સરખામણીમાં 3.75 ટકા વૃદ્ધિ દર્શાવે છે. જો તમામ સ્થાનિક સંસ્થાકિય રોકાણકારોની વાત કરીએ તો તેમનો ઈક્વિટી હિસ્સો 13.21 ટકા પરથી વધી 13.70 ટકા પર થયો હતો. ડીઆઈઆઈનું હોલ્ડિંગ ત્રિમાસિક ધોરણે 3.05 ટકા વધી રૂ. 35.35 લાખ કરોડ પર જોવા મળ્યું હતું. રિટેલ રોકાણકારોન હિસ્સો પણ ડિસેમ્બર 2021 ક્વાર્ટરની આખરમાં 7.33 ટકાની સરખામણીમાં વધી 7.42 ટકા પર જોવા મળ્યો હતો.
વૈશ્વિક ક્રૂડના ભાવમાં 4 ટકાનો ઉછાળો
વૈશ્વિક ક્રૂડના ભાવમાં બુધવારે 4 ટકા ઉછાળો નોંધાયો હતો. બ્રેન્ટ ક્રૂડ વાયદો 3.8 ટકા ઉછળી 109 ડોલરની સપાટી પાર કરી ગયો હતો. તે છેલ્લાં ઘણા સત્રોથી 10-12 ડોલરની રેંજમાં અથડાઈ રહ્યો છે. ચીન ખાતે લોકડાઉન પાછળ ફિચ રેટિંગે આર્થિક વૃદ્ધિ દરમાં ઘટાડો કરવા છતાં ક્રૂડના ભાવ વધ્યાં હતાં. જેનું મુખ્ય કારણ યુરોપિય દેશો તરફથી રશિયન ઓઈલની ખરીદી પર નિયંત્રણ છે. તેઓએ યુએસ અને ગલ્ફ દેશો પાસેથી તેમની જરૂરિયાત પૂર્ણ કરવાની થશે. જેને કારણે વૈશ્વિક સપ્લાય પર અસર પડશે. ઓપેક દેશો તરફથી ઉત્પાદન વધારવાની દિશામાં કોઈ જાહેરાત નથી કરવામાં આવી. જેણે પણ બજારમાં ભાવને મજબૂત જાળવી રાખવામાં સહાયતા કરી છે.

FPIsનું મેટલ્સ કંપનીઓમાં 1.4 અબજ ડોલરનું રોકાણ
ભારતીય બજારમાં ચોખ્ખા વેચાણ વચ્ચે કોમોડિટીઝમાં પોઝીટીવ વલણ
વિદેશી પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ છેલ્લા આંઠ મહિનાથી ભારતીય બજારમાં સતત વેચવાલ જોવા મળી રહ્યાં છે. જોકે મેટલ સેક્ટર માટે તેમનું વલણ પોઝીટીવ જોવા મળી રહ્યું છે. કેલેન્ડર 2022માં અત્યાર સુધીમાં એફપીઆઈએ ભારતીય મેટલ અને માઈનીંગ કંપનીઓમાં 1.4 અબજ ડોલર(રૂ. 10260 કરોડ)નું પોઝીટીવ રોકાણ દર્શાવ્યું છે. બીજી બાજુ સમાનગાળામાં તેમણે ભારતીય શેરબજારમાં 14 અબજ ડોલર અથવા રૂ. 1.1 લાખ કરોડનું વેચાણ નોંધાવ્યું છે.
ડિપોઝીટરી સર્વિસ કંપની એનએસડીએલના ડેટા મુજબ છેલ્લાં ચાર મહિના દરમિયાન એફપીઆઈએ પખવાડિક ધોરણે મેટલ શેર્સમાં રૂ. 1480 કરોડનું રોકાણ નોંધાવ્યું છે. વૈશ્વિક સ્તરે સ્ટીલ, એલ્યુમિનિયમ અને ઝીંકના ભાવોમાં વૃદ્ધિ પાછળ તેમણે મેટલ સેક્ટર પર પસંદગી ઉતારી હોય તેમ જણાય છે. રશિયા-યૂક્રેન યુધ્ધ પછી કોમોડિટીઝના ભાવમાં વધુ ભડકો જોવા મળ્યો હતો. સ્પોટ સ્ટીલના ભાવ નોંધપાત્ર ઉછળ્યાં હતાં. જેમાં ફ્લેટ અને લોંગ કેટેગરીઝના ભાવ પ્રતિ ટન રૂ. 10000 અને રૂ. 2200ની વૃદ્ધિ દર્શાવે છે. એલ્યુમિનિયમના ભાવ પણ વિક્રમી ટોચ પર પહોંચી સાધારણ કરેક્ટ થયાં છે. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 2022ની શરૂઆતથી અત્યાર સુધીમાં 17 ટકા સુધારો દર્શાવી રહ્યો છે. જ્યારે તેની સરખામણીમાં નિફ્ટી નેગેટિવ રિટર્ન દર્શાવી રહ્યો છે. મેટલ ઈન્ડેક્સ હાલમાં 6.9ના પીઈ પર ટ્રેડ દર્શાવી રહ્યો છે. જ્યારે નિફ્ટીનો પીઈ લગભગ 22 આસપાસ જોવા મળે છે. સતત ઈનફ્લો પાછળ મેટલ અને માઈનીંગ સેક્ટરમાં એફપીઆઈ પોર્ટફોલિયોનું વેઈટેજ 2.7 ટકાના વિક્રમી સ્તર પર જોવા મળી રહ્યું છે.

ઈન્શ્યોરન્સ રેગ્યુલેટર ઈરડાઈની કોમ્બી માઇક્રો ઇન્સ્યોરન્સ પ્રોડક્ટની વિચારણા
વ્યક્તિ તથા ભિન્ન ગ્રૂપની પ્રોટેક્શનની જરૂરિયાત આધારે કવરેજ ઓફર કરવાનો ઉદ્દેશ
ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ઇરડા) દ્વારા રચાયેલી માઇક્રો ઇન્સ્યોરન્સ (એમઆઇ) પેનલે કોમ્બી એમઆઇ પ્રોડક્ટ લોંચ કરવાની ભલામણ કરી છે. આ પરિસ્થિતિમાં મોડ્યુલર ધોરણે કોમ્બી એમઆઇ પ્રોડક્ટ વિકસાવી શકાય છે, જે હેઠળ વીમા કંપનીઓ વિવિધ સમૂહો અને વ્યક્તિઓની તેમની પ્રોટક્શનની વિશિષ્ટ જરૂરિયાતપ્રમાણે કવરેજ ઓફર કરવાની ફ્લેક્સિબિલિટી મળી રહેશે. સમાજના વંચિત સમૂહો સુધી વીમા કંપનીઓની વ્યાપક પહોંચ સમયની જરૂરિયાત છે. આ લક્ષ્યાંકિત સમૂહોની વીમા સુરક્ષાની જરૂરિયાતો માટે વન-સ્ટોપ-સોલ્યુશન દ્વારા લાંબાગાળે સમાજમાં વીમા પ્રોડક્ટ્સની પહોંચ વધારવામાં મદદ મળી રહેશે.
કોમ્બી એમઆઇ પ્રોડક્ટની વાત કરીએ તો વીમા કંપનીઓ મોડ્યુલર અભિગમને અનુસરી શકે છે આઇઆરડીએઆઇ દ્વારા પ્રોડક્ટ્સના કેટલાંક ધોરણો સૂચવવામાં આવ્યાં છે, જેને મોડ્યુલ્સ તરીકે ઓફર કરી શકાય અને તેમાં લક્ષ્યાંકિત સમૂહોની આવશ્યકતાને પૂર્ણ પણ કરી શકાય. કમીટીએ 14 સ્ટાન્ડર્ડ મોડ્યુલ્સની ભલામણ કરી છે. તેમાં સૂચવાયું છે કે પ્રોડક્ટ વ્યક્તિગત ધોરણો અથવા સમૂહોને વેચી શકાશે.
કોમ્બી એમઆઇ પ્રોડક્ટ તમામ ડિસ્ટ્રિબ્યુશન ચેનલ દ્વારા માગવામાં આવી શકે છે કે જેઓ આઇઆરડીએઆઇ દ્વારા અધિકૃત હોય. શક્ય હોય ત્યાં તેને ઓનલાઇન પણ વેચી શકાશે. એમઆઇ પ્રોડક્ટને કેન્દ્ર અને રાજ્ય સરકારોની વિવિધ સરકારી યોજનાઓ સાથે જોડવાથી પ્રોડક્ટની પહોંચમાં વધારો થશે તેમજ લક્ષ્યાંકિત સમૂહ સુધી તેને પહોંચાડવી સરળ બની રહેશે.


LIC પાછળ બીજી 10 કંપનીઓ મે મહિનામાં લિસ્ટીંગ કરાવશે
એલઆઈસીના રૂ. 21 હજાર કરોડ સામે અન્ય કંપનીઓ મળીને રૂ. 12 હજાર કરોડ ઊભા કરશે
સરકારી વીમા જાયન્ટ લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશને આખરે આઈપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશ કરતાં મે મહિનામાં અન્ય દસ કંપનીઓ પણ તેમની આઈપીઓ ઓફર સાથે બજારમાં પ્રવેશવા તૈયાર બની છે. આ કંપનીઓને સેબી તરફથી આરંભિક ઓફર સાથે પ્રવેશવાની લીલીઝંડી અગાઉ મળી ચૂકી છે. આ કંપનીઓ મળીને લગભગ રૂ. 12 હજાર કરોડનું ભરણું ઊભું કરે તેવી શક્યતા છે.
ઈન્વેસ્ટમેન્ટ બેંકર્સ વર્તુળોના મતે એલઆઈસીના આઈપીઓની સફળતા પાછળ ડઝનેક કંપનીઓ બજારમાં પ્રવેશી શકે છે. જેમાં દસેક કંપનીઓ કેટલાંક સપ્તાહોથી બજારમાં પ્રવેશવા તૈયાર છે. આ કંપનીઓમાં લોજિસ્ટીક પ્લેયર ડેલ્હીવેરી મુખ્ય છે. કંપનીએ તેના આઈપીઓના કદમાં અગાઉની યોજના કરતાં ઘટાડો કર્યો છે. જોકે તે રૂ. 5300 કરોડનું ભરણું ઊભું કરવા બજારમાં પ્રવેશશે એમ વર્તુળો જણાવે છે. બીજી બાજુ પ્રૂડન્ટ કોર્પોરેટ એડવાઈઝરી સર્વિસિસ પણ બજારમાં આવવાનું આયોજન ધરાવે છે. દેશમાં એયૂએમની બાબતમાં ટોચની કંપનીઓમાં સમાવિષ્ટ કંપની રૂ. 600 કરોડની રકમ ઊભી કરશે. આ સિવાય પારાદિપ ફોસ્ફેટ રૂ. 2200 કરોડ, સિર્મા એસજીએસ ટેક રૂ. 1000 કરોડ, એથર ઈન્ડસ્ટ્રીઝ રૂ. 1000 કરોડ અને જેકે ફાઈલ્સ રૂ. 600 કરોડની રકમ બજારમાંથી ઊભી કરે તેવી શક્યતાં જોવા મળી રહી છે. અન્ય કંપનીઓમાં હેક્ઝાગોન ન્યૂટ્રીશન રૂ. 600 કરોડ, ઈથોસ રૂ. 500 કરોડ, ઈ-મુધ્રા રૂ. 450 કરોડ અને વિનસ પાઈપ્સ એન્ડ ટ્યુબ્સ રૂ. 225 કરોડના આઈપીઓ સાથે પ્રવેશે તેવી શક્યતાં બેંકર્સ દર્શાવે છે.
બેંકર્સના જણાવ્યા મુજબ પ્રાઈમરી માર્કેટમાં મૂડ તમામ કંપનીઓ માટે એકસરખો જોવા નથી મળી રહ્યો. માત્ર પસંદગીની કંપનીઓ માટે જ માગ જોવા મળી રહી છે અને તેથી ક્વોલિટી કંપનીઓ જ માર્કેટમાં પ્રવેશવાનું સાહસ કરશે. પારાદિપ ફોસ્ફેટ્સમાં શેરધારક ઝૂઆરી મેરોક અને ભારત સરકાર તેમના હિસ્સાનું વેચાણ કરશે. એક ઈન્વેસ્ટમેન્ટ બેંકરના જણાવ્યા મુજબ માર્કેટમાં લિક્વિડીટીની કોઈ તંગી નથી પરંતુ જે કંપનીઓ આગવા બિઝનેસ મોડેલ ધરાવે છે તથા સારા વેલ્યૂએશન્સ પર ઓફર કરી રહી છે તેમની જ માગ છે. પ્રૂડન્ટ એડવાઈઝરી સર્વિસિઝમાં વર્તમાન રોકાણકાર 85.5 લાખ શેર્સના વેચાણ મારફતે રૂ. 600 કરોડ ઊભા કરવાનું આયોજન ધરાવે છે. અમદાવાદ સ્થિત કંપની મ્યુચ્યુલ ફંડ્સ અને ફાઈનાન્સિયલ પ્રોડક્ટ્સના ડિસ્ટ્રીબ્યુશનમાં સક્રિય છે. ચેન્નાઈ સ્થિત સિર્મા એસજીએસ ટેક્નોલોજી ફ્રેશ ઈક્વિટી મારફતે રૂ. 926 કરોડ સાથે કુલ રૂ. 1000 કરોડ ઊભા કરવા ધારે છે.
કઈ કંપની કેટલી રકમ ઊભી કરશે?
કંપની આઈપીઓનું કદ(રૂ. કરોડમાં)
દિલ્હીવેરી 5300
પારાદિપ ફોસ્ફેટ 2200
સિર્મા એસજીએસ ટેક 1000
એથર ઈન્ડ. 1000
જેકે ફાઈલ્સ 600
હેક્સાગોન ન્યૂટ્રી. 600
પ્રૂડન્ટ કોર્પોરેટ 600
ઈથોસ 500


સિટી ગ્રૂપની એક ભૂલ પાછળ યુરોપિયન માર્કેટ્સમાં 315 બિલિયન ડોલરનું ધોવાણ
સ્વિડિશ સ્ટોકમાં વેચવાલી પાછળ યુરોપિયન ઈન્ડેક્સ 3 ટકા જેટલો તૂટ્યો હતો
સમગ્ર યુરોપમાં સોમવારે અચાનક જબરદસ્ત વેચવાલી પાછળ સિટી ગ્રૂપના લંડન ટ્રેડિંગ ડેસ્ક કારણભૂત હોવાનું બહાર આવ્યું છે, જે લાંબા સમયથી કંટ્રોલમાં સુધારો કરવાના બેંકના પ્રયાસો માટે આંચકારૂપ છે. સ્વિડિશ સ્ટોકમાં વેચવાલીને કારણે પાંચ જ મીનીટમાં વિવિધ યુરપિયન શેરબજારો પર હલચલ પેદા થઇ હતી. જોકે, બેંકે કહ્યું હતું કે થોડી જ મીનીટમાં ભૂલની ઓળખ કરીને તેને સુધારી લેવાઇ હતી.
આ જબરદસ્ત પ્રતિસાદને પરિણામે યુરોપિયન ઇન્ડેક્સ 3 ટકા જેટલો તુટ્યો હતો, જેના પરિણામે એક સમયે 300 બિલિયન યુરોનું ધોવાણ થયું હતું. અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આટલી મોટી ફાઇનાન્સિલ કંપની કેવી રીતે ભૂલોને રોકી શકે અને શું માર્કેટમાં પર્યાપ્ત સુરક્ષા ઉપલબ્ધ છે કે નહીં. હકીકત એ છે કે તમામ ફેન્સી કંટ્રોલ સિસ્ટમ વચ્ચે પણ ટ્રેડિંગનો મોટો હિસ્સો હજૂ પણ મેન્યુઅલ છે.
બે વર્ષ પહેલાં તેના એક કર્મચારીએ ભૂલથી લગભગ 1 બિલિયન ડોલર રેવલોન ક્રેડિટર્સને મોકલી દેતાં તેના પરિણામે ફંડ રિકવર કરવામાં લાંબી કોર્ટ પ્રક્રિયાઓ ચાલી હતી. ઉલ્લેખનીય છે કે સિટી ગ્રૂપ સોમવારની ઘટના બાબતે નિયામક અને એક્સચેન્જીસ સાથે ચર્ચા કરી રહ્યું છે. આ દરમિયાન ઓએમએક્સ સ્ટોકહોમ 30 ઇન્ડેક્સ 1.9 ટકા નીચે બંધ આવ્યો હતો, જે યુરોપિયન માર્કેટ્સના મૂજબ જ રહ્યો હતો. તે માત્ર પાંચ મીનીટમાં 8 ટકા તુટ્યો હતો.

કોર્પોરેટ હેડલાઈન્સ

ટાટા સ્ટીલઃ સ્ટીલ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 9756 કરોડનો નફો નોંધાવ્યો છે. જ્યારે રૂ. 66323 કરોડની આવક દર્શાવી છે. કંપનીના બોર્ડે રૂ. 10ની ફેસ વેલ્યૂના શેરનું રૂ. 1માં વિભાજન કરવાના પ્રસ્તાવ પર વિચારણા કરી છે. જ્યારે ફૂલ્લી પેઈડ શેર પર રૂ. 51નું ડિવિડન્ડ ભલામણ કર્યું છે.
અદાણી એન્ટરપ્રાઈઝઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 304 કરોડનો નફો નોંધાવ્યો છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 12 કરોડની ખોટ નોંધાવી હતી. કંપનીની આવક ત્રિમાસિક ધોરણે રૂ. 18757 કરોડ પરથી ઉછળી રૂ. 24866 કરોડ થઈ હતી. કંપની રોકાણકારોને રૂ. 1915.85 પ્રતિ શેરના ભાવે શેર ઈસ્યુ કરશે.
જેબીએમ ઓટોઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 85.63 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 32.72 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 744.80 કરોડ પરથી વધી ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 1072.3 કરોડ પર રહી હતી.
જિંદાલ સ્ટેનલેસઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 749.88 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 292.61 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 3913.64 કરોડ પરથી વધી ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 6563.51 કરોડ પર રહી હતી.
બ્રિટાનિયાઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 378 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 360 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 3130 કરોડ પરથી વધી ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 3550 કરોડ પર રહી હતી.
એમએચઆરઆઈએલઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 16.2 કરોડનો નફો નોંધાવ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 10.2 કરોડની ખોટ દર્શાવી હતી. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 465.4 કરોડ પરથી 16.6 ટકા વધી ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 542.6 કરોડ પર રહી હતી.
જેએસડબલ્યુ એનર્જીઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 864.3 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 106.6 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 1569.6 કરોડ પરથી 56 ટકા વધી ચાલુ વર્ષે રૂ. 2440.7 કરોડ પર રહી હતી.
ઈઆઈએચઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 6.72 કરોડનો નફો નોંધાવ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 95 લાખની કરોડની ખોટ દર્શાવી હતી.. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 4822 કરોડ પરથી વધી ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 6061 કરોડ પર રહી હતી.
એસટેકઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 43.17 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 23.90 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 171.9 કરોડ પરથી વધી ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 271.9 કરોડ પર રહી હતી
]

Rushit Parmar

Recent Posts

Rubicon Research IPO: Apply for Short-Term Gains?

Unlocking an Upcoming Investment Opportunity: Rubicon Research IPO Rubicon Research is making headlines with its…

3 weeks ago

Canara Robeco IPO: Apply for Short-Term Gains or Avoid?

Unlocking the Canara Robeco Asset Management Company IPO: A Guide for Every Investor Did you…

3 weeks ago

Tata Turmoil: 5 Secrets to Protect Your Wallet Now

Imagine you’re at a big family gathering and suddenly, your relatives start arguing about who…

4 weeks ago

Shlokka Dyes IPO Verdict: Apply for Short-Term Gains?

Shlokka Dyes IPO: Is It Worth Your Investment? Did you know that Shlokka Dyes is…

4 weeks ago

LG India IPO Verdict: Apply for Listing Gains Today!

LG India IPO: Should You Buy a Piece of Your TV and Fridge Company? Introduction…

4 weeks ago

5 Simple Steps to Secure a Wealthy Retirement Before 40

Did you know that starting your retirement planning in India before your 40s can make…

4 weeks ago

This website uses cookies.