Categories: Market TipsNEWS

Market Summary 6 April 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

વૈશ્વિક દબાણ પાછળ સ્થાનિક બજાર બીજા દિવસે નરમ
જોકે બેન્ચમાર્ક નિફ્ટીએ 18 હજારનો સપોર્ટ જાળવ્યો
વોલેટિલિટી ઈન્ડેક્સ 2.9 ટકા સુધરી 19.02ના સ્તરે
પીએસયૂ બેંક શેર્સમાં જોવા મળેલી ખરીદી
મેટલ, એનર્જી અને પીએસઈમાં પણ મજબૂતી
વૈશ્વિક સ્તરે એશિયા, યુરોપ અને યુએસમાં સાર્વત્રિક વેચવાલી
શેરબજારમાં સતત બીજા દિવસે વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. વૈશ્વિક સ્તરે સાર્વત્રિક નરમાઈને કારણે સ્થાનિક બજાર પણ લગભગ એક ટકા ઘટાડો દર્શાવતો હતો. બેન્ચમાર્ક્સ સેન્સેક્સ 566 પોઈન્ટ્સ ગગડી 59610ના સ્તરે જ્યારે નિફ્ટી 150 પોઈન્ટ્સ ઘટી 17808ના સ્તરે બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2.9 ટકાના સુધારે 19.02ના સ્તર પર જોવા મળ્યો હતો. બે સત્રોથી તે સુધારાતરફી જોવા મળી રહ્યો છે. નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી 21 પોઝીટીવ જ્યારે 28 નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં.
મંગળવારે 18 હજારનું સ્તર તોડ્યા બાદ નિફ્ટીએ બુધવારે પણ ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવ્યું હતું અને વધુ ગગડી 17800ની નીચે ઉતરી ગયો હતો. જોકે બપોરે એક તબક્કે ફરીથી સુધારાતરફી બન્યાં બાદ તે ભોંય પર પટકાયો હતો અને ઈન્ટ્રા-ડે લોની નજીક જ બંધ રહ્યો હતો. જોકે આમ છતાં નિફ્ટીએ 17800નો સપોર્ટ જાળવ્યો હતો. કેમકે બજારને કેટલાંક મહત્વના ક્ષેત્રો જેવાકે મેટલ, એનર્જી અને જાહેર સાહસો તરફથી સપોર્ટ સાંપડ્યો હતો. નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ 1.6 ટકા સુધર્યો હતો. જ્યારે નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 1.35 ટકા અને નિફ્ટી એનર્જી 1.2 ટકા સુધારો દર્શાવતાં હતાં. બીજી બાજુ નિફ્ટી આઈટી ઈન્ડેક્સે 1.6 ટકા ઘટાડો નોંધાવ્યો હતો. જેમાં એમ્ફેસિસ, એચસીએલ ટેક, કોફોર્જ અને ટેક મહિન્દ્રા જેવી કંપનીઓ 2 ટકાથી વધુ ઘટાડો દર્શાવતી હતી. પીએસયૂ બેંકિંગ ક્ષેત્રે નોંધપાત્ર સમયગાળા બાદ ખરીદી જોવા મળી હતી અને બેંક શેર્સ 4 ટકા સુધીનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. જેમાં સેન્ટ્રલ બેંક 4 ટકા, ઈન્ડિયન બેંક 4 ટકા, બેંક ઓફ બરોડા 3.4 ટકા, બેંક ઓફ ઈન્ડિયા 2.7 ટકા અને કેનેરા બેંક 2 ટકાનો સમાવેશ થાય છે. બેંક નિફ્ટી જોકે 1.2 ટકા ઘટાડો સૂચવતો હતો. જેનું મુખ્ય કારણ એચડીએફસી બેંકમાં બીજા દિવસે જોવા મળેલી વેચવાલી હતી. બેંક શેર 3.6 ટકા જેટલો ગગડ્યો હતો. એચડીએફસીમાં પણ 3.4 ટકા જ્યારે એચડીએફસી લાઈફમાં 2.42 ટકા ઘટાડો નોંધાયો હતો. બીજી બાજુ નિફ્ટી કાઉન્ટર્સમાં કોલ ઈન્ડિયા 3.2 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ સિવાય આઈઓસી 3 ટકા, એનટીપીસી 2.6 ટકા અને ટાટા સ્ટીલ 2 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં ઈન્ડિયન હોટેલ્સ 6.6 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. ટાટા પાવર 6 ટકા સાથે બીજા દિવસે સુધર્યો હતો. સેઈલ, વોડાફોન આઈડિયા, કન્ટેનર કોર્પોરેશન, આઈડીએફસી પણ 4 ટકાથી વધુ સુધારો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે રેઈન ઈન્ડસ્ટ્રીઝ, મેરિકો, આઈઆરસીટીસી, એમ્ફેસિસ, એચડીએફસી બેંકમાં 4 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.
લાર્જ-કેપ્સથી વિપરીત બ્રોડ માર્કેટમાં ત્રીજા દિવસે મજબૂતી જળવાય હતી બીએસઈ ખાતે 3512 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2163 સુધારા સાથે બંધ રહ્યાં હતાં. જ્યારે 1250 ઘટાડો સૂચવતાં હતાં. 183 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ નોંધાવી હતી. જ્યારે 9 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું દર્શાવ્યું હતું. નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 0.6 ટકા જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સ 0.12 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. વૈશ્વિક બજારોમાં એશિયામાં હોંગ કોંગ 2 ટકા સાથે અન્ડરપર્ફોર્મન્સ દર્શાવતુ હતું. જાપાન 1.6 ટકા, કોરિયા 0.9 ટકા અને તાઈવાન 0.6 ટકા ઘટાડો દર્શાવતું હતું. ચીન બજાર ફ્લેટ બંધ રહ્યું હતું. યુરોપ બજારોમાં 1.5 ટકા ઘટાડો જોવા મળતો હતો. જ્યારે મંગળવારે નાસ્ડેક 2.3 ટકા ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

નાણા વર્ષ 2021-22માં પાંચ ગણી વૃદ્ધિ સાથે 145 DRHP ફાઈલ થયાં
2020-21માં માત્ર 30 કંપનીઓએ આઈપીઓ માટે સેબીમાં પ્રસ્તાવ રજૂ કર્યો હતો
જોકે 145 કંપનીઓમાંથી માત્ર 52 કંપનીઓ જ આઈપીઓ લાવવામાં સફળ રહી
છેલ્લાં 10 વર્ષોની સરેરાશ સામે 2021-22માં ડીઆરએચપી ફાઈલીંગનું પ્રમાણ 4 ગણુ
નાણાકિય વર્ષ 2021-22માં પ્રાઈમરી માર્કેટમાં આઈપીઓ સાથે પ્રવેશવા ઈચ્છતી કંપનીઓની સંખ્યામાં ગયા વર્ષની સરખામણીમાં પાંચ ગણી વૃદ્ધિ જોવા મળી હતી. હમણાં જ પૂરા થયેલાં વર્ષ દરમિયાન કુલ 145 કંપનીએ તેના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ(ડીઆરએચપી)નું ફાઈલીંગ કર્યું હતું. જે સંખ્યા 2020-21ના વર્ષ દરમિયાન માત્ર 30 પર જોવા મળી હતી.
સેકન્ડરી માર્કેટમાં તેજીનો લાભ લેવા ગયા વર્ષે કંપનીઓએ દોટ મૂકી હતી. બજારમાં નવા રિટેલ રોકાણકારોના મોટા પ્રમાણમાં પ્રવેશને પગલે પણ તેમના માટે સ્થિતિ ઘણી અનૂકૂળ બની રહી હતી. કોવિડના પ્રથમ રાઉન્ડ બાદ શરૂઆતમાં પ્રવેશેલી કંપનીઓની લિસ્ટીંગ સફળતાએ પણ તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. જેને કારણે અનેક ન્યૂ-જેન ટેક્નોલોજી કંપનીઓએ બજારમાં નાણા એકત્ર કરવાનો મનસૂબો મક્કમ બનાવ્યો હતો. વૈશ્વિક સ્તરે રેટ વૃદ્ધિની શક્યતાને પગલે પણ વર્તમાન લિક્વિડિટીનો લાભ લેવા માટે કંપનીઓ આતુર બની હતી. વાસ્તવમાં 2021-22માં ફાઈલ થયેલા ડીઆરએચપીની સંખ્યા છેલ્લાં 10 વર્ષોની સરેરાશની સરખામણીમાં 4 ગણી હતી. તેમજ 2007-08 બાદ તે સૌથી ઊંચી હતી એમ એક અભ્યાસ સૂચવે છે. આઈપીઓ માટે ડીઆરએચપી ફાઈલ કરનાર કંપનીઓમાં ન્યૂ-એજ સેક્ટર્સ ઉપરાંત, ઓનલાઈન ઈ-કોમર્સ અને ફૂડ-ડિલીવરી સુધીની કંપનીઓનો સમાવેશ થતો હતો. પરંપરાગત ક્ષેત્રોથી અલગ આગવા બિઝનેસ મોડેલ્સ ધરાવતી કંપનીઓનો પણ સમાવેશ થતો હતો. જોકે ઊંચા ડીઆરએચપી ફાઈલીંગ પાછળનું એક કારણ પ્રાઈવેટ ઈક્વિટી ઈન્વેસ્ટર્સ મારફતે એક્ઝિટ માટેનું દબાણ પણ હતું. છેલ્લા ઘણા સમયથી પીઈ ઈન્વેસ્ટર્સ એક્ઝિટની રાહ જોઈ રહ્યાં હતાં. જોકે માર્કેટની સ્થિતિ અનૂકૂળ નહિ હોવાથી તેઓ આમ કરી શક્યાં નહોતાં. ડિસેમ્બર 2021 બાદ પણ બજારની સ્થિતિમાં ઊંચી વધ-ઘટને કારણે કંપનીઓ ડીઆરએચપીને મંજૂરી બાદ પણ આઈપીઓ લાવી શકી નથી. તેઓ માર્કેટમાં સેન્ટિમેન્ટ સુધરે તેની ફિરાકમાં છે.
અગ્રણી ઈન્વેસ્ટમેન્ટ બેંકરના જણાવ્યા મુજબ ગયા વર્ષે ન્યૂ-એજ બિઝનેસિસને બજારમાંથી નાણા એકત્ર કરવામાં સાંપડેલી સફળતા બજારની પરિપક્વતા દર્શાવે છે. તે સૂચવે છે કે બજાર વૈવિધ્યકરણ સાથે ઊંડાણ પણ ધરાવે છે. રોકાણકારો હવે વિવિધ બિઝનેસિસને સમજી રહ્યાં છે. કોવિડને કારણે 2020-21માં નહિ પ્રવેશી શકવાને કારણે 2021-22માં બજારમાં પ્રવેશવા માટે કંપનીઓમાં ધસારો જોવા મળ્યો હતો એમ પણ તેઓ ઉમેરે છે. જોકે ડીઆરએચપી ફાઈલ કરનાર 145 કંપનીઓમાંથી માત્ર 52 કંપનીઓ જ આઈપીઓ લાવવામાં સફળ રહી હતી. કેટલીક કંપનીઓ હજુ પણ સેબીની મંજૂરીની રાહ જોઈ રહી છે. જ્યારે સેબીની મંજૂરી મેળવી ચૂકેલી કંપની માર્ચ 2022 ક્વાર્ટરમાં વોલેટિલિટીને કારણે આઈપીઓ લાવી શકી નહોતી. લગભગ 54 જેટલી કંપનીઓ આગામી બે ક્વાર્ટરમાં રૂ. 1.4 લાખ કરોડ એકત્ર કરવા માટે બજારમાં પ્રવેશે તેવી શક્યતાં છે. જેમાં પીએસયૂ લાઈફ ઈન્શ્યોરન્સ જાયન્ટ એલઆઈસીનો સમાવેશ પણ થાય છે.

NFOs મારફતે વિક્રમી રૂ. 94621 કરોડ એકત્ર કરવામાં આવ્યાં
એપ્રિલ 2021થી ફેબ્રુઆરી 2022 સુધીના 11 મહિનામાં 110 ટકા કરતાં વધુ વૃદ્ધિ
અગાઉના વર્ષે 85ની સરખામણીમાં ગયા વર્ષે 145 એનએફઓ બજારમાં પ્રવેશ્યાં
મ્યુચ્યુલ ફંડ ઉદ્યોગે નવી ફંડ ઓફર્સ મારફતે રકમ ઊભી કરવાનો વિક્રમ નોંધાવ્યો છે. એપ્રિલ 2021થી ફેબ્રુઆરી 2022 સુધીમાં કુલ રૂ. 94621 કરોડની રકમ એમએફ ઉદ્યોગે એનએફઓ મારફતે ઊભી કરી હતી. જે અગાઉના નાણા વર્ષ 2020-21માં ઊભા કરવામાં આવેલા કુલ રૂ. 42018 કરોડની સરખામણીમાં બમણાથી વધુ વૃદ્ધિ સૂચવે છે. શેરબજારમાં ગયા નાણા વર્ષ દરમિયાન જોવા મળેલી ઐતિહાસિક તેજીને કારણે રોકાણકારોએ પ્રત્યક્ષ ઉપરાંત પરોક્ષ રીતે પણ ઊંચી લિક્વિડીટી બજારમાં ઠાલવી હતી.
પૂરાં થયેલા નાણા વર્ષ દરમિયાન કુલ 145 એનએફઓ બજારમાં પ્રવેશ્યાં હતાં. જે સંખ્યા અગાઉના વર્ષે 84 પર જોવા મળતી હતી. એમ્ફીએ તૈયાર કરેલા ડેટા મુજબ ગયુ વર્ષ મ્યુચ્યુલ ફંડ ઉદ્યોગ માટે ખૂબ જ વ્યસ્ત જોવા મળ્યું હતું. ઉદ્યોગે તમામ શક્ય તકો ઝડપવા માટે પ્રયાસ કર્યાં હતાં અને વિક્રમી ફોલિયોસનો ઉમેરો કર્યો હતો. ઈક્વિટી ઈસ્યુ મારફતે ઊભા કરવામાં આવેલું ફ્રેશ ફંડ્સ બમણાથી વધુ થઈને રૂ. 86650 કરોડ પર રહ્યું હતું. જે અગાઉના વર્ષે રૂ. 37980 કરોડ પર હતું. જ્યારે મંદ રહેવા છતાં ડેટ ફંડ્સ મારફતે ઊભું કરવામાં આવેલું ફંડ્સ રૂ. 8061 કરોડ પર હતું. જે અગાઉના વર્ષે રૂ. 4058 કરોડ પર હતું.
મ્યુચ્યુલ ફંડ ઉદ્યોગ માટે વિતેલું વર્ષ એક મહત્વનું બની રહ્યું હતું. જેમાં એસબીઆઈ અને આઈસીઆઈસીઆઈસ મ્યુચ્યુલ ફંડ્સે સૌથી વધુ ઈનફ્લો આકર્ષ્યો હતો. એસબીઆઈ એમએફે તેના બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ મારફતે જંગી રૂ. 14500 કરોડનું ફંડ મેળવ્યું હતું. જ્યારે એક અન્ય મલ્ટી-કેપ ફંડ એનએફઓ મારફતે રૂ. 8200 કરોડ મેળવ્યાં હતાં. આઈસીઆઈસીઆઈ એમએફે ગયા જુલાઈમાં ફ્લેક્સિ-કેપ ફંડ મારફતે રૂ. 9500 કરોડ મેળવ્યાં હતાં. નિપ્પોન ઈન્ડિયા એમએફ અને આદિત્ય બિરલા એમએફે પણ સફળતાપૂર્વક એનએફઓ કર્યાં હતાં. એનજે ઈન્ડિયાના બેલેન્સ્ડ એડવાન્ટેડ ફંડે સપ્ટેમ્બરમાં રૂ. 5200 કરોડ મેળવ્યાં હતાં. ઈન્ટરેસ્ટ રેટમાં વૃદ્ધિની શક્યતાં પાછળ ફિક્સ્ડ ટર્મ પ્લાન અને ફ્લોટર ફંડ્સની માગ જળવાય હતી. ફિક્સ્ડ રેટ માટે 24 નવી ઓફર્સ જ્યારે ફ્લોટર ફંડ્સ માટે 2 નવી ઓફર્સમાં અનુક્રમે રૂ. 4387 કરોડ અને રૂ. 1221 કરોડ ઊભા કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત નવા થીમ્સનું પણ આકર્ષણ જળવાયું હતું. એક અગ્રણી એસેટ મેનેજરના જણાવ્યા મુજબ રોકાણકારોની પસંદગી ડાયવર્સિફિકેશન, ડિફરેન્શિયેટેડ થીમ્સ, લો-કોસ્ટ પેસિવ ઓફરિંગ્સ, રુલ-બેઝ્ડ ઈન્વેસ્ટમેન્ટ ઓપ્શન્સ આધારિત રહી હતી. જેને કારણે ઉપરોક્ત કેટેગરીમાં રોકાણકારોનો રસ જળવાય હતો.

માર્ચ મહિનામાં પેસેન્જર વેહીકલના વેચાણમાં 5 ટકા ઘટાડો નોઁધાયો
ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે મુશ્કેલ સમય હજુ પૂરો નથી થયો. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સ એસોસિએશન્સ(ફાડા)ના જણાવ્યા મુજબ માર્ચ મહિનામાં રિટેલ વેચાણમાં વાર્ષિક ધોરણે 5 ટકા ઘટાડો નોંધાયો હતો. માર્ચ 2021માં 2,85,240 યુનિટ્સ સામે માર્ચ 2022માં 2,71,358 યુનિટ્સ વેહીકલ્સનું વેચાણ જોવા મળ્યું હતું. સેમીકંડક્ટર્સની ઉપલબ્ધતા હજુ પણ પડકાર હોવાથી પેસેન્જર વેહીકલ્સની માગમાં હજુ પણ લાંબુ વેઈટિંગ જોવું પડે તેવી સ્થિત છે એમ વર્તુળ જણાવે છે. માર્ચ મહિનામાં ટુ-વ્હીલર્સના રિટેલ વેચાણમાં 4 ટકા ઘટાડો નોંધાયો હતો.
રિલાયન્સ કેપિટલની એસેટ્સ માટે કુલ 55 બીડર્સ
દેવાના બોજ તળે દબાયેલી અને નાદાર બનેલી રિલાયન્સ કેપિટલ માટે ચાલી રહેલી ઈન્સોલ્વન્સી પ્રોસિડિંગ્સમાં કુલ 55 બીડર્સ ભાગ લઈ રહ્યાં છે. જેમાં પિરામલ ગ્રૂપની આગેવાનીમાં કોન્સોર્ટિયમ ઉપરાંત યસ બેંક, ઝૂરિક ઈન્શ્યોરન્સ કંપની, ઈન્ડસઈન્ડ ઈન્ટરનેશનલ હોલ્ડિંગ્સ, જિંદાલ પાવર, ડાર્વિન ગ્રૂપ ઓફ કંપનીઝના ચેરમેન અજય હરિનાથ સિંઘ જેવા નામોનો સમાવેશ થાય છે.
રિટેલ ઈન્વેસ્ટર્સ IPOમાં UPI મારફતે રૂ. 5 લાખ સુધીની અરજી કરી શકશે
સેબીએ ઈન્ડિવિડ્યૂઅલ ઈન્વેસ્ટર્સ માટે આઈપીઓમાં રૂ. 5 લાખ સુધીના પેમેન્ટ માટે યૂપીઆઈ ઈન્ટરફેસમાં સુધારો કર્યો છે. રોકાણકારોને તેમના સ્ટોક બ્રોકર્સને રજૂ કરવામાં આવેલા બીડ-કમ-એપ્લિકેશન ફોર્મમાં યૂપીઆઈ આઈડી પૂરો પાડવા જણાવવામાં આવ્યું છે. નવી માર્ગદર્શિકાઓ 1 મે 2022ના રોજ અમલમાં આવશે એમ સેબીએ જણાવ્યું છે.
ડીસીએક્સ સિસ્ટમ્સ IPO મારફતે રૂ. 600 કરોડ ઊભા કરશે
બેંગલૂરૂ સ્થિત ડીસીએક્સ સિસ્ટમ્સ લિમિટેડે આઈપીઓ માટે રૂ. 600 કરોડ આસપાસની રકમ ઊભી કરશે. કંપનીએ આ માટે સેબી સમક્ષ ડીઆરએચપી ફાઈલ કર્યું છે. કંપની ડિફેન્સ ક્ષેત્રે સૌથી ઝડપી વિકાસ પામી રહી છે. 2020-21માં ઇલેક્ટ્રોનિક સબ-સિસ્ટમ્સ અને કેબલ હાર્નેસનું ઉત્પાદન કરતી ટોચની કંપની હતી. કંપનીના આઇપીઓમાં રૂ. 500 કરોડનો ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે.

કોર્પોરેટ ન્યૂઝ

બંધન બેંકઃ ખાનગી બેંકિંગ કંપનીએ જણાવ્યું છે કે માર્ચ 2022 ક્વાર્ટરમાં તેની લોન્સ અને એડવાન્સિસમાં વાર્ષિક 16 ટકા વૃદ્ધિ દર્શાવી હતી. જે રૂ. 1.01 લાખ કરોડ પર જોવા મળ્યાં હતાં. જ્યારે ડિપોઝીટ્સ 24 ટકા વૃદ્ધિ સાથે રૂ. 96331 કરોડ પર જોવા મળી હતી.
સાઉથ ઈન્ડિયન બેંકઃ કંપનીએ માર્ચ 2022 ક્વાર્ટરમાં રૂ. 89140 કરોડની ડિપોઝીટ્સ નોંધાવી હતી. જે વાર્ષિક ધોરણે 8 ટકા વૃદ્ધિ દર્શાવે છે. જ્યારે એડવાન્સિસ વાર્ષિક ધોરણે 4 ટકા વધી રૂ. 61820 કરોડ પર રહ્યાં હતાં.
ટીવીએસ મોટરઃ કંપની અને જીઓ-બીપીએ દેશમાં ઈલેક્ટ્રીક ટુ-વ્હીલર્સ અને થ્રી-વ્હીલર્સ માટે ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની શક્યતા ચકાસવા સહમતિ દર્શાવી છે.
ટીસીએસઃ કેન્સાસ ડિપાર્ટમેન્ટ ઓફ લેબરે સ્ટેટના અનએમ્પ્લોયમેન્ટ ઈન્શ્યોરન્સ પ્રોગ્રામ માટે મોડર્ન, સિક્યોર, વેબ બેઝ્ડ સિસ્ટમ ઊભી કરવા માટે ટીસીએસની પસંદગી કરી છે.
એનસીએલ ઈન્ડઃ કંપનીએ 2020-21ની સરખામણીમાં 2021-22માં સિમેન્ટના ઉત્પાદનમાં 8 ટકા વૃદ્ધિ દર્શાવી હતી. જ્યારે તેની રવાનગીમાં 7 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી.
ટાટા સ્ટીલ લોંગ પ્રોડક્ટ્સઃ કંપનીએ 2021-22 નાણાકિય વર્ષમાં ક્રૂડ સ્ટીલ ઉત્પાદનમાં વાર્ષિક 6 ટકા વૃદ્ધિ દર્શાવી હતી.
ગુફિક બાયોસાયન્સિસઃ કંપનીએ વેન્ટિલેટરનો સપોર્ટ ધરાવતાં મધ્યમથી તીવ્ર કોવિડ-19 દર્દીઓની સારવાર માટે થાયમોસિન આલ્ફા-1ની એડ-ઓન થેરાપી માટે ડીસીજીઆઈ તરફથી મંજૂરી મેળવી છે.
સ્કોડા ઈન્ડિયાઃ સ્કોડા ઓટોએ માર્ચ મહિનામાં 5608 યુનિટ્સ સાથે વિક્રમી વેચાણ નોંધાવ્યું છે. ગયા વર્ષે સમાનગાળાની સરખામણીમાં તે પાંચ ગણી વૃદ્ધિ દર્શાવે છે. તેણે માર્ચ ક્વાર્ટરમાં 13120 યુનિટ્સનું સૌથી ઊંચું વેચાણ નોંધાવ્યું છે. કુશકે કંપનીને મજબૂત ગ્રોથ પૂરો પાડ્યો છે.

Rushit Parmar

Recent Posts

Sai Swami Metals & Alloys Limited IPO : Key Dates

Sai Swami Metals & Alloys Limited IPO is set to launch on 30 April, 2024.…

4 days ago

Amkay Products Limited IPO : Important Updates

Amkay Products Limited IPO is set to launch on 30 April, 2024. The company initiated…

7 days ago

Storage Technologies & Automation Ltd IPO (Racks & Rollers IPO) : Key Info.

Storage Technologies & Automation Ltd IPO (Racks & Rollers IPO) is set to launch on…

7 days ago

Shivam Chemicals Limited IPO : Key Dates

Shivam Chemicals Limited IPO is set to launch on 23 April, 2024. The company initiated…

2 weeks ago

Varyaa Creations Limited IPO : Company Information

Varyaa Creations Limited IPO is set to launch on 22 April, 2024. The company initiated…

2 weeks ago

JNK India Limited IPO : Key Updates

JNK India Limited IPO is set to launch on 23 April, 2024. The company initiated…

2 weeks ago

This website uses cookies.