Market Summary 6 June 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
રેટ વૃદ્ધિની સંભાવના પાછળ શેરબજાર સાવચેત
વૈશ્વિક બજારોમાં નોંધપાત્ર સુધારો જોવાયો
વોલેટિલિટી ઈન્ડેક્સ 1.1 ટકા સુધારે 20.20ના સ્તરે
મેટલ, ઓટો અને બેંકિંગમાં પોઝીટીવ ટ્રેન્ડ
નાની પ્રાઈવેટ બેંક્સ લાઈમલાઈટમાં
મીડ તથા સ્મોલ-કેપ્સમાં નરમાઈ
રિલાયન્સ બે સત્રોના સુધારા બાદ કોન્સોલિડેશન
અદાણી જૂથના શેર્સમાં મજબૂતી
સિમેન્ટ શેર્સમાં ઘટાડો આગળ વધ્યો

સતત ત્રણ સપ્તાહ દરમિયાન પોઝીટીવ શરૂઆતનો ક્રમ તોડતાં ભારતીય બજારે સોમવારે ચોપી ટ્રેડ વચ્ચે નેગેટિવ બંધ દર્શાવ્યું હતું. ભારતીય બેન્ચમાર્ક્સ બીએસઈ સેન્સેક્સ 94 પોઈન્ટ્સ ઘટી 55675ના સ્તરે જ્યારે નિફ્ટી-50 15 પોઈન્ટ્સ ગગડી 16570ના સ્તરે બંધ રહ્યાં હતાં. જોકે નિફ્ટીના 50 ઘટક કાઉન્ટર્સમાંથી 28 નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 23માં પોઝીટીવ બંધ જોવા મળ્યું હતું. બ્રોડ માર્કેટમાં પણ અન્ડરટોન નરમાઈનો હતો અને બીએસઈ ખાતે માર્કેટ-બ્રેડ્થ નેગેટિવ જોવા મળી રહી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1.1 ટકા સુધારા સાથે 20.20ના સ્તરે બંધ રહ્યો હતો.
વૈશ્વિક બજારોમાં મજબૂતી વચ્ચે ભારતીય બજારે સપ્તાહની નેગેટિવ શરૂઆત દર્શાવી હતી. એશિયન બજારોમાં ચીન, હોંગ કોંગ અને જાપાન બજારો સુધારા સાથે બંધ જોવા મળ્યાં હતાં. જેમાં હોંગ કોંગ બજાર 2.71 ટકા જ્યારે ચીનનું બજાર એક ટકાથી વધુ મજબૂતી સાથે બંધ રહ્યાં હતાં. જોકે આમ છતાં ભારતીય બજારમાં લેવાલીનો અભાવ જોવા મળ્યો હતો. અલબત્ત, માર્કેટમાં વેચવાલીનો પણ અભાવ હતો અને મંદીવાળાઓ પણ ફાવી શક્યાં નહોતાં. નિફ્ટી ઈન્ટ્રા-ડે 16445ના તળિયાથી નોંધપાત્ર સુધારે પરત ફર્યો હતો. જે સૂચવે છે કે બજારને નીચા સ્તરે સપોર્ટ સાંપડ્યો હતો. એનાલિસ્ટ્સના મતે આગામી સત્રોમાં બજાર કોન્સોલિડેશનમાં જળવાય તેવી શક્યતાં વધુ છે. ચાલુ સપ્તાહે રિઝર્વ બેંકની બેઠક છે અને તેમાં તે રેટ વૃદ્ધિ કરશે તે નક્કી છે. બજાર તેને ઘણે ખરે અંશે ડિસ્કાઉન્ટ કરી ચૂક્યું છે. જોકે તેમ છતાં પંટર્સ કોઈ જોખમ ઉઠાવવા તૈયાર નથી. જો આરબીઆઈ અપેક્ષાથી ઊંચી રેટ વૃદ્ધિ સાથે બજારમાંથી લિક્વિડીટીને શોષવા માટે કોઈ અસાધારણ જાહેરાત કરે તો બજાર પર તેની પ્રતિકૂળ અસર જોવા મળી પણ શકે છે. આમ માર્કેટમાં સાવચેતીનો સૂર જોવા મળી રહ્યો છે. આરબીઆઈ ચાલુ નાણા વર્ષ માટે ગ્રોથને લઈને અંદાજમાં ઘટાડો કરે તેવી શક્યતાં પણ જોવાઈ રહી છે. આ તમામ પરિબળોને ધ્યાનમા રાખી બજારમાં તેજી તથા મંદીવાળાઓ વેઈટ એન્ડ વોચની સ્થિતિમાં છે.
સેક્ટરલ દેખાવની વાત કરીએ તો સોમવારે મેટલમાં નોંધપાત્ર મજબૂતી જોવા મળી હતી. તે સિવાય ઓટો અને બેંકિંગે સાધારણ પોઝીટીવ બંધ દર્શાવ્યું હતું. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 1.12 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જેમાં મુખ્ય યોગદાન રત્નમણિ મેટલ, વેલસ્પન કોર્પ, જેએસડબલ્યુ સ્ટીલ, જિંદાલ સ્ટીલ, અદાણી એન્ટરપ્રાઈઝ, વેદાંત, ટાટા સ્ટીલનું હતું. આ તમામ કાઉન્ટર્સ 1 ટકાથી લઈ 7 ટકા સુધીનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. ઓટો ક્ષેત્રે બજાજ ઓટોમાં 4 ટકા સુધારો નોંધાયો હતો. જ્યારે એમએન્ડએમમાં મજબૂતી જળવાય હતી. બેંકિંગ ક્ષેત્રે બંધન બેંક 2.6 ટકા સુધારા સાથે નવા ઝોનમાં પ્રવેશી હતી. છેલ્લાં કેટલાંક સમયથી બંધન બેંક સતત સુધારો દર્શાવી રહી છે. આ સિવાય ફેડરલ બેંક, કોટક બેંક અને ઈન્ડસઈન્ડ બેંક પણ પોઝીટીવ સુધારો દર્શાવી રહ્યાં હતાં. આઈટી,ફાર્મા, એફએમસીજી, એનર્જી અને રિઅલ્ટીમાં નરમાઈ જોવા મળી હતી. આઈટી ક્ષેત્રે મીડ-કેપ કાઉન્ટર્સ તાજેતરના પ્રત્યાઘાતી સુધારા બાદ ફરી નીચે પટકાયાં હતાં. જેમાં કોફાર્જ, એલએન્ડટી ટેનોલોજિ અને એમ્ફેસિસ મુખ્ય હતાં. ફાર્મા ક્ષેત્રે સિપ્લામાં 1.6 ટકા સુધારો નોંધાયો હતો. જ્યારે ઓરોબિંદો ફાર્મા અને લ્યુપિનમાં એક ટકા આસપાસ ઘટાડો જોવા મળતો હતો. બ્રોડ માર્કેટની વાત કરીએ તો બીએસઈ ખાતે 3557 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2021 નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1373 પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. આમ માર્કેટ-બ્રેડ્થમાં નરમાઈ જોવા મળી હતી. 72 કાઉન્ટર્સ વાર્ષિક ટોચ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 75 કાઉન્ટર્સ વાર્ષિક તળિયું સૂચવી રહ્યાં હતાં. એનએસઈ ડેરિવેટિવ્સ કાઉન્ટર્સમાં રેઈન ઈન્ડસ્ટ્રીઝ 4.29 ટકા, આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ 2.9 ટકા, આરબીએલ બેંક 2.7 ટકા, દાલમિયાન ભારત 2.4 ટકાનો સુધારો દર્શાવતાં હતાં. જ્યારે બીજી બાજુ ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ 5.3 ટકા, આઈઈએક્સ 4 ટકા, બિરલાસોફ્ટ 3.4 ટકા, બર્ગર પેઈન્ટ્સ 3.12 ટકા અને શ્રી સિમેન્ટ 3 ટકા ઘટાડો સૂચવતાં હતાં.

કોટનના ભાવમાં ખાંડીએ રૂ. 2 હજારનો વૃદ્ધિ
ઉઘડતાં સપ્તાહે કોટનના ભાવમાં ખાંડીએ રૂ. 2 હજાર સુધીની વૃદ્ધિ જોવા મળી હતી. ગયા સપ્તાહે રૂ. 96-98 હજાર પ્રતિ ખાંડી પર બોલાતાં ભાવ સોમવારે રૂ. 98 હજારથી લઈ રૂ. એક લાખ સુધી બોલાતાં હતાં. ચોમાસામાં સાધારણ વિલંબની આશંકા તેમજ શરૂઆતી દોરમાં કપાસના વાવેતરમાં અપેક્ષિત વૃદ્ધિના અભાવે કોમોડિટીના ભાવ ઘટતાં અટકી વધવા તરફી બન્યાં છે. બજાર વર્તુળોના મતે એકવાર દેશવ્યાપી સારો વરસાદ જોવા મળે તેમજ કપાસના વાવેતરમાં નોંધપાત્ર વૃદ્ધિ થશે તો જ ભાવમાં 15-20 ટકા સુધી ઘટાડાની અપેક્ષા છે. અન્યથા તે રૂ. 90 હજારથી રૂ. એક લાખની રેંજમાં અથડાતાં જોવા મળી શકે છે. યુએસ ખાતે ટેક્સાસ ખાતે કોટન બેલ્ટમાં સારા વરસાદ વચ્ચે કોટનના ભાવમાં મજબૂત જોવા મળી છે. યુએસ ખાતે કોટન વાયદો 2 ટકા મજબૂતી સાથે 141 સેન્ટ પ્રતિ પાઉન્ડ પર ટ્રેડ દર્શાવી રહ્યો હતો. તેણે ગયા મહિને 156 સેન્ટ્સની 11 વર્ષોની ટોચ દર્શાવી હતી.
તાતા મોટર્સે 10000 એક્સપ્રેસ-ટી ઈવી યુનિટ્સ માટે ઓર્ડર્સ મેળવ્યો
તાતા જૂથની તાતા મોટર્સે બ્લૂસ્માર્ટ ઈલેક્ટ્રિક મોબિલિટી પાસેથી 10000 એક્સપ્રેસ-ટી ઈવી યુનિટ્સ ડિલિવર કરવાનો ઓર્ડર મેળવ્યો છે. કંપનીને ભારતમાંથી મળેલો આ સૌથી મોટો ઓર્ડર છે એમ ઓટો કંપનીએ જણાવ્યું હતું. કંપનીએ જણાવ્યું હતું કે તે ટૂંકમાં જ ડિલિવરીની શરૂઆત કરશે. આ ડિલિવરી ગયા ઓક્ટોબરમાં બંને કંપનીઓએ સાઈન કરેલી 3500 એક્સપ્રેસ-ટી ઈવી યુનિટ્સના ઓર્ડર ઉપરાંતની રહેશે. આ વાહનોનો ઉપયોગ સમગ્ર દેશમાં કરવામાં આવશે એમ તેણે ઉમેર્યું હતું.
અર્થશાસ્ત્રીઓના મતે RBI રેપો રેટમાં 50 બેસીસ પોઈન્ટ્સનો વધારો કરશે
2022-23 માટેના ઈન્ફ્લેશનનો અંદાજ વધારીને 6 ટકા પર કરવામાં આવી શકે
સેન્ટ્રલ બેંક માર્કેટમાંથી લિક્વિડીટી શોષણની દિશામાં વધુ ઉપાયો લે તેવી પણ સંભાવના
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ની છ સદસ્યોની મોનેટરી પોલીસી કમીટી (એમપીસી) ચાલુ સપ્તાહે મળનારી તેની મોનેટરી પોલિસી સમીક્ષામાં રેપો રેટમાં 50 બેસીસ પોઈન્ટ્સનો વધારો કરે તેવી શક્યતાં જોવાઈ રહી છે. જ્યારબાદ બેન્ચમાર્ક રેટ વધીને 4.9 ટકા પર જોવા મળી શકે છે. આ અગાઉ મેમાં ઓચિંતી જાહેરાતમાં આરબીઆઈએ ચાર વર્ષમાં પહેલીવાર વ્યાજદરમાં 40 બીપીએસનો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો, જેમાં ફુગાવાની સતત વધતી ચિંતાઓ તથા લાંબાસમયથી પ્રવર્તી રહેલા જીઓ-પોલિટીકલ તણાવની અસરોને ધ્યાનમાં લેવાઇ હતી. બેંક રેગ્યુલેટર ઓગસ્ટ અને ઓક્ટોબરની બેઠકમાં પણ 35-35 બેસીસ પોઈન્ટ્સની રેટ વૃદ્ધિ દર્શાવે તેવી શક્યતાં પણ તેઓ જોઈ રહ્યાં છે.
મોટાભાગના અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે 8 જૂનના રોજ યોજાનારી બેઠકમાં એમપીસી રેપોરેટમાં 50 બીપીએસનો વધારો કરી શકે છે. જોકે, આરબીઆઇ સંભવતઃ તેમાં 60 બીપીએસનો પણ વધારો કરે તો સરપ્રાઇઝ નહિ ગણાય. તેમના મતે આરબીઆઇ ઓગસ્ટમાં પણ રેપો રેટ વધારીને 5.5 ટકા કરી શકે છે. અર્થશાસ્ત્રીઓ માને છે કે સેન્ટ્રલ બેંકર માટે ફુગાવો હાલમાં કેન્દ્રમાં જોવા મળી રહ્યો છે અને તેને અંકુશમાં લેવા માટે તે આક્રમક વલણ અપનાવી રહી છે. વૈશ્વિક સ્તરે પણ સેન્ટ્રલ બેંકર્સ અપેક્ષા કરતાં ઊંચી રેટ વૃદ્ધિ દર્શાવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે અર્થતંત્ર મહામારીની અસરોમાંથી સંપૂર્ણપણે બહાર ન આવ્યું હોવા છતાં વિવિધ પરિબળોને લક્ષ્યમાં રાખીને એમપીસી વ્યાજદરોમાં નિર્ણય કરવાની દિશામાં આગળ વધશે. તેનું મુખ્ય કારણ રિટેલ ફુગાવાને 2-6 ટકાની રેંજમાં જાળવી રાખવાનો છે. કેટલાંક અર્થશાસ્ત્રીઓ આરબીઆઈ તરફથી સીઆરઆરમાં વધુ વૃદ્ધિની શક્યતાં પણ વ્યક્ત કરી રહ્યાં છે. જોકે તેઓ લઘુમતીમાં જોવા મળે છે.

10-યર બોન્ડ યિલ્ડ 7.5 ટકાની ત્રણ વર્ષની ટોચે પહોંચ્યાં
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તરફથી ચાલુ સપ્તાહે રજૂ થનારી મોનેટરી પોલીસી અગાઉ દેશમાં બેન્ચમાર્ક 10-વર્ષીય બોન્ડ યિલ્ડ ઉછળી 7.4965 ટકાની ત્રણ વર્ષથી વધુની ઊંચાઈ પર જોવા મળ્યાં હતાં. સોમવારે ઉઘડતાં સપ્તાહે તે અગાઉના બંધ કરતાં 4 બેસીસી પોઈન્ટ્સનો સુધારો દર્શાવતાં હતાં. યિલ્ડ 22 માર્ચ 2019 પછીની સૌથી ટોચ પર જોવા મળ્યાં હતાં. માર્ચ 2019માં તે 7.5004 ટકા પર ટ્રેડ થયાં હતાં. માર્કેટ વર્તુળોના જણાવ્યા મુજબ રિઝર્વ બેંક પ્રમાણમાં ટૂંકી એવી માર્કેટ ટાઈટનીંગ સાઈકલમાં ચાલુ સપ્તાહે રેટમાં વૃદ્ધિ કરશે તે નિશ્ચિત છે અને તે અગાઉ માર્કેટે પ્રતિક્રિયા દર્શાવી છે. સાઉદી અરેબિયાએ ઓપેક ઉપરાંત અન્ય ઉત્પાદકો દ્વારા આગામી બે મહિના દરમિયાન ઉત્પાદનમાં વૃદ્ધિ માટે સહમતિ દર્શાવ્યા છતાં જુલાઈમાં તેના ક્રૂડ વેચાણના ભાવમાં તીવ્ર વૃદ્ધિ કરતાં ક્રૂડના ભાવમાં 2 ડોલરથી વધુ વૃદ્ધિ જોવા મળી હતી.

MSCIના પુનર્ગઠનથી સ્થાનિક શેરબજારમાં 60 કરોડ ડોલરનો આઉટફ્લો સંભવ
એનાલિસ્ટ્સની અપેક્ષા મુજબ ભારતીય શેર્સના વેઈટમાં સાધારણ ઘટાડો નોંધાશે
એમએસસીઆઇ ઇન્ક દ્વારા ઇન્ડેક્સને રિબેલન્સ કરાતાં ઇમર્જિંગ માર્કેટ્સ ઇન્ડેક્સમાં ભારતીય સ્ટોક્સનું વેઇટેજ 0.17 ટકા ઘટીને 13.25 ટકા થવાની સંભાવના છે. ઇન્ડેક્સમાં ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઇન્ડેક્સિસ, ઇન્ડિયા ડોમેસ્ટિક સ્ટાન્ડર્ડ ઇનડેક્સ અને ઇન્ડિયા ડોમેસ્ટિક સ્મોલ-કેપ ઇન્ડેક્સના સ્ટોક્સમાં ઉમેરો અને ઘણાં સ્ટોક્સને બહાર પણ મૂકવામાં આવ્યાં છે. તેના પરિણામે આશરે 600 મિલિયન ડોલરના મૂલ્યના શેર્સની વેચવાલી જોવા મળી શકે છે.
જાણકારોનું માનવું છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું વેઇટેજ ફેરફાર બાદ વધ્યું છે તેમજ ચાર સ્ક્રિપ્સ – અદાણી પાવર, જિન્દાલ સ્ટીલ એન્ડ પાવર, ટાટા એલેક્સી અને એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકને ઉમેરવામાં આવ્યાં છે, જ્યારે કે એચડીએફસી એસેટ મેનેજમેન્ટને એમએસસીઆઇ ગ્લોબલ ઇન્ડેક્સમાંથી બાકાત કરવામાં આવી છે. આ જાહેરાત ગત મહિને કરવામાં આવી હતી તેમજ આ ફેરફાર 31 મેથી લાગુ પડશે. વિશ્લેષકોનું કહેવું છે કે નવા સ્ટોક્સના ઉમેરા બાદ અદાણી ગ્રૂપના રેટલાંક સ્ટોક્સના વેઇટેજમાં ઘટાડો થયો છે. એમએસસીઆઇ ગ્લોબલ ઇન્ડેક્સમાં અદાણી પાવરનો ઉમેરો કરાયો હોવા છતાં પણ જબરદસ્ત વેચવાલીને કારણે સ્ટોક 5 ટકા તુટ્યો હતો. આ બાબત તમામ અદાણી ગ્રૂપ સ્ટોક્સમાં જોવા મળી હતી કે જેમાં 0.3 ટકાથી 4.5 ટકાની પીછેહઠ થઇ હતી.
ઉલ્લેખનીય છે કે એમએસસીઆઇ ઇન્ડેક્સને રિબેલન્સ કરવી સામાન્ય બાબત છે. આથી માર્કેટ માટે તે નવી વાત નથી. તાજેતરમાં અદાણી ગ્રૂપના સ્ટોક્સમાં તેજી બાદ કરેક્શન પણ અપેક્ષિત હતું. આથી રોકાણકારોએ ચિંતિત થવાની જરૂર નથી.
એમએસસીઆઇ ગ્લોબલ સ્મોલ કેપ ઇન્ડેક્સમાંથી 14 સ્ટોક્સને દૂર કરાયા છે તથા 44 સ્ટોક્સને ઉમેરવામાં આવ્યાં છે. ભારત કેન્દ્રિત એમએસસીઆઇ ઇન્ડિયા ડોમેસ્ટિક ઇન્ડેક્સમાંથી ચાર સ્ક્રિપ્સ – એચડીએફસી એસેટ મેનેજમેન્ટ, ઇન્દ્રપ્રસ્થ ગેસ, એમઆરએફ અને શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સિયલને બાકાત કરાયા છે.

કોર્પોરેટ હેડલાઈન્સ

હિટાચી એનર્જીઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 51.6 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 39.4 કરોડ સામે 31 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીનું વેચાણ 9.6 ટકા સુધરી રૂ. 1113.5 કરોડ પર રહ્યું હતું.
ઈરકોનઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 241.8 કરોડનો નફો નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 170.4 કરોડ સામે 42 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીનું વેચાણ 22 ટકા સુધરી રૂ. 2425 કરોડ પરથી વધી રૂ. 2953 કરોડ પર રહ્યું હતું.
ઈન્ફોએજઃ આઈટી કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 121 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો હતો. જે એનાલિસ્ટ્સના રૂ. 129 કરોડના અંદાજની સરખામણીમાં સહેજ નીચો હતો. કંપનીની આવક 52 ટકા વધી રૂ. 456 કરોડ પર રહી હતી.
હિંદુસ્તાન કોપરઃ પીએસયૂ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 88.99 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો હતો. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 36.81 કરોડની ખોટ નોંધાવી હતી. તેની આવક 4.4 ટકા વધી રૂ. 545 કરોડ રહી હતી.
એબી કેપિટલઃ ઈન્શ્યોરન્સ રેગ્યુલેટર ઈરડાઈએ બિરલા જૂથની આદિત્ય બિરલા હેલ્થ ઈન્શ્યોરન્સને 2021-22 સુધી મેનેજમેન્ટના ખર્ચાઓની મર્યાદાના કોમ્પ્લાયન્સમાંથી મુક્તિ આપી છે.
રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરઃ એડીએજી જૂથની કંપનીએ ફોરેન કરન્સી બોન્ડ્સના પ્રાઈવેટ પ્લેસમેન્ટ મારફતે 50 કરોડ ડોલરના ફંડને ઊભું કરવા માટેની મંજૂરી આપી છે.
ઉજ્જિવન એસએફબીઃ દેશમાં ટોચની સ્મોલ ફાઈનાન્સ બેંકનું બોર્ડ 8 જૂનના રોજ ડેટ સિક્યૂરિટીઝના ઈસ્યુ મારફતે ફંડ્સ ઊભું કરવાના પ્રસ્તાવ પર વિચારણા માટે મળશે.
એનએમડીસીઃ વૈશ્વિક બજારમાં આર્યન ઓરના ભાવમાં તીવ્ર ઘટાડા પાછળ જાહેર ક્ષેત્રની માઈનીંગ કંપનીએ ફાઈન્સ અને લમ્પ્સ માટે પ્રતિ ટન રૂ. 1100નો વધુ એક ઘટાડો કર્યો છે.
તિલકનગર ઈન્ડસ્ટ્રીઝઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 23.2 કરોડનો નફો નોંધાવ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 9 કરોડની ખોટ દર્શાવી હતી. કંપનીનો એબિટા 152 ટકા ઉછળી રૂ. 25.8 કરોડ રહ્યો હતો. કંપનીની આવક 25 ટકા વધી રૂ. 241.1 કરોડ પર રહી હતી.
ફોર્સ મોટર્સઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 42.7 કરોડની ખોટ દર્શાવી હતી. ગયા વર્ષે તેણે રૂ. 53.6 કરોડની ખોટ નોંધાવી હતી. કંપનીની આવક રૂ. 612.5 કરોડ પરથી વધી રૂ. 881.4 કરોડ પર રહી હતી.
સવિતા ઓઈલઃ કેમિકલ કંપનીના બોર્ડે બીએસઈ ફાઈલીંગમાં જણાવ્યું છે કે તે 21 જૂને ઈક્વિટી શેર્સના સબ-ડિવિઝન માટે બેઠક યોજશે.
તાતા પાવરઃ તાતા જૂથની યુટિલિટી કંપનીએ સ્માર્ટ હોમ ઓટોમેશન એનર્જી સોલ્યુશન્સ લોંચ કર્યું છે.
પ્રૂડન્ટ કોર્પોરેટઃ કંપનીના પ્રમોટર જૂથમાંથી નિકિતા સંજય શાહ અને પીએસીએ કંપનીના 2.6 લાખ શેર્સની બજારમાંથી ખરીદી કરી છે.
સન ફાર્માઃ ટોચની ફાર્મા કંપનીએ જણાવ્યું છે કે તે ચાલુ નાણાકિય વર્ષ દરમિયાન તેના ફિલ્ડ ફોર્સમાં 10 ટકાની વૃદ્ધિ કરશે.

ખરિફ વાવણીનો શુભારંભઃ ચોખા-કઠોળના વાવેતરમાં વૃદ્ધિ
ગઈ ખરિફમાં 70 લાખ હેકટર સામે ચાલુ સિઝનમાં 69.1 લાખ હેકટરમાં વાવેતર સંપન્ન
નવી ખરિફ સિઝન હજ શરૂ થઈ છે અને વાવેતરમાં 15 જૂન બાદ વેગ જોવા મળશે. જોકે શરૂઆતી વાવેતર કામગીરી સારા સંકેતો આપી રહી છે. ગયા સપ્તાહની આખર સુધીમાં દેશમાં 69.1 લાખ હેકટર વિસ્તારમાં વિવિધ ખરિફ પાકોની વાવણી થઈ ચૂકી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં 70 લાખ હેકટર પર જોવા મળતી હતી. આમ સિઝનની શરૂઆત સારી રહી હોવાનું માનવામાં આવે છે. શરૂઆતી સંકેતો મુજબ મુખ્ય ખરિફ પાક ચોખાનું વાવેતર વૃદ્ધિ દર્શાવી રહ્યું છે. જ્યારે કઠોળ હેઠળનો વિસ્તાર પણ વધ્યો છે. બીજી બાજુ કપાસ અને જાડાં ધાન્યોનું વાવેતર ઘટાડો સૂચવે છે.
કૃષિ વર્તુળોના જણાવ્યા અનુસાર હજુ વાવેતર સિઝન શરૂ જ થઈ છે. જોકે વાવેતરની શરૂઆત હકારાત્મક જોવા મળે છે. જેમાં ચોખા અને કઠોળ પાકોના વાવેતર વિસ્તારમાં વૃદ્ધિ જોવા મળી છે. જ્યારે તેલિબિયાંનો વાવેતર વિસ્તાર ગયા વર્ષ જેટલો જ જોવા મળે છે. બીજી બાજુ કપાસ અને જાડાં ધાન્યોના વાવેતરમાં ઘટાડો જોઈ શકાય છે. જોકે હજુ કપાસના મુખ્ય વાવેતર વિસ્તારોમાં વાવેતર કાર્ય શરૂ નથી થયું. ચાલુ વર્ષે કોટનના વિક્રમી ભાવોને જોતાં દેશમાં કપાસનું વાવેતર વિક્રમી જોવા મળે તેવી શક્યતાં છે. સાથે તેલિબિયાંનું વાવેતર પણ ઊંચું જોવા મળે તેવી શક્યતા છે. જોકે સોયાબિન જેવા તેલિબિયાંના વાવેતર માટે બિયારણના ઊંચા ભાવોને જોતાં ખેડૂતોનો એક વર્ગ અન્ય રોકડિયા પાક તરફ વળે તેવું પણ વર્તુળો જણાવે છે. સોયાબિન બિયારણના ભાવ હાલમાં રૂ. 4000 પ્રતિ બેગ ચાલી રહ્યાં છે. જે ગયા વર્ષે પણ રૂ. 3200 જેટલી ઊંચી સપાટી પર જોવા મળતાં હતાં. દેશમાં મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં સોયાબિનનું મોટું વાવેતર જોવા મળે છે. બિયારણના ઊંચા ભાવોને કારણે જ કેટલાંક વિસ્તારોમાં ખેડૂતો ચોખા અને કઠોળ પાકો તરફ વળ્યાં હોવાનું વર્તુળો જણાવે છે. સામાન્યરીતે દેશમાં 10.85 કરોડ હેકટર વિસ્તારમાં ખરિફ વાવેતર જોવા મળતું હોય છે. આમ હજુ 10 ટકા વિસ્તારમાં પણ વાવેતર સંપન્ન નથી થયું અને તેથી કોઈ ટ્રેન્ડને લઈને ચર્ચા કરવી વહેલી ગણાશે એમ નિષ્ણાતો માને છે.
આરંભિક સંકેત મુજબ ચોખાનું વાવેતર 2.1 લાખ હેકટરમાં થઈ ચૂક્યું છે. જે ગયા વર્ષે સમાનગાળામાં 1.7 લાખ હેકટરમાં જોવા મળતું હતું. આમ લગભગ 24 ટકા જેટલી વૃદ્ધિ જોવા મળે છે. કઠોળનું વાવેતર 80 હજાર હેકટર સામે એક લાખ હેકટરમાં જોવા મળી રહ્યું છે. જ્યારે કપાસનું વાવેતર 13 લાખ હેકટર સામે 10.7 લાખ હેકટરમાં નોંધાયું છે. કોટન વર્તુળોના મતે નવી સિઝનમાં દેશમાં કપાસનું વાવેતર 1.38 કરોડ હેકટરના સ્તરે જોવા મળી શકે છે. જે ગઈ ખરિફમાં 1.2 કરોડ હેકટરમાં જોવા મળતું હતું. આમ 15 ટકા વાવેતર વૃદ્ધિ સંભવ છે.


ઈન્ડોનેશિયાના પ્રતિબંધ થતાં મેમાં પામ ઓઈલની આયાત સાત મહિનાની ટોચે
દેશમાં મલેશિયા, થાઈલેન્ડ અને પપુઆ ન્યૂ ગૂયેના ખાતેથી આયાત વધી
મે મહિનામાં ભારતની પામ ઓઈલની આયાત સાત મહિનામાં સૌથી ઊંચી જોવા મળી હતી. તેમજ એપ્રિલની સરખામણીમાં તે 15 ટકા જેટલી વધારે હતી. દેશમાં સૌથી મોટા નિકાસકાર ઈન્ડોનેશિયાએ પામ તેલની નિકાસ પર પ્રતિબંધ મૂકતાં ભારતે મલેશિયા, થાઈલેન્ડ અને પપુઆ ન્યૂ ગૂયેના ખાતેથી આયાત વધારી હતી એમ ઉદ્યોગ વર્તુળો જણાવે છે.
વિશ્વમાં ખાદ્ય તેલોના સૌથી મોટા આયાતકાર ભારત તરફથી ઊંચી ખરીદીને કારણે મલેશિયા ખાતે પામ તેલના ભાવોને સપોર્ટ સાંપડ્યો હતો. હાલમાં તે વિક્રમી સપાટી નજીક ટ્રેડ થઈ રહ્યાં છે. મે મહિનામાં ભારતે 6.60 લાખ ટન પામ તેલની આયાત દર્શાવી હતી. જે એપ્રિલમાં 5.71 લાખ ટન પર હતી. મે મહિનામાં ઈન્ડોનેશિયાથી થતી આયાતમાં ઘટાડો નોંધાયો હતો પરંતુ રિફાઈનર્સ અન્ય દેશો ખાતેથી વધુ આયાતમાં સફળ રહ્યાં હતાં એમ અગ્રણી રિફાઈનર જણાવે છે. ઈન્ડોનેશિયા વિશ્વમાં સૌથી મોટો પામ ઓઈલ ઉત્પાદક અને નિકાસકર્તા છે. તેણે 28 એપ્રિલના રોજ દેશમાંથી પામ તેલની નિકાસ પર પ્રતિબંધ જાહેર કર્યો હતો. ઘરઆંગણે તેલના ભાવને અંકુશમાં જાળવવા માટે તેણે આમ કર્યું હતું. જોકે 23 મેથી તેણે પામ તેલ નિકાસની છૂટ આપી હતી. જોકે આ છૂટને તેણે શરતી બનાવી રાખી હતી. એપ્રિલમાં દેશમાં સોયાતેલની આયાત પણ 3.53 લાખ ટન પર રહી હોવાનું વર્તુળો જણાવે છે. જે એપ્રિલમાં 3.16 લાખ ટન પર જોવા મળી હતી એમ સરકારી અધિકારી જણાવે છે. આગામી મહિનાઓમાં દેશમાં સોયાતેલની આયાતમાં તીવ્ર વૃદ્ધિ જોવા મળે તેવી શક્યતાં છે. કેમકે સરકારે 20 લાખ ટન સોયાતેલની ડ્યુટી મુક્ત આયાતની છૂટ આપી છે. મે મહિનામાં સનફ્લાવર તેલની આયાત પણ એપ્રિલમાં 67788 ટન પરથી ઉછળી 1.24 લાખ ટન પર રહી હતી. ભારત મુખ્યત્વે આર્જેન્ટીના અને બ્રાઝિલ ખાતેથી સોયાતેલની આયાત કરે છે. જ્યારે સનફ્લાવર તેલની આયાત યુક્રેન અને રશિયા ખાતેથી કરવામાં આવે છે. જોકે યૂક્રેન ખાતેથી સનફ્લાવર તેલની આયાત હાલમાં બંધ છે અને તેથી ભારત રશિયા ખાતેથી વધુ ખરીદી કરી રહ્યો છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage