બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
તેજીવાળાઓનો વળતો પ્રહારઃ સેન્સેક્સ 887 પોઈન્ટ્સ ઉછળ્યો
સેન્સેક્સે 57 હજાર અને નિફ્ટીએ 17 હજારની સાયકોલોજિકલ સપાટી પરત મેળવી
બ્રોડ માર્કેટમાં લેવાલી પાછળ બીએસઈ ખાતે 2.5 શેર્સમાં સુધારા સામે એક શેરમાં નરમાઈ જોવા મળી
RBIની બેઠક અગાઉ બેંકિંગ શેર્સમાં ભારે લેવાલી પાછળ બેંક નિફ્ટી 2.5 ટકા ઉછળ્યો
નિફ્ટી કાઉન્ટર્સમાં હિંદાલ્કો, ટાટા સ્ટીલ, એક્સિસ બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક ટોપ પર
વૈશ્વિક બજારોમાં મજબૂતીના સપોર્ટે મંગળવારે સ્થાનિક બજારમાં તેજીવાળાઓએ બદલો લીધો હતો. જેની પાછળ બેન્ચમાર્ક્સ સેન્સેક્સ 886.51 પોઈન્ટ્સ ઉછળી 57633.65ની સપાટી પર જ્યારે નિફ્ટી 264.45 પોઈન્ટ્સ ઉછળી 17176.70ના સ્તરે બંધ રહ્યાં હતાં. બંને બેન્ચમાર્ક્સે સોમવારે ગુમાવેલા સાયકોલોજિકલ લેવલ્સ પરત મેળવ્યાં હતાં. નિફ્ટીમાં 50માંથી માત્ર પાંચ કાઉન્ટર્સ સામાન્ય નરમાઈ સાથે બંધ રહ્યાં હતાં. બજારમાં તીવ્ર સુધારા વચ્ચે વોલેટિલિટી ઈન્ડેક્સમાં પણ 8 ટકાનો તીવ્ર ઘટાડો નોંધાયો હતો અને તે 18.46ના સ્તરે બંધ રહ્યો હતો. સોમવારે તે 20ની સપાટી પર નીકળી ગયો હતો.
સોમવારે યુએસ બજારમાં નોંધપાત્ર બાઉન્સ પાછળ એશિયન બજારો ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યાં હતાં. જેની પાછળ સ્થાનિક બજારમાં પણ ગેપ-અપ ઓપનીંગ જોવા મળ્યું હતું અને જોત-જોતામાં તે અગાઉના દિવસના ઘટાડાને ભૂંસીને તેની ઉપર ચાલ્યુ ગયું હતું. બેન્ચમાર્ક નિફ્ટીએ મંગળવારે ઈન્ટ્રા-ડે ધોરણે 17251.65ની ટોચ દર્શાવી શુક્રવારના 17200 નીચેના બંધને પાર કર્યું હતું. જોકે આખરમાં તે લગભગ શુક્રવારના બંધ આસપાસ જ બંધ રહ્યો હતો. માર્કેટને બેંકિંગ, મેટલ, ફાઈનાન્સિયલ સર્વિસિઝ, જાહેર સાહસો, રિઅલ્ટી, એનર્જી તરફથી સપોર્ટ સાંપડ્યો હતો. સરકારે એલ્યુમિનિયમ પ્રોડક્ટ્સ પર પાંચ વર્ષ માટે એન્ટી-ડમ્પીંગ ડ્યૂટી લાદતાં મેટલ શેર્સમાં નાલ્કો 7.10 ટકા અને હિંદાલ્કો 5 ટકા ઉછળ્યાં હતાં. નિફ્ટી મેટલ 3.13 ટકા ઉછળ્યો હતો. સ્ટીલ શેર્સમાં પણ ખરીદી જળવાય હતી અને સેઈલ 4.7 ટકા, ટાટા સ્ટીલ 3.61 ટકા, જિંદાલ સ્ટીલ 3.13 ટકા અને જેએસડબલ્યુ સ્ટીલ 2.77 ટકાનો સુધારો દર્શાવતાં હતાં.
બેંક નિફ્ટી 882.50 પોઈન્ટ્સ અથવા 2.47 ટકા ઉછળી 36618.40ના સ્તરે બંધ રહ્યો હતો. બેંકિંગ ક્ષેત્રે એક્સિસ, આઈસીઆઈસીઆઈ, કોટક બેંક, બંધન બેંક, એસબીઆઈ અને ફેડરલ બેંક નોઁધપાત્ર સુધારો દર્શાવતાં હતાં. બુધવારે રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી રિવ્યૂ બેઠક યોજાવાની છે. જે અગાઉ બેંકિંગ શેર્સ સુધર્યાં હતાં. જે સૂચવે છે કે સેન્ટ્રલ બેંક જૈસે થેની સ્થિતિ જાળવી રાખશે અને રેટ વૃદ્ધિની વાત હાલમાં કરવાનું ટાળશે. બજારમાં મોટાભાગનો વર્ગ માને છે કે નવા વેરિઅન્ટની ઘટના બાદ આરબીઆઈ એકોમોડેટીવ વલણ પણ જાળવી રાખશે. જ્યારે રેટ વૃદ્ધિનો નિર્ણય આગામી કેલેન્ડરના બીજા ક્વાર્ટર પર પાછો ઠેલશે.
માર્કેટમાં મંગળવારે બ્રોડ બેઝ ખરીદી જોવા મળી હતી. બીએસઈ ખાતે 3394 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2300 કાઉન્ટર્સ સુધારો દર્શાવતાં હતાં. જ્યારે 985 શેર્સ અગાઉના બંધની સરખામણીમાં નેગેટિવ બંધ રહ્યાં હતાં. આમ લગભગ 2.5 શેર્સ સામે એક શેરમાં ઘટાડો નોંધાયો હતો. 211 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 428 કાઉન્ટર્સ અપર સર્કિટમાં બંધ જોવા મળ્યા હતાં. નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 1.4 ટકા જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સ 1.09 ટકાની વૃદ્ધિ દર્શાવતાં હતાં. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે માર્કેટમાં મજબૂત બાઉન્સ જોતાં તે આગામી સત્રોમાં સુધારો જાળવી શકે તેમ છે. નિફ્ટીને 17500નો અવરોધ છે. જે પાર થતાં તે 17800 સુધીનો સુધારો નોંધાવી શકે છે.
મેડપ્લસ હેલ્થે IPOના કદમાં ઘટાડો કર્યો
દેશમાં બીજા ક્રમની ફાર્મસી ચેઈન મેડપ્લસ હેલ્થ સર્વિસિઝે તેના ડીઆરએચપીમાં અગાઉ દર્શાવેલા રૂ. 1638.7 કરોડના આઈપીઓ કદમાં સાધારણ ઘટાડો કર્યો છે. હવે તે રૂ. 1398 કરોડ ઊભા કરશે. કંપનીએ તેના ફ્રેશ ઈસ્યુ હિસ્સાને ડીઆરએચપીના સ્તરે જ જાળવ્યો છે. જ્યારે ઓફર ફોર સેલ હિસ્સામાં રૂ. 240 કરોડનો ઘટાડો નોઁધાવ્યો છે. હવે કંપની રૂ. 798 કરોડ ઓએફએસ મારફતે મેળવશે. કંપની રૂ. 780-796ની પ્રાઈસ બેંડમાં શેર ઓફર કરશે. તે 13 ડિસેમ્બરે આઈપીઓ સાથે બજારમાં પ્રવેશશે. અગ્રણી પીઈ વોરબર્ગ પિન્કસનું સમર્થન ધરાવતી કંપની ફ્રેશ ઈક્વિટી મારફતે રૂ. 600 કરોડ ઊભા કરશે. કંપનીમાં અઝીમ પ્રેમજીની ઈન્વેસ્ટમેન્ટ કંપની રૂ. 623 કરોડના મૂલ્યના શેર્સનું વેચાણ કરશે. જ્યારે નેટકો ફાર્મા રૂ. 10 કરોડના શેર્સ વેચશે.
ભારતીય સાસ કંપનીઓ 2025 સુધીમાં 9 ટકા વૈશ્વિક માર્કેટ મેળવશે
ભારતમાં બનેલી સોફ્ટવેર-એસ-એ-સર્વિસ(સાસ) કંપનીઓ 2025 સુધીમાં 30 અબજ ડોલરની રેવન્યૂ પર પહોંચવા સાથે વૈશ્વક બજારમાં 8-9 ટકા હિસ્સો મેળવશે એમ એક અહેવાલ જણાવે છે. રિપોર્ટના જણાવ્યા મુજબ આ ક્ષેત્રે 2020ની સરખામણીમાં રોકાણમાં 170 ટકા વૃદ્ધિ નોંધાઈ છે ને 2021માં તે 4.5 અબજ ડોલર પર પહોંચે તેવી શક્યતાં છે. રિપોર્ટ જણાવે છે કે તમામ તબક્કામાં ડિલ વોલ્યુમમાં વૃદ્ધિને કારણે ફંડીંગમાં સમગ્રતયા વૃદ્ધિ જોવા મળી છે. સાથે 5 કરોડ ડોલરથી ઊંચું મૂલ્ય ધરાવતાં સોદાઓની સંખ્યાઓમાં પણ વૃદ્ધિ નોંધાઈ છે. કેમકે રોકાણકારોએ ભવિષ્યમાં નોઁધપાત્ર વૃદ્ધિ હાંસલ કરવા માટે ભારતીય સાસ કંપનીઓના પૂરો વિશ્વાસ દર્શાવ્યો છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ ભારત પાસે હોરિઝોન્ટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સોફ્ટવેર, વર્ટિકલ બિઝનેસ સોફ્ટવેર અને એસએમબી-ફોકસ્ડ સાસ કંપનીઓ ક્ષેત્રે આગવુ સ્થાન મેળવવા માટે તક રહેલી છે. હાલમાં ભારત 12 સાસ યુનિકોર્ન્સ ધરાવે છે. જે સંખ્યા 2018માં માત્ર એક હતી. જ્યારે સાસ કંપનીઓના ભૂતપૂર્વ કર્મચારીઓ દ્વારા 250 નવી કંપનીઓ સ્થાપવામાં આવી છે. હાલમાં દેશની સાસ કંપનીઓ 62 હજાર લોકોને રોજગારી પૂરી પાડી રહી છે. યુએસએ અને ચીન બાદ ભારત ત્રીજા ક્રમની સાસ ઈકોસિસ્ટમ ધરાવે છે.
મેપમાઈઈન્ડિયા IPOમાં ક્વાલકોમ 20 ગણુ રિટર્ન મેળવશે
ચીપ ઉત્પાદક ક્વાલકોમ ઈન્કની ઈન્વેસ્ટમેન્ટ પાંખ ક્વાલકોમ વેન્ચર્સ ભારતીય ડિજિટલ મેપ પ્રોવાઈડર મેપમાઈઈન્ડિયાના આઈપીઓમાં એક્ઝિટ મારફતે 20 ગણુ રિટર્ન મેળવશે. ક્વાલકોમ વેન્ચર્સે 13 વર્ષ અગાઉ રૂ. 52.20 પ્રતિ શેરના ભાવે કંપનીમાં રોકાણ કર્યું હતું. જેમાંથી રૂ. 1000-1033 પ્રતિ શેરના ભાવે એક્ઝિટ લેશે. જે કંપનીને 20 ગણુ રિટર્ન આપશે. મેપમાઈઈન્ડિયા આઈપીઓમાં 18.9 ટકા હિસ્સાનું વેચાણ કરશે. કંપની 9 ડિસેમ્બરે આઈપીઓ સાથે પ્રવેશ કરશે અને રૂ. 1040 કરોડ ઊભા કરશે.
વૈશ્વિક ક્રૂડના ભાવમાં વધુ 3 ટકા મજબૂતી
ક્રૂડના ભાવોમાં સતત બીજા દિવસે સુધારો જોવા મળ્યો છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો 3 ટકાના સુધારે 75.09 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થયો હતો. છેલ્લાં બે ટ્રેડિંગ સત્રોમાં તે 4.5 ડોલરનો સુધારો સૂચવી રહ્યો છે. જે દર્શાવે છે કે વૈશ્વિક સ્તરે કોવિડના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને લઈને ઊભો થયેલો ગભરાટ હવે ઓછો થઈ રહ્યો છે અને રોકાણકારો ફરીથી માર્કેટમાં સક્રિય બન્યાં છે. ક્રૂડ ઉપરાંત બેઝ મેટલ્સમાં પણ બે દિવસોથી સુધારો જોવા મળી રહ્યો છે.
સરકાર ક્રિપ્ટો હોલ્ડર્સને તેમની સંપત્તિ જાહેર કરવા ડેડલાઈન આપશે
ક્રિપ્ટોને એસેટ ક્લાસ તરીકે જાહેર કરવા સાથે સરકાર એક માર્કેટ રેગ્યુલેટર પણ નીમશે
ક્રિપ્ટોએસેટ્સના ટ્રેડિંગ પર થયેલાં નફા પર કેપિટલ ગેઈન્સ પણ વસૂલવામાં આવશે
કેન્દ્ર સરકાર ક્રિપ્ટોકરન્સિઝ પર દેખરેખ રાખવા માટે કેપિટલ માર્કેટ્સ રેગ્યુલેટર નિમવાની વિચારણા ચલાવી રહી હોવાનું જાણકાર વર્તુળોનું કહેવું છે. દેશમાં ક્રિપ્ટોકરન્સિઝને ટૂંકમાં જ એક ફાઈનાન્સિયલ એસેટ્સ તરીકે જાહેર કરવામાં આવે તેવી શક્યતાં છે અને તેથી સત્તાવાળાઓ આમ કરશે.
સંસદના વર્તમાન શિયાળુ સત્રમાં મોદી સરકાર ક્રિપ્ટોકરન્સિ બિલને રજૂ કરવા માટે વિચારી રહી છે. જે ક્રિપ્ટોકરન્સિઝમાં રોકાણ કરનારાઓને નવા નિયમોનું પાલન કરવા માટે તેમની એસેટ્સ જાહેર કરવા માટે ડેડલાઈન આપી શકે છે એમ વર્તુળો જણાવે છે. આ નવા બિલમાં ક્રિપ્ટોકરન્સિઝને બદલે ક્રિપ્ટોએસેટ્સ એ રીતે ઉલ્લેખ કરવામાં આવશે એમ પણ તેઓ નામ નહિ આપવાની શરતે જણાવે છે. આ બિલમાં સેન્ટ્રલ બેંક એટલેકે આરબીઆઈની પોતાની ડિજીટલ કરન્સી ઊભી કરવાની યોજના અંગે પણ કોઈ ઉલ્લેખ કરવામાં નહિ આવે એમ તેઓ ઉમેરે છે. નવા નિયમોનો ભંગ કરનારાઓને રૂ. 20 કરોડ(27 લાખ ડોલર્સ) અથવા 1.5 વર્ષની કેદની સજાની જોગવાઈ હશે એમ વર્તુળો જણાવે છે. સરકાર નાના રોકાણકારોની સુરક્ષા માટે ક્રિપ્ટો એસેટ્સમાં રોકાણ માટે લઘુત્તમ રકમ પણ નિર્ધારિત કરશે એમ અગાઉ માધ્યમોના અહેવાલોમાં નોંધવામાં આવ્યું છે. આ અંગે જોકે નાણા મંત્રાલયના પ્રતિનિધિએ કોઈ ટિપ્પણી કરી નહોતી.
ગયા સપ્તાહે નાણાપ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે સરકાર અગાઉના બિલ પર ફરીથી કામ કરી રહી છે. જેમાં નવા ડેલપમેન્ટ્સને ધ્યાનમાં રાખીને ફેરફાર કરવામાં આવી રહ્યાં છે. અગાઉ સરકારે તમામ ખાનગી ક્રિપ્ટોકરન્સિઝ પર પ્રતિબંધ માટે પ્રસ્તાવ મૂક્યો હતો. તેણીએ ઉમેર્યું હતું કે બિટકોઈનને દેશમાં કરન્સી તરીકે માન્યતા આપવાનો કોઈ પ્રસ્તાવ નથી. દેશમાં જૂન 2021 સુધીમાં ક્રિપ્ટો માર્કેટ 641 ટકા જેટલી વૃદ્ધિ દર્શાવતું હતું એમ ક્રિપ્ટો-એનાલિસીસ ફર્મ ચાઈનાલિસિસ જણાવે છે. સરકાર હવે ડિજિટલ કરન્સિઝમાંથી થયેલા લાભ પર ટેક્સ વસૂલવાનું વિચારી રહી છે. હાલમાં ક્રિપ્ટો ટ્રેડિંગ સંપૂર્ણપણે અનરેગ્યુલેટેડ હોવાથી સરકાર તેના પર સખત નિયમો લાગુ પાડવાનો ઈરાદો પણ ધરાવે છે. ચાલુ મહિનાની શરૂઆતમાં મોદી સરકારે ડિજિટલ કરન્સી અંગે સમીક્ષા બેઠક યોજી હતી જેમાં અનરેગ્યુલેટેડ ક્રિપ્ટો માર્કેટ્સ મની લોંડરિંગ અને ટેરર ફાઈનાન્સિંગ માટેની છૂટ આપી શકે નહિ તેને લઈને ચર્ચા થઈ હતી.
FPIsએ માર્ચ 2020 બાદ સૌથી મોટું માસિક વેચાણ નોંધાવ્યું
નવેમ્બરમાં એફઆઈઆઈએ રૂ. 33799 કરોડનું તીવ્ર વેચાણ દર્શાવ્યું
નવેમ્બર 2020માં વિદેશી પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સે રૂ. 62 હજાર કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું હતું.
વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ભારતીય બજારમાં તેમની વેચવાલીની ઝડપમાં વૃદ્ધિ કરી છે. નવેમ્બર મહિના દરમિયાન તેમણે સ્થાનિક ઈક્વિટીઝમાં રૂ. 33799 કરોડ અથવા 4.5 અબજ ડોલરનું વેચાણ કર્યું હતું. જે માર્ચ 2020માં તેમના રૂ. 60300 કરોડ અથવા 8.1 અબજ ડોલર બાદનું માસિક ધોરણે સૌથી મોટું વેચાણ છે. ગયા નવેમ્બર 2020માં તેમણે રૂ. 62 હજાર કરોડનું સૌથી મોટું મંથલી રોકાણ દર્શાવ્યું હતું.
છેલ્લાં એક દાયકાની વાત કરીએ તો પાંચથી ઓછી ઘટનામાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ કોઈ એક મહિનામાં 4 અબજ ડોલરથી વધુનું વેચાણ દર્શાવ્યું છે. જેમાં ગયા નવેમ્બરનો સમાવેશ પણ થાય છે. છેલ્લાં છ મહિનામાંથી વિદેશી સંસ્થાકિય રોકાણકારોએ ચાર દરમિયાન ચોખ્ખી વેચવાલી દર્શાવી છે. જે દરમિયાન તેમણે કુલ રૂ. 50936 કરોડ અથવા 6.6 અબજ ડોલરનું વેચાણ કર્યું છે. એફપીઆઈએ છેલ્લાં ત્રણ મહિના દરમિયાન કુલ રૂ. 2 લાખ કરોડથી વધુનું વેચાણ કર્યું છે. 2010થી 2020ના દસકામાં એફપીઆઈનો 70 ટકા ઈનફ્લો સ્ટોક એક્સચેન્જિસ રૂટ મારફતે જોવા મળ્યો છે. જ્યારે બાકીનો હિસ્સો પ્રાઈમરી માર્કેટ મારફતે નોંધાયો છે. અવિરત વેચવાલીને કારણે એફપીઆઈનું એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ(એયુએમ) સંકોચાઈને 636 અબજ ડોલર(રૂ. 47 લાખ કરોડ) પર જોવા મળી રહ્યું છે. જે ભારતીય બજારના કુલ માર્કેટ-કેપના 20 ટકા જેટલું થવા જાય છે. વિદેશી રોકાણકારોએ બેંકિંગ ક્ષેત્રે ઊંચું વેચાણ દર્શાવ્યું છે. જેમાં નવેમ્બરમાં કુલ વેચાણમાંથી 2.1 અબજ ડોલરનું વેચાણ તેમણે બેંકિંગ શેર્સમાં નોંધાવ્યુ છે. આ સિવાય તેમણે એનર્જી, મેટલ્સ અને હાઉસહોલ્ડ પ્રોડક્ટ્સ સેગમેન્ટમાં પણ વેચાણ કર્યું છે. સમગ્રતયા જોઈએ તો એફઆઈઆઈએ સેકન્ડરી માર્કેટમાં વેચાણ નોંધાવ્યું છે. જોકે પ્રાઈમરી માર્કેટમાં તેમણે ફંડ્સનું રોકાણ કર્યું છે. જેને ગણનામાં લઈએ તો એફપીઆઈએ નવેમ્બર દરમિયાન 79 કરોડ ડોલરનું ચોખ્ખું વેચાણ દર્શાવ્યું છે. જ્યારે છેલ્લાં બે મહિના દરમિયાન તેમનો આઉટફ્લો રૂ. 19494 કરોડ અથવા 2.5 અબજ ડોલર રહ્યો છે.
Effwa Infra & Research Limited IPO is set to launch on 5 July, 2024. The…
Ambey Laboratories Limited IPO is set to launch on 4 July, 2024. The company initiated…
Bansal Wire Industries Limited IPO is set to launch on 3 July, 2024. The company…
Emcure Pharmaceuticals Limited IPO is set to launch on 3 July, 2024. The company initiated…
Nephro Care India Limited IPO is set to launch on 28 June, 2024. The company…
Diensten Tech Limited IPO is set to launch on 26 June, 2024. The company initiated…
This website uses cookies.