Categories: Market TipsNEWS

Market Summary 9 Nov 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
યુએસમાં શેરબજારમાં નવી ટોચ વચ્ચે ભારતીય બજારમાં દિશાહિન ટ્રેડ
મેટલ, બેંકિંગ સહિતના ક્ષેત્રોમાં નરમાઈ, મીડ-સ્મોલ કેપ્સમાં ખરીદી જળવાય
સંવતની પોઝીટીવ શરૂઆત દર્શાવ્યાં બાદ ભારતીય બજારમાં મંગળવારે દિશાહીન ટ્રેડ જોવા મળ્યો હતો. નિફ્ટી 24 પોઈન્ટ્સના સાધારણ ઘટાડે 18044 પર બંધ રહ્યો હતો. બેન્ચમાર્ક સેન્સેક્સ 112.16 પોઈન્ટ્સ ઘટી 60433.45 કરોડના સ્તરે બંધ રહ્યો હતો. મંગળવારે નિફ્ટી ઈન્ટ્રા-ડે ધોરણે 17983.05ના તળિયા પર જોવા મળ્યો હતો. જોકે ત્યાંથી પરત ફરી 18 હજારનું સ્તર જાળવી રાખવામાં સફળ રહ્યો હતો. નિફ્ટીના 50માંથી 24 કાઉન્ટર્સ નરમ બંધ દર્શાવી રહ્યાં હતાં.
સોમવારે યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ સોમવારે 104.27 પોઈન્ટ્સના સુધારા સાતે 36432.22ની ટોચ પર બંધ રહ્યો હતો. ઈન્ટ્રા-ડે ધોરણે તેણે 36565.73ની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. નાસ્ડેક પણ 11 પોઈન્ટસના સુધારે 15982.36ની નવી ટોચ પર બંધ રહ્યો હતો. જ્યારે યુરોપ બજારોમાં મિશ્ર ટ્રેન્ડ જોવા મળ્યો હતો. ઈમર્જિંગ એશિયાઈ બજારો પણ સુસ્ત જોવા મળી રહ્યાં હતાં. ભારતીય બજારે કામકાજની પોઝીટીવ શરૂઆત દર્શાવી હતી. જોકે તે ટકી શક્યો નહોતો અને મોટાભાગનો સમય બજાર રેડ ઝોનમાં ટ્રેડ થયું હતું. બેંકિંગે સતત બીજા દિવસે નરમાઈ દર્શાવી હતી. બેંક નિફ્ટી 0.18 ટકા ઘટી 39368.80ના સ્તરે બંધ રહ્યો હતો. ફાઈનાન્સિયલ સર્વિસિસ, એફએમસીજી, મેટલ અને કોમોડિટીઝમાં પણ નરમાઈ જોવા મળી હતી. જોકે ઓટો, આઈટી અને પીએસયૂ બેંક્સમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી ઓટો એક ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જેમાં એમએન્ડએમ 3.8 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવતો હતો. જ્યારે બોશ(3 ટકા), ટીવીએસ મોટર(2.7 ટકા), અશોક લેલેન્ડ(2.6 ટકા), ભારત ફોર્જ(2.4 ટકા)નો સુધારો દર્શાવતાં હતાં. પીએસયૂ બેંક ઈન્ડેક્સ 0.8 ટકા સુધારા સાથે 3040.60ના સ્તરે બંધ રહ્યો હતો. બેંક ઓફ ઈન્ડિયામાં 2.77 ટકા સાથે સૌથી ઊંચો સુધારો જોવા મળ્યો હતો. જ્યારે બેંક ઓફ મહારાષ્ટ્રા, ઈન્ડિયન બેંક, પીએનબી, સેન્ટ્રલ બેંક, એસબીઆઈ, આઈઓબી, યુકો બેંક, બેંક ઓફ બરોડામાં પણ સુધારો જોવા મળ્યો હતો.
નિફ્ટી કાઉન્ટર્સની વાત કરીએ તો એમએન્ડએમ, ટાટા મોટર્સ, હીરો મોટોકોર્પ, ઓએનજીસી, એસબીઆઈ, ડિવિઝ લેબોરેટરીઝમાં એક ટકાથી વધુનો સુધારો જોવા મળ્યો હતો. જ્યારે બ્રિટાનિયા, એચડીએફસી બેંક, મારુતિ સુઝુકી, પાવર ગ્રીડ કોર્પોરેશન, જેએસડબલ્યુ સ્ટીલ, એનટીપીસી, એચડીએફસી, બજાજ ફાઈનાન્સ, હિંદાલ્કો, કોટક મહિન્દ્રા અને શ્રી સિમેન્ટ્સમાં એક ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. બેન્ચમાર્ક્સમાં ઘટાડા વચ્ચે બ્રોડ માર્કેટમાં ખરીદી જળવાય હતી. બીએસઈ ખાતે ટ્રેડેડ 3479 કાઉન્ટર્સમાંથી 1948માં સુધારો નોંધાયો હતો. જ્યારે 1370માં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે 161 શેર્સ ફ્લેટ બંધ રહ્યાં હતાં. 245 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 16 કાઉન્ટર્સ તેમના 52-સપ્તાહના તળિયે ટ્રેડ થયાં હતાં. 377 કાઉન્ટર્સે અપર સર્કિટ્સમાં બંધ દર્શાવ્યું હતું. જ્યારે 147 કાઉન્ટર્સ નીચલી સર્કિટ્સમાં બંધ રહ્યા હતાં. નિફ્ટી મીડ-કેપ્સમાં 1.16 ટકાનો સુધારો જોવા મળ્યો હતો. જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સમાં 0.49 ટકાનો સુધારો નોઁધાયો હતો.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના નફામાં 214 ટકાનો ઉછાળો
ઓટોમોબાઈલ કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ સપ્ટેમ્બર ક્વાર્ટર માટે રૂ. 1929 કરોડનો કોન્સોલિડેટેડ પ્રોફિટ નોંધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 615 કરોડની સરખામણીમાં 214 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. કંપનીનો ચોખ્ખો નફો રૂ. 1432 કરોડ જોવા મળ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 162 કરોડની સરખામણીમાં 8 ગણી વૃદ્ધિ સૂચવે છે. બીજા ક્વાર્ટરમાં કંપનીની આવક વાર્ષિક ધોરણે 15 ટકા વધી રૂ. 13305 કરોડ થઈ હતી. જ્યારે તેનો એબિટા રૂ. 1660 કરોડ રહ્યો હતો. કંપનીએ જણાવ્યું હતું કે તેની મહત્વની પ્રોડક્ટ્સ માટે તેણે મજબૂત બુકિંગ પાઈપલાઈન જાળવી છે. કંપનીએ બીજા ક્વાર્ટરમાં કુલ 99334 યુનિટ્સ વાહનોનું વેચાણ કર્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળાની સરખામણીમાં 9 ટકા વધુ હતું. કંપનીના ટ્રેકટર વેચાણમાં જોકે 5 ટકાનો ઘટાડો નોંધાયો હતો અને તે 88920 યુનિટ્સ પર જોવા મળ્યું હતું. કોમોડિટીઝના ભાવમાં વૃદ્ધિ છતાં કંપનીના ઓપરેટિંગ માર્જિનમાં 12.5 ટકા વૃદ્ધિ જોવા મળી હતી.

સોનુ-ચાંદી બીજા દિવસે મજબૂત

વૈશ્વિક બજારોમાં મક્કમ ટોન પાછળ સ્થાનિક બજારમાં સોનું-ચાંદી સુધારો દર્શાવી રહ્યાં હતાં. વૈશ્વિક કોમેક્સ ખાતે સોનુ ફ્લેટ ટ્રેડ વચ્ચે 1827 ડોલર પર ટ્રેડ થતું હતું. સતત ત્રીજા દિવસે તે 1800 ડોલરની સપાટી પર ટકેલું જોવા મળ્યું હતું. ગયા શુક્રવારે તેણે 1800 ડોલરની સપાટી પાર કરી હતી. એમસીએક્સ ખાતે ગોલ્ડ ડિસેમ્બર વાયદો રૂ. 100થી વધુના સુધારે રૂ. 48142ની ટોચ પર ટ્રેડ થયો હતો. સોમવારે તેણે રૂ. 48 હજારની સપાટી પાર કરી હતી. એનાલિસ્ટ્સ રૂ. 48500ના સ્તર પર રૂ. 50 હજાર સુધીના સુધારાની શક્યતાં જોઈ રહ્યાં છે. એમસીએક્સ ખાતે ડિસેમ્બર સિલ્વર વાયદો રૂ. 100થી વધુની મજબૂતી સાથે રૂ. 64996ની ટોચ પર ટ્રેડ થઈ રહ્યો હતો.

વૈશ્વિક ઈન્વેસ્ટમેન્ટ કંપની KKRએ કેવી કામથને એડવાઈઝર નીમ્યાં

યુએસ સ્થિત વૈશ્વિક ઈન્વેસ્ટમેન્ટ કંપની કેકેઆરએ સિનિયર બેંકર કેવી કામથની કેકેઆર ઈન્ડિયાના સિનિયર એડવાઈઝર તરીકે નિમણૂંક કરી છે. તેમની નિયુક્તિ તત્કાળ અસરથી અમલમાં આવી છે. કેકેઆર ભારતમાં ઈક્વિટીઝમાં 7 અબજ ડોલરનું રોકાણ ધરાવે છે. જેમાં રોડ એસેટ્સનો સમાવેશ પણ થાય છે. તેણે એક યાદીમાં જણાવ્યું હતું કે તે પોતાની પોર્ટફોલિયો કંપનીઝમાં ઉદ્યોગ સ્પેશ્યાલિસ્ટ્સ તથા નેટવર્કની સહાયથી વેલ્યૂમાં ઉમેરો કરવા માગે છે. કામથ અમદાવાદ આઈઆઈએમના ગ્રેજ્યૂએટ છે. સાથે તેઓ એન્જિનીયર પણ છે. તેમણે પાંચ વર્ષ માટે બ્રિક્સ દેશો સ્થાપિત ન્યૂ ડેવલપમેન્ટ બેંકના પ્રથમ પ્રમુખ તરીકે સેવા આપી હતી.
LICના નબળા દેખાવને કારણે NBP ગ્રોથમાં ઘટાડો

જાહેર ક્ષેત્રની જીવન વીમા કંપની એલઆઈસીએ નબળી કામગીરી દર્શાવતાં ઓક્ટોબર મહિના માટે જીવન વીમા કંપનીઓના ન્યૂ બિઝનેસ પ્રિમીયમ(એનબીપી) ગ્રોથમાં વાર્ષિક ધોરણએ 5 ટકાના ઘટાડો નોંધાયો હતો. ઉદ્યોગ ક્ષેત્રે કુલ બીએનપી રૂ. 21606 કરોડ જોવા મળ્યું હતું. જે ગયા વર્ષની સરખામણીમાં 5.14 ટકા ઘટાડો દર્શાવતું હતું. જેમાં ખાનગી ઈન્શ્યોરન્સ કંપનીઓએ એનબીપીમાં 12 ટકા વૃદ્ધિ દર્શાવી હતી અને તે રૂ. 8105.46 કરોડ પર રહ્યું હતું. જ્યારે એલઆઈસીનું એનબીપી 13 ટકા ઘટી રૂ. 13500.78 કરોડ પર રહ્યું હતું.

ભારતમાં 50 વર્ષ લાંબો ‘બુલ રન’ જોઈ રહેલા માર્ક મોબિયસ
જાણીતા રોકાણકારે ચાઈનીઝ માર્કેટમાં નુકસાનને સરભર કરવા ઈમર્જિંગ માર્કેટ્સ ફંડનો 50 ટકા હિસ્સો ભારત અને તાઈવાનના બજારો માટે ફાળવ્યો
વરિષ્ઠ રોકાણકાર માર્ક મોબિયસે તેમના ઈમર્જિંગ-માર્કેટ્સ ફંડનો લગભગ અડધો-અડધ હિસ્સો ભારત અને તાઈવાનને ફાળવ્યો છે. તેમણે ચીનના શેરબજારમાં થયેલા નુકસાનને સરભર કરવા માટે આમ કર્યું છે. ચીનના બજારે હરિફ ઈમર્જિંગ માર્કેટ્સની સરખામણીમાં ખૂબ ખરાબ દેખાવ દર્શાવ્યો છે.
બ્લૂમબર્ગ ટેલિવિઝનને એક ઈન્ટરવ્યૂમાં મોબિયસે જણાવ્યું હતું કે ભારતીય બજાર તેજીના લાંબા દોરમાંથી પસાર થઈ રહ્યું છે. વચ્ચે-વચ્ચે ટૂંકાગાળા માટે મંદી જોવા મળશે પરંતુ સમગ્રતયા ભારતીય બજાર 50 વર્ષ લાંબી તેજીની ચાલમાં જોવા મળે છે. ભારત હાલમાં એ જગ્યાએ જણાય છે જ્યાં 10 વર્ષો અગાઉ ચીન જોવા મળતું હતું એમ જણાવતાં તેઓ ઉમેરે છે કે ભારત સરકારની તમામ રાજ્યોમાં એકસમાન નિયમોની નીતિને કારણે લાંબાગાળે દેશને લાભ થશે.
જોકે ભારતને લઈને મોબિયસનો તેજીનો મત મોર્ગન સ્ટેનલી અને નોમુરા હોલ્ડિંગ્સ ઈન્કના એનાલિસ્ટ્સથી વિરુધ્ધનો જણાય છે. તેમણે છેલ્લા મહિને જ બેન્ચમાર્ક બીએસઈ સેન્સેક્સને ડાઉનગ્રેડ કર્યું હતો. સાથે ચીનના બજાર માટે તેઓ ઓવરવેઈટ બન્યાં હતાં. ચીન ખાતે સરકારના આકરાં રેગ્યુલેટરી પગલાઓને કારણે સમગ્રતયા ઈમર્જિંગ માર્કેટનો દેખાવ વિકસિત બજારોની સરખામણીમાં નીચો જોવા મળ્યો હતો. ચીન સરકારે એક પછી એક ક્ષેત્રો જેવાકે એજ્યૂકેશન, ન્યૂ ટેક્નોલોજી, ગેમિંગ વગેરે પર પસ્તાળ પાડી હતી. મોબિયસ કેપિટલ પાર્ટનર્સના સ્થાપક મોબિયસે જણાવ્યું હતું કે લોકો એમ કહે છે કે ચીનના કારણે ઈમર્જિંગ માર્કેટ્સ ખરાબ જણાય રહ્યાં છે. જોકે તેમણે આ માટે અન્ય બજારો જેવાકે ભારત સામે નજર દોડાવવી જોઈએ. મોબિયસે તેમની કારકિર્દીની શરૂઆત ફ્રેન્કલીન ટેમ્પલ્ટન ઈન્વેસ્ટમેન્ટ્સથી કરી હતી.
મોબિયસ ઈમર્જિંગ માર્કેટ્સ ફંડે ભારત અને તાઈવાન મળીને 45 ટકા પોર્ટફોલિયો ફાળવણી ધરાવે છે. આ માર્કેટમાં ટેક હાર્ડવેર અને સોફ્ટવેર તેમના સૌથી મોટા હોલ્ડિંગ્સ છે. જોકે મોબિયસ ઉમેરે છે કે ભાવમાં ઘટાડા બાદ ચીનના બજારમાં પણ રોકાણની તકો ઊભી થઈ છે. ત્યાં સરકારે મોનોપોલીને ટાળવા માટે વધુ સારુ રેગ્યુલેશન શરૂ કર્યું છે. આ ફેરફારોને કારણે જેમને લાભ થવાનો છે તેવી સ્મોલ અને મિડિયમ સાઈઝની કંપનીઓ પર અમે નજર દોડાવી રહ્યાં છીએ એમ મોબિયસ જણાવે છે.

વિદેશી ફંડ્સની IPOs માટે માર્જિન પ્રથા માટેની માગણી
એફઆઈઆઈએ ફોરેન એક્સચેન્જ રિસ્ક જેવા કારણો આપી સેબીને 10-25 ટકા માર્જિન પેમેન્ટથી આઈપીઓ સબસ્ક્રાઈબ કરવાની સુવિધા આપવા જણાવ્યું
નિષ્ણાતોના મતે ક્વિબ રોકાણકારોને માર્જિન ફંડિંગની સુવિધાથી આઈપીઓના ધસારા વખતે સેકન્ડરી માર્કેટમા વોલેટિલિટી અંકુશમાં રહી શકે છે
વિદેશી ફંડ રોકાણકારોએ આરંભિક જાહેર ભરણાઓ(આઈપીઓ)માં પેમેન્ટ નિયમોમાં રાહતની માગણી કરી છે. માર્કેટ રેગ્યુલેટર સેબી સમક્ષ તેમણે 10-25 ટકા અપફ્રન્ટ માર્જિન ચૂકવીને આઈપીઓમાં ભાગ લેવા માટેની છૂટ આપવા જણાવ્યું છે. એફઆઈઆઈના પ્રતિનિધિઓએ વર્તમાન નિયંત્રિત માળખાને નિયંત્રિત ગણાવ્યું હતું. તેમના મતે હાલની વ્યવસ્થામાં તેઓ આઈપીઓ માટે પર્યાપ્ત મૂડી ફાળવી શકતાં નથી. તેમજ તેમણે ઊંચા ફોરિન એક્સચેન્જ જોખમનો સામનો કરવાનો પણ રહે છે.
હાલની વ્યવસ્થા મુજબ એફપીઆઈ સહિત તમામ રોકાણકારોએ આઈપીઓમાં શેર્સ માટે અરજી કરતી વખતે તેમના બેંક એકાઉન્ટ્સમાં પૂરેપૂરી રકમ જાળવવી અનિવાર્ય છે. મોટાભાગના આઈપીઓમાં આ રકમ વાસ્તવિક એલોટમેન્ટની સરખામણીમાં 100 ગણાથી પણ વધુ જોવા મળે છે. એફપીઆઈ માટે તેમના ફંડ્સના હેજિંગની જરૂરિયાત રહે છે. જેને કારણે તેમની ઈન્વેસ્ટમેન્ટ કોસ્ટમાં વૃદ્ધિ થાય છે. જો દાખલાથી આ વાતને સમજીએ તો ચાલુ વર્ષે સૌથી મોટા આઈપીઓ ઝોમેટો અને નાયકામાં ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યૂશ્નલ કેટેગરી(ક્વિપ) હિસ્સાના ભરણા અનુક્રમે 50 ગણા તથા 90 ગણા છલકાયા હતાં. એટલેકે કોઈ એફપીઆઈએ નાયકાના આઈપીઓમાં રૂ. 900 કરોડના શેર્સ માટે અરજી કરી હશે તો તેને ફાળવણી તો માત્ર રૂ. 10 કરોડની જ થશે.
એફઆઈઆઈ વર્તુળોના જણાવ્યા મુજબ ઘણા દેશોમાં આઈપીઓ માટે માર્જિન ફંડીગનો ખ્યાલ અસ્તિત્વમાં છે. આઈપીઓમાં માગ સામે ફાળવણીનો હિસ્સો ખૂબ જ નાનો હોય છે ત્યારે આ એક વાસ્તવિક અભિગમ છે. એફપીઆઈએ સેબીને જણાવ્યું છે કે ભારતીય નિયમોને કારણે તેમની કેપિટલ એલોકેશન સ્ટ્રેટેજિસ પર અસર પડી રહી છે. જો વિદેશી રોકાણકારોની માગને માન્ય રાખવામાં આવે તો તેમણે આઈપીઓમાં અરજીના સમયે માત્ર નાનો હિસ્સો ચૂકવવાનો રહે. બાકીની રકમ જો તેમને શેર્સની ફાળવણી થાય તો જ ચૂકવવાની રહે. દેશમાં એલઆઈસી સહિતના કેટલાંક મેગા આઈપીઓ આગામી સમયગાળામાં પ્રાઈમરી માર્કેટમાં પ્રવેશવાના છે ત્યારે એફઆઈઆઈની માગણી મહત્વની બની રહે છે. માર્કેટ નિષ્ણાતોના મતે જો તમામ ક્વિબ રોકાણકારોને માર્જિન ફંડીગની છૂટ આપવામાં આવે તો સેકન્ડરી માર્ટેસની વોલેટિલિટીમાં ઘટાડો થઈ શકે છે. ખાસ કરીને બજારમાં એક સાથે આઈપીઓની લાઈન લાગી હોય તેવા સમયે સેકન્ડરી માર્કેટમાંથી ફંડ બહાર જતું અટકી શકે છે. જોકે નામ નહિ આપવાની શરતે એક ઈન્વેસ્ટમેન્ટ બેંકર જણાવે છે કે આમ કરવાથી કેટલાંક આઈપીઓમાં ડિફોલ્ટનો સામનો કરવાનો થઈ શકે છે. તેમના મતે માર્જિન ફંડીંગને કારણે સફળ આઈપીઓમાં ઓવરસબસ્ક્રિપ્શનનું પ્રમાણ ઊંચું જોવા મળી શકે છે. જ્યારે નિષ્ફળ આઈપીઓમાં નાદારીની શક્યતાં પણ ઊભી થાય છે.

Rushit Parmar

Recent Posts

Rubicon Research IPO: Apply for Short-Term Gains?

Unlocking an Upcoming Investment Opportunity: Rubicon Research IPO Rubicon Research is making headlines with its…

4 weeks ago

Canara Robeco IPO: Apply for Short-Term Gains or Avoid?

Unlocking the Canara Robeco Asset Management Company IPO: A Guide for Every Investor Did you…

4 weeks ago

Tata Turmoil: 5 Secrets to Protect Your Wallet Now

Imagine you’re at a big family gathering and suddenly, your relatives start arguing about who…

4 weeks ago

Shlokka Dyes IPO Verdict: Apply for Short-Term Gains?

Shlokka Dyes IPO: Is It Worth Your Investment? Did you know that Shlokka Dyes is…

4 weeks ago

LG India IPO Verdict: Apply for Listing Gains Today!

LG India IPO: Should You Buy a Piece of Your TV and Fridge Company? Introduction…

4 weeks ago

5 Simple Steps to Secure a Wealthy Retirement Before 40

Did you know that starting your retirement planning in India before your 40s can make…

4 weeks ago

This website uses cookies.